વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

સફળ થવાનું રહસ્ય! કીડી જેવું મગજ કેળવો — એક પ્રેરણાદાયી લેખ.

kidi આજની આ એકવીસમી સદીમાં દરેક મનુષ્યનું સ્વપ્ન જીવનમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી એ હોય છે. આ વિષયમાં ઘણા લેખકોએ પોતાના ધૂમ વેચાતાં પુસ્તકોમાં ઘણું ઘણું લખ્યું છે.લોકો મોટી ફી ચૂકવીને અનેક સેમિનારોમાં સુખી થવાના નુસખા શીખવા માટે જતા હોય છે.

નીચેનો લેખ મારા એક મિત્રે મને ઈ-મેઈલમાં મોકલ્યો હતો. મને એ લેખ ખુબ ગમ્યો એટલે મારા બ્લોગના વાચકોને પણ વાંચવો પ્રેરણાદાયી થશે એમ લાગતાં આજની પોસ્ટમાં મુક્યો છે.

કોઈ અજ્ઞાત લેખકના નીચેના લેખમાં કીડી જેવું નાનું નાજુક પ્રાણી બુદ્ધિશાળી જણાતી મનુષ્ય જાતને જીન્દગી સારી રીતે જીવવા માટેનું રહસ્ય કેવી રીતે શીખવે છે એ સુંદર રીતે રજુ કરવામાં આવ્યું છે.

 વિનોદ  પટેલ   

________________________________________________________

સફળ થવાનું રહસ્ય ! કીડી જેવું મગજ કેળવો .                          

આપણે બધા હંમેશા સારા બનવા માટે મોટા લોકોનું અનુકરણ કરીએ છીએ. આપણે એમની સફળતાનું રહસ્ય જાણવા માટે હંમેશા ઉત્સુક હોઈએ છીએ. પરંતુ આપણે એ વસ્તુ ભૂલી જઈએ છીએ કે ઘણી વખત આપણને જીવનનો મોટામાં મોટો બોધપાઠ આપણી નજીકની સામાન્ય વ્યક્તિ કે વસ્તુ પાસેથી મળે છે. આવો બોધપાઠ હંમેશા યાદ રહી જાય છે. આપણે સામાન્ય કીડીનો જ દાખલો લઈએ તો તમને નવાઈ લાગશે કે આટલું નાનું પ્રાણી આપણને  જિંદગી વધુ સારી રીતે કેવી રીતે જીવી શકાય એ શીખવે છે. દુનિયાના પ્રખ્યાત અભીપ્રેરણાત્મક ગુરુ જીમ રોહને “કીડીની ફિલોસોફી” વિકસાવી છે. જિંદગી કેવી રીતે વધુ સારી રીતે જીવી શકાય તેને માટે તેણે કીડીની વર્તણુંક પરથી ચાર બોધપાઠનું સંશોધન કર્યું છે. જીમ રોહનતો આ દુનિયામાં નથી રહ્યા પરંતુ એમનો સંદેશો આપણને સુંદર પ્રેરણા આપે છે. જીમ રોહનની “કીડીની ફિલોસોફી”ના ચાર બોધપાઠ નીચે પ્રમાણે છે.

૧ – કીડી કોઈપણ દિવસ હાર નથી માનતી, હિંમત નથી હારતી કે ગમે તેવી તકલીફમાં મેદાન છોડીને ભાગી જવાની કોશિશ નથી કરતી. કીડીના ચાલવાના રસ્તામાં જો કોઈ અડચણ આવે તો કીડી શું કરે છે એ તો તમને ખબર જ હશે. કીડીના ચાલવાના માર્ગ વચ્ચે તમારી આંગળી આડી મૂકીદો તો કીડી આજુબાજુમાંથી રસ્તો શોધશે અથવા તો આંગળી ઉપર થઈને જવાની કોશિશ કરશે. એ સમયે એ ત્યાં કેડે હાથ મુકીને નિરાશ વદને ઉભી રહીને ટગર ટગર જોયા નથી કરતી. એ રસ્તો છોડીને પાછી નથી ફરતી. આપણે પણ જીવન વધુ સારી રીતે જીવવા માટે તેનું અનુકરણ કરવું જરૂરી છે. દરેકની જિંદગીમાં હંમેશા કોઈને કોઈ વિઘ્નતો આવવાના. પરંતુ આપણે આવા પડકારોને ઝીલી લઈને આપણું લક્ષ્ય સિદ્ધ કરવા માટે  હંમેશા કઈને કઈ પ્રયત્નો કરતા રહેવું જોઈએ, કોઈ બીજા ઉપાયો શોધવાના પ્રયત્નો કરવા જરૂરી છે. વિન્સ્ટન ચર્ચીલે એટલા માટે જ કહ્યું છે કે “Never give up. Never, never give up!”

૨ – કીડી આખા ઉનાળામાં શિયાળાનો વિચાર કરે છે. ઉનાળાની અધવચ્ચે કીડી શિયાળામાં જોઈતા ખોરાકની તૈયારીમાં લાગી જાય છે. કીડીને ખબર છે કે ઉનાળાનો સારો વખત હંમેશા માટે નથી રહેવાનો. ઉનાળા પછી શિયાળો આવવાનો જ છે. કીડીની આવી વર્તણુંક પરથી એક સુંદર બોધપાઠ શીખવાનો મળે છે. તમારો સારો વખત ચાલતો હોય ત્યારે એ હંમેશા સારો જ રહેશે એમ માનીને બીજા સાથે અહંકારી કે ઉદ્ધત થઈને વર્તવાની કોઈ જરૂર નથી. દરેકને સારા પછી ખરાબ કે ખરાબ પછી સારો વખત આવે જ છે. માટે દરેક સાથે સારી રીતે વર્તો અને ભવિષ્યની ચિંતા કરીને બચત કરો. હંમેશા ધ્યેય ઊંચું રાખો. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે સારો વખત હંમેશા માટે નથી રહેતો પરંતુ સારા માણસો હંમેશા તમારી સાથે રહેશે.

૩ – કીડી આખા ઉનાળામાં શિયાળાનો વિચાર કરે છે પણ કકડતી ઠંડીમાં કે સ્નોના તોફાન વખતે કીડી હંમેશા એજ વિચારતી હોય છે કે આ ઠંડી કે સ્નો થોડો વખત રહેશે પછી તો  ઉનાળો આવવાનો જ છે ને? ઉનાળાના સુર્યના કિરણોને જોઈને ખુશ ખુશ થઇને કીડી પોતાના દરમાંથી બહાર આવીને પોતાનું કામકાજ આનંદ ઉત્સાહથી શરુ કરે છે. જ્યારે આપણે ખુબ જ મુશ્કેલીઓ વચ્ચે ઘેરાઈ ગયા હોઈ એ અને એમાંથી ઉગારવાનો કોઈ રસ્તો જ નહિ દેખાતો હોય ત્યારે કીડીને યાદ કરજો. પોતાની જાતને કહેજો કે જેમ આ આપત્તિઓ આવી તેવી જ રીતે સુખ પણ આવશે. દુ:ખના આ કાળા ડીબાંગ વાદળો હંમેશને માટે નથી રહેવાના એ વિખેરાઈ જશે અને સુખનો સુર્ય ચોક્કસ બીજે દિવસે ઉગવાનો છે. ફક્ત જરૂર છે ધીરજની. આવા વખતે મહત્વની વસ્તુ છે તમારું વલણ, તમારો દ્રષ્ટિકોણ જે હંમેશા હકારાત્મક હોવો જરૂરી છે. કહેવત છે કે “ખરાબ વખત કાયમ માટે નથી રહેતો પણ ખરાબ માણસો કાયમ માટે ખરાબ જ રહે છે”.

૪ – કીડી શિયાળાનો ખોરાક ભેગો કરવા માટે પોતાનાથી બને એટલા બધાજ પ્રયત્નો કરે છે. કીડી શિયાળા માટે કેટલો ખોરાક ભેગો કરી શકે? તેનામાં જેટલી તાકાત હોય તેટલો. કામ કેટલું કરવું કે કરી શકો તે માટેનો આ એક સુંદર નૈતિક સિદ્ધાંત છે. તમારાથી બની શકે તેટલા પ્રયત્ન કરો. કીડી કોઈપણ દિવસ બીજી કીડીએ કેટલું ભેગું કર્યું તેની ચિંતા કરતી નથી. પોતાને એકલીનેજ કેમ આટલુ  બધું સખત કામ કરવું પડે છે? નથી તો તેના ઓછા પગાર ધોરણ વીશે ફરિયાદ કરતી. બસ, એ તો પોતાના કામમાં મશગુલ હોય છે. એ તો પોતાનાથી બને તેટલો ખોરાક ભેગો કરે છે. સુખ અને સફળતા તમે કરેલા ૧૦૦% પ્રયત્નો અને તેને માટે તમે તમારાથી બની શકે તેટલા કરેલા અથાગ પ્રયાસોનું પરિણામ છે.

જીમ રોહનની “કીડીની ફિલોસોફી”ના ચાર પગલાઓને અનુસરો અને એનો ચમત્કાર તમે પોતેજ જુઓ. કોઈપણ વખત પીછેહઠ નહિ કરો, હંમેશા સકારાત્મક વિચારો અને તમારાથી બને તેટલા પ્રયત્નો કરો.

આ ઉપરાંત કીડીના જીવનમાંથી બીજો પણ એક બોધપાઠ લેવા જેવો છે. તમને એ ખબર છે કે કીડી પોતાના વજન કરતા ૨૦ ઘણું વજન ઊંચકી શકે છે? હકીકતમાં તો આપણે પણ તેના જેવા જ છીએ. આપણે ધારીએ તેના કરતા પણ ઘણો અધિક બોજ વહન કરવાની આપણામાં શક્તિ છે. જયારે તમેં કોઈ ચિંતાના બોજાતળે દબાઈ ગયા હો અને તમને એમ લાગતું હોય કે તમારાથી એ ભાર નહિ ઝીલાય તો ગભરાઈ જવાની જગ્યાએ પેલી કીડીને યાદ કરો. તમને ત્યારે કીડી કરતા પોતાનો બોજો હલકો લાગશે. અરે, તમારી આજુબાજુ નજર કરો તો તમને તમારાથી પણ ઘણો જ વધારે બોજો કે દુ”ખ કે તકલીફો લઈને ફરતા લોકો જોવા મળશે.                                      

________________________________________________________

 એક પ્રેરણાત્મક પ્રાર્થના 

હે પ્રભુ, સંજોગો વિકટ હોય

ત્યારે સુંદર રીતે કેમ જીવવું તે મને શીખવ .

બધી બાબતો અવળી પડતી હોય ત્યારે

હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા તે મને શીખવ .

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય

ત્યારે મનની શાંતિ કેમ રાખવી તે મને શીખવ.

કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે

 ખંતથી તેમાં કેમ લાગ્યા રહેવું તે મને શીખવ .

પ્રલોભનો,પ્રશંસા ,ખુશામતની વચ્ચે

તટસ્થ કેમ રહેવું તે મને શીખવ.

મુશ્કેલીઓ ચારે બાજુથી ઘેરી વળે ,શ્રધ્ધા ડગુમગુ થઇ જાય ,

નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય ત્યારે

ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતિક્ષા કેમ કરવી તે મને શીખવ. 

કુન્દનિકા કાપડિઆ   

POINTS  TO  PONDER

“Your time is limited, so don’t waste it living someone else’s life.

Don’t be trapped by dogma – which is living with the results of other people’s thinking.

Don’t let the noise of other’s opinions drown out your own inner voice. And most important,

Have the courage to follow your heart and intuition.

They somehow already know what you truly want to become.

Everything else is secondary.” 

Steve Jobs

1955-2011, Co-Founder of Apple કમ્પ્યુટર

 

જિંદગીનો સાચો મર્મ

એક ડોક્ટર હતા. હંમેશા ખુશ રહે .એક દિવસ એક મિત્રે તેમને સવાલ કર્યો કે તું 

દરેક  સંજોગોમાં આટલો ખુશ કેવી રીતે રહી શકે છે?

ડોકટરે જવાબ આપ્યો કે મારી દવા ઉપરથી હું જિંદગી અંગે શીખ્યો છું.!

દવા ખાઈને નહી પણ દવા પાછળનું તાત્પર્ય સમજીને !

ડોકટરે મતલબ સમજાવ્યો કે આપણા મોઢામાં ચોકલેટ હોય તો આપણે મમળાવ્યા

કરીએ છીએ અને દવાની કડવી ગોળી જો હોય તો એને ફટ દઇને ગળેથી નીચે ઉતારી દઈએ 

છીએ. બસ, આવું જ જિંદગીનું છે. ખરાબ ઘટના હોય તેને ગળાથી નીચે

ઉતારી નાખવાની અને મઝા આવે    

એવું હોય એને બસ મોઢામાં મોજથી મમળાવ્યા  કરવાનું !.  

   — અજ્ઞાત            

 

 

 

 

 

 

 

4 responses to “સફળ થવાનું રહસ્ય! કીડી જેવું મગજ કેળવો — એક પ્રેરણાદાયી લેખ.

  1. kuldip domdiya જાન્યુઆરી 20, 2014 પર 10:02 પી એમ(PM)

    યાદ રાખવા શું કરવુ જોઇએ

    Like

  2. બારીઆ કિતીકુમાર આર સપ્ટેમ્બર 15, 2019 પર 9:19 પી એમ(PM)

    સુદર પ્રેરણા રૂપ વતૉ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: