વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ડિસેમ્બર 12, 2011

અમેરિકા તરફના લોકોના આકર્ષણનું શું છે રહસ્ય ? લેખક- વિનોદ આર. પટેલ

દુનિયાના લગભગ બસો દેશોમાંથી દરેક ધર્મના લોકો અમેરિકામાં આવીને વસ્યા છે, એટલે તો અમેરિકાને વસાહતીઓનો દેશ કહેવામાં આવે છે.આ દરેક વસાહતીને પોતાનો ધર્મ અને પોતાની સંસ્કૃતિ પ્રમાણે, અહીના નિયમોનું પાલન કરીને રહેવાની છૂટ છે,અમેરિકા એક મેલ્ટિંગ પોટ સમાન છે જેમાં વિવિધ દેશની સંસ્કૃતિ, નીતિનિયમો અને સામાજિક સંસ્કારો ઓગળી જઈને એક નવી જ વૈશ્વિક અમેરિકન સંસ્કૃતિનું નિર્માણ  થયું છે .અમેરિકાએ એના ફક્ત ૨૩૫ વર્ષના ઇતિહાસમાં અજબ પ્રગતી સાધીને વિશ્વના ઇતિહાસમાં એક સમૃદ્ધ સુપર પાવર તરીકે ઉભરી આવ્યું છે.દુનિયાના મોટા ભાગના દેશોમાં એક યા બીજા સ્વરૂપે અમેરિકાની હાજરી છતી થાય છે.અમેરિકાની સમૃદ્ધિના પાયામાં એના  સ્વાતંત્ર્યનું ઘોષણા પત્ર છે જે અનુસાર આ દેશમાં  રહેતી દરેક વ્યક્તિને ઈશ્વર બક્ષેલ સુખની પ્રાપ્તિની શોધ (pursuit of happiness )નો હક્ક મંજુર કરેલો છે.આવા આ મોહક દેશ અમેરિકા આવવા માટે લોકો શા કારણથી આકર્ષાય છે એનાં અનેક કારણો છે.એમાંનાં કેટલાંક મુખ્ય કારણો અંગે મારો એક લેખ અમદાવાદથી પ્રકાશિત ધરતી માસિકના અપ્રિલ ૨૦૧૧ના અંકમાં છપાયો હતો .

આ લેખને તમે અહીં નીચેની લીંક પર વાંચી શકશો.

 અમેરિકા તરફના લોકોના આકર્ષણનું શું છે રહસ્ય ?  -લેખક -વિનોદ પટેલ 

મારા ઉપરના લેખના છેલ્લા ફકરામાં મેં જણાવ્યું છે એ પ્રમાણે અમેરિકાની ઘણી ખૂબીઓની સાથે  સામાજિક દ્રષ્ટીએ જોઈએ તો કેટલીક ખામીઓ પણ છે.આમાંની કેટલીક નજરે દેખાતી ત્રુટીઓ વિષે  વિચારીએ.ભારતથી અમેરિકા ફરવા આવતા ઘણા લેખકો પાછા જાય ત્યારે અમેરિકા વિષે અંજાઈ જઈને અમેરિકા કેટલું અદભુત છે જ્યારે આપણે અહીં ભારતમાં ….” એમ રોદણાં રડે છે.અમેરિકાની થુલીનો પણ કંસાર કરીને તેઓ અનજાન લોકોને પીરસીને પોરસાય છે. તેઓ અહીં વધારે રહે તો જ એમને અમેરિકાની બીજી બાજુની પણ પ્રતીતિ થાય .અમેરિકાના વર્તમાન પત્રો અને ઈલેક્ટ્રોનિક માધ્યમો અમેરિકન સમાજનું દર્પણ છે.એમાં જે સમાચારો આવે છે એ ગોળીબાર,ડ્રગ,ખુલ્લો વ્યભિચાર અને નષ્ટ થતી જતી કુટુંબ વ્યવસ્થા અને એના પ્રશ્નોથી  ભરપુર હોય છે.અમેરિકનો વાતવાતમાં કહેતા હોય છે કે “ધીસ ઇઝ એ ફ્રી કન્ટ્રી” પરંતુ સ્વતંત્રતાના નામે સ્વછંદતા અને નિરંકુશ વ્યવહાર પણ જોવા મળતો હોય છે.

અમેરિકનો સ્પર્ધામાં ઉતર્યા હોય એમ ડોલર માટેની ઉંદર દોડમાં ભાગમભાગ કરતા હોય છે અને એમની જીવનશૈલી ઉપરનો કાબુ ગુમાવે છે.આદમીનો પર્યાય અહીં ડોલર છે .માણસની બાહ્ય સમૃદ્ધિ એમને અંદરથી સમૃધ નથી બનાવતી.એટલે તો અમેરિકાનો મનની શાંતિ મેળવવા યોગ શીખવાડતી દુકાનોમાં ગીર્દી કરતાં હોય છે.અમેરિકામાં કુટુંબ વ્યવસ્થાના ઘણા પ્રશ્નો હોય છે.દુનિયામાં સૌથી વધારે સિંગલ પેરેન્ટ્સ અમેરિકામાં છે.રોજ જેટલાં બાળકો જન્મે છે એમાંનાં ચોથા ભાગનાં  બાળકોનો ઉછેર સિંગલ પેરન્ટ કરે છે.અહીં બાળકો પ્રેમનાં ભૂખ્યાં હોય છે .એ ન મળવાના પરિણામે બાળ ગુનેગારો ડ્રગનો આસરો લે છે અને ગેંગમાં  જોડાઈને ખુનના ગુના કરતાં હોય છે..દરેક માં-બાપને બાળક હોય છે પરંતુ દરેક બાળકને મા-બાપ નથી હોતાં , એ અહીં જોવા મળે છે. ભારત જેવી કુટુંબની હુંફ ઓછી જોવા જોવા મળે છે..અમેરિકામાં દર ત્રણ લગ્નમાંથી પચીસ વર્ષ સુધીમાં એક લગ્ન ટકે  છે જ્યારે બે લગ્ન છૂટાછેડામાં પરિણમે છે  એવું સમાજ શાસ્ત્રીઓનું તારણ છે.વિસરાતા જતાં જીવન મૂલ્યો એ અમેરિકાનો તાતો પ્રશ્ન છે.

અમેરિકા એક માયા નગરી છે. અનેક વિરોધાભાસોનો દેશ છે. જાહેર સ્થળોએ ધુમ્રપાનની સખ્ત મનાઈ પણ બંદુક લઈને બધે ફરવાની છૂટ.,અરે વિદ્યાર્થીઓ પણ ગન સાથે સ્કુલમાં જઈને શિક્ષક ઉપર ગોળીબાર કરવાના ગુનામાં પકડાય છે.!અહીં બધું ઔપચારિક છે.મહત્વાકાંક્ષા અને સ્પર્ધાને લીધે અમેરિકન સમાજ તમોને હાઈ-એચીવર જરૂર બનાવે છે પરંતુ એની સાથે માણસ માણસ વચ્ચેનો ભાવાત્મક સંબંધ ઘટતો જાય છે. ભારતની અને અમેરિકાની (પશ્ચિમની ) સંસ્કૃતિ ભિન્ન છે અને રહેવાની છે.ભારતે અમેરિકાની આંધળી નકલ કરવાની જરૂર નથી.અમેરિકાએ આર્થિક પ્રગતી કરવા માટે જે સારા ગુણો અપનાવીને આગળ વધ્યો છે એની ભારતે નકલ કરવી જોઈએ.એવી જ રીતે ભારતીય સંસ્કૃતીમાંથી અમેરિકાએ પણ ઘણું શીખવા જેવું છે અને એનો અમલ કરવાં જેવું છે..

છેલ્લે.,ગઝલકાર આદમ ટંકારવીના અમેરિકા અંગેના પુસ્તક “અમેરિકા રંગ ડોલરિયો” ના અંતે એમણે અમેરિકાના એમના અનુભવોને આધારિત કેટલીક સુંદર ગઝલો લખી છે એમાંથી કેટલા   અંશો એમના આભાર સાથે નીચે રજુ કરું છું,

પાસ છે તે પણ ન પાસ છે

આ અમેરિકા વિરોધાભાસ છે

ક્યાં ઠરીને બેસવાનું ભાગ્યમાં

આ અમેરિકાનો અધ્ધર શ્વાસ છે

એને અડકીને તું સોનું થઇ ગયો,

દોસ્ત,તારો દેશ પણ મિડાસ છે.

ઉપર ઉપરથી બધું ચકચકિત

કિન્તુ અંદરથી બધું બિસ્માર છે

એમની આંખોમાં ઉમળકો નથી

ને અહીં મારો હરખ માતો નથી

જ્યાં જુઓ ત્યાં બધે વન-વે જ  છે

ને નીકળવાનો કોઈ રસ્તો નથી

અહીનો પીઝા કે વતનનો રોટલો

એ બધી ચર્ચા હવે બેકાર છે

મારું હાળું એ જ સમજાતું નથી

આપણી આ જીત છે કે હાર છે.  

કોઈ કહે :માથાનો દુખાવો છે તું

કોઈ કહે : તું બામ છે અમેરિકા

દોડીને તને ભેટવામાં જોખમ છે

દુરથી તને પ્રણામ છે અમેરિકા!

જાણીતા હાસ્ય લેખક સ્વ.બકુલ ત્રિપાઠીએ સુંદર શબ્દોમાં લખ્યું છે કે- ”જોતા ખૂટે નહીં એટલું છે અમેરિકામાં.અહીં બધું છે પણ ભારત દેશ નથી .ક્યાં છે અહીં દાળના સબડકા અને તળાતાં ભજીયાંની સુગંધ, ક્યાં છે અહીં લોકો.લોકો,વાતો વાતો ,ટોળાં ટોળાં , કેમ છો ? સારું છે ,હળવું,મળવું,પંચાતો કરવી,સામાની આંખમાં મળ્યાનો ઉલ્લાસ ,પ્રેમની ચમક,છલકાતા ઉભરાતા સ્નેહ સાથે જીવવું ,એક બીજા વિના રહેવાય નહિ,જીવાય નહિ ,જીવી શકાય નહિ એવું જીવવું ….  એનું નામ ભારત.

કોણ ચઢે સંસ્કારમાં ,સંસ્કૃતિમાં ? અમેરિકા કે ભારત ?

આવું પ્રેમાળ ભારત છોડીને શા માટે બધા એ એકલવાયા અમેરિકા જવા ચાહે છે ?

અને અમેરિકાની મબલખ સમૃદ્ધિમાં ખુશખુશાલ છે એમને ય ત્યાં કેમ અચાનક ભારતની યાદે છાતીમાં સણકો ઉઠી આવે છે ?

શું સારું ? ભારત કે અમેરિકા ?

સદા અનુત્તર રહેવા સર્જાએલા છે આ પ્રશ્નો !”