વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 28, 2011

“ઘડપણ“ અને એના આરોગ્ય અંગેના પ્રશ્નો ચર્ચતા ત્રણ સુંદર લેખો.

 મારા બ્લોગની આજની પોસ્ટનો વિષય છે “ ઘડપણ અને એમાં આરોગ્ય અંગેના પ્રશ્નો “ 

વૃધ્ધાવસ્થા એ દરેક મનુષ્યનો જીવનનો મરણ પહેલાંનો આખરી તબક્કો છે. જુવાનીની વસંત પછી જીવનની પાનખરનો એ સમય છે.આપણા આદ્ય કવિ નરસિંહ મેહતાએ પણ ગાયું છે કે  –  “ઘડપણ કેણે મોકલ્યું ? ઉમરા તો ડુંગરા થયા , પાદર થયા પરદેશ ! “ સો વરસનું આરોગ્યમય સાદું સાત્વિક અને સેવામય જીવન ભોગવીને વિદાય થયેલ કર્મયોગી રવિશંકર મહારાજે સાચું કહ્યું છે કે “ જે ઘરડમાં ચાલે તે ઘરડો “ વૃદ્ધ શબ્દ વૃદ્ધિ ઉપરથી આવ્યો છે. ગુણવંત શાહે એમના લેખમાં કહ્યું છે એમ સતત વિચારોની વૃદ્ધિથી સમૃદ્ધ થતો રહે એ વૃદ્ધ કહેવાય.     

આવી આ વૃધ્ધાવસ્થામાં આરોગ્યના ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. ગુણવંત શાહે એમના લેખની શરૂઆત કરતા કહ્યું છે એમ “માણસ સાઠ વટાવે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલ શરુ થઈ જાય છે: બ્લડસુગર, કૉલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, આરથ્રાઈટીસ, બાયપાસ, ઘડપણ અને મૃત્યુ.”  

આજની પોસ્ટના વિષયની વિશદ ચર્ચા કરતા નીચેના મારી પસંદગીના ત્રણ લેખો અને મારું એક સ્વરચિત કાવ્ય નીચે મુકવામાં મુકવામાં આવ્યાં છે. આમાં પ્રથમ બે લેખોના લેખક જાણીતા સાહિત્યકાર અને વિચારક ડો- ગુણવંત શાહ છે જે આ વિષયને અનુરૂપ  ખુબ જ રસદાયક વિચારો એમની આગવી શૈલીમાં રજુ કરે છે.બીજા લેખો પણ ઉપયોગી માહિતી આપે છે. શ્રી ગુણવંત શાહ અને અન્ય લેખકોનો હું આભારી છું. 

ઉપરોક્ત વિષય ઉપરના આ ચૂંટેલા ત્રણ લેખો હાલ વૃધ્ધાવસ્થા ભોગવી રહેલ સીનીયર સીટીઝનો અને ભવિષ્યમાં એક દિવસ જેઓ સીનીયર સીટીઝન થવાના છે એ સૌને માટે પણ જ્ઞાન વર્ધક,પ્રેરણાદાયક થાય એવા છે. આ લેખો વાંચીને, મનન કરી એનો અમલ કરવા માટે જો વાચકો પ્રેરાશે તો મારી આજની પોસ્ટનો મારો પ્રયત્ન લેખે લાગશે અને મારો આશય સિદ્ધ થશે એમ હું માનું છું.

                                                       —– વિનોદ આર. પટેલ

___________________________________________________________________ 

ઘડપણ સડવા માટે નથી                         લેખડૉ ગુણવંત શાહ 

માણસ સાઠ વટાવે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલ શરુ થઈ જાય છે: બ્લડસુગર, કૉલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, આરથ્રાઈટીસ, બાયપાસ, ઘડપણ અને મૃત્યુ. ઘણા લોકો ઘડપણમાં દુ:ખી થવા માટે યુવાનીમાં રોગના ખાતામાં દુ:ખની થાપણ મૂકી રાખે છે. પાછલી ઉંમરે દુ:ખ એમને વ્યાજમુદ્લ સાથે પાછું મળે છે. 

જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં એડવાન્સ બૂકિંગ કરાવીને ઘડપણમાં રોગોનું મ્યુઝિયમ બનીને ખાટલે પડેલા ખોળિયા જોવા મળે છે. એમના જિગરજાન દોસ્તનું નામ છે, ગળફો. એમની ગર્લફ્રેન્ડનું નામ છે, થૂંકદાની. એમની પ્રિયતમાનું નામ છે, પથારી. રવિશંકર મહારાજ વારંવાર કહેતા કે ઘરડમાં ચાલે તે ઘરડો. ઘડપણનું સર્જન સડવા માટે નથી થયું. માણસે ઘરડા નથી થવાનું, પણ વૃધ્ધ થવાનું છે. જે વૃધ્ધિ પામ્યો એ વૃધ્ધ. 

પાછલી ઉંમરે સુખી થવાના સચોટ ઉપાયો કયા ? ગમે એ ભોગે યુવાનીમાં બેઠાડુ બનવાનું ટાળવું રહ્યું. જેટલું ચલાય એટલું ચાલવું અને વળી ઝડપથી ચાલવું.

ચલના જીવનકા નામ

ચલતે રહો શુબહ શામ 

પરસેવાના બે પ્રકાર છે. એક છે હરામનો પરસેવો અને બીજો છે ખરી કમાણીનો પરસેવો. મુંબઈમાં ભેજ એટલો કે આળસુના પીરને પણ પરસેવો વળે. એ હરામનો પરસેવો ગણાય. શિયાળામાં કોઈ માણસ એકાદ કલાક કસરત કરે અને શરીરે પરસેવો વળે એ ખરી કમાણીનો પરસેવો ગણાય. એ પરસેવો રોગમુક્તિ(healing)નો ખરો ઉપાય છે. કમાણીનો પરસેવો ઉંમરને ખાઈ જાય છે. 

પાછલી ઉંમરે દુ:ખી થવાના ઘણા રસ્તા છે. ઓફિસની ખરશીમાં પોટલું થઈને બેસવું એ પહેલો ઉપાય છે. વ્યસનો વિનાની યુવાની ઘણા લોકોને નથી ગમતી. પૈસા કમાવા સિવાય અન્ય કોઈ વાતમાં રસ ન લેવાની ટેવ યુવાનીને કદરૂપી બનાવે છે. સાહિત્ય, સંગીત, કળા, નાટક અને કવિતા જેવી ફાલ્તુબાબતોથી દૂર રહેનારા ઝટ ઝટ સડે છે. આવા લોકોને તાણ નામની વૅમ્પ અકાળે ઘરડા બનાવે છે. કેવળ પૈસો કમાનારી વ્યક્તિને સાચી મૈત્રી સાંપડતી નથી. પરિણામે જીવન ઝટ કટાઈ જાય છે. 

પુસ્તક વાંચવાની ટેવ હોય એવો સ્ફૂર્તિમંત વૃદ્ધ કંટાળતો નથી. સંગીતમાં રસ લેનારો વૃદ્ધ નવરાશને શણગારતો જોવા મળે છે. મૈત્રીવૈભવ ધરાવનારા દાદા ખાસા રળીયામણા જણાય છે. અન્ય માટે કશુંક કરી છૂટવા તત્પર એવાં દાદીમા આદરણીય જણાય છે. પારકી પંચાતથી દૂર રહીને નિજાનંદમાં મસ્ત રહેનારા દાદાને ખાલીપો પજવતો નથી. ઘરના સંતાનો એમનાથી કંટાળતા નથી. પુત્રવધુને એમની હાજરી ખટકતી નથી. કેટલાક વડીલોથી પરિવાર કંટાળે છે. એ કંટાળો સાબિત કરે છે કે વડીલ હજી જીવે છે. આવું ઘડપણ અભિશાપ ગણાય. 

જે વૃધ્ધ છે એ તબિયતનો રાંક નથી હોતો. પુસ્તકપ્રેમ, કળાપ્રેમ, મનોરંજન, મૈત્રી અને પ્રસન્ન સ્મિતથી શોભતો કરચળિયાળો ચહેરો એમના સમગ્ર જીવનનું ઓડિટ પ્રગટ કરતો રહે છે. આવો વૃધ્ધ છેક સુધી પોતે સ્થાપેલી કે ઉછેરેલી સંસ્થાની ખુરશી પર ફૅવિકોલ (અમેરીકામાં Crazy Glue) લગાડીને ચોંટી રહેતો નથી. શંશોધનોએ સાબિત કર્યું છે કે નિયમિતપણે ચર્ચમાં જનારા લોકો લાંબું જીવે છે. ભગવાન નામનું ટ્રાન્ક્વિલાઈઝર જબરી રાહત સાવ ઓછી કિંમતે પહોંચાડે છે. ડ્રગને રવાડે ચડવા કરતાં કૃષ્ણને રવાડે ચડવું સારું. 

જે બાલ્દી કટાઈને કાણી નથી થતી એને છેક છેલ્લે સુધી કોઈ ભીનો સ્પર્શ મળી રહે છે. એ સ્પર્શ જીવનદાયી છે. લાંબા આયુષ્યના શાસ્ત્રને gerontology કહે છે. આપણા ઘરડા નેતાઓ ઝટ નિવૃત્ત થતા નથી. સત્તા ન છોડવાની એમની ચીટકુ વૃત્તિને gerentocrazy કહે છે. કટાઈ જવા માટેનો શ્રેષ્ઠ સમય યુવાની છે. ઘરડા થવું એ ગુનો છે. વૃદ્ધ થવું એ વિશેષાધિકાર છે. સતત વિચારોની વૃદ્ધિથી સમૃધ્ધ થતો રહે તે વૃદ્ધ. 

ખિસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી પડતી નથી. પુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધ આપવામાં પાછીપાની કરતું નથી. હરણ ગમે એટલું ઘરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈ રહેતી હોય છે. ઘરડા હાથીનું ગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છે. જે માણસ મોટી વયે પણ નવું નવું વાંચવાનું, વિચારવાનું અને નિર્મળ આનંદ પામવાનું વ્યસન છોડવા તૈયાર નથી એ ખરા અર્થમાં વૃદ્ધ છે. એવા માણસને ઘરડોકહેવો એ એનું અપમાન છે.  

અમેરિકાના બનોર્ડ બારુચ કહે છે :

ઘરડા થવાની ઉંમર

હું આજે છું એનાં

પંદર વર્ષ પછીની જ હોય છે. 

(લેખકના વૃક્ષમંદિરની છાયામાંપુસ્તકમાંથી સાભાર)

Xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

ન્યૂયોર્કથી પ્રકાશિત થતા જાણીતા ગુજરાતી સાપ્તાહિક “ ગુજરાત ટાઈમ્સ “ માં જુલાઈ ૨૦૧૧માં પ્રગટ થયેલું  મારું નીચેનું કાવ્ય થોડું અપડેટ કરીને અહીં મુક્યું  છે.આ કાવ્ય આજની પોસ્ટના વિષયને અનુરૂપ છે જે આપને વાંચવું ગમશે.

આવીને ઉભો રહ્યો દ્વારે, અડીયલ આ બુઢાપો !

આયુ વૃક્ષની વિવિધ ડાળીઓ ઉપરથી,                                           “

ખરી રહ્યાં પર્ણો આજે જીવનની પાનખરમાં .

એક વણનોતર્યા મહેમાન સરીખો,

આવીને ઉભો રહ્યો દ્વારે, આ અડીયલ બુઢાપો. 

હતો એક સમો જ્યારે ગર્જતા’તા સિંહ સમા

વૃધ્ધાવસ્થાના એક થપાટે, બની ગયા આજે,

એક  દુર્બલ લાચાર મેઢા ઘેટા સમા . 

શરીર, ઇન્દ્રિઓમાં ભલે ન રહ્યો એ જોમ ને જુસ્સો

કરી મનને મક્કમ,બાકી સમય અને શક્તિઓ વડે,

જીવનનો ખરો આનંદ માણવાની છે આ વેળા.

જીવન-ચાદરને ઉજળી રાખી, શ્રધ્ધા અને ભાવથી,

પ્રભુ ચરણે એને અર્પણ કરવાની છે આ વેળા.

વીતેલ કાળની  ખેતીમાં વાવેલ સૌ પાકોને,

હોંસથી લણીને સૌમાં વહેંચવાની છે આ વેળા. 

જીવનની સંધ્યાએ ગણેલા શ્વાસો બાકી છે ત્યારે

હૃદય મન મક્કમ કરીને કરીએ આ પ્રાર્થના કે,

મારા આ બુઝાતા દીપકની વાટ સંકોરી આપી,

મારા ડગમગતા ચરણોને સ્થિર રાખી .

મારો હાથ ગ્રહી,મારી પડખે રહીને ,

તારા એ મંગલ મંદિરના દ્વાર સુધી મને,

સુખેથી પહોંચાડવાની પરમ કૃપા કરજે, હે પ્રભુ !.

                     —- વિનોદ આર. પટેલ

_____________________________________________________________________________

નીચેના બે લેખો પી.ડી,એફ.ફાઈલ  ઓપન કરીને વાંચી શકાશે.

બાબુ મોશાય! જિન્દગી બડી હોની ચાહિયે લંબી નહીં. — લેખક શ્રી ગુણવંત શાહ

શ્રી ગુણવંત શાહ તા. ૧૬મી સપ્ટેમ્બર ૨૦૧૧ ના રોજ હાર્ટ એટેકનો  ભોગ બન્યા હતા. એમના જીવન માટેનો એ કસોટીનો  કાળ  હતો. હોસ્પીટલમાં એન્જીઓગ્રાફી અને બાયપાસ સર્જરી પછી ગુજરાતને સારે નસીબે તેઓ કસોટી કાળમાંથી હેમખેમ  ઉગરી જઈને પોતાના હમ્મેશ મુજબના કાર્યમાં લાગી ગયા છે એ સૌને માટે આનંદની વાત છે.  સર્જરી પછી ફક્ત પાંચ દિવસ પછી એમના હાર્ટ  એટેક આવ્યા પછીનો અનુભવ રજુ કરતો અને એમાંથી બચવા માટેની શીખ આપતો આ લેખ  લખીને એમના બ્લોગ ટહુકોની તા  ૨૧ મી સપ્ટેમ્બરની પોસ્ટમાં મુકવા જેટલી માનસિક સ્વસ્થા એમણે પ્રાપ્ત કરી  લીધી એ કેવી નવાઈ કહેવાય !  આ લેખ એમણે ખુલ્લા દિલે એમની આગવી રસાળ  શૈલીમાં  લખ્યો છે  જે મનને આનંદ આપે છે અને ચેતી જવાની શીખ પણ આપે છે.

દીર્ઘાયુ જ નહીં દીર્ઘ આરોગ્યની કાળજી લો

મિત્ર વિપુલ દેસાઈના બ્લોગ ” સુરતી ઊંધિયું ” માંથી પ્રાપ્ત આ લેખમાં ગાંધીજીને પ્રિય  વિષય નિસર્ગોપચાર ઉપર ચર્ચા  કરવામાં આવી છે. નીસર્ગોપચારથી સુખેથી આરોગ્યમય  અને લાંબુ જીવન જીવી શકાય છે એ આ લેખમાં દર્શાવાયું છે.