વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 10, 2012

દીકરી એટલે વહાલનો દરિયો — દીકરી એટલે દાંપત્યનો દીવડો

 

 પિતા અને પુત્રી વચ્ચેના વાત્સલ્યનો પવિત્ર સંબંધ .             

એક માતા અને એની દીકરી વચ્ચે સખીપણું અને તાદાત્મ્ય હોય એ સ્વાભાવિક ગણાય છે.આજની મારી પોસ્ટનો વિષય છે ,મા-દીકરીના નહીં પણ એક દીકરી અને એના પિતા વચ્ચેના ઊંડા પણ અદીઠ પ્રેમનો મહિમા રજુ કરવાનો.

કોઇપણ સ્ત્રી એના જીવન દરમ્યાન પુત્રી રૂપે,બહેન રૂપે ,પત્ની રૂપે કે માના રૂપે સંસારમાં છવાએલી રહેતી હોય છે.સ્ત્રી મા બને એટલે કોઈની દીકરી મટી જતી નથી.મા-બાપને મન  દીકરી સદાય દીકરી જ રહેતી હોય છે.પિયરમાં ઘણા વર્ષો ગાળીને ,એક દીકરી પોતાનાં મા-બાપ,ભાઈ-બહેન ,સાહેલીયો અન્ય કુટુંબીજનોને મુકીને સાસરે આવીને કદી જાણ્યા ન હોય એવાં પારકાંને પોતાનાં કરીને નવું ઘર વસાવે છે એ એના માટે જેવો તેવો ત્યાગ ન કહેવાય.એક પરિણીત સ્ત્રી પતિ અને પિતા નામના બે કિનારા વચ્ચે વહેતી નિર્મળ નદી જેવી હોય છે.

લગ્ન કરીને સાસરીયે સંચરતી દીકરી વિદાય વખતે રડતી આંખે પિતાને જ્યારે કહેતી હોય કે કે પપ્પા તમારું ધ્યાન રાખજો ,તમારી દવાઓ લેવાનું ભૂલતા નહીં,ત્યારે કઠણ કાળજાનો અને કડક સ્વભાવનો બાપ પણ દીકરીને ભેટીને ચોધાર આંસુએ રડી પડે છે.એ વખતે પિતાને ઊંડે ઊંડે આશંકા રહેતી હોય છે કે ખુબ જ લાડ કોડમાં ઉછરેલી મારી કાળજાની કોર જેવી દીકરી સાસરિયે દુખી તો નહીં થાય ને ?કવિ કાલીદાસના અભિજ્ઞાન શાકુંતલમાં પુત્રી શકુંતલાને વિદાય કરતાં કણ્વ ઋષિ જેવા ત્યાગી પણ દુખી હૃદયે કહે છે :”સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું દુખ થતું હોય તો સંસારીઓને કેટલી થતું હશે !”

એક દીકરી અને પિતા વચ્ચે કોઇપણ બદલાની આશા સિવાયનો નિસ્વાર્થ પ્રેમ હોય છે.દીકરી પિતાના સ્વાસ્થ્ય અને સુખની ચિંતા કરતી હોય છે તો પિતા પણ દીકરી દુખી હોય તો એના માટે જીવ બાળતો હોય છે.દીકરી રડતી આંખે પિયરમાં પિતાને ત્યાં આવે ત્યારે પીતાનું હૃદય ઊંડો આંચકો અનુભવે છે.પિતા-પુત્રી એક બીજાના સુખ-દુઃખના સમાચાર દુર રહીને પણ પૂછતાં રહે છે.દીકરી થોડા દિવસ પિયરમાં રહેવા માટે આવે ત્યારે માને તો આનંદ થાય એ સમજી શકાય પરંતુ પિતાને આવેલ દીકરીમાં ભૂતકાળમાં પોતાના હાથમાં રમાડેલ નાની બાળકીનાં જાણે કે દર્શન થતાં હોય છે ! કોઈ પણ વૃદ્ધ સ્ત્રીને ફલાણા ભાઈની દીકરી છે એમ કહીને કોઈ જ્યારે ઓળખ કરાવે ત્યારે એ વૃધ્ધા પણ જાણે કે ઉમરમાં જુવાન થઇ ગઈ હોય એમ રાજી રાજી થઇ જાય છે. દીકરી એ વૃદ્ધ પિતા માટે વાતનો વિસામો છે.

એક પિતા અને વ્હાલના દરિયા જેવી દીકરી વચ્ચેના આવા પવિત્ર પ્રેમ સંબંધ અંગે વધુ વાંચવા માટે એક અજ્ઞાત લેખકનો સુંદર લેખ નીચે ક્લિક કરીને વાંચો.

દીકરી એટલે દાંપત્યનો દીવડો અને વ્હાલનો દરિયો  

આજની પોસ્ટમાં એક અજ્ઞાત લેખકની ઈ-મેલમાંથી પ્રાપ્ત એક પિતા અને એની પુત્રી વચ્ચેના ઉચ્ચ કોટીના પ્રેમ અને ત્યાગની ભાવનાને ઉજાગર કરતી કરિયાવર નામની એક હૃદય સ્પર્શી વાર્તા પણ નીચે મૂકી છે.મને આશા છે કે તમોને એ જરૂર ગમશે.

આજની પોસ્ટમાં મુકેલ કૃતિઓના કર્તાઓના નામ ઈ-મેલ કે બ્લોગમાં જણાવેલ નથી એટલે અજ્ઞાત છે.જો કોઈ જાગરુક વાચક કર્તાના નામની જાણ કરશે તો પોસ્ટમાં એમના આભાર સાથે સુધારો કરવામાં આવશે.

                                                  સંકલન- વિનોદ આર. પટેલ

______________________________________________________________

કરિયાવર                                        ( પિતા-પુત્રીના પ્રેમની એક હૃદયસ્પર્શી વાર્તા )

હરખ ભેર હરીશભાઈ એ ઘરમાં પ્રેવેશ કર્યો ‘સાંભળ્યું ?’

અવાજ સાંભળી હરીશભાઈ નાં પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા.“આપણી સોનલ નું માંગું આવ્યું છે. ખાધેપીધે સુખી ઘર છે. છોકરા નું નામ દિપક છે અને બેંકમાં નોકરી કરે છે. સોનલ હા કહે એટલે સગાઇ કરી દઈએ.”

સોનલ એમની એકની એક દીકરી હતી..ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું .હા ક્યારેક હરીશભાઈનાં સિગારેટ અને પાન-મસાલાનાં વ્યસન ને લઈને નયનાબેન અને સોનલ બોલતાં પણ હરીશભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં આ વાત ને ટાળી દેતા.સોનલ ખુબ સમજદાર અને સંસ્કારી હતી. એસ.એસ.સી પાસ કરીને ટ્યુશન,ભરતકામ કરીને પપ્પાને મદદ રૂપ થવાની કોશિશ કરતી .હવે તો સોનલ ગ્રેજ્યુએટ થઇ ગઈ હતી અને નોકરી કરતી હતી પણ હરીશભાઈ એની આવક નો એક રૂપિયો લેતા નહિ અને કાયમ કહેતા, ‘બેટા આ પૈસા તારી પાસે રાખ તારે ભવિષ્યમાં કામ લાગશે.’

બંને ઘરની સહમતી થી સોનલ અને દિપકની સગાઇ કરી દેવાઈ અને લગ્નનું મુહર્ત પણ જોવડાવી દીધું. લગ્નને આડે હવે પંદર દિવસ બાકી હતા.હરીશભાઈ એ સોનલને પાસે બેસાડીને કહ્યું ‘બેટા તારા સસરા સાથે મારી વાત થઇ,એમણે કરિયાવરમાં કઈ જ લેવાની ના કહી છે ,ના  રોકડ,ના  દાગીના અને ના  તો કોઈ ઘરવખરી.તો બેટા તારા લગ્ન માટે મેં થોડી બચત કરી ને રાખી છે એ આ બે લાખ રૂપિયાનો ચેક હું તને આપું છું, તારે ભવિષ્યમાં કામ લાગશે, તું તારા એકાઉન્ટ માં જમા કરાવી દેજે.”

‘ભલે પપ્પા’ સોનલ ટુંકો જવાબ આપીને પોતાના રૂમમાં જતી રહી. સમય ને જતાં  ક્યાં વાર લાગે છે ? શુભ દિવસે આંગણે જાન આવી,સર્વેના હરખનો પાર નથી.ગોરબાપા એ ચોરીમાં લગ્નની વિધિ શરુ કરી.ફેરા ફરવાની ઘડી આવી . કોયલનો જેમ ટહુકો થાય એમ સોનલનાં હૈયેથી બે શબ્દો નીકળ્યા, ‘ઉભા રહો ગોરબાપા, મારે તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે,’

“પપ્પા તમે મને લાડકોડ થી મોટી કરી, ભણાવી,ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું ઋણ તો હું ચૂકવી નહિ શકુ પરંતુ દિપક અને મારા સસરાની સહમતીથી તમે આપેલો બે લાખ રૂપિયાનો ચેક તમને હું પાછો આપું છું, એનાથી મારા લગ્ન માટે કરેલું ભારણ ઉતારી દેજો અને આ ત્રણ લાખ નો બીજો ચેક જે મેં મારા પગારમાંથી કરેલી બચત છે, જે તમે નિવૃત થશો ત્યારે કામ લાગશે, હું નથી ઈચ્છતી કે ઘડપણમાં તમારે કોઈની પાસે હાથ લંબાવવો પડે. જો હું તમારો દીકરો હોત તો આટલું તો હું કરત જ ને !!!”

હાજર રહેલા બધાની નજર સોનલ ઉપર હતી “પપ્પા હવે હું તમારી પાસે કરિયાવર માં જે માંગું એ આપશો ?” હરીશભાઈ ભારે આવાજમાં હા બેટા, એટલું જ બોલી શક્યા. “ તો પપ્પા મને વચન આપો કે આજ પછી તમે સિગારેટ ને હાથ નહિ લગાડૉ , તમાકુ, પાન-મસાલાનું વ્યસન આજથી છોડી દેશો. બધાની હાજરી માં હું કરિયાવર માં બસ આટલું જ માંગુ છું.”દીકરીનો બાપ ના કેવી રીતે કહી શકે.લગ્નમાં દીકરીની વિદાય વખતે કન્યા પક્ષનાં સગાંઓને તો રડતાં જોયાં હશે પણ આજે તો
જાનૈયાઓની આંખો પણ ભીંજાઈ ગઈ.

દુરથી હું સોનલના આ લક્ષ્મી સ્વરૂપ ને જોતો જ રહ્યો .૨૦૧ રૂપિયાનું કવર મારા ખિસ્સામાંથી બહાર કાઢી શક્યો નહિ. સાક્ષાત લક્ષ્મી ને હું શું લક્ષ્મી આપું !!પણ એક સવાલ મારા મનમાં જરૂર થયો.


ભુણહત્યા કરતાં  સમાજનાં સંસ્કારી લોકોને સોનલ જેવી લક્ષ્મીની જરૂર નહિ હોય?”

લેખક-અજ્ઞાત (ઈ-મેલમાંથી પ્રાપ્ત )

_______________________________________________________________

                                   દીકરો અને દીકરી    

દીકરો વારસ છે દીકરી પારસ છે! દીકરો વંશ છે દીકરી અંશ છે!

દીકરો આન છે દીકરી શાન છે! દીકરો તન છે દીકરી મન છે!

દીકરો માન છે દીકરી સ્વમાન છે! દીકરો સંસ્કાર છે દીકરી સંસ્કૃતિ છે!

દીકરો આગ છે દીકરી બાગ છે! દીકરો દવા છે દીકરી દૂવાં છે!

દીકરો ભાગ્ય છે દીકરી વિધાતા છે! દીકરો શબ્દ છે દીકરી અર્થ છે!

દીકરો ગીત છે દીકરી સંગીત છે! દીકરો પ્રેમ છે દીકરી પૂજા છે!

દીકરો વાદળ છે અને વરસે છે દીકરી ધરતી છે અને તરસે છે!

દીકરો એક પરિવારને તારે છે  દીકરી દસપરિવારને તારે છે!!

(ઈ-મેલમાંથી પ્રાપ્ત- કર્તા  અજ્ઞાત )