વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: સપ્ટેમ્બર 2011

શ્રી ચીમનભાઈ પટેલ (ચમન) ની આધુનિક સામાજિક વાર્તા “બાગબાન કા બસેરા “

મારી આ પહેલાની પોસ્ટમાં મેં એક નેકદિલ શિક્ષકના જીવનની કરુણ કથની રજુ કરતી મારી એક
વાર્તા “પત્ની છાયા” મૂકી હતી .મારા ઈ-મેલમાં આ વાર્તા અંગે ઘણા વાચકોનો સારો એવો પ્રતિભાવ મળ્યો હતો. પ્રોત્સાહનના શબ્દો માટે સૌનો આભાર.

આજની પોસ્ટમાં આવા જ વિષય ઉપરની એક વાર્તા”બાગબાન કા બસેરા” મૂકી છે જેના લેખક છે શ્રી ચીમનભાઈ પટેલ (તખલ્લુસ- ચમન) છે. તેઓ હયુસ્ટન,Texas રહે છે. તેઓ જાણીતા હાસ્ય લેખક છે અને એમનું હાસ્ય લેખોનું પુસ્તક “હળવે હૈયે” ખુબ વખણાયું છે.મારા ઈ-મેલમાં મળેલી એમની આ એક આધુનિક સામાજિક પાસાને રજુ કરતી વાર્તાને મારા બ્લોગમાં મુકવાની સંમતી આપવા બદલ એમનો આભાર માનું છું.

શ્રી ચીમનભાઈની વાર્તા પુરી થાય એ પછી એમનો પરિચય આપતો એક લેખ ” હાસ્ય દરબાર “ગુજરાતી બ્લોગના સૌજન્યથી આજની આ પોસ્ટમાં મુક્યો છે. આ બ્લોગના સંચાલક શ્રી વલીભાઈ મુસાએ એમની રમુજી શૈલીમાં હાસ્ય દરબારના ૫મા રત્ન તરીકે પસંદ પામેલા શ્રી ચીમનભાઈનો પરિચય કરાવ્યો છે.શ્રી વલીભાઈ અને હાસ્ય દરબારના સહ સંચાલક તાજેતરમાં મારા એક મિત્ર બનેલ શ્રી સુરેશભાઈ જાનીનો આભાર માનવાની તક લેતા આનંદ થાય છે.

બાગબાનકા બસેરા લેખક- ચિમન પટેલ ( ચમન )

દીકરાની વાતને ચંદ્રકાંત આ વખતે અવગણી ન શક્યો !
દીકરાએ વાત પણ કેવી રીતે શરુ કરી :” ડેડી, બાના મૃત્યુ પછી તમે એકલા પડી ગયા છો.
હું આ જ શહેરમાં ઘર લઈને રહેતો હોઉ તો તમને આ સ્થિતિમાં એપાર્ટમેન્ટમાં એકલા રહેવા કેમ દેવાય! તમે અમારા ભાવિ માટે હિમ્મત કરી અમેરીકા આવ્યા. અમને સારું શીક્ષણ આપ્યું. અભ્યાસના વર્ષોમાં રજા”માં અમને નોકરી પણ ન કરવા દીઘી કે, જેથી અમે અભ્યાસમાં પાછા ન પડી જઈએ. અમારી નાની-મોટી માગણીને તમે પુરી પાડી. આજે એ ઋણ અદા કરવાની અમને તક મળી છે; ત્યારે એ અમે કેમ જતી કરીએ!’’

ચંદ્રકાન્ત એકલો એકલો ડ્રૉઈંગરુમમાં એના એકના એક દીકરા અશ્લેશના એ શબ્દોને યાદ કરતો આંટા મારતો હતો.

દરેક ભારતીય મા-બાપ અંદરથી ઈચ્છતાં હોય છે કે, એમના દીકરા ભણીગણી એમના જ શહેરમાં નોકરી મેળવી સ્થાયી થાય. ચંદ્રકાન્તની પણ એવી જ ઈચ્છા હતી; અને એ ફળી પણ હતી.
ચંદ્રકાન્ત ભુતકાળને યાદ કરી કરીને વિચાર્યે જતો હતો.

દિકરાનાં લગ્ન થયાંને એકાદ વર્ષ થયું હશે કે, એણે સામે ચડીને દીકરા અને પુત્રવધુને વાત કરેલીઃ
‘‘આજે મારે તમને એક વ્યવહારીક વાત કરવી છે. દીકરો પરણીને મા-બાપ સાથે રહે એ કોને ન ગમે? સાથે સાથે, મા-બાપ સાથે કેટલું રહેવું એ પણ આજના જમાનામાં વિચારવા જેવું છે.અમે અમારા મા-બાપની સાથે ઘણાં વર્ષો ભેગાં રહ્યાં છીએ. એમાંથી અમને ઘણા કડવા મીઠા અનુભવો પ્રાપ્ત થયા છે. તમે બંને અમારી સાથે રહીને કડવા અનુભવોથી કરમાઈ જાવ, તે પહેલાં મારે તમને સજાગ કરવા છે. તારી બા અને અંકિની વચ્ચે અત્યારે તો સુંદર મેળ છે.બન્ને સારી રીતે હશે છે બોલે છે. પણ, વાસણ ઘરમાં હોય તો કોક દી’ ખખડવાના! સમાજમાં જેમ બનતું આવ્યું છે તેમ ઘરની સ્ત્રીમાં કડવાશ પેદા થવાની જ છે. મારી ઈચ્છા છે કે એ કડવાશ આ ઘરમાં પ્રવેશે એ પહેલાં પાણી પહેલાં પાળ કેમ ન બાંઘવી ? “

“તમે બંને સારું કમાવ પણ છો. અત્યારે તમારે હરવા-ફરવાની ઉંમર છે. એકબીજાની વઘારે નજીક જઈ અન્યોન્યને પુરક બનવાનું છે. તમે બંને પાછા એમ ન માની લેતા કે હું તમને આ ઘરમાંથી કાઢવા તૈયાર થયો છું. સંયુકત કુટુંબમાં રહીને મેં જે ગુમાવ્યું છે; તે તમે ન ગુમાવો એ જોવાની મારી ફરજ થાય છે. અત્યારે અમારી આર્થિક અને શારીરિક સ્થિતી સારી છે એટલે અમે બંને એકલાં પણ રહી શકીશું. અમારાથી અલગ રહેવાથી તમને જવાબદારીનું ભાન વહેલું આવશે. બચત કરવાની તક વહેલી પ્રાપ્ત થશે. અલગ રહેવાથી આપણી વચ્ચેનો સબંઘ અને પ્રેમ વઘારે મજબુત બનશે. લાંબા સમય સુઘી ભેગા રહેવાથી મોડું વહેલું મનદુખ થવાનું જ છે. મન અને મોતીમાં એક વાર તીરાડ પડે, પછી એને સાંઘવી અઘરી છે. મને એ પણ ખબર છે કે તમે સામે ચાલીને જુદાં રહેવાની માગણી કરવાના નથી! એટલે જ આજે હું સામે ચાલીને આ વાત મુકું છું. તમારી ઈચ્છા હોય એટલું અમારી સાથે તમે રહો. જે પળે તમને જુદાં થવાની ઈચ્છા થાય, તે ક્ષણે અમને જણાવતાં અચકાશો નહીં. તમે આ બાબતમાં વિચાર કરી, મને મૌખીક કે કાગળ પર ટપકાવીને જણાવશો તો મને ગમશે.’’

પુત્ર કરતાં પુત્રવધુ અંકીને ચંદ્રકાન્તની આ વાત જલદી ગળે ઉતરી ગઈ!
પત્ની પડખે હતી ત્યાં સુઘી ચંદ્રકાન્તને એની રીટાયર્ડ જિદગી એકલવાયી ન લાગી. પત્નીના અણઘાર્યા અવસાન પછી એને આ એકલવાયી જિદગી ઘણીવાર ગુંગળાવી જતી હતી. એટલે જ દીકરાની વાત એને ગળે ઉતરી અને સ્વીકારી પણ લીઘી.

એક દિવસ સાંજના બઘાં ભેગાં મળી ટી.વી. જોતાં હતાં ત્યારે ચંદ્રકાન્તે ઘીરેથી દીકરા આગળ વાત મુકીઃ ‘‘ અશ્લેશ, મારે એક સારામાંના વોકિંગ શુઝ લાવવા છે.’’ રવિવારના છાપામાંથી કાપી રાખેલી જાહેરખબરની કાપલી દીકરાના હાથમાં મુકતાં એમણે ઉમેર્યુ, ‘‘મારે તો આ‘નાઈકી’ના એરવાળા લાવવા છે!’’
જાહેર ખબરની કાપલી સામે જોતાં જ અશ્લેશ ચમકીને બોલ્યો ‘‘ડેડી, આ તો ૧૧૦ ડૉલરના શુઝ છે! આટલા મોંઘા શુઝ અને તે પણ ચાલવા માટે?’’
‘‘મોંઘા તો છે.’’ સંમત થતાં ચંદ્રકાન્ત બોલ્યો. “પણ, ક્વોલિટીવાળા શુઝ આવે છે. ચાલવામાં સારા પડે છે. હવે મારી ઉંમર થઈ એટલે સારા શુઝ હોય તો પગને ઈજા થવાના ચાન્સ પણ ઓછા.
ચાલવા માટે સારા શુઝ હોવા જોઈએ, એ વાત સાથે હું સંમત થાઉ છું, પણ એ માટે ‘નાઈકી’ના એરવાળા જ જોઈએ એ કંઈ જરૂરી છે?’’

પોતાના પોકેટમાંથી પૈસા કાઢવાના આવે ત્યારે સૌને સસ્તી ચીજો તરફનો મોહ જાગતાં વાર નથી લાગતી!
‘‘તને યાદ છે,દિકરા?’’ ચંદ્રકાન્ત બોલ્યો.‘‘આ ‘નાઈકી’ના એરવાળા શ્યુઝ જ્યારે પહેલી વાર નિકળેલા ત્યારે એ લેવા તેં કેવી જીદ કરેલી. એ વખતે મેં તને ‘આટલા મોંઘા ભાવના શુઝ શું કરવા છે?’ તેમ મેં પણ પુછેલું. તારું મોં પડેલું જોઈ તારી બાએ મારી સાથે ઝગડો કરીને તને ‘નાઈકી’ના શુઝ અપાવેલા. યાદ આવે છે તને ?’’
‘‘ઓ .કે.’’ અશ્લેશ ઢીલો પડતાં બોલ્યો. ‘‘કાલે જઈશું એ શ્યુઝ લેવા, ઓ .કે. !’’
અશ્લેશ પરાણે સંમત થતો હતો; એ ચંદ્રકાન્તને સમજતાં વાર ન લાગી.
બીજા દીવસે અશ્લેશે ‘કે-માર્ટ ’ના પાર્કિગમાં ગાડી વાળી ત્યારે ચંદ્રકાન્તથી બોલ્યા વગર ન રહેવાયું: ‘‘તારે ‘કે-માર્ટ ’માં કંઈ લેવાનું છે?’’
‘‘ના.’’ અશ્ર્લેષ બોલ્યો.‘‘આ તો તમારા શ્યુઝ જો અહીં સસ્તામાં હોય તો જોઈ લઈએ.
કે-માર્ટ’ માં શોપિંગ કરતાં તને હવે શરમ નથી આવતી? ’’ ચંદ્રકાન્તે સીઘો જ સવાલ કર્યો.
‘‘ડેડી, ‘કે-માર્ટ ’ હવે પહેલાના જેવો નથી રહ્યો. એમણે ઘણા બઘા સુઘારા કર્યા છે. નેઈમ બ્રાન્ડ વસ્તુઓ રાખતા થઈ ગયા છે. એટલે તો એમણે નામ બદલીને ‘બીગ કે-માર્ટ’ રાખ્યું છે.’’
ચંદ્રકાન્તને થયું કે, એના સવાલથી દીકરાને સમજાયું નથી કે, એ શું કહેવા માગતો હતો. એટલે એણે જ સ્પષ્ટતા કરવી પડી.‘‘તમે નાના હતા ત્યારે મારી સાથે ‘કે-માર્ટ’માં શોપીંગ કરવા આવતાં તમને શરમ આવતી. અમે અમારું શોપીંગ પતાવીને આવીએ ત્યાં સુઘી તમે ગાડીમાં જ બેસી રહેતા એ તને યાદ આવે છે?’’
અશ્લેશ કંઈ બોલ્યો નહીં. ચંદ્રકાન્તે વાતને આગળ વઘારતાં કહ્યું ‘‘તું માને કે ન માને પણ હવે મને ‘કે-માર્ટ ’માં જતાં શરમ આવે છે. એટલા માટે કે, મારી ઉંમરના કોઈ મને અહીં જોઈ જાય તો એ લોકો મનોમન વીચારવાના કે મેં રીટાયર્ડ થઈ કમાતા દીકરા અને પુત્રવધુની સાથે રહીને ‘કે-માર્ટ ’માં શોપીંગ કરવાનું છોડયું નથી!’’
‘‘તો પછી તમારે કયા સ્ટોરમાંથી શુઝ ખરીદવા છે ?’’ ઊંચા અવાજે અશ્લેશે પુછયું.
પોતાના પગ તળે પાણીનો રેલો આવે એ કોઈને ગમતું નથી અને પાણી પહેલાં પાળ કોઈ ને બાંઘવી નથી.
‘‘તારા શુઝ ખરીદવા તું અમને “શમાન’માં કાયમ ઘસડી જતો હતો એ તો યાદ હશે તને?’’ ચંદ્રકાન્તે કઠોર થઈને કહ્યું.‘મારે પણ એ જ સ્ટોરમાંથી શુઝ ખરીદવા છે; સ્પોર્ટસનો સ્ટોર છે ને એટલે !’’
મુંગા મુંગા અસ્લેશે ગાડી એ તરફ ઘસડી.
થોડાં અઠવાડીયાં પછી ચંદ્રકાન્તે એક ટી.વી. ખરીદવાની વાત દીકરા આગળ મુકીઃ ‘‘ તમે બન્ને તમારા પ્રોગ્રામો આ ટી.વી. પર જુઓ છો; ત્યારે હું પરાણે તમારી સાથે ટી.વી. જોઉં છું. જો મારી રુમમાં એક અલગ ટી. વી. હોય તો, હું મારા પ્રોગ્રામો એકલો એકલો જોઈ શકું અને તમે લોકો તમારા પ્રોગ્રામો આ ટી.વી. પર જોઈ શકો.’’
‘‘કયો ટી.વી. ખરીદવો છે, ડેડી? ’’ અશ્લેશે પુછયું.
‘‘સોનીનો. તને ખુબ ગમે છે ને ? સાથે સાથે ઉમેર્યુ ’’ભેગા ભેગા એક ‘વી.સી.આર.’ પણ ખરીદવો છે કે જેથી હું મારી રુમમાં બેઠો બેઠો મહાભારત જેવી કેસેટો લાવી જોઈ શકું. ’’
એકાદ મહીનામાં બાપ દીકરા વચ્ચે કોઈ પણ ચર્ચા કર્યા વિના, ચંદ્રકાન્તની રુમમાં નવો ટી.વી.અને ‘વી.સી.આર. આવી ગયાં.

એક દિવસ ચંદ્રકાન્તની ગાડી બગડી અને રસ્તામાં જ અટકી ગઈ. અશ્લેશે આવીને એને ‘ટો’ કરાવી. ઘરમાં પગ મુકતાં જ ચંદ્રકાન્તે દીકરાને મનની વાત કરી.‘‘બેટા, મારી ગાડી હવે ખુબ જુની થઈ ગઈ છે. તું જો અપાવે તો, એક નવી ગાડી ચલાવવાની મારી ઈચ્છા છે. તમને ભણાવવામાં મેં આજ સુઘી જુની ગાડીને જ ચલાવી છે. તારી બાની પણ ખુબ ઈચ્છા હતી કે, હું એને નવી ગાડીમાં ફેરવું. એ બિચારીને તો નવી ગાડીમાં ફરવા ન મળ્યું ! મને જો નવી ગાડીમાં ફરવાનું મળશે તો, અમારા બંનેની ઈચ્છાઓ ” પુરી થતાં એના આત્માને પણ શાંતી જરુંર મળશે.’’
દીકરાની માંગ બાપ કરતાં માનાથી જલદી પુરી કરાય છે. એ કારણે, દરેક દીકરાને બાપ કરતાં મા પ્રત્યે લાગણી વઘારે હોય છે ! માની વાત આવતાં અશ્લેશને કોઈ પણ દલીલ કરવાનું મન ન થયું. આમેય એને ખબર હતી કે, એના ડેડીએ કદી નવી ગાડી ખરીદી નો’તી. જ્યારે જ્યારે એ એના ડેડીને નવી ગાડી ખરીદવાનું કહેતો હતો; ત્યારે એના ડેડી એના અભ્યાસના ખર્ચાની વાત આગળ લાવી મુકતા અને નવી ગાડીની વાત ત્યાં જ અટકી જતી.
‘‘કઈ ગાડીની ઈચ્છા છે, ડેડી ?’’ અશ્લેશે પુછયું. અશ્લેશ આટલી સહેલાઈથી સમજી જશે, એ ચંદ્રકાન્તે ઘાર્યુ નો’તું ! લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ઘોવા ન જવું જોઈએ!
‘‘લેક્સસ’ તને કેવી લાગે છે?’’ ચંદ્રકાન્તે પુછયું.
‘‘સારી છે અને તમને ફાવશે પણ ખરી.’’
ગાડીનો સોદો કરતી વખતે ચંદ્રકાન્તે રેડીયો અપગ્રેડ કરાવીને સી.ડી. પ્લેઅરની વાત કરી ત્યારે અશ્લેશ અકળયો. ‘‘ ગાડી સાથે કૅસેટ પ્લેઅર તો આવે જ છે. પછી સી.ડી. પ્લેઅરની શી જરુર છે?’’
‘‘એક વાર સી.ડી.નું સંગીત સાંભળીએ પછી કેસેટનું નથી ગમતું.’’ ચંદ્રકાન્તે દલીલ કરતાં કહ્યું. ‘‘આમેય તમારા શોખ પુરા કરવા મેં આજીવન મારા શોખ દબાવી જ રાખ્યા હતા.’’ ભુતકાળને યાદ કરીને એમણે ઉમેર્યુ: ‘‘તારી નવી ગાડી લીઘી ત્યારે તેં કેટલો ખર્ચ કરાવ્યો હતો? ગાડીની સાથે આવેલો રેડીયો તેં અપગ્રેડ કરાવીને મોટા મોટા સ્પીકરો ગાડીમાં નંખાવેલા. અને સી.ડી. ચેન્જર પણ નંખાવેલું . ત્યારે મેં તને કહેલું કે, ‘આ બઘા પૈસા તું ભણવા પાછળ ખર્ચતો હોય તો? આ બઘા શોખ કમાઈને કયાં પુરા કરાતા નથી!‘ આ બઘી વાતો તને ત્યારે ગળે ઉતરી નો’તી!’’
અશ્લેશ મુંગો મુંગો બઘુ સાંભળી રહ્યો હતો.
ઘેર પાછા આવતાં ગાડીમાં અશ્લેશે વ્યંગમાં ચંદ્રકાન્તને પુછયું ‘‘ડેડી, ગાડીમાં બીજું કંઈ અપગ્રેડ કરાવવું હોય તો બોલજો. ’’

અશ્લેશના આ કથનમાં કડવાશ છલકાતી હતી; એ ચંદ્રકાન્તને સમજતાં વાર ન લાગી. એટલે જ, ગાડીના કાચને ટીન્ટ કરાવવાની મનેચ્છાને મારવી પડી.

ચંદ્રકાન્તની નાની-મોટી માંગણીઓ ” દીન-પ્રતીદીન વઘતી જતી હતી. એની માંગણીઓથી દીકરા અને પુત્રવધુના મોંના બદલાતા જતા ભાવોને વાંચી વાંચી ચંદ્રકાન્ત વીચારોમાં ખોવાઈ જતો હતો.
એક રાતના ચંદ્રકાન્ત સુઈ ગયા છે, એની ખાતરી કરીને અંકીએ અશ્લેશને વાત છેડીઃ ‘‘ હું તો તને પહેલેથી જ કે’તી હતી કે, ડેડીને આપણા ભેગા રહેવા આવવાનું દબાણ ન કરતો. આપણા ભેગા લાવીને તેં શું કાંદા કાઢ્યા! નાના બાળકની જેમ એમની માગણીઓ દીન-પ્રતીદીન વઘતી જ જાય છે. આપણને પોસાશે કે નહીં, એનો વીચાર તો એ કરતા જ નથી ! વસ્તુંઓ માગે છે તો એ ટોપ લાઈનની જ માંગે છે. બાના ગયા પછી એ ઘણા જ બદલાઈ ગયા છે. વાત વાતમાં તારી પાછળ એમણે કેટલો ખર્ચ કર્યો; એ આગળ લાવી તને બોલતો જ બંઘ કરી દે છે. હવે જો ડેડી અહીંથી જવા માંગે તો તું પાછો એમને દબાણ કરતો નહીં.’’ અશ્લેશે પીતાનો બચાવ કરવા દલીલો તો કરી; પણ પત્નીના વાક્બાણોથી ઘાયલ થતાં એ આગળ લડી ન શક્યો !

ચંદ્રકાન્તે બંનેની સઘળી વાત અર્ઘનીદ્રામાં સાંભળી તો લીઘી, પણ એની ઉંઘ જ ઉડી ગઈ ! ખુલ્લી આંખે પથારીમાં મળસ્કે સુઘી એણે આળોટયા જ કર્યુ. મનોમન એક નીશ્ચય કરી લેતાં એને ઉંઘ તો આવી ગઈ.
બીજા દીવસે બપોરના એક ચીઠ્ઠી લખવા એણે પેન ઉપાડી.
“ચી. અશ્લેશ અને અંકીની,

ગઈ કાલે રાતના અંકીની વાત અને તમારી બન્નેની વચ્ચે મારી બાબતે જે વાદવિવાદો થયા; તે મેં ઉંઘમાં સાંભળ્યા. મારી માંગણીઓ અંકીનીને હદ-પાર વીનાની જરુર લાગી હશે, પણ એની પાછળની મારી ફીલોસોફી તમે બંને સમજયાં નથી; એટલે એ અંગેની સ્પશ્ટતા મારે કરવી પડશે.
મેં જેમ અશ્લેશની નાની-મોટી માંગણીઓને સંતોશી; તેમ તમે લોકો તમારાં ભાવી બાળકોની માંગણીઓને કેવી રીતે સંતોષશો એ મારે જોવું હતું; અનુભવવું હતું. તમારા બાળકોની માગણીઓ તો ખુબ જ આઘુનીક અને ખર્ચાળ હશે. તમને ઘડી ભર ‘અપ-સેટ’ કરી દે એવી હશે. મેં તો મારા શોખને બાજુ પર રાખી તમારા શોખને પુરા કર્યા; પણ તમે તમારા બાળકોની માંગણી પુરી કરવા તમારા શોખ પડતા નહીં મુકો; એટલે એ માટે તમને અત્યારથી જ તૈયાર કરવા મેં એક નાટક તમારા ઘરમાં આવીને ભજવ્યું છે.
સાથે સાથે મારે એ પણ જોવું હતું કે, તમે લોકો મારી કેવી કાળજી લો છો. સારું છે કે હું શારીરીક અને આર્થીક રીતે સઘ્ઘર છું; ત્યારે તમે લોકોએ મારી આંખ ખોલી છે. સારું છે કે, મેં મારી બચત તમારા નામે ટ્રાન્સફર કરી નથી. તારાં બાની તો ઈચ્છા હતી કે, અમારા ગુજરાન જેટલું રાખીને બાકીની રકમ તમારા નામે ટ્રાન્સફર કરવી. પણ મેં જ એને સમજાવીને કહ્યું હતું કે, ‘આપણા બન્નેના અવસાન પછી આ બઘુ આપણા દીકરાનું જ છે. અને એ ત્યારે સમજી પણ ગઈ હતી.
હું મારા એપાર્ટમેન્ટમાં પાછો જાઉ છું, પણ તમારી સાથેનો સંબંઘ તોડીને જતો નથી. આપણા સંબંઘમાં એક નાની તીરાડ પડી છે એ વઘારે ઉંડી ઉતરે એ પહેલાં એને મારે સાંઘી લેવી છે. તમારે ત્યાં હું અવાર નવાર આવતો રહીશ. તમારા બંનેના સંબંઘો મારા કારણે બગડે નહીં ; એ મારા માટે ખુબ મહત્વનું છે. મારે તો બહુ વર્ષો હવે કાઢવાનાં નથી. તમારી આગળ તો લાંબી મંઝીલ પડી છે. અને તમે બંને હાથમાં હાથ મિલાવી એ મંઝીલ પાર કરો એમાં જ મારી ખુશી છે. અત્યારે હું અલગ રહું એ બન્ને માટે સારું છે. સાજા માંદા વખતે તમારી મદદ માગીશ અને તમે એ પ્રેમથી પુરી પાડશો, એની મને ખાતરી છે.
મને અને આ પત્રને સમજવાની કોશીશ કરશો એ આશા સહ; શુભેચ્છા સાથે.. આશીર્વાદ આપતો વીરમું છું.”

– તમારો ડેડી.

______________________________________________________________________________

હાસ્ય દરબારનાં રત્નો – 5 (રત્નાંક – 5) લેખક -શ્રી વલીભાઈ મુસા

* ચીમન પટેલ (ચમન )

‘ધરા – ગુર્જરી’ એવોર્ડથી સન્માનિત એવા બહુમુખી પ્રતિભા ધરાવતા હ્યુસ્ટન (અમેરિકા) ખાતે સ્થિત શ્રી ચીમનભાઈ પટેલ ‘ચમન’ ને મારા તાજેતરના અમેરિકાના પ્રવાસ દરમિયાન પ્રદીપભાઈ બ્રહ્મભટ્ટના ત્યાં સુરેશભાઈ જાની અને મને કેન્દ્રમાં રાખીને યોજવામાં આવેલા લઘુ સાહિત્ય સંમેલનમાં મળવાનું થયું હતું. પ્રદીપભાઈના નિવાસસ્થાને જાવન અને મારા નિવાસસ્થાને પરત આવન માટેના ખનિજતેલરથના મારા સારથિઓ અનુક્રમે વિજયભાઈ શાહ અને ચીમનભાઈ પટેલ હતા. ઉંમરમાં મારાથીય આઠેક વર્ષે મોટા છતાંય તરવરિયા જુવાન લાગતા શ્રી ચીમનભાઈ માત્ર પ્રવૃત્તિશીલ રહેવાના હેતુમાત્રથી હજુય હ્યુસ્ટન ખાતે પેટ્રોકેમિકલ કંપનીમાં તેમના પુત્ર મિનેષ સાથે એક જ કંપનીમાં જોબ કરી રહ્યા છે.

ભારત ખાતે સિવિલ એન્જિનીયરીંગ અને અમેરિકા ખાતે એમ. એસ. (સ્ટ્રક્ચરલ) ભણેલા એવા આ જણની સાહિત્યાદિ કલાઓ સાથેની આત્મીયતા અને તે સઘળામાં આત્મસાતતા ધરાવવી એ The rarest of the rare ઘટના કહેવાય. ‘કાલ કરે સો આજ કર’ એ જીવનસુત્ર સાથે પ્રવૃત્તિમય જીવન જીવતા ચીમનભાઈ સાથે સંમેલન અને વાહનમાં અડોઅડ બેસવાનું અને તેમની સાથે વાતો કરવાનું થતાં એમ લાગ્યું કે જાણે અમે બંને એકબીજાથી ચિરપરિચિત હોઈએ. સાહિત્યસર્જનમાં ખાસ તો હાસ્ય સાહિત્ય ઉપર સાહજિક પ્રભુત્વ ધરાવતા ચીમનભાઈ વધારામાં કાર્ટુનીસ્ટ, પેઈન્ટર અને ટેનિસ પ્લેયર પણ છે. યોગાસનો એ તેમનું તંદુરસ્તીનું રહસ્ય છે, તો વળી સ્ટ્રક્ચરલ એન્જિનીયર તરીકે ખિલાસરીનાં જંગલો ઊભાં કરનાર તેઓશ્રી શાકભાજીની ખેતી પણ કરી જાણે છે. વિજયભાઈના શબ્દોમાં કહીએ તો તેઓશ્રી સારા સભાસંચાલક તથા સમયસર અને સમયબદ્ધ મુશાયરાઓનું સંચાલન પણ કરી શકે છે.

હિંદીમાંના એક મુહાવરા ‘સુબહકા ભુલા હુઆ, શામકો ઘર લૌટે તો ઉસે ભૂલા નહીં કહા જા સકતા’ ની જેમ સુરેશભાઈ અને મારે હ્યુસ્ટન ખાતે ચીમનભાઈના ઘરે સવારે જવાનું હતું, પણ ‘શિકારકે વક્ત કુતિયા હઘનેકો ચલી’ જેવું થયું અને સુરેશભાઈ આગલા દિવસની સાંજે જ અમારા સારથિ તરીકે આવેલા તેમના પુત્ર વિહંગની પાંખે વળગીને કારણોવશાત્ ડલાસ (મેન્સફિલ્ડ) ખાતે ઘરભેગા થઈ ગયા હતા. મારું તેમને અને અન્ય ભાઈબહેનોને મળવું નિયતિના આયોજનમાં હશે જ અને તેથી જ તો અઠવાડિયાનો કાર્યદિવસ હોવા છતાં અમે બધાં મુક્તમને અને હળવા ભાવે મળીને જ રહ્યાં. હ્યુસ્ટન સાહિત્યસરિતા સાથેની તેમની ઉત્સાહી સભ્ય તરીકેની ગાઢ નિકટતાએ તેમને સમયસર મને મળવા માટે બોલાવી લીધા હતા અને આમ અમારા બધાયનું સુભગ મિલન શક્ય બન્યું હતું.

અહીં આ હાદરત્ન તરીકેની પરિચયલેખમાળામાં જ્યારે તેમના વિષે કંઈક લખવામાં આવી રહ્યું છે, ત્યારે હાસ્યદરબાર પરત્વેના તેમના યોગદાનને સંભારવું જ રહ્યું. હાસ્યદરબારના પ્રારંભિક તબક્કામાં જ્યારે તેને હાસ્યને લગતા બ્લોગલેખકોની જરૂર હતી, ત્યારે ચીમનભાઈએ તેને સધિયારો પૂરો પાડ્યો હતો. આ બ્લોગ ઉપર તેમના નામે અને ઉપનામે શોધ કરવામાં આવે તો આપણને તેમની વાર્તાઓ, હાસ્યલેખો, હાસ્યકવિતાઓ, કાર્ટુન, જોક્સ વગેરે જડી આવશે. તેમની હાસ્ય કવિતાઓ ‘તમારા થયા પછી’ અને ‘બેસતા કરી દીધા’ બતાવી આપે છે કે તેમના દિલોદિમાગમાં હાસ્યવૃત્તિની સાથે સાથે કવિત્વશક્તિ પણ ભારોભાર ધરબાએલી પડી છે.

લેખ સમાપને, ચીમનભાઈની એક ગંભીર અને હૃદયસ્પર્શી વાર્તા ‘બાગબાન કા બસેરા’ ને યાદ કરું છું. વાર્તાનો અંત બે પેઢી વચ્ચેના ટકરાવના બદલે સમાધાનકારી વલણે આવે છે. હું તો મારા આ ટચુકડા લેખને હળવો ફૂલ જેવો બનાવવા માટે ઉપરોક્ત વાર્તાના સમાંતરે એવા કોઈ ગ્રામ્ય વાતાવરણવાળા અને સમાધાનકારી નહિ, પણ અંતિમવાદી નિર્ણયને અમલમાં મૂકતા એક વિધુર ડોસાના પાત્રની કલ્પના કરું છું. વરસાદની ભીનીભીની મોસમમાં ભજિયાં ખાવાની તીવ્ર ઈચ્છા સામે પુત્રવધુનો છણકાયુક્ત નકારાત્મક જવાબ સાંભળીને જરાપણ અકળાયા વગર તે ખામોશ રહે છે. બીજા દિવસે પાડોશી ગામેથી એક વિધવાને નાતરે લાવીને ઘરમાં પ્રવેશતાં જ ધીમેથી રસોડામાં રાંધતી પુત્રવધુને થોડા સમય માટે તેની નવી સાસુને રસોડું સોંપી દેવા જણાવે છે કે જેથી તેણી ઘરનાં બધાંયના માટે, આડોશીપાડોશી અને આખા મહેલ્લાના માણસો ધરાઈ ધરાઈને ખાઈ શકે તેટલા મોટા જથ્થામાં તગારાં ભરીને ભજિયાં બનાવી શકે!

અલમ અતિ વિસ્તરેણ,
– વલીભાઈ મુસા
____________________________________________________________________________
આભાર દર્શન

શ્રી ચીમનભાઈએ મને ગુજરાતીમાં લખવા માટે હંમેશા ફોન ઉપર પ્રોત્સાહન આપ્યું છે અને તેથી
એમની પ્રેરણાથી આળસ મુકીને માંરા લેખો ,વાર્તાઓ કાવ્યો વિગેરે લખ્યા કર્યા અને સામયિકોમાં
મોકલ્યા અને સ્વીકારાયા. આથી લખવા માટે મારો ઉત્સાહ વધતો જ ગયો. મારા બ્લોગ માટે પણ એમના ઉત્સાહજનક શબ્દો માટે એમનો આભારી છું.મને લખવા માટે પ્રોત્સાહિત કરનાર બીજી અગત્યની વ્યક્તિઓમાં મારા વિદ્યા ગુરુ અને લેખક શ્રી મોહનલાલ પટેલ ,લેખિકા અવન્તીકાબેન ગુણવંત અને ગુંજન સામયિકના તંત્રી અને લેખક શ્રી આનંદરાવ લિંગાયત છે. મને કોમ્પુટરમાં ગુજરાતીમાં લખવાની પ્રેરણા એમની મળી ન હોત તો હું કદાચ મારો બ્લોગ શરુ કરી શક્યો ન હોત. આજે પણ ફોન ઉપર આ સજ્જનો મારો ઉત્સાહ વધારતા જ રહે છે. મેં મારો ગુજરાતી બ્લોગ શરુ કર્યો એ પછી શ્રી સુરેશભાઈ જાની ફોન ઉપર અને ઇમેલમાં ઘણા સૂચનો અને માર્ગ દર્શન આપી રહ્યા છે અને મને મારા બ્લોગ માટે ઉત્સાહિત કરી રહ્યા છે .
મારા બ્લોગનો એક માસનો સમય પૂરો થાય છે ત્યારે આ સહુ મહાનુભાવોનો ખુબ જ આભારી છું.

દેશ દેશની વિચારવા જેવી કહેવતો
અમેરિકન
૧. હરેક પ્રશ્નને બે બાજુ હોય છે. એક ખોટી અને બીજી આપણી .
૨. લગ્ન પહેલાં આંખો ઉઘાડી રાખો, લગ્ન પછી બંધ.
૩. સૌને રાજી રાખનાર કોઈને રાજી રાખી ન શકે.
૪. સુવર્ણના આભૂષણ કરતાં પ્રતિષ્ઠા વધુ શોભા આપે છે.
ફ્રેન્ચ
૧. આંખો મીંચે તે અંધારું જ જુએ.
૨. જેને બાંધતાં યુગ થાય તેને તોડતાં કલાક જ લાગે.
૩. દુઃખમાં માનવી ઘડાય છે, અને આબાદીમાં અમાનવી બને છે.
૪. નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું બીજું કોઈ નથી.

પરિપક્વતાના લક્ષણો

અનામી અંગ્રેજી કવિનું કાવ્ય છે જેમાં એણે મનુષ્યની માનસિક પરિપક્વતાનાં લક્ષણો સુંદર રીતે
વર્ણવ્યાં છે. કવિ કહે છે:
“ એ વ્યક્તિને પરિપક્વ કહેવાય કે જે ધૈર્યવાન છે ,જે લાંબા ગાળાના લાભ માટે તાત્કાલિક સુખને
જતું કરવા તૈયાર છે, જે ક્રોધ કે વિરોધ દર્શાવ્યા વિના ,બીજા સાથેના મતભેદને નિવારી શકે છે .
જે નિષ્ફળતાઓ મળવા છતાં પોતાના ધ્યેયને વળગી રહે છે. જે જાણે છે કે,પૂર્વગ્રહો,અસહિષ્ણુતા ,
ધિક્કાર અને વેરમાં વેળફી નાખવા માટે જીનગી બહુ ટૂંકી છે, જે નિરાશાઓ અને વિપત્તિઓનો
સામનો કડવાશ વિના કરી શકે છે , જે પરગજુ છે અને બીજાની જરૂરીયાતોને સહાનુભુતીપુર્વક
પૂરી પાડી શકે છે. જેનામાં “હું ખોટો હતો” એમ કહેવાની નમ્રતા છે અને અને પોતે સાચો હોય
ત્યારે “ મેં તો તમને કહ્યું હતું “ એમ ન કહેવા જેટલો આત્મસંયમ હોય , જે “ગુલાબને કાંટા હોય
છે “એવી ફરિયાદ નથી કરતો પણ કાંટા વચ્ચે પણ ગુલાબ ઉગે છે એનો આનંદ અનુભવે છે ,
જે ક્રિયા,વિચાર અને વાણી સાથે સુસંગત હોય છે ,જે મરી ચુકેલા ભૂતકાળની કે વણજન્મેલા
ભવિષ્યની જંજીરોમાં જકડાયા વિના વર્તમાનકાળમાં જીવે છે ,જે બદલી શકાય એવી વસ્તુઓને
બદલવા મથે છે અને ન બદલી શકાય એવી વસ્તુઓને અનુકુળ થતાં શીખે છે અને જે પોતાની
જાતને સતત પૂછ્યા કરેછે કે ,” શું હું પરિપક્વ છું ?”
-પ્રકાશ મહેતા કૃત “એકાંતનો કોલાહલ “ માંથી સાભાર

સુવાક્ય સંગ્રહમાંથી-
૧. મોટાઓની અલ્પતા જોઈ થાક્યો
નાનાની મોટાઈ જોઈને જીવું છું. ——ઉમાશંકર જોશી
૨. ઉપવાસ સહેલો છે પણ સંયમપૂર્વકનો આહાર રાખવો અઘરો છે
મૌન સહેલું છે પણ સંયમપૂર્વક બોલવું અઘરુ છે.——- વિનોબા ભાવે
૩. જીવનનું આ નુતન ગણિત ગોખી રાખજો.
સ્નેહના સરવાળા કરજો
ભુલચુકની બાદબાકી કરજો
સહકારનો ગુણાકાર કરજો
વેરઝેરઝેરના ભાગાકાર કરજો . —-અજ્ઞાત

સાન ડિયાગો
પોસ્ટ કર્યા તારીખ – સપ્ટેમ્બર ૨૯,૨૦૧૧ વિનોદ આર. પટેલ

પત્ની છાયા – એક નેકદિલ શિક્ષકના જીવનની કરુણ કથની

અમદાવાદથી પ્રકાશિત “ધરતી“ માસિકમાં, મે ૨૦૦૯માં પ્રગટ થએલી મારી એક “પત્ની છાયા “ નામની વાર્તાને આજે અહીં મારા બ્લોગની આજની પોસ્ટમાં નજીવા ફેરફાર સાથે મુકેલ છે.આ વાર્તામાં એક નેકદિલ આદર્શ શિક્ષકના જીવનની કરુણ કથા આલેખાઈ છે.આશા છે તમને વાંચવી ગમશે.

પત્ની છાયા

રમણલાલ જાની એક નાના ગામમાં ગોરપદું કરીને કુટુંબનો નિર્વાહ કરતા ગોર કરુણાશંકર જાનીના એકનાં એક પુત્ર હતા. નાનપણથી જ એમનામાં પિતાના ધાર્મિક સંસ્કારો ઉતર્યા હતા. રમણલાલે એમના ગામ નજીક આવેલ શહેરમાં જઈને હાઇસ્કુલ અને કોલેજનો અભ્યાસ પુરો કરીને બી.એ.(ઓનર્સ )ની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ એ જ શહેરની જાણીતી હાઇસ્કુલમાં શિક્ષક તરીકે જોડાયા હતા. રમણલાલે ખુબ ખંત અને ધગશપૂર્વકના શિક્ષણ કાર્ય અને મળતાવડા સ્વભાવથી થોડા સમયમાં જ શાળાના એક આદર્શ શિક્ષક અને વિદ્યાર્થીઓના પ્રિય “જાની સાહેબ “ તરીકેની ખ્યાતિ સંપાદન કરી હતી.

જાની સાહેબનાં ધર્મપત્ની મધુબેન અને એક નાના બાળ પુત્ર નામે નિખીલનું એમનું નાનું અને સુખી કુટુંબ શહેરની એક પોળમાં મકાન ભાડે રાખ્યું હતું ત્યાં આનંદમાં દિવસો વિતાવી રહ્યું હતું. રમણલાલનો આ આનંદ બહું લાંબો ન ટક્યો કેમ કે અચાનક એક ટૂંકી જીવલેણ માંદગીમાં સપડાઈને મધુબેન પતિ રમણલાલ અને પાંચ વર્ષના બાળક નિખીલને છોડીને આ ફાની દુનિયાનો ત્યાગ કરી ભગવાનને વહાલાં થઇ ગયાં.માત્ર એક જ દાયકાનું પ્રસન્ન દામ્પત્ય આમ એકાએક ખંડિત થઇ જતાં બિચારા રમણલાલ એકલવાયા અને અટુલા થઇ ગયા. યુવાન વયે જિંદગીનાં સોનેરી સ્વપ્નોમાં રાચતું સુખી જોડું ખંડિત થાય ત્યારે હૃદય ઉપર કેવો આઘાત થાય એતો જેને આવાં રામબાણ વાગ્યાં હોય એ જ જાણી શકે.અચાનક રમણલાલને માથે બાળક નિખીલને ઉછેરીને મોટો કરવાની,એને શિક્ષણ આપવાની અને ઘર ચલાવવાની સંયુક્ત મોટી જવાબદારી આવી પડી. આવા કઠિન સંજોગોમાં રમણલાલનાં સગાં-સંબધીઓ અને મિત્રોએ એમને ફરી લગ્ન કરવા માટે ખુબ સમજાવ્યા, પરંતુ આ આદર્શવાદી શિક્ષક ફરી લગ્ન ન કરવાના તેમના દ્રઢ નિર્ણયમાં અટલ રહ્યા.થોડા દિવસોમાં જ માથે આવી પડેલ કપરા સંજોગો સાથે એમણે મનોમન સમજૂતિ કરી લીધી.રોજ નિયમિત રીતે ગીતાપાઠ કરનાર આ જાની સાહેબ એક સ્થિતપ્રજ્ઞની માફક પોતાને શિરે આવી પડેલ આવી કપરી જવાબદારીના પડકારને હસતા મુખે સ્વીકારી લઈને તેમના કામકાજમાં મન પરોવીને લાગી ગયા.

કાળક્રમે પિતાની વડલા જેવી શીળી છાયામાં ઉછરી,સંસ્કાર પામી નિખીલ એની શાળાના અભ્યાસમાં અગ્રેસર રહ્યો. કોલેજનો અભ્યાસ પુરો કરી કમ્પ્યુટર એન્જીનીયરની ડીગ્રી સારા ગ્રેડ સાથે પ્રાપ્ત કરીને તુરત જ એક મલ્ટીનેશનલ કંપનીમાં સારા પગારે જોબ ઉપર લાગી ગયો.પોતાના પુત્ર નિખીલને એક સારો એન્જીનીયર બનાવવાની એમના હૃદયની મહેચ્છા આમ સુખ રૂપ પાર પડતાં રમણલાલને ઊંડો સંતોષ અને મનમાં ગર્વની લાગણી થઇ હતી.

રમણલાલ જાનીએ એમના શિક્ષક તરીકેના પગારમાંથી કરકસર, બચત અને ટ્યુશનો કરીને એકઠી કરેલ રકમમાંથી શહેરના સારા વિસ્તારમાં એક સોસાયટીના પ્લોટમાં સ્વતંત્ર માલિકીનો ત્રણ બેડ રૂમનો નવો જ બંધાયેલો નાનો બંગલો ખરીદી લીધો અને પોળનું ભાડાનું મકાન ખાલી કરીને પિતા-પુત્ર ત્યાં રહેવા આવી ગયા હતા. નિખીલે પોતાનો કોલેજનો અભ્યાસ ત્યાં રહીને જ પુરો કર્યો હતો.એમના આ બંગલાનું શું નામ આપવું એની બાપ-દીકરા વચ્ચે એકવાર ચર્ચા થયેલી ત્યારે નિખીલે રમણલાલને સૂચવ્યું હતું કે “ બાપુજી, તમોએ ખુબ મહેનત અને કષ્ટ વેઠીને એકઠી કરેલ રકમમાંથી આ બંગલો ખરીદ્યો છે એટલે એનું નામ “ પિતૃ છાયા “ આપવાની મારી ઈચ્છા છે.“ નિખીલના આવા લાગણી ભીના શબ્દો સાંભળીને રમણલાલ અંતરમાં ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. આ રીતે એમના બંગલાનું નામ “ પિતૃ છાયા “ રાખવામાં આવ્યું હતું અને આ નામની આરસની નાની તકતી બંગલાના કમ્પાઉન્ડમાં દાખલ થવાના દરવાજાની દીવાલમાં લગાડવામાં આવી હતી.

નિખીલ એન્જીનીયર બન્યો તેના થોડા વખતમાં જ એનાં લગ્ન એની જ જ્ઞાતિની બી.કોમ. પાસ કરેલ એની પસંદગીની એક પૂર્વી નામની કન્યા સાથે કરવામાં આવ્યાં. નિખીલની માતા મધુબેનના અવસાનથી ગૃહિણી વિહોણું થઇ ગયેલું રમણલાલ જાનીનું ઘર એમના પ્રિય દીકરાની વહુ પૂર્વીના ગૃહ પ્રવેશ સાથે એક ચાર દીવાલના ને છત વાળા મકાનમાંથી ઉલ્લાસભર્યું અને આશાભર્યું ઘર બની ગયું . રમણલાલના આંતરિક આનદની કોઈ સીમા ન રહી. એમનો આ આનંદ જાણે અધુરો ન હોય એમ નિખીલના લગ્ન થયાના બીજા વર્ષે જ પુત્ર વધુ પૂર્વીએ એક ગોરા-ગોરા પુત્રરત્નને જન્મ આપ્યો અને આ ન્વાન્તુક બાળકનું નામ ગૌરાંગ રાખવામાં આવ્યું. એમનું એક વખતનું અધૂરું કુટુંબ હવે સંપૂર્ણ બનતાં અને પોતે દાદા બન્યા એથી રમણલાલની ખુશીનો પ્યાલો જાણે કે છલકાઈ ગયો અને સુખી ભવિષ્યનાં અવનવાં દિવાસ્વપ્નો જોવામાં ખોવાઈ ગયા. નાનો પૌત્ર ગૌરાંગ મોટો થતો ગયો એમ દાદા સાથે ખુબ જ હળીમળી ગયો .ગૌરાંગને તેડીને એમના ઘરની નજીક આવેલા બગીચામાં ફરવા જાય ત્યારે બાંકડા ઉપર બેસીને એની સાથે એની જ કાલી ભાષામાં વાતો કરતાં એક બાળકની જેમ એમનું દિલ બહેલાઈ જતું .જિંદગીનો બોજ ઉઠાવતાં-ઉઠાવતાં હવે રમણલાલે એમની નિવૃતિની વય પૂરી કરી હતી,એટલે એમણે સ્વેચ્છાએ શિક્ષકની નોકરીમાંથી નિવૃત થવાનું નક્કી કર્યું.આજ સુધીની જિંદગીના ઢસરડાથી તેઓ શારીરિક અને માનસિક રીતે લગભગ ભાંગી પડ્યા હતા અને એથી એમની ઉમર કરતાં વધુ વૃદ્ધ લગતા હતા. આથી રમણલાલ નિવૃત થઈને એમનો સમય આધ્યત્મિક વાચન ,પ્રભુ ભજન, દેવદર્શન અને પૌત્ર ગૌરાંગને ઉછેરવામાં નિખીલ અને પૂર્વીને બને એટલી મદદ કરવામાં નિવૃતિનો સમય સારી રીતે વિતતો હોઈ એમના હૃદયમાં ઊંડી હળવાશની લાગણી અનુભવવા લાગ્યા.

રમણલાલના મનની આ હળવાશ અને આનંદ એમના કમનશીબે બહું લાંબો સમય ના ટક્યાં.પુત્ર વધુ પૂર્વી એક સંસ્કારી માતા પિતાની દીકરી હોવા છતાં એમના કોઈ ગુણ એનામાં ઉતર્યા ન હતા.પૂર્વી પરણીને એમના ઘેર આવી તે પછી સોસાયટીમાં અને એમના મિત્રોમાં વહુનાં વખાણ કરતાં રમણલાલ થાકતા ન હતા પરંતુ સમય જતાં એમની વખાણેલી ખીચડી દાંતે ચોંટવા માંડી હતી.પૂર્વી એક સ્વતંત્ર મિજાજની અને કર્કશ સ્વભાવની સ્ત્રી હતી.પૂર્વીને હવે સસરા રમણલાલની ઘરમાં હાજરી કઠતી હતી એટલે કોઈને કોઈ કારણ શોધી નિખીલ સાથે ઝગડા કર્યા કરતી હતી.નિખિલની હાજરીમાં જ તીખા શબ્દોથી રમણલાલને અપમાનિત કરવા લાગી હતી.નિખિલની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી નાજુક બની ગઈ હતી.પોતાના દામ્પત્ય જીવનને બગડતું રોકવા માટે ન તો એ પૂર્વીને કડક શબ્દોમાં કંઇ કહી શકતો હતો કે ન તો પિતા તરફ પૂર્વી તરફથી ફેંકાતાં તીખાં વાગ્બાણોને અટકાવી શકતો હતો.

રમણલાલ નિખીલની મનોસ્થિતિ સારી રીતે સમજતા હતા.આ બાબતમાં કંઈ પણ કહીને એને દુખ થાય એવું કરવા માંગતા ન હતા.રમણલાલ આધ્યાત્મિક વિચારસરણી ધરાવતા અને પુત્ર વત્સલ દિલવાળા પિતા હતા.નિખીલના બાળપણથી માંડી આજ દિન સુધી એમણે એના હિતનો જ વિચાર કર્યા કર્યો હતો.કોઈ પણ હિસાબે દીકરાની પરિણીત જિંદગી રફેદફે થતી જો બચતી હોય તો એ માટે કોઈ પણ પ્રકારનો ભોગ આપવાની એમની મનથી તૈયારી હતી.આ બાબતમાં પુરો વિચાર કરીને એક દિવસ પુત્ર નીખીલને એમની પાસે બેસાડીને એને શાંતિથી કહ્યું, “નિખીલ,જો બેટા,મને આ ઘરમાં થતો કંકાસ બિલકુલ પસંદ નથી.એનાથી કુમળા મગજના તારા દીકરા ગૌરાંગ ઉપર કેવા ખરાબ સંસ્કાર પડે એનો પણ વિચાર કરવો જોઈએ.જો પૂર્વીને હું અહીં રહું એ પસંદ ન હોય તો મારે હવે આ ઘરમાં રહેવું નથી. તમે બે પતિ પત્ની અને ગૌરાંગ અહીં ખુશીથી રહો અને મહેરબાની કરીને તું મને શહેરના વૃધ્ધાશ્રમ-ઘરડાઘરમાં મૂકી આવ.મારી રીટાયરમેન્ટની પેન્શનની રકમમાંથી ત્યાં હું મારા જેવા સમદુખિયા વૃદ્ધ મિત્રો સાથે ખુશીથી રહીશ.કોઈવાર તને ત્યાં મને મળવાની ઈચ્છા થાય તો ગૌરાંગને લઈને આવજે અને નહીં આવે તો પણ એનો મને હવે હરખ શોક રહ્યો નથી.ભગવાનને ભરોંસે મારા જીવનની નાવ ચાલ્યા કરશે.મારી જીવન સંધ્યાના કપરા દિવસોમાં એ જ મારી સંભાળ રાખશે.”

આ વાતચીત થયા પછી એક દિવસે નિખીલ રમણલાલને ઘરડાઘરમાં લઇ જવા એમનો સામાન એની ગાડીમાં મુકતો હતો ત્યારે હાથમાં સોટી પકડીને બંગલાના કમ્પાઉન્ડ બહાર ગાડી પાસે ઉભેલા રમણલાલે “પિતૃછાયા “ બંગલા ઉપર છેલ્લી નજર નાખી લીધી.આ બંગલા સાથે એમના જીવનનાં ઘણાં ખાટા મીઠાં સંસ્મરણો જોડાએલાં હતાં.આ ઘરને અને પૌત્ર ગૌરાંગને છોડીને જતાં એમનું હૈયું અંદરથી વલોવાઈ રહ્યું હતું.નિષ્ઠુર હૃદયની પુત્રવધુ પૂર્વી તો સસરાને વિદાય આપવા બંગલા બહાર જ ન આવી એટલું જ નહીં બિચારા નિર્દોષ બાળક ગૌરાંગને પણ બહાર આવવા ન દીધો,જેને જતાં જતાં જોઈ લેવા માટે એના દાદાની આંખો ચાતક પક્ષીની જેમ તલસી રહી હતી.

આ વસમી વિદાય વખતે ઊંડા વિચારોમાં ખોવાયેલા રમણલાલે છેવટે ગાડીમાં બેસતી વખતે બંગલાના દરવાજાની દીવાલે લગાડેલી “પિતૃ છાયા” નામની તકતી તરફ અંગુલીનીર્દેશ કરી નીખીલને ઉદ્દેશીને કહ્યું “ નિખીલ, હું જાઉં એ પછી તું એક કામ જરૂર કરજે. આ બંગલાની “પિતૃ છાયા”ની આરસની તકતી છે એને કાઢી નાખીને એને સ્થાને “પત્ની છાયા “નામની નવી તકતી બનાવડાવીને લગાવી દેજે,તારી પત્ની પૂર્વી ખુશ ખુશ થઇ જશે!”

એકાકી અને અટુલા બની એકાએક અજાણ્યા ભવિષ્યની રાહે પગ માંડી રહેલ વૃદ્ધ શિક્ષક પિતાના દુઃખથી વલોવાઈ રહેલા હૃદયમાંથી નીકળેલ આ ઉદગારો સાંભળીને પુત્ર નિખીલ પિતાની આંખો સાથે પોતાની આંખો મિલાવી ન શક્યો.એ વખતે નિખીલની બન્ને આંખોની પાંપણો લાચારી અને શરમની મારી ભોંય ખોતરી રહી હતી!

સાન ડિયાગો, કેલીફોર્નીયા વિનોદ આર. પટેલ
****************************************************************************

આવા જ વિષયની વાત કરતી પરંતુ એક સંવાદમય સ્વરૂપમાં રજુ થયેલ લઘુ વાર્તાને અહીં એક નવા પ્રયોગ તરીકે મુકેલ છે. સંવાદ ઉપર વિચાર કરશો એટલે આ લઘુ વાર્તાના તથ્યની પ્રતીતિ થશે!

એક દાદા અને પૌત્ર સંવાદ

લગભગ એંસી વર્ષના એકલદોકલ દાદાજીને એમનો ચાર વર્ષનો પૌત્ર કીકુ મૂડીના વ્યાજ કરતાં એ વધુ વહાલો. કીકુને પણ દાદા સાથે પાક્કી દોસ્તી. એની બધી વાત મમ્મી અને પપ્પા કરતાં દાદાને પહેલાં કહે.મમ્મી અને પપ્પા સવારે એમની જોબ માટે જાય એટલે દાદા અને કીકુ રમતો રમી, અવનવી વાતો કરી સમય વ્યતીત કરે.દાદા માટે કીકુ આનદથી સમય પસાર કરવાનું જાણે એક રમકડું !એક સવારે દાદા અને કીકુ બેકયાર્ડના હીંચકા ઉપર બેસી અલકમલકની વાતોએ વળગ્યા છે. દાદા પૌત્ર કીકુને પૂછે છે, “બેટા તારે આજે શું કહેવાનું છે ?” ત્યારે પૌત્ર અને દાદા વચ્ચે આ સંવાદ રચાય છે .

પૌત્ર — દાદા, હું જ્યારે ખાવા બેસું છું ત્યારે મારા હાથમાંથી ચમચી નીચે પડી જાય
છે. ટેબલને ટાઈલ્સ ગંદા થઇ જાય છે.મમ્મી-પપ્પા મને લડે છે.

દાદા – મારા હાથમાંથી પણ ચમચી પડી જાય છે ને બધું ગંદુ થાય છે.મને પણ લડે.

પૌત્ર –(ધીમેથી શરમાતાં દાદાને કાનમાં કહે છે ) દાદા, કોઈવાર મારું પેન્ટ પલળી
. જાય છે !

દાદા—( મોટેથી હસતાં હસતાં )મારે પણ એવું કોઈ વાર થઇ જાય છે ,બેટા .

પૌત્ર —દાદા, હું ઘણીવાર રડી પડું છું.

દાદા- (લાગણીથી માથું હલાવીને ) હું પણ કોઈ કોઈ વાર રડી લઉં છું ,બેટા.

પૌત્ર –દાદા, સૌથી ખરાબ વાત તો એ છે કે મારા મમ્મી-પપ્પા હું કઈ કહું છું એને
સાંભળતા નથી. કહે છે હમણાં સમય નથી.

( દાદા એમના કરચલીવાળા હાથથી વ્હાલથી પૌત્રનો માખણ જેવો કોમળ હાથ હાથમાં લઈને પંપાળતાં પંપાળતાં કહે છે)
દાદા—તું શું કહે છે એને હું સારી રીતે સમજુ છું. એક દિવસ તેઓ તારું જરૂર
સાંભળશે બેટા.!
( અને દાદા પછી વ્હાલથી પૌત્રને ભેટી પડે છે.)

આજનો આ દાદા-પૌત્રનો સંવાદ અહીં પુરો થાય છે. અસ્તુ.

સાન ડિયાગો, કેલિફોર્નિયા , વિનોદ આર. પટેલ

***************************************************************
ઈશ્વરની અનુભૂતિ

પેટ્રોમેક્ષ્ બત્તી બોલતી નથી પણ તે પ્રકાશે છે ,અને ચારે બાજુ પોતાનાં પ્રકાશ ફેલાવે છે. જૂઈનું ફૂલ બોલતું નથી, પણ પોતાની સુગંધ સર્વત્ર પ્રસરાવે છે.દીવાદાંડી દાંડી પીટતી નથી ,પણ દરિયા પરના ખલાસીઓને માટે મૈત્રી ભર્યો પ્રકાશ ફેંકે છે. તેવી જ રીતે સર્વત્ર વ્યાપક પરમાત્મા ઢોલ પીટતા નથી ,રાગદ્વેષ રહિત ,પ્રજ્ઞાયુક્ત ઋષિ તેની હાજરીને સર્વત્ર અનુભવે છે. —અજ્ઞાત

દહીમાં માખણ છે એ સૌ જાણે છે ,હું પણ જાણું છું. તે ધીરજથી વલોવવાથી જ મળે છે. દહીમાં માખણ છે એમ પોકારવાથી કે એનું રટણ કરવાથી તે નહીં મળે .એક બાળક લાંબા વખતથી વિખુટી પડેલી માતાની ગોદમાં જવાને માટે જેટલી આતુરતાથી ઝંખે છે તેટલી જ આતુરતાથી ભગવાનને મેળવવાની ઈચ્છા સેવતા રહો. —-શ્રી રામકૃષ્ણ પરમહંસ

સાત સરગ અસમાન પર , ભટકત હૈ મન મૂઢ
ખાલિક તો ખોયા નહીં ઇસી મહલમેં ખોજ.——-ગરીબદાસ
(અર્થ.—હે મૂઢ મન, તું ક્યાં ભટકી રહ્યું છે ? સાત સ્વર્ગ કે આકાશમાં ?પરમાત્માની શોધમાં નકામું શા માટે દુખી થાય છે.તારા હૃદય રૂપી મહેલમાં જ એની શોધ કર. પરમાત્મા કાંઈ તારી બહાર ખોવાઈ ગયાં નથી .)

સબ ઘટ મેરા સાઈયાં, સુની સેજ ન કોઈ ,
વા ઘટ બલીહારીયાં , જા ઘટ પરગટ હોઈ. —– કબીરનો દુહો
(અર્થ.—મારા પરમાત્મા પ્રત્યેક ઘટમાં ( શરીરમાં ) હાજર છે, એવી એક પણ શય્યા નથી જે મારા સાંઈથી સુની હોય.પણ મહિમા તો દેહનો છે ,જેમાં પરમાત્મા પ્રગટ થાય છે . )

************************************************

સાન ડિયાગો ,
કેલીફોર્નીયા વિનોદ આર. પટેલ
ઈ-મેલ સંપર્ક —vinodpatel63@yahoo.com

ભારતમાં વકરી રહેલો ભ્રષ્ટાચાર, ભૂલાતાં જતાં ગાંધી મૂલ્યો

ભારતની લોકશાહીનું એક કલંક બની ગયેલ ભ્રષ્ટાચારની નાબુદી માટે, જેવી રીતે મહાત્મા ગાંધીએ દેશની આઝાદી માટે અને લોક જાગૃતિ માટે ઉપવાસના શસ્ત્રનો ઉપયોગ કરેલો એમાંથી પ્રેરણા લઈને, જાણીતા ગાંધીવાદી લોક સેવક અન્ના હઝારે આજે દેશમાં વ્યાપેલ ભ્રષ્ટાચારને દુર કરવા માટે સરકાર અને જનતાને જાગૃત કરવા મોટી લડત ચલાવી રહ્યા છે. મધ્યસ્થ સરકાર જેમ બને એમ જલ્દી લોકોને માન્ય હોય એવું જન લોકપાલ બિલ પાર્લામેન્ટમાં પસાર કરે એ માટેની આ લડતને લોકોનો ઉત્સાહભેર સાથ મળી રહ્યો છે.

અત્યાર સુધી આવું બિલ પસાર કરવા માટે બધી સરકારો એક યા બીજા કારણે અવગણના કરતી આવી છે. હવે અન્ના સાહેબની ચળવળે સરકારની ઉંઘ ઉડાડી દીધી છે.આખા દેશમાં ભ્રષ્ટાચાર સામે લોક જાગૃતિનું મોજું ફરી વળ્યું છે.ભ્રષ્ટાચાર આચરીને દેશના કરોડો રૂપિયા ઓહિયાં કરી જનાર રાજકારણમાં પડેલાં મોટાં માથાં જેવાં કે સુરેશ કલમાડી,કની મોઝી, એ.રાજા,યેડ્ડી યુરાપ્પા,રેડ્ડી બંધુઓ ,જસ્ટીસ દિનાકરન અને દિલ્હીના મુખ્ય પ્રધાન શીલા દિક્ષિત જેવી ભ્રષ્ટ વ્યક્તિઓએ દેશની આબરુને બટ્ટો લગાડ્યો છે.એક કહેવત છે ને કે એક કેરીના ટોપલામાં થોડી બગડેલી કેરીઓને લીધે બીજી સારી કેરીઓને પણ ડાગ લાગે છે અને પરિણામે આખો કેરીનો ટોપલો વગોવાય છે.

ભારતે ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ ના રોજ સ્વતંત્રતા હાંસલ કરી તે વખતે દેશની પ્રજામાં આનંદ અને ઉત્સાહ ફેલાયો હતો કે આપણા સ્વરાજ્યમાં હવે સુરાજ્ય સ્થપાશે અને સૌને માટે ખુશખુશાલી આવશે. દેશના કમનશીબે ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ ના દિવસે એક પાગલ માણસના ગોળીબારથી દેશના પ્યારા ગાંધી બાપુએ શહીદી વહોરી લીધી . દેશને આઝાદી અપાવનાર સત્ય અને અહિંસાનો પુજારી ચોખ્ખા દિલનો એક સાચો દેશનેતા ચાલ્યો ગયો.

ગાંધીજીનું એ સ્વપ્ન હતું કે એમના ટ્રસ્ટીશીપના સિદ્ધાંત પ્રમાણે સ્વતંત્ર ભારતમાં ગરીબ અને તવંગર વચ્ચે બહું ભેદ નહીં હોય.પરંતુ આઝાદીના ૬૪ વારસો બાદ પણ ગરીબ અને તવંગર વચ્ચે આજે મોટી ખાઈ રચાઈ ગઈ છે. દેશના ફક્ત સો માણસોમાં આજે દેશની ૫૫ ટકા સંપતિ કેન્દ્રિત થઇ ગઈ છે! રાજકારણે આજે ધંધાકીય સ્વરૂપ પકડ્યું છે.રાજકારણીઓમાં દુરાચાર અને ભ્રષ્ટાચાર ફૂલ્યો અને ફાલ્યો છે.રાજકારણીઓ ગાંધીજીના સત્ય,અહિંસા અને સેવાના સિધ્ધાંતોને ગોળીને પી ગયા છે. ગાંધીનું પવિત્ર નામ ફક્ત સત્તા સુધી પહાંચવા માટેની જાણે એક સીડી બની ગઈ છે.

સ્વરાજ્ય પછી કાંગ્રેસ પક્ષે ઘણા વર્ષો સુધી દેશનો વહીવટ સંભાળ્યો છે અને હાલ પણ એ બીજા પક્ષોના સહકારથી સત્તા સંભાળે છે.આઝાદી પછી અને ગાંધીજીના ગયા બાદ દેશની સેવા માટે સ્થાપેલ આ પક્ષમાં સત્તા માટેના કાવાદાવા શરું થઇ ગયા હતા .રાજકારણમાં દિવસે દિવસે ગાંધીજીએ સ્થાપેલી મૂલ્યનિષ્ઠા અને પ્રમાણિકતા ભુલાવા માંડી.દેશ સેવાની વાત એક બાજુએ રહી ગઈ અને યેન કેન પ્રકારેણ સત્તા હાંસલ કરી સત્તા પર ચીટકી રહેવું , ખુરશી બચાવવા નોટોની ખુલ્લા હાથે લ્હાણી કરવી અને સત્તા સ્થાને રહી પોતાના માટે અને સગાંઓ માટે ભ્રષ્ટાચાર આચરીને ખુબ ધન એકઠું કરવું એ એક સામાન્ય બાબત બની ગઈ.

ગાંધીજીએ એકવાર એવી ઈચ્છા વ્યક્ત કરેલી કે સ્વરાજ મળ્યા પછી કાંગ્રેસને વિખેરી નાંખવી. જાણે કે એમને એ વખતે આંતર્દ્રષ્ટિ થઇ ન હોય કે આગળ જતાં શું બનવાનું છે! આજે ગાંધીજી સદેહે સ્વર્ગમાંથી નીચે આવીને દેશમાં ભ્રષ્ટાચારનું જે બખડજંતર ચાલી રહ્યું છે તે જો નજરે નિહાળે તો કદાચ મનમાં એમ જરૂર વિચારે કે મેં અને મારા જેવા અનેક દેશભક્તોએ દેશ માટે શું આ માટે બલિદાનો આપ્યા હતાં?

ભારતે ૧૯૪૭માં સ્વતંત્રતા પ્રાપ્ત કરી તેના બીજા વર્ષથી જ ૧૯૪૮માં જીપની ખરીદીના ૮૦ લાખ રૂપિયાના ગોટાળાથી દેશના વહીવટી ક્ષેત્રે ભ્રષ્ટાચારના મંગળાચરણ થયાં હતાં અને ત્યારપછીના આજ સુધીના ૬૪ વર્ષના ઇતિહાસમાં દેશની આર્થિક પ્રગતિની સાથો સાથ બહાર પડેલ ગોટાળાની સંખ્યા અને તેમાં સંડોવાએલી રકમોમાં પણ ઉકરડાની જેમ વૃદ્ધિ થતી ગઈ જે વધીને તાંજેતરમાં ૨૦૧૦ના વર્ષના ખુબ ગવાએલા કોમનવેલ્થ ગેમ્સના રૂપિયા ૪૦૦૦૦ કરોડ સુધી ગોટાળાની રકમ પહોંચી ગઈ! ૧૯૪૮થી આજ સુધીના બહાર પડેલા બધા જ ગોટાળાની રકમોનું જો ટોટલ કરીએ તો જે રકમ થાય એને ઉકેલતાં આપણું મગજ ચકરાવે ચડી જાય એટલી મોટી એ રકમ થવા જાય છે.

આતો ફક્ત જાહેરમાં આવેલા ગોટાળાઓની જ વાત થઇ પણ બહાર ન પડેલા અને દબાવી દીધેલા ગોટાળાની સંખ્યા તો કેટલી હશે એતો રામ જાણે ! સ્વીસ બેન્કના ડાયરેક્ટરના નિવેદન મુજબ ભારત દેશમાંથી લગભગ ૨૮૦ લાખ કરોડ રૂપિયા જેટલી રકમ એમની બેંકમાં જમા પડેલી છે.આમ આઝાદી મેળવ્યા પછી દેશના ભ્રષ્ટ રાજનેતાઓ,વહીવટી અધિકારીઓ અને લોકોનાં કામો કરવા માટે લોકોએ ચૂંટીને મોકલેલ એમના જ પ્રતિનીધિઓએ દેશને બે હાથે લુંટ્યો છે.

આવો વરવો સિલસિલો દેશની પ્રજા જ્યાં સુધી ચલાવી લેશે ત્યાં સુધી ચાલુ રહેવાનો છે. દેશની પ્રજાને આ પ્રશ્ન અંગે જાગૃત કરી ગાંધી માર્ગે ચળવળ ચલાવવા માટે અન્ના સાહેબ હઝારેને સો સલામ. આજે ભ્રષ્ટાચાર એ દેશ ઉપરનું મોટું કલંક બની ગયું છે.

આજથી ૬૫ વર્ષ પહેલાં બ્રિટીશ પાર્લામેન્ટમાં જ્યારે ભારતને સ્વતન્ત્રતા આપવાના ખરડા ઉપર ચર્ચા થઇ રહી હતી તે વખતે વિન્સ્ટન ચર્ચિલે એના વિરોધમાં જે શબ્દો ઉચ્ચારેલા એ અત્રે યાદ આવે છે. ચર્ચિલે એ વખતે કહ્યું હતું કે ” હિન્દુસ્તાન સ્વતંત્રતાને માટે હજુ લાયક થયું નથી કેમકે સ્વતંત્રતા મળતાં જ આ દેશનું સુકાન ગુંડાઓ, ગમારો અને લુંટારાઓના હાથમાં આવી પડશે.બધા જ ઇન્ડિયન નેતાઓ કમઅક્કલના અને તણખલા જેવા નમાલા હશે.સત્તા એમના મગજનો કબજો લેશે અને સત્તા માટે અંદરોઅંદર લડી મરશે. રાજકીય કાવાદાવામાં દેશ વેરવિખેર થઇ જશે. એક દિવસ એવો પણ આવશે જ્યારે ઈન્ડિયામાં હવા અને પાણી પણ ટેક્ષમાંથી બાકાત નહી રહે! ”

જો કે ચર્ચિલના આ શબ્દો હિન્દુસ્તાન માટે એના હૃદયમાં પડેલી ઘૃણામાંથી જન્મેલ હોવા છતાં હાલના દેશના નેતાઓ અને લોક પ્રતિનિધિઓ જો એમની ચીલાચાલુ રીતિનીતિમાં બદલાવ નહી લાવે અને દેશનો કબ્જો લઇ રહેલ ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવા માટે જરૂરી પગલાં લેવાની દાનત નહી બતાવે તો એક દિવસ ચર્ચિલની ભવિષ્યવાણી જે આજે અડધી પડધી સાચી છે એ કદાચ પૂરી સાચી પડે તો નવાઈ નહિ.

ગાંધીજીના નવા અવતાર સમા ક્રાંતિકારી લોકનેતા અન્ના હઝારેના લાંબા સમયના ઉપવાસ પછી નમતું વલણ બતાવીને જન લોકપાલ ખરડા માટે સંસદમાં ચર્ચા કરવા માટે મધ્યસ્થ સરકાર છેવટે રાજી થઇ છે એ શુભ ચિન્હ છે. પરતું સમગ્ર પ્રજામાં ભ્રષ્ટાચાર નાબુદી માટે જાગૃતિનો જુવાળ ફેલાયો હોવા છતાં સરકાર એ માટે દિલથી પુરેપુરી રાજી છે કે કેમ ,એની દાનત શુદ્ધ છે કે કેમ, એ અંગે ઘણાને હજુ શંકા છે. દેશમાં ફેલાયેલ ભ્રષ્ટાચાર સામેની આ લોક લડત સફળ થાય અને જન લોકપાલ ખરડો સંસદમાં વહેલી તકે પસાર થાય અને ચુસ્તપણે એનો અમલ થાય એવી આશા રાખીએ. દેશના ભાલ ઉપર વર્ષોથી લાગેલું ભ્રષ્ટાચારનું આ કલંક જ્યાં સુધી દુર નહી થાય ત્યાં સુધી એની દુનિયાના દેશોમાં ગવાતી કહેવાતી પ્રગતિ અધૂરી ગણાશે. .

છેલ્લે ,

પૂજ્ય મહાત્મા ગાંધીજીએ એક વખત જે સાત મહાપાતકો ગણાવેલાં એ આ પ્રમાણે છે:

૧. કાર્ય વગરની કમાણી
૨. વિવેક વગરનું સુખ
૩ ચારિત્ર્ય વગરનું જ્ઞાન
૪. નીતિ વગરનો વહેવાર
૫. માનવતા વગરનું વિજ્ઞાન
૬. ત્યાગ વગરનો ધર્મ અને
૭. મૂલ્યો વગરનું રાજકારણ.

આ ગાંધી કથિત આ સાત મહાપાતકો સૌએ મનન કરવા અને વિચારવા જેવાં છે.

*******************************************************************

ઉપરના મારા લેખના અનુસંધાનમાં ,ન્યૂયોર્કથી પ્રકાશિત સાપ્તાહિક ગુજરાત ટાઈમ્સ ના ઓગસ્ટ,૧૨૨૦૧૧ ના અંકમાં પ્રગટ થયેલી મારી એક કાવ્ય રચના થોડા ફેરફાર કરીને નીચે રજુ કરું છું.ઉપરના ભ્રષ્ટાચાર અંગેના મારા લેખ ઉપર કદાચ એ વધુ પ્રકાશ ફેંકશે..

ફરી જન્મ લઇ ક્યારે આવશો, પ્રભુ ?

અધર્મ ચોમેર ફેલાઈ રહ્યો છે આજે
વેરઝેર,યુદ્ધો ને આતંકવાદ જોર કરે આજે
નવી યાદવાસ્થળી વિનાશ નોતરે ત્યારે
ગીતામાં દીધેલ વચન પુરું કરવાને કાજે
અધર્મ મિટાવી ધર્મનું સંસ્થાપન કરવા
કેમ ફરી અવતરતા નથી દેવકીનંદન ?

એક ગાંધીને મોકલ્યો તમે ભારત દેશે
સ્વરાજ્ય આવ્યું ,નાચ્યા ,કુદયા,જશન મનાવ્યો
જુઓ પછી શું કર્યું અમે એ સત્યવાદી ફકીરનું ?
ગોળી મારીને ઢાળી દીધો, ન શરમાયા અમે !

ગાંધી જતાં જુઓ કેવી આંધી ફેલાઈ છે આજે
રૂડું નામ વટાવી એનું સેવાના નામે મેવા આરોગતા
શ્રીમંત બની રહ્યા નીર્લજ્જ ભ્રષ્ટ સત્તામદ લોકસેવકો
ગોચર ચરી પુષ્ટ બનેલ જાણે મદમસ્ત આખલાઓ !

સ્વરાજ્યનાં મીઠાં ફળ ખાઈ રહ્યા નેતાઓ,શ્રીમંતો
ભૂલી ગયા બિલકુલ ગાંધી હૃદયમાં વસતા દરિદ્રોને
એટલા માટે જ વિનવીએ છીએ તમોને ફરી ફરી
અધર્મ મિટાવી,ધર્મ સ્થાપી, આમ જનોના રક્ષણ કાજે
ભારતમાં જન્મ લઇ ફરી ક્યારે આવશો પ્રભુ ?
ગીતામાં આપેલ વચન ક્યારે પૂર્ણ કરશો ,યોગેશ્વર ?

સાન ડિયાગો ,
કેલીફોર્નિયા વિનોદ આર. પટેલ

હવે , અંતે મારા સુવાક્ય સંગ્રહમાંથી કેટલાંક મનપસંદ સુવાક્યો / અવતરણો

૧. માગવાનું કહે છે તો
માગી લઉં એટલું કે
આપજે એવું મન કે
જે માગે કશું નહીં . —-બીપીન પરીખનો શેર

૨. જો આપણાં દરેકનાં દુખો અને દુર્ભાગ્યોનાં પોટલાં બાંધીને તેનો ઢગલો કરવામાં આવે પછી
તેમાંથી સહુને દુખ સરખે ભાગે વહેંચી લેવાનાં હોય, તો મોટા ભાગના લોકો પોતાનું અસલ
પોટલું ઉપાડીને ચાલતા થવાના .——-સોક્રેટિસ

૩. નાવ પાણીમાં ચાલે છે પણ પાણી તેની અંદર જવું જોઈએ નહીં. આપણે જગતમાં જીવીએ
છીએ પણ જગત આપણા મન પર ઉપર છવાઈ જવું જોઈએ નહીં. —-રમણ મહર્ષિ

4.. Be like a postage stamp . Stick to one thing until you get there.
— Josh Billings

5. Falling is not falling unless you don’t get up. –Mary Pickford.

6. “ Silent “ and “ listen “ are spelled with the same letters ! –Un known

S0METHING TO THINK ABOUT

How far you go in life depends on your being tender with young, compassionate with the aged , sympathetic with the starving ,and
tolerant of the weak and the strong —because someday you will
have been all of these.

—George Washington Carver.

સાન ડિયાગો
તારીખ :સપ્ટેમબર ૧૪,૨૦૧૧ વિનોદ આર. પટેલ

મરણનું સ્મરણ — એક ચિંતન લેખ

આના પહેલાંની તારીખ ૮મી સપ્ટેમ્બરની મારા બ્લોગની શ્રધાંજલિ નામની મારી પોસ્ટના અનુસંધાનમાં આજે “ મરણનું સ્મરણ “ શિર્ષક હેઠળ એક ગંભીર વિષય પરનો પણ મનનીય ચિંતન નિબંધ આજની પોસ્ટમાં મુક્યો છે .આ લેખ સૌ પ્રથમ વાર મારા આ બ્લોગમાં પ્રગટ થાય છે. આશા છે આપને એ ગમશે.

મરણનું સ્મરણ

મનુષ્યના જન્મથી જ શરુ થતી અને એના મૃત્યુથી અટકી જતી એની જીવન સફરના મુખ્ય સાત પડાવ છે:જન્મ, બચપણ, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા અને અંતે મરણ .માણસ જન્મે છે ત્યારે જ તે મૃત્યુની ટીકીટ કપાવીને જીવન રૂપી રેલગાડીની સફર શરુ કરે છે.આ સફર દરમ્યાન જો કોઈ અણધાર્યો અકસ્માત નડે નહિ તો અંતે રેલગાડી મૃત્યુના અંતિમ સ્ટેશને આવીને વિરામ લે છે .દરેકનું ઘડપણમાં જ મરણ થશે એ નક્કી નથી .કોઈ પણ ઉંમરે એ આવીને ઉભું રહે છે. કમળની પાંખડીઓ ઉપર નૃત્ય કરતા પાણીના બુંદ જેવી આ જિંદગી તરલ અને ચંચલ છે.” જે ઉગ્યું તે આથમે, ખીલ્યું તે કરમાય ,એ નિયમ છે અવિનાશનો ,જે જાયુ તે જાય .” માણસના જીવનનો દરેક સૂર્યોદય એના નિશ્ચિત આવરદામાંથી એક દિવસ ઓછો કરીને અસ્ત પામે છે .જોશ મલીદાબાદીનો એક શેર છે:” જીતની બઢતી,,ઉતની ઘટતી, જિંદગી આપ હી આપ કટતી હૈ “

લાચાર હરણું જેમ વાઘના પંજામાંથી બચવા બધા પ્રયત્નો કરી છુટે છે છતાં એની પકડમાંથી છૂટી શકતું નથી એમ મૃત્યુની પકડમાંથી કોઈ બચી શક્યું છે ખરું ? માણસ જીવન, ધર્મ ,આત્મા ,પરમાત્મા વિગેરે વિષયો ઉપર ઊંડું ચિંતન કરતો હોય છે પરંતુ મરણનું સ્મરણ કરવાનું એ હમેશા ટાળતો હોય છે.મોત ઉપર મનન કરવાના વિચાર માત્રથી જ જાણે કે એ ગભરાતો ન હોય ! ફ્રેંચ ફિલસુફ પાસ્કલે લખ્યું છે કે ” મૃત્યું સતત પીઠ પાછળ ઉભું છે પણ મૃત્યુંને ભૂલવું કેવી રીતે તેના પ્રયાસમાં માણસ કાયમ મંડ્યો રહે છે.મૃત્યુંને યાદ રાખીને કેમ વર્તવું એ વાત તે નજર સામે રાખતો નથી.” ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને બોધ આપતાં કહ્યું છે કે જેણે જ્ન્મ લીધો એનું મૃત્યું નિશ્ચિત છે અને જેનું મરણ છે એનો જન્મ નક્કી છે તેથી
આવી ન જ ટાળી શકાય એવી બાબતનો શોક કરવો તારા માટે યોગ્ય નથી .વધુમાં ગીતામાં કહેવાયું છે કે જેવી રીતે કપડાં જૂનાં થતાં તેમને ત્યાગીને આપણે નવાં કપડાં પહેરીએ છીએ,તેવી જ રીતેએક દેહ જીર્ણ થતાં તેને ત્યજીને માણસ બીજો દેહ ધારણ કરે છે .આમાં દુખી થવા જેવું શું છે?

ગીતામાં દેહની ક્ષણભંગુરતા, આત્માની શાશ્વવતતા અને પુનર્જન્મ સહીત શ્રી કૃષ્ણ મુખે સારી એવી ચર્ચા કરવામાં આવી છે.મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે કે” જે રીતે ઝાડ ઉપર ખારેક પાકીને સુકાઈ જાય એટલે પોતાના ડીંટાને સહેજ પણ દુખ કે ત્રાસ ન આપતાં ખરી પડીને વૃક્ષથી અલગ થઇ જાય છે,તે જ રીતે માણસે પણ પોતાના મનમાં કશો જ દગદગો ન રાખતાં આ જગતની વિદાય લેવી જોઈએ. સાગરનું ટીપું સાગર સાથે મળી જઈને તેનું સામર્થ્ય તથા તેનું ગૌરવ પ્રાપ્ત કરવાને માટે તેની સાથે પાછું મળી જાય છે તે પ્રમાણે ચાલ્યો ગયેલો આત્મા સર્વશક્તિમાન સાથે એકરૂપ થતા પહેલાં કેવળ પોતાનો પુરુષાર્થ કરવાને જ આ દુનિયામાં આવે છે”

સ્વ. કાકાસાહેબ કાલેલકરે મૃત્યુને પરમ સખા એટલે કે એક મિત્ર તરીકે ગણાવ્યું છે. એમના કહેવા પ્રમાણે ખરેખર તો મરણમાં દુખ નથી .જેને આપણે દુખ માનીએ છીએ તે સાચી રીતે તો કષ્ટ વેઠીને જીવવાનું દુખ છે. એ દુખ જ્યારે અસહ્ય બને છે ત્યારે મિત્રની માફક મરણ આવીને માણસનો એ દુઃખમાંથી છુટકારો કરે છે.દુખ જીવન-કર્તુક છે, મરણ-કર્તુક નથી. શરીર માટે ઊઘ જેટલી પૌષ્ટીક છે તેટલું જ પ્રાણ માટે મૃત્યુ પૌષ્ટીક છે .જીવનથી થાકેલા માંદા માણસોને યોગ્ય સમયે મૃત્યુ આવે તે ઈષ્ટ છે. પાકેલું ફળ પોતે જ નીચે પડી જ્મીનમાં દટાઇ જઈને નવો પ્રવાસ શરુ કરવા માટે વૃક્ષ-માતાનો સંબંધ છોડી દે છે તે પ્રમાણે માણસે પોતાનું જીવન પુરું કરીને તે પછી અનાસક્ત ભાવે તેનો ત્યાગ કરવાનું શીખવું જોઈએ અને નવી તક માટે પરવાના રૂપ થનાર મરણનું સ્વાગત કરવું જોઈએ. એકાદ પ્રિય વ્યકિતનું મૃત્યુ થતાં આપણને દુઃખ થાય તે સ્વભાવિક છે ,કારણકે આપણે તેની સાથે મમતાની લાગણીથી જોડાએલા અને તેનો સહવાસ ગુમાવીએ છીએ. કયારેક એવું મૃત્યું આપણી દૃષ્ટિએ અનિષ્ટ હોવા છતાં મરનારની દ્રષ્ટિએ તે ઇષ્ટ અને હિતાવહ હોઈ શકે છે. એવે વખતે આપણે આપણું દુખ ગળી જવું જોઈએ..માણસ પાસે પ્રસન્નતા હોય તો તેને જેવી રીતે ઉત્સાહપૂર્વક જીવતાં આવડે ,તેવી જ રીતે શાંતિ અને શોભાથી તેને જીવન પુરું કરતાં પણ આવડવું જોઈએ. જેઓ દીર્ઘાયુ હોય છે તેમનું એક દુખ એ છે કે તેમને ઘણાનાં મરણના સમાચાર સાંભળવા પડે છે.દુનિયા છે જ નાશવંત ,એમાં લોકો જેમ જન્મે છે તેમ મરે પણ છે.એનું દુખ તે શું કરવાનું?

જાણીતા લેખક એચ.જી.વેલ્સનું એક સુંદર કથન છે કે :”મૃત્યું નામની નર્સ આવીને માણસને કહે છે કે હે મારા પ્રિય બાળક !તારાં બધાં રમકડાં એમની જગ્યાએ ગોઠવી દે, હવે તારો સુવાનો સમય થયો છે.”

પોતાના ખુબ જ ટૂંકા જીવન દરમ્યાન દેશ પરદેશમાં બોધ વચનો તેમજ ધર્મિક સાહિત્યથી હિંદુ સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરી,, જિંદગીને ભરપુર પ્રેમ કરી, આધ્યત્મિક જીવનનો અમર વારસો પાછળ મૂકી જનાર સ્વામી વિવેકાનંદનાજીવનનો એક પ્રસંગ મરણનું સ્મરણ શા માટે સતત રાખવું જોઈએ એની સ્પષ્ટતા કરે છે.

પોતાની અમેરિકાની મુલાકાત દરમ્યાન શિકાગોમાં એમનું ધાર્મિક પ્રવચન પુરું કર્યા પછી સ્વામીજી એમના સ્થાને બેઠા ત્યારે એક ઉત્સુક શ્રોતાજને ઉભા થઇને સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો” સ્વામીજી ,એવી કઈ બાબત છે જેને માણસે આખા જીવન દરમ્યાન સતત યાદ રાખવી જોઈએ ? ઘણા સભાજનોએ મનમાં ધારણા કરી હશે કે તેઓશ્રી ‮‬‬માણસે પોતાના આરોગ્યને કે ભગવાનને હમેશાં‬ યાદ રાખવા જોઈએ એમ કહેશે. પરંતુ બધાંના આશ્ચર્ય વચ્ચે સ્વામીજીએ સસ્મિત ફક્ત એક જ શબ્દમાં જવાબ આપ્યોકે “મૃત્યું “. પોતાના આ જવાબની સ્પષ્ટતા કરતાં એમણે આગળ કહ્યું કે”મૃત્યુને હમેશાં એટલા માટે યાદ રાખવું જોઈએ કેમકે એથી આપણાં કાર્યોથી કોઈને દુખ નહી પહોંચે, આપણે હમેશાં સત્ય બોલીશું ,આપણે મનુષ્ય જાત પ્રત્યે વધુ પ્રેમ દાખવીશું. આ જીવન નાશવંત છે એનું હંમેશા સ્મરણ થયા કરશે. આ જિંદગી સતત બદલાતી રહે છે.બીજાઓને મ્હાત કરવા કે છેતરવા માટે આ જિન્દગી નથી. કોઈ પણ વસ્તુનો ગર્વ કરવાનો કોઈ અર્થ નથી. જો કોઈ પણ ચીજ તમારા જીવનના અંત પછી તમારી સાથે આવવાની ન હોય તો પછી એની શું કિંમત છે ?એટલા માટે મૃત્યુનું હંમેશાં સ્મરણ રાખવાથી આ બધું સ્પષ્ટ સમજાતું જશે અને વર્તમાનમાં તમને વધુ નમ્ર બનાવશે અને તમને પાપો કરતાં અટકાવશે. મરણ સામું દેખાતું હોય ત્યારે પાપ કરવાની હિંમત ચાલતી નથી.”

જેમ નદી અને સમુદ્ર એક જ છે તેમ જીવન અને મૃત્યું પણ એક જ છે. એટલા માટે માણસે મનમાં મરણની જરા પણ ચિંતા કે ડર રાખ્યા સિવાય કોઈ પણ જાતની શરત વિના ભગવાનની મહામુલી ભેટ એવા જીવનને ભરપુર પ્રેમ કરવો જોઈએ..જીવનનો એક છેડો મરણને અડકતો હોઈ એની અનિશ્ચિતતા અને અનિવાર્યતાને સ્મરણમાં રાખતા રહી છેવટની ઘડી અત્યંત પાવન , પુણ્યમય અને મધુર કેવી રીતે થાય એ માટે જીવન દરમ્યાન અભ્યાસપુર્વક કાર્ય કરતા રહીશું તો આપણે જીવન તેમજ મરણના સ્વામી થઈને રહીશું. જીવનનો દાખલો આપણે એવી રીતે ગણવો જોઈએ જેથી મરણનો જવાબ સાચો આવે. જેનો અંત સારો એનું સઘળું સારું.માણસ એક સદગૃહસ્થ કુટુંબમાં જન્મે એ એક અકસ્માત છે પણ એક સદગૃહસ્થ તરીકે મરણ પામે એ એના જીવનની એક સિદ્ધિ છે.આપણે કેટલું જીવ્યા એ મહત્વનું નથી પરંતુ તમારી રહેણી કરણીથી બીજાઓના હૃદયમાં કેવું અને કેટલું જીવ્યા,તમારા જીવનના લોખંડમાંથી પ્રેમના પારસમણી વડે કેટલું સોનું નીપજાવ્યું એ જ મહત્વનું છે.કોઈ લેખકે સાચું કહ્યું છે કે મોટી વાત તમારા જીવનમાં વરસો ઉમેરવાની નહી પણ તમારા વરસોમાં જીવન ઉમેરવાની છે. જિંદગી લાંબી હોય કે ટૂંકી જેને સારી રીતે જીવતાં આવડ્યું છે એવી વ્યકિત મરણનો કોઈ ડર મનમાં રાખ્યા સિવાય હસતા મુખે એક ઘેર આવેલા મહેમાનની જેમ એનો સત્કાર કરે છે અને મૃત્યું પછી પણ એના જીવનની સુગંધનો પમરાટ જગમાં મુકતો જાય છે. આ લેખના અંતે જાણીતા ભજનિક અનુપ જલોટાના મધુર કંઠે ગવાતા સંત કબીરના દુહાના આ શબ્દો થોડામાં ઘણું કહી જાય છે:
” જબ તુમ જગમે આયા ,જગ હસા તુમ રોય ,ઐસી કરની કર ચલો ,તુમ હસો જગ રોય .”

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

ઉપરના મારા ચિંતન નિબંધના વિષયને અનુરૂપ મારી એક કાવ્ય રચના “ યાદ રાખ,દેહની અંતે થઇ જશે રાખ “ ન્યૂયોર્કથી પ્રકાશિત ગુજરાત ટાઈમ્સના તારીખ ૭મી ઓગસ્ટ,૨૦૦૯ના અંકમાં પ્રગટ થઇ હતી એ અહીં થોડા જ ફેરફાર સાથે મારા આ બ્લોગમાં રજુ કરું છું.

યાદ રાખ, દેહની અંતે થઇ જશે રાખ !

માનવી કદી અમર ન હતો કે ન છે છતાં,
જીવી રહ્યો જાણે, છે અમર એમ નિજ જિંદગીમાં.
ભૂલી ગયો અબુધ કે જીવનની આ સફર પુરી થયે,
નક્કી સંચરવું પડશે, સ્મશાને બધું પાછળ છોડીને.

ખુબ સાચવી શણગારી ટપાર્યો એ પામર દેહ તારો,
જતાં પ્રાણ, માત્ર રાખનો ઢગ થઇ જવાનો, સ્મશાને.

ધનદોલત અને સોના મહોરોનો તેં ખુબ ગર્વ કર્યો,
કિન્તુ તુજ ધનિક દેહની થયેલ રાખ ક્યાં સોનાની હતી!
ગરીબ હો યા તવંગર, અંતે રાખ તો સૌની એક સમાન.
માટે હે માનવ, તવ કાયા ને માયાનું ગુમાન ન રાખ,
કેમકે એક દિન જરૂર આવશે યાદ રાખ કે જ્યારે ,
કંચન મઢી મગરૂર કાયાની નક્કી થઇ જશે માત્ર રાખ.
હે માનવ,પીછાણી તવ પામર દેહની આ નશ્વરતાને,
વિસારીશ નહી કદી, જીવ મૂકી તને જીવાડનાર, ઈશ્વરને.

સાન ડિયાગો                                    વિનોદ આર. પટેલ

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

હવે, શ્રધાંજલિ પુસ્તિકામાંનાં ભજનોમાંથી એક મને ગમતું કબીરનું ભજન નીચે મુકું છું. મને યાદ છે કે મારા વિદ્યાર્થી કાળમાં પાટીદાર આશ્રમ-છાત્રાલય, કડીમાં લગભગ ચારસો છાત્રો અને બધા જ ગૃહપતિઓ અને શિક્ષકોની સાંજની પ્રાર્થના સભામાં હું આ ભજન સંગીત શિક્ષકની સાથે સ્ટેજ ઉપર બેસીને હાર્મોનિયમના સથવારે ગાતો અને ગવડાવતો હતો.

રહના નહીં દેસ બિરાના હૈ

રહના નહીં દેસ બિરાના હૈ
યહ સંસાર કાગદકી પુડિયા ,
બુંદ પડે ધુલ જાના હૈ .
યહ સંસાર કાંટેકી બાડી,
ઉલઝ ઉલઝ મરિ જાના હૈ.
યહ સંસાર ઝાડ ઔર ઝાંખર,
આગ લગે બરી જાના હૈ.
કહત કબીરા સુનો ભાઈ સાધો,
સત્ગુરૂ નામ ઠિકાના હૈ .

જીવન એજ પારસમણી

તમે તમારી સ્વ- અગત્યતા વધારી ન દેતા ,ધન –કીર્તિનો ઢગલો ન કર્યા કરતા. કોઈવાર અંતરંગમાં નીતાંત ખાલી થઇ જાઓ .તમારી સંપતિ ,વૈભવ,હોદ્દો ,મોભો, પત્ની ,સંતાન ,મિત્રો કશું ય તમારું નથી.સાફ્લ્યના મૃગજળ પાછળ દોડ્યા ન કરતા.બધો અહંનો પ્રસાર-પ્રચાર માત્ર છે. સ્વ-કેન્દ્રિત પ્રવૃતિની સાંકડી શેરી છે.

પંદર ઓરડાના બંગલામાં તમારે એકમાં જ સુવાનું છે, પચ્ચીસ જોડ કપડાંમાંથી એક જ પહેરવાની છે,અનાજના કોઠારમાંથી મુઠી ધાન ખાવાનું છે અને નોટોના બંડલમાંથી છેવટે તમે ઈશ્વર પાસે શું લઇ જશો ? તમારે જોઈએ તેના કરતાં વધારે સંગ્રહ કરીને તમે તમારાં અનેક ભાઈ ભાંડુને ભૂખે રઝળાવો છો. તમારી દંભી મંઝિલ અહમની લોભની છે. ઈશ્વરે આપેલા જીવન-પારસમણીને દંભ ,બનાવટ ,અનીતિ આચરી તમે પોતે ઘસી વટાવી નાખો છો. જીવનને સુવર્ણ બનાવવાને બદલે તમે એક ભંગારનું પતરું બનાવી નાંખો છો.

(શ્રધાંજલિ પુસ્તીકામાંથી )                                                                            જે .કૃષ્ણમૂર્તિ
                                                                                                       (જીવન દર્શન માંથી )

છેલ્લે, સુવાક્ય સંગ્રહમાંથી કેટલાંક મનપસંદ સુવાક્યો/અવતરણો .

૧. આ અદભુત પૃથ્વી, જે આટલી બધી ભરી ભરી છે, એટલી સુંદર છે , એ પૃથ્વી ઉપર હું જીવવા ઈચ્છું છું …આ જગતમાં આપણે જીવવાનું છે તે જીવનની એક માત્ર અનિવાર્ય વાસ્તવિકતા છે.– જે. કૃષ્ણમૂર્તિ

૨. પોતાનું કામ કરવું તે આસક્તિ ,બીજાનું કામ કરવું તે સંસ્કૃતિ ,ભગવાનનું કામ કરવું તે ભક્તિ અને કર્મો કરીને પણ અલિપ્ત રહેવું તે વિરક્તિ. —- શ્રી પાંડુરંગ શાસ્ત્રીજી

૩. બિચારાં ફોતરાં પુરની સપાટી ઉપર તરે છે ,મોતી નીચે ઉતરીને તળીએ બેસી જાય છે .જગતમાં મનુષ્યો ઉંચે કે નીચે, તેઓ કેવા હોય છે તેને કારણે હોય છે, ક્યાં છે તેને કારણે નહીં. —–રમણ મહર્ષિ

૪. સાજ સજાવવામાં અને સુર મેળવવામાં જ મારો બધો સમય વીતી ગયો, જેથી જે જીવન સંગીત હું ગાવા માટે આવેલો તે તો વણ ગાયુ જ રહી ગયું . ——– રવીન્દ્રનાથ ટાગોર

૫. આત્મા એ રથમાં બેસનાર રથી છે, બુદ્ધિ સારથી છે , મન એ ઘોડાની લગામ છે ,ઇન્દ્રિયો એ રથના ઘોડા છે ,અને ઇન્દ્રિયોના વિષયો એટલે કે ભોગો એ ઘોડાને દોડવાનું ક્ષેત્ર છે, — કઠોપનિષદમાં આપેલું રથરૂપક
*********************************************
તારીખ – ૯મી સપ્ટેમ્બર, ૨૦૧૧ વિનોદ આર.પટેલ

(3)શ્રધાંજલિ

આજથી લગભગ વીસ વર્ષ પહેલાં અમારા ત્રીસ વર્ષના સુખદ દામ્પત્ય જીવન પછી તારીખ ૧૪મી એપ્રિલ,૧૯૯૨ ના એ કરુણ દિવસે મારાં ધર્મપત્ની કુસુમબેનનું એમની ૫૪ વર્ષની ઉંમરે, સ્ટ્રોક-પેરાલિસિસની લાંબી માંદગી સહન કર્યા બાદ, અમદાવાદના અમારા નિવાસસ્થાને દુખદ અવસાન થયું હતું. ત્યારબાદ એક વર્ષ પછી એમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એ સ્વર્ગીય આત્માની સુવાસિત સ્મૃતિ સચવાય એ હેતુથી “શ્રધાંજલિ “ નામની ૧૨૧ પાનાની એક પુસ્તિકા મેં છપાવીને બધાંને વહેંચી હતી .આ પુસ્તિકામાં એમની ઉમર જેટલા ૫૪ પસંદ કરેલા ભજનો,ચિંતન લેખો,સો જેટલાં ચૂંટેલાં સુવાક્યો વિગેરે વિવિધ માહિતી સંપાદિત કરી હતી.

આ પુસ્તિકામાંના કેટલાક અંશો આજની પોસ્ટમાં નીચે આપેલ છે તે આપને જરૂર વાંચવા ગમશે.દરેક પોસ્ટને અંતે એમાંથી થોડું થોડું મુકતો રહીશ.

દેવના દીધેલ બે પુત્રો અને એક દીકરીની પ્રેમાળ માતા મારાં સ્વ.ધર્મપત્ની કુસુમબેનની સ્મૃતિની વાત કરું ત્યારે સાથો સાથ મારાં સ્વર્ગસ્થ માતા અને પિતાને હું કેમ કરીને ભૂલી શકું ? સ્વ. કુસુમ પછી ડિસેમ્બર, ૧૯૯૫માં અમે ચાર ભાઈ અને ત્રણ બહેનોનાં વહાલસોયાં માતુશ્રી શાંતાબેન, જેમને અમે અમ્માના નામથી સંબોધતા,તેઓ એમની ૭૮ વર્ષની ઉંમરે અમદાવાદના નિવાસસ્થાને અમોને છોડીને ચાલ્યાં ગયાં.ત્યારબાદ, ફેબ્રુઆરી ૨૦૦૭ માં મારા પૂજ્ય પિતાશ્રી રેવાભાઈ શિવદાસ પટેલ અમેરિકામાં સાન ડીયાગોમાં ૯૨ વર્ષની ઉંમરે કુટુંબ માટે સંઘર્ષમય જિંદગી જીવ્યા બાદ એના ફલસ્વરૂપે ચાર પેઢીની લીલીવાડી જોઈને સ્વર્ગે સિધાવ્યા હતાં. મારાં સ્વ. માતાપિતા અને ધર્મપત્ની કુસુમે મારા જીવનમાં ખુબ જ અગત્યનો ફાળો આપ્યો છે.પ્રેમ, લાગણી અને ત્યાગના ત્રિવેણી સંગમ સમાં આ ત્રણ દિવ્યાત્માઓનો હું ઘણો ઋણી છું.એમના સ્નેહ અને સુસંસ્કારોની સૌથી મોટી મૂડીએ મને મારા જીવન સંગ્રામમાં ઝઝૂમવાની જરૂરી તાકાત પૂરી પાડી છે એમ કહું તો ખોટું નથી .મારી રૂમની દીવાલ પર હારોહાર લટકાવેલી એ ત્રણે ય દિવ્ય આત્માઓની તસ્વીરો સામે જ્યારે નજર કરું છુ ત્યારે ભૂતકાળના એ યાદગાર દિવસોની અને મારા જીવન ઉપરના એમના અગણિત ઉપકારોની યાદ તાજી થતાં હૈયું ભારે થાય છે.સૌ કુટુંબીજનો ઉપર આ ત્રણ તસ્વીરો જાણે કે આશીર્વાદોની વર્ષા કરતી ન હોય એવી પ્રતીતિ મને રોજ થયા કરે છે.

ગયા મે મહિનામાં મધર્સ ડે વખતે મારી એક કાવ્ય રચના “માતૃવંદના” ન્યૂયોર્કથી પ્રકાશિત સાપ્તાહિક ગુજરાત ટાઈમ્સના તારીખ ૧૩મી મે,૨૦૧૧ ના અંકમાં છપાઈ હતી એને અત્રે રજુ કરું છું જે ઉપર મેં જણાવ્યું છે એના સંદર્ભમાં યોગ્ય લાગશે.

માતૃવંદના

ઓ મા સદેહે અહીં નથી એ કેમે કરી મનાય ના
સ્મરણો તારાં અગણિત બધાં જે કદી ભૂલાય ના
મા કોઈની મરશો નહી એવું જગે કહેવાય છે
જીવનસ્ત્રોત માના વિયોગની ખોટ સદા વર્તાય છે
માનવીના હોઠ ઉપર જો કોઈ સુંદર શબ્દ હોય તે મા
વરસાદ કરતાં ય પ્રેમે ભીંજવતો સાદ હોય એ મા
સ્મિત કરતી તસ્વીર ભીંતે પૂજ્યભાવે નીરખી રહ્યો
ભૂલી સૌ વિયોગ દુખ તવ મુક આશિષ માણી રહ્યો
ભજન,કીર્તન,ભક્તિ,વાંચન અને વળી તવ રસોઈકળા
ગજબ પરિશ્રમી હતી તારી હરરોજની એ દિનચર્યા
કર્તવ્ય પંથે અટલ રહી સૌની ચિંતા માથે લઇ
અપૂર્વ ધીરજ બેશબ્દ રહી વેદનાઓ સહેતી રહી
પડકારો ભર્યા કાંટાળા રાહે માંડી ચરણો ધૈર્યથી
ગુલાબો સૌ ખીલવી ગયાં અવ જીવન પંથમાં પ્રેમથી
ચંદન સમું જીવન તમારું ઘસાયું કાળ પથ્થરે
કરી લેપ એનો હૃદયમાં સુગંધ માણી રહ્યાં અમે
પ્રેમ,નમ્રતા, કરુણા અને તવ પ્રભુમય જીવનને વંદી રહ્યો
દીધેલ સૌ સંસ્કાર બળે આજ ખુમારી ભેર જીવી રહ્યો
શબ્દો ખરે જ ઓછા પડે ગણવા ઉપકારો મા-બાપના
કિન્તુ અલ્પ શબ્દો થકી માતૃદિને મા કરું હૃદયથી વંદના .

—- વિનોદ આર. પટેલ

આજની મારા બ્લોગની આ પોસ્ટ મારાં સ્વર્ગસ્થ માતા પિતા અને સ્વ,ધર્મપત્ની કુસુમને અર્પિત કરી એમને ભાવભીની સ્મરણાંજલિ અર્પણ કરું છું ,એક કવિના આ શબ્દો સાથે —

એ સ્પર્શનાં ફૂલો તો ખીલીને ખરી ગયાં
પણ ટેરવે સુગંધનો આસવ રહી ગયો

દિલ દે તો ઇસ મિજાજ્કા પરવર દિગાર દે , જો રંજ્કી ઘડિયાં ભી ખુશીમેં ગુજાર દે

હવે, શ્રધાંજલિ પુસ્તીકામાંથી કેટલુંક અહી રજુ કરેલ છે :

પ્રાર્થના

હે પ્રભુ ! હે પરમાત્મન ! હે ગુરુદેવ !
મારા સર્વ વિચારો,મારી સર્વ ઉર્મિઓ
મારા સર્વ મનોરથો મારા દેહનું અણું એ અણું
મારા લોહીનું બિંદુએ બિંદુ તારામય હો
તારા જગતની સેવા માટે હો

હે પ્રભુ ! તારી ઈચ્છા એ મારી ઈચ્છા હો
મારા જીવનને તારી ઈચ્છા મુજબ બનાવ
મારા જીવનમાં જે કંઇ સંજોગો નિર્માણ કરીશ,
ભલે તે સુખ કે દુખના હોય, લાભ કે હાનિના હોય,
હર્ષ કે શોકના હોય, અરે ! જીવન કે મૃત્યુના હોય ,
તો પણ તે બધા સંજોગો મારા કલ્યાણને માટે જ
તેં સર્જ્યા છે તેવી મારી શ્રદ્ધા અખંડ રહો.

—–શ્રી માતાજી (અરવિંદ આશ્રમ ,પાંડિચેરી)

સર્વત્ર સૌ સુખી થાઓ , સમતા સૌ સમાચરો
સર્વત્ર દિવ્યતા વ્યાપો ,સર્વત્ર શાંતિ વિસ્તરો
ઓમ શાંતિ: શાંતિ : શાંતિ :

હવે, કેટલાંક પસંદ કરેલ સુવાક્યો –અવતરણો

૧. “ દુનિયાની મોટી આફત એ છે કે મૂરખાઓનો આત્મવિશ્વાસ ક્યારે ય ડગતો નથી અને બુદ્ધિશાળીઓ પોતાની આશંકાઓમાંથી કદી યે ઊંચા આવતા નથી. “– બર્ટ્રાન્ડ રસેલ

૨. ત્રણ વાનાં મુજને મળ્યાં , હૈયું ,મસ્તક હાથ
બહું દઈ દીધું નાથ , જા ચોથું નથી માંગવું. — ઉમાશંકર જોશી

૩. માણસે પોતાના શબ્દો નરમ અને મીઠા રાખવા જોઈએ ,કારણ કે એવું પણ બને કે,
આવતીકાલે તેને એ જ શબ્દો પાછા ખાઈ જવા પણ પડે — અજ્ઞાત

છેલ્લે, મને એ જણાવતાં ખુબ આનંદ થાય છે કે મૂળ સ્પેનના વતની પણ જીવનની લગભગ અડધી સદી અમદાવાદને પોતાનું વતન બનાવીને ગુજરાતી શીખીને જેમણે ગુજરાતી ભાષામાં ઘણાં પ્રેરણાદાયી પુસ્તકો લખ્યાં છે અને ગુજરાતી સાહિત્યમાં સવાઈ ગુજરાતી તરીકે પોતાનું નામ અમર કર્યું છે એવા એક ચમત્કાર સર્જક લેખક અને ચિંતક ફાધર વાલેસે મારો બ્લોગ જોઈને નીચે પ્રમાણે એમની શુભેચ્છાઓ અને આશીર્વાદ મને મોકલ્યા છે.ફાધર વાલેસનો હું અત્યંત આભારી છું. ફાધર વાલેસ હાલ એમના વતન સ્પેનમાં એમના નિવૃત્તિ કાળમાં આશરે ૮૫ વર્ષની જૈફ ઉમરે પણ એમનો અંગ્રેજી અને સ્પેનિશ ભાષામાં બ્લોગ લખીને પોતાની આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃતિમાં ખુબ પ્રવૃત રહે છે. એમના બ્લોગની વેબ સાઈટ http://www.carlosvalles.com છે.એની મુલાકાત લેવા જેવી છે
.
“Congratulations on your blog ,Vinod, and may it grow like the butterfly in your story, but to full wings and full flight
for good of many.
Love and Blessings,
Father Valles “ September 5, 2011.

Thank you very much Father Valles. I value and appreciate your Love and Blessings .

તરીખ : સપ્ટેમબર ૭, ૨૦૧૧ વિનોદ આર. પટેલ

(2 ) એક બોધ કથા

(અમદાવાદથી પ્રકાશિત ધરતી માસિકમાં સપ્ટેમ્બર ૨૦૦૯ માં પ્રગટ મારો આ લેખ થોડો મઠારીને અહીં મુક્યો છે.)

સંઘર્ષ વગરનું જીવન પાંગળું છે

આ જગતમાં કુદરતની અનેક અજાયબીઓ આપણે જોઈએ છીએ.આમાંની એક મોટી અજાયબી કુદરત એક કોશેટામાંથી રંગબેરંગી પાંખોવાળા સુંદર પતંગિયાનું જે રીતે સર્જન કરે છે એ છે.

એક વખત એક માણસ જંગલના રસ્તે ફરવા જતો હતો ત્યારે આવો એક કોશેટો એને મળી આવ્યો.એ કોશેટામાંથી એક પતંગિયાનું કેવી રીતે સર્જન થાય છે તે જાણવાનું એને કુતુહલ થયું.રોજ સવારે એ કોશેટાનું બારીકાઈથી નિરીક્ષણ કરતો હતો. એક દિવસે એણે જોયું કે કોશેટામાં એક નાનું છિદ્ર પડ્યું છે.થોડા દિવસો પછી એણે નિહાળ્યું કે છિદ્ર સહેજ મોટું થયું છે અને છિદ્રમાંથી નાનું પતંગિયું જાણે બહાર આવવા કોશિશ કરી રહ્યું છે.કોશેટામાં પડેલા આ નાના છિદ્રમાંથી પતંગિયું પોતાના નાજુક શરીરને બહાર કાઢવાની ગડમથલ કરે અને પાછું શાંત થઇ જાય. આમ, વારંવારની કોશિશ કર્યા પછી પણ પતંગિયાની પોતાના શરીરને કોશેટામાંથી બહાર કાઢવાની ક્રિયામાં કંઇ જ પ્રગતિ થતી ન હતી તે જોઈને આ માણસે પતંગિયાને મદદ કરવાનું મનમાં નક્કી કર્યું.

બીજા દિવસે આ માણસ પોતાની સાથે એક નાની કાતર લઈને એ જગ્યાએ ગયો. કોશેટામાં જે જગ્યાએ પતંગિયું ફસાઈ ગયું હોય એમ એને લાગતું હતું ત્યાં કાતરથી નાનો કાપો કરી કાણું સહેજ મોટું કર્યું જેથી એ સહેલાઈથી છિદ્ર બહાર આવી શકે. છેવટે પતંગિયું મોટા થયેલા છિદ્રમાંથી બહાર આવી ગયું. આ માણસપતંગિયાને મદદ કરી એથી ખુશ થયો,પરતું એણે જે જોયું તેથી આશ્ચર્ય પામ્યો. છિદ્ર બહાર આવેલ આ વિચિત્ર આકારના પતંગિયાનું શરીર મોટું અને પાંખો નાજુક હતી જે એના શરીરને ચોંટેલી હતી.આ માણસ હવે પતંગિયું ક્યારે ઉડે છે એ જોવા એનું વધુ નિરીક્ષણ કરતો રહ્યો.એણે વિચાર્યું કે હવે ગમે ત્યારે એ એના શરીરને સંકોચી લેશે અને એની ચોટેલી પાંખો છુટ્ટી થઈને મોટી થશે અને શરીરને સમતોલ કરીને ઉડવા માંડશે.એના આશ્ચર્ય વચ્ચે આમાંનું કશું જ ન બન્યું.બિચારા આ બેડોળ પતંગિયાને એની  બાકીની જિંદગી એક ઇયળની માફ્ક મોટા શરીર અને એને ચોંટેલી નાજુક પાંખો સાથે માત્ર થોડી જગ્યામાં જ આજુબાજુ મંદ ગતિએ ચાલવામાં પૂરી કરવી પડી.

આ માણસ કોશેટામાંના પતંગિયાને  મદદ કરવાની ભાવનાથી ભલાઈ બતાવવા ગયો પરંતુ પતંગિયું જોવાની ઉતાવળમાં એ ભૂલી ગયો કે એક ઇયળમાંથી પતંગિયાનું સર્જન કરવાની કુદરતની અજબ પ્રક્રિયામાં એણે બિન જરૂરી હસ્તક્ષેપ કર્યો છે . એને ખબર ન હતી કે એણે પહેલાં પતંગિયાને કોશેટાના  નાના છિદ્રમાંથી બહાર આવવાની કોશિશ કરતું, ગડમથલ કરતું અને શાંત થઇ જતું અને ફરી પાછું પ્રયત્ન કરતું એમ વારંવાર જોયું હતું તે વખતે સર્જનહારની છુપી કુદરતી શક્તિ ઇયળના મોટા શરીરમાં જે જીવન સર્જક પ્રવાહી હતું એને પાંખોમાં મોકલવાનું કામ કરતી હતી. આ પ્રમાણે કોશેટામાં રહ્યાં રહ્યાં વારંવારના પ્રયત્નો પછી એની પાંખો  ઉડવા માટે પૂરેપુરી રીતે મોટી અને શક્તિમાન થાય અને શરીરના ભાગમાંથી પ્રવાહી વપરાયા પછી શરીર સંકોચાઈને હલકું થઇ કોશેટાના કુદરતી રીતે મોટા થયેલા છિદ્રમાંથીબહાર આવે ત્યાર પછી જ એ હલકા થયેલ શરીર અને  મોટી થયેલ પાંખો વડે પોતાને સમતોલ રાખીને એની સુંદર રંગબેરંગી પાંખો વડે એની મેળે મુક્ત વાતાવણમાં એક જગ્યાથી બીજી જગ્યાએ ઉડી શકે ,એ પહેલાં કદાપી નહિ. એક ઈયળમાંથી સુંદર પતંગિયાનું સર્જન કરવાની કુદરતની અજબ પ્રક્રિયા એક માણસના મૂર્ખતાભર્યા બિનજરૂરી હસ્તક્ષેપથી ખોરવાઈ ગઈ જેનું ભોગ બન્યું બિચારું  નિર્દોષ પતંગિયું !

માણસને પણ આ પ્રસંગ કથામાંના પતંગિયાની માફક માણસ તરીકે પુરેપુરી રીતે પાકટ અને લાયક થવા માટે સંઘર્ષ કરવો જરૂરી બને છે. સંઘર્ષ કર્યા સિવાય અને મુશ્કેલીઓનો સામનો કર્યા સિવાય શોર્ટકટ લઈને જીન્દગીમાં આગળ વધવાની આશા રાખીએ તો એવી સરળતાથી મળેલ સસ્તી જિંદગી એની પાકટતા ઘુમાવે છે અને  એટલા પુરતો એનો વિકાસ પાંગળો બનાવે છે.સંઘર્ષ પછી જે સફળતા મળે છે એના જેવી મજા શોર્ટકટ જિંદગીમાં ક્યાંથી મળે! જીવનનાં સ્વપ્નોને આંબી જવા માટે જરૂરી સંઘર્ષ અને પુરુષાર્થ જ માણસની પાંખોને જોઈએ એવી મજબુતી બક્ષે છે, જેના સહારે એ જગતના મુક્ત વાતાવરણમાં મુશીબતોના તોફાનો વચ્ચે પણ ઉડ્ડયન કરીને પોતાના જીવનનાં લક્ષ્યાંકોને સિદ્ધ કરી શકે છે.

એક કોશેટામાંથી કુદરતની અજાબોગજબ કરામતથી  સર્જન પામતા પતંગિયાનો આ જીવન સંદેશ આપણે સૌએ ગાંઠે બાંધવા જેવો નથી શું ?

@@@@@@@@@@@@@

આજના સુવિચારો

“વિજ્ઞાનની શોધ વડે માણસ પંખીની માફક આકાશમાં ઉડી શકે છે, માછલીની જેમ ઊંડા જળમાં જઈ શકે છે , પણ એક માનવી તરીકે પૃથ્વી પર કેમ જીવવું એ જ એને આવડતું નથી.”-બર્ટ્રાન્ડ રસેલ

શ્રેષ્ઠ કથા

ફરી હું એક કથા કહું ? એક ધર્મગુરુને થોડાક શિષ્યો હતા. રોજ સવારે ધર્મગુરુ તેમને શુભ, સૌન્દર્ય અને પ્રેમના સ્વરૂપ વિષે વાતો કરતા. એક સવારે તે વાત શરુ કરવામાં હતા કે એક પંખી આવીને તેમની બારીની પાળી પર બેઠું અને મધુર સ્વરે ટહુક્વા લાગ્યું . થોડીવાર ટહુક્યા  પછી તે ઉડી ગયું . ગુરુએ શિષ્યોને કહ્યું :” આજ સવારનો વાર્તાલાપ પુરો થયો.! “  —- જે . કૃષ્ણમૂર્તિ

રવિવાર ,  સપ્ટેમ્બર ૪, ૨૦૧૧                     વિનોદ આર. પટેલ