વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

મારું ગામ ડાંગરવા- વતનપ્રેમી શ્રી કેન પટેલનો લેખ

આ પહેલાની તા-૭મી ઓક્ટોબરની પોસ્ટમાં મેં જણાવ્યું હતું એ પ્રમાણે આજની પોસ્ટમાં શ્રી કેન પટેલનો ન્યૂયોર્કથી પ્રકાશિત થતા સાપ્તાહિક ગુજરાત ટાઈમ્સમાં પ્રગટ થયેલો લેખ “મારું ગામ ડાંગરવા “ મુકેલ છે. આ લેખમાં અમારા વતનના ગામનું આબેહુબ વર્ણન એમણે કર્યું છે, જે તમને વાંચવું ગમશે.

શ્રી કેન પટેલ એમની લગભગ ૮૦ વર્ષની જૈઈફ ઉમરે નોર્થ બર્ગન,ન્યુ જર્સી માં   એમનાં ધર્મપત્ની મેનાબેન સાથે રહીને  ઉત્સાહપૂર્વક સીનીયર સીટીઝનોના પ્રશ્નો ઉકેલવામાં મદદ અને ત્યાંના સ્વામીનારાયણ મંદિરમાં નિયમિત સેવા આપી રહ્યા છે.હમણાં આ મંદિરે સોંપેલ સત્સંગની કેટલીક ગુજરાતી પુસ્તિકાઓનું અંગ્રેજી માં ભાષાંતર કરવાનું કામ વિના મુલ્યે કરી રહ્યા છે.ગુજરાત ટાઈમ્સમાં અવારનવાર ગુજરાતી લેખ અને કાવ્યો મોકલતા રહે છે. એ જાણીને નવાઈ લાગે એવું છે કે ન્યુ જર્સીના જાણીતા અંગ્રેજી અખબાર Hudson Reporter માં એમનાં અત્યાર સુધીમાં લગભગ ૧૩૦ અંગ્રેજી કાવ્યો પ્રગટ થયાં છે. એમાંથી ૧૦૦ અંગ્રેજી કાવ્યોની એમણે બે બુકો OVER THE SEA અને THE WEST HORIZON છપાવીને બહાર પાડી છે.આ બુકોની પ્રસ્તાવનામાં હડસન રિપોર્ટર અખબારના Editor-IN- Chief નો કેન પટેલનાં કાવ્યોની પ્રસંશા કરતો જે  લાંબો અભિપ્રાય સામેલ છે એમાંના કેટલાક વાક્યો આ છે:”Poet Ken Patel sees the world in a special way.. .Mr. Patel’s poems are an oasis of beauty and life..His unique talent has allowed him to pen lively ,insightful poems about everything…With his rare eloquence and ability to rhyme abuot any subject ,he has pleased and astounded our readers of The Hudson Reporter.”શ્રી કેન પટેલ સીનીયર સીટીઝનો માટે એક  ઉદાહરણ રૂપ છે.

મારું  ગામ ડાંગરવા                                      લેખક કેન પટેલ (કાન્તીભાઈ એન. પટેલ ) 

મારા ગામ ડાંગરવાની આ બધી વિગતો હુ સમજણો થયો એ સમય એટલે કે આજથી લગભગ  ૭૦-૭૫ વર્ષ પહેલાની છે.

“ડાંડ ગામ ડાંગરવા  ને

ચૌટા વચ્ચે ચોરો

વાણીયા બ્રાહ્મણ મરી પરવાર્યા

ને વેપાર કરે વ્હોરો.”

ઉપરોક્ત લોકોક્તિ એક સમયે સો ટકા સાચી હતી.

ડાગરવા ગામ વચ્ચો વચ્ચવહોરાજીનીદુકાનહતી.તેઓ લોખંડનાં તગારાં,સાંકળો ,ખીલી તથા મિજાગરાનો વેપાર કરતા .ગામમાં તેમનું જ માત્ર એક જ મુસલમાન કુટુંબ હતું અને બઘા સાથે પ્રેમ ભાવથી હળીમળીને રહેતું હતું.

ડાંગરવા અમદાવાદથી મહેસાણા જતી રેલ્વે લાઈન પર લગભગ ત્રીસ માઈલના અંતરે આવેલું છે. અમદાવાદથી ઉપડેલી મહેસાણા જતી રેલ્વે ગાડી જ્યારે બોરડીઓના ઝુંડમાં પ્રવેશે ત્યારે સમજી લેવું કે ડાંગરવા ગામ આવી ગયું. ડાંગરવાનાં મોટાં મજાનાં રા બોર બધે વખણાય.

ડાંગરવાના રેલ્વે સ્ટેશનેથી બહાર નીકળો કે ગાયકવાડ સરકારનું મહેમાન ગૃહ આવે.ગાયકવાડ સરકાર જ્યારે ગામડાંની મુલાકાતે આવે ત્યારે તેમનો રસાલો અહીં પડાવ નાખતો.આજુબાજુનાં ગામોના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ થતા.મહારાજા ત્યાંથી જ વિધવાઓ,ત્યકતાઓ તેમ જ અનાથ બાળકોને ગુપ્ત દાન આપતા.ગ્રામ જનોનો દરબાર પણ ત્યાં જ ભરાતો અને રૈયતનો રાજા સાથેનો સંપર્ક જળવાઈ રહેતો. આમ એ ઈમારતનો ભૂતકાળ ભવ્ય છે.

મહેમાનગૃહથી પૂર્વ દિશામાં લીમડાનાં વિશાળ વૃક્ષોથી આચ્છાદિત રાજમાર્ગ ગામ તરફ જાય છે.એ રાજમાર્ગની ડાબી બાજુ બસ સ્ટેન્ડ,બે ત્રણ હોટલો,હાઈસ્કુલ, હોસ્પિટલ,પશુ ચિકિત્સાલય,કન્યા શાળા,કુમાર શાળા ,પોસ્ટ ઓફીસ,બાળ મંદિર અને અંતે પંચાયત કચેરી આવેલા છે.ગામ વચ્ચે દેના બેંક ,દુધની ડેરી અને બઝાર આવેલાં છે.

આમ તો ડાંગરવા ગામ જાણે વટનો કટકો !એક સમયે વટમાં ને વટમાં ગાયકવાડ સરકાર સામે શિંગડાં ભીડાવેલાં,પરંતુ પછી સમાધાન થયેલું.ગામ લોકોએ એકવાર બહારવટિયા મીરખાનને પણ ભીડાવેલો.

સામાન્યપણે ગામમાં અઢારે વર્ણના લોકો વાસ કરે છે,પરંતુ મુખ્ય વસ્તી રજપૂતો અને પાટીદારોની છે. રજપૂતોની અટક ડાભી છે એટલે ગામ ડાભીના ડાંગરવા તરીકે પણ જાણીતું છે.ગામમાં લોકોનો મુખ્ય વ્યવશાય ખેતી અને પશુપાલન છે .કેટલાક લોકો નજીકમાં આવેલા કલોલ શહેરમાં કામે જાય છે.વાણીયા–બ્રાહ્મણોનાં કુટુંબો આજીવિકા માટે સ્થળાંતર કરી ગયાં છે.

મારા ગામ ડાંગરવાની આબાદી લગભગ સાત હજારની હશે,અને એ કડીને બાદ કરતાં તાલુકાનું સૌથી મોટું ગામ છે.આજુબાજુ આવેલાં નાનાં અનેક ગામોનું એ કેન્દ્ર છે.વળી બસસેવા તેમ જ પોસ્ટનું પણ કેન્દ્ર છે.ગામમાં ૧૯૩૯થી સહકારી મંડળી સુંદર કામ કરી રહી છે.

હા, ડાંગરવા ગામનાં બે વાનાં પ્રખ્યાત,એક બોર અને બીજાં મરચાં.એક જમાનામાં ડાંગરવામાં પાકેલાં મરચાંનો અમદાવાદના માધુપુરાના માર્કેટમાં સિક્કો વાગતો અને એ બોર ગાયકવાડ મહારાજા આરોગતા.એટલે ગામના માણસો સ્વભાવે તીખા મરચાં જેવા, છતાં અનુભવે મીઠા બોર જેવા!

મારું ગામ ડાંગરવા આઝાદી પહેલાંથી જ ભારે પ્રગતિશીલ હતું.ગામમાં અંગ્રેજી શાળા ૧૯૪૫માં શરુ થયેલી.કડી શહેરને બાદ કરતાં એ વખતે તાલુકામાં માત્ર તે એક જ અંગ્રેજી શાળા હતી જે ગામના સેવાભાવી સજ્જન રેવાભાઈ પટેલ અને અર્જુનસિંહ ડાભીએ ભાડાના મકાનમાં એ જમાનામાં શરુ કરેલી જે પછી વિકસીને પોતાના સ્વતંત્ર મકાનમાં શિક્ષણ આપતી થઇ હતી.સ્ટેશન નજીક શાળાના સ્વતંત્ર મકાનના બાંધકામ વખતે રેવાભાઈના મોટાભાઈ ભાઈચંદભાઈએ સાઈટ ઉપર જાતે દેખરેખ રાખીને અમુલ્ય સેવા આપી હતી.અહી ભણેલા વિદ્યાર્થીઓ આજે દેશ વિદેશમાં ઠરીઠામ થઇ સુખી થયા છે.વિસુભાઈ પટેલ ૧૯૫૫માં અમેરિકા આવેલા.એ સમયે સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી ભાગ્યે જ કોઈ અહી આવેલું.વળી,ગામના બીજા સેવાભાવી નારાયણભાઈ,સ્વ.વર્સાજી કાકા તથા સરદારજી સાહેબ જેવા ગ્રહ્સ્થોએ ગામના વિકાસમાં સારો એવો રસ લીધો હતો.

સોનામાં સુગંધરૂપે આઝાદી પહેલાં કરાંચી મેલ ડાંગરવાથી પસાર થતો.લોકોમોટીવ ત્યાંના વોટર કોલમ પરથી પાણી લેતું અને કરાંચી ભણી રવાના થતું.અમારા ગામનાં કેટલાંક કુટુંબો કરાચીમાં રહેતાં હતાં.દેશનું વિભાજન થયું એટલે ત્યાંથી વતન પરત આવી ગયાં હતાં.

એ જમાનામાં ગામની સૌથી સુખી વ્યક્તિ પટેલ કાનદાસ અમીચંદદાસ હતા.આ કાનાભાનો ગામમાં ડંકો વાગે.ગોળ કપાસનો ભારે વેપાર અને ઘરે ઘોડી તથા સેવામાં નોકર ચાકરો હમેશા હાજર. એમને ત્રણ પત્ની હતી.એ વખતે સુખી માણસો એક કરતા વધુ પત્નીઓ સાથે લગ્ન કરી શકતા .બીજી સુખી વ્યક્તિમાં મારા પિતાજી પટેલ નારણદાસ ધન્શાહ હતા.ઘરે સારી એવી જમીન અને સેવામાં નોકર ચાકરો પણ હાજર હતા.વળી ગામના મુખીને નાતે સારો એવો ગાયકવાડ સરકાર બક્ષિત   મોભો હતો.બીજી અગત્યની સુખી વ્યક્તિમાં એક સંત જેવા પવિત્ર અને સદાચારની મૂર્તિ જેવા ગામના સ્વામીનારાયણ મંદિરમાં કોઠારી તરીકે પ્રમાણીકતાથી પાઈ પાઈનો હિસાબ રાખતા શિવદાસ માધવદાસ પટેલ હતા.એમને સારી એવી ખેતીવાડી અને કાપડની દુકાન હતી.એમના ત્રણ પુત્રો ભાઈચંદભાઈ ,રેવાભાઈ અને પ્રહલાદભાઈ નો વિશાળ પરિવાર ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી આજે અમેરિકામાં વર્ષોથી સારી રીતે સેટ થઈને સપરિવાર સુખી છે જે એમની નિસ્વાર્થ સેવાના સંસ્કારો  અને  નેકદિલ ભક્તિનું ફળ છે એમ હું માનું છું.

ગામમાં ગ્રામસેવક જેવા એક મોહનદાસ “ઢાઘો” તરીકે જાણીતા ગામની સેવા કરવાનું કાર્ય કરતા .ગામની ગાયોનાં ઘાસ તથા કુતરાંના રોટલાની વ્યવસ્થા કરતા હતા.પોતે વિધુર હતા અને હાથે રાંધી ખાતા.આ માહોલમાં ગામ લોકોએ એક જોડકણું રચેલું ” કાનાભાને ત્રણ બૈરાં ને મોહન ઢાઘો હાથે રાંધે”.  વળી રજપૂતોમાં વરસાજીકાકા અને    સરદારજી સાહેબ ભારે પ્રગતિશીલ હતા અને ગામનાં બાળકોની કેળવણીમાં સારો એવો રસ લેતા.હરિજન કુટુંબોમાં ખુશાલભાઈનો ચાંદ સોળે કળાએ ખીલ્યો હતો.ચામડાનો વેપાર અને ઘરને બારણે રાણી છાપ રૂપિયા જડેલા તે આજુબાજુના ગામોના લોકો જોવા આવતા હતા.ગામનાં વણિક કુટુંબોમાં કાલિદાસ,મનસુખલાલ અને શાંતિલાલ શેઠ હતા. તેઓ વેપાર અને ધીરધારનો ધંધો કરતા.ગામના છોકરાઓ પરણીને આવે ત્યારે પહેલો ઉતારો તેમને ત્યાં કરતા.આમ ધંધા માટેના સંબંધો જાળવી રાખતા હતા.

બ્રાહ્મણોમાં લક્ષ્મીચંદ ગોરપદુ કરતા અને રક્ષા બંધનના દિવસે ગામના છોકરાઓને રાખડીઓ બાંધતા અને એમને  રાજી   કરતા  અને  ગામ લોકોના  લગ્ન  પ્રસંગો  , મૂહર્ત જોઇને પતાવતા.         ગામના નરશીહ ભા બ્રિટીશ ફોજમાં આર્મર  હતા .ગામના લોકોને તમંચા બનાવી આપતા . હાલતા ચાલતા રેડીઓ ઘર સમાન સોમાભાઈ નાઈ અવિસ્મરણીય પાત્ર છે .ગામને ઓટલે બેસી બીડીના ધુમાડા કાઢતા જાય અને તાજા સમાચાર રીલે કરતા જાય.રસ્તે જતા છોકરાને પકડી બાળ કાપી લેતા.આ રીતે ગામની અઢારેવર્ણ એકબીજા સાથે વારસાગત રીતે સબંધો જાળવી સુખશાંતિથી રહેતી હતી.

હા, ગામ પર ખરો પ્રભાવ તો સ્વામી નારાયણ સંપ્રદાયનો વર્તાય છે.ભગવાન શ્રીસહજાનંદ સ્વામી ગામમાં બત્રીસ વખત પધારેલા.ગામના અગ્રોજી અને અમરોજી રજપૂત મહારાજના પાર્ષદ હતા.આજીવન મહારાજની સેવામાં હાજર રહેતા.વળી રતનબા અને જતનબા મહારાજનાં પરમ ભક્ત હતાં.ભગવાનને ભાવથી જ્માડેલા તે પાત્રો હાલ પણ મોજુદ છે જે આ ભવ્ય ઈતિહાસની સાક્ષી પુરે છે.આજે પણ ભગવાન સ્વામીનારાયણનાં બે વિશાળ મંદિરો ગામની શોભામાં અને સંસ્કારોમાં અભિવૃદ્ધિ કરી રહ્યાં છે.

ખરી રંગત તો દિવાળીના ગરબામાં જામતી હતી.ફૂલોથી શણગારેલા અને આકાશને આંબવા જતા એ ગરબાની ફરતે ઘૂમતી ગામની મા-બહેનો અને નવી નવેલી વહુવારુઓનું એ દ્રશ્ય જોવાની ઓર મજા આવતી.”ચાંદો ઉગ્યો દાડમ તારા ચોકમાં રે” જેવાં લોક્ગીતોની રમઝટથી સવાર પડી જતી.ગરબાને વળાવી ખેડૂતો રવી પાકના વાવેતરમાં પડી જતા.માગશર પોષમાં ખેતરો લહેરાઈ જતાં.મહા માસ આવતાં સોનાવર્ણાં બની જતાં.ફાગણમાં કાપણી શરુ થતી અને ખળાં પડી જતાં.હોળી આવતાં ખેડૂતો ફાગ ખેલવા નવરા પડી જતા.વળી પાછા ઉનાળુ જુવાર બાજરીના વાવેતર થઇ  જતાં અને ખેતરો હરિયાળીથી લહેરાઈ જતાં.આમ બારે માસ ઋતુ ચક્ર પ્રમાણે ખેતી કામ ચાલ્યા કરતું. આજે એ જ ખેતરો પાણીના અભાવે વેરાન-વગડા જેવાં થઈ ગયાં છે એ જોઈને હૈયું દુઃખથી હચમચી જાય છે.

અમે બાળ ગોઠીયા ઉનાળાની રજાઓમાં ખેતરો ખુંદી વળતા.બાપુજીના આંબાવાડીયાની મીઠી સાખો, ગુંદા ,ખોખાં, રાયણા અને પેપાં ખાવાની મજા માણતા.ટેટી,તરબુચ અને કાકડી ખાવાના જલસા કરતા અને પછી કુવામાં ભર બપોરે ડબુકીયાં મારી ઠંડા થતા.આજે પણ એ કોયલોના ટહુકા અને સાપોના સળવળાટ મારી ઊંઘ હરામ કરી રહ્યા છે. એ કાબરોનો કલરવ અને મોરલાની ટેહુક સાદ દઈ રહ્યાં છે. ગોધૂલી સમયે ભાગોળે આવતાં ગાડાં અને ભેસોનાં લાંબાં પૂંછડે લટકવાની લિજ્જત કઈંક ઓર જ હતી! એ કિચુડ કિચુડ કરતાં ગાડાં અને ખેડૂતોના ડચકારાના ભણકારા આટલાં વર્ષો પછી પણ મારે કાને વાગી રહયા છે.

થાકીને લોથ થયા બાદ ગામ કુવાના હવાડે હાથ-પગ ધોઈ સાંજે આરતી સમયે મંદિરે ઝાલર-નગારાં વગાડવા દોડી જતા .પ્રસાદ લઈને વાળું કરવા ઘરે આવી જતા.

પાદરેથી વહેતો એ વાંકળો,ઘેઘુર વડ,અને વગડાનાં રાયણ,આંબા અને મહુડાનાં વૃક્ષ આજે પણ મારા શમણામાં આવી રહ્યાં છે.એ કોશીયાનો કોલાહલ અને હળ-સાંતી હાંકનારના હોંકાટા હવે ભવ્ય ભૂતકાળના લીસોટા સમાન થઇ ગયા છે.જે ગામની ધૂળમાં હું આળોટ્યો એ ધૂળ,અને જ્યાંના પાકેલાં ધાન ખાધાં છે અને પાણી પીધાં છે એ મારા ગામ ડાંગરવાની માયા અને મમતા આજ પણ મારા હૈયામાં એવીને એવી અકબંધ છે.મારા ગામની એ ધરતીની ધૂળ અને માટીની મહેંકને મારા હાર્દિક પ્રણામ  અને મારા ગોકુળીયા ગામને સો સો સલામ. અંતે આંખમાં આંસું સાથે એટલું જ કહું કે –ઊંટ મરશે તો પણ એનું મુખ તો મારવાડ સામું જ રાખશે!.

                                                                              ——–કેન પટેલ

___________________________________________________________

એક નોધ

શ્રી કેન પટેલે એમની  બાળપણની સ્મૃતિથી એમના ઉપરના લેખમાં એ સમયના ગામનું વર્ણન કર્યું છે.એ પછી હાલમાં સમયના બદલાવાની સાથે પરિસ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે.ગામમાંથી ઘણા ખેતીવાડી મુકીને અમેરિકા કે અન્યત્ર કમાવા જતા રહ્યા છે.ગામમાંથી સામાન્ય સ્થિતિના માણસો આજે અમેરિકા જઈ સારું કમાઈને મોકલેલ ડોલર ગામમાં પગરવ કરતાં ઘરોમાં અને બીજે રોનક દેખાય છે પરંતુ દારૂ અને અન્ય વ્યસનોએ અને બદીઓએ પણ ડોલરની સાથે ગામમાં પગ પેસારો કર્યો છે.ખાસ કરીને યુવાનો પર પાશ્ચાત્ય સંસ્કૃતિની અવળી અસર પડી છે. કેન પટેલે એમના એક પત્રમાં લખ્યું હતું કે :”૨૦૦૫માં હું ઇન્ડિયા ગયો ત્યારે મારા જુના ઘરની મુલાકાત લીધી.એક વખત જ્યાં પગ મુકવાની જગ્યા ન હતી તેવા ૭૦ ઘરના મહોલ્લામાં ફક્ત ૭ ઘર ખુલ્લાં હતાં.બાકીનાં બધાં હિજરત કરી ગયાં હતાં. આ ડરામણા ચિત્રે મારા મનનનો કબજો લઇ લીધો.મન વિચારે ચડ્યું કે શું થઇ ગયું આ મારા  ગોકુળીયા ગામનું ? ”

આવી પરિસ્થિતિ આજુબાજુનાં  લગભગ બધાં  જ ગામોની થઇ છે.આજે ગામડાં ભાંગી રહ્યા છે. એક વખતની આદર્શ ગ્રામ્ય વ્યવસ્થાનો અને સંસ્કૃતિનો જાણે કે આજે હ્રાસ થઇ રહ્યો છે.

                                                                                            —— વિનોદ પટેલ

      મનનીય  સુવાકયો 

“ જન્મ થાય ત્યારે આપણને પહેરાવેલા ઝભલામાં ગજવું નથી હોતું. મરણ પામીએ ત્યારે પણ કફનમાં ગજવું નથી હોતું. અને આપણે માનવી ગજવામાં ભરવા ધન કમાવામાં આખી જીન્દગી ખર્ચી નાખીએ છીએ.”    —અજ્ઞાત

                               કરજદાર છીએ

“ ન બોલે તેને બોલાવજો, જે ન આવે તેને ઘેર જજો,રિસાય તેને રીઝવજો. ને આ બધું  તેમના ભલાના માટે નહી પણ તમારા ભલાને સારું કરજો ! જગત લેણદાર છે,આપણે એના કરજદાર છીએ.”         —મોહનદાસ કે. ગાંધી

_______________________________—-_______________________________

સાન ડિયાગો

તા-ઓક્ટોબર,૧૦,૨૦૧૧                       વિનોદ આર. પટેલ

One response to “મારું ગામ ડાંગરવા- વતનપ્રેમી શ્રી કેન પટેલનો લેખ

  1. સ્નેહલ પંડ્યા ઓક્ટોબર 9, 2019 પર 12:11 પી એમ(PM)

    ખુબજ સરસ
    હાલ અમદાવાદ બોપલ માં સ્થાઇ છીએ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: