વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

પત્ની છાયા – એક નેકદિલ શિક્ષકના જીવનની કરુણ કથની

અમદાવાદથી પ્રકાશિત “ધરતી“ માસિકમાં, મે ૨૦૦૯માં પ્રગટ થએલી મારી એક “પત્ની છાયા “ નામની વાર્તાને આજે અહીં મારા બ્લોગની આજની પોસ્ટમાં નજીવા ફેરફાર સાથે મુકેલ છે.આ વાર્તામાં એક નેકદિલ આદર્શ શિક્ષકના જીવનની કરુણ કથા આલેખાઈ છે.આશા છે તમને વાંચવી ગમશે.

પત્ની છાયા

રમણલાલ જાની એક નાના ગામમાં ગોરપદું કરીને કુટુંબનો નિર્વાહ કરતા ગોર કરુણાશંકર જાનીના એકનાં એક પુત્ર હતા. નાનપણથી જ એમનામાં પિતાના ધાર્મિક સંસ્કારો ઉતર્યા હતા. રમણલાલે એમના ગામ નજીક આવેલ શહેરમાં જઈને હાઇસ્કુલ અને કોલેજનો અભ્યાસ પુરો કરીને બી.એ.(ઓનર્સ )ની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ એ જ શહેરની જાણીતી હાઇસ્કુલમાં શિક્ષક તરીકે જોડાયા હતા. રમણલાલે ખુબ ખંત અને ધગશપૂર્વકના શિક્ષણ કાર્ય અને મળતાવડા સ્વભાવથી થોડા સમયમાં જ શાળાના એક આદર્શ શિક્ષક અને વિદ્યાર્થીઓના પ્રિય “જાની સાહેબ “ તરીકેની ખ્યાતિ સંપાદન કરી હતી.

જાની સાહેબનાં ધર્મપત્ની મધુબેન અને એક નાના બાળ પુત્ર નામે નિખીલનું એમનું નાનું અને સુખી કુટુંબ શહેરની એક પોળમાં મકાન ભાડે રાખ્યું હતું ત્યાં આનંદમાં દિવસો વિતાવી રહ્યું હતું. રમણલાલનો આ આનંદ બહું લાંબો ન ટક્યો કેમ કે અચાનક એક ટૂંકી જીવલેણ માંદગીમાં સપડાઈને મધુબેન પતિ રમણલાલ અને પાંચ વર્ષના બાળક નિખીલને છોડીને આ ફાની દુનિયાનો ત્યાગ કરી ભગવાનને વહાલાં થઇ ગયાં.માત્ર એક જ દાયકાનું પ્રસન્ન દામ્પત્ય આમ એકાએક ખંડિત થઇ જતાં બિચારા રમણલાલ એકલવાયા અને અટુલા થઇ ગયા. યુવાન વયે જિંદગીનાં સોનેરી સ્વપ્નોમાં રાચતું સુખી જોડું ખંડિત થાય ત્યારે હૃદય ઉપર કેવો આઘાત થાય એતો જેને આવાં રામબાણ વાગ્યાં હોય એ જ જાણી શકે.અચાનક રમણલાલને માથે બાળક નિખીલને ઉછેરીને મોટો કરવાની,એને શિક્ષણ આપવાની અને ઘર ચલાવવાની સંયુક્ત મોટી જવાબદારી આવી પડી. આવા કઠિન સંજોગોમાં રમણલાલનાં સગાં-સંબધીઓ અને મિત્રોએ એમને ફરી લગ્ન કરવા માટે ખુબ સમજાવ્યા, પરંતુ આ આદર્શવાદી શિક્ષક ફરી લગ્ન ન કરવાના તેમના દ્રઢ નિર્ણયમાં અટલ રહ્યા.થોડા દિવસોમાં જ માથે આવી પડેલ કપરા સંજોગો સાથે એમણે મનોમન સમજૂતિ કરી લીધી.રોજ નિયમિત રીતે ગીતાપાઠ કરનાર આ જાની સાહેબ એક સ્થિતપ્રજ્ઞની માફક પોતાને શિરે આવી પડેલ આવી કપરી જવાબદારીના પડકારને હસતા મુખે સ્વીકારી લઈને તેમના કામકાજમાં મન પરોવીને લાગી ગયા.

કાળક્રમે પિતાની વડલા જેવી શીળી છાયામાં ઉછરી,સંસ્કાર પામી નિખીલ એની શાળાના અભ્યાસમાં અગ્રેસર રહ્યો. કોલેજનો અભ્યાસ પુરો કરી કમ્પ્યુટર એન્જીનીયરની ડીગ્રી સારા ગ્રેડ સાથે પ્રાપ્ત કરીને તુરત જ એક મલ્ટીનેશનલ કંપનીમાં સારા પગારે જોબ ઉપર લાગી ગયો.પોતાના પુત્ર નિખીલને એક સારો એન્જીનીયર બનાવવાની એમના હૃદયની મહેચ્છા આમ સુખ રૂપ પાર પડતાં રમણલાલને ઊંડો સંતોષ અને મનમાં ગર્વની લાગણી થઇ હતી.

રમણલાલ જાનીએ એમના શિક્ષક તરીકેના પગારમાંથી કરકસર, બચત અને ટ્યુશનો કરીને એકઠી કરેલ રકમમાંથી શહેરના સારા વિસ્તારમાં એક સોસાયટીના પ્લોટમાં સ્વતંત્ર માલિકીનો ત્રણ બેડ રૂમનો નવો જ બંધાયેલો નાનો બંગલો ખરીદી લીધો અને પોળનું ભાડાનું મકાન ખાલી કરીને પિતા-પુત્ર ત્યાં રહેવા આવી ગયા હતા. નિખીલે પોતાનો કોલેજનો અભ્યાસ ત્યાં રહીને જ પુરો કર્યો હતો.એમના આ બંગલાનું શું નામ આપવું એની બાપ-દીકરા વચ્ચે એકવાર ચર્ચા થયેલી ત્યારે નિખીલે રમણલાલને સૂચવ્યું હતું કે “ બાપુજી, તમોએ ખુબ મહેનત અને કષ્ટ વેઠીને એકઠી કરેલ રકમમાંથી આ બંગલો ખરીદ્યો છે એટલે એનું નામ “ પિતૃ છાયા “ આપવાની મારી ઈચ્છા છે.“ નિખીલના આવા લાગણી ભીના શબ્દો સાંભળીને રમણલાલ અંતરમાં ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. આ રીતે એમના બંગલાનું નામ “ પિતૃ છાયા “ રાખવામાં આવ્યું હતું અને આ નામની આરસની નાની તકતી બંગલાના કમ્પાઉન્ડમાં દાખલ થવાના દરવાજાની દીવાલમાં લગાડવામાં આવી હતી.

નિખીલ એન્જીનીયર બન્યો તેના થોડા વખતમાં જ એનાં લગ્ન એની જ જ્ઞાતિની બી.કોમ. પાસ કરેલ એની પસંદગીની એક પૂર્વી નામની કન્યા સાથે કરવામાં આવ્યાં. નિખીલની માતા મધુબેનના અવસાનથી ગૃહિણી વિહોણું થઇ ગયેલું રમણલાલ જાનીનું ઘર એમના પ્રિય દીકરાની વહુ પૂર્વીના ગૃહ પ્રવેશ સાથે એક ચાર દીવાલના ને છત વાળા મકાનમાંથી ઉલ્લાસભર્યું અને આશાભર્યું ઘર બની ગયું . રમણલાલના આંતરિક આનદની કોઈ સીમા ન રહી. એમનો આ આનંદ જાણે અધુરો ન હોય એમ નિખીલના લગ્ન થયાના બીજા વર્ષે જ પુત્ર વધુ પૂર્વીએ એક ગોરા-ગોરા પુત્રરત્નને જન્મ આપ્યો અને આ ન્વાન્તુક બાળકનું નામ ગૌરાંગ રાખવામાં આવ્યું. એમનું એક વખતનું અધૂરું કુટુંબ હવે સંપૂર્ણ બનતાં અને પોતે દાદા બન્યા એથી રમણલાલની ખુશીનો પ્યાલો જાણે કે છલકાઈ ગયો અને સુખી ભવિષ્યનાં અવનવાં દિવાસ્વપ્નો જોવામાં ખોવાઈ ગયા. નાનો પૌત્ર ગૌરાંગ મોટો થતો ગયો એમ દાદા સાથે ખુબ જ હળીમળી ગયો .ગૌરાંગને તેડીને એમના ઘરની નજીક આવેલા બગીચામાં ફરવા જાય ત્યારે બાંકડા ઉપર બેસીને એની સાથે એની જ કાલી ભાષામાં વાતો કરતાં એક બાળકની જેમ એમનું દિલ બહેલાઈ જતું .જિંદગીનો બોજ ઉઠાવતાં-ઉઠાવતાં હવે રમણલાલે એમની નિવૃતિની વય પૂરી કરી હતી,એટલે એમણે સ્વેચ્છાએ શિક્ષકની નોકરીમાંથી નિવૃત થવાનું નક્કી કર્યું.આજ સુધીની જિંદગીના ઢસરડાથી તેઓ શારીરિક અને માનસિક રીતે લગભગ ભાંગી પડ્યા હતા અને એથી એમની ઉમર કરતાં વધુ વૃદ્ધ લગતા હતા. આથી રમણલાલ નિવૃત થઈને એમનો સમય આધ્યત્મિક વાચન ,પ્રભુ ભજન, દેવદર્શન અને પૌત્ર ગૌરાંગને ઉછેરવામાં નિખીલ અને પૂર્વીને બને એટલી મદદ કરવામાં નિવૃતિનો સમય સારી રીતે વિતતો હોઈ એમના હૃદયમાં ઊંડી હળવાશની લાગણી અનુભવવા લાગ્યા.

રમણલાલના મનની આ હળવાશ અને આનંદ એમના કમનશીબે બહું લાંબો સમય ના ટક્યાં.પુત્ર વધુ પૂર્વી એક સંસ્કારી માતા પિતાની દીકરી હોવા છતાં એમના કોઈ ગુણ એનામાં ઉતર્યા ન હતા.પૂર્વી પરણીને એમના ઘેર આવી તે પછી સોસાયટીમાં અને એમના મિત્રોમાં વહુનાં વખાણ કરતાં રમણલાલ થાકતા ન હતા પરંતુ સમય જતાં એમની વખાણેલી ખીચડી દાંતે ચોંટવા માંડી હતી.પૂર્વી એક સ્વતંત્ર મિજાજની અને કર્કશ સ્વભાવની સ્ત્રી હતી.પૂર્વીને હવે સસરા રમણલાલની ઘરમાં હાજરી કઠતી હતી એટલે કોઈને કોઈ કારણ શોધી નિખીલ સાથે ઝગડા કર્યા કરતી હતી.નિખિલની હાજરીમાં જ તીખા શબ્દોથી રમણલાલને અપમાનિત કરવા લાગી હતી.નિખિલની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી નાજુક બની ગઈ હતી.પોતાના દામ્પત્ય જીવનને બગડતું રોકવા માટે ન તો એ પૂર્વીને કડક શબ્દોમાં કંઇ કહી શકતો હતો કે ન તો પિતા તરફ પૂર્વી તરફથી ફેંકાતાં તીખાં વાગ્બાણોને અટકાવી શકતો હતો.

રમણલાલ નિખીલની મનોસ્થિતિ સારી રીતે સમજતા હતા.આ બાબતમાં કંઈ પણ કહીને એને દુખ થાય એવું કરવા માંગતા ન હતા.રમણલાલ આધ્યાત્મિક વિચારસરણી ધરાવતા અને પુત્ર વત્સલ દિલવાળા પિતા હતા.નિખીલના બાળપણથી માંડી આજ દિન સુધી એમણે એના હિતનો જ વિચાર કર્યા કર્યો હતો.કોઈ પણ હિસાબે દીકરાની પરિણીત જિંદગી રફેદફે થતી જો બચતી હોય તો એ માટે કોઈ પણ પ્રકારનો ભોગ આપવાની એમની મનથી તૈયારી હતી.આ બાબતમાં પુરો વિચાર કરીને એક દિવસ પુત્ર નીખીલને એમની પાસે બેસાડીને એને શાંતિથી કહ્યું, “નિખીલ,જો બેટા,મને આ ઘરમાં થતો કંકાસ બિલકુલ પસંદ નથી.એનાથી કુમળા મગજના તારા દીકરા ગૌરાંગ ઉપર કેવા ખરાબ સંસ્કાર પડે એનો પણ વિચાર કરવો જોઈએ.જો પૂર્વીને હું અહીં રહું એ પસંદ ન હોય તો મારે હવે આ ઘરમાં રહેવું નથી. તમે બે પતિ પત્ની અને ગૌરાંગ અહીં ખુશીથી રહો અને મહેરબાની કરીને તું મને શહેરના વૃધ્ધાશ્રમ-ઘરડાઘરમાં મૂકી આવ.મારી રીટાયરમેન્ટની પેન્શનની રકમમાંથી ત્યાં હું મારા જેવા સમદુખિયા વૃદ્ધ મિત્રો સાથે ખુશીથી રહીશ.કોઈવાર તને ત્યાં મને મળવાની ઈચ્છા થાય તો ગૌરાંગને લઈને આવજે અને નહીં આવે તો પણ એનો મને હવે હરખ શોક રહ્યો નથી.ભગવાનને ભરોંસે મારા જીવનની નાવ ચાલ્યા કરશે.મારી જીવન સંધ્યાના કપરા દિવસોમાં એ જ મારી સંભાળ રાખશે.”

આ વાતચીત થયા પછી એક દિવસે નિખીલ રમણલાલને ઘરડાઘરમાં લઇ જવા એમનો સામાન એની ગાડીમાં મુકતો હતો ત્યારે હાથમાં સોટી પકડીને બંગલાના કમ્પાઉન્ડ બહાર ગાડી પાસે ઉભેલા રમણલાલે “પિતૃછાયા “ બંગલા ઉપર છેલ્લી નજર નાખી લીધી.આ બંગલા સાથે એમના જીવનનાં ઘણાં ખાટા મીઠાં સંસ્મરણો જોડાએલાં હતાં.આ ઘરને અને પૌત્ર ગૌરાંગને છોડીને જતાં એમનું હૈયું અંદરથી વલોવાઈ રહ્યું હતું.નિષ્ઠુર હૃદયની પુત્રવધુ પૂર્વી તો સસરાને વિદાય આપવા બંગલા બહાર જ ન આવી એટલું જ નહીં બિચારા નિર્દોષ બાળક ગૌરાંગને પણ બહાર આવવા ન દીધો,જેને જતાં જતાં જોઈ લેવા માટે એના દાદાની આંખો ચાતક પક્ષીની જેમ તલસી રહી હતી.

આ વસમી વિદાય વખતે ઊંડા વિચારોમાં ખોવાયેલા રમણલાલે છેવટે ગાડીમાં બેસતી વખતે બંગલાના દરવાજાની દીવાલે લગાડેલી “પિતૃ છાયા” નામની તકતી તરફ અંગુલીનીર્દેશ કરી નીખીલને ઉદ્દેશીને કહ્યું “ નિખીલ, હું જાઉં એ પછી તું એક કામ જરૂર કરજે. આ બંગલાની “પિતૃ છાયા”ની આરસની તકતી છે એને કાઢી નાખીને એને સ્થાને “પત્ની છાયા “નામની નવી તકતી બનાવડાવીને લગાવી દેજે,તારી પત્ની પૂર્વી ખુશ ખુશ થઇ જશે!”

એકાકી અને અટુલા બની એકાએક અજાણ્યા ભવિષ્યની રાહે પગ માંડી રહેલ વૃદ્ધ શિક્ષક પિતાના દુઃખથી વલોવાઈ રહેલા હૃદયમાંથી નીકળેલ આ ઉદગારો સાંભળીને પુત્ર નિખીલ પિતાની આંખો સાથે પોતાની આંખો મિલાવી ન શક્યો.એ વખતે નિખીલની બન્ને આંખોની પાંપણો લાચારી અને શરમની મારી ભોંય ખોતરી રહી હતી!

સાન ડિયાગો, કેલીફોર્નીયા વિનોદ આર. પટેલ
****************************************************************************

આવા જ વિષયની વાત કરતી પરંતુ એક સંવાદમય સ્વરૂપમાં રજુ થયેલ લઘુ વાર્તાને અહીં એક નવા પ્રયોગ તરીકે મુકેલ છે. સંવાદ ઉપર વિચાર કરશો એટલે આ લઘુ વાર્તાના તથ્યની પ્રતીતિ થશે!

એક દાદા અને પૌત્ર સંવાદ

લગભગ એંસી વર્ષના એકલદોકલ દાદાજીને એમનો ચાર વર્ષનો પૌત્ર કીકુ મૂડીના વ્યાજ કરતાં એ વધુ વહાલો. કીકુને પણ દાદા સાથે પાક્કી દોસ્તી. એની બધી વાત મમ્મી અને પપ્પા કરતાં દાદાને પહેલાં કહે.મમ્મી અને પપ્પા સવારે એમની જોબ માટે જાય એટલે દાદા અને કીકુ રમતો રમી, અવનવી વાતો કરી સમય વ્યતીત કરે.દાદા માટે કીકુ આનદથી સમય પસાર કરવાનું જાણે એક રમકડું !એક સવારે દાદા અને કીકુ બેકયાર્ડના હીંચકા ઉપર બેસી અલકમલકની વાતોએ વળગ્યા છે. દાદા પૌત્ર કીકુને પૂછે છે, “બેટા તારે આજે શું કહેવાનું છે ?” ત્યારે પૌત્ર અને દાદા વચ્ચે આ સંવાદ રચાય છે .

પૌત્ર — દાદા, હું જ્યારે ખાવા બેસું છું ત્યારે મારા હાથમાંથી ચમચી નીચે પડી જાય
છે. ટેબલને ટાઈલ્સ ગંદા થઇ જાય છે.મમ્મી-પપ્પા મને લડે છે.

દાદા – મારા હાથમાંથી પણ ચમચી પડી જાય છે ને બધું ગંદુ થાય છે.મને પણ લડે.

પૌત્ર –(ધીમેથી શરમાતાં દાદાને કાનમાં કહે છે ) દાદા, કોઈવાર મારું પેન્ટ પલળી
. જાય છે !

દાદા—( મોટેથી હસતાં હસતાં )મારે પણ એવું કોઈ વાર થઇ જાય છે ,બેટા .

પૌત્ર —દાદા, હું ઘણીવાર રડી પડું છું.

દાદા- (લાગણીથી માથું હલાવીને ) હું પણ કોઈ કોઈ વાર રડી લઉં છું ,બેટા.

પૌત્ર –દાદા, સૌથી ખરાબ વાત તો એ છે કે મારા મમ્મી-પપ્પા હું કઈ કહું છું એને
સાંભળતા નથી. કહે છે હમણાં સમય નથી.

( દાદા એમના કરચલીવાળા હાથથી વ્હાલથી પૌત્રનો માખણ જેવો કોમળ હાથ હાથમાં લઈને પંપાળતાં પંપાળતાં કહે છે)
દાદા—તું શું કહે છે એને હું સારી રીતે સમજુ છું. એક દિવસ તેઓ તારું જરૂર
સાંભળશે બેટા.!
( અને દાદા પછી વ્હાલથી પૌત્રને ભેટી પડે છે.)

આજનો આ દાદા-પૌત્રનો સંવાદ અહીં પુરો થાય છે. અસ્તુ.

સાન ડિયાગો, કેલિફોર્નિયા , વિનોદ આર. પટેલ

***************************************************************
ઈશ્વરની અનુભૂતિ

પેટ્રોમેક્ષ્ બત્તી બોલતી નથી પણ તે પ્રકાશે છે ,અને ચારે બાજુ પોતાનાં પ્રકાશ ફેલાવે છે. જૂઈનું ફૂલ બોલતું નથી, પણ પોતાની સુગંધ સર્વત્ર પ્રસરાવે છે.દીવાદાંડી દાંડી પીટતી નથી ,પણ દરિયા પરના ખલાસીઓને માટે મૈત્રી ભર્યો પ્રકાશ ફેંકે છે. તેવી જ રીતે સર્વત્ર વ્યાપક પરમાત્મા ઢોલ પીટતા નથી ,રાગદ્વેષ રહિત ,પ્રજ્ઞાયુક્ત ઋષિ તેની હાજરીને સર્વત્ર અનુભવે છે. —અજ્ઞાત

દહીમાં માખણ છે એ સૌ જાણે છે ,હું પણ જાણું છું. તે ધીરજથી વલોવવાથી જ મળે છે. દહીમાં માખણ છે એમ પોકારવાથી કે એનું રટણ કરવાથી તે નહીં મળે .એક બાળક લાંબા વખતથી વિખુટી પડેલી માતાની ગોદમાં જવાને માટે જેટલી આતુરતાથી ઝંખે છે તેટલી જ આતુરતાથી ભગવાનને મેળવવાની ઈચ્છા સેવતા રહો. —-શ્રી રામકૃષ્ણ પરમહંસ

સાત સરગ અસમાન પર , ભટકત હૈ મન મૂઢ
ખાલિક તો ખોયા નહીં ઇસી મહલમેં ખોજ.——-ગરીબદાસ
(અર્થ.—હે મૂઢ મન, તું ક્યાં ભટકી રહ્યું છે ? સાત સ્વર્ગ કે આકાશમાં ?પરમાત્માની શોધમાં નકામું શા માટે દુખી થાય છે.તારા હૃદય રૂપી મહેલમાં જ એની શોધ કર. પરમાત્મા કાંઈ તારી બહાર ખોવાઈ ગયાં નથી .)

સબ ઘટ મેરા સાઈયાં, સુની સેજ ન કોઈ ,
વા ઘટ બલીહારીયાં , જા ઘટ પરગટ હોઈ. —– કબીરનો દુહો
(અર્થ.—મારા પરમાત્મા પ્રત્યેક ઘટમાં ( શરીરમાં ) હાજર છે, એવી એક પણ શય્યા નથી જે મારા સાંઈથી સુની હોય.પણ મહિમા તો દેહનો છે ,જેમાં પરમાત્મા પ્રગટ થાય છે . )

************************************************

સાન ડિયાગો ,
કેલીફોર્નીયા વિનોદ આર. પટેલ
ઈ-મેલ સંપર્ક —vinodpatel63@yahoo.com

11 responses to “પત્ની છાયા – એક નેકદિલ શિક્ષકના જીવનની કરુણ કથની

 1. nabhakashdeep સપ્ટેમ્બર 25, 2011 પર 3:41 પી એમ(PM)

  શ્રી વિનોદભાઈ
  સામાજિક વાર્તા એકધારી રીતે આલેખાઈ છે અને હૃદયને ભાવથી ભરી જાય છે.
  આપના લેખો એક સંદેશ દઈ જાય છે. આપને ખૂબખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. vandana patel સપ્ટેમ્બર 28, 2011 પર 4:34 એ એમ (AM)

  સરસ… લાગણી ભીની રજૂઆત…

  Like

 3. Pingback: ઘરડાં મા-બાપની સામાજિક સમસ્યા | વિનોદ વિહાર

 4. Rajnikant Vipra Bechar જાન્યુઆરી 25, 2012 પર 9:29 પી એમ(PM)

  Very very nice articles. Keep it up.God bless you.
  Rajni B.Chhelavda

  Like

 5. Vipul Desai જાન્યુઆરી 30, 2012 પર 4:22 પી એમ(PM)

  સ્નેહી વિનોદભાઈ,
  આપના કોઈપણ બીજેથી લીધેલા લેખો કે તમારા પોતાના લખેલા લેખોમાં ખુબ જ આનંદ તો આવે જ છે પરંતુ અંદર એક દર્દ હોય છે જે હૈયાને સ્પર્શી જાય છે. આપની લખવાની પદ્ધતિ પણ સીધી સાદી અને કોઈપણ જાતના આડંબર વગરની હોય છે જે ખરેખર અદભુત છે. લેખ વાંચીને ક્યાં પુરો થાય તે ખબર નથી પડતી. સામાન્ય રીતે ટાઈમના અભાવે બધા બ્લોગ જોવાતા નથી પરંતુ તમારા બ્લોગની મુલાકાતે ચઢ્યા પછી પાછું નીકળવું મુશ્કેલ થઇ જાય છે. ખુબ ખુબ અભિનંદન!
  વિપુલ એમ દેસાઈ
  http://suratiundhiyu.wordpress.com/

  Like

 6. Pingback: ફાધર્સ ડે(પિતૃ દિન) પ્રસંગે પૂજ્ય પિતાશ્રીને વંદન અને હાર્દિક શ્રધાંજલિ « વિનોદ વિહાર

 7. Pingback: (60) ફાધર્સ ડે(પિતૃ દિન) પ્રસંગે પૂજ્ય પિતાશ્રીને વંદન અને હાર્દિક શ્રધાંજલિ « વિનોદ વિહાર

 8. Yogesh J Bhatt ફેબ્રુવારી 2, 2014 પર 7:05 પી એમ(PM)

  Good story.તમે જે ઈશ્વરની અનુભૂતિમાં “અજ્ઞાત”થી ઉલ્લેખ કરી રાગદ્વેષ રહિત ,પ્રજ્ઞાયુક્ત ઋષિ તેની હાજરીને સર્વત્ર અનુભવે છે. એ જણાવેલ છે તે ફાધર વાલેસના વિચારો છે.આપે મૂકેલી આ વાર્તા મેં બીજાં સુખદ અંત સાથે પણ વાંચેલ છે,જેમાં ફરી પૌત્રના કહેવાથી પિતા દાદાને અંતે ફરીથી ઘરે લઈ આવે છે. આપની વેબસાઈટ પર મેં ઘણી સારી બોધકથાઓ વાંચેલ છે.આપની પાસે સુંદર સંગ્રહ છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: