વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 14, 2011

સાચો પ્રેમ કદી ઘરડો થતો નથી ભાવાનુવાદ- વિનોદ આર. પટેલ

આપણા મિત્રો કે સ્નેહીજનો તરફથી આપણને ઈ-મેલ પ્રાપ્ત થતા હોય છે તેમાં ઘણીવાર તેઓ એમને ગમેલ કોઈ લેખ,વાર્તા,કાવ્ય, સુવિચારો, વિગેરે અંગ્રેજી કે ગુજરાતી ભાષાની જાણવાલાયક માહિતી વિગેરે વાંચવા માટે મોકલી આપે છે. આમાં કોઈ કોઈવાર આપણા જીવન માટે કોઈ ગહન સંદેશ રજુ કરતી વાર્તાઓ પણ મળતી હોય છે. 

આજની પોસ્ટમાં ઈ-મેલમાં પ્રાપ્ત થયેલી આવી બે ચિંતનીય વાર્તાઓ મૂકી છે. 

આમાં પહેલી વાર્તા- સાચો પ્રેમ કદી ઘરડો થતો નથી એ મૂળ અંગ્રેજી ભાષાની વાર્તાનો ભાવાનુવાદ કરી મારી શૈલીમાં એને ટૂંકી વાર્તાનું સ્વરૂપ આપીને રજુ કરી છે.જેને મૂળ અંગ્રેજીમાં વાર્તા THE RAIN વાંચવી હોય તેઓ ગુજરાતી વાર્તાની નીચે દર્શાવેલ લીંક ઉપર ક્લિક કરી, ફાઈલ ઓપન કરીને વાંચી શકશે. 

બીજી વાર્તા મને ટીવી બનાવી દો મને ગુજરાતી ભાષામાં મળેલ એ જ મૂળ સ્વરૂપે મૂકી છે. 

_________________________________________________________________ 

સાચો પ્રેમ કદી ઘરડો થતો નથી                         ભાવાનુવાદ-  વિનોદ આર. પટેલ

ડોક્ટર મેથ્યુ ,એમ .ડી. નું મેડીકલ સેન્ટર રોજની જેમ સવારના આઠ વાગે ખુલી ગયું. દર્દીઓ એક પછી એક એમ આવીને રિસેપ્શનના કાઉન્ટર ઉપર હાજર થયાની સહી કરીને પોતાના વારાની રાહ જોતા વેઇટિંગ રૂમની ખુરશીઓમાં બેસવા લાગ્યા .લગભગ સવા આઠ વાગ્યાના સુમારે એક એંસી વર્ષની આસપાસનો ડેવિડ નામનો એક વૃદ્ધ દર્દી એકલો ધીમી ચાલે આવીને રીસેપ્શન કાઉન્ટર ઉપર મુકેલ બોર્ડમાં સહી કરી . સદાની હસમુખી યુવાન રીશેસ્પ્નીષ્ટ લ્યુસીએ એના આકર્ષક સ્મિતથી ડેવિડને આવકાર્યો, “ હાય, મિસ્ટર ડેવિડ કેમ છે બધું ? “ 

ડેવિડે પોતાનો પાટો બાંધેલ અંગુઠો એને બતાવીને કહ્યું : મારા આ અંગુઠાના ઘા ઉપર જે ટાંકા લીધા છે એમાં રૂઝ આવી ગઈ હોય એમ મને લાગે છે. મારે નવ વાગે એક અગત્યની એપોઇમેન્ટ છે .મારો કેસ ડોક્ટર જલ્દી હાથમાં લઇ મારો અંગુઠો તપાસી લે તો સારુંજેથી હું નવ વાગ્યાનો મારો સમય સાચવી શકું “ 

યુવાન રીસેસ્પ્શનીષ્ટ  લ્યુસીએ શાંત સ્વરે હૈયાધારણ આપતા વૃધને કહ્યું : તમે ત્યાં ખુરશીમાં શાંતિથી બેસો અને તમારા વારાની રાહ જુઓ. ડોક્ટરને હજુ થોડી વાર લાગશે. 

આ વૃદ્ધ ખુરશીમાં બેસીને વારંવાર પોતાની કાંડા ઘડિયાળમાં ચિંતાતુર ભાવે જોયા કરતો હતો એ પોતાની જગાએથી લ્યુસીએ જોયું. ડોક્ટર મેથ્યુના મેડીકલ સેન્ટરમાં લ્યુસી એક રીસેસપ્નીષ્ટ હોવા ઉપરાત નર્સિંગનો કોર્સ પુરો કરેલ એક અનુભવી ને બાહોશ નર્સ પણ હતી.એના કાઉન્ટર ઉપર હમણા બીજા કોઈ દર્દીને એટેન્ડ કરવાના ન હતા. વારંવાર પોતાની ઘડિયાળ જોતા આ વૃદ્ધને જોઈને એને લાગ્યું કે એ ખરેખર ઉતાવળમાં લાગે છે.લાવને હું જ ડોક્ટરને પૂછીને આ વૃદ્ધના અંગુઠાના ઝખમને જોઈને શું કરવા જેવું છે એ તપાસી લઉં. આમ વિચારી ડોક્ટરને મળીને લ્યુસીએ વૃદ્ધને બાજુના એક રૂમમાં બોલાવ્યો.

 લ્યુંસીનો મનમાં આભાર માનતો ડેવિડ એ રૂમમાં ગયો. લ્યુસીએ પાટો દુર કરીને જોયું તો એને પણ લાગ્યું કે ઝખમ લગભગ રુઝાઈ ગયો છે.હવે ટાંકા તોડીને ફરી ડ્રેસિંગ કરવાની જરૂર છે.આ વૃદ્ધ ડેવિડના અંગુઠાના ટાંકા દુર કરી ડ્રેસિંગ કરતાં કરતાં વૃદ્ધને લ્યુસીએ પૂછ્યું દાદા, તમને આટલી બધી શું ઉતાવળ છે. તમારે ડોક્ટર મેથ્યુને મળવું નથી ? નવ વાગે શું તમારે બીજા કોઈ ડોક્ટરની એપોઇમેન્ટ છે ? 

વૃધ્ધે લ્યુસીને કહ્યું ના રે ના ,મારે બીજા કોઈ ડોક્ટરની એપોઇમેન્ટ નથી .મારે નવ વાગે પાસેના સિનિયરોના નર્સિંગ હોમમાં પહોચી જઈને મારી પત્ની સાથે રોજના સમયે નાસ્તો લેવાનો સમય સાચવવાનો છે. લ્યુસીએ સહજ સહાનુભૂતિથી ડેવિડને પૂછ્યું ,” નર્સિંગ હોમમાં તમારી પત્નીની તબિયત તો બરાબર છે ને  ? “

જવાબમાં ડેવિડે જણાવ્યું કે  ઘણો સમય થયો એને નર્સિંગ હોમમાં દાખલ કરેલી છે, કારણ કે એ અલ્ઝાઈમરના રોગની દરદી  છે. નર્સ લ્યુસીએ ડેવિડને પૂછ્યું તમે આજે મોડા પહોંચશો તો નહી ચાલે, તમારી પત્નીને ખોટું લાગી જશે ?” 

વૃધ્દ્ધ ડેવિડે કહ્યું મારા પત્નીએ આ રોગમાં એની યાદ શક્તિ બિલકુલ ગુમાવી દીધી  છે. હવે તો હું કોણ છું એ પણ જાણતી નથી .પાચ વરસથી એ મને બિલકુલ ઓળખતી ન હોય એવા એના હાવ ભાવ હોય છે.

આ જાણીને નર્સ લ્યુસીને ખુબ દુખ થયું અને સાથે આશ્ચર્ય પણ થયું . એના મનમાં જે સવાલ રમતો હતો એ એણે ડેવિડને કર્યો :અલ્ઝાઈમરના રોગી તમારા પત્ની તમે કોણ છો એ પાંચ વર્ષથી જાણતા નથી તેમ છતાં તમે રોજ સવારે નવ વાગે એક જ સમયે એમની સાથે નાસ્તો લેવા શા માટે પહોચી જાઓ છો ? એમને માટે શું ફેર પડે છે ?” 

આ સાંભળી વૃદ્ધ ડેવિડ હસ્યો . એક દાદા પોતાની પૌત્રીનો હાથ પોતાના હાથમાં લેતા હોય એમ લ્યુસીનો હાથ વ્હાલથી પકડી એની હથેળીને પંપાળતા બોલ્યા બેટા, આજસુધી કોઈ અપવાદ સિવાય મારી પત્ની સાથે નવ વાગે નાસ્તો કર્યો ન હોય એવું બન્યું નથી .હું અગત્યના કામે બહારગામ ગયો હોઉં એ જુદી વાત છે. ભલેને મારી પત્ની આ રોગને લઈને મને ઓળખી શકી ન હોય પણ મારી સ્મૃતિ તો જતી નથી રહીને .મને તો ખબર છે ને કે એ કોણ છે . મેં  આજ સુધી  એને પુષ્કળ પ્રેમ કર્યો છે . મારી આખી જીન્દગી એની સાથે પ્રેમથી વિતાવી છે.સંજોગો ભલે   બદલાયા હોય પણ મારી પત્નીને હું કેમ કરીને ભૂલી શકું ? એ કદી ન બની શકે.મારે તો  પ્રિય પત્ની સાથે નવ વાગે નાસ્તો લેવાનો અમારો નિયમ પાળવો જ રહ્યો.એમાં કોઈ ફેરફાર ન ચાલે. 

ડેવિડના આ શબ્દો સંભાળીને આશ્ચર્યથી લ્યુસીના હાથનાં રુંવાડા ઉભા થઇ ગયાં.

લ્યુસીની વિદાય લઈને ધીમી ચાલે મેડીકલ સેન્ટરની બહાર નીકળતા આ વૃદ્ધ ડેવિડની પીઠને એ અહોભાવપુર્વક તાકી રહી. પોતાની આંખમાં ધસી આવતાં આંસુઓ રોકવાનો પ્રયત્ન કરી રહેલ યુવાન લ્યુસી મનમાં પ્રાર્થના કરવા લાગી :

 “ હે ભગવાન, મારા જીવનમાં પણ મને આ વૃદ્ધ જેવો નિસ્વાર્થ અને સાચો પ્રેમી મેળવી આપજે .” 

યુવાનીમાં તો સૌ કોઈ પ્રેમ કરે એમાં નવાઈ નથી પરંતુ ઘડપણમાં બે માંથી કોઈ એક પાત્રનું  શરીર રોગમાં શીથીલ થઇ જાય, ત્યારે જીવનની છેલ્લી ક્ષ્ણ સુધી  નિસ્વાર્થ પ્રેમ હંમેશની જેમ કેવી રીતે ટકાવી રાખવો અને લગ્ન વખતે લીધેલો સુખમાં કે દુઃખમાં સાથે રહેવાનો કોલ કોઈ પણ અપવાદ વિના પુરો કેમ કરવો એ આ વૃદ્ધ ડેવિડ પાસેથી સૌએ શીખવાનું છે.નિસ્વાર્થ પ્રેમમાં કૈક મેળવવાની આશા ન હોય પણ કૈક આપી છૂટવાની ભાવના હોય.

ત્યાગ અને બલિદાન વગર પ્રેમ ટકી ન શકે. 

કબીરના એક દુહામાં એણે સરસ કહ્યું છે કે 

પ્રેમ છિપાયા ન છીપે, જો ઘટ પ્રગટ હી હોય,

જો કી મુખ બોલે નહી, નયન દેત હૈ રોય  

એક દિવસ ઘરડા તો બધા જ થવાના છે , અને એની સાથે શરીર પણ ઘરડું અને શીથીલ થવાનું છે ,પરંતુ સાચો પ્રેમ જો હોય તો એ કદી ઘરડો થતો નથી ! 

____________________________________________________________________

THE  RAIN— An old couple’s real love Story

જેના ઉપરથી ઉપર મુજબ મેં મારી રીતે વાર્તાની ગુજરાતીમાં રચના કરી  એ મૂળ

અંગ્રેજીમાં ઈ-મેલમાં મળેલ વાર્તા વાંચવા માટે ઉપર ક્લિક કરો.

_______________________________________________________________________________ 

આ વાર્તા શાળામાં જતાં બાળકોના માતા-પિતાએ ખાસ વાંચવા જેવી અને સમજવા લાયક છે. બાળકો પ્રત્યે અવગણના કરવામાં આવે તો એના મનોજગતમાં કેવા વિપરીત પ્રત્યાઘાતો પડે છે એ આ વાર્તામાં સારી રીતે સમજાવ્યું છે. આ વાર્તાને ગુજરાતીમાં ઈ-મેલમાં પ્રાપ્ત થઇ એ જ સ્વરૂપે ફેરફાર વિના અહી મૂકી છે. 

મને ટી.વી બનાવી દો ! 

એક દિવસ એક પ્રાથમિક શાળાની  શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો  બાળકો,  આજે તમે એક નિબંધ લખીને મને આપો.  નિબંધનો વિષય છે —” જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો ?” 

બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો.ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયાં.સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યાં હતાં ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યાં  હતાં. તેમણે પૂછ્યું ,” કેમ શું થયું ? કેમ રડો છો ?”

શિક્ષિકાએ કહ્યું ,” હું મારા વિદ્યાર્થીઓના નિબંધો તપાસું છું .

તેમના પતિને  એક  કાગળ આપતાં  એ બોલ્યાં ,જુઓ , તમે પણ આ નિબંધ વાંચી જુઓ

તેમના પતિએ નિબંધ વાંચ્યો. તેમાં તે બાળકે લખ્યું હતું  

હે ઇશ્વર, જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.) બનાવી દે . હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છ. હું ટી.વી.ની જેમ ઘરમાં રહેવા માંગું  છું . જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય . સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું, જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ પ્રકારની ખલેલ પાડ્યા વગર મને  એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે. જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે.

જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે  ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી. વી. બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. અને …… મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.   

હું તેવું  અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે.

અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ , આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.

હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો.  

શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં.

તેમના પતિ બોલ્યા ,” હે  ભગવાન !!બિચારું બાળક!! કેવા ભયાનક માતા-પિતા છે!!

શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યાં 

આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે!  

***************************************************************** 

ઉપરની પ્રથમ વાર્તાને અનુરૂપ થાય એવી એક ડોસા-ડોસી અંગેની શ્રી સુરેશ દલાલની હળવીકાવ્ય રચના મારા હાઇસ્કુલ વખતથી દોસ્ત બની રહેલા ડો. દિનેશ સરૈયાએ એમના ઈ-મેલમાં મને મોકલેલી એને નીચે મુકેલ છે , જે તમને ગમશે. 

ડોશી કહે સવાર પડી : ડોસો કહે હાજી.

ડોસો કહે રાત પડી : ડોશી કહે હાજી.

હાજી હાજી હાજી હાજી હાજી હાજી હાજી

બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી. 

બન્ને જણા વાતો કરે : કરે હોંશાતોંશી

મનથી રહ્યાં તાજાંમાજાં : શરીરની ખામોશી

ડોસો બ્હારથી થોંથા લાવે : ડોશી લાવે ભાજી.

બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી. 

ડોશીના દુ:ખે છે ઘૂંટણ : ડોસો ધીમે ચાલે

એકમેકનો હાથ પકડી નાટકમાં જઈ મ્હાલે

સિગારેટના ધુમાડાથી ડોશી જાયે દાઝી

બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી. 

બન્નેના રસ્તા જુદા : પણ બન્ને પાછા એક

એકમેક વિના ચાલે નહીં : લખ્યાં વિધિએ લેખ

વરસે તો વરસે એવાં : પણ ક્યારેક રહેતા ગાજી.

બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી. 

                  —- સુરેશ દલાલ

*********************************************************************************