વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 23, 2012

ઘરડાં મા-બાપની સામાજિક સમસ્યા

ઘરડાં મા-બાપની સામાજિક સમસ્યા

આપણી હિંદુ સંસ્કૃતિમાં” માત્રુદેવો ભવ,પિતૃ દેવો ભવ “ ની આદર્શ ભાવના સૈકાઓથી પ્રચલિત થયેલી છે.ભારતમાં અમે ભણતા ત્યારે શાળામાં વિદ્યાર્થીઓને શ્રવણ એનાં આંધળા મા-બાપને કાવડ ઉપર ખભે ઉપાડીને જાત્રા કરાવે છે એ વાર્તા કહીને મા -બાપની સેવા કરવાના પાઠ શીખવવામાં આવતા અને હાલ પણ શીખવાતા હશે જ એવું આપણે માની  લઇએ.એમ છતાં હાલના જમાનામાં ભારતીય સંસ્કૃતિનાં પાયાનાં મૂલ્યો ભુલાતાં જતાં હોય એવું કોઈવાર સમાજમાં જે દ્રશ્યો આપણે જોઈએ છીએ એ ઉપરથી લાગ્યા વગર રહેતું નથી. ઘરડાં મા-બાપની સમસ્યાઓને ઉજાગર કરતી, અમિતાભ બચ્ચનની યાદગાર અદાકારી વાળી ફિલ્મ બાગબાન જેવી ઘણી ફિલ્મો પણ બની ચુકી છે,અનેક નવલકથાઓ,કાવ્યો, વાર્તાઓ ,ભજનો-ગીતો લખાયા છે, જેણે આ સમસ્યા ઉપર આપણું   ધ્યાન દોર્યું છે.પૂજ્ય પુનીત મહારાજનું જાણીતું ભજન “ભૂલો બધું પણ માં -બાપને ભૂલશો નહી ,અગણિત છે ઉપકાર તેમના ,એહ વાત વિસરશો નહી ” એ આખું ભજન ઠેર ઠેર ગવાતું તમે સાંભળ્યું પણ હશે.      

આ સંદર્ભમાં,મારા હ્યુસ્ટનમાં રહેતા અને ૧૯૫૯-૧૯૬૨માં અમે કઠવાડા-અમદાવાદ ખાતે જોબ કરતા હતા ત્યારથી મૈત્રી સંબંધથી બંધાએલા શ્રી પદ્મકાંત ખંભાતીએ એમના ઈ-મેલમાં આજની આ ઘરડાં મા-બાપની સમસ્યા ઉપર એક સુંદર આપણને બે ઘડી વિચારતા કરી મુકે એવો અસરકારક લેખ ફોરવર્ડ કર્યો છે .

આ લેખના લેખક શ્રી  દીનેશ પાંચાલનો  અને ઈ-મેલમાં આ લેખ મને ફોરવર્ડ કરવા માટે શ્રી ખંભાતીનો ,એમ બન્નેના આભાર સાથે આજની પોસ્ટમાં સૌ વાચકોને વાંચવા અને વિચારવા માટે નીચેનો લેખ મુકેલ છે.આશા છે આપને એ જરૂર ગમશે.

                                            સંકલન  — વિનોદ આર. પટેલ

___________________________________________________________________

ઘરડાં મા-બાપની એક સામાજિક સમસ્યા

હમણાં એક મિત્રની ખબર કાઢવા હૉસ્પિટલ જવાનું બન્યું. ત્યાં 80 વર્ષના એક બીમાર વૃદ્ધે આંખમાં ઝળઝળિયાં સાથે કહ્યું, ‘મારે બબ્બે દીકરા હોવા છતાં મારી સેવાચાકરી નોકર કરે છે. આઝાદીની લડાઈમાં અંગ્રેજોની બેસુમાર લાઠીઓ ખાધા પછી હું અડીખમ રહ્યો હતો. પરંતુ મારા ખુદના લોહીએ જે મૂઢ માર માર્યો છે તેની વેદનાથી હું ભાંગી પડ્યો છું. આ ઉંમરે સમજાય છે કે, એકાદ શ્રવણ જેવો દીકરો હોય તો ઘડપણની લાજ રહે…. નહીંતર આવા દીકરાઓ તો દસ હોય તોય બાપની લાશ રઝળી જાય….!’ કમનસીબે આ વૃદ્ધની વેદના આજે ઘરઘરની કહાણી બની ગઈ છે. હમણાં એક દીકરાએ માબાપ જોડે લડીને ઘરમાં અલગ ચૂલો માંડ્યો. એના લગ્ન થયાને આઠેક મહિના થયા હતા. બધાંએ બહુ સમજાવ્યા, પણ દીકરો – વહુ અલગ થઈને જ જંપ્યા. તેમના ઘરડા માબાપને વા, બ્લડપ્રેશર, સુગર, મોતિયો વગેરેની તકલીફ. પણ રડતા હૃદયે એમણે વહુ-દીકરાની જીદ સામે ઝૂકવું પડ્યું. આજે સ્થિતિ એવી છે કે કમરેથી વળી ન શકે એવી વૃદ્ધ માતાએ ચૂલામાં ફૂંક મારવી પડે છે. અને બાથરૂમ સુધી જવામાંય મુશ્કેલી પડે એવા વૃદ્ધે ડગુમગુ ચાલીને શાકભાજી માટે બજાર સુધી આવવું પડે છે. આવું નિહાળ્યા પછી સમજાય છે કે – ‘દીકરા સમા કોઈ દેવ નહીં, અને દીકરા સમા કોઈ દુશ્મન નહીં !આ પણ ભારતીય સંસ્કૃતિની જ એક તાસીર છે. 

નવી પેઢી વૃદ્ધોને તરછોડે છે એ નિર્વિવાદ હકીકત છે. ઘણીવાર એવું ય જોવા મળે છે કે, બે દીકરાઓ લડીને અલગ થઈ જાય અને ઘરવખરી ભેગી મા-બાપની ય વહેંચણી કરી લે. એક દીકરો મુંબઈ રહેતો હોય, બીજો અમદાવાદ. ઘડપણમાં દીકરાઓને વાંકે સારસ બેલડી જેવા વૃદ્ધો એકમેક વિના ઝૂરીઝૂરીને મરે ! દીકરા વહુને મૃત્યુપર્યંત માવતરના અસલી રોગની ખબરે ના પડે ! તેમને કોણ સમજાવે કે ઘરડી ઉંમરનો વિરહ કેન્સર કરતાંય વધુ ભયંકર હોય છે. સોમાંથી સીત્તેર ઘરોમાં એવું થાય છે કે, ઘરમાં વહુ આવી નથી કે ચૂલા અલગ થયા નથી! ચૂલા અલગ ન થાય તોય મન તો અલગ થઈ જ જાય છે. દીકરો સજ્જન હશે તો અલગ રહ્યા પછીય માવતરની દેખભાળ રાખશે અને દુષ્ટ હશે તો જિંદગીભર સાથે રાખીનેય શાંતિથી બટકું રોટલો ખાવા નહીં દે. દરેક વહુ પોતાની સાસુને રિવાજ મુજબ મમ્મી કહેતી હોય છે પણ માનતી નથી હોતી. બલકે કેટલીક વહુઓને તો સાસુઓની એવી એલર્જી હોય છે કે ઘરમાંથી તેન?? કાંટો કાઢીને જંપે છે.


ક્યાંક એક વાર્તા વાંચવા મળી હતી. એક લડાયક સ્ત્રી પોતાના પતિની ઉપરવટ જઈને સાસુને ઘરડાઘરમાં મૂકવા જાય છે. પણ ત્યાં એ જુએ છે કે પોતાની માતાને લઈને એની ભાભી પણ ત્યાં ભરતી કરાવવા આવી હતી. તે નિહાળી એને હૈયે ચોટ પહોંચે છે. અને પોતાની ભૂલ સમજાય છે. એવી એક અન્ય વાર્તા ટીવી પર જોવા મળી હતી. પોતાની ઘરડી સાસુ પર જુલમ ગુજારતી એક માથાભારે વહુ રોજ ઍલ્યુમિનિયમની કાણી થાળીમાં સાસુને ખાવાનું આપતી હતી. વહુનો નાનો દીકરો રોજ એ જોતો. એક દિવસ દીકરાએ થાળી સંતાડી દીધી. વહુએ તે જોઈ પૂછ્યું. બેટા, થાળી કેમ સંતાડે છે?’દીકરો જવાબ આપે છે–‘મમ્મી, આ થાળી હું તારે માટે સાચવી રાખીશ. તું દાદી જેવી ઘરડી થશે ત્યારે હું પણ તને આજ થાળીમાં ખાવાનું આપીશ !

સત્ય એ છે કે આજે આપણે વડીલો સાથે જે રીતે વર્તીશું તે રીતે આપણા સંતાનો આવતી કાલે આપણી સાથે વર્તશે. અજાણપણે તેમને આપણા વર્તનમાંથી એવા સંસ્કાર પ્રાપ્ત થાય છે. એથી ઘડપણમાં શીતળ છાંયડો ઈચ્છતા હો તો આંગણે આસોપાલવ રોપવો રહ્યો. બાવળ રોપીશું તો કાંટા જ પ્રાપ્ત થશે.


આપણી ધર્મપ્રધાન સંસ્કૃતિમાં ભગવાનની લળીલળીને પૂજા કરાય છે. ભલે કરાતી….. પણ જેમને સેવાની સાચી જરૂર છે એવા વૃદ્ધોની અવહેલના ના થવી જોઈએ. ઘરડા બાપને પાંચ વારનું પોતિયું ન પહેરાવી શકતો દીકરો કૃષ્ણની મૂર્તિને જરકસી જામા અને પિતાંબર પહેરાવે છે. બાપને જીવતા જીવત પાશેર ખમણ ન ખવડાવી શકતો દીકરો તેના મૃત્યુ પછી નાતને મણના લાડુ જમાડે છે. આ બધું ત્યજવા જેવું છે. માવતરને જીવતા જીવત જે સુખો આપશો તે જ તેને મળશે. તેના મૃત્યુ બાદ ગાય કાગડાને શ્રાદ્ધનો વાસ નાખવાનો કોઈ ફાયદો નથી. સમજદાર દીકરાઓ માને છે, બાપના મર્યા બાદ જ્ઞાતિને લાડુને દૂધપાક જમાડવાને બદલે આખી જિંદગી માબાપને જ મિષ્ઠાન્ન જમાડીશું તો શ્રાદ્ધની જરૂર જ ના રહે. લોકો બે પાંચ હજાર રૂપિયાનું સાગ સિસમનું મંદિર ઘરમાં વસાવે છે. અને તેમાં ચોવીસ કલાક ઈલેક્ટ્રિક દીવડો જલતો રહે એવી વ્યવસ્થા કરીને ખુશ થાય છે. પરંતુ ચોવીસ કલાક માબાપનો જીવ જલતો રહે તેવી રીતે જીવવાનું બંધ નથી કરતા. જે ઘરમાં વડીલો રિબાતાં હોય તે ઘરમાં માણસોને મંદિરમાં પ્રવેશવાની સખત મનાઈ ફરમાવવી જોઈએ. મારું ચાલે તો એવી વ્યવસ્થા કરું, જ્યાં મંદિરમાં પ્રવેશતા પૂર્વે એવા માણસો પાસેથી તેમના વડીલોનું એન.ઓ.સી. (નો ઓબ્જેકશન સર્ટિફિકેટ) માંગવામાં આવે. એક દીકરાને હું ઓળખું છું. જે બીમાર બાપને કેપ્સ્યુલ ગળવા પાશેર દૂધ આપવામાં કંજુસાઈ કરે છે,પણ શિવલિંગ પર રોજ શેર દૂધનો અભિષેક કરે છે. (દેશમાં કોણ જાણે કેટલાંય શિવલિંગો એ રીતે અપવિત્ર બનતા હશે.)આવી ભક્તિથી કદી કોઈ ભગવાન રાજી ન થાય. 

આથમતી અવસ્થામાં વૃદ્ધોને પૈસા કરતાંય સંતાનોના સ્નેહ અને હૂંફની વિશેષ આવશ્યકતા રહેતી હોય છે એ વાત એંશીની ઉંમરે પહોંચ્યા બાદ,જાતે અનુભવ્યા પછી જ સ્વીકારીશું એવી જીદ ના પકડીએ? સુસંસ્કારની જ્યોત આજે આપણા કુટુંબમાંજલાવીશું તો ભવિષ્યમાં આપણું ઘડપણ રળિયાત થશે. સીધો દેશી હિસાબ છે. આપણા સંતાનો આપણને ઍલ્યુમિનિયમની કાણી થાળીમાં ખાવાનું ન આપે એવું આપણે ઈચ્છતા હોઈએ તો આજે જ એ થાળી ફગાવી દઈએ. ન રહેગા બાંસ ન બજેગી બાંસૂરી…!(લેખક-  દીનેશ પાંચાલ અને રીડ ગુજરાતી.કોમ નાં સૌજન્યથી )

________________________________________________________________

વૃક્ષ એક જ સેંકડો ફળનું જતન કરતું રહ્યું.
સેંકડો ફળથી જતન એક જ વૃક્ષ કેરું ના થયું.
એક પોષે છે, પિતા બેચાર પુત્રોને છતાં;
સર્વ પુત્રોથી જતન એક જ પિતાનું ના થયું.

– અંબાલાલ ડાયર

ત્વમેવ માતા, ચ પિતા ત્વમેવ

ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ

ત્વમેવ વિધા, દ્રવિણમ્ ત્વમેવ

ત્વમેવ સર્વમ્ મમ દેવ દેવ

___________________________________________________________________

ઉપરના લેખના સંદર્ભમાં સપ્ટેમ્બર ૨૨,૨૦૧૧ના રોજ આ બ્લોગમાં પોસ્ટ કરવામાં આવેલ

એક વૃદ્ધ શિક્ષકના જીવનની કરુણ કથા કહેતી મારી એક વાર્તા  “પત્ની છાયા” ને

 વાંચવા માટે અહીં ક્લિક કરો.

________________________________________________________________

ઉપરનો લેખ અને મારી વાર્તા- પત્નીછાયા- વાંચીને એમ માની લેવાની જરૂર નથી

કે આજે સમાજમાં બધાં જ સંતાનો મા-બાપને પ્રેમ નથી કરતાં,તિરસ્કારની દ્રષ્ટિથી

જુએ છે કે માનસિક સંતાપ આપે છે.આ લેખમાં જે દ્રષ્ટાંતો રજુ કર્યા છે એ

સમાજમાં અલપ ઝલપ બનતા બનાવો માત્ર છે.

આજે સમાજમાં સમજુ સંતાનો છે અને સમજુ મા-બાપ પણ હોય છે એવી સિક્કાની

બીજી બાજુને રજુ કરતી જાણીતા લેખિકા શ્રીમતી અવંતિકા ગુણવંતની  એક સુંદર

વિચાર પ્રેરક સામાજિક વાર્તા હવે પછીની પોસ્ટમાં વાંચવા માટે રાહ જોવા વિનંતી.

સંકલન -વિનોદ આર.પટેલ