વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મ જયંતિ પ્રસંગે ભાવભીની સ્મરણાંજલિ

તા-૧૨મી જાન્યુઆરી ૨૦૧૨ એટલે યુગ પુરુષ, ધર્મ ધુરન્ધક સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ.એમની આ ૧૫૦મી જન્મ જયંતિ આજે દેશ વિદેશમાં એમને યાદ કરીને અવનવા  કાર્યક્રમોનું આયોજન કરીને ઉજવાઈ રહેલ છે.આજની મારા બ્લોગની પોસ્ટમાં એમના જીવન અને કાર્ય અંગેની માહિતીનું સંકલન કરીને એમને સ્મરણાંજલિ આપવાનો નમ્ર પ્યાસ કર્યો છે.આશા છે આપને એ ગમશે. 

                                                   ——    વિનોદ આર. પટેલ 

_____________________________________________________________________      

સ્વામી વિવેકાનંદ– જીવન અને કાર્ય                 સંકલન- વિનોદ આર. પટેલ                       

સ્વામી વિવેકાનંદનો જન્મ મકરસંક્રાંતિના તહેવાર ની પૂર્વસંધ્યાએ સોમવાર, તા. 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા ખાતે શિમલાપાલ્લીમાં થયો હતો..એમનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. નરેન્દ્રનાથ સ્કુલમાં વિદ્યાભ્યાસ દરમ્યાન પહેલેથી જ તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિનયન, સહિત્ય અને અન્ય વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા.તેમણે વેદ, ઉપનિષદો , ભગવદ્દગીતા , રામાયણ  મહાભારત અને પુરાણોમાં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા.

દક્ષિણેશ્વરના સંત રામકૃષ્ણ પરમહંસના સંપર્કથી એમની જીવન દ્રષ્ટિ બદલાઈ ગઈ.રામ કૃષ્ણ પરમહંસના તેઓ પટ્ટ શિષ્ય બની ગયા.માત્ર ૩૯ વર્ષની ટૂંકી જીવનયાત્રા દરમ્યાન એમણે કેટ કેટલું કાર્ય કરી બતાવ્યું ! હિંદુ ધર્મને જગતના અન્ય ધર્મોની હરોળમાં મુકીને વિશ્વ સમક્ષ હિંદુ ધર્મ,એના  સિધાંતો ,વેદાંત અને યોગ ઉપર પ્રવચનો કરીને આ વિષયના પ્રખર ચિંતક તરીકેની ખ્યાતિ  મેળવી. એમના ગુરુ રામ કૃષ્ણ પરમહંસ ૧૬મી ઓગસ્ટ ૧૮૮૬ ના રોજ ૫૦ વર્ષનું આયુષ્ય ભોગવી પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા.એમની યાદગીરીમાં એમણે  રામકૃષ્ણ મિશનની અને રામકૃષ્ણ મઠની સ્થાપના કરી.આ બન્ને સંસ્થાઓ આજે પણ સક્રિય છે .આ મિશન કેવળ ધર્મ પ્રચારના માધ્યમ તરીકેનું જ નહીં પણ સમાજ સેવા ,કેળવણી વિગેરેનું દેશ વિદેશમાં આજે સુંદર કાર્ય કરી સ્વામી વિવેકાનંદના મૌલિક વિચારોના અમુલ્ય વારસાને દીપાવી રહી છે..સ્વામી વિવેકાનંદે અમેરિકા અને ઈંગ્લેન્ડમાં સ્થાપેલ વેદાંત સોસાયટી પણ સક્રિય છે. વેદાંતનો દ્રષ્ટિકોણ સમજાવવા માટે એમણે વિદેશ યાત્રાઓ કરી અને અનેક સ્થળોએ પ્રવચનો આપ્યાં. 

અમેરિકામાં,સપ્ટેમ્બર 1983ના રોજ શિકાગોના આર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે ધર્મ સંસદમાં આપેલું એમનું પ્રવચન આજે પણ હિન્દુ ધર્મ અંગે જગતને પરિચય કરાવનાર એક સીમાચિહ્ન રૂપ પ્રવચન તરીકે પ્રખ્યાત છે.શરૂઆતમાં થોડો ગભરાટ અનુભવતા હોવા છતાં તેમણે વિદ્યાના દેવી સરસ્વતી ને પ્રણામ કરીને  “અમેરિકાના ભાઈઓ અને બહેનો!સાથે પ્રવચન શરૂ કર્યુ. આ શબ્દો માટે સાત હજારની મેદનીએ ઉભા થઈને બે મીનીટ સુધી તાળીઓ પાડીને તેમનું સન્માન કર્યુ . પોતાના આ વક્તવ્યમાં સૌથી યુવાન રાષ્ટ્રોમાંના એકનું અભિવાદન કરતાં તેમણે આ રાષ્ટ્ર વિશે જણાવ્યુ કે  વિશ્વમાં સાધુઓની સૌથી પ્રાચીન પરંપરા, વેદની સન્યાસી પરંપરા, ધર્મ કે જેણે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સદભાવ શીખવ્યો છે.આ સંદર્ભે ભગવદ ગીતાના બે ફકરા ટાંક્યા—”જેવી રીતે બે વિભિન્ન પ્રવાહોનો સ્રોત અલગ-અલગ ઠેકાણે હોય છે પણ તેનું પાણી સમુદ્રમાં ભેગુ થાય છે, તેવી રીતે હે પ્રભુ, માણસની વિવિધ પ્રથાઓ અલગ-અલગ ભલે લાગતી હોય, પરંતુ તે તમામ રસ્તાઓ તારા સુધી લઈ આવે છે!અને જે કોઈ પણ મારી પાસે આવે છે, ભલે ગમે તે સ્વરૂપમાં આવે, હું તેના સુધી પહોંચુ છું; તમામ પુરુષો સમગ્ર માર્ગ પર સંઘર્ષ કરતા રહે છે, પરંતુ આ તમામ રસ્તાઓ આખરે મારા સુધી લઈને આવે છે.વક્તવ્ય ટૂંકું હોવા છતાં, સંસદનો સાર તથા વસુધૈવ કુટુમ્બકમની ખરા દિલની ભાવના તેમાં અભિવ્યક્ત થતી હતી અને એટલે જ આજે બધા એને યાદ કરે છે. સ્વામી વિવેકાનંદે તારીખ ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ થી તારીખ ૨૭ સપ્ટેમ્બર ૧૮૯૩ દરમ્યાન શિકાગોમાં ધાર્મિક પરિષદમાં ભારતનું પ્રતિનિધીત્વ કર્યું હતું.  

સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મ પરીષદમાં ૧૧મી સપ્ટેમબર,૧૮૯૩ના રોજ આપેલ પ્રવચનનો વિડીયો સાંભળવા અને એમની વિવિધ તસ્વીરો  જોવા માટે માટેઅહીં ક્લિક કરો. 

શિકાગોમાં ધાર્મિક પરિષદમાં સ્વામી વિવેકાનંદે કરેલ વિખ્યાત છ પ્રવચનો નો અંગ્રેજીમાં પુરેપુરો પાઠ(TEXT) વાંચવા માટે અહીં ક્લિક કરો.

ભારતને કમજોર નહીં પણ શક્તિશાળી નાગરિકોની જરૂરત છે. “દેશને વીરોની જરૂર છે માટે મર્દ બનો અને પર્વતની જેમ અડગ રહો એમ યુવાનોને કહેતા.દેશની યુવા શક્તિને ઢંઢોળવાનું અગત્યનું કાર્ય એમણે કર્યું હતું .સ્વામી વિવેકાનંદ સ્પષ્ટ વક્તા હતા . એમના  વિચારો દરેકને અસર કરી જતા. એક જગાએ એમણે કહ્યું હતું કે “જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લુછી ન શકે અથવા નિરાધાર બાળકોને રોટી આપી નથી શકતો ,તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી.”વિવેકાનંદનો ઉપદેશ ખાસ કરીને યુવા વર્ગને ઉદ્દેશીને અપાયો છે .નવી પેઢીને ગુલામીનું માનસ ત્યજીને આત્મ વિશ્વાસથી કામ કરવાની પ્રેરણા એમણે આપી. શિસ્તની જરૂરીયાત ઉપર ભાર મુક્યો. એમના કેટલાક અસરકર્તા પ્રેરક વિચારોની ઝલક નીચે આપેલ છે. 

*  જેમ ગંદકીથી ગંદકી સાફ ન થાય તેવી રીતે ધિક્કારથી ધિક્કારદુર નથી થતો…મારી દ્રષ્ટીએ ભયથી મુક્તિ એ જ સર્વ શ્રેષ્ઠ ધર્મ છે.

તમે જ તમારા ભાગ્ય વિધાતા બનો .આ માટે જે શક્તિ અને સહાયતાની જરૂર પડે તે તમારી અંદર જ છે.

જેઓ બીજાને માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે બાકીના જીવતા  કરતાં મરેલા વધારે છે.

ક્રોધ સાધકનો શત્રુ છે .ક્રોધ કરવાથી શરીરના રોમે રોમમાંથી શક્તિનો વ્યય થાય છે.  

દંભી થવા કરતાં આખાબોલા નાસ્તિક થવું એ બહેતર છે.

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ . ખંતીલો માણસ કહે છે ; ‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાં સાથે જ પર્વતો કડકભૂસ થઈને તૂટી પડશે.આવા પ્રકારની શક્તિ પ્રાપ્ત કરો, આવા પ્રકારની ઇચ્છાશક્તિ દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો તમે ધ્યેયને  પામી શકસો.

પ્રાર્થનાથી માણસની સુક્ષ્મ શક્તિઓ સહેલાઈથી જાગ્રત કરી શકાય છે. પ્રાર્થના અને સ્તુતિ ઈશ્વર તરફના વિકાસ માર્ગના પ્રાથમિક સાધનો છે.

કાર્ય કરવું એ ઘણું સારું છે, પરંતુ તે વિચારોમાંથી આવે છે. માટે મસ્તિષ્કને ઉન્નત વિચારોથી, સર્વોચ્ચ આદર્શોથી ભરી દો; તેમને અહર્નિશ તમારી નજર સમક્ષ રાખશો તો તેમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે.

શ્વાસ જયારે ડાબા નસકોરામાંથી વહેતો હોય ત્યારે આરામ લેવાનો સમય છે. જમણાંમાંથી વહે ત્યારે કાર્ય કરવાનો સમય છે  અને બંનેમાંથી વહે ત્યારે ધ્યાનનો સમય છે એમ જાણવું.આપણે જયારે શાંત હોઈએ અને બંને નસકોરાંમાંથી સરખો શ્વાસ લેતા હોઇએ ત્યારે નીરવ ધ્યાન માટેની યોગ્ય સ્થિતિમાં છીએ તેમ માનવું. 

આવાં તો સ્વામી વિવેકાનંદનાં ઘણાં પ્રેરક વચનો એમનાં પુસ્તકો,પ્રવચનો ,લેખો ,પત્રો વિગેરે સાહિત્યમાં વિખરાયેલાં પડેલાં  જોવા મળે છે જે બધાં અહીં એક જ લેખમાં આપવાં અશક્ય છે.  

સ્વામી વિવેકાનંદે તા-૪થી જુલાઈ,૧૯૦૨ના રોજ એમના બેલુર મઠ ખાતે સમાધી લઇ પ્રાણ ત્યાગ કર્યો હતો.તેઓ ૩૯ વર્ષનું ટૂંકું પણ ખુબ જ ફળદાયી અને પ્રેરક જીવન જીવીને ઇતિહાસમાં અમર થઇ ગયા છે. 

સ્વામી વિવેકાનંદના પત્રો  

સ્વામી વિવેકાનંદ અમેરિકા વિશ્વ ધર્મ પરીષદમાં દેશના પ્રતિનિધિ તરીકે ગયા  ત્યારે એમને  ત્યાં જે પશ્ચિમ જગતના અનુભવ થયા એ વિષે એમણે મિત્રો,ગુરુ ભાઈઓ, શિષ્યો વિગેરેને અનેક પત્રો લખ્યા હતા .આ પત્રોમાં એમના વિદેશ અને દેશ અંગેના મનોમંથનોનું આપણને દર્શન થાય છે.

ગુજરાતના લોક પ્રિય લેખક-પત્રકાર અને વક્તા શ્રી જય વસાવડાએ સ્વામીજીના પત્રોમાંથી ચૂંટેલા ૧૨ પત્રોના અંશો એમના બ્લોગ PlanetJV ની પોસ્ટમાં મુક્યા છે એ મને ગમ્યા એટલે એને એમના આભાર સાથે અહીં મારા બ્લોગના વાચકોને વાંચવા માટે મુકું છું. સ્વામીજીને સાચી રીતે સમજવા માટે એમના આ પત્રો ખુબ ઉપયોગી થાય એવા છે. 

સ્વામી વિવેકાનંદના આ બધા ૧૨ પત્રો વાંચવા અહીં કિલક કરો. 

સ્વામી વિવેકાનંદ વિષે અંગ્રેજીમાં વધુ વિગતે જાણવાની જીજ્ઞાશા હોય તેઓ  વિકિપીડિયાની 

આ લિંક પર ઉપર જઈને જાણી શકશે. 

યુગ પુરુષ સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી જીવન તેમ જ ફક્ત ૩૯ વર્ષના ટૂંકા જીવનકાળ દરમ્યાન ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે એમણે કરી બતાવેલ અદભુત કાર્ય અને એમના વિચારો અંગે વાચકોને વિનોદ વિહાર બ્લોગની આજની પોસ્ટમાં રજુ કરેલ વિવિધ માહિતી પ્રેરક લાગશે એવી આશા છે.સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતિના શુભ પ્રસંગે એમને ભાવભીની સ્મરણાંજલિ અર્પતાં ખુબ જ આનંદની અનુભૂતિ કરું છું. સ્વામી વિવેકાનંદનો સંદેશ યુગો સુધી સૌને માર્ગદ ર્શન અને પ્રેરણા આપતો રહે. 

સ્વામી વિવેકાનંદનો યુવાનોને લલકાર

યુગ પ્રવર્તક વિવેકાનંદ બેલુર મઠમાં સાંજે ગંગા કિનારે ભ્રમણ કરી રહ્યા હતા.
યુવાન શિષ્યે પૂછ્યું ,”સ્વામીજી ,આપે આપની અસાધારણ વકૃત્ત્વ શક્તિથી યુરોપ અને આખા
અમેરિકાને આંજી નાખ્યું  , એ પછી આવીને આપની જન્મભૂમિમાં ચુપચાપ બેઠા છો.એનું શું કારણ ?
આચાર્યદેવ બોલ્યા ,”આ દેશમાં પહેલાં જમીન તૈયાર કરવી પડશે.પશ્ચિમમાં વાતાવરણ
અનુકુળ છે .અન્નના અભાવથી દુર્બળ દેહ ,મન તથા રોગ-શોકથી  પીડિત આ જન્મભૂમિમાં ભાષણ
આપવાથી શું થશે! પહેલાં કેટલાંક ત્યાગી યુવા પુરુષ મળે ,જે શિક્ષણ પુરું થયા પછી ઘેર-ઘેર
જઈને પરીવ્રજ્યા કરતાં કરતાં લોકોને વર્તમાન શોચનીય દશા સમજાવે, સાથોસાથ ધર્મનું મહાન
સત્ય પણ સમજાવે તો આ ભૂમિ જાગી ઉઠશે .કાળ -પ્રવાહને કારણે આવું દેખાય છે ,પણ સંસ્કારોથી
અનુપ્રાણિત ભૂમિ છે આ. જોતા નથી ,પૂર્વમાં અરુણોદય થઇ ચુક્યો છે .હવે સૂર્યોદય થવામાં વાર નથી.
તમે બધાં કમર કસીને મંડી પડો .જો એમ ન કરી શક્યા તો ધિક્કાર છે તમારા ભણતરને ,તમારા
વેદ-વેદાંત અને મઠોને .જગતમાં આવ્યા છો તો એક ચિન્હ છોડીને જાવ.”

સ્વામીજીની આ લલકાર વાણી આજે એમની ૧૫૦મી જન્મ જયંતી વેળાએ વધારે સામયિક બની છે. 

વિનોદ આર.પટેલ ,

સાન ડિયેગો,

તા-૧૨મી જાન્યુઆરી ,૨૦૧૨.

(સ્વામી વિવેકાનંદ- ૧૫૦મી જન્મ જયંતિ. )

____________________________________________________________

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

5 responses to “સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મ જયંતિ પ્રસંગે ભાવભીની સ્મરણાંજલિ

 1. Suresh Jani જાન્યુઆરી 14, 2012 પર 7:48 એ એમ (AM)

  એ જ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ વીરચંદ ગાંધીએ કર્યું હતું . અને તે પણ અમેરિકામાં બહુ જ પ્રતિષ્ઠિત થયા હતા. પણ સમાજના બહિષ્કાર અને ક્ષયની બિમારીને કારણે યુવાન અવસ્થામાં જ અવસાન પામ્યા; અને સાવ વિસરાઈ ગયા.
  તેમના જીવન અંગેનું નાટક ‘ ગાંધી બિફોર ગાંધી’ અમદાવાદમાં જોયું હતું .
  ગુજરાતને ગૌરવ અપાવે તેવી વ્યક્તિ હતા.

  Like

  • Vinod R. Patel જાન્યુઆરી 14, 2012 પર 8:19 એ એમ (AM)

   સુરેશભાઈ,પ્રતિભાવ માટે આભાર.

   આજથી સો કરતા પણ વધુ સમય પહેલાનો એ સમય હતો જ્યારે
   સ્વામી વિવેકાનંદ અને વીરચંદ ગાંધીએ ભારતની આધ્યાત્મિક વિરાસતનો પરિચય પશ્ચિમ જગતને
   કરાવીને દેશની મોટી સેવા કરી હતી.એ સમયે આપણા દેશના રૂઢીચુસ્ત માનસ ધરાવતા લોકો
   સમુદ્ર ઓળંગવાનું અધાર્મિક સમજતા હતા.ગાંધીજીને પણ આનો કડવો અનુભવ થયો હતો.એમને પણ
   લંડન બેરિસ્ટર થવા ગયા ત્યારે ન્યાત બહાર મુક્યા હતા.હવે સમય કેટલો બદલાઈ ગયો છે.!

   વિનોદ આર. પટેલ

   Like

 2. Pingback: (378)સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પ્રસંગે હાર્દીક ભાવાંજલિ | વિનોદ વિહાર

 3. અનામિક જાન્યુઆરી 11, 2019 પર 6:47 પી એમ(PM)

  સ્વામી વિવેકનંદ અદુનીય માં કેટલું જીવ્યા

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: