વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: નવેમ્બર 2011

“ઘડપણ“ અને એના આરોગ્ય અંગેના પ્રશ્નો ચર્ચતા ત્રણ સુંદર લેખો.

 મારા બ્લોગની આજની પોસ્ટનો વિષય છે “ ઘડપણ અને એમાં આરોગ્ય અંગેના પ્રશ્નો “ 

વૃધ્ધાવસ્થા એ દરેક મનુષ્યનો જીવનનો મરણ પહેલાંનો આખરી તબક્કો છે. જુવાનીની વસંત પછી જીવનની પાનખરનો એ સમય છે.આપણા આદ્ય કવિ નરસિંહ મેહતાએ પણ ગાયું છે કે  –  “ઘડપણ કેણે મોકલ્યું ? ઉમરા તો ડુંગરા થયા , પાદર થયા પરદેશ ! “ સો વરસનું આરોગ્યમય સાદું સાત્વિક અને સેવામય જીવન ભોગવીને વિદાય થયેલ કર્મયોગી રવિશંકર મહારાજે સાચું કહ્યું છે કે “ જે ઘરડમાં ચાલે તે ઘરડો “ વૃદ્ધ શબ્દ વૃદ્ધિ ઉપરથી આવ્યો છે. ગુણવંત શાહે એમના લેખમાં કહ્યું છે એમ સતત વિચારોની વૃદ્ધિથી સમૃદ્ધ થતો રહે એ વૃદ્ધ કહેવાય.     

આવી આ વૃધ્ધાવસ્થામાં આરોગ્યના ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. ગુણવંત શાહે એમના લેખની શરૂઆત કરતા કહ્યું છે એમ “માણસ સાઠ વટાવે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલ શરુ થઈ જાય છે: બ્લડસુગર, કૉલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, આરથ્રાઈટીસ, બાયપાસ, ઘડપણ અને મૃત્યુ.”  

આજની પોસ્ટના વિષયની વિશદ ચર્ચા કરતા નીચેના મારી પસંદગીના ત્રણ લેખો અને મારું એક સ્વરચિત કાવ્ય નીચે મુકવામાં મુકવામાં આવ્યાં છે. આમાં પ્રથમ બે લેખોના લેખક જાણીતા સાહિત્યકાર અને વિચારક ડો- ગુણવંત શાહ છે જે આ વિષયને અનુરૂપ  ખુબ જ રસદાયક વિચારો એમની આગવી શૈલીમાં રજુ કરે છે.બીજા લેખો પણ ઉપયોગી માહિતી આપે છે. શ્રી ગુણવંત શાહ અને અન્ય લેખકોનો હું આભારી છું. 

ઉપરોક્ત વિષય ઉપરના આ ચૂંટેલા ત્રણ લેખો હાલ વૃધ્ધાવસ્થા ભોગવી રહેલ સીનીયર સીટીઝનો અને ભવિષ્યમાં એક દિવસ જેઓ સીનીયર સીટીઝન થવાના છે એ સૌને માટે પણ જ્ઞાન વર્ધક,પ્રેરણાદાયક થાય એવા છે. આ લેખો વાંચીને, મનન કરી એનો અમલ કરવા માટે જો વાચકો પ્રેરાશે તો મારી આજની પોસ્ટનો મારો પ્રયત્ન લેખે લાગશે અને મારો આશય સિદ્ધ થશે એમ હું માનું છું.

                                                       —– વિનોદ આર. પટેલ

___________________________________________________________________ 

ઘડપણ સડવા માટે નથી                         લેખડૉ ગુણવંત શાહ 

માણસ સાઠ વટાવે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલ શરુ થઈ જાય છે: બ્લડસુગર, કૉલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, આરથ્રાઈટીસ, બાયપાસ, ઘડપણ અને મૃત્યુ. ઘણા લોકો ઘડપણમાં દુ:ખી થવા માટે યુવાનીમાં રોગના ખાતામાં દુ:ખની થાપણ મૂકી રાખે છે. પાછલી ઉંમરે દુ:ખ એમને વ્યાજમુદ્લ સાથે પાછું મળે છે. 

જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં એડવાન્સ બૂકિંગ કરાવીને ઘડપણમાં રોગોનું મ્યુઝિયમ બનીને ખાટલે પડેલા ખોળિયા જોવા મળે છે. એમના જિગરજાન દોસ્તનું નામ છે, ગળફો. એમની ગર્લફ્રેન્ડનું નામ છે, થૂંકદાની. એમની પ્રિયતમાનું નામ છે, પથારી. રવિશંકર મહારાજ વારંવાર કહેતા કે ઘરડમાં ચાલે તે ઘરડો. ઘડપણનું સર્જન સડવા માટે નથી થયું. માણસે ઘરડા નથી થવાનું, પણ વૃધ્ધ થવાનું છે. જે વૃધ્ધિ પામ્યો એ વૃધ્ધ. 

પાછલી ઉંમરે સુખી થવાના સચોટ ઉપાયો કયા ? ગમે એ ભોગે યુવાનીમાં બેઠાડુ બનવાનું ટાળવું રહ્યું. જેટલું ચલાય એટલું ચાલવું અને વળી ઝડપથી ચાલવું.

ચલના જીવનકા નામ

ચલતે રહો શુબહ શામ 

પરસેવાના બે પ્રકાર છે. એક છે હરામનો પરસેવો અને બીજો છે ખરી કમાણીનો પરસેવો. મુંબઈમાં ભેજ એટલો કે આળસુના પીરને પણ પરસેવો વળે. એ હરામનો પરસેવો ગણાય. શિયાળામાં કોઈ માણસ એકાદ કલાક કસરત કરે અને શરીરે પરસેવો વળે એ ખરી કમાણીનો પરસેવો ગણાય. એ પરસેવો રોગમુક્તિ(healing)નો ખરો ઉપાય છે. કમાણીનો પરસેવો ઉંમરને ખાઈ જાય છે. 

પાછલી ઉંમરે દુ:ખી થવાના ઘણા રસ્તા છે. ઓફિસની ખરશીમાં પોટલું થઈને બેસવું એ પહેલો ઉપાય છે. વ્યસનો વિનાની યુવાની ઘણા લોકોને નથી ગમતી. પૈસા કમાવા સિવાય અન્ય કોઈ વાતમાં રસ ન લેવાની ટેવ યુવાનીને કદરૂપી બનાવે છે. સાહિત્ય, સંગીત, કળા, નાટક અને કવિતા જેવી ફાલ્તુબાબતોથી દૂર રહેનારા ઝટ ઝટ સડે છે. આવા લોકોને તાણ નામની વૅમ્પ અકાળે ઘરડા બનાવે છે. કેવળ પૈસો કમાનારી વ્યક્તિને સાચી મૈત્રી સાંપડતી નથી. પરિણામે જીવન ઝટ કટાઈ જાય છે. 

પુસ્તક વાંચવાની ટેવ હોય એવો સ્ફૂર્તિમંત વૃદ્ધ કંટાળતો નથી. સંગીતમાં રસ લેનારો વૃદ્ધ નવરાશને શણગારતો જોવા મળે છે. મૈત્રીવૈભવ ધરાવનારા દાદા ખાસા રળીયામણા જણાય છે. અન્ય માટે કશુંક કરી છૂટવા તત્પર એવાં દાદીમા આદરણીય જણાય છે. પારકી પંચાતથી દૂર રહીને નિજાનંદમાં મસ્ત રહેનારા દાદાને ખાલીપો પજવતો નથી. ઘરના સંતાનો એમનાથી કંટાળતા નથી. પુત્રવધુને એમની હાજરી ખટકતી નથી. કેટલાક વડીલોથી પરિવાર કંટાળે છે. એ કંટાળો સાબિત કરે છે કે વડીલ હજી જીવે છે. આવું ઘડપણ અભિશાપ ગણાય. 

જે વૃધ્ધ છે એ તબિયતનો રાંક નથી હોતો. પુસ્તકપ્રેમ, કળાપ્રેમ, મનોરંજન, મૈત્રી અને પ્રસન્ન સ્મિતથી શોભતો કરચળિયાળો ચહેરો એમના સમગ્ર જીવનનું ઓડિટ પ્રગટ કરતો રહે છે. આવો વૃધ્ધ છેક સુધી પોતે સ્થાપેલી કે ઉછેરેલી સંસ્થાની ખુરશી પર ફૅવિકોલ (અમેરીકામાં Crazy Glue) લગાડીને ચોંટી રહેતો નથી. શંશોધનોએ સાબિત કર્યું છે કે નિયમિતપણે ચર્ચમાં જનારા લોકો લાંબું જીવે છે. ભગવાન નામનું ટ્રાન્ક્વિલાઈઝર જબરી રાહત સાવ ઓછી કિંમતે પહોંચાડે છે. ડ્રગને રવાડે ચડવા કરતાં કૃષ્ણને રવાડે ચડવું સારું. 

જે બાલ્દી કટાઈને કાણી નથી થતી એને છેક છેલ્લે સુધી કોઈ ભીનો સ્પર્શ મળી રહે છે. એ સ્પર્શ જીવનદાયી છે. લાંબા આયુષ્યના શાસ્ત્રને gerontology કહે છે. આપણા ઘરડા નેતાઓ ઝટ નિવૃત્ત થતા નથી. સત્તા ન છોડવાની એમની ચીટકુ વૃત્તિને gerentocrazy કહે છે. કટાઈ જવા માટેનો શ્રેષ્ઠ સમય યુવાની છે. ઘરડા થવું એ ગુનો છે. વૃદ્ધ થવું એ વિશેષાધિકાર છે. સતત વિચારોની વૃદ્ધિથી સમૃધ્ધ થતો રહે તે વૃદ્ધ. 

ખિસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી પડતી નથી. પુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધ આપવામાં પાછીપાની કરતું નથી. હરણ ગમે એટલું ઘરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈ રહેતી હોય છે. ઘરડા હાથીનું ગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છે. જે માણસ મોટી વયે પણ નવું નવું વાંચવાનું, વિચારવાનું અને નિર્મળ આનંદ પામવાનું વ્યસન છોડવા તૈયાર નથી એ ખરા અર્થમાં વૃદ્ધ છે. એવા માણસને ઘરડોકહેવો એ એનું અપમાન છે.  

અમેરિકાના બનોર્ડ બારુચ કહે છે :

ઘરડા થવાની ઉંમર

હું આજે છું એનાં

પંદર વર્ષ પછીની જ હોય છે. 

(લેખકના વૃક્ષમંદિરની છાયામાંપુસ્તકમાંથી સાભાર)

Xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

ન્યૂયોર્કથી પ્રકાશિત થતા જાણીતા ગુજરાતી સાપ્તાહિક “ ગુજરાત ટાઈમ્સ “ માં જુલાઈ ૨૦૧૧માં પ્રગટ થયેલું  મારું નીચેનું કાવ્ય થોડું અપડેટ કરીને અહીં મુક્યું  છે.આ કાવ્ય આજની પોસ્ટના વિષયને અનુરૂપ છે જે આપને વાંચવું ગમશે.

આવીને ઉભો રહ્યો દ્વારે, અડીયલ આ બુઢાપો !

આયુ વૃક્ષની વિવિધ ડાળીઓ ઉપરથી,                                           “

ખરી રહ્યાં પર્ણો આજે જીવનની પાનખરમાં .

એક વણનોતર્યા મહેમાન સરીખો,

આવીને ઉભો રહ્યો દ્વારે, આ અડીયલ બુઢાપો. 

હતો એક સમો જ્યારે ગર્જતા’તા સિંહ સમા

વૃધ્ધાવસ્થાના એક થપાટે, બની ગયા આજે,

એક  દુર્બલ લાચાર મેઢા ઘેટા સમા . 

શરીર, ઇન્દ્રિઓમાં ભલે ન રહ્યો એ જોમ ને જુસ્સો

કરી મનને મક્કમ,બાકી સમય અને શક્તિઓ વડે,

જીવનનો ખરો આનંદ માણવાની છે આ વેળા.

જીવન-ચાદરને ઉજળી રાખી, શ્રધ્ધા અને ભાવથી,

પ્રભુ ચરણે એને અર્પણ કરવાની છે આ વેળા.

વીતેલ કાળની  ખેતીમાં વાવેલ સૌ પાકોને,

હોંસથી લણીને સૌમાં વહેંચવાની છે આ વેળા. 

જીવનની સંધ્યાએ ગણેલા શ્વાસો બાકી છે ત્યારે

હૃદય મન મક્કમ કરીને કરીએ આ પ્રાર્થના કે,

મારા આ બુઝાતા દીપકની વાટ સંકોરી આપી,

મારા ડગમગતા ચરણોને સ્થિર રાખી .

મારો હાથ ગ્રહી,મારી પડખે રહીને ,

તારા એ મંગલ મંદિરના દ્વાર સુધી મને,

સુખેથી પહોંચાડવાની પરમ કૃપા કરજે, હે પ્રભુ !.

                     —- વિનોદ આર. પટેલ

_____________________________________________________________________________

નીચેના બે લેખો પી.ડી,એફ.ફાઈલ  ઓપન કરીને વાંચી શકાશે.

બાબુ મોશાય! જિન્દગી બડી હોની ચાહિયે લંબી નહીં. — લેખક શ્રી ગુણવંત શાહ

શ્રી ગુણવંત શાહ તા. ૧૬મી સપ્ટેમ્બર ૨૦૧૧ ના રોજ હાર્ટ એટેકનો  ભોગ બન્યા હતા. એમના જીવન માટેનો એ કસોટીનો  કાળ  હતો. હોસ્પીટલમાં એન્જીઓગ્રાફી અને બાયપાસ સર્જરી પછી ગુજરાતને સારે નસીબે તેઓ કસોટી કાળમાંથી હેમખેમ  ઉગરી જઈને પોતાના હમ્મેશ મુજબના કાર્યમાં લાગી ગયા છે એ સૌને માટે આનંદની વાત છે.  સર્જરી પછી ફક્ત પાંચ દિવસ પછી એમના હાર્ટ  એટેક આવ્યા પછીનો અનુભવ રજુ કરતો અને એમાંથી બચવા માટેની શીખ આપતો આ લેખ  લખીને એમના બ્લોગ ટહુકોની તા  ૨૧ મી સપ્ટેમ્બરની પોસ્ટમાં મુકવા જેટલી માનસિક સ્વસ્થા એમણે પ્રાપ્ત કરી  લીધી એ કેવી નવાઈ કહેવાય !  આ લેખ એમણે ખુલ્લા દિલે એમની આગવી રસાળ  શૈલીમાં  લખ્યો છે  જે મનને આનંદ આપે છે અને ચેતી જવાની શીખ પણ આપે છે.

દીર્ઘાયુ જ નહીં દીર્ઘ આરોગ્યની કાળજી લો

મિત્ર વિપુલ દેસાઈના બ્લોગ ” સુરતી ઊંધિયું ” માંથી પ્રાપ્ત આ લેખમાં ગાંધીજીને પ્રિય  વિષય નિસર્ગોપચાર ઉપર ચર્ચા  કરવામાં આવી છે. નીસર્ગોપચારથી સુખેથી આરોગ્યમય  અને લાંબુ જીવન જીવી શકાય છે એ આ લેખમાં દર્શાવાયું છે.

Thanksgiving Day — આભાર પ્રગટ દિવસ ( સંકલન – વિનોદ આર. પટેલ )

અમેરિકામાં વર્ષોથી ઉજવાતા “થેન્ક્સ ગીવીંગ ડે“ નો આપણે ઈતિહાસ ટૂંકમાં તપાસીએ તો આ દિવસનું મૂળ સાલ ૧૬૨૧ સુધી જાય છે આ સાલ પ્લાયમાઉથ કોલોનીના યાત્રાળુઓએ ઇંગ્લેન્ડના જાનલેવા શિયાળામાંથી બચાવીને અમેરિકાની નવી દુનિયામાં હેમખેમ પહોચાડવા બદલ પ્રથમ થેન્ક્સ ગીવીંગ ડે મનાવ્યો હતો. એનો મૂળ હેતુ ભગવાનનો આભાર માનવાનો હતો. આ પ્રથમ થેન્ક્સ ગીવીંગ ડે ત્રણ દિવસ ૫૩ નવ આગંતુકો અને ૯૦ નેટીવ અમેરિકનોએ ખાણીપીણીની મિજબાની યોજીને મનાવ્યો હતો.ત્યાર પછી પણ ન્યુ ઇંગ્લેન્ડ કોલોનીના લોકો નિયમિત રીતે આ દિવસને દુકાળ નાબુદી અને યુદ્ધમાં જીત અપાવવા બદલ પ્રાર્થના અને ભગવાનનો આભાર માનવા માટેના દિવસ તરીકે ઉજવતા હતા.

ત્યારબાદ ,લોક લાગણીને માન આપી, સાલ ૧૮૬૩માં સિવિલ વોરના કપરા સમયે એ વખતના અમેરિકાના પ્રેસિડન્ટ અબ્રાહમ લિન્કને નવેમ્બર ૨૬ ના દિવસને રાષ્ટ્રીય દિવસ “થેન્ક્સ ગીવીંગ ડે” તરીકે ઉજવવાનું જાહેર કર્યું હતું. આની જાહેરાત કરતા એમણે આ પ્રમાણે કહ્યું હતું.:

“We have been the receipients of the choicest bounties of heaven. We have forgotten the gracious hand which preserved us in peace and multiplied and enriched and strngthened us. We have grown in numbers, wealth and power as no other nation has ever grown. And virtue of our own…. Before we sit down to eat, we should thank God for the Blessings bestowed on us.”

આ પછી થેન્ક્સ ગીવીંગ ડે અમેરિકામાં દર વરસે નવેમ્બર મહિનાના ચોથા ગુરુવારે ઉજવાય છે. આ દિવસે લોકો પોતાનાં સગાવ્હાલાં અને મિત્રોને હળેમળે છે અને ખાવા-પીવાની મિજબાની યોજે છે. કતલ કરીને બજારમાં વેચાતા નિર્દોષ પક્ષી ટર્કીના શરીરમાં મસાલા ભરીને એનું ડીનર લેવાની ક્રૂર પ્રથા પણ આ દિવસ ઉજવવાનો એક ભાગ બની ગઈ છે. થેન્ક્સ ગીવીંગની રજાઓ એ આખા વર્ષમાં પ્રવાસ માટેનો સૌથી વ્યસ્ત સમય ગણાય છે.પછીના બ્લેક ફ્રાઈડેના દિવસે સસ્તા શોપિંગનો લાભ લેવા સ્ટોરોમાં લોકો ખુબ વહેલા પહોચી જઈને પડાપડી કરે છે.

આપણને પરમ કૃપાલુ પરમાત્મા તરફથી આપણી જાત સહિત અનેક કુદરતી ભેટો મળેલી છે. આ બધી કુદરતી બક્ષિસો આપણી નજર સમક્ષ હોવા છતાં ઘણીવાર એને નજરઅંદાઝ કરીએ છીએ.અન્ન,વસ્ત્ર ,માથે છત્ર, ચાહવા માટે કુટુંબ અને મિત્રો, સ્વાસ્થ્ય,ધન,કીર્તિ જેવા અનેક ઉપકારોને સંભારીને પ્રભુનો આભાર માનવાનું અને ઋણ સ્વીકારવાનું આપણે સ્વકેન્દ્રી અને પ્રમાદી બનીને ચૂકી જઈએ છીએ. થેંકસ ગીવીન્ગનો દિવસ આપણે જે અનેક બક્ષીસો ભોગવી રહ્યા છીએ એ માટે આભાર માનવાનો અને સાથે સાથે દુખી જનો પ્રત્યે અનુકંપા ( compassion ) દર્શાવવાનો દિવસ છે.આ દિવસે ભૂખ્યા લોકોને અન્ન વસ્ત્ર માટે દાન કરવામાં આવે છે એ સારી પ્રથા છે.

ચાલો આપણે આ દિવસે નીચેની પ્રભુ પ્રાર્થના કરીએ .

THANKSGIVING PRAYER

Oh, heavenly Father, we thank thee for food , And remember the Hungry.

We thank thee for Friends – Relatives, And remember the Friendless .

 We thank thee for Freedom, And remember the Enslaved.

May these rememberances stir us to Service,

That thy gifts to us May be used for Others.

 — Anonymous

ઓક્ટોબર થી જાન્યુઆરી દરમ્યાન આવતા હોલોવીન,થેન્ક્સ ગીવીંગ,ક્રિસમસ અને ન્યુ યરનો સમય અમેરિકામાં હોલીડેની અને આનંદ પ્રમોદ કરવાની મોસમ છે, આ ઉત્સવોને લોકો ખાણી-પીણીની મિજબાની કરીને, અવનવી ખરીદી કરીને ,ભેટોની આપ-લે કરીને પોતપોતાની રીતે અને ગજવાની શક્તિ પ્રમાણે ભરપુર માણે છે.

તા. ૨૪ નવેમ્બર, ૨૦૧૧ ના ગુરુવારે આ વર્ષનો થેન્ક્સ ગીવીંગનો દિવસ છે.

આપ્ સૌને આ થેન્ક્સ ગીવિંગ દિવસ (આભાર પ્રગટ દિવસ ) અને એનો આનંદ મુબારક હો.

વિનોદ આર. પટેલ ____________________________________________________________________

ભારતીય સંસ્કૃતિમાં દાન અને પરોપકારનો મહિમા

મહાભારતના રચયિતા વેદ વ્યાસે મહાભારતમાં એમના નીચેના શ્લોકના અડધા જ હિસ્સામાં પરોપકારનો મહિમા સુંદર રીતે રજુ કરી દીધો છે.

શ્લોકાર્ધેન પ્રવક્શ્યામી યદુકતમ ગ્રંથકોટીભી :

પરોપકાર: પુણ્યાય પાપાય પરપીડનમ

આ શ્લોકનો અર્થ એ છે કે—“ જે વાત કરોડો ગ્રંથમાં કહેલી છે તે હું ( વ્યાસ ) તમને અડધા શ્લોકમાં કહી દઉં છું . બીજાઓને સુખ પહોંચાડવામાં એટલે કે પરોપકાર કરવામાં પુણ્ય છે અને અન્યને પીડા પહોંચાડવામાં પાપ છે.”

શ્રીમદ ભગવદગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કર્તવ્ય ભાવનાથી દાન કરવાની શીખ આપી છે , અને સાથે સાથે કેવી રીતે દાન કરવું એ પણ સમજાવ્યું છે. એમણે ગીતામાં કહ્યું છે કે બીજા ઉપર ઉપકાર માનવાની આશા રાખ્યા સિવાય ( દીયતે અનઉપકારીણે ) દાન કરવું જોઈએ. તિરસ્કાર કરીને આપેલું દાન ,અવજ્ઞા કરીને આપેલું દાન એ દાન કર્યું ન કહેવાય. એક શ્લોકમાં એમ પણ કહ્યું છે કે” જે લોકો પોતાના કારણે જ રાંધે છે તેઓ પાપ ખાય છે.” ભગવાને યજ્ઞ રૂપી કર્મથી જે કઈં પ્રાપ્ત થાય તેને વહેંચીને, બીજાઓને પણ એમાં ભાગીદાર બનાવીને ખાવાની પણ સલાહ આપી છે.

બીજા એક શ્લોકમાં આ પ્રમાણે કહ્યું છે.એનો અર્થ સમજાય એવો સ્પષ્ટ છે.

પરોપકારાય ફ્લંતી વૃક્ષા : પરોપકારાય દુહ્ન્તી ગાવ :

પરોપકારાય વહ્ન્તી નદ્ય : પરોપકારાર્થમીદમ શરીર :

બાઈબલમાં જીસસ ક્રાઈસ્ટે કહ્યું છે “ જેની પાસે આપવાની હિમત નથી તે લેવાને માટે પણ પાત્ર નથી.”

આ અંગે એક કવિએ સુંદર કહ્યું છે કે –

 “ અપને લીયે જી જાયે વો હૈ જિંદગી , ઔરોંકો જો કામ આયે વો હૈ બંદગી . “

નીચેના કબીરના દુહાઓમાં એમણે દાન અંગે ગાગરમાં સાગર સમાય એ રીતે પોતના વિચારો એમની આગવી જબાનમાં રજુ કર્યા છે.

 દાન વિષે – કબીરવાણી

૧. કહે કબીર કમાલકો, દો બાતાં શીખ લે,

કર સાહેબ કી બંદગી, ઓર ભુખે કો કછુ દે.

૨. ધર્મ કીયે ધન ના ઘટે, નદી ન સંચે નીર,

અપની આંખે દેખીયે, યું કહે દાસ કબીર.

૩. મરૂં પણ માંગું નહી, અપને તનકે કાજ,

પરમારથ કે કારણે, માગન ન આવે લાજ.

૪. ભુખેકો કછુ દીજીયે, યથા શક્તિ જો હોય,

તા ઉપર શીતલ વચન, લખો આત્મા સોય.

૫. જહાં દયા વહાં ધર્મ, જહાં લોભ વહાં પાપ,

જહાં ક્રોધ વહાં કાળ, જહાં ક્ષમા વહાં આપ.

૬. દાતા દાતા ચલ ગયે, રહ ગયે મખ્ખીચુર,

દાન માન સમજે નહી, લડને મેં મજબુર.

અહી સંત તુલસીદાસે એમની આ શાખીઓમાં ઘણી સમજવા જેવી વાત કરી છે.

એરણકી ચોરી કરે , દિયે સોયકા દાન

 ફિર દેખે આકાશકો , કયું ન આવે વિમાન.

 દયા ધરમકા મૂલ હૈ , પાપ મૂલ અભિમાન

 તુલસી દયા ન છાન્ડીયે, જબ લગ ગટમે પ્રાન .

 “ જે પોતે સુખી હોય અને બીજાને સુખ આપે એ સજ્જન .

  જે સ્વયમ દુખ ભોગવીને બીજાને સુખ આપે તે સંત. “

                                             –પૂજ્ય ડાંગરે મહારાજ

સંકલન – વિનોદ આર. પટેલ ____________________________________________________________________

A Thanksgiving Day Story

મને ઈ-મેલમાં અંગ્રેજીમાં પ્રાપ્ત આ સુંદર બોધદાયક વાર્તા થેન્ક્સ ગીવિન્ગ દિવસ (આભાર પ્રગટ દિવસ ) ને અનુરૂપ છે. એમાં આપણે શા માટે પ્રભુના આભારવશ થવું જોઈએ  અને એના ઋણનો સ્વીકાર કરવો જોઈએ , એ ખુબીથી સમજાવ્યુંછે. આ વાર્તાને  ઉપર  ક્લિક કરી ફાઈલ ઓપન કરી વાંચશો અને અન્યોને પણ વંચાવશો.

A Thanksgiving Day Story

____________________________________________________________________

થેન્ક્સ ગીવીંગ ડેના દિવસને અનુરૂપ બીજાં કેટલાંક અવતરણો –

SECRET  OF THANKSGIVING

To find joy in the Common Things,

To do our best with what life brings.

To trust that God will lead the way,

To count our blessings day by day.

To love by sharing and forgiving,

This is the Secret of Thanksgiving.

– Un known

“To be happy is easy if we forgive ourselves, forgive others and live with thanksgiving . No self-centered person , no ungrateful soul can ever be happy, much less make Anyone else happy. Life is giving not receiving.”                 — Joseph F.Newton

One framed plaque reads :

NO EXERCISE IS BETTER FOR HUMAN HEART THAN REACHING DOWN AND LIFTING ANOTHER UP

વાચક મિત્રો,

મને આશા છે, રીસર્ચ કરી, વાંચી અને પસંદ કરેલ થેન્ક્સગીવીંગના પ્રસંગને અનુરૂપ આજની પોસ્ટમાં મુકેલ આ સામગ્રી આપને ગમી હશે.

HAVE A GREAT THANKSGIVING

I WISH YOU ALL A HAPPY THANKSGIVING

વિનોદ આર. પટેલ

સાન ડિયાગો

સાચો પ્રેમ કદી ઘરડો થતો નથી ભાવાનુવાદ- વિનોદ આર. પટેલ

આપણા મિત્રો કે સ્નેહીજનો તરફથી આપણને ઈ-મેલ પ્રાપ્ત થતા હોય છે તેમાં ઘણીવાર તેઓ એમને ગમેલ કોઈ લેખ,વાર્તા,કાવ્ય, સુવિચારો, વિગેરે અંગ્રેજી કે ગુજરાતી ભાષાની જાણવાલાયક માહિતી વિગેરે વાંચવા માટે મોકલી આપે છે. આમાં કોઈ કોઈવાર આપણા જીવન માટે કોઈ ગહન સંદેશ રજુ કરતી વાર્તાઓ પણ મળતી હોય છે. 

આજની પોસ્ટમાં ઈ-મેલમાં પ્રાપ્ત થયેલી આવી બે ચિંતનીય વાર્તાઓ મૂકી છે. 

આમાં પહેલી વાર્તા- સાચો પ્રેમ કદી ઘરડો થતો નથી એ મૂળ અંગ્રેજી ભાષાની વાર્તાનો ભાવાનુવાદ કરી મારી શૈલીમાં એને ટૂંકી વાર્તાનું સ્વરૂપ આપીને રજુ કરી છે.જેને મૂળ અંગ્રેજીમાં વાર્તા THE RAIN વાંચવી હોય તેઓ ગુજરાતી વાર્તાની નીચે દર્શાવેલ લીંક ઉપર ક્લિક કરી, ફાઈલ ઓપન કરીને વાંચી શકશે. 

બીજી વાર્તા મને ટીવી બનાવી દો મને ગુજરાતી ભાષામાં મળેલ એ જ મૂળ સ્વરૂપે મૂકી છે. 

_________________________________________________________________ 

સાચો પ્રેમ કદી ઘરડો થતો નથી                         ભાવાનુવાદ-  વિનોદ આર. પટેલ

ડોક્ટર મેથ્યુ ,એમ .ડી. નું મેડીકલ સેન્ટર રોજની જેમ સવારના આઠ વાગે ખુલી ગયું. દર્દીઓ એક પછી એક એમ આવીને રિસેપ્શનના કાઉન્ટર ઉપર હાજર થયાની સહી કરીને પોતાના વારાની રાહ જોતા વેઇટિંગ રૂમની ખુરશીઓમાં બેસવા લાગ્યા .લગભગ સવા આઠ વાગ્યાના સુમારે એક એંસી વર્ષની આસપાસનો ડેવિડ નામનો એક વૃદ્ધ દર્દી એકલો ધીમી ચાલે આવીને રીસેપ્શન કાઉન્ટર ઉપર મુકેલ બોર્ડમાં સહી કરી . સદાની હસમુખી યુવાન રીશેસ્પ્નીષ્ટ લ્યુસીએ એના આકર્ષક સ્મિતથી ડેવિડને આવકાર્યો, “ હાય, મિસ્ટર ડેવિડ કેમ છે બધું ? “ 

ડેવિડે પોતાનો પાટો બાંધેલ અંગુઠો એને બતાવીને કહ્યું : મારા આ અંગુઠાના ઘા ઉપર જે ટાંકા લીધા છે એમાં રૂઝ આવી ગઈ હોય એમ મને લાગે છે. મારે નવ વાગે એક અગત્યની એપોઇમેન્ટ છે .મારો કેસ ડોક્ટર જલ્દી હાથમાં લઇ મારો અંગુઠો તપાસી લે તો સારુંજેથી હું નવ વાગ્યાનો મારો સમય સાચવી શકું “ 

યુવાન રીસેસ્પ્શનીષ્ટ  લ્યુસીએ શાંત સ્વરે હૈયાધારણ આપતા વૃધને કહ્યું : તમે ત્યાં ખુરશીમાં શાંતિથી બેસો અને તમારા વારાની રાહ જુઓ. ડોક્ટરને હજુ થોડી વાર લાગશે. 

આ વૃદ્ધ ખુરશીમાં બેસીને વારંવાર પોતાની કાંડા ઘડિયાળમાં ચિંતાતુર ભાવે જોયા કરતો હતો એ પોતાની જગાએથી લ્યુસીએ જોયું. ડોક્ટર મેથ્યુના મેડીકલ સેન્ટરમાં લ્યુસી એક રીસેસપ્નીષ્ટ હોવા ઉપરાત નર્સિંગનો કોર્સ પુરો કરેલ એક અનુભવી ને બાહોશ નર્સ પણ હતી.એના કાઉન્ટર ઉપર હમણા બીજા કોઈ દર્દીને એટેન્ડ કરવાના ન હતા. વારંવાર પોતાની ઘડિયાળ જોતા આ વૃદ્ધને જોઈને એને લાગ્યું કે એ ખરેખર ઉતાવળમાં લાગે છે.લાવને હું જ ડોક્ટરને પૂછીને આ વૃદ્ધના અંગુઠાના ઝખમને જોઈને શું કરવા જેવું છે એ તપાસી લઉં. આમ વિચારી ડોક્ટરને મળીને લ્યુસીએ વૃદ્ધને બાજુના એક રૂમમાં બોલાવ્યો.

 લ્યુંસીનો મનમાં આભાર માનતો ડેવિડ એ રૂમમાં ગયો. લ્યુસીએ પાટો દુર કરીને જોયું તો એને પણ લાગ્યું કે ઝખમ લગભગ રુઝાઈ ગયો છે.હવે ટાંકા તોડીને ફરી ડ્રેસિંગ કરવાની જરૂર છે.આ વૃદ્ધ ડેવિડના અંગુઠાના ટાંકા દુર કરી ડ્રેસિંગ કરતાં કરતાં વૃદ્ધને લ્યુસીએ પૂછ્યું દાદા, તમને આટલી બધી શું ઉતાવળ છે. તમારે ડોક્ટર મેથ્યુને મળવું નથી ? નવ વાગે શું તમારે બીજા કોઈ ડોક્ટરની એપોઇમેન્ટ છે ? 

વૃધ્ધે લ્યુસીને કહ્યું ના રે ના ,મારે બીજા કોઈ ડોક્ટરની એપોઇમેન્ટ નથી .મારે નવ વાગે પાસેના સિનિયરોના નર્સિંગ હોમમાં પહોચી જઈને મારી પત્ની સાથે રોજના સમયે નાસ્તો લેવાનો સમય સાચવવાનો છે. લ્યુસીએ સહજ સહાનુભૂતિથી ડેવિડને પૂછ્યું ,” નર્સિંગ હોમમાં તમારી પત્નીની તબિયત તો બરાબર છે ને  ? “

જવાબમાં ડેવિડે જણાવ્યું કે  ઘણો સમય થયો એને નર્સિંગ હોમમાં દાખલ કરેલી છે, કારણ કે એ અલ્ઝાઈમરના રોગની દરદી  છે. નર્સ લ્યુસીએ ડેવિડને પૂછ્યું તમે આજે મોડા પહોંચશો તો નહી ચાલે, તમારી પત્નીને ખોટું લાગી જશે ?” 

વૃધ્દ્ધ ડેવિડે કહ્યું મારા પત્નીએ આ રોગમાં એની યાદ શક્તિ બિલકુલ ગુમાવી દીધી  છે. હવે તો હું કોણ છું એ પણ જાણતી નથી .પાચ વરસથી એ મને બિલકુલ ઓળખતી ન હોય એવા એના હાવ ભાવ હોય છે.

આ જાણીને નર્સ લ્યુસીને ખુબ દુખ થયું અને સાથે આશ્ચર્ય પણ થયું . એના મનમાં જે સવાલ રમતો હતો એ એણે ડેવિડને કર્યો :અલ્ઝાઈમરના રોગી તમારા પત્ની તમે કોણ છો એ પાંચ વર્ષથી જાણતા નથી તેમ છતાં તમે રોજ સવારે નવ વાગે એક જ સમયે એમની સાથે નાસ્તો લેવા શા માટે પહોચી જાઓ છો ? એમને માટે શું ફેર પડે છે ?” 

આ સાંભળી વૃદ્ધ ડેવિડ હસ્યો . એક દાદા પોતાની પૌત્રીનો હાથ પોતાના હાથમાં લેતા હોય એમ લ્યુસીનો હાથ વ્હાલથી પકડી એની હથેળીને પંપાળતા બોલ્યા બેટા, આજસુધી કોઈ અપવાદ સિવાય મારી પત્ની સાથે નવ વાગે નાસ્તો કર્યો ન હોય એવું બન્યું નથી .હું અગત્યના કામે બહારગામ ગયો હોઉં એ જુદી વાત છે. ભલેને મારી પત્ની આ રોગને લઈને મને ઓળખી શકી ન હોય પણ મારી સ્મૃતિ તો જતી નથી રહીને .મને તો ખબર છે ને કે એ કોણ છે . મેં  આજ સુધી  એને પુષ્કળ પ્રેમ કર્યો છે . મારી આખી જીન્દગી એની સાથે પ્રેમથી વિતાવી છે.સંજોગો ભલે   બદલાયા હોય પણ મારી પત્નીને હું કેમ કરીને ભૂલી શકું ? એ કદી ન બની શકે.મારે તો  પ્રિય પત્ની સાથે નવ વાગે નાસ્તો લેવાનો અમારો નિયમ પાળવો જ રહ્યો.એમાં કોઈ ફેરફાર ન ચાલે. 

ડેવિડના આ શબ્દો સંભાળીને આશ્ચર્યથી લ્યુસીના હાથનાં રુંવાડા ઉભા થઇ ગયાં.

લ્યુસીની વિદાય લઈને ધીમી ચાલે મેડીકલ સેન્ટરની બહાર નીકળતા આ વૃદ્ધ ડેવિડની પીઠને એ અહોભાવપુર્વક તાકી રહી. પોતાની આંખમાં ધસી આવતાં આંસુઓ રોકવાનો પ્રયત્ન કરી રહેલ યુવાન લ્યુસી મનમાં પ્રાર્થના કરવા લાગી :

 “ હે ભગવાન, મારા જીવનમાં પણ મને આ વૃદ્ધ જેવો નિસ્વાર્થ અને સાચો પ્રેમી મેળવી આપજે .” 

યુવાનીમાં તો સૌ કોઈ પ્રેમ કરે એમાં નવાઈ નથી પરંતુ ઘડપણમાં બે માંથી કોઈ એક પાત્રનું  શરીર રોગમાં શીથીલ થઇ જાય, ત્યારે જીવનની છેલ્લી ક્ષ્ણ સુધી  નિસ્વાર્થ પ્રેમ હંમેશની જેમ કેવી રીતે ટકાવી રાખવો અને લગ્ન વખતે લીધેલો સુખમાં કે દુઃખમાં સાથે રહેવાનો કોલ કોઈ પણ અપવાદ વિના પુરો કેમ કરવો એ આ વૃદ્ધ ડેવિડ પાસેથી સૌએ શીખવાનું છે.નિસ્વાર્થ પ્રેમમાં કૈક મેળવવાની આશા ન હોય પણ કૈક આપી છૂટવાની ભાવના હોય.

ત્યાગ અને બલિદાન વગર પ્રેમ ટકી ન શકે. 

કબીરના એક દુહામાં એણે સરસ કહ્યું છે કે 

પ્રેમ છિપાયા ન છીપે, જો ઘટ પ્રગટ હી હોય,

જો કી મુખ બોલે નહી, નયન દેત હૈ રોય  

એક દિવસ ઘરડા તો બધા જ થવાના છે , અને એની સાથે શરીર પણ ઘરડું અને શીથીલ થવાનું છે ,પરંતુ સાચો પ્રેમ જો હોય તો એ કદી ઘરડો થતો નથી ! 

____________________________________________________________________

THE  RAIN— An old couple’s real love Story

જેના ઉપરથી ઉપર મુજબ મેં મારી રીતે વાર્તાની ગુજરાતીમાં રચના કરી  એ મૂળ

અંગ્રેજીમાં ઈ-મેલમાં મળેલ વાર્તા વાંચવા માટે ઉપર ક્લિક કરો.

_______________________________________________________________________________ 

આ વાર્તા શાળામાં જતાં બાળકોના માતા-પિતાએ ખાસ વાંચવા જેવી અને સમજવા લાયક છે. બાળકો પ્રત્યે અવગણના કરવામાં આવે તો એના મનોજગતમાં કેવા વિપરીત પ્રત્યાઘાતો પડે છે એ આ વાર્તામાં સારી રીતે સમજાવ્યું છે. આ વાર્તાને ગુજરાતીમાં ઈ-મેલમાં પ્રાપ્ત થઇ એ જ સ્વરૂપે ફેરફાર વિના અહી મૂકી છે. 

મને ટી.વી બનાવી દો ! 

એક દિવસ એક પ્રાથમિક શાળાની  શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો  બાળકો,  આજે તમે એક નિબંધ લખીને મને આપો.  નિબંધનો વિષય છે —” જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો ?” 

બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો.ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયાં.સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યાં હતાં ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યાં  હતાં. તેમણે પૂછ્યું ,” કેમ શું થયું ? કેમ રડો છો ?”

શિક્ષિકાએ કહ્યું ,” હું મારા વિદ્યાર્થીઓના નિબંધો તપાસું છું .

તેમના પતિને  એક  કાગળ આપતાં  એ બોલ્યાં ,જુઓ , તમે પણ આ નિબંધ વાંચી જુઓ

તેમના પતિએ નિબંધ વાંચ્યો. તેમાં તે બાળકે લખ્યું હતું  

હે ઇશ્વર, જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.) બનાવી દે . હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છ. હું ટી.વી.ની જેમ ઘરમાં રહેવા માંગું  છું . જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય . સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું, જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ પ્રકારની ખલેલ પાડ્યા વગર મને  એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે. જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે.

જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે  ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી. વી. બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. અને …… મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.   

હું તેવું  અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે.

અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ , આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.

હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો.  

શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં.

તેમના પતિ બોલ્યા ,” હે  ભગવાન !!બિચારું બાળક!! કેવા ભયાનક માતા-પિતા છે!!

શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યાં 

આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે!  

***************************************************************** 

ઉપરની પ્રથમ વાર્તાને અનુરૂપ થાય એવી એક ડોસા-ડોસી અંગેની શ્રી સુરેશ દલાલની હળવીકાવ્ય રચના મારા હાઇસ્કુલ વખતથી દોસ્ત બની રહેલા ડો. દિનેશ સરૈયાએ એમના ઈ-મેલમાં મને મોકલેલી એને નીચે મુકેલ છે , જે તમને ગમશે. 

ડોશી કહે સવાર પડી : ડોસો કહે હાજી.

ડોસો કહે રાત પડી : ડોશી કહે હાજી.

હાજી હાજી હાજી હાજી હાજી હાજી હાજી

બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી. 

બન્ને જણા વાતો કરે : કરે હોંશાતોંશી

મનથી રહ્યાં તાજાંમાજાં : શરીરની ખામોશી

ડોસો બ્હારથી થોંથા લાવે : ડોશી લાવે ભાજી.

બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી. 

ડોશીના દુ:ખે છે ઘૂંટણ : ડોસો ધીમે ચાલે

એકમેકનો હાથ પકડી નાટકમાં જઈ મ્હાલે

સિગારેટના ધુમાડાથી ડોશી જાયે દાઝી

બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી. 

બન્નેના રસ્તા જુદા : પણ બન્ને પાછા એક

એકમેક વિના ચાલે નહીં : લખ્યાં વિધિએ લેખ

વરસે તો વરસે એવાં : પણ ક્યારેક રહેતા ગાજી.

બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી. 

                  —- સુરેશ દલાલ

*********************************************************************************

 

 

સુખનાં ગુલાબ મુશીબતોના કાંટાઓમાં ખીલતાં હોય છે ! લેખક વિનોદ આર.પટેલ

Rose Flower- animationમાણસની જિંદગીની રેલગાડી હંમેશાં સીધે સીધી એના પાટા ઉપર ચાલી જતી નથી હોતી. ઘણીવાર રસ્તામાં નાના મોટા અકસ્માતોના બનાવો બનતા રહે છે, જેને રોકવા હોય તો પણ રોકી શકાતા નથી હોતા. કોઈવાર જિંદગીની શરૂઆતમાં જ મોટો અકસ્માત સર્જાય છે. આ અકસ્માત સર્જાતાં પાટા ઉપરથી ઉથલી પડેલી જીવનની ગાડી નવા જ પાટા ઉપર નવી સફર શરુ કરે છે, આવા અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિનું પછીનું જીવન ડગલેને પગલે પડકાર ભરેલું બની જાય છે.

ઘણા બાળકો બાળપણમાં વિવિધ પ્રકારની માંદગીનો ભોગ બને છે જેવી કે પોલીઓ , ઓસ્ટીજ્મ,અંધત્વ, બહેરાપણું અને અન્ય પ્રકારની શારીરિક ખોડ ખાંપણ દ્વારા કુદરત નિર્દોષ બાળકોના જીવન સાથે ક્રૂર રમત રમે છે. એના જીવન માટે મોટો પડકાર સર્જાય છે. મારી ચાર વર્ષની ઉમરે બાળ લકવા –પોલીઓની બીમારીમાં એક હાથ અને એક પગની શારીરિક ખોટ સાથે ૭૫ વર્ષની મારી જિંદગીની સફરના આધારે હું કહી શકું કે જીવનની ગાડીને નડતા આવા અચાનકના અકસ્માત પછીના કસોટી ભર્યા સમયના પડકારને ઝીલવો એક અનેરો અનુભવ હોય છે.શારીરિક શક્તિઓની ખોટ અન્ય છુપી આત્મિક શક્તિઓથી પુરાતી જાય છે. દરેક મનુષ્યમાં છુપી શક્તિઓનો ધોધ વહેતો હોય છે જે જીવનના કસોટી કાળમાં બહાર આવતી હોય છે.ભગવાન જ્યારે શરીરના કોઈપણ એક અંગના દ્વાર બંધ કરે છે ત્યારે શરીરના અન્ય અંગોની શક્તિઓના દ્વાર ખોલીને ખોટનો વ્યાજ સહીત બદલો વાળતી હોય છે.

આપણે હેલન કેલરનો જ દાખલો લઈએ તો બાળપણથી જ એ બહેરી,મૂંગી અને અંધ બની ગઈ હતી પરંતુ આ પડકારથી નાસીપાસ થયા વિના એની અંતરની શક્તિઓને કામે લગાડીને પોતાની શારીરિક ખોટને એક તકમાં ફેરવીને દુનિયામાં અમર બની ગઈ. હેલન કેલરની જેમ અગાઉ મારા બ્લોગની એક પોસ્ટમાં જેના વિષે મેં લેખ લખેલો છે એ અમેરિકાના પ્રેસિડન્ટ રુઝવેલ્ટ, કોસ્મોલોજિસ્ટ સ્ટીફન હોકિંગ ,મહાન અંધ કવિ મિલ્ટન વિગેરે જેવી અનેક શારીરિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓએ પોતાની અપંગતાને ગણકાર્યા વગર હિંમતથી પોતાના જીવનનો આગવો રાહ કંડાર્યો અને એક ઉદાહરણરૂપ ધન્ય જીવન જીવી બતાવીને એમના જીવનની સાર્થકતાનો સૌને પરિચય કરાવ્યો .

ઈશ્વરના આશીર્વાદ અને અંતરની હામ મનુષ્યને “ હું શું કરી શકું “ ની હતાશામાંથી “ હું શું ન કરી શકું” ના જોમ ભણી વાળે છે અને એને જીવનના પડકારો સામે લડવા માટે સજ્જ કરે છે.આવા શારિરીક પડકારો સામે વિજય મેળવવાનો આનંદ અનેરો હોય છે. જીવનના કસોટી કાળમાં શરૂઆતમાં દુખ, લઘુતાગ્રંથી અને મનમાં મુંગી વેદનાની લાગણીનો અહેસાસ થાય છે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા જાય છે એમ મન સાથે સમાધાન થતું જાય છે કે જે દુખ ભરી સ્થિતિ આવી છે એને ભોગવ્યા વિના છુટકો નથી, બીજાઓ સાથે પોતાની જાતને સરખાવીને દુખી થવાનો કોઈ ફાયદો નથી. જે પરિસ્થિતિ આવી છે એમાંથી બચેલી બધી શક્તિઓનો ઉપયોગ કરીને જીવનનો આગળનો રાહ કેવી રીતે કંડારવો એની માનસિક મથામણ અને પ્રયત્નો શરુ થાય થાય છે.

માતા-પિતા, સ્નેહી જનો અને મિત્રોનો પ્રેમ અને સદભાવનાઓથી જીન્દગી જીવવા જેવી છે એવો મનને દિલાસો મળ્યા કરે છે.આવેલ મુશ્કેલીઓ સાથે સમજુતી કરીને જિંદગીની નાવને ગતિ આપવાની હિમ્મત કેળવાતી જાય છે.જે સ્થિતિને બદલી શકાય એમ નથી એને મનથી સ્વીકારી લેવાની સમજ કેળવાય છે.

માણસના જીવનમાં સુખ અને દુખ એક ચક્રની માફક આવે છે અને જાય છે.જીવનની રાહમાં જે કંઈ દુખ આવી પડે એને ફરિયાદ કર્યા વગર ભોગવવાની જવાબદારી જેને માથે દુખ આવ્યું છે એની છે.આપણું દુખ કોઈ ઉછીનું લઇ શકતું નથી.દુઃખના વાદળો તમારી જિંદગીના પ્રકાશ ભર્યા દિવસો ઉપર અંધકારનો ઓથાર ભલે લાવી દે પરંતુ આવા વખતે તમે એને કેવી રીતે મન ઉપર લો છો તેના ઉપરથી તમારી જિંદગીની ખરી પરીક્ષા થાય છે.તમારું સાચું ચારિત્ર્ય પરખાય છે.આવા વખતે તમે નિરાશ થઈને દુઃખના ઊંડા કુવામાં ગરકાવ થઇ બેસી રહો છો ,ભાંગી પડો છો કે પછી તમારામાં પડેલી આંતરિક છુપી શક્તિઓને કામે લગાડીને આવેલ દુઃખનો પડકાર ઝીલી લઇ એનો હિંમતપુર્વક ખુલ્લા દિલે સામનો કરો છો એના પરથી તમારી ખરી ભાત પરખાય છે.દુખ ભલેને સહન કરવા માટે મોટું હોય પરંતુ તમારી પાસે પ્રભુની બક્ષેલ તમારી જિંદગીની એથી ય મોટી ભેટ-સોગાદ બચી હોય છે.જિંદગીના ખજાનાની ચાવી જો તમારા હાથમાં હોય તો પછી કોઈ પણ પ્રકારના દુઃખથી ગભરાવાનું શાનું ? ભગવાન ઉપર ભરોસો રાખી તમારી પૂરી હિંમત અને અંતરના જોમથી જીવનના આવેલ પડકારોનો સામનો કરવાથી તમારા ઉપર છવાએલા દુઃખના વાદળો વિખરાવા માંડશે અને ફરી પાછો તમારી જિંદગીની રાહમાં પ્રકાશ રેલાશે. તમારી જિંદગીની ગાડી નવા પાટા ઉપર પણ સફળતાપૂર્વક સડસડાટ દોડતી એના નિર્ધારિત સ્થાને સુખરૂપ પહોચી જશે.

 આપણે ઘણી વખત નાની નાની વ્યથાઓને પહાડ જેવી બનાવી દેવાને ટેવાએલા છીએ.જો જીવન પ્રત્યેનો અભિગમ બદલાય તો દિશાઓ ખુલી જતી હોય છે. જિંદગીમાં ઘા તો પડતા રહેવાના અને રુઝાતા પણ રહેવાના. જિંદગીનો આ એક અફર ક્રમ છે.કોઈ પણ દેશનો ઇતિહાસ જો જોશો તો તમને જરૂર જણાશે કે જે કોઈ વ્યક્તિઓ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરીને ટોચને સ્થાને પહોંચ્યા તે લગભગ બધી જ વ્યક્તિઓએ પોતાના જીવન દરમ્યાન એક કરતાં વધુ વખત હૃદયને હચમચાવી મુકે એવી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કર્યો હોય છે.અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનને પોતાના જીવનમાં અનેક નિષ્ફળતાઓ મળી પરંતુ ધીરજ રાખી એણે એનો હિમતથી સામનો કરી મળેલ નિષ્ફળતાના પાયા ઉપર સફળતાની તોતિંગ ઈમારત રચી સોનેરી અક્ષરોમાં ઇતિહાસમાં પોતાનું નામ અમર કર્યું. આવી વ્યક્તિઓનું જીવન એ સાબિત કરે છે કે જીવન પ્રત્યેનો અભિગમ બદલીને અથાગ પ્રયત્નોથી હારને પણ જીતમાં ફેરવી શકાય છે.

એક કવિએ કહ્યું છે કે–

 મને મળી નિષ્ફળતાઓ અનેક આ જિંદગીમાં,

 તેથી આજે થયો સફળ કૈક જિંદગીમાં.

તમારું જીવન કેટલું મહત્વનું હોવું જોઈએ એ કોઈ સંજોગો કે શારીરિક ક્ષમતાની બાબત નથી પરંતુ તમારી પસંદગીની બાબત છે જેનાથી તમારી જિંદગીને તમે નવો ઓપ આપી શકો છો.મુશ્કેલીઓને વટાવીને સફળ જીવન જીવવાનો આનંદ અનેરો હોય છે.હિમતે મર્દા તો મદદે ખુદા. જિંદગીમાં નીચે પડવું એ ગુનો નથી પરંતુ નીચે પડ્યા પછી ઉભા ન થવું એ ગુનો છે.પોતાની જાળ રચતો કરોળિયો અનેકવાર નીચે પછડાય છે પણ ફરી જાળ રચવાનું શરુ કરી દે છે અને સુંદર મજાની જાળ રચીને જ જંપે છે. કોઈ પણ દુખ હોય કે સુખ હોય એ હંમેશાં કામચલાઉ હોય છે.દુઃખના સમયે તમે નાસીપાસ થાઓ , મેદાન છોડી ભાગી જાઓ તો દુખ તમારો પીછો કરતું જ રહે છે. આ વખતે જો તમારામાં ઊંડી ઈચ્છા શક્તિ,ધ્યેય પ્રાપ્તિ માટેની ધગશ, શિસ્ત અને કોઈ પણ ભોગ આપવાની તૈયારી જો સાબુત હોય તો પછી તમારે ગભરાવાની જરૂર નથી.

બીજા એક અજ્ઞાત કવિએ લાજવાબ કહ્યું છે કે-

તુમ આફતોસે ઇતને કયું ગભરાતે હો, ઉસી આફ્તોસે હમને ખુબ પાયા હૈ,

ખુશી ક્યા શીખાતી હમે જિંદગીકા મજા, અપને દુખોસે હી હમને ખુશી પાઈ હૈ.

જીવનમાં તમે ઈચ્છયું હોય એ બધું મળતું નથી અને જો બધું એમ સહેલાઈથી મળી જતું હોય તો પછી એ મેળવવા પાછળનો આનંદ ક્યાંથી મળી શકશે?તમારી મર્યાદાઓ માટે આભાર માનો કેમકે મર્યાદાઓ જ તમારી જાતમાં સુધારો કરવા માટેની તક પૂરી પાડે છે. જીવનનો દરેક પડકાર તમારામાં નવી શક્તિનું આરોપણ કરે છે અને તમારા ચારિત્ર્યનું ઘડતર કરે છે. તમારો વિકાસ શક્ય બનાવે છે.

 દરેક માણસની કાંટાઓ વચ્ચે ખીલેલા ગુલાબને જોવાની દ્રષ્ટિમાં ફેર હોય છે. કેટલાક માણસો માત્ર ગુલાબના છોડના કાંટાઓ તરફ જ નજર કરતા હોય છે જ્યારે કેટલાકની દ્રષ્ટિ કાંટાઓ વચ્ચે પણ ખીલેલા ગુલાબના પુષ્પની કોમળતા,સુંદરતા અને સુગંધ ઉપર સ્થિર હોય છે.જીવન પ્રત્યે સકારાત્મક વલણ ધરાવતો માણસ કોઈ પણ પ્રસંગ કે પરિસ્થિતીમાંથી કશુક સારું શોધી કાઢીને જીવનને સુખરૂપ બનાવે છે. જીવનની કોઈ પણ પ્રકારની વિષમતાઓ એને દુખી કરી શકતી નથી. જ્યારે નકારાત્મક વલણ ધરાવતો માણસ અનેક સુખો વચ્ચે પણ દુખી જણાય છે.જીવનને એક મહોત્સવ તરીકે માનીને અને માણીને જીવવું એજ પોતાના અસ્તિત્ત્વને કોઈ અર્થ પુરો પાડવાની ચાવી છે.

Rose-animation-2જીવનમાં કાંટાઓ વટાવીને જ ગુલાબના સુંદર ફૂલ સુધી પહોંચી શકાય છે. કાંટાઓ અને ગુલાબ બન્ને ઈશ્વરનું સર્જન છે. ગુલાબની ખુબસુરતી અને સુગંધ માણવા માટે કાંટાઓના ડંખ સહન કરવાની તૈયારી હોવી જરૂરી છે. સુખનાં ગુલાબો હંમેશાં મુશીબતોના કાંટાઓ વચ્ચે જ ખીલતાં હોય છે. કાંટાઓથી ગભરાયા વગર ગુલાબની સુંદરતા અને સુગંધને માણતા રહો અને આનંદપૂર્વક જીવનના રાહમાં આગળ ધપતા રહો.

– વિનોદ આર. પટેલ

_____________________________________________________________________ 

                                       જિંદગી એક દડા જેવી છે

 જીવન એક રમત જેવું છે જેમાં તમે પાંચ દડા એક સાથે હવામાં ઉછાળી રહ્યા હોવ છો , આ પાંચ દડા છે – કામ, કુટુંબ, સ્વાસ્થ્ય, મિત્રો અને તમારો પોતાનો આત્મા. જીવન રૂપી રમતમાં તમે આ પાંચ દડાને સતત હવામાં ઉછાળતા રહો છો.

 તમે અનુભવી શકશો કે કામ એ રબરના દડા જેવું છે.જો તમે તેને છોડી દેશો તો તે નીચે ભટકાઈને ફરી પાછું તમારી પાસે ઉછળી આવશે. પણ બીજા ચાર દડા – કુટુંબ, સ્વાસ્થ્ય ,મિત્રો અને તમારો આત્મા – એ કાચના બનેલા દડા જેવા છે.જો તમે એમાંનો એક પણ દડો છોડી દેશો ( કે તમારાથી પડી જશે ) તો ફરી ક્યારેય પોતાનું અખંડિત સ્વરૂપ ધારણ કરી શકશે નહી .તમારે આ હકીકત સમજી લેવી જોઈએ અને તમારા જીવનમાં સમતુલન સતત જાળવતાં શીખવું જોઈએ .

 જ્યારે જીવનમાં બધું સ્થિર થઇ ગયેલું જણાય અને નિરાશા તમને ઘેરી વળે …તમારી આંખો બંધ કરી દો અને એકી વખતે એક જ દિવસ જીવવાનું યાદ રાખો અને જુઓ કે જીવન કેવું બદલાઈ જાય છે ! તમે ફક્ત તમારી ભૂમિકા ભજવો અને તેને ( ઈશ્વરને )તેની ભૂમિકા ભજવવા દો . ઈશ્વર તમને કદી નિરાશ નહી કરે….

 બ્રાયન ડાયસન

(કોકોકોલા કમ્પનીના સી.ઈ.ઓ. નાં વક્તવ્યમાંથી સાભાર )

                                              THINK IT OVER

 “One of the most tragic things I know about human nature is that all of us tend to put off living. We are all dreaming of some magical rose garden over the horizon – instead of enjoying the roses blooming outside our windows today.”

 Dale Carnegie ( 1888-1955 )

 Author of How To Stop Worrying And Start Living

સફળ થવાનું રહસ્ય! કીડી જેવું મગજ કેળવો — એક પ્રેરણાદાયી લેખ.

kidi આજની આ એકવીસમી સદીમાં દરેક મનુષ્યનું સ્વપ્ન જીવનમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી એ હોય છે. આ વિષયમાં ઘણા લેખકોએ પોતાના ધૂમ વેચાતાં પુસ્તકોમાં ઘણું ઘણું લખ્યું છે.લોકો મોટી ફી ચૂકવીને અનેક સેમિનારોમાં સુખી થવાના નુસખા શીખવા માટે જતા હોય છે.

નીચેનો લેખ મારા એક મિત્રે મને ઈ-મેઈલમાં મોકલ્યો હતો. મને એ લેખ ખુબ ગમ્યો એટલે મારા બ્લોગના વાચકોને પણ વાંચવો પ્રેરણાદાયી થશે એમ લાગતાં આજની પોસ્ટમાં મુક્યો છે.

કોઈ અજ્ઞાત લેખકના નીચેના લેખમાં કીડી જેવું નાનું નાજુક પ્રાણી બુદ્ધિશાળી જણાતી મનુષ્ય જાતને જીન્દગી સારી રીતે જીવવા માટેનું રહસ્ય કેવી રીતે શીખવે છે એ સુંદર રીતે રજુ કરવામાં આવ્યું છે.

 વિનોદ  પટેલ   

________________________________________________________

સફળ થવાનું રહસ્ય ! કીડી જેવું મગજ કેળવો .                          

આપણે બધા હંમેશા સારા બનવા માટે મોટા લોકોનું અનુકરણ કરીએ છીએ. આપણે એમની સફળતાનું રહસ્ય જાણવા માટે હંમેશા ઉત્સુક હોઈએ છીએ. પરંતુ આપણે એ વસ્તુ ભૂલી જઈએ છીએ કે ઘણી વખત આપણને જીવનનો મોટામાં મોટો બોધપાઠ આપણી નજીકની સામાન્ય વ્યક્તિ કે વસ્તુ પાસેથી મળે છે. આવો બોધપાઠ હંમેશા યાદ રહી જાય છે. આપણે સામાન્ય કીડીનો જ દાખલો લઈએ તો તમને નવાઈ લાગશે કે આટલું નાનું પ્રાણી આપણને  જિંદગી વધુ સારી રીતે કેવી રીતે જીવી શકાય એ શીખવે છે. દુનિયાના પ્રખ્યાત અભીપ્રેરણાત્મક ગુરુ જીમ રોહને “કીડીની ફિલોસોફી” વિકસાવી છે. જિંદગી કેવી રીતે વધુ સારી રીતે જીવી શકાય તેને માટે તેણે કીડીની વર્તણુંક પરથી ચાર બોધપાઠનું સંશોધન કર્યું છે. જીમ રોહનતો આ દુનિયામાં નથી રહ્યા પરંતુ એમનો સંદેશો આપણને સુંદર પ્રેરણા આપે છે. જીમ રોહનની “કીડીની ફિલોસોફી”ના ચાર બોધપાઠ નીચે પ્રમાણે છે.

૧ – કીડી કોઈપણ દિવસ હાર નથી માનતી, હિંમત નથી હારતી કે ગમે તેવી તકલીફમાં મેદાન છોડીને ભાગી જવાની કોશિશ નથી કરતી. કીડીના ચાલવાના રસ્તામાં જો કોઈ અડચણ આવે તો કીડી શું કરે છે એ તો તમને ખબર જ હશે. કીડીના ચાલવાના માર્ગ વચ્ચે તમારી આંગળી આડી મૂકીદો તો કીડી આજુબાજુમાંથી રસ્તો શોધશે અથવા તો આંગળી ઉપર થઈને જવાની કોશિશ કરશે. એ સમયે એ ત્યાં કેડે હાથ મુકીને નિરાશ વદને ઉભી રહીને ટગર ટગર જોયા નથી કરતી. એ રસ્તો છોડીને પાછી નથી ફરતી. આપણે પણ જીવન વધુ સારી રીતે જીવવા માટે તેનું અનુકરણ કરવું જરૂરી છે. દરેકની જિંદગીમાં હંમેશા કોઈને કોઈ વિઘ્નતો આવવાના. પરંતુ આપણે આવા પડકારોને ઝીલી લઈને આપણું લક્ષ્ય સિદ્ધ કરવા માટે  હંમેશા કઈને કઈ પ્રયત્નો કરતા રહેવું જોઈએ, કોઈ બીજા ઉપાયો શોધવાના પ્રયત્નો કરવા જરૂરી છે. વિન્સ્ટન ચર્ચીલે એટલા માટે જ કહ્યું છે કે “Never give up. Never, never give up!”

૨ – કીડી આખા ઉનાળામાં શિયાળાનો વિચાર કરે છે. ઉનાળાની અધવચ્ચે કીડી શિયાળામાં જોઈતા ખોરાકની તૈયારીમાં લાગી જાય છે. કીડીને ખબર છે કે ઉનાળાનો સારો વખત હંમેશા માટે નથી રહેવાનો. ઉનાળા પછી શિયાળો આવવાનો જ છે. કીડીની આવી વર્તણુંક પરથી એક સુંદર બોધપાઠ શીખવાનો મળે છે. તમારો સારો વખત ચાલતો હોય ત્યારે એ હંમેશા સારો જ રહેશે એમ માનીને બીજા સાથે અહંકારી કે ઉદ્ધત થઈને વર્તવાની કોઈ જરૂર નથી. દરેકને સારા પછી ખરાબ કે ખરાબ પછી સારો વખત આવે જ છે. માટે દરેક સાથે સારી રીતે વર્તો અને ભવિષ્યની ચિંતા કરીને બચત કરો. હંમેશા ધ્યેય ઊંચું રાખો. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે સારો વખત હંમેશા માટે નથી રહેતો પરંતુ સારા માણસો હંમેશા તમારી સાથે રહેશે.

૩ – કીડી આખા ઉનાળામાં શિયાળાનો વિચાર કરે છે પણ કકડતી ઠંડીમાં કે સ્નોના તોફાન વખતે કીડી હંમેશા એજ વિચારતી હોય છે કે આ ઠંડી કે સ્નો થોડો વખત રહેશે પછી તો  ઉનાળો આવવાનો જ છે ને? ઉનાળાના સુર્યના કિરણોને જોઈને ખુશ ખુશ થઇને કીડી પોતાના દરમાંથી બહાર આવીને પોતાનું કામકાજ આનંદ ઉત્સાહથી શરુ કરે છે. જ્યારે આપણે ખુબ જ મુશ્કેલીઓ વચ્ચે ઘેરાઈ ગયા હોઈ એ અને એમાંથી ઉગારવાનો કોઈ રસ્તો જ નહિ દેખાતો હોય ત્યારે કીડીને યાદ કરજો. પોતાની જાતને કહેજો કે જેમ આ આપત્તિઓ આવી તેવી જ રીતે સુખ પણ આવશે. દુ:ખના આ કાળા ડીબાંગ વાદળો હંમેશને માટે નથી રહેવાના એ વિખેરાઈ જશે અને સુખનો સુર્ય ચોક્કસ બીજે દિવસે ઉગવાનો છે. ફક્ત જરૂર છે ધીરજની. આવા વખતે મહત્વની વસ્તુ છે તમારું વલણ, તમારો દ્રષ્ટિકોણ જે હંમેશા હકારાત્મક હોવો જરૂરી છે. કહેવત છે કે “ખરાબ વખત કાયમ માટે નથી રહેતો પણ ખરાબ માણસો કાયમ માટે ખરાબ જ રહે છે”.

૪ – કીડી શિયાળાનો ખોરાક ભેગો કરવા માટે પોતાનાથી બને એટલા બધાજ પ્રયત્નો કરે છે. કીડી શિયાળા માટે કેટલો ખોરાક ભેગો કરી શકે? તેનામાં જેટલી તાકાત હોય તેટલો. કામ કેટલું કરવું કે કરી શકો તે માટેનો આ એક સુંદર નૈતિક સિદ્ધાંત છે. તમારાથી બની શકે તેટલા પ્રયત્ન કરો. કીડી કોઈપણ દિવસ બીજી કીડીએ કેટલું ભેગું કર્યું તેની ચિંતા કરતી નથી. પોતાને એકલીનેજ કેમ આટલુ  બધું સખત કામ કરવું પડે છે? નથી તો તેના ઓછા પગાર ધોરણ વીશે ફરિયાદ કરતી. બસ, એ તો પોતાના કામમાં મશગુલ હોય છે. એ તો પોતાનાથી બને તેટલો ખોરાક ભેગો કરે છે. સુખ અને સફળતા તમે કરેલા ૧૦૦% પ્રયત્નો અને તેને માટે તમે તમારાથી બની શકે તેટલા કરેલા અથાગ પ્રયાસોનું પરિણામ છે.

જીમ રોહનની “કીડીની ફિલોસોફી”ના ચાર પગલાઓને અનુસરો અને એનો ચમત્કાર તમે પોતેજ જુઓ. કોઈપણ વખત પીછેહઠ નહિ કરો, હંમેશા સકારાત્મક વિચારો અને તમારાથી બને તેટલા પ્રયત્નો કરો.

આ ઉપરાંત કીડીના જીવનમાંથી બીજો પણ એક બોધપાઠ લેવા જેવો છે. તમને એ ખબર છે કે કીડી પોતાના વજન કરતા ૨૦ ઘણું વજન ઊંચકી શકે છે? હકીકતમાં તો આપણે પણ તેના જેવા જ છીએ. આપણે ધારીએ તેના કરતા પણ ઘણો અધિક બોજ વહન કરવાની આપણામાં શક્તિ છે. જયારે તમેં કોઈ ચિંતાના બોજાતળે દબાઈ ગયા હો અને તમને એમ લાગતું હોય કે તમારાથી એ ભાર નહિ ઝીલાય તો ગભરાઈ જવાની જગ્યાએ પેલી કીડીને યાદ કરો. તમને ત્યારે કીડી કરતા પોતાનો બોજો હલકો લાગશે. અરે, તમારી આજુબાજુ નજર કરો તો તમને તમારાથી પણ ઘણો જ વધારે બોજો કે દુ”ખ કે તકલીફો લઈને ફરતા લોકો જોવા મળશે.                                      

________________________________________________________

 એક પ્રેરણાત્મક પ્રાર્થના 

હે પ્રભુ, સંજોગો વિકટ હોય

ત્યારે સુંદર રીતે કેમ જીવવું તે મને શીખવ .

બધી બાબતો અવળી પડતી હોય ત્યારે

હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા તે મને શીખવ .

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય

ત્યારે મનની શાંતિ કેમ રાખવી તે મને શીખવ.

કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે

 ખંતથી તેમાં કેમ લાગ્યા રહેવું તે મને શીખવ .

પ્રલોભનો,પ્રશંસા ,ખુશામતની વચ્ચે

તટસ્થ કેમ રહેવું તે મને શીખવ.

મુશ્કેલીઓ ચારે બાજુથી ઘેરી વળે ,શ્રધ્ધા ડગુમગુ થઇ જાય ,

નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય ત્યારે

ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતિક્ષા કેમ કરવી તે મને શીખવ. 

કુન્દનિકા કાપડિઆ   

POINTS  TO  PONDER

“Your time is limited, so don’t waste it living someone else’s life.

Don’t be trapped by dogma – which is living with the results of other people’s thinking.

Don’t let the noise of other’s opinions drown out your own inner voice. And most important,

Have the courage to follow your heart and intuition.

They somehow already know what you truly want to become.

Everything else is secondary.” 

Steve Jobs

1955-2011, Co-Founder of Apple કમ્પ્યુટર

 

જિંદગીનો સાચો મર્મ

એક ડોક્ટર હતા. હંમેશા ખુશ રહે .એક દિવસ એક મિત્રે તેમને સવાલ કર્યો કે તું 

દરેક  સંજોગોમાં આટલો ખુશ કેવી રીતે રહી શકે છે?

ડોકટરે જવાબ આપ્યો કે મારી દવા ઉપરથી હું જિંદગી અંગે શીખ્યો છું.!

દવા ખાઈને નહી પણ દવા પાછળનું તાત્પર્ય સમજીને !

ડોકટરે મતલબ સમજાવ્યો કે આપણા મોઢામાં ચોકલેટ હોય તો આપણે મમળાવ્યા

કરીએ છીએ અને દવાની કડવી ગોળી જો હોય તો એને ફટ દઇને ગળેથી નીચે ઉતારી દઈએ 

છીએ. બસ, આવું જ જિંદગીનું છે. ખરાબ ઘટના હોય તેને ગળાથી નીચે

ઉતારી નાખવાની અને મઝા આવે    

એવું હોય એને બસ મોઢામાં મોજથી મમળાવ્યા  કરવાનું !.  

   — અજ્ઞાત            

 

 

 

 

 

 

 

જે કંઇ થતું હશે તે સારા માટે જ હશે ! (એક બોધ કથા )

 

આફ્રિકાના એક રાજ્યના રાજા અને તેના એક જીગરજાન મિત્ર ની આ વાત છે. આ રાજા અને

તેનો મિત્ર નાનપણથી જ સાથે ઉછરેલા, રમેલા અને મોટા થએલા. તેઓ બન્ને હંમેશાં દિવસનો

મોટા ભાગનો સમય સાથે રહીને જ વિતાવતા હતા. રાજાના આ મિત્રને એક એવી વિચિત્ર ટેવ

હતી કે દિવસ દરમ્યાન જે કોઈ બનાવ બને ,સારો કે નરસો , તો તરત બોલી ઉઠતો “જે કંઈ

થાય છે તે સારા માટે. “ જો કઈંક ખોટું બન્યું હોય તો પણ  હમેશાં એ જ શબ્દોનો ઉપયોગ કરે.

એક દિવસ રાજા અને એનો આ મિત્ર સાથે જંગલમાં શિકાર કરવા ગયા.મિત્ર રાજાની બદુકમાં

દારૂગોળો વગેરે નાખીને તૈયાર કરીને બંદુક શિકાર કરવા રાજાને આપે અને રાજા શિકાર કરે.

એવામાં એવું બન્યું કે મિત્રને બંદુક તૈયાર કરવામાં કઈંક ભૂલ રહી ગઈ હોય કે ગમે તે હોય,

જ્યારે રાજાએ શિકાર તરફ બંદુક તાકી એની ચોંપ દબાવી કે અકસ્માતે એના હાથનો અંગુઠો

કપાઈને છુટો પડી ગયો અને પીડાથી રાજા નીચે બેસી ગયો.એનો મિત્ર એની હમેશની ટેવ

મુજબ બોલી ઉઠ્યો “ જે કઈ થાય છે તે સારા માટે. “દુઃખમાં પીડાતા રાજાએ જ્યારે એના

મિત્રના આ શબ્દો સાંભળ્યા ત્યારે ખુબ જ ગુસ્સાપૂર્વક બોલી ઉઠ્યો “મારા હાથનો અંગુઠો

કપાઈને જુદો થઇ નીચે પડ્યો છે ને તું કહે છે એ સારું થયું! “રાજાએ એના મિત્રની આ

ગુસ્તાખીની સજા રૂપે એની મિત્રતાને ભૂલી જઈને એને જેલમાં પૂરી દીધો.  

આ બનાવને પાંચેક મહિના વિત્યા પછી એક વખત રાજા શિકાર કરવા જ્યારે જંગલમાં

ગયો ત્યારે શિકારના પ્રાણીનો પીછો કરતાં કરતાં ઘણો દુર નીકળી ગયો. એ જાણતો ન

હતો કે એ જંગલના જે વિસ્તારમાં આવી પહોંચ્યો હતો ત્યાં મનુષ્યભક્ષી આદિવાસીઓની

વસાહત હતી.આવા કેટલાક આદિવાસીઓએ રાજાને જોયો અને દોડીને એને પકડી અને

ઘાસના વેલાઓથી બરાબર બાંધીને એમની વસાહતમાં લઇ ગયા.એ રાતે આ મનુષ્યભક્ષી

આદિવાસીઓની વસાહતની બધી જ વસ્તી જાણે મોટો ઉત્સવ હોય એમ ભેગી થઇ ગઈ

અને નાચગાન કરવા લાગી.રાજાના માંસને પકવવા માટે રાજાની આંખે પાટો બાંધીને,

લાકડાનો ઢગલો જ્યાં કર્યો હતો ત્યાં લઇ ગયા.લાકડાં ઉપર રાજાને સુવાડીને આદિવાસીઓ

જ્યાં અગ્નિ ચાંપવા જતા હતા ત્યાં એક આદિવાસીની નજર રાજાના કપાએલા અંગુઠા પર

પડી. હવે આ આદિવાસીઓમાં જુના વખતથી એવી માન્યતા અને રૂઢી ચાલી આવતી હતી

કે જે માણસના શરીરનું કોઈ અંગ ખંડિત થયેલું હોય એવા માણસનું માંસ એમને ખાવા માટે

વર્જ્ય ગણાય. રાજાના હાથનો અંગુઠો પહેલાંથી જ ક્પાએલો હતો તેથી એમના રીવાજ અનુસાર

એનું માંસ એમનાથી ખાઈ ન શકાય. આ કારણથી એ લોકોએ રાજાને બંધનમુક્ત કર્યો અને

એને  જવા દીધો.

રાજા ખુશ થતો પોતાના રાજમહેલમાં પરત આવ્યો.જેલમાં પૂરેલ એના મિત્રની એને અચાનક

યાદ આવી અને એનો અંગુઠો જ્યારે કપાયો હતો ત્યારે એણે ઉચ્ચારેલા શબ્દો “જે કંઈ થયું તે

સારા માટે “યાદ આવ્યા.પોતાના આ મિત્રને જેલમાં પૂરી સજા કરવા બદલ એને ખુબ પસ્તાવો

થયો.રાજા જાતે જેલમાં જઈ મિત્રને જેલમુક્ત કરી ભેટી પડ્યો.રાજાએ આદિવાસી વસાહતમાં જે

કંઈ બન્યુ હતું એની મિત્રને વાત કરતાં કરતાં કહેવા લાગ્યો કે “મિત્ર તારા શબ્દો સાચા હતા કે

મારો અંગુઠો કપાયો તે સારું થયું.જો મારો અંગુઠો કપાયો ન હોત તો આદિવાસીઓએ મને

જીવતો જ સળગાવી દીધો હોત.તને ગુસ્સામાં જેલમાં ગાંધી રાખ્યો એ બહું જ ખોટું થયું . મને

માફ કર. મારે એવું કરવું જોઈતુ ન હતું”. રાજાના આ શબ્દો સાંભળીને એનો મિત્ર હસવા લાગ્યો

અને બોલ્યો “મને જેલમાં તમે પૂર્યો એ ખોટું નહી પણ બહુ જ સારું થયું ,જે કઈ થાય તે સારા

માટે. “રાજાને આ સાંભળી આશ્ચર્ય થયું અને મિત્રને પૂછ્યું “મને ખબર ન પડી કે તને મેં

જેલમાં પૂર્યો એ સારું કેવી રીતે થયું કહેવાય ?”મિત્રે ખુલાસો કરતાં રાજાને કહ્યું “જો હું જેલમાં

પુરાએલો ન હોત તો હંમેશ મુજબ શિકાર કરતી વખતે હું તમારી સાથે હોત અને તમારી સાથે

મને પણ આદિવાસીઓ પકડીને લઇ ગયા હોત.તમારો ક્પાએલો અંગુઠો જોઈને એ

મનુષ્યભક્ષી આદિવાસીઓ તમને તો છોડી દેત પણ મને તો તેઓએ જીવતો જ સળગાવી

દીધો હોત. બોલો હું જેલમાં હતો એ સારું થયું કહેવાય કે ન કહેવાય !”  

આ સાંભળી રાજાએ કાનની બુટ પકડી અને મિત્રને જીવનમાં બનતા ખરાબ બનાવો પ્રત્યે પણ

સકારાત્મક રીતે જોવાની એની અનોખી દ્રષ્ટિ માટે ધન્યવાદ આપ્યા. 

આ કથામાંથી બોધ એ લેવાનો છે કે આપણો મિત્ર હોય કે અન્ય કોઈ સ્નેહી હોય એના વિચારોકે અભિપ્રાયોની કદર કરવી,એને ઉતારી ન પાડવો. એના વિષે કદી વિચાર કર્યા વગર ઉતાવળો નિર્ણય લેવો ન જોઈએ અને ગુસ્સામાં તો કદી એ નહીં. બીજું, જીવનમાં સારા તેમ જ ખરાબ પ્રસંગો બનતા રહે છે. જ્યારે કંઈક ખરાબ બને ત્યારે નાસીપાસ ન થવું. કદી આશાવાદ ન ગુમાવવો. સકારાત્મક દ્રષ્ટિથી વિચારવું . હૃદયની અટલ શ્રદ્ધા અને વિશ્વાસ ગુમાવવો ન જોઈએ કે એ બનવા પાછળ  નિયતિનો કઈંક બીજો આશય પણ હોઈ શકે. આ જગતના તારણહાર પરમકૃપાળુ પરમાત્મા કંઈ કરતા હશે એ કદાચ સારા માટે જ હશે એવી મનમાં શ્રધ્ધા કાયમ રાખવી. 

                                                       ——- વિનોદ આર. પટેલ   

___________________________________________________________________________________

                                                             શાશ્વત સૂત્ર 

જે કાંઈ થાય તે થવા દેવું.

ન  ઉદાસીન કે ન અનુદ્યમી થવું.

ન પરમાત્મા પ્રત્યે પણઈચ્છા કરવી, કે ન મુઝાવું.

શું થશે ? એવો વિચાર કરવો નહીં, અને જે થાય તે કર્યા કરવું .

મુશ્કેલીમાં અધિક ઝાવાં નાખવા પ્રયત્ન કરવો નહીં .

અલ્પ પણ  ભય રાખવો નહીં,સભાન’-જાગૃત રહેવું.

ઉપાધિ વખતે જેમ બને તેમ નિઃશંકપણે રહી ઉદ્યમ કરવો.

કેમ થશે? એવો વિચાર મૂકી દેવો.

યોગ્ય ઉપાયથી પ્રવર્તવું,પણ ઉદ્વેગવાળું ચિત્ત ન રાખવું.

જ્યાં ઉપાય નહીં, ત્યાં ખેદ કરવો યોગ્ય નથી જ . 

શ્રીમદ્ રાજચંદ્ર