વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

સુખ-શાંતિમય જીવન – સુખ ઉપર બે પ્રેરક ચિંતન લેખો

સાચું સુખ એ આત્માનું-આધ્યાત્મિક-સુખ છે 

સુખદુખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં ,

ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં  જડિયાં —–નરસિંહ મહેતા

સુખ કોને નથી જોઈતું?પ્રત્યેક માણસ સુખી થવાના પ્રયત્નોમાં વ્યસ્ત રહેતો હોય છે.સુખ મળે એ  માટે તો હજારો માઈલોની દુરી કાપીને સૌ  “સુખ નામના દેશ ,અમેરિકા “માં આવીને વસ્યાં છે.

સુખ એ એક જાતનો મનનો વ્યાપાર છે.દરેક મનુષ્યની સુખ મેળવવાની રીતો જુદી જુદી હોય છે.કોઈને મન ધન પ્રાપ્તિ એ સુખ છે જ્યારે કોઈ સ્વાસ્થ્યને ખરું સુખ માને છે .પહેલું સુખ તે જાતે નર્યા.ખરેખર તો સાચું સુખ પામવા માટે શરીર અને મન બન્ને દુરસ્ત હોવાં જોઈએ.શરીરની તંદુરસ્તી સાથે મનની દુરસ્તી પણ એટલી જ જરૂરી છે.મન ચંગા તો ક્થરોટમેં ગંગા.

સુખ અને દુખ એ મનની કલ્પનામાં રહેલાં છે.બાહ્ય દ્રષ્ટીએ અઢળક ધનમાં રાચતા માણસો સુખી છે એમ માની લેવાની ઉતાવળ કરવા જેવી નથી.વિપુલ સમૃદ્ધિ હોવા છતાં માણસ વધુ સમૃદ્ધિ મેળવવા માટે મનથી સતત ચિંતાતુર અને આકુળ  વ્યાકુળ રહેતો હોય છે.આકાંક્ષાઓ કોઈની કદી પૂરી થતી નથી હોતી.એક ઈચ્છાની પૂર્તિ થતાં  જ તત્કાળ  બીજી નવી ઈચ્છાઓ ઉત્પન્ન થઇ જાય છે.સાચું સુખ ઇચ્છાઓની પૂર્તિમાં નહીં પણ એના અભાવમાં છે.

સુખ આજે માર્કેટેબલ કોમોડીટી થઇ ગયું છે. સુખના બજારમાં  હેપ્પીનેસ વેચનારાઓ ઠેર ઠેર હાટડી લઈને બેસી ગયાં છે.થોમસ મર્ટન ચેતવે છે કે ‘જો આપણે રેડીમેઈડ સુખ વેચનારાની દયા ઉપર જીવશું તો પછી કદી જ સંતોષી બનવાના નથી,”

આપણું ખરું સુખ એ આત્માનું સુખ છે સરખામણી કરવાથી દુખ જન્મે છે.આપણે પરોન્મુખી દ્રષ્ટિ છોડી અંતરમાં ઝાંખી કરી ,આંતર યાત્રા કરી,આત્માનું ખરું સુખ પામવાનું છે.પોતાના માટે તો સહુ કરે પણ બીજા માટે કઈક કરી છૂટવાની ભાવનામાં જે સંતોષ,સુખ અને આનંદ મળે છે એ અનેરો હોય છે.પૂજ્ય રવિશંકર મહારાજના કથન પ્રમાણે ઘસાઈને ઉજળા થવાની ભાવનામાં જે સુખ છે એ સ્વાર્થી જીવન ચર્યામાં નથી.ગમશે,ચાલશે,ફાવશે,ભાવશે ,દોડશે જેવા હકારાત્મક વલણ અને સંતોષી જીવન એ સાચું સુખ પામવાની ચાવી છે.સંતોષી નર સદા સુખી એમ જે કહેવાય છે એ ખોટું નથી.સંત કબીરનો એક સરસ દુહો છે:

“આધી અરુ સુખી ભલી પુરી સો સન્તાપ. જો ચાહેગા ચુપડી, બહુત કરેગા પાપ “- કબીર

એનો અર્થ એ છે કે “અરે ભગવાન,મને અડધી રોટી જ આપ,આખી રોટી નાહકની પીડા પેદા કરશે. જો ઘી ચોપડેલી રોટી ચાહીશ, તો ઘણાં પાપ કરતો થઈ જઇશ “.

“સુખ-શાંતિમય જીવન “ નામનો મારો એક લેખ અમદાવાદથી પ્રકાશિત માસિક ધરતીમાં અગાઉ પ્રગટ થયેલો એ લેખ નીચે ક્લિક કરીને વાંચી શકાશે.

સુખ શાંતિમય જીવન –વિનોદ પટેલ

જીવનમાં સાચું સુખ કોને કહેવું એ એક મનોવૈજ્ઞાનિક કોયડો છે.આમ છતાં મારા નમ્ર મત પ્રમાણે જે કાર્ય કર્યા પછી આપણો માંયલોઅંતરાત્મા ,આપનું આખું  ચૈતન્ય ,પુલકિત  થઇ  ઉઠે એ જ સાચું આધ્યાત્મિક સુખ.     

પરમ પૂજ્ય મોરારિબાપુનો એક પ્રેરણાદાયી લેખ“સુખી થવાનો સરળ ઉપાય”રીડ ગુજરાતી .કોમ ના સૌજન્યથી આજની પોસ્ટમાં નીચે મુક્યો છે.એમના આ લેખમાં એમણે રજુ કરેલા પ્રેરણાદાયી વિચારો પર મનન કરી સાચું  સુખ મેળવવાના  લક્ષ્યાંક તરફની સૌની

જીવનયાત્રા સફળ થાય એ જ અભ્યર્થના. 

  સાન ડિયેગો ,                                                  —– વિનોદ આર. પટેલ

_________________________________________________________

સુખી થવાનો સરળ ઉપાય                         વક્તા- પૂજ્ય મોરારી બાપુ

માણસ હોય કે પશુ-પક્ષી હોય,દરેક જીવને સુખી થવું ગમે છે.દરેક માણસ પોતાના ધર્મસ્થાનમાં,ધર્મગુરુ પાસે કે વડીલો પાસેથી સુખનાં આશીર્વાદ ઈચ્છે છે. કબીર અને કુંતી જેવા બહુ ઓછા છે જે સુખ ઉપર પથ્થર પડે તેવું ઈચ્છે છે અને ઈશ્વર પાસે દુઃખ માગે છે. માનવીનાં હૃદયમાંથી પ્રેમ જન્મે છે અને મગજમાંથી બુદ્ધિ જન્મે છે. પ્રેમ હંમેશા સારો જ હોય છે જ્યારે બુદ્ધિ બે પ્રકારની હોય છે : (1) સદબુદ્ધિ (2) કુબુદ્ધિ. જેને સુમતિ અને કુમતિ પણ કહી શકાય. જ્યાં સુમતિ હશે ત્યાં સુખ હશે અને જ્યાં કુમતિ હશે ત્યાં દુઃખ હશે. આજે સૌને સુખનાં પ્રદેશમાં જવું છે.જે ચોરી અને લૂંટફાટ કરે છે એમનો ઈરાદો આ રીતે સુખી થવાનો હોય છે પણ એ કુમતિથી અપનાવેલો કુમાર્ગ છે અને એકપણ કુમાર્ગ સુખ સુધી જતો નથી.ઘણાં લોકો સુખ સુખી પહોંચવા માટે સંપત્તિનો વાહન તરીકે ઉપયોગ કરે છે પરંતુ પાયાની વાત એ છે કે સંપત્તિથી સત્તા,સાધનો અને સગવડ ખરીદી શકાય પરંતુ સુખની ખરીદી શક્ય નથી.સંપત્તિથી અદ્યતન શયનખંડ બનાવી શકાય પણ અદ્યતન શયનખંડનાં માલિક હોવું એ સુખ નથી.પરંતુ પથારીમાં પડતાંની સાથે ઘસઘસાટ ઊંઘ આવી જાય તે સુખ છે.સંપત્તિથી મોંઘામાં મોંઘી દવાઓ ખરીદી શકાય પરંતુ દવાઓ દ્વારા નિરોગી થઈ શકાય તો સુખ મળે.સુખ ઈલાજમાં નથી પરંતુ નિરોગી થવામાં છે. સંપત્તિથી કિંમતી પુસ્તકો ખરીદી શકાય પરંતુ સુખ પુસ્તકો ખરીદવામાં નથી પરંતુ એને વાંચીને-સમજીને રાજી થવામાં છે.માટે સુખી થવું હોય તો સંપત્તિ કરતાં સુમતિ વધુ ઉપયોગી છે.

શ્રીમદ ભગવદગીતામાં જે સત્વ,રજસ અને તમસ એમ ત્રણ ગુણની વાત છે તે ત્રણે ગુણો રામાયણમાં પ્રસંગ સ્વરૂપે જોવા મળે છે.ભગવાન રામ વાલીપુત્ર અંગદને રાજદૂત બનાવીને રાવણની સભામાં સમાધાનની વાત કરવા મોકલે છે અને સૂચના આપે છે કે રાવણનું કલ્યાણ થાય અને આપણું કામ થાય તે રીતે ગોષ્ઠી કરજે.અહીં ભગવાન પહેલા લંકેશનાં કલ્યાણની વાત કરે છે અને ત્યારબાદ પોતાના કામની ઈચ્છા રાખે છે.અહીં અંગદ સુમતિ છે. રાવણની સભામાં વિભિષણ સત્વગુણી છે,લંકા રજોગુણી છે અને રાવણ તમોગુણી છે. દ્વાપરમાં કુરુક્ષેત્રનાં મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ગીતાનું જ્ઞાન આપે છે ત્યારે જે ત્રણ ગુણોની ચર્ચા કરે છે તે ત્રેતાયુગમાં પ્રસંગ બનીને ભજવાય છે.ગીતામાં યોગ છે તેનો રામાયણમાં પ્રયોગ છે.મહાભારતનું યુદ્ધ જમીન એટલે જડ તત્વ માટે છે જ્યારે રામાયણનું યુદ્ધ જાનકી એટલે જીવંત તત્વ માટે છે,અત્યારે જડ તત્વ માટેનાં યુદ્ધ વધી ગયા છે.રજોગુણી લંકામાં તમોગુણી રાવણ પાસે સત્વગુણી વિભિષણની સાક્ષીએ સુમતિ અંગદ રાજદૂત બનીને આવે છે.વિભિષણમાં સત્વગુણ હોવાથી એનાં વચનમાં પાંચ શુભ તત્વો જોવા મળે છે : (1) વિચાર (2) વિશ્વાસ (3) વિવેક (4) વિરાગ (5) વિશ્રામ. આ પ્રસંગ બાદ વિભિષણ ઉર્ધ્વગતિ કરે છે.લંકા ત્યાંની ત્યાં રહે છે અને રાવણની અધોગતિ થાય છે.આવી એક સભા મહાભારત વખતે પણ જોવા મળે છે જ્યાં હસ્તિનાપુર રજોગુણી છે, પાંડવો સત્વગુણી છે અને કૌરવો તમોગુણી છે.

રામાયણમાં કેવટ,વિભિષણ અને સુગ્રિવને રામનાં મિત્ર માનવામાં આવ્યા છે જેમાં કેવટ અને વિભિષણ મિત્ર ઓછા અને સેવક વધુ છે,જ્યારે સુગ્રિવ સાચા અર્થમાં સખા છે.પરિણામે કેવટ રામનાં ચરણ સુધી પહોંચી શક્યો,વિભિષણ રામનાં કાન સુધી પહોંચી શક્યા અને સુગ્રિવનું માથું રામનાં ખોળામાં હોવાથી કહી શકાય કે સુગ્રિવ રામની ગોદ સુધી પહોંચી શક્યો. પરંતુ એક વાત ચોક્કસ છે કે ત્રણે પાસે સુમતિ હતી તો રામનાં હૃદય સુધી પહોંચી શક્યા,માટે ઈશ્વર સુધી પહોંચવા માટે સુમતિનું હોવું ફરજિયાત છે.આજનો માણસ સુખ સુધી પહોંચવા માટે સંપત્તિનો આશ્રય કરે છે અને શિવ સુધી પહોંચવા માટે શુષ્ક કર્મકાંડનો આશ્રય કરે છે, જ્યારે બન્નેનો ઉપાય સુમતિ છે, તો સવાલ થાય કે સુમતિ મેળવવા માટે શું કરવું જોઈએ ? તો એનાં પાંચ રસ્તા છે.

(1) હરિનામ : ઈશ્વરનું નામ સાધકની કુમતિ દૂર કરીને સુમતિ આપશે. ઘણીવાર માણસો માળાની ટીકા કરતાં હોય છે.જો માળા ફેરવીએ તો એમ કહે કે ભગવાનનું નામ લેવામાં ગણતરીની જરૂર નથી અને ન ફેરવીએ તો એમ કહે કે દેખાવ માટે માળા રાખી છે,પરંતુ ફેરવતા નથી.જ્યારે હું એમ કહું છું કે જો માળા ફેરવી શકાય તો સારી વાત છે બાકી ફેરવી ન શકાય તો પણ માળા રાખવી.આપણાં ખિસ્સામાં પંદરસો રૂપિયા હોય અને બસ કે ટ્રેનમાં મહુવાથી ભાવનગર જવાનું હોય તો માનસિક શાંતિ રહેશે કે વાહન ચૂકી જઈશું તો ટેક્સી કરીને પણ ભાવનગર પહોંચી જઈશું.કારણ ખિસ્સામાં દોઢ હજાર રૂપિયા છે,જો માત્ર દોઢ હજાર રૂપિયા યાત્રાને નિર્ભય બનાવી શકે તો અમૂલ્ય એવી માળા અનંતની યાત્રાને જરૂર નિર્ભય બનાવી શકે છે,માટે માળા જરૂર રાખવી અને કદાચ ન રાખી શકો તો જે રાખે છે એમની ટીકા ન કરો તો પણ સુમતિ આવી ગણાશે.

(2) સત્સંગ : સત્સંગનો સંકીર્ણ અર્થ કરશો નહીં. કોઈ ધાર્મિક સ્થાનમાં, ધાર્મિક દેખાતા માણસ પાસેથી ધર્મની ચર્ચા સાંભળો તો જ સત્સંગ થયો ગણાય એવું નથી.કોઈ પણ જ્ઞાતિનાં અને કોઈપણ ક્ષેત્રનાં સજ્જન માણસ પાસે કોઈપણ સ્થળે થયેલી કોઈપણ વિષયની સારી ચર્ચા સત્સંગ છે.ઉદાહરણ તરીકે કોઈ વાલ્મિકી કે દેવીપૂજક સમાજનો માણસ જે રીક્ષાચાલક છે,તેની રીક્ષામાં બેસીને ચાલુ પ્રવાસે કોઈ સારા વિષય ઉપર ચર્ચા થઈ શકે તો એ સત્સંગ છે. બાકી ધર્મનાં માંડવા નીચે સત્સંગનાં નામે કોઈ સાત્વિક ચર્ચા ન થાય તો એ સત્સંગ નથી પરંતુ કુસંગ છે.

(3) ભગવતકથા : કોઈપણ પ્રકારની કથા જો સરળ હોય, સબળ હોય અને સજળ હોય તો તે સાંભળવાથી સુમતિનું કેન્દ્ર સક્રીય બનશે –આ કથા કદાચ ધાર્મિક ન હોય પરંતુ પ્રેરણાદાયી હોય તો પૂરતું છે.

(4) સુસાહિત્યસંગ : સાહિત્ય-સંગીત-નાટક વગેરે અલગ-અલગ પ્રકારની આર્ટ છે અને આર્ટ હંમેશા હાર્ટમાંથી આવે છે,હૃદયમાંથી જન્મે તે કળા છે અને મગજમાંથી જન્મે તે વેપાર છે.પરંતુ સાહિત્ય સુસાહિત્ય હોવું જોઈએ.દરેક કલાકાર અન્ય કલાકારની કળાને વધાવી વખાણી શકશે તો સુમતિ સક્રીય થશે બાકી ઈર્ષ્યાની આગમાં સળગશે તો એ આગમાં એની સુમતિ સળગી જશે જે બીજાની સુમતિને જગાડી શકશે નહીં માટે કળાકાર-સાહિત્યકાર સુમતિ મેળવે અને પોતાને મળેલી ઈશ્વરદત્ત ભેટ દ્વારા બીજાની સુમતિને સક્રીય કરે તે ઈચ્છનીય છે.

(5) ઈશકૃપા : ઈશ્વરની કૃપા એ સુમતિ પામવાનું પાંચમું અને અંતિમ દ્વાર છે. આપણે હરીનામ લઈએ,સત્સંગ કરીએ,ભગવતકથા સાંભળીએ, સુસાહિત્યનો સંગ કરીએ પણ ઈશ્વરકૃપા ન હોય તો સુમતિ મળતી નથી.મતિ ચાલાકી અને હોશિયારીનું સ્વરૂપ ધારણ કરે તે પહેલા હરિનામ, સત્સંગ, કથાશ્રવણ, સુસાહિત્યસંગ દ્વારા દિક્ષીત થાય અને આપણી એના ઉપર ઈશકૃપા અવતરે અને મતિ સુમતિ બને તે જરૂરી છે અને સુમતિ માણસને સુખ સુધી લઈ જશે, સુમતિ જીવને શિવ સુધી લઈ જશે.

(શ્રી જગદીશભાઈ ત્રિવેદીના મોરારી બાપુના જીવન પ્રેરક વિચારોના  સંપાદિત પુસ્તક  માનસ દર્શન માંથી સાભાર – સૌજન્ય રીડ ગુજરાતી .કોમ )

__________________________________________________________

આપણું જીવ્યું
કર્મોથી જાણવું, વર્ષોથી નહીં.
આપણું જીવ્યું
વિચારોથી જાણવું, શ્વાસોચ્છ્વાસથી નહીં.
આપણું જીવ્યું
હૃદયની ઊર્મિઓથી જાણવું, ધબકારાથી નહીં.
જેનું ચિંતન અધિક થયું,
જેના ભાવ ઉત્તમ રહ્યા,
જેનાં કર્મો પ્રભુ-પ્રીત્યર્થે થયાં,
તે જ ખરું જીવ્યો!

 

— જે.બી. પ્રીસ્ટલી.અનુ, ગુણવંત શાહ

 

Quotes on Happiness

 

“Happiness cannot be owned, earned, worn or consumed.
Happiness is a spiritual experience of living every minute with love, grace & gratitude.!” –Annony.

 

“Happiness is like a butterfly which, when pursued, is always beyond our grasp, but, if you will sit down quietly, may alight upon you.” ~Nathaniel Hawthone

 

“There are two things to aim at in life: first, to get what you want; and after that, to enjoy it. Only the  wisest of mankind achieve the second.” ~ Logan Pearsall Smith  

                        @@@@@@@@@@@@@@@@@@@@@@

 

8 responses to “સુખ-શાંતિમય જીવન – સુખ ઉપર બે પ્રેરક ચિંતન લેખો

 1. સુરેશ જાની ફેબ્રુવારી 7, 2012 પર 1:19 પી એમ(PM)

  સુખ અને આનંદ એક નથી. સુખ હોય પણ આનંદ ન પણ હોય.
  શોધ સુખની નહીં – આનંદની કરવાની છે.
  ૐ , સત, ચિત અને આનંદ માં પહેલું પગથિયું આનંદ મેળવવાનું છે.
  માટે જ સ્વ. સુંદરમની સ્તુતિ માં આનંદમયી પહેલી ટૂકમાં આવે છે ; અને પરમ છેલ્લીમાં .

  Like

 2. Vinod R. Patel ફેબ્રુવારી 7, 2012 પર 1:59 પી એમ(PM)

  સુરેશભાઈ,

  તમારા ઉપરના કથનની ચોખવટ તમારા બ્લોગમાં તમારા આનંદમયી લેખમાં
  તમે કરી છે એ લેખ હું વાંચી ગયો.વાંચીને ખુબ આનદ થયો. આભાર.

  વાચકોને નીચેની લિંક ઉપર આ લેખ વાંચવા મારી ભલામણ છે જે મારી પોસ્ટના
  લેખોમાં રજુ કરેલા વિચારોની સાથે વધારાનું ચિંતન પૂરું પાડશે.

  http://gadyasoor.wordpress.com/2008/08/20/anandmayi_1/

  ઓમ આનંદમયી,ચૈતન્યમયી ,સત્યમયી પરમે ની મનને આધ્યાત્મિક રંગથી રંગી દેતી
  સુંદર કંઠે ગવાયેલ ધૂનનો યુ ટ્યુબ વિડીયો નીચેની લિંક ઉપર સાંભળો.

  Like

 3. nabhakashdeep ફેબ્રુવારી 8, 2012 પર 3:14 એ એમ (AM)

  ખૂબજ સુંદર અને મનનીય વિચોરોની સુગંધ આપની બ્લોગ પોષ્ટમાં
  માણવા મળી. જીવનનું સાચું ધ્યેય એ પરમાનંદ છે જે શાશ્વત રીતે અંદર
  આનંદ પ્રગટાવે અને ક્લેશ ઘટાડે. આજે ભૌતિક સુવિધાઓ અપરંપાર છે
  છતાં કઈંક ખૂટતું સૌને અનુભવાય છે અને તે છે અજંપાવિહોણો આનંદ.

  શ્રી વિનુભાઈ , જીવનનાં દર્શન કરાવતા આવા લેખો એ આપના ઉત્તમ
  વાંચનની પ્રસાદી છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  • Vinod R. Patel ફેબ્રુવારી 8, 2012 પર 4:37 એ એમ (AM)

   રમેશભાઈ ,આપના સુંદર પ્રતિભાવ માટે આભાર.

   મારા બ્લોગમાં હું સત્વશીલ સાહિત્ય પીરસવાનો પ્રયત્ન કરતો હોઉં છું

   કે જેનાથી કોઈને પ્રેરણા મળે ,વિચારતો કરી મુકે , આનંદ મળે.

   તમે કહો એ સાચું છે કે અંતરનો આનંદ-પરમાનંદ જ ખરી વસ્તુ છે.

   મારા પરિચયમાં મેં એક મારું કાવ્ય મુક્યું છે એની છેલ્લી કડિયો આ છે.

   ભૂતકાળની ચિંતાઓ અને ભાવિની શંકાઓ ત્યજી
   વહેતા ઝરણાની જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું મને ગમે.

   આ જીવન મહોત્સવની હર પળ મોજથી માણીને
   જોશથી જીવન જીવી જવાનું મને બહું ગમે.

   Like

 4. nabhakashdeep ફેબ્રુવારી 9, 2012 પર 6:59 એ એમ (AM)

  સાત્વિક અને દુનિયાદારીને અનુભવના એરણથી વહેલા શબ્દો , સાર્થક
  અને ચીંતનમય છે. આપની આ સાહિત્ય યાત્રા ઉત્તમ લાભદાયી છે.

  બંને પંક્તિઓ ખૂબ જ ઊંચી ક્ષાની છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 5. dhavalrajgeera ફેબ્રુવારી 10, 2012 પર 12:58 એ એમ (AM)

  અંતરનો આનંદ- પરમાનંદ = સત, ચિત અને આનંદ
  When a self is intact with cognition,
  Learn and live – Process in the time of life ,
  Journey is smooth…
  Physical, Emotional and Religious pain are the cause of the disturbance to self.
  Only in Ramaraja it was said….
  People in Rama Rajya were free From above pain.
  Tulsidas said, ….
  manas ke mantr
  Mar 15, 2009 … “Daihik daivik bhautik tapa.
  Ram raj kahoohin nahi byapa॥”
  Mastishk kee pida door karane ke liye “hanooman angad ran gaje. hank sunat …
  en.girgit.chitthajagat.in/ramcharitmanas.wordpress.com

  Like

  • Vinod R. Patel ફેબ્રુવારી 10, 2012 પર 5:28 એ એમ (AM)

   શ્રી રાજેન્દ્રભાઈ,

   તમારી કોમેન્ટમાં તમોએ રજુ કરેલ સુંદર વિચારો અને રામ ચરિત માનસના

   પીરસેલ થાળ માટે આપનો ખુબ આભાર.

   સત,ચિત ,આનંદ = સચ્ચિદાનંદ એ જ ખરો આનંદ.

   રામ ચરિત માનસ એ જ્ઞાનનો ભંડાર છે .સદીઓથી એની સાખીઓ
   જન માનસમાં જડાઈ ગઈ છે.અને ભાવથી ગવાતી આવી છે.
   રામ સે અધિક રામ નામા – હરે કૃષ્ણ, હરે રામ એ જ મનનો આરામ.

   Like

 6. pushpa1959 ઓક્ટોબર 11, 2013 પર 2:56 પી એમ(PM)

  jjivanma abhivadan,man, aadar,santosh che, bhartni dharti khare khar faldrup che, aa badhi prabhu krupa che ej sachiidanand che.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: