વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 15, 2012

મારા જીવનના અમૃતપર્વ પ્રસંગે……….. ( બે ચિંતન લેખો )

 ૧૫મી જાન્યુઆરી, ૨૦૧૨ ના રોજ  મારી ભાતીગર જીવન યાત્રાના ૭૫ વર્ષ પુરાં કરીને આ જીવન સધ્યાના અવનવા રંગો નિહાળતો આનંદપૂર્વક ૭૬મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું ત્યારે મારા મનમાં જાગેલ વિચારોને આજની પોસ્ટમાં મુકેલ આ ચિંતન લેખમાં રજુ કર્યા છે. 

જીવનના આ અમૃત પર્વ પ્રસંગે મારી જીવન કિતાબનાં પાછલાં પૃષ્ઠો ઉથલાવું છું ત્યારે મારા માનસ પટ ઉપર વીતેલા સમયનાં ચિત્રો તાદ્રશ્ય થાય છે.મનમાં થાય છે કે  જીવનમાં કેટલા ચઢાવ ઉતરાવ આવી ગયા! જીવનના તપતા લોખંડ ઉપર સંજોગોના હથોડા પડતા ગયા એમ જિંદગી આકાર લેતી ગઈ.સુખ, દુખ, આશા, નિરાશા, આનંદ અને શોકના પ્રસંગો આવ્યા અને ચાલ્યા ગયા. જીવનમાં આવેલી દરેક કસોટીનો કાળ વટાવ્યા પછી મનોબળ મજબુત થતું ગયું અને નવા નવા અનુભવો મેળવતી જિંદગીની રફતાર ચાલતી રહી.જીવનમાં ધૂપ-છાવ તો આવ્યાં જ કરવાનાં .આપણી વેદનાઓનો ક્રોસ આપણે જ ઉચકવાનો હોય છે.મજબુત મનોબળ અને આંતરિક હિમ્મત એજ સંજોગો પર સવાર થવા માટેનો એક માત્ર ઉપાય છે.હિમ્મત હારવાથી કશું વળતું નથી.કવિ ઉમાશંકર જોશીના શબ્દોમાં કહું તો”ત્રણ વાનાં મુજને મળ્યાં ,હૈયું,મસ્તક, હાથ, બહું દઈ દીધું નાથ,જા ચોથું નથી માગવું.”   

ગત સમયમાં મારા જીવનમાં અગત્યનો ભાગ ભજવનાર અને મને અત્યંત પ્રેમ આપનાર સૌથી પ્રથમ ૧૯૯૨માં મારાં ધર્મ પત્ની કુસુમ,ત્યાર પછી ૧૯૯૫મા મારાં માતા શાંતાબેન બન્ને અમદાવાદમાં અને છેલ્લે ૨૦૦૭માં પિતાશ્રી રેવાભાઈ સાન ડિયેગોમાં,અમેરિકામાં  મારી નજર સમક્ષ મેં ગુમાવ્યાથી મારા હૃદયના એક ખૂણામાં જે ખાલીપો સર્જાયો છે એ પુરી ન શકાય એવો છે. પ્રેમ, લાગણી અને ત્યાગના ત્રિવેણી સંગમ સમાં આ ત્રણ દિવ્યાત્માઓનો હું ઘણો ઋણી છું.એમના સહવાસમાં પસાર કરેલા એ ભવ્ય ભૂતકાળના દિવસોની અને મારા જીવન ઉપરના એમના અગણિત ઉપકારોની યાદ તાજી કરતાં આજના પ્રસંગે એ  દિવ્યાત્માઓને ભાવભીની સ્મરણાંજલિ અને શ્રધાંજલિ અર્પું છું. 

સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ શારીરિક,માનસિક,આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાં સ્થિરતા મેળવે છે.મનમાં કોઇપણ પ્રકારના રાગ,દ્વેષ,ક્રોધ,લોભ,માયા,મમતાથી ધીમે ધીમે પર થઇ શાંત અને સુખી જીવન જીવી શકાય છે. ભગવાન ઉપર મને અપાર શ્રધા છે.મને  હંમેશા એમ લાગ્યા કર્યું છે કે જ્યારે જ્યારે મારા જીવનમાં કોઈ કસોટીનો પ્રસંગ આવ્યો,જ્યારે હિમ્મત હારીને બેસી ગયો એવા વખતે કોઈ  અદ્રશ્ય દિવ્ય શક્તિએ હિમ્મત આપીને મને બેઠો કરી મારો માર્ગ સરળ બનાવ્યો છે. ગીતા જેવા સદગ્રંથોના વાચને મારા મનોબળને  મજબુત કરવામાં અગત્યનો ફાળો આપ્યો છે. 

સમય જતાં કદાચ શરીર મનની વૃતિઓને સાથ આપવા જેટલું સક્ષમ ન પણ રહે ,એની ચિંતા કર્યા સિવાય જે પળ જીવતા હોઈએ  એને સારી રીતે જીવી જાણવી એમાં જ આનંદની અનુભતી છે.મારા આ બ્લોગના પેજ ઉપર મારા પરિચય નીચે મુકેલ મારા કાવ્ય” મને શું ગમે ?” ની અંતિમ ક્ડીયોમાં મેં કહ્યું છે એમ-

ભૂતકાળની ચિંતાઓ અને ભાવિની શંકાઓ ત્યજી
વહેતા ઝરણાની જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું મને ગમે.

આ જીવન મહોત્સવની હર પળ મોજથી માણીને
જોશથી જીવન જીવી જવાનું મને બહું ગમે.

કવિ શ્રી સુરેશ દલાલે પણ એમની આ પંક્તિઓમાં સરસ કહ્યું છે કે-

સોનામાં શોધવો સોનાના ઘાટને,

નભ તો વિરાટ છે,

આંખ- કાન ખુલ્લાં ને પૃથ્વી પર ફરવું,

લયમાં વિહરવું, ને શબ્દોમાં ઠરવું.

જીવન સંધ્યાનો આ સમય છે આત્મ ખોજનો સમય.આ સોનેરી સમયની હરેક પળને આનંદથી જીવવા નિવૃતિને મનગમતી પ્રવૃતિમાં અને ધર્મની સાથે કર્મને જોડવાથી પાછલી જિંદગી રસમય બની શકે છે.કવિ શ્રી ઉમાશંકરે એમના એક લેખમાં લખ્યું  કે-“કાર્ય વગરની ભક્તિ વેવલાઈરૂપ બની જાય છે .ગાંધીજી જેવાનું જીવન અવલોકીએ છીએ ત્યારે જણાય છે કે આપણે તો આળસી ગયા ,તંદ્રામાં ડૂબ્યા ,ગાફેલિયતમાં  પડ્યા અને એ તો લાકડીને ટેકે એક એક ડગલું ચાલતા જ રહ્યા .આપણે તો જોતા જ રહીએ છીએ અને એવા પ્રભુના બંદા તો જોતજોતામાં ડગલું ડગલું કરતા માનવતાની એવરેસ્ટ ઊંચાઈએ પહોંચે છે.”   

અંતે,મારા પ્રત્યે સ્નેહ દર્શાવી અને સહકાર આપી મારી જિંદગીને સહ્ય અને સરળ તથા  નિવૃતિના આ દિવસોને રસમય અને આનંદમય બનાવવામાં અગત્યનો ફાળો આપનાર મારાં સંતાનો,ભાઈઓ ,બહેનો ,અન્ય કુટુંબીજનો,મુરબ્બીઓ અને મિત્રો,નવા બ્લોગર મિત્રો સહીત, સૌનો મારા જીવનના આ અમૃત પર્વે ખાસ યાદ કરીને ,હૃદયથી આભાર માનું છું.

તા-જાન્યુઆરી ૧૫,૨૦૧૨.                                        વિનોદ આર. પટેલ      

_______________________________________________________________  

ક્રીસમસ ૨૦૧૧ વખતે પાડેલો  

વિનોદભાઈ અને એમનાં  ૬ પૌત્રો–પૌત્રીઓ સાથેનો ફોટો .

 ડાબેથી-હેતલ,પ્રિયા,અર્જુન,મીરા ,વિનોદભાઈ,રૂબીન અને એરન.  

__________________________________________________________

જીવન કિતાબના પૃષ્ઠોનું અવલોકન          (ચિંતન લેખ )             લેખક- વિનોદ પટેલ

 “જીવન કિતાબના પૃષ્ઠોનું અવલોકન” એ નામનો મારો  એક લેખ અમદાવાદના ધરતી માસિકમાં છપાએલો,એ વાંચવા માટે અહીં ક્લિક કરો.

 મુજ જીવન પંથ ઉજાળ

કવિ નરસિંહરાવ દિવેટીયાનું કાવ્ય-પ્રાર્થના  “મુજ જીવન પંથ ઉજાળ”એ ગાંધીજીએ આ કવિ પાસે એમને ગમતી કાર્ડીનલ ન્યુમેનની મૂળ પ્રાર્થના “લીડ કાઈન્ડલી લાઈટ “ ઉપરથી કરાવેલો સુંદર અનુવાદ છે ,જેને માઢ રાગમાં સારી રીતે ગઈ શકાય છે.ગાંધીજીના સાબરમતી આશ્રમમાં દર શુક્રવારે સાંજે આ ભજન ગવાતું.હાઈસ્કુલમાં અભ્યાસ કરતો હતો ત્યારથી મને આ ભજન બહું ગમે છે .અમૃત પર્વને અનુરૂપ આ ભજન આખેઆખું અહીં મુક્યું છે .આ પ્રાર્થનામાં અંકિત થયેલ એક ભક્ત હૃદયની આરતનો અનુભવ કરવાનું તમને જરૂર ગમશે.  

 પેમળ જ્યોતિ તારો દાખવી

મુજ જીવનપંથ ઉજાળ.

દુર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર ,

માર્ગ સુજે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ ,

                         મારો જીવનપંથ ઉજાળ….૧. 

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ ,દુર નજર છો ન જાય,;

દુર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય ,

                       મારે એક ડગલું બસ થાય …૨ . 

આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર ,

આપબળે માર્ગ જોઈને ચાલવા હામ ધરી મૂઢ બાળ ,

                       હવે માંગુ તું જ આધાર …૩. 

ભભક ભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ ,

વીત્યાં વર્ષો ને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વ ,

                      મારે આજ થકી નવું પર્વ ….૪ . 

તારા પ્રભાવે નિભાવ્યો મને,પ્રભુ,આજ લગી પ્રેમભેર ,

નિશ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર ,

                      દાખવી પ્રેમળ જ્યોતિની સેર …૫. 

કર્દમ ભૂમિ કળણ ભરેલી, ને ગિરિવર કેરી કરાડ ,

ધસમસતા જળ કેરા પ્રવાહો ,સર્વ વટાવી કૃપાળ,

                    મને પહોંચાડશે નિજ દ્વાર …. ૬. 

રજની જશે ને પ્રભાત ઉજળશે , ને સ્મિત કરશે પ્રેમાળ ,

દિવ્યગણોનાં વદન મનોહર મારે હૃદય વસ્યાં ચિરકાળ,

                     જે મેં ખોયાં હતાં ક્ષણવાર…૭. 

                            —-કવિ નરસિંહરાવ દિવેટીયા

______________________________________________________________________ 

QUOTES  OF  MAHATMA  GANDHI 

 મિત્ર શ્રી વિપુલ દેસાઈએ મને ઈ-મેલમાં મોકલેલ, Quotes Of Mahatmaa Gandhi, નો  વિડીયો માણવા  અહી ક્લિક કરો.

(Full Screen ઉપર જોવાથી Quotes  સારી રીતે વાંચી શકાશે ).