વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓક્ટોબર 19, 2011

એપલ કમ્પનીના જન્મદાતા સ્ટીવ જોબ્સની ચિર વિદાય- એમના પ્રેરણાત્મક જીવનની ઝલક

બુધવાર,૫મી ઓક્ટોબર,૨૦૧૧ના રોજ માત્ર ૫૬ વર્ષની ઉમરે એપલ કમ્પનીના પ્રણેતા સ્ટીવજોબ્સનું અકાળે  દુખદ અવસાન થયું.વિશ્વનો કોમ્પ્યુટર ટેકનોલોજી જગતનો એક સિતારો એની જિંદગીના મધ્યાહને જ ખરી પડ્યો.દુનિયાભરમાં બાળકોથી માંડી  વૃદ્ધજનોમાં લોકપ્રિય અનેક  ઉપયોગી પેદાશો જેવી  કે  i-Mac, i-Pad, i-Pod,અને i-Phone આજે  ઘેર ઘેર પહોંચી ગયેલ છે. આવાં ખિસ્સામાં રાખીને ઉપયોગ કરી શકાય એવા નાજુક સાધનોની શોધ કરીને સ્ટીવ જોબ્સે કોમ્પ્યુટર અને કોમ્યુનીકેશન ટેકનોલોજીમાં ક્રાંતિ  સર્જિ  છે.એમની વિદાયથી એપલ કંપનીને એક બૌધિક વિઝનરીની મોટી ખોટ પડશે.દુનિયાભરનાં સમાચાર માધ્યમોએ અને જોબ્સના કરોડો પ્રસંશકોએ એમના મૃત્યુના દુખદ સમાચાર સાંભળીને આંચકો અનુભવ્યો અને એમની ચમત્કારિક સિદ્ધિઓને યાદ કરીને ભવ્ય અંજલિઓ આપી..

Bill-Gtes and Steve Jobs

સ્ટીવ પોલ જોબ્સના જન્મથી મૃત્યુ  સુધીના જીવનનો ચડાવ-ઉતારનો આલેખ  દર્શાવતી એમની સાલવાર ટૂંકી જીવન કથા આ પ્રમાણે છે.

જન્મ – ફેબ્રુઆરી ૨૪, ૧૯૫૫ ,સાન ફ્રાન્સિસ્કોમાં .

અભ્યાસ- ૧૯૭૨માં હાઇસ્કુલ ગ્રેજ્યુએટ.રીડ કોલેજ,પોર્ટલેન્ડમાં દાખલ થયા પણ ફક્ત એક જ સેમીસ્ટર પછી ટ્યુશન ફી ન પોસાતાં ડ્રોપ આઉટ થયા.

એમના કોલેજ કાળ અંગે ૨૦૦૫માં સ્ટીવ જોબ્સે  સ્ટેનફોર્ડ યુનિવર્સીટીનાં વિદ્યાર્થીઓ

 સમક્ષ આપેલ એક ભાષણમાં આ પ્રમાણે કહ્યું હતું:

“ It was not all romantic. I did not have a dorm room, so I slept on the floor in friend’s rooms,I returned coke bottles for the 5 cent deposits to buy food with and I would walk the seven miles across town every Sunday night to get one good meal a week at the Hare Krishna temple.”

કારકિર્દી–એપલની શરૂઆત કરી એ પહેલાં,વિડીયો ગેમ્સ બનાવતી કંપનીમાં જોબ કરી.

–૧૯૭૬મા એમના પાર્ટનર સ્ટીવ વોઝ્નીયાકની ભાગીદારીમાં ગરાજમાં એપલ કમ્પનીની નો પાયો નાખ્યો.અને પછી એને  વિકસાવી.

–૧૯૮૪માં I-Mac પર્સનલ કોમ્પ્યુટર લોન્ચ કર્યું.પરંતુ એક વર્ષ પછી એપલના ચેરમેને એમણે જ સ્થાપેલ એપલ કમ્પનીમાંથી સ્ટીવ જોબ્સને છુટા કરી દીધા. 

–૧૮૮૬ માં એમની કમ્પની પીક્સારનું  ડીઝની કમ્પની સાથે જોડાણ કર્યું.

–૧૯૯૬ માં એપલમાં એડવાઈઝર તરીકે ફરી જોડાયા અને થોડા સમય પછી  વચગાળાના  CEO બન્યા.

—૨૦૦૦માં કાયમી CEO તરીકે એપલ કમ્પનીની પુરેપુરી જવાબદારી સંભાળી.અને એમની નીગાહ્બાનીમાં  બઝારની માંગ મુજબ બનાવેલ લોકપ્રિય પ્રોડક્ટ્સ i-Pod,i-Phone & i.Pad એ વિશ્વના બઝારમાં ધૂમ મચાવી અને એપલ કમ્પની માટે નાણાંની ટંકશાળ ખડી કરી દીધી.

—સ્ટીવે ૨૦૦૪માં પેન્ક્રિયેટીક કેન્સર માટે સર્જરી કરાવી હતી.૨૦૦૯માં લીવરનું ટ્રાન્સપ્લાન્ટ   કરાવ્યું હતું.     

—૨૦૧૧ ના  જાન્યુઆરીમાં નબળી તબિયતને લીધે તેઓ મેડીકલ લીવ ઉપર ઉતરી ગયા.

ઓગસ્ટ ૨૦૧૧માં CEO તરીકે રાજીનામું આપ્યું અને એપલ કમ્પનીના ચેરમેન ચૂંટાયા.

અવસાન- બુધવાર,૫મી  ઓક્ટોબર,૨૦૧૧ના રોજ. એપલ કમ્પનીએ એમના મૃત્યુનું કોઈ પણ કારણ બતાવ્યા સિવાય એમના અવસાનની જાહેરાત કરી.જો કે બધા જાણે છે એ મુજબ પેન્ક્રીયાટીક કેન્સરના લીધે એમનું અવસાન થયું હતું.

ભૂતકાળમાં જીવનની શરૂઆતમાં જે વ્યક્તિ પાસે કોલેજની ફી માટે પૈસા ન હતા અને સારું ખાવા મળે એ માટે માઈલો ચાલીને દર રવિવારે હરે કૃષ્ણના મંદિરે જતી હતી એજ વ્યક્તિ મૃત્યુ પછી ૮.૩ બિલિયન ડોલર જેટલી જંગી સંપતિ પાછળ મુકીને જાય એ જેવી તેવી સિદ્ધિ નગણાય.ફોર્બ્સ મેગેજીનના જણાવ્યા પ્રમાણે  વિશ્વના સૌથી મોટા ૫૦૦ ધનવાનોની યાદીમાં સ્ટીવ જોબ્સ ૧૧૦મા ક્રમે હતા.૧૮૮૫માં એમણે એપલ છોડ્યું ત્યારે એમણે જો એપલના શેરો વેચ્યા ન હોત તો આજે જગતના ધનવાનોની યાદીમાં એમનો નંબર ૫ મો હોત !કેવી કમાલની એમની આ સિદ્ધિ કહેવાય!. 

એક ભારતીય તરીકે આપણને સ્ટીવ જોબ્સના ઇન્ડિયા કનેક્શનની વિગતો આનંદ આપે  એવી  છે . ભૂતકાળમાં સ્ટીવ જોબ્સે ભારત જઈને એક જાણીતા આશ્રમની મુલાકાત લીધી હતી અને જ્યારે એ અમેરિકા પાછા આવ્યા ત્યારે એક પાકા ઝેન બુદ્ધિસ્ટ બનીને આવ્યા હતા.1992 માં લોરેન્સ પોવેલ સાથે Yashomite National Park ખાતે એમના લગ્ન ઝેન બુદ્ધિસ્ટ સાધુને હસ્તેથયા હતા. તેઓ મીટ અને પ્રાણીજન્ય ચીજો ખાતા ન હતા પણ ફક્ત ફીશનું સેવન કરતા.ભારતની આયુર્વેદિક ચિકિત્સા અને Eastern Medicines ઉપર અને ભગવાન પર એમને ઊંડી શ્રધ્ધા હતી.એ માનતા હતા કે એમની સફળતામાં ભારતીય ધ્યાન-યોગાસનોનો અમુલ્ય ફાળો છે. 

“જીન્દગી તમારી શરતો પર જીવો”,”સપનાં જુઓ “” સ્ટે-હન્ગરી”એટલે કે જ્ઞાનની પિપાસા હંમેશા રાખો અને ઈશ્વર પર શ્રધ્ધા રાખો એમ સૌને પોતાનાં પ્રવચનોમાં  અવારનવાર કહેનાર rags to richesસુધીનું અચંબો પમાડે એવું ગજબનું  સફળ જીવન જીવીને વિદાય લેનાર સ્ટીવ જોબ્સનું જીવનવિશ્વના  કરોડો નવજુવાનો માટે એક પ્રેરક ઉદાહરણ છે.પરમ કૃપાલુ પરમાત્મા, એમની પાસે આવેલ આવી વિરલ વ્યક્તિ સ્ટીવ જોબ્સના આત્માને ચીર શાંતિ અર્પે એવી હૃદયથી પ્રાર્થના કરીએ.  

                                                                         લેખક-  વિનોદ આર. પટેલ   

_________________________________________________________

સ્ટીવ પોલ જોબ્સની અંગત અને કૌટુંબિક જીવનની કેટલીક વાતો એના જાહેર જીવન જેટલી જ રસિક છે.આ બધી જાણીને નવાઈ લાગે એવી સ્ટીવ જોબ્સના ખાનગી જીવનની વિગતો આપતો શ્રી દેવેન્દ્ર પટેલનો લેખ મેં સંદેશ અખબારની ઈન્ટરનેટ આવૃત્તિમાં વાચ્યો જે મને ગમ્યો .દેવેન્દ્ર પટેલનો  સ્ટીવ જોબ્સ અંગેનો મને ગમેલ આ લેખ  જે નીચે સાભાર મુક્યો છે.આપને પણ એ લેખ જરૂર ગમશે. 

દુનિયાને બદલી દેનારા બહુ ઓછું જીવે છે. આદિ શંકરાચાર્યે ઘણા અલ્પ આયુમાં મહાન ગ્રંથોની રચના કરી અને ઓછી વયે જ મૃત્યુ પામ્યા. સ્વામી રામતીર્થ માંડ ૩૩ વર્ષ જ જીવ્યા. પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડી ભર યુવાનીમાં મૃત્યુ પામ્યા. મેરેલિન મનરો યુવાવસ્થામાં જ મોતને ભેટી. મધુબાલા બહુ ના જીવી. કલાપી યુવાનીમાં જ મૃત્યુ પામ્યા. રાજીવ ગાંધી પણ લાંબું આયુષ્ય ભોગવી ના શક્યા. હવે આ તેજસ્વી સ્ટાર્સની યાદીમાં સ્ટીવ જોબ્સ એ છેલ્લા સિતારા હતા.

લોકોના હાથમાં આઈ-મેક, આઈ-પેડ, આઈ-પોડ અને આઈ-ફોનને હાથમાં રમતાં કરી મૂકનાર સ્ટીવ જોબ્સ માત્ર ૫૬ વર્ષની વયે જ તા.૫મી ઓક્ટોબર,૨૦૧૧ના રોજ  મૃત્યુ પામ્યા. તા. ૨૯મી ફેબ્રુઆરી, ૧૯૫૫ના રોજ સાન ફ્રાન્સિસ્કોમાં જન્મેલા સ્ટીવ જોબ્સ એક બળવાખોર બાળક હતા. તેમના પિતા ઇજિપ્શીયન-આરબ (સિરિયા) અને માતા અમેરિકન મહિલા હતાં. માતા-પિતા ગરીબ અને મજૂરી કરનારા હોઈ બાળક પોલ અને જોબ્સ નામના યુગલને દત્તક આપી દેવાયું હતું. જેમણે બાળકને સ્ટીવન પોલ એવું નામ આપ્યું. તેમને અમેરિકામાં ઓરેગાવની પોર્ટલેન્ડ ખાતે આવેલી ટીડ્સ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ એ ભણતર ઉપયોગી ના લાગતાં તેમણે સ્વયં ભણવાનું છોડી દીધું. ૧૯૭૬માં ‘એપ્રિલ ફૂલ’ના દિવસે”એક ગેરેજમાં તેમણે એક મિત્ર સાથે ‘એપલ’ કંપનીની શરૂઆત કરી. તે પછી એમણે કદીયે પાછું વળીને જોયું નહીં. ફેબ્રુઆરી, ૨૦૧૦ સુધીમાં આ કંપનીની કુલ સંપત્તિ ૭૫.૧૮ અબજ ડોલર પર પહોંચી. સ્ટીવ જોબની અંગત સંપત્તિ ૮.૮ અબજ ડોલર સુધી પહોંચી.

સ્ટીવ જોબ્સના જીવનમાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા. તેમને જન્મ આપનાર માતાનું નામ જોઆન કેરોલ સ્કીબલ હતું. જ્યારે અસલી પિતાનું નામ અબ્દુલ ફત્તાહ જિંદાલી હતું. અબ્દુલ ફત્તાહ સિરિયાથી સ્ટુડન્ટ એક્સચેન્જ કાર્યક્રમ હેઠળ અમેરિકામાં ભણવા આવ્યા હતા. તેઓ કુંવારી માતાના પેટે જન્મ્યા હતા. લોકોની મજાકથી બચવા જ બાળક પોલ અને કલારા જોબ્સને સોંપી દેવામાં આવ્યું હતું. કહેવાય છે કે, સ્ટીવ જોબ્સ કદી તેમનાં અરબી માતા-પિતાને મળી શક્યા નહોતા. કહેવાય છે કે, તેમના અસલી પિતા અબ્દુલ ફત્તાહ જિંદાલીએ પુત્ર સ્ટીવ જોબ્સને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તે શક્ય બન્યું નહોતું. સ્ટીવ જોબ્સને લાગ્યું હતું કે, “મારા પિતાની નજર મારી સંપત્તિ પર છે.”

કોલેજમાંથી જાતે જ બહાર નીકળી ગયા બાદ સ્ટીવ જોબ્સનું જીવન આરામદાયક નહોતું. તેઓ એક મિત્રના ઘરના લિવિંગ રૂમની ફર્શ પર જ સૂઈ જતા હતા. કોકાકોલા પી લીધા બાદ તેની બોટલ દુકાનદારને પાછી આપવા જતા જેના તેમને પાંચ સેન્ટ મળતા હતા અને એ પાંચ-પાંચ સેન્ટ ભેગા કરી તેઓ તેમના માટે ફૂડ ખરીદતા. તેઓ જ્યાં રહેતા હતા ત્યાંથી ૭ માઈલ દૂર હરેકૃષ્ણ મંદિર હતું અને ત્યાં સારું જમવાનું મળતું. સારા ફૂડ માટે તેઓ દર રવિવારે સાત માઈલ ચાલીને હરેકૃષ્ણ મંદિરે જતા હતા. આધ્યાત્મિકતાની ખોજમાં તેઓ ભારત આવ્યા અને નશીલી દવાઓની સાથે કેટલાક પ્રયોગ પણ કર્યા. બૌદ્ધ ધર્મથી તેઓ ભારે પ્રભાવિત થયા. તેઓ હિપ્પી સંસ્કૃતિ સાથે જ મોટા થયા હોવા છતાં પાછળથી બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો.

વિશ્વભરનાં બાળકોમાં લોકપ્રિય એનિમેશન ફિલ્મ્સ જેવી કે ‘ટોય સ્ટોરી’ અને ‘ફાઇન્ડિંગ નેમો’ બનાવનાર કોમ્પ્યુટર એનિમેશન કંપની- ‘પિક્સર’ પણ તેમનું જ સર્જન હતું.”અબજોની સંપત્તિના માલિક હોવા છતાં સ્ટીવ જોબ્સ જીન્સ અને બંધ ગળાનું બ્લેક ટીશર્ટ જ પહેરતા. માથા પર ટૂંકા વાળ રાખતા. સ્ટીવને ભાગ્યે જ કોઈએ સૂટમાં જોયા હશે. યુનિર્વિસટીમાં પ્રવચન આપવા ગયા ત્યારે પણ જીન્સ અને ટી-શર્ટમાં જ. તેઓ વસ્ત્રો અને ઠાઠમાઠ કે દેખાડાના બદલે પોતાની બુદ્ધિ, કલ્પનાશક્તિ અને સમજદારીમાં વધુ ભરોસો કરતા હતા. કોમ્પ્યુટરને ‘પર્સનલ’ બનાવનાર અને ઇન્ટરનેટને લોકોના ખિસ્સા સુધી પહોંચાડનાર સ્ટીવ જોબ્સ માર્કેટ સર્વે જેવી પરંપરાગત બિઝનેસ પ્રણાલી પર બહુ આધાર રાખવાના બદલે પોતાની કલ્પનાશક્તિ પર બહુ વિશ્વાસ રાખતા હતા અને પોતાની સમજદારી પર જ નવાં નવાં સંશોધનો કરતા હતા. તેમણે જાતે કોઈ નવા કોમ્પ્યુટરની શોધ કરી નહોતી. બલકે ઉપલબ્ધ સંશોધનોને લોકો માટે વધુ સુવિધાજનક અને વ્યવહારુ બનાવી દીધા હતા. એક નાનકડા આઈપોડમાં તેમણે સેંકડો ગીતો ભરી દેવાની કમાલ કરી બતાવી હતી.”તેઓ એક દૃષ્ટા હતા. તેઓએ ચીલાચાલુ અને રૂઢિગત પરંપરાથી ઊલટું વિચારવા માંડયું. મધ્યમવર્ગ પરિવારમાંથી આવતા હોઈ બીજા અનેક સંઘર્ષોનો સામનો કરવો પડયો. તેમણે પોતાના આગવા ખ્યાલોથી નવા રસ્તા શોધ્યા અને પરંપરાગત વ્યાપાર અને ઉદ્યોગ જગતની શિકલ જ બદલી નાખી. નવા સમય માટે નવા પડકારો તેમની સામે હતા. તેમના માટે ભારે મોટા મૂડીરોકાણ અને ભારે મોટા બજારના નેટવર્ક કરતાં નવી કલ્પનાશક્તિઓનું મહત્ત્વ વધુ હતું અને તેમાં જ તેઓ સફળ નીવડયા. તેમની આ સફળતાના કારણે વિશ્વ વિખ્યાત ફિલ્મકાર સ્ટીવન સ્પિલબર્ગે પણ કહેવું પડયું કે, “સ્ટીવ જોબ્સ એ થોમસ આલ્વા એડિસન પછીની મહાન પ્રતિભા હતા.” ઘણાએ તેમને નવા સમયના ‘હીરો’- નાયક કહ્યા.

એક નાનકડા ગેરેજમાં શરૂ કરાયેલી કંપનીમાં આજે ૪૦૦૦થી વધુ કર્મચારીઓ કામ કરે છે. છેલ્લાં ૧૧ વર્ષમાં એપલ કંપનીના શેરોની કિંમત ૧૨ ગણી વધી છે. ૧૯૮૦માં જેની કિંમત ૩.૫૯ ડોલર હતી તેની કિંમત ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૧ના રોજ ૪૧૩.૪૫ ડોલર સુધી પહોંચી છે. વિશ્વમાં આજે ૩૫૭ જેટલા‘એપલ’ના સ્ટોર્સ છે. અબજોનું ટર્નઓવર ધરાવતા સ્ટીવ જોબ્સની વિશ્વના લોકોને સલાહ છે કે, “ડિઝાઈનનો મતલબ એ નથી કે તે કેવી દેખાય છે. ડિઝાઈનનો મતલબ એ છે કે, તે કેવી રીતે કામ કરે છે તે પણ સમજવું જોઈએ. એ જ રીતે વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ બનવાનો કોઈ અર્થ જ નથી. રાત્રે સૂતી વખતે તમને મનમાં થવું જોઈએ કે, આજે મેં કોઈ અર્થપૂર્ણ અને શાનદાર કામ કર્યું છે. બીજા લોકોના વિચારો સાંભળી તમે તમારા અંતરાત્માના અવાજને ગૂંગળાવશો નહીં. એ એમની સોચ હતી. તમે તમારી રીતે”વિચારો. આપણે આપણા દિલનો અને અંતરાત્માનો જ અવાજ સાંભળવો જોઈએ. તેનું જ મહત્ત્વ છે. તમારે શું બનવું તે તમારે જ નક્કી કરવાનું છે. મારા માટે તો બિઝનેસનું મોડેલ છે ‘ધી બીટલ્સ.’ એ ચાર જણે એક બીજાની નકારાત્મક પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવ્યો હતો. તે પછી એકબીજાને સહારો આપ્યો. એ ચારેય જણે મળીને કોઈ એક કે બે જણના મુકાબલે તેઓ વધુ ‘મહાન’ બન્યા.

સ્ટીવ જોબ્સ તમામ બાબતોમાં બંડખોર હતા.”તેમના ધંધાદારી હરીફોની સામે પણ તેઓ આક્રમક અને સ્વાભિમાની હતા. તેઓ એપલના હેડક્વાર્ટર પર જાય ત્યારે તેમની ર્મિસડિઝ કાર અપંગો માટેના પાર્કિંગ સ્લોટમાં જ પાર્ક કરતા હતા. તેઓ અપંગ નહોતા છતાં બંડ કરવું તે તેમનો સ્વભાવ હતો. છેલ્લે છેલ્લે સ્ટેનફોર્ડ યુનિર્વિસટીના વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહેલી વાતો ચિરસ્મરણીય રહેશે. તેમણે કહ્યું હતું : “માનવીએ હંમેશાં કર્મ, ભાગ્ય અને ઈશ્વર પર શ્રદ્ધા રાખવી જોઈએ. આમ કરવાથી તમારી દરેક ઇચ્છા પૂરી થઈ શકે છે. હું ભણવાનું કદી પૂરું કરી ના શક્યો, પરંતુ હિંમત હાર્યો નહીં. મેં દિલનો અવાજ સાંભળ્યો અને સિદ્ધિઓ”હાંસલ કરી. જીવન બહુ ટૂંકું છે. બીજાની વાતો સાંભળી તેમનું અનુકરણ ના કરો. સ્ટે હંગરી- સ્ટે ફુલીશ. અર્થાત્ જ્ઞાનની પિપાસા હંમેશાં રાખો અને અભિમાન કદી કરશો નહીં. મારું મૃત્યુ નજીક છે. હું બીજા કોઈ માટે જગા કરતો જાઉં છું.”

સ્ટીવ જોબ્સ વિશ્વનાં કરોડો બાળકો માટે એક પ્રેરણા છે. તેમણે જે વાત શબ્દોમાં કહી નથી તે એ છે કે “જિંદગી તમારી શરતો પર જીવો.”

                                         લેખક-  દેવેન્દ્ર  પટેલ, કભી કભી વિભાગ, સંદેશ

Source- https://gujaratiindianblog.wordpress.com/2012/12/05/jindagi-tamari-sharto-par-jivo-ne-juo-kamal/

 

 

            આજનો  સુવિચાર-
                       જીવંત માણસોનો આદર

પાષાણમાંથી બનેલી મૂર્તિમાં ભગવાનનાં દર્શન કરવાનું સમજાવવામાં ધર્મ સફળ થયો ખરો, પરંતુ  જીવંત મનુષ્યમાં ભગવાનને ભાળવાની વૃતિ કેળવવામાં એ નિષ્ફળ ગયો છે. આ  નિષ્ફળતા માનવ જાતને ખુબ મોંઘી પડી છે.કવિ ઓડેને આ વાત જરા જુદી રીતે પ્રગટ કરી છે.હોરિઝોન્ટલ અને વર્ટીકલ માણસોની વાત કરીને ઓડેન કહે છે :“ આપણે કબરમાં આડા પોઢેલા માણસોનો આદર  કરીએ  છીએ ,પરંતુ ઉભેલા (જીવંત )માણસોનો આદર કરવાનું ચુકી જઈએ છીએ.”

  ( અખંડ આનંદ માંથી સાભાર )                                    ——ગુણવંત શાહ

સાન ડિયાગો ,                                                  વિનોદ આર. પટેલ

તા- ૧૯મી ઓક્ટોબર ,૨૦૧૧ .