વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 5, 2011

ધનજી કુંભારનો ગધેડો ( બોધ કથા ) લેખક – વિનોદ આર. પટેલ

ધનજી કુંભારનો ગધેડો   ( બોધ કથા )    લેખક – વિનોદ પટેલ

રામજી પટેલના ખેતરના છેવાડે એક ભાગમાં ધનજી કુંભાર અને બીજાં કેટલાંક કુંભાર કુટુંબો એક ઈંટવાડો ભાડે રાખીને રહેતાં હતાં. ગુન્દેલી માટીમાંથી ઈંટો પાડી,પકવી પછી બાંધકામ કરવા વાળાઓને વેચી એ બધાં પોતાનું ગુજરાન ચલાવતાં હતાં . માટી લાવવા માટે અને પકવીને તૈયાર થયેલ ઈંટોની હેરફેર માટે ગધેડાં એમનાં મુખ્ય વાહનો હતાં .

ધનજી કુંભારનો એક ગધેડો હવે ઘરડો થઇ ગયો હતો. થોડો માંદો પણ રહેતો .ધનજી કુંભાર પણ હવે એની પાસે પહેલાં જેવી મજુરી નહોતા કરાવતા. આ માંદલો અને ઘરડો ગધેડો એક વખત ચરતો ચરતો ખેતરના દુરના છેડે પહોંચી ગયો. ત્યાં એક અવાવરું કુવો હતો.બહું  વરસોથી પાણી વગરનો બીન ઉપયોગી અવાવર પડી રહેલો.અંદર જાળાં ઝાંખરાંને લીધે કુવો સ્પષ્ટ દેખાતો પણ ન હતો.આ બિચારો ગધેડો આ કુવામાં પડી ગયો.અંદર પડતાની સાથે જ ,મદદ માગતો હોય એમ ,એના આગવા ગર્દભ અવાજમાં એણે અંદરથી ભૂંકવા માંડ્યું. કુવામાંથી પડઘાતો એનો અવાજ સાંભળી ઈંટવાડામાં કામ કરતા કુંભાર,એમના  સાથીઓ અને આસપાસના ખેડૂતો ભેગા થઇ ગયા .શું કરવું ,કેમ કરવું એની ગડમથલમાં સૌ પડી ગયા.

અંતે એમને બહું કઠોર નિર્ણય લેવો પડ્યો.આ નિર્ણયથી કોઈ રાજી તો ન હતું પણ લેવો પડ્યો.કુવાની અંદર પડી ગયેલો ગધેડો આમે ય ઘરડો અને માંદો હતો અને એને બહાર કાઢ્યા પછી પણ એ બહું લાબું જીવે એમ ન હતો.એ મરવાના વાંકે જ જીવી રહ્યો હતો.આ સંજોગોમાં ધનજી કુંભારની સંમતિથી ત્યાં ભેગા થયેલા બધા લોકોએ નિર્ણય લીધો કે આ માંદલા ગધેડા સહીત કુવાને પૂરી નાખવો જેથી ભવિષ્યમાં ફરી બીજું કોઈ અંદર પડે નહિ.

આ નિર્ણય લીધા પછી બે ત્રણ જણાએ પાવડે પાવડે કુવાની અંદર માટી નાખી કુવો પૂરવાનું કામ શરુ કરી દીધું.હવે અંદર ગધેડા  ઉપર અચાનક જેવી માટી પડી કે તરત એ માટીના મારાથી પ્રથમ તો ચોંકી ગયો.ગભરાયો પણ ખરો.સાથે સાથે આ આપત્તિથી એની જીજીવિષા પ્રબળ બની ગઈ .ભયથી સતેજ બની ગયેલા એનાં મગજે એક ઝડપી નિર્ણય લઇ લીઘો.જેવી માટી પીઠ ઊપર પડી કે તરત એ ચાર પગે ઉભો થઇ ગયો.પીઠ હલાવીને એના ઉપરથી માટી ખંખેરી નાખી અને એ માટી ઉપર ઉભો રહી ગયો. ઉપરથી જેમ જેમ એની પીઠ ઉપર માટી પડતી જાય તેમ તેમ એ ખંખેરીને માટી નીચે પાડતો ગયો. એના પગ તળે ભેગી થતી માટી ઉપર પોતાના પગ ટેકાવતો એ ધીમે ધીમે ઉપર આવતો ગયો.પશુ હોય કે માનવી હોય, આપત્તિ માથે આવી પડે ત્યારે એમાંથી બહાર નીકળી આવવાના બનતા બધા જ પ્રયત્નો કરવાની ઇચ્છા પ્રબળ બને છે .એવું આ વૃદ્ધ અને માંદલા ગધેડાએ પણ કર્યું. થાકને ગણકાર્યા વિના ,હિંમતથી કામ લઇ, મરણીયો બનીને પોતાની બધી જ તાકાતથી પીઠ ઉપર પડતી માટીને નીચે ખંખેરતો ગયો અને ઉપર ચઢતો ગયો.

આ પ્રમાણે કરતાં કરતાં જાળા ઝાંખરાથી ઢંકાયેલું એનું માથું છેક કુવાના કાંઠા સુધી બહાર દેખાયું ત્યારે ધનજી કુંભાર અને માટી પૂરી રહેલા અન્ય લોકોના આશ્ચર્યનો પાર ન રહ્યો.બધા આનંદથી ઉત્તેજિત થઈને કિલકારીઓ પાડી ઉઠ્યા અને સાચવીને ગધેડાને કુવા બહાર લઇ  લીધો.બહાર જમીન ઉપર પગ મુકતાં જ થાકેલો ગધેડો આરામ કરવા બેસી પડ્યો.

આ ગધેડાની આંતરિક  હિમ્મત અને સમયસુચકતા કેટલી તીવ્ર કહેવાય ! જે માટી એને જીવતો દાટી દેવા માટે અંદર નાખવામાં આવતી હતી એ જ માટીથી એણે પોતાની અક્કલ વાપરીને પોતાનો જીવ બચાવી લીધો.આપત્તિ કાળે એણે ઠંડા દિમાગથી કામ લઇ આવેલ આપત્તિમાંથી આબાદ રીતે માર્ગ કાઢી લીધો.બુદ્ધિ કોઈના બાપની છે! મહેરબાની કરીને હવે પછી કોઈને “ તું તો સાવ ગધેડા જેવો છે “ એમ કહીને કોઈ ગધેડાનું અપમાન કરશો નહીં !

આ અબોલ વૃદ્ધ ગધેડાએ પોતાના હિમ્મત ભર્યા આચરણથી આપણે સૌને માટે જિંદગીનો કેટલો મોટો સંદેશ રજુ કર્યો છે! .આ કથામાંથી બોધ એ લેવાનો છે કે જ્યારે પણ જીવનમાં આપણે મુશ્કેલ સંજોગોના ઊંડા કુવામાં સપડાઈએ ત્યારે મુશ્કેલીઓ રૂપી માટી નીચે દબાઈ  જઈને  દુખી થવાને બદલે એને આપણી પીઠ ઉપરથી ખાખેરી નાખી એના ઉપર સવાર થઇ ઉપર આવવા અને એમાંથી બહાર આવવાનો રસ્તો કાઢવા માટે પોતાની બધી જ હિમ્મત એકઠી કરીને કટીબદ્ધ થવું જોઈએ.મુશ્કેલીઓથી કદી ન ગભરાવું .કોઈ પણ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં ઠંડા દિમાગથી વિચારવાથી અને પ્રયત્નશીલ બનવાથી કોઈને કોઈ રસ્તો નીકળી આવે છે અને અંતે મુશ્કેલીઓના ઊંડા કુવામાંથી સફળતાપૂર્વક બહાર આવી શકાય છે.જરૂરત હોય છે આપણામાં પડેલી પ્રભુ બક્ષેલ સુસુપ્ત શક્તિઓને ઢંઢોળવાની અને ખરે સમયે એનો ઉપયોગ કરવાની સુઝ-સમજ દાખવવાની.

ધનજી કુંભારના ગધેડાની આ વાર્તાનો આપણી જિંદગી માટેનો આવો સુંદર અને ઉમદા બોધપાઠ સૌએ સમજીને જીવનમાં ઉતારવા જેવો નથી શું ?

___________________________________

સાગર અને નદી                         ( બોધ કથા )

સાગરને મળી રહેલી નદી આજે ખુબ પ્રસન્ન હતી. સાગરે નદીને પ્રસન્નતાનું કારણ પૂછ્યું .

નદી કહે ,કેટલાંએ વરસોથી વચ્ચે રહેલો એક પર્વત તને જલદી મળવામાં મને અંતરાય  કરતો હતો. એ પર્વતને મેં વર્ષો પછી આજે તોડી નાખ્યો ! ચારેબાજુ હું જાહેરાત કરતી આવી છું  કે મારા રસ્તામાં જે કોઈ પણ અવરોધ કરશે તેના આ પર્વત  જેવા હાલ-બેહાલ થઈ જશે.’

સાગર હસ્ર્યો, ‘બહેન ! એક કામ કરીશ ? આ એક બાજુ નેતરની સોટીઓ ઊગી છે તેમાંથી બે-ચાર સોટીની મારે જરૂર છે, લાવી આપીશ ?’

નદી તો ઉપડી નેતરની સોટી લેવા.નદી મનમાં ગર્વ કરવા લાગી કે જેણે પર્વતના હાલ-બેહાલ કરી નાખ્યા એના માટે નેતરની સોટી તોડી લાવવી એ તો રમત વાત છે. નદીએ ભારે જોશથી નેતર પર આક્રમણ કર્યું પણ નદી જેવી નેતર પર કુદી કે તરત જ નેતરે પોતાની કાયા નમાવી દીધી. નદીનું પાણી રવાના થતા નેતર વળી પાછું ઊભુ થઈ ગયુ. આ જોઈને નદી વધુ ગુસ્સ્સે થઈ ગઈ. બમણા જોશથી નેતર પર કુદી પણ પરીણામ એનું એ જ ! આખો દિવસ  નદીના આક્રમણો ચાલુ રહ્મા .પણ  નેતર ન તૂટ્યું.! હારી-થાકીને નદી સાગર પાસે આવી.

કેમ બહેન, નેતર ક્યાં ?’

હું ન લાવી શકી. મને ખબર નથી પડતી કે આમ કેમ થયુ ? પર્વતને હું તોડી શકી પણ આ નેતરને મૂળમાંથી હચમચાવી પણ ન શકી !’

જો, આ રહું તેનું કારણ ! પર્વતને તું તોડી  શકી; કારણ કે તે અક્કડ હતો. નેતરને તું તોડી ન શકી કારણ કે તે નમી ગયુ હતું ! આ દુનિયામાં પર્વતની જેમ અક્કડ રહેનારાનાં પાણી ઉતારવાં સહેલાં છે; પરંતું નેતરની જેમ સ્વયં નમી જનારાનાં પાણી ઉતારવાં સહેલાં નથી !’

 સાગરની આ વાત સાંભળી નદી મૌન થઈ ગઈ ! આધ્યાત્મિક જગતમાં આ વાત ખુબ મહતવની છે. અક્કડ રહેનારાઓ હારી ગયા  છે અને ઝુકી જનારાઓ જીતી ગયા  છે !

                                                                 આચાર્ય વિજયરત્ન સુરિ

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

દુ:ખી થવાના દસ રસ્તા

(ક) તમારી જ વાત કર્યા કરો.

(ખ) તમારો જ વિચાર કર્યા કરો.

(ગ) ‘કદર’ ‘કદર’ ઝંખ્યા કરો.

(ઘ) કોઈ તમારી ઉપેક્ષા કરે તો બળ્યા કરો.

(ચ) કોઈનો યે વિશ્વાસ ન કરો.

(છ) તમારી ફરજમાંથી શક્ય ત્યાં સુધી છટકી જાવ.

(જ) બને તેટલી વાર “હું “’ શબ્દનો ઉપયોગ કરો.

(ઝ) બીજા માટે બને તેટલું ઓછું કરો.

(ટ) તમારી મહેરબાની બદલ લોકો આભાર ન માને તો સમસમ્યા કરો.

(ઠ) દરેક બાબતમાં તમારો જ કક્કો ઘૂંટ્યા કરો.

( શ્રી વિપુલ દેસાઈના બ્લોગ –સુરતી ઊંધિયું –માંથી સાભાર ) 

***************************************************

સુવિચાર

૧. આભને આધાર નથી છતાં એ ઊંચું છે કારણકે એ જેટલું ઊંચું છે તેટલું જ ચારે તરફ 

    ઝુકેલું છે.

૨.અસત્યોને સદા ઢાંકી રાખે એવો પડદો વણનાર વણકર હજુ સુધી તો વિશ્વમાં લાધ્યો નથી.

                                                                          — પુ. ચિત્રભાનુંજી

૩.બિંદુ ત્યારે જ મહાસાગર બને છે કે જે પળે તે સાગરનું બંધન સ્વીકારે છે.

૪.ચિંતાની ચકલીને તમારા મગજમાં  એ માળો બાંધે એ પહેલાં ઉડાડી મુકજો.