વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 1, 2011

જે કંઇ થતું હશે તે સારા માટે જ હશે ! (એક બોધ કથા )

 

આફ્રિકાના એક રાજ્યના રાજા અને તેના એક જીગરજાન મિત્ર ની આ વાત છે. આ રાજા અને

તેનો મિત્ર નાનપણથી જ સાથે ઉછરેલા, રમેલા અને મોટા થએલા. તેઓ બન્ને હંમેશાં દિવસનો

મોટા ભાગનો સમય સાથે રહીને જ વિતાવતા હતા. રાજાના આ મિત્રને એક એવી વિચિત્ર ટેવ

હતી કે દિવસ દરમ્યાન જે કોઈ બનાવ બને ,સારો કે નરસો , તો તરત બોલી ઉઠતો “જે કંઈ

થાય છે તે સારા માટે. “ જો કઈંક ખોટું બન્યું હોય તો પણ  હમેશાં એ જ શબ્દોનો ઉપયોગ કરે.

એક દિવસ રાજા અને એનો આ મિત્ર સાથે જંગલમાં શિકાર કરવા ગયા.મિત્ર રાજાની બદુકમાં

દારૂગોળો વગેરે નાખીને તૈયાર કરીને બંદુક શિકાર કરવા રાજાને આપે અને રાજા શિકાર કરે.

એવામાં એવું બન્યું કે મિત્રને બંદુક તૈયાર કરવામાં કઈંક ભૂલ રહી ગઈ હોય કે ગમે તે હોય,

જ્યારે રાજાએ શિકાર તરફ બંદુક તાકી એની ચોંપ દબાવી કે અકસ્માતે એના હાથનો અંગુઠો

કપાઈને છુટો પડી ગયો અને પીડાથી રાજા નીચે બેસી ગયો.એનો મિત્ર એની હમેશની ટેવ

મુજબ બોલી ઉઠ્યો “ જે કઈ થાય છે તે સારા માટે. “દુઃખમાં પીડાતા રાજાએ જ્યારે એના

મિત્રના આ શબ્દો સાંભળ્યા ત્યારે ખુબ જ ગુસ્સાપૂર્વક બોલી ઉઠ્યો “મારા હાથનો અંગુઠો

કપાઈને જુદો થઇ નીચે પડ્યો છે ને તું કહે છે એ સારું થયું! “રાજાએ એના મિત્રની આ

ગુસ્તાખીની સજા રૂપે એની મિત્રતાને ભૂલી જઈને એને જેલમાં પૂરી દીધો.  

આ બનાવને પાંચેક મહિના વિત્યા પછી એક વખત રાજા શિકાર કરવા જ્યારે જંગલમાં

ગયો ત્યારે શિકારના પ્રાણીનો પીછો કરતાં કરતાં ઘણો દુર નીકળી ગયો. એ જાણતો ન

હતો કે એ જંગલના જે વિસ્તારમાં આવી પહોંચ્યો હતો ત્યાં મનુષ્યભક્ષી આદિવાસીઓની

વસાહત હતી.આવા કેટલાક આદિવાસીઓએ રાજાને જોયો અને દોડીને એને પકડી અને

ઘાસના વેલાઓથી બરાબર બાંધીને એમની વસાહતમાં લઇ ગયા.એ રાતે આ મનુષ્યભક્ષી

આદિવાસીઓની વસાહતની બધી જ વસ્તી જાણે મોટો ઉત્સવ હોય એમ ભેગી થઇ ગઈ

અને નાચગાન કરવા લાગી.રાજાના માંસને પકવવા માટે રાજાની આંખે પાટો બાંધીને,

લાકડાનો ઢગલો જ્યાં કર્યો હતો ત્યાં લઇ ગયા.લાકડાં ઉપર રાજાને સુવાડીને આદિવાસીઓ

જ્યાં અગ્નિ ચાંપવા જતા હતા ત્યાં એક આદિવાસીની નજર રાજાના કપાએલા અંગુઠા પર

પડી. હવે આ આદિવાસીઓમાં જુના વખતથી એવી માન્યતા અને રૂઢી ચાલી આવતી હતી

કે જે માણસના શરીરનું કોઈ અંગ ખંડિત થયેલું હોય એવા માણસનું માંસ એમને ખાવા માટે

વર્જ્ય ગણાય. રાજાના હાથનો અંગુઠો પહેલાંથી જ ક્પાએલો હતો તેથી એમના રીવાજ અનુસાર

એનું માંસ એમનાથી ખાઈ ન શકાય. આ કારણથી એ લોકોએ રાજાને બંધનમુક્ત કર્યો અને

એને  જવા દીધો.

રાજા ખુશ થતો પોતાના રાજમહેલમાં પરત આવ્યો.જેલમાં પૂરેલ એના મિત્રની એને અચાનક

યાદ આવી અને એનો અંગુઠો જ્યારે કપાયો હતો ત્યારે એણે ઉચ્ચારેલા શબ્દો “જે કંઈ થયું તે

સારા માટે “યાદ આવ્યા.પોતાના આ મિત્રને જેલમાં પૂરી સજા કરવા બદલ એને ખુબ પસ્તાવો

થયો.રાજા જાતે જેલમાં જઈ મિત્રને જેલમુક્ત કરી ભેટી પડ્યો.રાજાએ આદિવાસી વસાહતમાં જે

કંઈ બન્યુ હતું એની મિત્રને વાત કરતાં કરતાં કહેવા લાગ્યો કે “મિત્ર તારા શબ્દો સાચા હતા કે

મારો અંગુઠો કપાયો તે સારું થયું.જો મારો અંગુઠો કપાયો ન હોત તો આદિવાસીઓએ મને

જીવતો જ સળગાવી દીધો હોત.તને ગુસ્સામાં જેલમાં ગાંધી રાખ્યો એ બહું જ ખોટું થયું . મને

માફ કર. મારે એવું કરવું જોઈતુ ન હતું”. રાજાના આ શબ્દો સાંભળીને એનો મિત્ર હસવા લાગ્યો

અને બોલ્યો “મને જેલમાં તમે પૂર્યો એ ખોટું નહી પણ બહુ જ સારું થયું ,જે કઈ થાય તે સારા

માટે. “રાજાને આ સાંભળી આશ્ચર્ય થયું અને મિત્રને પૂછ્યું “મને ખબર ન પડી કે તને મેં

જેલમાં પૂર્યો એ સારું કેવી રીતે થયું કહેવાય ?”મિત્રે ખુલાસો કરતાં રાજાને કહ્યું “જો હું જેલમાં

પુરાએલો ન હોત તો હંમેશ મુજબ શિકાર કરતી વખતે હું તમારી સાથે હોત અને તમારી સાથે

મને પણ આદિવાસીઓ પકડીને લઇ ગયા હોત.તમારો ક્પાએલો અંગુઠો જોઈને એ

મનુષ્યભક્ષી આદિવાસીઓ તમને તો છોડી દેત પણ મને તો તેઓએ જીવતો જ સળગાવી

દીધો હોત. બોલો હું જેલમાં હતો એ સારું થયું કહેવાય કે ન કહેવાય !”  

આ સાંભળી રાજાએ કાનની બુટ પકડી અને મિત્રને જીવનમાં બનતા ખરાબ બનાવો પ્રત્યે પણ

સકારાત્મક રીતે જોવાની એની અનોખી દ્રષ્ટિ માટે ધન્યવાદ આપ્યા. 

આ કથામાંથી બોધ એ લેવાનો છે કે આપણો મિત્ર હોય કે અન્ય કોઈ સ્નેહી હોય એના વિચારોકે અભિપ્રાયોની કદર કરવી,એને ઉતારી ન પાડવો. એના વિષે કદી વિચાર કર્યા વગર ઉતાવળો નિર્ણય લેવો ન જોઈએ અને ગુસ્સામાં તો કદી એ નહીં. બીજું, જીવનમાં સારા તેમ જ ખરાબ પ્રસંગો બનતા રહે છે. જ્યારે કંઈક ખરાબ બને ત્યારે નાસીપાસ ન થવું. કદી આશાવાદ ન ગુમાવવો. સકારાત્મક દ્રષ્ટિથી વિચારવું . હૃદયની અટલ શ્રદ્ધા અને વિશ્વાસ ગુમાવવો ન જોઈએ કે એ બનવા પાછળ  નિયતિનો કઈંક બીજો આશય પણ હોઈ શકે. આ જગતના તારણહાર પરમકૃપાળુ પરમાત્મા કંઈ કરતા હશે એ કદાચ સારા માટે જ હશે એવી મનમાં શ્રધ્ધા કાયમ રાખવી. 

                                                       ——- વિનોદ આર. પટેલ   

___________________________________________________________________________________

                                                             શાશ્વત સૂત્ર 

જે કાંઈ થાય તે થવા દેવું.

ન  ઉદાસીન કે ન અનુદ્યમી થવું.

ન પરમાત્મા પ્રત્યે પણઈચ્છા કરવી, કે ન મુઝાવું.

શું થશે ? એવો વિચાર કરવો નહીં, અને જે થાય તે કર્યા કરવું .

મુશ્કેલીમાં અધિક ઝાવાં નાખવા પ્રયત્ન કરવો નહીં .

અલ્પ પણ  ભય રાખવો નહીં,સભાન’-જાગૃત રહેવું.

ઉપાધિ વખતે જેમ બને તેમ નિઃશંકપણે રહી ઉદ્યમ કરવો.

કેમ થશે? એવો વિચાર મૂકી દેવો.

યોગ્ય ઉપાયથી પ્રવર્તવું,પણ ઉદ્વેગવાળું ચિત્ત ન રાખવું.

જ્યાં ઉપાય નહીં, ત્યાં ખેદ કરવો યોગ્ય નથી જ . 

શ્રીમદ્ રાજચંદ્ર