વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 24, 2012

હું ,કબીર અને મંગળદાસ લેખક -આનંદરાવ લિંગાયત

 

_________________________

એમની એંસી વર્ષની જૈફ ઉમરે પણ એક યુવાન જેવી માનસિક અને શારીરિક તાજગીથી હંમેશા કાર્યરત રહેતા મારા મિત્ર શ્રી આનંદરાવની એક વાર્તા“ હું,કબીર અને મંગળદાસ “ વિનોદ વિહારની આજની પોસ્ટમાં નીચે મૂકી છે, જે વાંચવી અને વિચારવી ગમે એવી છે.

શ્રી આનંદરાવ લિંગાયતનો ટૂંકો પરિચય

ગુજરાતના નાનકડા ગામ સાવદામાં એમનો જન્મ.સન ૧૯૬૯માં અમેરીકા લોસ એન્જેલસ,કેલિફોર્નિયામાં આવીને સ્થિર થયા એ પહેલાં ગુજરાતમાં ભાલ નળકાંઠા વિસ્તારમાં શિક્ષક તરીકે કામ કર્યું.અમેરિકા આવીને શરૂઆતમાં શિક્ષક તરીકેની જોબ ચાલુ કરી એની સાથે સ્થાનિક ગુજરાતી સમાજની પ્રવૃતિઓમાં સક્રિય ભાગ લીધો અને ગુજરાતી કલ્ચરલ સોસાયટીના ફાઉન્ડર મેમ્બર બન્યા.આ સંસ્થાના મુખપત્ર તરીકે અને આ દેશમાં ગુજરાતી ભાષાને ઉત્તેજન મળે એ શુભ આશયથી ઘણાં વર્ષો પહેલાં એમણે શરુ કરેલું “ગુંજન “નામનું ગુજરાતી સામયિક નિયમિત રીતે પ્રકાશિત કરવાનું કઠિન કામ તેઓ આજે એંસી વરસની ઉમરે એટલા જ ઉત્સાહથી કરી રહ્યા છે.

આનંદરાવે ઇન્ડો-અમેરિકન જીવનને સ્પર્શતી ઘણી ટૂંકી વાર્તાઓ લખી છે જેને ગુજરાતી સાહિત્યના ટોચના સાહિત્યકારોએ વખાણી છે.જાણીતા કવિ અને સાહિત્યકાર શ્રી હરીન્દ્ર દવેએ એમની વાર્તા વાંચીને લખેલું :”આનંદરાવ, તમારી વાર્તા મારી આંખ ભીંજવી ગઈ ,અભિનંદન”.એવા જ જાણીતા બીજા સાહિત્યકાર શ્રી.ગુલાબદાસ બ્રોકરે લખેલું :”આ લેખક પાસેથી આપણે વધારે વાર્તાઓની અપેક્ષા રાખીએ .”

આનંદરાવની આવી માતબર અને ઇન્ડો-અમેરિકન જીવનના તાણાવાણાને એમની આગવી શૈલીમાં બાખુબી રજુ કરતી હ્રદય સ્પર્શી વાર્તાઓના આજ સુધીમાં ત્રણ પુસ્તકો- ૧.કંકુ ખર્યું..(૨)….ને સુરજ ઉગ્યો (૩) થવાકાળ… બહાર પડી ચુક્યા છે જે ખુબ વખણાયા છે. હવે પછી” કાશી કામવાળી “અને અમેરિકન Young Adults માટે “RAMAYAN AT A GLANCE “ અને “MAHABHARAT AT A GLANCE “તૈયાર થવા આવ્યાં છે.આ ઉપરાંત ,ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક વિષયને આલેખતાં બે પુસ્તકો શિવ પુરાણ અને WISDOM OF KABIR બહાર પડી ચુક્યા છે.આ પુસ્તકમાં આનંદ રાવે સંત કબીરના પસંદ કરેલા ૧૦૮ દોહાની માળા ગુંથી છે.દરેક દોહાને ગુજરાતી તેમ જ અંગ્રેજી ભાષામાં સુંદર રીતે સમજાવ્યા છે.વધુમાં ,એમણે ઘણાં ગુજરાતી અને અંગ્રેજી નાટકો લખ્યાં છે, ભજવ્યાં છે અને દિગ્દર્શિત પણ કર્યા છે.

શ્રી આનંદરાવ માત્ર સાહિત્ય ક્ષેત્રે જ નહીં પણ એમણે સ્થાપેલ મહાત્મા ગાંધી લેપ્રસી ફાઉંડેશન મારફતે ગુજરાતમાં રક્તપિત્તથી પીડિત લોકો તથા અપંગજનો માટે ઉમદા સેવા બજાવી રહ્યા છે. અહીં અમેરિકાનો ૪૩ વર્ષનો વસવાટ હોવા છતાં તેઓ પોતાના વતનના લોકોને ભૂલ્યા નથી.એમની અવાર નવાર લીધેલ મુલાકાતો વખતે ગુજરાતના દુરના ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતી સેવા સંસ્થાઓની મુલાકાતો લે છે અને લોકસેવા માટે સમય આપે છે.

તાંજેતરમાં જ તેઓ ત્રણ માસની ગુજરાત યાત્રા પછી પરત આવ્યા છે.આવીને એમણે ગુજરાતની ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતી અપંગ બાળકોની સંસ્થાની મુલાકાત લઈને એમણે લીધેલ ૧૪ ફોટા મને ઈ-મેલથી મોકલ્યા હતા એમાંથી કેટલાક આજની પોસ્ટમાં મેં મુક્યા છે.

શ્રી આનંદરાવને મેં એમની ગુજરાતની મુલાકાતના અનુભવોને લગતો લેખ લખી મારા બ્લોગ માટે મોકલવા વિનંતી કરી હતી. એના જવાબમાં એમણે લેખ તો નહીં પણ એક વાર્તા , ‘હું ,કબીર અને મંગળદાસ” મોકલી આપી છે. આ વાર્તામાં એમણે ગ્રામ્ય વિસ્તારની એક સ્કુલના વિદ્યાર્થીઓ સાથે રાખેલ ગોષ્ઠીના કાર્યક્રમ માટે કારમાં જતી વખતે કારના ડ્રાઈવર મંગળદાસ સાથેની વાતચીતમાં એમને ગમતા સંત કબીરના જીવનની વાતો અને એની સાથે ગ્રામ્ય માહોલના દેખાવોનો સમનવ્યય કરીને સુંદર વાર્તા નીપજાવી છે.આ વાર્તા નચેની લીંક ઉપર ક્લિક કરીને માણી શકાશે.

હું,કબીરને મંગળદાસ 

શ્રી આનંદરાવ સાથે મારે ૨૦૦૧થી મૈત્રી સંબંધ બંધાયો છે.એમની સાથે રૂબરૂ મુલાકાત તો ફક્ત બે વાર જ થઇ છે પરંતુ ફોન ઉપર અવારનવાર જુદા જુદા વિષયો ઉપર વિચારોની આપ-લે કરીને હળવા થતા હોઈએ છીએ.હકીકતમાં કોમ્પ્યુટરમાં ગુજરાતીમાં લખવાની પ્રેરણા એમણે મને પૂરી પાડી એના લીધે હું ગુજરાતીમાં ટાઈપ કરવાનું શીખ્યો અને સપ્ટેમબર ૨૦૧૧થી મારો બ્લોગ પણ શરુ કર્યો.આ માટે અને મારા બ્લોગ માટે એમની વાર્તા મોકલવા માટે એમનો આભારી છું.

હવે પછીની પોસ્ટમાં સંત કબીર,કબીર દોહા અને શ્રી આનંદરાવના કબીર દોહાના પુસ્તક અને અન્ય માહિતી અંગેનો લેખ મુકવામાં આવશે.રાહ જોવા વિનંતી.

San Diego                                                                                                         Vinod R.Patel    

Anand Rao with a village Boy