વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

પ્રેરણાની પરબ – ચિંતનાત્મક અને પ્રેરણાત્મક લેખોનું આચમન

આજની પોસ્ટથી મારા બ્લોગમાં પ્રેરણાની પરબ નામનો નવો વિભાગ શરુ કરું છું. આ વિભાગમાં મારા પુસ્તક સંગ્રહમાંનાં પુસ્તકોમાંથી કે ઇન્ટરનેટના વાંચન દરમ્યાન મને ગમેલા મારી પસંદગીના પ્રેરણાત્મક અને આધ્યાત્મિક લેખો અહી મુકવામાં આવશે.આજના નીચેના બે પ્રેરણાત્મક લેખો વાંચવા તમને ગમશે.

 

તેજ લિસોટા 

મને એક વૃદ્ધની વાત યાદ આવેછે.

એંસી વર્ષની ઉમરના આ વૃદ્ધ રસ્તાની પડખે ખાડો ખોદીને એક આંબો વાવી રહ્યા હતા.

કોઈકે એમની નજીક જઈને પૂછ્યું :”દાદા,તમે આ શું કરો છો ?”

દાદાએ કહ્યું :”હું આંબો વાવું છું. ”

કોઈએક ટીખળી માણસે મશ્કરી કરી :”અરે દાદા ,તમને તે આ કેવી માયા લાગી છે!આ આંબો વાવો ક્યારે,એ ઉગે ક્યારે,એનાં ફળ આવે ક્યારે અને તમે ખાઓ ક્યારે?”

પેલા વૃધ્ધે કહ્યું :”રસ્તા ઉપર આ જે આંબો છે તે મારા પુરોગામીઓએ વાવેલો છે.તેની છાયા આજે હું માણું છું,એની કેરી હું ખાઉં છું,ત્યારે મને થયું કે હું પણ એકાદો આંબો વાવતો જાઉં કે જેથી ભાવિમાં આવનારી  જે પેઢી છે એને છાયા મળે, ફળ ખાવા  મળે. આપણને જે લાભ મળ્યો છે એ લાભ બીજાને પણ આપવાનો છે. “

વૃદ્ધની આવી ઉમદા વિચારણા આપણને સૌને એમ કહી જાય છે કે આપણે તો સમાજને કઈંક આપવાનું છે.લેવામાં મહત્તા નથી,મહત્તા તો કઈંક આપી જવામાં છે.લેવાનું કામ તો બધાંય કરી શકે છે ,આપનાર જ દુનિયામાં કોઈ વિરલ હોય છે,એટલે માનવીમાં રહેલી આ અર્પણની ભાવનાને આપણે વિકસાવવી જોઈએ.

આ રીતે કર્તવ્યશીલ બનનારા દુનિયામાં બહુ વિરલ હોય છે.પરંતુ હું તમને વિનવું છું કે તમે આકાશના સુર્ય અગર ચંદ્ર ન બની શકો તો કંઈ વાંધો નહી ,અમાસની અંધારી રાતના તારા જેવા તો જરૂર બનજો.

અમાસની રાતે તમે જોયું હશે કે આકાશમાં એક તારો જો ખરે તો તે તેજનો  લિસોટો મૂકી જાય છે,એ રીતે તમે ભલે ખુબ મહાન માનવી ન બની શકો ,પરંતુ તમારા વર્તુળમાં,તમારા સમાજમાં ,તમારા મિત્ર મંડળમાં એક તેજનો  લિસોટો મુકીને જાઓ કે જે માનવ-હૃદયમાં પ્રકાશ પાથરે.

(  પંચામૃત પુસ્તીકામાંથી )                                   —- ચિત્રભાનુ   

એક અપંગ પ્રેસિડન્ટનાં ઓજસ   

અમેરિકાના ઇતિહાસમાં ફ્રેન્કલીન ડીલાનો રૂઝવેલ્ટ (FDR) જ એક એવા પ્રેસિડન્ટ થઇ ગયા જેને અમેરિકાની પ્રજાએ કોઈ પણ ઉમેદવાર વધારેમાં વધારે ફક્ત બે ટર્મ જ પ્રેસીડન્ટ બની શકે એવો બસો વર્ષ જુનો રિવાજ તોડીને ૧૯૩૨ થી ૧૯૪૪ એમ સતત ચાર ટર્મ માટે જંગી બહુમતીથી ચૂંટી કાઢ્યા હતા.

તમને એ જાણીને નવાઈ લાગશે કે રુઝવેલ્ટ જ્યારે ૧૯૩૨માં પ્રેસીડન્ટ તરીકે ચૂંટાયા ત્યારે ૧૯૨૧ માં એમની ૩૮ વર્ષની ઉમરે આવેલ પક્ષાઘાત –પોલીઓની ભયંકર  બીમારીમાં કમરથી નીચે એમનું અર્ધું અંગ ખોટું પડી ગયું હતું ,એમના બન્ને પગ નકામા થઇ ગયા હતા.એમને વ્હીલચેરમાં જ હરવું-ફરવું પડતું હતું.આવી અપંગ હાલતમાં રુઝવેલ્ટે ચૂંટણીઓ લડવાનું શરુ કરેલું અને એક પછી એક ઊંચાં પદ સર કરતાં કરતાં છેક મોટા લોકશાહી દેશ અમેરિકાના પ્રેસિડન્ટના સર્વોચ્ચ પદે પહોંચેલા એટલું જ નહી ચાર ચાર વાર મોટી બહુમતીથી ચૂંટાઈ આવીને અમેરિકાના એક દૂરંદેશી પ્રેસિડેન્ટ તરીકે ઇતિહાસમાં એમનું નામ અમર કરી ગયા છે.આવી વિરલ  અને વિક્રમી કારકિર્દી ધરાવતા પ્રેસીડન્ટ રૂઝવેલ્ટની રાજકીય કારકિર્દી ઉપર  એક અલપઝલપ નજર નાખી લઈએ.

૧૯૧૯મા પહેલું વિશ્વ યુદ્ધ પૂરું થયું એ પછી અમેરિકાની પ્રેસિડન્ટ-વાઈસ પ્રેસિડન્ટની ચૂંટણી આવી તેમાં ડેમોક્રેટીક પક્ષે રૂઝવેલ્ટને વાઈસ પ્રેસિડન્ટના પદ માટે ઉભા રાખ્યા.પરંતુ રીપબ્લીકન પક્ષના ઉમેદવારો સામે એમને હાર મળી.આ ચૂંટણી વખતે એ શારીરિક રીતે સક્ષમ હતા .પરંતુ ઉપર કહ્યું એમ ૧૯૨૧માં એકાએક એમના બન્ને પગ કમર નીચેથી નકામા થઇ જતાં અપંગ બની ગયા.એક વાઘ જેવા મજબુત રૂઝવેલ્ટ બુરી દશામાં આવી ગયા.લોકોએ માન્યું કે હવે એમની ભાવી કારકિર્દી ખલાસ થઇ જશે.અચાનક આવી પડેલી આવી દારુણ અપન્ગાવસ્થા એમની જીન્દગી માટે એક મોટો પડકાર હતો.રુઝવેલ્ટે આ પડકારને હિંમતપૂર્વક ઝીલી લીધો.આવા કસોટીના કાળમાં જ એમનું આંતરિક ખમીર જાગી ઉઠ્યું અને એમણે બમણા જોશથી ફરી રાજકારણમાં ઝંપલાવ્યું.૧૯૨૮માં એ ન્યુયોર્ક રાજ્યના ગવર્નર તરીકે ચૂંટાઈ આવ્યા.ગવર્નર તરીકે એમણે રાજ્યનો સુંદર વહીવટ કરી બતાવ્યો.

ન્યુયોર્ક રાજ્યના ગવર્નર તરીકેની એમની કામગીરી સૌને એટલી ગમી ગઈ હતી કે ડેમોક્રેટીક પક્ષે ૧૯૩૨ની પ્રેસિડન્ટની ચૂંટણીમાં રૂઝવેલ્ટને ઉભા કર્યા .પહેલા વિશ્વ યુદ્ધની વિપરીત અસરોને લીધે એ વખતે દેશમાં અત્યારે છે એના કરતાં અનેક ગણી બદતર ઈતિહાસની સૌથી ખરાબ આર્થિક મંદી શરુ થઇ હતી.કરોડો લોકો બેકાર બની ગયા હતા.ઉદ્યોગો ઠબ થઇ ગયા હતા, હિંસાખોરી વધી રહી હતી.આવા સમયે દેશના પ્રેસિડન્ટ બનવું અને દેશને મંદીના કુવામાંથી બહાર કાઢવો એ મોટું જોખમ અને એમની જિંદગીનો મોટામાં મોટા પડકાર હતો. રુઝવેલ્ટએ બહાદુરીથી આ પડકાર ઝીલી લીધો.આવા સમયે બાહોશી બતાવીને રુઝવેલ્ટે તત્કાલીન પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે એમનો જાણીતો “ન્યુ ડીલ”નામનો નવીન કાર્યક્રમ પ્રજા સમક્ષ રજુ કર્યો.દેશની પ્રજાને આ વિચાર એટલો ગમી ગયો કે એ ચૂંટણીમાં રુઝવેલ્ટ એમના હરીફ કરતા આઠ ગણા વધુ મતે પ્રેસિડન્ટની ચૂંટણી વ્હીલચેરમાં બેઠાં જીતી ગયા.પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા પછી એમનો ન્યુ ડીલ કાર્યક્રમ દેશભરમાંથી ચૂંટેલા અર્થશાસ્ત્રીઓ ,વિદ્વાનો,વૈજ્ઞાનિકો વિગેરેની સેવાઓ લઈને અમલમાં મુક્યો. ગરીબ અને માધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે સેંકડો કાયદા પસાર કરાવ્યા.ત્યાર પછીની ૧૯૩૬ની  ચુંટણીમાં પણ વિરોધ પક્ષના ભયંકર વિરોધ અને અપ્રચાર છતાં એમના હરીફ કરતા સિત્તેર ગણા વધુ મત મેળવી એ જીતી ગયા હતા. 

ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ વખતે આ પ્રેસિડન્ટે એમનું સાચું ખમીર બતાવીને અમેરિકાના એક શ્રેષ્ઠ સર સેનાપતિ-commander-in-chief-સાબિત થયા અને મિત્ર દેશોની સાથમાં રહીને વિશ્વને જીતી લેવા નીકળેલા હિટલર જેવા સરમુખત્યારોને ભોંય ચાટતા કરી દીધા.૧૯૩૨ થી ૧૨મી અપ્રિલ,૧૯૪૫માં એમનું અવસાન થયું ત્યાં સુધીના ૧૩ વર્ષ દરમ્યાન અમેરિકાની પ્રજાએ ચાર વખત એમનામાં વિશ્વાસ મુકીને મોટી બહુમતીથી પ્રેસિડન્ટ તરીકે રૂઝવેલ્ટને ચૂંટી કાઢ્યા હતા.જે દેશ ૧૯૩૧-૩૨ની કારમી મંદી,બેકારી અને ભૂખમરાનો શિકાર બની ગયો હતો એ દેશ રૂઝવેલ્ટના કાર્યદક્ષ વહીવટ નીચે ૧૯૪૪ સુધીમાં તો વિશ્વનો સૌથી શક્તિશાળી( સુપર પાવર ) બની ગયો હતો. આ બધું શક્ય બન્યું એની પાછળ પોલીઓની બીમારીમાં જેનું અડધું અંગ કામ કરતું ન હતું એવા એક અપંગ પણ કોઈ પણ રીતે નહીં અશક્ત એવા અમેરીકાના ઇતિહાસમાં અમર બની ગયેલ બાહોશ પ્રેસિડન્ટ રુઝવેલ્ટના દુરંદેશી ભર્યા કામની કમાલ હતી.એમના જીવનનો એક જ મન્ત્ર હતો “જો આપણે ભય ઉપર વિજય મેળવી લઈએ તો પછી આપણે બીજા કશાનો ભય રાખવાનો હોય નહી.—We have nothing else to fear but fear itself”.

પ્રેસિડન્ટ રુઝવેલ્ટ એક યુવાનને પણ શરમાવે એટલો પરિશ્રમ કરતા.થાકને તો એ ઓળખતા જ નહી.એમના આ ગુણને ઉજાગર કરતો નીચેનો એમના જીવનનો એક પ્રસંગ આપણને વિચાર કરતા કરી દે એવો છે.

એકવાર સેંકડો માઈલનો પ્રવાસ કરીને આવ્યા પછી એમણે પોતાના સેક્રેટરી પાસે બાકી રહેલા કામની ફાઈલો માગી.સેક્રેટરીએ લાગણીથી કહ્યું “મિસ્ટર પ્રેસિડન્ટ,જરાક તો આરામ કરો!આમ સતત કામ કરવાનું તમારાથી કેવી રીતે બની શકે છે?”

પ્રેસિડન્ટ રુઝવેલ્ટે કહ્યું :”ભાઈ,એમ થાકી જવાનું મને ન પાલવે.તમને ખબર નહીં હોય કે મને પક્ષાઘાત થયો તે પછી સતત બે વર્ષ મહેનત કરીને મેં મારો અંગુઠો હાલતો-ચાલતો કર્યો હતો.એક અંગુઠો હલાવવા માટે બે વરસ લાગે તો મારે તો આખું અમેરિકા ચલાવવાનું છે !”            

પોતાની અપન્ગાવસ્થા ઉપર હિમ્મતપૂર્વક વિજય મેળવનાર પ્રેસિડન્ટ રુઝવેલ્ટના જીવનની આવી અનોખી દાસ્તાન,પોતાની શારીરિક ક્ષતિઓથી નિરાશા અને હીનભાવ(inferiority complex ) અનુભવતી અનેક વિકલાંગ વ્યક્તિઓ અને અન્ય સૌ કોઈને માટે એક મોટી પ્રેરણા પૂરી પાડે છે. 

(સૌજન્ય –શ્રી યશવંત મહેતા કૃત પુસ્તિકા                ( સંકલન – વિનોદ પટેલ )

           અપંગ નહિ અશક્ત )  

જ્યાં આનંદ છે ત્યાં મહાશક્તિ છે.

 “તે“ આનંદમય છે.

તો આનંદને લક્ષ્ય બનાવી લ્યો.

સર્વ સમયે આનંદ આપો, લ્યો ,જુઓ ,સાંભળો.

નિરાનંદ એ મૃત્યુંનું લક્ષણ !

એવા ભાવ આવે તો ભગાડી દો.

બોલો :”હું તો આનંદનું સંતાન છું.એનો ગર્વ કરો.

ધનવાનનો પુત્ર કદી પોતાને ગરીબનો દીકરો ગણાવશે ખરો કે ?

તમારી પાસે સર્વ કાંઈ હોવા છતાં –

ભિખારીની જેમ શું કામ જીવો છો?

ભય, ઉદ્વેગ ,હતાશા –એમને હંમેશા દુર રાખો

જ્યાં આનંદ છે ત્યાં મહા શક્તિ છે.

                         ——- મા આનંદમયી 

વીણેલાં મોતી- સુવાક્ય સંગ્રહમાંથી

૧.  સુખનું એક દ્વાર બંધ થાય છે તો બીજું દ્વાર ખુલી જાય છે.પરંતુ હંમેશા આપણે   બંધ દ્વારને  જ જોતા રહીએ છીએ કે જેથી જે નવું દ્વાર ખુલી ગયું છે તેને જોઈ શકતા નથી.                                                     ——– હેલન કેલર               

૨.માણસ જિંદગીમાં બે વખત બદલાઈ જતો હોય છે-એક,જ્યારે કોઈ એની જિંદગીમાં આવે છે અને બીજું,જ્યારે કોઈ એની જિંદગીમાંથી જતું રહે છે.   —-અજ્ઞાત                                                                                                       

૩.  ચિંતા  એટલે મુસીબતની થાપણ પાકે તે પહેલાં તેની ઉપર આપણે ચૂકવેલું વ્યાજ અને આજનો સુરજ કાલના વાદળ પાછળ ઢાંકી દેવો તે.          — અજ્ઞાત 

I am grateful for all my problems.After each one was overcome, I became stronger and more able to meet those that were still to come. I grew in all my difficulties.              —– James Cash Penny (Founder of J.C.Penny

_______________________________________________________________________

સાન ડિયાગો ,ઓક્ટોબર ૧૫,૨૦૧૧.                          વિનોદ આર. પટેલ

                                                                                  

 

               

 

2 responses to “પ્રેરણાની પરબ – ચિંતનાત્મક અને પ્રેરણાત્મક લેખોનું આચમન

  1. સુરેશ ઓક્ટોબર 16, 2011 પર 10:34 પી એમ(PM)

    સરસ લેખો અને વિચારો.

    પુનરાવર્તન …..
    અલગ અલગ મૂક્યા હોય તો ભવિષ્યમાં શોધવા સરળ રહે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: