વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

માદરે વતનની ધરતીની ધૂળને અને એ માટીની મ્હેકને પ્રણામ—વતનપ્રેમ

સપ્ટેમ્બર ૨, ૨૦૧૧ ના રોજ  મેં મારા ગુજરાતી બ્લોગ વિનોદ વિહારની શરૂઆત કરી તે પછી એક  મહિનાના અંત સુધીમાં કુલ સાત પોસ્ટ મેં એમાં મૂકી હતી જેને સારો એવો પ્રતિભાવ મળ્યો છે. જેમ જેમ આ બ્લોગની જાણ બધાંને  થતી જશે એમ એમ વાચકોના આંકમાં વધારો થતો રહેશે.મારા બ્લોગની મુલાકાત લેનાર સૌ વાચકોનો આભાર માનું છું .

સપ્ટેમ્બરમાં મારા બ્લોગની પહેલી પોસ્ટમાં મેં મારા બ્લોગની શરૂઆત થયાનું જાહેર કર્યું ,તે પછી મને ઘણા મિત્રો/સ્નેહીઓના ઈ-મેલ મળ્યા હતા. એમાં તા-૩જી સપ્ટેમ્બર,૨૦૧૧ ના અમારા શિ.મા. ફેમિલીના એક સભ્ય, કઝીન ભાઈ નટુભાઈ પટેલે એમના ઈ-મેલમાં આ પ્રમાણે જણાવ્યું હતું:

“ Dear  Vinodbhai, I am very delighted that you are writing this blog so that we can also enjoy reading it.

Please publish as much as possible on what you already have written in your note books.Also it would be very much of our interest if you can write some of our family history or about certain family events or about Dangarwa. Thanks, Natu.”  

હ્યુસ્ટનથી મારા માસીના દીકરા બીજા એક કઝીન ભાઈ ચીમનભાઈ પટેલે એમના ઈ-મેલમાં મને સૂચન કર્યું હતું કે મારા બ્લોગમાં મારા જીવનના યાદગાર પ્રસંગો અને મેં જીવનમાં જે કંઈ પણ સંઘર્ષ વેઠ્યો હોય એ વિષે પણ લખવું.ઈ-મેલના અંતે એમણે એમની આગવી રીતે ઉમેર્યું કે “ ચમને તમને ચિનગારી ચાંપી છે, એને બુઝાવા ન દેતા.” અમદાવાદમાં રહેતાં લેખિકા શ્રીમતી અવંતિકાબેનએ પણ ફોન ઉપર આવા જ મતલબનું  સૂચન કર્યું હતું.  

આ બન્ને ભાઈઓનાં અને અવંતિકાબેનના આ વિચારવા જેવાં સુચનો માટે આભારી છું. એમના સૂચનોનો  શક્ય હશે એટલો અમલ કરવાને માટે પ્રયત્ન કરવાનો મનમાં વિચાર તો છે.

આ સૂચનોના અનુસંધાનમાં આજની પોસ્ટમાં મારો વતનપ્રેમ વિશેનો “વ્હાલું લાગે મને મારું વતન “ નામનો એક લેખ જે આ અગાઉ ગુજરાત ટાઈમ્સમાં પ્રગટ થયેલો એમાં થોડા સુધારા વધારા કરીને મુક્યો છે.

હવે પછીની પોસ્ટમાં મારા મૂળ વતનના ગામ ડાંગરવા ઉપર મારા એક કુટુંબી કાકા શ્રી કાન્તીભાઈ એન પટેલ (કેન પટેલ )એ લખેલ અને ગુજરાત ટાઈમ્સમાં પ્રગટ થયેલ એક સુંદર લેખ મુકવામાં આવશે.
___________________________________________________________________

વ્હાલું લાગે મને મારું વતન                                     લેખક-   વિનોદ આર. પટેલ

સંસ્કૃતમાં એક સરસ વાક્ય છે કે “જનની જન્મભૂમિસ્ચ સ્વર્ગાદપિ  ગરીયસી” એટલે કે જન્મદાતા મા અને જ્યાં જન્મ થયો હોય એ વતનની ધરતી સ્વર્ગ કરતાં ય ચડિયાતાં છે.

સારા ભવિષ્ય માટે અને સારી કમાણી કરી જીવન ધોરણને બહેતર બનાવવા માટે માટે વતનનો મોહ મુકીને વતન બહાર નીકળવું પડે છે અને માદરે વતનથી હજારો માઈલ દુર અમેરિકા ,યુ .કે.,યુરોપ,આફ્રિકા વગેરે દુનિયાના અનેક દેશોમાં આવીને વસવાટ કરવો પડે છે.આમ છતાં વતનથી દુર આવીને વસેલ દરેક ભારતીયને એ કહે યા ન કહે ,પોતાના અંતરમાં પોતાના વતન માટે થોડા વત્તા અંશે પણ આકર્ષણ તો રહેતું જ હોય છે.

જ્યાં જન્મ થયો હોય ,બાળપણ અને  સૈશવ કાળ વિતાવ્યો હોય,ગીલ્લી દંડા રમ્યા હોઈએ, ખેતરોમાં હર્યા ફર્યા હોય,બોરડીના બોર ખાધા હોય એ વતનને જલ્દી કેમ કરીને ભુલાય.?માટીના ચુલા પર ધીમા તાપે શેકાયેલ પોતાના જ ખેતરની લીલીછમ બાજરીના પૂર્ણ ચંદ્રમા જેવા ગોળ ગોળ બાજરીના રોટલા પર બાએ હેતથી તાજા વલોણામાંથી તારવેલ તરબર માખણ લગાડ્યું હોય એની સાથે ખેતરનાં  આથેલાં મરચાં સાથે ખાવાનો એ અનોખો સ્વાદ અને લિજ્જત ,એવાં બધાં મનમાં ઊંડે સચવાયેલાં વતનનાં  સંસ્મરણોને કેમ કરીને ભૂલી શકાય ?આ બાજરીના રોટલાના સ્વાદ આગળ તો મેક્સિકન પિત્ઝાનો સ્વાદ પણ   ઘણો ફિક્કો લાગે !

વતનની ધરતી પર પહેલા વરસાદ નાં ફોરા પડતાની સાથે જન્મતી ભીની માટીની  એ સુગંધ અમેરિકાના આસ્ફાલ્ટના રસ્તાઓ અને ગગનચુમ્બી કોન્ક્રીટ પોલાદના જંગલો ક્યાંથી આપી શકે !

વતનનો પ્રેમ છું ચીજ છે એ વાત વતનથી દુર રહેનાર ખુબ સારી રીતે જાણે છે.મશહુર ગઝલકાર અને ગાયક પંકજ ઉધ્હાસ અમેરિકામાં એમના પ્રોગ્રામમાં જ્યારે વતનસે ચિઠ્ઠી આઈ હૈ એ ગીત લલકારે છે ત્યારે ઘણા વર્ષોથી  અહી રહેતા હોવા છતાં ઘણા ભારતીય અમેરિકનોની આંખોમાં આંસુ ડોકાય છે એ શું બતાવે છે?

બાબર હિન્દુસ્તાનનો શહેનશાહ બન્યો પણ  એના હૈયે વતનપ્રેમ જ્વલંત હતો .તેને હમેશાં મધ્ય એશિયાનાં તરબુચ યાદ આવતાં હતાં.જગવિખ્યાત લેખક અને પ્રખર વિચારક રશિયાના મહાત્મા લિયો ટોલસ્ટોય એક વખત એમના વતનના ગામ યાસ્નાયા પોલ્યાનાની મુલાકાતે ગયા ત્યારે ગામના અભણ અને બરછટ રીતભાતના ખેડૂત પડોશીઓએ એમને પૂછ્યું,”મહાશય ,તમે તો દેશ પરદેશમાં ખુબ ફર્યા છો.વિદેશોમાં બધું આપણા આ ગામ કરતા ઘણું જ બહેતર હશે ખરું ને ?”ટોલસ્ટોયે જવાબ આપ્યો,” બિલકુલ નહી,પોતાના વતન કરતાં સારું કોઈ સ્થળ હોઈ જ ન શકે.મારે મન મારું આ નાનું ગામ યાસ્નાયા પોલિયાના વિશ્વ ઉપરનું સુંદરમાં સુંદર સ્થળ છે.

“અમેરિકામાં રહેતા ઘણા ભારતીયોને અમેરિકા આવ્યા પછી અમેરિકાનું બધું જ સારું લાગે છે અને વતનની અને ભારત દેશની ભીડ,ગંદકી,દારુણ ગરીબી, બેરોજગારી,શોષણ , ભ્રષ્ટાચાર,પ્રદુષણ વિગેરે અંગે ઘણીવાર ટીકા કરતા હોય છે.આની સામે બીજા કેટલાક વતનપ્રેમીયો પણ હોય છે જેમને અવારનવાર વતનની મુલાકાત લીધા વગર ચાલતું નથી.

ગુજરાત ટાઈમ્સમાં એકવાર એક ફિરોજ કાઝી નામના ભાઈએ લખ્યું હતું કે” છેલ્લા ૨૫ વર્ષથી અમદાવાદનું આકર્ષણ દર વર્ષે ઓછામાં ઓછા એક મહિના માટે મને  ત્યાં ખેંચી જાય છે.ભલેને અમદાવાદ એક પ્રદુષિત શહેર ગણાતું હોય પણ મારા માટે તો એ મારો પ્રાણવાયુ છે.મારા ફેફસામાં આ પ્રાણવાયુ ભરીને હું મારા કાર્ય ક્ષેત્ર  અમેરકામાં પાછો ફરું છું.”શ્રી કાઝી જેવા વતનપ્રેમીઓની આવી ઉમદા વતનપરસ્તી સરાહનીય છે.

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એમના એક કાવ્યમાં સુંદરવાત કરી છે કે :“સ્વર્ગે રહીએ કે જઈએ, સ્વર્ગને કૈં પડી નથી,કારણકે આ તો સ્વર્ગ છે.હૃદય પોકારી ઉઠે છે. અહી બધું સુખ છે પણ ક્યા છે મારી માવડી ?ભલે દીન,હીન,મલિન પણ મારી માતૃભુમી ક્યા છે.?”

ઉપર જેમનો ઉલ્લેખ કર્યો છે એ મારા એક ન્યુ જર્સીમાં રહેતા ૮૦ ઉપરની ઉમરના એક  કૌટુંબિક કાકા શ્રી કાન્તીભાઈ( કેન પટેલ) એમનું મોટા ભાગનું જીવન વતનમાં વિતાવ્યા પછી અમેરિકામાં આવીને સારી રીતે ઠરી ઠામ થવા પ્રયત્ન કરી રહેલ અનેક  સીનીયર સીટીઝનોની માફક એમના જીવનનો આખરી સમય પોતાના સ્વજનો સાથે સારી રીતે વીતી શકે એ આશયથી છેલ્લા ઘણા વર્ષોથી એમની એક દીકરીની નજીક નોર્થ બર્ગન, ન્યુ જર્સીમાં વસીને પ્રવૃતિશીલ રહે છે.મારા ઉપરના એમના એક પત્રમાં એમણે જે લખ્યું હતું એના આ અંશો વાંચવા જેવા છે, જેમાં એમનો વતનપ્રેમ અને વતન ઝુરાપો જણાઈ આવે છે.

“પ્રિય ભાઈ વિનોદભાઈ, સમયના પ્રવાહ સાથે નાવ કિનારે આવી ગયું છે.ભૂતકાળનાં ડાંગરવાના  ભવ્ય જીવનનાં સંસ્મરણો સતાવે છે અને કેટલીક વાર મનને અનોખો આનંદ પણ આપે છે.

એ પીમ્પર અને ગુંદી નીચેના માન્ચડાઓ ઉપરથી કરેલા ગોફણના ઘા,એ ગુંદા અને ખોખાં,એ બળદ અને ભેંસોના પૂંછડા,એ ખડખડતાં ગાડાં અને કોશિયા મારી ઊંઘ હરામ કરી દે છે.એ ફૂંફાડા મારતા સાપ અને ડોટો કાઢતાં ઘો અને નોળિયા હવે ક્યારે જોવા મળે ?

મોર,પોપટ અને કાંગલા ઉડી ગયા અને  હવે આપણો વારો! એ ડાંગરવા જેવા નાનકડા ગામમાં વીતાવેલા દિવસોનું વર્ણન કરવા કાગળો અને પેનમાં શાહી પણ ખૂટી પડે એમ છે.એ બાળ ગોઠીયાઓની મંડળી,ભાગોળ અને વગડાની વાટનો નૈસર્ગિક આનંદ અને એ ભવની ભવાઈનું પ્રાકૃતિક સુખ અહી ડોલરના ભાવે પણ પાછું મળી શકે એમ નથી.હશે ત્યારે.શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે દેશ કાળને અનુરૂપ થઈને આનંદથી શેષ જીવન જીવી લઈએ. એજ લી. કાકા અને કાકીના જય સ્વામીનારાયણ”

ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ ગઝલો-કાવ્યો રચીને નામ અમર કરી જનાર  આદીલ મન્સૂરી ૧૯૮૫માં વતન અમદાવાદની વિદાય લઈને તેઓ નવેમ્બર ૨૦૦૮ માં  અવસાન પામ્યા ત્યાં સુધી અમેરિકામાં,હોબોક્ન,   ન્યુ જર્શીમાં રહ્યા.આ આદીલ મન્સુરીએ આપણી ગુજરાતી ભાષામાં એમના વતનપ્રેમ અને વતન ઝૂરાપા ને ઉજાગર કરતી કેટલીક સુંદર ગઝલો લખી છે એમાંની કેટલીક પક્તિઓ અહી રજુ કરીને મારો લેખ પુરો કરું.

વતનની ધરતી માટેનો તલસાટ વ્યક્ત કરતા એમણે લખ્યું:

 વતનની ધૂળથી માથું ભરી લઉં  આદિલ,

 અરે આ ધૂળ, પછી ઉમ્રભર મળે ન મળે .

કાલે પાછા ચાલ્યા જાશું ,નક્કી કાલે પાછા, 

 કાલે કાલે કરતાં કરતાં જર્શીમાં વર્ષો કાઢ્યાં.

આદિલને મળવું હોય તો મુશ્કિલ નથી કે એ

જર્શીમાં જો ન હોય તો સરખેજ હોય છે.

મૃત્યુ પણ આદિલ અચાનક આવશે

જન્મવું પણ જ્યારે અણધાર્યું હતું. ——-આદિલ  મન્સૂરી

________________________________________________________________________                 

(“મારું ગામ ડાંગરવા “એ નામના શ્રી કેન પટેલના લેખ માટે હવે પછીની પોસ્ટની રાહ જુઓ )

A THOUGHT FOR TO DAY

“ If you are feeling low, don’t despair. The sun has a sinking spell every

  night, but it comes back up every morning. The way I see it, if you want

  the rainbow, you gotta put up with the rain.”

                                —Dolly Parton,( Author and Song Writer)

પોસ્ટ કર્યા તા- ઓક્ટોબર, ૭,૨૦૧૧ ,

સાન ડિયાગો ,                                                                     વિનોદ આર. પટેલ

One response to “માદરે વતનની ધરતીની ધૂળને અને એ માટીની મ્હેકને પ્રણામ—વતનપ્રેમ

  1. pravinshastri ફેબ્રુવારી 9, 2020 પર 8:02 એ એમ (AM)

    આપનો તલસાટ સમજી શકાય છે. આપણે સૌ એક જ બોટના પ્રવાસી છીએ. જવું છે. પણ જવાતું નથી. જાણીયે છીએ કે આપણી જીવન યાત્રા ગમે તે સમયે પૂરી થઈ શકે. બસ સ્મરણ સાથે જ જીવવાનું છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: