વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 30, 2012

ગરીબોના બેલી મહાત્મા ગાંધીની પુણ્યતિથીએ એક ભાવાંજલિ

૩૦મી  જાન્યુઆરી, ૧૯૪૮ નો દિવસ એટલે દેશ માટે એક મહાત્માએ આપેલ શહીદીનો દિવસ.

આ એ ગોઝારા શુક્રવારનો દિવસ હતો જે દિવસે લોકોના લાડીલા નેતા મહાત્મા ગાંધીએ એક પાગલ હત્યારાની ત્રણ ગોળીઓનો ભોગ બની દેશ માટે પ્રાણ આપી આ ફાની દુનિયામાંથી વિદાય લીધી હતી.આ અહિંસાના પુજારી અને એક નાના જંતુની પણ હિંસા સાંખી ન શકે એવા શાંતિના દૂતનો પ્રાણ એક દેશવાસી અને સહધર્મી લે એ વિધિની કેવી વિચિત્રતા કહેવાય !

દુનિયાના કરોડો લોકોએ આ ૭૮ વર્ષના ફકીરની વિદાયથી પોતાનું જ સ્વજન ગુમાવ્યું હોય એમ આંસુ ભરી શોકાંજલિ અર્પી હતી.એમના જીવન અને કાર્ય અંગે કેટકેટલું અનેક લેખકો દ્વારા લખાયું છે !એમના સત્ય અને અહિંસાના વિચારો આજના સમયે પણ એટલા જ સાર્થક  છે.ડો.માર્ટીન લ્યુથર કિંગની આગેવાની હેઠળ લડાયેલ અમેરિકાની અહિંસક સામાજિક ક્રાંતિમાં ગાંધી વિચારોની અસર ચોખ્ખી જણાઈ આવે છે.એક મોહનમાંથી મહાત્મા સુધીની એમની જીવન યાત્રા અદભુત છે.મારું જીવન એ જ મારો સંદેશ છે એમ એ કહેનાર ગાંધી ભલે સદેહે ન હોય પણ અક્ષર દેહે સચવાએલા એમના વિચારો અમર રહેવા સર્જાયા છે.આ ગાંધી વિચારો યુગો સુધી વિશ્વને પ્રેરણા આપતા રહેશે.

કોમી એખલાસ માટે એમણે પોતાના જીવનની આહુતિ આપી હતી.ઝુંપડીમાં રહીને દેશ સેવા કરનાર એક માત્ર પોતડી ધારી ગાંધી હતા .ગાંધીજી માનતા હતા કે સ્વરાજ્ય મળ્યાનાં ફળ જ્યાં સુધી દેશના છેવટના માણસ સુધી ન પહોંચે ત્યાં સુધી ખરું સ્વરાજ્ય મળ્યું ન કહેવાય.ગરીબોને એમણે દરિદ્ર નારાયણનો દરજ્જો આપ્યો હતો.સમાજના કચડાયેલ દલિત વર્ગને એમણે હરિજનનું બિરુદ આપી સન્માન કરી એમને ન્યાય મળે એ માટે જીવનભર કામ કર્યું હતું.મહાદેવ દેસાઈના સુપુત્ર જાણીતા ગાંધીવાદી શ્રી નારાયણ દેસાઈએ સુંદર લખ્યું છે :”ગાંધીનું જીવન એટલે શ્રધા અને પુરુષાર્થનું જીવન.કચડાયેલી ,લગભગ ગુંગી એવી દક્ષીણ આફ્રિકાની હિન્દી કોમ અને હિન્દુસ્તાનની આખી કોમને એમણે અભય આપ્યો.ગાંધીનો રસ્તો એટલે અન્યાયી વ્યવસ્થા સામે જંગ માંડતો પણ એ વ્યવસ્થાનો શિકાર બનેલ વ્યક્તિ સાથે વિશ્વાસ અને સ્નેહ સાધતો માર્ગ હતો.આજે વિશ્વની વ્યવસ્થામાં ઠેર ઠેર અન્યાય મો વકાસીને ઉભો છે .એની સામે એની જ રીતે લડવાને બદલે એમાં સપડાયેલ સમુહને બચાવી લેવાની દ્રષ્ટીએ જે આગળ વધશે ,તે કદાચ સફળ થશે.”

લોકો એમને મહાત્મા કહે એ ગાંધીજીને પસંદ ન હતું.એ કહેતા”હું તો અલ્પ પ્રાણી છું.તમે મને મહાત્મા માનો છો એનું કારણ ગરીબમાં ગરીબ માટે રહેલો મારો અગાધ પ્રેમ છે. ગમે તે થાય તો પણ ચીંથરેહાલનો તો મારાથી કદી ત્યાગ ન જ થઇ શકે .તેથી જ તમને લાગે છે કે ગાંધી કઈક કામનો માણસ છે.ત્યારે મને ચાહનારા સૌની પાસે હું એ માગું છું કે તમે મારા માટે પ્રેમ ધરાવો છો તો જેમને માટે હું પ્રેમ ધરાવું છું તે ગામડાંના લોકોને અન્નવસ્ત્ર મળ્યાં વિના ન રહે એવી કોશિશ કરો.”ગાંધીજી માનતા હતાં કે તેઓ એવા દેશનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં મોટા ભાગના માણસો ગરીબ છે.એટલા માટે જ તેઓ ગોળમેજી પરીષદમાં લંડન ગયા ત્યારે એમના હંમેશ મુજબના સાદગી ભર્યા પોષક ધારણ કરવાની એમને  કોઈ નાનમ રાખી ન હતી.એ વખતે વિન્સ્ટન ચર્ચિલે “નેકેડ ફકીર ઓફ ઈન્ડિયા” એમ કહીને એમની ટીકા કરી હતી.ગાંધીજી ગરીબો માટે પોતાના દિલમાં કેટલે દરજ્જે ખ્યાલ રાખતા હતા એનો એક પ્રસંગ આજના નેતાઓએ પ્રેરણા લેવા જેવો છે.

એક વખત મહાત્મા ગાંધી એમના અનુયાયીઓ અને સાથીઓ સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા  ત્યારે પ્લેટફોર્મ ઉપરથી ટ્રેનમાં ચડતી વખતે એમનું એક ચમ્પલ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની  ખાલી જગ્યામાં પડી ગયું.ગાડી ઉપડવાની તૈયારી હતી.પડી ગયેલું ચમ્પલ પાછું મળે એમ ન હતું.આ સંજોગોમાં એક ઘડીનો પણ વિલંબ કર્યા વગર જે જગાએ ચમ્પલ પડી ગયું હતું તે જ જગાએ  ગાંધીજીએ એમનું બીજું બચી ગયેલું ચમ્પલ હાથમાં પકડીને ફેંકી દીધું. આશ્ચર્યમાં ગરકાવ થયેલા એમના સાથીઓને એમણે સમજાવ્યું “કોઈ ગરીબ માણસને જો એક ચમ્પલ હાથમાં આવે તો એના કોઈ કામમાં ન આવે પણ જો બે ચંપલની જોડ એના હાથમાં આવે તો એનો ઉપયોગ કરીને રાજી થાય.!”

ભારતને સ્વરાજ્ય મળ્યાને આજે ૬૫ વર્ષના વહાણાં વહી ગયાં છે અને છતાં હજુ દેશમાંથી ગરીબીના શરમજનક દ્રશ્યો દુર થયા નથી.ગાંધીજીની ટ્રસ્ટી શિપની ભાવનાનો લોપ થયો છે.ગરીબ અને તવંગર વચ્ચેની ખાઈ વધતી જાય છે.ફક્ત એકસો માણસો પાસે દેશની ૫૫% સંપતિ કેન્દ્રિત થઇ છે.ગાંધીજીનો સેવાનો મંત્ર આજે ભૂલાઈ ગયો છે.ગાંધીજીના જેવી દરિદ્રોની ચિંતા કરતા હોય એવા નેતાઓ આજે દેશમાં દીવો લઈને શોધવા જઈએ તો પણ મળે એમ છે ?મહેલોમાં મ્હાલતા અને વિમાનોમાં ઉડતા આજના કહેવાતા નેતાઓ,દુરાચારો અને ભ્રષ્ટાચાર આચરીને ગાંધીના રૂડા નામને લજવી રહ્યા છે.પોતાનાં ખિસ્સાં ભરવામાં પડેલા નેતાઓને ગરીબોની ચિંતા કરવાનો સમય ક્યાં છે ? ગઝલકાર શેખાદમ આબુવાલાએ આજના નેતાઓ માટે કટાક્ષ કરતાં કહ્યું છે કે “ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું ?ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો !કેવો તું કિંમતી હતો,સસ્તો બની ગયો !.”  

એમના કર્મયોગી જીવનથી તેઓ વિશ્વ વિખ્યાત બન્યા હોવા છતાં ગાંધીજીમાં ભારોભાર નમ્રતા ભરી હતી.એમની આત્મકથા સત્યના પ્રયોગોમાં એમણે કહ્યું છે :”મને મહાત્માનું પદ મળ્યું છે એની કિંમત જુજ છે.એ વિશેષણથી હું ફુલાઈ ગયો હોઉં એવી એક ક્ષણ મને યાદ નથી .જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું ,મારા ભૂતકાળના જીવન ઉપર દ્રષ્ટિ નાખતો જાઉં છું ,તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું. “

આવા નિર્મોહી દેશનેતા અને જગતમાં ભૂતકાળમાં થઇ ગયેલ અનેક મહાત્માઓની હારોહાર મૂકી શકાય એવા પ્રાતઃસ્મરણીય મહાન વિભૂતિ મહાત્મા ગાંધીજીની પુણ્યતિથીના આજના દિવસે એમને અંતરમાં પ્રણામ કરીને એમને  આપેલ ભાવભરી સ્મરણાંજલિનો વિનોદ વિહારની આજની પોસ્ટનો મારો આ લેખ આપને જરૂર ગમ્યો હશે. 

જાન્યુઆરી ૩૦,૨૦૧૨.                                                  -વિનોદ આર. પટેલ

_______________________________________________________________________

વિશ્વના એક પ્રખર વૈજ્ઞાનિક તરીકે પોતાનું નામ અમર કરી ગયેલ આઈનસ્તાઈને ગાંધીજીના વ્યક્તિત્વને નીચે મુજબ સુંદર શબ્દોમાં ભવ્ય અંજલિ અર્પી છે :  

Einstein on Gandhi

Mahatma Gandhi’s life achievement stands unique in political history. He has invented a completely new and humane means for the liberation war of an oppressed country, and practised it with greatest energy and devotion.The moral influence he had on the conciously thinking human being of the entire civilized world will probably be much more lasting than it seems in our time with its overestimation of brutal violent forces. Because lasting will only be the work of such statesmen who wake up and strengthen the moral power of their people through their example and educational works.
We may all be happy and grateful that destiny gifted us with such an enlightened contemporary, a role model for the generations to come.

( Source: The Hebrew University of Jerusalem)

Gandhi’s letter to Einstein –

LONDON, October 18, 1931DEAR FRIEND,
I was delighted to have your beautiful letter sent through Sundaram. It is a great consolation to me that the work I am doing finds favour in your sight. I do indeed wish that we could meet face to face and that too in India at my Ashram.
Yours sincerely,

M. K. GANDHI

(Source.Collected works of Mahatma Gandhi  Vol.54)

_______________________________________________

જાન્યુઆરી ૩૦,૧૯૪૮ના દિવસે ગાંધીજીની કરુણ હત્યા કરવામાં આવી એ દિવસનો સંપૂર્ણ અહેવાલ અને ગોડસે અને એના સાથીઓએ એ મહિના દરમ્યાન જે યોજનાઓ ઘડી હતી એની વિગતવાર માહિતી  આપતો January 30, 1948: Martyrs Day in Memory Of Mahatma  Gandhi  એ નામનો વિડીયો  જોવા માટે નીચે ક્લિક કરો. 

મહાત્મા ગાંધી શહીદ દિનનો વિડીયો  : ૩૦ જાન્યુઆરી,૧૯૪૮.

________________________________________________________

રડો ન મુજ મૃત્યુને

“રડો ન મુજ મૃત્યુને , હરખ માય આ છાતીમાં

ન રે!- ક્યમ તમેય તો હરખતાં ન હૈયાં મહી?

વિંધાયું ઉર તેથી કેવળ શું રક્તધારા છૂટી,

અરે નહીં શું પ્રેમધાર ઉછળી ઉરે ! કે રડો ?

હતું શું બલિદાન આ મુજ પવિત્ર પુરું ન કે,

અધૂરપ દીઠી શું કૈ મુજ અક્ષમ્ય તેથી રડો ?

તમે શું હરખાત જો ભય ધરી ભજી ભીરુતા

અવાક અસહાય હું હૃદયમાં રૂંધી સત્યને.

શ્વશ્યા કરત ભૂતલે?મરણથી છૂટ્યો સત્યને

ગળે વિષમ જે હતો કઈંક કાળ ડૂમો !થયું,

સુણો પ્રગટ સત્ય :વૈર પ્રતિ પ્રેમ ,પ્રેમ ને પ્રેમ જ!

હસે ઈશુ ,હસે જુઓ સુક્રતુ ,સૌમ્ય સંતો હસે.”

અમે ન રડીએ ,પિતા,મરણ આપણું પાવન ,

કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યા જીવન .

— ઉમાશંકર જોશી

_________________________________

મૃત્યુંદંડ

ફાંસી દીધી ગોડસેને અમોએ

ગાંધીજીના દેહના મારનારને.

ગાંધીજીના જીવ-ને જીવતાં ને

મુઆ કેડે મારતું જે ક્ષણેક્ષણે

પડ્યું અમોમાં : સહુમાં કંઇક

તેને હશે કે કદી મૃત્યુંદંડ ?

—- ઉમાશંકર જોશી

_____________________________________

(મહેન્દ્ર મેઘાણી સંપાદિત ગાંધી ગંગા -૨ માંથી સાભાર )

 

છેલ્લે,ગાંધીજીને અતિપ્રિય એવી આ ધૂન —

 

રઘુપતિ રાઘવ રાજા રામ ,પતિત પાવન સીતારામ,

ઈશ્વર અલ્લા એક હિ નામ,સબકો સન્મતિ દે ભગવાન