વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓક્ટોબર 22, 2011

દિપાવલીના પૂણ્ય પર્વ પ્રસંગે વિનોદ વિહાર બ્લોગનો ” દીપોત્સવી અંક “

દિપાવલી એટલે તમસ ઉપર પ્રકાશના વિજયનું પર્વ

આ વિક્રમ સંવત ૨૦૬૭ના વર્ષનું ચક્ર વિરામ લેશે આસો માસની અંધકાર ભરી વદ અમાસે, અને એજ દિવસે આગમન થશે દિવાળીના પુણ્ય પર્વનું.દિવાળીના દિવસોમાં દીપમાળાઓ  પ્રગટાવીને લોકો અમાસના અંધકારને પ્રકાશના પર્વમાં પલટાવી દેશે.આમ દિવાળીનો ઉત્સવ તમસમાંથી જ્યોતિ તરફ પ્રયાણ કરવા માટેની આરાધના કરવાનો દિવસ છે.આપણા જીવનનો ધ્યેય અંધકારભરી અમાસથી પ્રકાશથી પૂર્ણ પૂનમ ભણી આગળ વધવાનો હોવો જોઈએ.

દિવાળી એક નહી પણ પાંચ દિવસોનો તહેવાર મનાય છે- ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી ,બેસતું વર્ષ અને ભાઈ બીજ.આ દરેક  દિવસ અંગે એક દંત કથા પ્રચલિત છે.આ બધી દંત કથાઓ અને સાપ ગયા ને લીસોટા રહ્યા એવી આ દિવસોની ઉજવણીની રીતોને એક બાજુએ  રાખીએ તો પણ પ્રતિકાત્મક રીતે જોતાં દીપાવલી એટલે અનિષ્ટ તત્વો સામે સત્યનો અને અંધકાર સામે પ્રકાશના વિજયને મનાવવાનો ઉત્સવ છે. આપણા મનમાંના અંધકારને દુર કરી એમાં સદબુદ્ધિ અને સુસંસ્કારોના દીપકથી અજવાળવાનો આ દિવસ છે.

દીપોત્સવીના આ અનેરા પર્વમાં,હૈયેથી હતાશાને હંફાવી આશાની દિવેટ સંકોરીને માનવતાનો દીપ જ્લાવીએ.દુર્ગુણો અને વિકારોના ફટાકડા ફોડી દિવ્ય ગુણોના સુગંધિત ધૂપથી ચોમેર પવિત્રતાની સુગંધ પ્રસરાવીએ.કર્મ અને કુકર્મના  ચોપડાનો હિસાબ માંડી જીવનના વર્ષોનું સરવૈયું કાઢીએ.આત્માના દીપકની જ્યોત જલાવી ચિદાનંદ સ્વરૂપ પરમાત્માનું સ્મરણ કરી નવા વર્ષનું નવા ઉમંગથી સ્વાગત કરીએ. 

દિવાળીના આ મંગલ પર્વે  પ્રાર્થના કરીએ કે હે પ્રભુ ” ઊંડા અંધારેથી પરમ તેજે તું લઇ જા,તું હીણો હું છું તો ,તુજ દરશનના દાન દઈ જા “ .અમારા મનના ઓરડામાં રોજે રોજ ભરાતા કુડા કચરાને તારી પ્રાર્થના રૂપી સાવરણીથી સાફ કરી અમારા મન મંદિરને પવિત્ર રાખીએ એવી સદબુદ્ધિ આપજે હે પ્રભુ!.  અંતે ઉપનિષદની આ  ઋચાને  ગાઈએ કે —

ઓમ, અસતો મા સદ ગમય ,તમસો મા જ્યોતિર  ગમય , મૃત્યુ: માં અમૃતમ ગમય 

મારા બ્લોગના સૌ પ્રિય વાચકોને

શુભ દિપાવલી તથા નુતન વર્ષાભિનંદન.

વિક્રમ સંવત ૨૦૬૮નુ નવું વર્ષ આપ સૌને માટે સર્વ પ્રકારે સુખદાયી, આરોગ્યદાયી, ફળદાયી અને યશસ્વી નીવડો એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના..

સાન ડિયાગો.

તા-૨૩મી ઓક્ટોબર ,૨૦૧૧.                           વિનોદ આર. પટેલ   

___________________________________________________________________

દિપાવલીના શુભ દિવસોમાં પ્રગટ થતી આજની પોસ્ટને દીપોત્સવી અંક તરીકે પ્રકાશિત કરતાં આનંદ થાય છે.આ અંક પ્રસંગોચિત કાવ્યો, દિવાળી લેખો અને મનનીય સુવાક્ય સંગ્રહ વી. રસપ્રદ વાચન સામગ્રીથી સભર છે.આ અંક આપને વાંચવો ગમશે એવી આશા છે.

હવે, ડીસેમ્બર ૨૦૦૮માં ગુજરાત ટાઈમ્સમાં પ્રગટ થયેલ મારું એક કાવ્ય /પ્રાર્થના

અહી નીચે મુકેલ છે.

પ્રભુ લેશે સંભાળ તારી……

શિરે તારે જ્યારે આપદા આવી પડશે ,

મુન્ઝાએલો અને દુખી જોઈને તને ,

જરાએ ભ્રમમાં  ન રહેતો ,

દીનદયાળ પ્રભુ લેશે સંભાળ તારી.

લઇ લેશે એની પ્રેમાળ ભેટમાં તને. 

સંસારની વિવિધ જંજાળો વચ્ચે ,

અનેક મુસીબતો રાહમાં આવી ખડકાશે,

હૃદય તારું ભાંગી પડશે,

ઘોર નિરાશાની ગર્તામાં આખડતો હોઈશ એ વેળા,

જીવનની અનેક કસોટીઓ વચ્ચે ,

જરૂરી હશે એ આપી, પાર ઉતારશે તને. 

જીવનપથ પર તારો હાથ ગ્રહી દોરીને,

એ દિવ્યાત્મા સર્વવ્યાપી દયાળુ પ્રભુ,

નવા વરસે કે હરહંમેશે લેશે સંભાળ તારી.   

                —— વિનોદ આર. પટેલ     

દિવાળી -કાવ્ય -ચીમન પટેલ(ચમન )

આ મઝાના દિવાળી કાવ્યના કવિ છે આ બ્લોગમાં જેમની એક સામાજિક વાર્તા બાગબાન કા બસેરા લેવામાં આવી હતી એ હુસ્ટન નિવાસી શ્રી ચીમન પટેલ,એમણે મારા બ્લોગ માટે આ   કાવ્ય મોકલી આપ્યું છે.એમનો આભારી છું. આ કાવ્યમાં એમનાં દિવાળી પ્રસંગનાં સુંદર અવલોકનો રજુ કરવામાં આવ્યાં છે જે ખરેખર દિલચસ્પ છે . 

નવા વર્ષના શુભ સંકલ્પો — વિનોદ આર. પટેલ 

 અગાઉ ઓગસ્ટ ,૨૦૦૮ માં અમદાવાદથી પ્રકાશિત માસિક ધરતીમાં પ્રગટ થયેલ મારો  આ  લેખ  નવા વરસમાં લેવા લાયક કેટલાક શુભ સંકલ્પો વિષેનો છે .આમાંથી બધા નહી તો  થોડા  ગણા  પણ  સંકલ્પો  જો જીવનમાં  અપનાવવામાં આવશે  તો એ ઘણું છે. મેગેઝીનના રફ   પાનાની  પી.ડી એફ.ફાઈલની ઈમેજ જરા ઝાંખી છે પરંતુ એને વાંચી શકાશે.      

ઘરના ટોડલે દિવાળીના દીવા અને અંતરના ટોડલે સમજણના –અભિવ્યક્તિ લેખ

સુરતના શ્રી વલ્લભભાઈ ઈટાલીયાનો અભિવ્યક્તિ  બ્લોગમાં અગાઉ પ્રગટ થયેલ આ સુંદર લેખ એમના અને અભિવ્યક્તિ બ્લોગના શ્રી ગોવિંદ મારુંના આભાર સાથે અહિ મુક્યો છે.આ લેખ દિવાળીના આ પર્વ ટાણે વાંચવો સમયને અનુરૂપ થઇ રહેશે.

નવા વરસે મનન કરવા જેવાં અને આચરવા જેવાં સુવાક્યો- રત્નકણીકાઓ 

મારા  વાચન દરમ્યાન મને ગમેલાં અને નોટબુકમાં ટપકાવી લીધેલાં સુવાક્યોમાંથી    કેટલાંક ચૂંટેલા સુવાક્યો  અહી મુક્યાં છે. તમને એ નવા વરસમાં મમળાવવા કામ લાગશે.ઉપરની ફાઈલ ઓપન કરી આપ એને માણી શકશો.