વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: માર્ચ 2012

દંતાલીના કર્મયોગી સંત સચ્ચિદાનંદજી અને એમનું પ્રેરણાદાયી સાહિત્ય

Swami Sachidanandji of Dantali

                                                                  “હું તમને તમારા વિશ્વાસમાંથી ચળાવવા કે મારા અનુયાયી બનાવવા નથી આવ્યો.હું કોઇ ધાર્મિક સંગઠનનો પ્રતિનિધિ નથી કે કોઇ દાનની આશા રાખતો નથી. કદાચ હું જે કહીશ તે તમારી લાગણીઓ અને માન્યતાઓને દુભવશે અને કદાચ તે તમારા કાનને ઝેર સમાન લાગશે.પણ જે ધર્મ સાથે હું ગૌરવ પૂર્વક જન્મ્યો હતો અને જે દેશ મને પ્રાણથી પણ અધિક વ્હાલો છે;તેને માટે હું મારા મનની વાત પૂર્ણ સત્યનિષ્ઠાથી મરીશ ત્યાં સુધી કહેતો રહીશ.”

                                                         (સ્વામી સચ્ચિદાનંદજીના પ્રવચનમાંથી ) 

___________________________________________________________

સપ્ટેમબર ૧,૨૦૧૧થી મેં મારો ગુજરાતી બ્લોગ વિનોદ વિહાર શરુ કરી વિશાળ બ્લોગર જગતમાં

પ્રવેશ કર્યો ત્યારબાદના આ સાત મહિનામાં વાચકોનો ધાર્યા કરતાં સુંદર સહકાર મળ્યો છે. બ્લોગની

મુલાકાત લેનાર રસિકોની સંખ્યા સાત મહિનામાં સાત હજારે પહોંચવા થઇ છે. વાચકોના સુંદર સહકાર

અને વિવિધ પોસ્ટ બાદ આપેલ પ્રતિભાવો માટે સૌનો ખુબ આભારી છું

આ સમય દરમ્યાન ભારત અને અમેરિકામાં દુર-સુદૂર રહેતા ઘણા મિત્રોના પરિચયમાં આવવાનું બન્યું છે.એમાં પણ કેટલાક સરખી વિચારસરણી  ધરાવતા મિત્રો સાથે રૂબરૂમાં કદી મળ્યા ન હોવા છતાં ઈ-મેલમાં થતા વિચાર વિનિમયથી ઘરની ચાર દીવાલો વચ્ચે અનુભવાતી એકલતા વચ્ચે નવા જ્ઞાનની દિશાઓ ખુલી જતાં જીવન સંધ્યાનો સોનેરી સમય બ્લોગના માધ્યમથી મનગમતી પ્રવૃત્તિમાં વ્યતીત થાય છે એનો  આનંદ અને સંતોષ છે.

આવા એક સમાન વિચારો ધરાવતા હ્યુસ્ટનમાં રહેતા તાંજેતરમાં જ થયેલા મિત્ર શ્રી ભીખુભાઈ મિસ્ત્રી, દંતાલીના સ્વામી સચ્ચિદાનંદના વિચારોથી ખુબ આકર્ષિત છે.એમના ઈ-મેલોમાં એમણે આ કર્મયોગી સમાજ સુધારક સંતના મબલખ સાહિત્યનો ભંડાર મારી સમક્ષ ખુલ્લો કર્યો છે.મને પણ હું ભારતમાં હતો ત્યારથી આ સંતના ક્રાંતિકારી વિચારો પ્રત્યે માન રહ્યું છે.શ્રી ભીખુભાઈ એમના એક ઈ-મેલમાં લખે છે: 

“સ્વામી સચ્ચિદાનંદના વિચારોથી કંઈ કેટલાનુંએ જીવન ઉર્ધ્વ ગતિ તરફ બદલાયું છે,મારું તો ખરુંજ. ત્રણ વર્ષ સુધી હું ડીપ્રેસનમાં હતો.સ્વામીજીના પ્રવચનમાં ગાંધીજીની વાત સાંભળી હું ૨૦૦૫માં પ્રવ્રુત્ત થયો,ત્યાર પછી અટક્યો નથી.ગાંધીજીનો સંદેશ એવો છે કે સવાર સાંજ તમારા ઈષ્ટદેવની ટૂકમાં પ્રાર્થના કરો અને આખો દિવસ કામ કરો.સ્વામીજી રેશનાલીસ્ટ(માનવતાવાદી)વિચારો ધરાવતા હોવા છતાં એમની વાતમાં ઈશ્વર મધ્યમાં હોય છે. સ્વામીજીની વાત ઈશ્વર વિહોણી હોતી નથી. “ 

શ્રી ભીખુભાઈ છેલ્લા લગભગ સાત વર્ષથી સ્વામીજીના વિચારો અને એમના સાહિત્યને લોકો સુધી પહોંચાડવાનું  સુંદર કામ કરી રહેલ સ્વામીશ્રી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ,દંતાલી,ભક્તિ નિકેતનઆશ્રમ, પેટલાદ ૩૮૮૫૪૦,ગુજરાતની ઓફિસિયલ વેબ સાઈટ http://www.sachchidanandji.org અને એમનો બ્લોગ  http://sachchidanandjiblog.org માં ખુબ ઊંડો રસ લઇને પુરા સમયની સેવા આપી રહ્યા છે.આ બે વેબ સાઈટોની મુલાકાત લઈને  સ્વામીજીના અનેક લેખો,પ્રવચનો,પુસ્તકો વિગેરે સાહિત્યની  ઓડિયો,વિડીયો કેસેટો સાંભળવાનો લાભ આજે મોટી સંખ્યામાં સુશિક્ષિત લોકો રહી રહ્યાં છે. 

સ્વામીજી અંગેની આ બે વેબ સાઈટો અને મિત્ર શ્રી સુરેશભાઈ જાનીના બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચયમાંથી પ્રાપ્ત સ્વામીજી અને એમના સાહિત્ય અંગેની પુષ્કળ માહિતીમાંથી ચયન-સંકલન કરીને આ બન્ને મિત્રોના  આભાર સાથે દંતાલીના આ કર્મયોગી સંત સચ્ચિદાનંદનો અને એમના  પ્રેરક વિચારોનો આપ સૌ વાચકોને પરિચય આજની પોસ્ટમાં કરાવવાનો ઉપક્રમ રાખ્યો છે. 

  સાન ડિયેગો                                                                                            —–     વિનોદ આર. પટેલ

________________________________________________________________ 

સ્વામી સચ્ચિદાનંદજીનો ટૂંક પરિચય

નામ

 • નાનાલાલ ત્રિવેદી

જન્મ

 • 22 – એપ્રીલ, 1932 ; મોટી ચંદૂર, (પાટણ જિલ્લો) વતન – મુજપુર

કુટુમ્બ

 • માતા – વહાલીબેન; પિતા – મોતીલાલ ; ભાઇઓ – ડાહ્યાલાલ, ચિમનલાલ

અભ્યાસ

 • 1966- ભારતીય દર્શનશાસ્ત્રમાં બનારસમાં વેદાન્તાચાર્યની પદવી- સુવર્ણચન્દ્રક સાથે

જીવન ઝરમર

 • 1953- ગૃહત્યાગ અને ભારત-ભ્રમણ
 • 1954- બ્રહ્નચર્ય દીક્ષા
 • 1956- મુક્તાનન્દ સ્વામી પાસે ફિરોઝપુર-પંજાબમાં સન્યાસ દીક્ષા
 • 1968- સમ્પૂર્ણ ભારતયાત્રા; દંતાલી- પેટલાદમાં ભક્તિનિકેતન આશ્રમની સ્થાપના
 • 1973- સૂઇ ગામ – બનાસકાંઠામાં દુષ્કાળ રાહત કાર્ય
 • 1973- સૂઇ ગામમાં મા. શાળા અને છાત્રાલયની સ્થાપના
 • 2001- કચ્છ ભૂક્મ્પમાં રાપરમાં રાહત કેન્દ્ર
 • વિદેશપ્રવાસ
  • 1970– પૂર્વ આફ્રિકા
  • 1976-યુગાન્ડા મોરેશિયસ, ટાન્ઝાનિયા, કોન્ગો, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, હોલેન્ડ, સ્વિટઝરલેંડ, બેલ્જિયમ, ઇટાલી, સ્પેન, ગ્રીસ, ઓસ્ટ્રિયા, અમેરિકા, કેનેડા,હવાઇ, મેક્ષિકો, જાપાન, કોરિયા, હોન્ગકોન્ગ, થાઇલેન્ડ, નેપાળ.ચીન, રશિયા, વિ.
  • 1994– દક્ષિણ અમેરિકા વિ.
  • 1996– ઇજિપ્ત, ઇઝરાયેલ
  • 1997– પ્રેસ્ટન (યુરોપ), સ્વીડન. નોર્વે , ડેન્માર્ક
  • 2000– ચીન
  • 2004– ઓસ્ટ્ર્લિયા વિ.

મુખ્ય પ્રદાન

 • ક્રાન્તિકારી વિચારો અને અધ્યાત્મંની સાચી સમજ આપી સમાજ સુધારણા
 • ધર્મ, સમાજ અને જીવનને સ્પર્શતા 50 પુસ્તકો

મુખ્ય રચનાઓ

 • જીવન દર્શન – મારા અનુભવો, નવા વિચારો, નવી દિશા, હવે તો જાગીએ, ઉપસંહાર( તેમના બધા વિચારો સંક્ષેપમાં)
 • પ્રવાસ વર્ણન – વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો, , પૃથ્વી- પ્રદક્ષિણા, યુરોપની અટારીએથી

સન્માન

 • 1985 – શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક
 • 1986 – કાકા કાલેલકર પારિતોષિક
 • 1988- દધિચિ એવોર્ડ
 • 1988- આનર્ત એવોર્ડ – મહેસાણા; ગોંધિયા એવોર્ડ- રાજકોટ
 • 1994- દિવાળીબેન મહેતા એવૉર્ડ
 • 1994- દૈનિક પત્રકાર સંઘ દ્વારા એવોર્ડ

(સાભાર –ગુજરાતી પ્રતિભા પરિચય બ્લોગ /સત્ચિદાનંદ સ્વામી  ) _______________________________________________________________

સ્વામી સચ્ચિદાનંદજીના પ્રવચનના યુ-ટ્યુબના વિડીયો

સચ્ચિદાનંદજીના પ્રવચનના ઘણા વિડીયો http://sachchidanandjiblog.org એ યુ-ટ્યુબના વિડીયોમાં મુક્યા છે .એમાંથી પસંદ કરેલા નીચેના ત્રણ વિડીયોની લીંક ઉપર ક્લિક કરીને સ્વામીજીની પ્રેરક વાણી સાંભળવાનો અનુભવ કરી એમનો વધુ પરિચય પ્રાપ્ત કરી શકાશે.

૧.મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિજય પછી યોજાએલ સમારંભ વખતે સ્વામી સચ્ચિદાનંદજીનું સ્વાગત પ્રવચન

 http://www.youtube.com/v/nhK7cD1go68?version=3&feature=player_detailpage

૨.સ્વામી સચ્ચિદાનંદજી સાથે જીતુભાઈ પંડ્યા સાથેનો વાર્તાલાપ (ઇન્ટરવ્યું) 

http://www.youtube.com/v/PtlUozATx-I?version=3&feature=player_detailpage

૩.રામ ચરિત માનસ આધારિત પ્રવચન માળા –માનસ ગંગા- ભાંગ ૬ (Part-6 )

http://www.youtube.com/v/PQps5_CEh4E?version=3&feature=player_detailpage

સ્વામીજીની માનસ  ગંગાના કથાના બાકીના ભાગોના વિડીયો અને બીજા વિડીયો પણ યુ-ટ્યુબની સાઈટમાં જઈને જોઈ શકાશે.  

સ્વામી સચ્ચિદાનંદજીના પ્રવચનની ઓડિયો કેસેટો

શ્રી ભીખુભાઈ મિસ્ત્રીએ ગુજરાતી પ્રતિભા પરિચયમાં સ્વામી સચ્ચીદાનંદજીના પ્રવચનોની ઓડિયો કેસેટોની વેબ સાઈટોની અગત્યની માહિતી આપી છે એના પરથી સ્વામીજીના પ્રવચનો સાંભળવાનો અનેરો લાભ મળી શકશે.

Bhikhubhai Mistry on January 4, 2012  

http://www.sachchidanandji.org/cgi-bin/searchlect.cgi – Lectures on Gujarati 1 – 1114

http://www.sachchidanandji.org/cgi-bin/searchlect.cgi – Lectures on Gujarati 2 – 500

http://www.sachchidanandji.org/cgi-bin/searchlect.cgi – Hindi Lectures – 54

http://www.sachchidanandji.org/cgi-bin/searchlect.cgi – Audio Book – 8 Books, 65 items

“CLICK” above, Click Play & Listen.

__________________________________________________

શ્રી સુરેશ જાની ,ગુજરાતી પ્રતિભા પરિચયમાં,  સચ્ચિદાનંદ સ્વામી અંગે .

હિન્દુ ધર્મે એકવીસમી સદીમાં ટકવું હશે તો આવા હજારો સંતો પેદા કરવા પડશે,
જ્યાં સુધી ભારતમાં નિરક્ષરતા હતી અને લોકો બહુ જ સંકુચિત વમળો અને સમાજોમાં અટવાયેલા હતા ત્યાં સુધ્રી સંપ્રદાયવાદ ફૂલ્યો, ફાલ્યો અને વકર્યા કર્યો છે.
જ્યારે આખું વિશ્વ એક ગામડા જેવું બની ગયું છે ;ભારતીય મૂળની પ્રજા દુનિયાના ખૂણે ખૂણે પ્રસરી ગઇ છે અને ભારત વિશ્વની એક મહાન સત્તા બનવા તરફ હરણફાળ ભરી રહ્યું છે,ત્યારે પૂજ્ય સ્વામીજીના વિચારો જેટલા પ્રસરે અને લોકો તેમને અપનાવતા થાય તે આપણા સૌના અને વિશ્વના હિતમાં છે.
આમ થશે તો જ વિશ્વમાં હિન્દુ ધર્મ વિશે જે વ્યાજબી માન્યતાઓ પ્રવર્તે છે ,તે બદલાવા માંડશે.તેઓ યુગપુરૂષ જેવા સ્વામી વિવેકાનંદ અને ગાંધીજી પછી ભારતીય સમાજનું ગૌરવ છે.(January 10, 2007)

__________________________________________________________________

ચિંતન કણિકા – ધર્મ : તેનો પરિચય તથા

આધ્યાત્મિકતા  -સ્વામી સચ્ચિદાનંદ  

[આ લેખનું અક્ષરાંકન સ્વામીજીનાં પુસ્તક ‘ ચિંતન-કણિકાઓ’ માંથી કરવામાં આવ્યું છે.] 

૧. ધર્મ એક જ છે. સંપ્રદાય અનેક છે. ધર્મ પરમાત્માનો બનાવેલો છે. સંપ્રદાય માણસોના બનાવેલા છે. ધર્મ ભેદ નથી કરતો; ભેદ કરે તે  સંપ્રદાય છે.

૨. વૈજ્ઞાનિક સત્યોને સ્વીકારી લેવાથી ધર્મને કશી આંચ આવવાની નથી કારણ કે વિજ્ઞાન સત્ય છે, ધર્મ પણ સત્ય છે. તે સત્યોને વિરોધ હોય જ નહિ. બન્ને એકબીજાનાં પૂરક થાય શકે. હા, એવું બને કે વિજ્ઞાનના કારણે સડેલી – ગળી ગયેલી કેટલીક માન્યતાઓ ખોટી ઠરવાની. તે યોગ્ય છે.

૩. ધર્મની પ્રથમ પ્રેરણા કર્તવ્ય થઈ, જેથી વ્યક્તિ કર્તવ્યની સભાનતાવાળી થાય. પણ કર્તવ્યમાત્રથી ધર્મ પૂરો નથી થઇ જતો. કર્તવ્યની સાથે પ્રમાણિકતા અત્યંત જરૂરી છે. આમ આર્થીક ક્ષેત્રે નહિ પણ બધાં ક્ષેત્રે – કૌટુંબિક ક્ષેત્રે પતિ-પત્ની વચ્ચે, શેઠ-મુનીમ વચ્ચે, રાજા-પ્રજા વચ્ચે – બધે જ પ્રમાણિકતા જરૂરી છે, અને પ્રમાણિકતા પછી ત્રીજી પ્રેરણા પરમાર્થની છે. તમારી શક્તિમાંથી થોડી શક્તિ, શક્તિહીન માણસો માટે ખર્ચવાની છે.

૪.ભક્તિમાર્ગની એક ખાસ વિશેષતા છે કે તે જીવનનાં તમામ સાફલ્ય પરમેશ્વરને સોંપે છે તથા પ્રત્યેક નિષ્ફળતાનો ટોપલો બહુ દીનભાવે પોતાને માથે ઓઢી લે છે.

૫. ભક્તિ તો કરવી જ જોઈએ તેની ના નહિ, પણ ભક્તિ, કાયરતા કે નિર્માલ્યતાને વધારનારી યા તેને ઢાંકનારી ન હોવી જોઈએ પણ શૂરવીરતાભરી, અન્યાયીને પડકાર ફેંકનારી મહાશક્તિરૂપ હોવી જોઈએ.

૬. શ્રદ્ધાથી ધર્મ પ્રગટે છે. જયારે અંધશ્રદ્ધાથી ભયની નિવૃત્તિ શક્ય નથી. દુર્ભાગ્યવશ ધાર્મિક ક્ષેત્રમાં શ્રદ્ધા કરતાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘણું મોટું છે. એટલે સાચા ધર્મની જગ્યાએ વહેમોનું પ્રમાણ પણ મોટું છે.

૭. શ્રદ્ધા જ અધ્યાત્મ રૂપ આપતી હોય છે. શ્રદ્ધાનો પુત્ર ધર્મ છે, કારણ કે ધર્મની પ્રસૂતિ શ્રદ્ધાના ફળમાંથી જ થઈ શકતી હોય છે.કોરી બુદ્ધિથી ધર્મ ન જન્મે, જીવન માટે બુદ્ધિવાદ જેટલો જરૂરી છે, તેટલો જ શ્રધ્ધાવાદ પણ જરૂરી છે. શ્રદ્ધા વિના આંતરિક શક્તિઓ નથી ખીલી શકતી. વ્યક્તિમાં ચારિત્રિક પ્રબળતા શ્રદ્ધાના સંબલથી આવતી હોય છે. શ્રદ્ધા ગુમાવીને વ્યક્તિ બહુ મોટું બળ ગુમાવી દેતી હોય છે. વિદ્યાદાન તો શ્રેષ્ઠ છે જ પણ શ્રદ્ધાદાન તો તેથી પણ શ્રેષ્ઠ છે.

૮.પ્રત્યેક પ્રજાની ઉન્નતિનો મૂળ પાયો સમજણપૂર્વકના પુરુષાર્થમાં રહેલો હોય છે.સાચા પુરુષાર્થમાં પ્રેરણા આપે તે ધર્મ અવશ્ય પ્રજાનું કલ્યાણ કરનારો બનતો હોય છે.

૯.યજ્ઞો,સપ્તાહો,છપ્પન ભોગો અને સમૈયાઓમાં લખલૂટ ખર્ચો કરનારાઓને જાણ થવી જોઈએ કે એક માણસને રોજી આપવી, એક-બે કુટુંબોને આજીવિકાનું સાધન આપવું તે ખરો યજ્ઞ છે, તે ખરી સપ્તાહ છે, તેમાં જ છપ્પન ભોગો અને સમૈયાઓ છે. ધર્મને માનવતા તરફ વાળવામાં આવે એ જ ધર્મની તેજસ્વિતા છે.

૧૦. ધર્મ એટલે વ્યક્તિની અંદર રહેલા સદગુણોને વિકસિત કરી પ્રગટ કરવાની પ્રક્રિયા. અધર્મ એટલે વ્યક્તિની અંદર બેઠેલા દુર્ગુણોને વિકસિત કરીને પ્રગટ કરી આપનારી પ્રક્રિયા. ધર્મ એટલે જીવન-સાધના. અને જીવન-સાધના એટલે જીવનનો વિકાસ.જીવનનો વિકાસ સદગુણોને ખીલવવા થનારી તમામ ક્રિયાઓ –પછી તે શારીરિક હોય કે માનસિક તેનું નામ ધર્મ.
વ્યક્તિમાત્રની અંદર સદગુણો તથા દુર્ગુણોનાં બીજ હોય જ છે. આ ન્યૂનાધિકતાથી ‘સ્વભાવ’ અથવા ‘પ્રકૃતિ’ ઘડાય છે.સ્વભાવ અથવા પ્રકૃતિથી વ્યક્તિનું વ્યક્તિત્વ નિર્મિત થતું હોય છે.પ્રકૃતિથી પકડાયેલો જીવ કાર્યક્ષેત્રના લગભગ ‘નિર્ધારિત’ માર્ગે જીવન જીવતો હોય છે. ‘લગભગ’ અને ‘નિર્ધારિત’ શબ્દો એટલા માટે વાપર્યા છે કે પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ તે ખાસ કાંઈ કરી શકતો નથી. એટલે ‘નિર્ધારિત’ શબ્દ મૂક્યો છે. પણ પ્રકૃતિની મર્યાદારેખાની ઉપર અથવા નીચે તે થોડું ચઢી શકે છે તથા થોડું ઊતરી પણ શકે છે.થોડું ચઢવું એટલે ધર્મસાધના દ્વારા ઉર્ધ્વીકરણ પ્રાપ્ત કરવું, નીચે ઊતરવું એટલે અધર્મ દ્વારા પતન થવું. આટલા અંશમાં વ્યક્તિનો પુરુષાર્થ પરિણામશાળી થઈ શકે છે એટલે ધર્મને જીવન-સાધના કહી છે.

૧૧. ધર્મનું પ્રાકટ્ય સત્યથી થાય છે. સત્ય, ધર્મ અને ન્યાય લગભગ એકબીજાના પર્યાય કહેવાય. સત્ય એ જ ધર્મ, ધર્મ એ જ સત્ય. સત્ય તથા ધર્મનો અવિરોધ એનું નામ તો ન્યાય કહેવાય. આ ત્રણ તત્વોમાં ન્યાય એ ફલિતાર્થ છે, ધર્મ પરિસ્થિતિ છે. આજે સત્ય એ પરિસ્થિતિનું જનક છે. સત્ય ન હોય તો ધર્મપરિસ્થિતિનું નિર્માણ ન થઈ શકે. ધર્મસ્થિતિનું નિર્માણ ન થઈ શક્યું હોય તો ન્યાયનું ફળ મેળવી ન શકાય. ન્યાયી ફળ વિના પ્રજા સુખી ન થઈ શકે. ઊલટાવીને એમ કહી શકાય કે અન્યાય (પછી તે આર્થિક, રાજકીય, ધાર્મિક કે સામાજિક કોઈ પણ પ્રકારનો હોય)એ જ પ્રજામાં દુઃખોનું મૂળ કારણ છે.અન્યાયનું મૂળ અધર્મમાં તથા અધર્મનું મૂળ અસત્યમાં છે. એવી રીતે તમામ અનિષ્ટોનાં મૂળ અસત્યમાંથી ફૂટી નીકળે છે)

૧૨.સ્વમાન,સુરક્ષા,સમૃદ્ધિ અને સંસ્કારથી ભરપૂર જીવન ધર્મ દ્વારા પ્રજાને મળવું જોઈએ. જો ધર્મ આ કાર્ય નહીં કરી શકે તો તે તેની નિષ્ફળતા જ કહેવાશે.

૧૩.પરમેશ્વરે સૌથી ઉત્તમ લાગણી દયાની બનાવી છે.જે દયાળુ નથી તે ઈશ્વર નથી.જે દયાળુ નથી તે સંત નથી, જે દયાળુ નથી તે માનવ નથી. દયાળુ સ્વભાવ મળવો એ મોટામાં મોટી બક્ષીશ છે. દયાની પોષક ઉદારતા છે. અને ઉદારતાની પ્રેરક ઘણી વાર દયા થઈ જતી હોય છે..વ્યક્તિમાં પડેલી દયાને જાગ્રત કરી તેની અભિવૃદ્ધિ કરી તેના દ્વારા દુઃખી માનવસમાજને લાભાન્વિત કરવો એ કામ ધર્મનું છે…દયા જ ધર્મનું મૂળ છે.

૧૪. ધર્મનું તેજ સદગુણોમાંથી પ્રગટતું હોય છે. આવા સદગુણો માનવમાત્રમાં પરમેશ્વરે વત્તા-ઓછા અંશે મૂકેલા છે. આ સદગુણોનો વિકાસ કરવાની પ્રક્રિયા તે ધર્મ છે. તેણે આપણે સનાતન ધર્મ પણ કહીએ છીએ. સનાતન એટલા માટે કે તે અનાદી કાળથી છે તથા અનંત કાળ સુધી (માનવઅસ્તિત્વ હશે ત્યાં સુધી) રહેવાનો છે. તે કોઈ વ્યક્તિ દ્વારા પ્રસ્થાપિત કે નિર્મિત નથી એટલે આ સનાતન ધર્મનો કોઈ માણસ પ્રવર્તક નથી.પ્રવર્તકો સંપ્રદાયો પ્રવર્તાવે છે અને સંપ્રદાયો કદી સનાતન નથી હોતા.

૧૫.વ્યક્તિ માત્રને કુદરતી આવેગો અને લાગણીઓના પ્રવાહો આવતા જ હોય છે.આવેગોને નિતાંત અટકાવવાની પ્રક્રિયા કુદરતવિરોધી છે.આવું કરનારા નથી તો શારીરિક સ્વાસ્થ્ય પામી શકતા કે નથી માનસિક શાંતિ પામી શકતા.તેમની સ્થિતિ ઉપર બુદ્ધ અને અંદર યુદ્ધ જેવી થાય છે.અત્યંત કઠોર નિયમો પાળ્યા પછી પણ જયારે આવેગો અટકતા નથી, ઉલટાના વધુ છંછેડાય છે અને પછી વધુ વિનાશ કરે છે.

૧૬.સંપ્રદાયો થી મુક્ત થઇને સાચી ધાર્મિકતા અપનાવવી અને પૂરી માનવજાત પ્રત્યે આત્મીયતા કેળવવી એથી બીજી વધુ મોટી જીવનની ધન્યતા હોઈ શકે નહિ.

૧૭. કુદરતથી મોટું કોઈ શાસ્ત્ર નથી અને તેનાથી વધુ કોઈ કલ્યાણકારી માર્ગ નથી. સનાતન ધર્મનો અર્થ થાય છે કુદરતે સ્વયં પોતે જ ધર્મની વ્યવસ્થા કરી છે. આ ધર્મ ઉપર પશુ-પક્ષીઓ કિત-પતંગો વગેરે બધાં જ ચાલે છે. અને સુખી થાય છે, કુદરત ગાંડી નથી. જેમ ભુખ-તરસ વગેરેના આવેગો તેણે બનાવ્યા છે અને તેની ઉચિત માત્રામાં પ્રાપ્તિથી શાંતિ-તૃપ્તિ થાય છે,તેમ વાસનાનો આવેગ પણ તેણે જ લોકકલ્યાણ માટે બનાવ્યો છે. તેની પણ ઉચિત સમયે ઉચિત માત્રામાં પ્રાપ્તિ થાય તો વ્યક્તિ શાંતિ તથા તૃપ્તિનો અનુભવ કરી શકે છે. સનાતન ધર્મ, કુદરતી ધર્મ.

૧૮. ધર્મ, ધર્મસ્થાન અને ધર્મગુરુ ત્યારે જ સફળ થયાં ગણાય કે જયારે ધાર્મિક, સામાજિક, રાજકીય અન્યાયથી પીડાતી પ્રજાનું તેમના દ્વારા રક્ષણ થાય.

૧૯.ધર્મ અને અધ્યાત્મને પણ વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય મળવો જોઈએ.ધર્મનું તથા અધ્યાત્મનું પણ વિજ્ઞાન છે. જેનાથી તે હંમેશા ચેતનાવાળા રહ્યા કરે.વિજ્ઞાન વિનાનો ધર્મ અને વિજ્ઞાન વિનાનું અધ્યાત્મ લાંબા ગાળે પ્રજાજીવનમાં જડતા, સ્થગિતતા અને અસ્પષ્ટતાનું નિર્માણ કરતાં હોય છે.

૨૦.અધ્યાત્મવાદનો સૌથી મોટો શત્રુ ચમત્કારવાદ અને વ્યક્તિપૂજા છે.વ્યક્તિપૂજા અને ચમત્કારવાદ બન્ને એકબીજાનાં પૂરક છે.વ્યક્તિત્વ વિના વ્યક્તિને બહુ ઝડપથી મહાપુરુષોની ઉચ્ચ શ્રેણીમાં બેસાડવો હોય તો તેની સાથે ચમત્કાર જોડી દેવાના.

________________________________________________________________

શ્રી સુરેશ જાનીના આભાર સાથે ગુજરાત પ્રતિભા પરિચય બ્લોગમાં મૂળ  આરપારની

લીન્ક પરથી થી પ્રાપ્ત સ્વામીજી સાથેની એક રસપ્રદ પ્રશ્નોત્તરી નીચે પ્રસ્તુત છે.
——————-

   આપનો રોલ મોડેલ(આદર્શ)–ભ્રમ સત્યં જગત સત્યં,મિથ્યા મોહધં જીવતં,

   ઈશ ભકિત લોકસેવા,ઈતિશા પરમાર્થતા.ઈશ ભકિત અને લોકસેવા.
—-
કઇ ચીજનો સૌથી વધુ ડર લાગે છે?—-લોકાપવાદ.
—-
છેલ્લે કયારે રડ્યા હતા?—ભાગ્યે જ રડું છું. કરુણ દૃશ્ય જોયું હોય ત્યારે
કે ખાસ કરીને કોઇના પ્રેમભંગની ઘટના સાંભળવામાં આવે ત્યારે.
—-
ઘેલછા કહી શકાય તેવો શોખ—સંગીતનો શોખ છે, સંગીતમાં મારી સમાધિ
લાગી જાય છે. પહેલાં ગાતો પણ અત્યારે ગળું બેસી ગયું છે.
—-
કોઇ વહેમ ખરો?–કોઇ વહેમ નથી. છતાં બિલકુલ વહેમ નથી
એમ પણ ન કહી શકાય.
—-
અન્યના વ્યકિતત્વની કઈ ખૂબી ગમે?–પ્રામાણિકતા અને બહાદુરી.
—-
અન્યના વ્યકિતત્વની કઈ ખામી ખટકે.—વચનભંગ થતો હોય અને સમયનું પાલન ન
કરતો હોય.
—-
દેશ વિશે શું વિચારો છો?—-દેશ મહાન છે, તીર્થ છે. ઘણા બધા સુધારા
કરવા જેવા છે. રાજકારણ અને ધર્મના કારણે દેશને બહુ નુકસાન થયું છે.
—-
આપની દૃષ્ટિએ પ્રેમ એટલે?—સંપૂર્ણ સમર્પણ, અપેક્ષા વિનાનું
—-
આપની દૃષ્ટિએ લગ્ન એટલે…પવિત્ર બંધન. એ બંધનથી વ્યકિતને રક્ષા
અને હૂંફ પ્રાપ્ત થાય.
——
પુનર્જન્મ કન્ફર્મ કરવાનો હોય તો શું બનવા માગો?—પૂનર્જન્મ માટે હું શંકાસ્પદ છું. કદાચ
પુનર્જન્મ હોય અને ન પણ હોય. ચોક્કસ કહી શકાય નહી .
—–
આપની સફળતાનું રહસ્ય?—-મારી સફળતા છે જ નહી . છતાં દેખાતી હોય તો ઈશ્વરની કૃપા

—–
આપ અન્ય લોકોને આપવા ઈચ્છતા હો
તેવો સંદેશ એક વાકયમાં જણાવો—-   

 તમે દેશના મહાન, સાચા નાગરિક બનો.આ લોકના પ્રશ્નો ઊકેલો. પરલોકને પ્રાપ્ત કરવા માટે આ લોકને બગાડશો નહી . જે લોકો આ લોકને નથી સુધારી શકતા એ પરલોકને શું સુધારવાના હતા.
—-
આપની દૃષ્ટિએ દીક્ષા એટલે…જે જીવનની સાચી દિશા બતાવે એને દીક્ષા કહેવાય
—-
મનપસંદ ધાર્મિક પાત્ર——કોઇ નથી,તેમ છતાંય થોડા અંશમાં કબીર,દયાનંદ અને રાજારામમોહન રાય જેવા સંતો.
—–
મનપસંદ કોમેડિયન–જોની વોકર અને પરેશ રાવલ..
—–
મનપસંદ રાજકારણી—હાલ તો કોઇ નથી —–
મનપસંદ ઐતિહાસિક પાત્ર —જુનું ચાણકય અને આધુનિક શિવાજી અને સરદાર પટેલ.
—–
મનપસંદ કલાકાર–શંકર – જયકિશન.
—-
તમારા વિશે એક વાકયમાં તમારો
અભિપ્રાય શું હોઇ શકે?——હું પોતે કશું ના કહી શકું. પોતાની જાત માટે પોતે અભિપ્રાય ન આપી શકે.
—-
તમે આ ક્ષેત્રમાં ના હોત તોકયાં ક્ષેત્રમાં હોત?—એ તો ભગવાન જાણે હું કશું ના કહી શકું.
—-
આપની દૃષ્ટિએ સંયમ એટલે…—સંયમ એટલે યથાયોગ્ય ભોગો ભોગવવા માટે માપસરનું ખાવું,

ઉંઘવું. જે લોકો બિલકુલ ભોગો નથી ભોગવતા એને નિગ્રહ કહેવાય. જીવન અભોગી પણ ન હોવું
જોઇએ અને એ અતિભોગી પણ ન હોવું જોઇએ.
—-
સૌથી વધુ ખુશ કયારે થાવ છો?—જયારે કોઇને ખુશ જોવું છું ત્યારે
—-
તમારી જદગીને એક વાકયમાં વર્ણવવી હોય તો….—સદ્ગુણો અને દુર્ગુણોનું મિશ્રણ એટલે સચ્ચિદાનંદ.
—-
તમારો તકિયા કલામ?—હરિ ૐ… હરિ ૐ…
——
એક ચોરી માફ કરવામાં આવે તો શું ચોરવું પસંદ કરો?—કોઇનું જ્ઞાન ચોરવું ગમે.
—-
જુઠ્ઠું કયારે બોલો છો? —– કોઇકવાર કોઇ ઊપાય ન હોય ત્યારે.
—-
અત્યારે કયું પુસ્તક વાંચો છો?—-બહુ ઓછું વાંચું છું. પેપર અને સારા મેગેઝિન વાંચવા ગમે.
—-
ગમતા ગુજરાતી લેખક – કવિ,  લેખક  -ચંદ્રકાન્ત બક્ષી

મને આશા છે કે સ્વામી સચ્ચીદાનંદજી અને એમના પ્રવૃતિશીલ જીવનકાર્યો  અને એમનાં વિચારરૂપી મોતીઓની  આ પોસ્ટમાં  રજુ કરેલ ઉપરની માહિતી આપના જીવનના  ઉત્કર્ષ માટે ઉપયોગી થશે.

સાન ડિયેગો,૩૧મી માર્ચ ,૨૦૧૨                                                     સંકલન- વિનોદ આર પટેલ

________________________________________________________________

હેરી પોટર વાર્તા સિરિઝનાં લેખિકા -જે.કે. રોલિંગની સફળતાનું રહસ્ય,એમની નિષ્ફળતા !

                                   હેરી પોટર સિરિઝની વાર્તાનાં પુસ્તકોના લેખિકા જે.કે. રોલિંગ

આ  અગાઉની તા.૨૧મી માર્ચ,૨૦૧૨ની વિનોદ વિહારની પોસ્ટમાં “નિષ્ફળતાની બુનિયાદ પર સફળતાની બુનીયાદના રચયિતા અબ્રાહમ લિંકન “ એ નામનો લેખ મુક્વામાં આવ્યો હતો.

આજની પોસ્ટમાં અમેરિકાના ૧૬મા પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકનની માફક જ જેઓ જીવનમાં નિષ્ફળતાની સીડીનાં પગથીયા ચડીને સફળતાની ટોચે પહોચ્યાં છે એવાં જગ પ્રસિદ્ધ હેરી પોટર સિરિઝની વાર્તાનાં પુસ્તકોના લેખિકા જે.કે. રોલિંગની, એમની વાર્તાઓ જેવી જ અચંબો પમાડે એવી જીવનકથાની વાત કરવામાં આવી છે.

 જગતમાં વિક્રમી સખ્યામાં જેનું વેચાણ થાય છે અને ધૂમ કમાણી કરાવે છે એ પુસ્તક હેરી પોટરનાં, તારીખ ૩૧મી  જુલાઈ, ૧૯૬૫માં જન્મેલાં, લેખિકા જુઆન કેથરીન ઉર્ફે જે.કે.રોલિંગે સફળતાની બધી વ્યાખ્યાઓને પોતાની તરફેણમાં કરી દીધી છે.બ્લુ રે અને મોબાઈલના ડિજીટલ યુગમાં સાત ભાગના પુસ્તક અને આઠ ભાગની ફિલ્મ શ્રેણીએ આ શબ્દોના જાદુગરની જિંદગી બદલી નાખી છે.જોની કે.રોલિંગ એક સમયે સરકાર પાસેથી બેકારી ભથ્થું મેળવી ગુજરાન ચલાવતાં હતાં.આજે તેઓ બ્રિટનની સૌથી ધનાઢય મહિલાઓમાંનાં  એક ગણાય છે.તેમની સંપત્તિ ૫૩૦ મિલિયન પાઉન્ડ છે જે બ્રિટનની રાણી એલીઝાબેથ-૨ કરતાં ય વધી જાય છે.કમાણીની સાથે સત્કાર્યો માટે દાન પણ પુષ્કળ કરતાં રહે છે.

આ સફળતા એમને રાતોરાત નથી મળી.પૂરા એક અબજ ડોલરથી વઘુ સંપત્તિ પોતાના ક્રિએટીવ શબ્દો મારફતે મેળવનાર રોલીન્ગને આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડયો છે. જીવનમાં એમને અનેક નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો છે.એમનું ભણતર પુરું કર્યા પછીના સાત વર્ષ એમનાં જીવનના નિષ્ફળ વર્ષો હતાં.બેઘર બન્યા સિવાય હોઈ શકે એટલી ગરીબી એમણે ભોગવી હતી.૪૫ વર્ષની ઉમરે એમની માતાનું મૃત્યું,લગ્ન પછી સાવ ટૂંકા સમયમાં  થયેલ છૂટાછેડા,એકલે હાથે એમની દીકરી જેસિકાનો ઉછેર કરવાની આવી પડેલી માતૃત્વની જવાબદારી વિગેરે જિંદગીની અનેક કસોટી અને કટોકટીનો મુકાબલો કરવો પડ્યો હતો. હેરી પોટરના પુસ્તકોની વાર્તા સીરીઝમાં એમનાં સર્જિત પાત્રો મારફતે કટોકટી સામે ટક્કર ઝીલવાનો એમનો મિજાજ ઠેર ઠેર જણાઈ આવે છે.અનેક  નિષ્ફળતામાંથી પસાર થઈને પણ ધૂમ પૈસા રળી શકાય છે ,એ એમણે સાબિત કરી બતાવ્યું છે.

તા.૫મી જુન ,૨૦૦૮ના રોજ  રોલિંગે વિશ્વ વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ગ્રેજ્યુએટ થનાર વિદ્યાર્થીઓ સમક્ષ એક ચીર સ્મરણીય વ્યાખ્યાન આપ્યું હતું.આ વ્યાખ્યાનનો વિષય એમણે સૌને અજાયબ લાગે એવો” The Fringe Benefits of Failure, and the Importance of Imagination “ એવા ટાઈટલનો  રાખ્યો હતો .કોઈને પણ નવાઈ લાગે કે નિષ્ફળતાના પણ ફાયદા હોઈ શકે ! એમના મુખેથી આ અંગે વધુ જાણવા માટે આ યાદગાર વ્યાખ્યાન યુ-ટ્યુબના નીચેના વિડીયો ઉપર જ્યારે તમે સાંભળશો ત્યારે એમની જીવન સામે ટક્કર લેવાની ખુમારી અને તીક્ષ્ણ બુદ્ધિપૂર્વકની વકતૃત્વ કળા પર તમે ઝૂમી ઉઠશો.

The Fringe Benefits of Failure, and the Importance of Imagination

Harvard  University  Speech  of  J.K.Rowling-VIDEO

આ પ્રવચનના કેટલાક વિચારવા જેવા મુખ્ય અંશોનો શ્રી જય વસાવડાએ એમના એક લેખમાં કરેલ ભાવાનુવાદ એમના આભાર સાથે નીચે ટૂંકાવીને રજુ કરેલ છે.

હાર્વર્ડ યુનિવર્સીટીમાં આપેલ રોલિંગના પ્રવચનના  કેટલાક ચૂંટેલાપ્રેરક શબ્દો :

“ભલે મારા જેટલી અને જેવી કાતિલ નિષ્ફળતા તમને ન મળે, પણ અમુક નિષ્ફળતાઓ જીવનમાં અનિવાર્ય હોય છે.કોઇક બાબતમાં નિષ્ફળ ગયા વિના જીવવું અશકય છે. સિવાય કે તમે એટલી બધી સાવધાનીથી જીવ્યા હો,કે તમે જીંદગી જીવી જ ન શકયા હો!અને એવું હોય તો એ જ આપોઆપ નિષ્ફળતા જ છે ને!નિષ્ફળતા તમને વઘુ બહેતર બનવાની તક આપે છે. ધાર કાઢે છે. નેકસ્ટ સ્ટેપ માટે કલીઅર વિઝન આપે છે.

હાર એ પડકાર છે.પરાજય એ પરાક્રમ માટેની તક છે.નિષ્ફળતા જો કશુંક નવું શીખવી જાય,તો પછી એ ભવિષ્યની સફળતા માટેની પૂર્વતૈયારી બની જાય!

આખરે તો,આપણે જાતે જ આપણી નિષ્ફળતા કોને કહેવાય એ નક્કી કરવાનું છે.પણ દુનિયા એના તૈયાર માપદંડો આપવા માટે હમેશા આતુર હોય છે, જો તમે એને સ્વીકારો તો. દરેક રીતે ભણતરના સાત વરસ પછી હું ભયંકર નિષ્ફળ હતી.બેઘર બન્યા વિના હોઈ શકે એટલી ગરીબી,સાવ ટૂંકા ગાળામાં જ છૂટા થઈ ગયેલા લગ્ન. એકલા હાથે બાળક ઉછેરવાનું માતૃત્વ!

હવે હું કંઇ તમને એવું નહિ કહું કે ફેઇલ્યોર ઇઝ ફન! એમાં કંઇ મજા નથી. મારી જીંદગીનો એ ગાળો કાળોધબ્બ હતો. એ કયાં સુધી ચાલશે, એની મને કંઇ ખબર નહોતી. અને આજે બઘું ભલે પરીકથા જેવું લાગે, ત્યારે તો અંધારી ટનલના છેડે લાઇટ હશે એવું માનવામાં અસલીયત કરતાં આશાવાદ વઘુ હતો!તો પછી ફેઇલ્યોરના ફાયદા વિશે હું કેમ વાત કરું છું? કારણ કે, નિષ્ફળતા તમારી આસપાસથી નકામી બાબતોની બાદબાકી કરી નાખે છે!હું જે નથી એ હોવાનો ડોળ કરવાનું બંધ કરીને મારી બધી ઉર્જા જે કામ પૂરું કરવું ખરેખર મહત્વનું હતું, એમાં ફરજીયાત વાળી શકી. જો કોઇ બીજી વાતમાં કામચલાઉ સફળતા મળી ગઇ હોત, તો કદાચ ખરેખર જે મારે લાયક હતું, મારે કરવું હતું, એને માટેની સ્પષ્ટતા અને દ્દઢ નિર્ણય મારામાં આવત જ નહિ .સરિયામ નિષ્ફળતાના અનુભવે હવે એનાથી ડરવા જેવું કંઇ હતું નહિ. કાલ્પનિક ભય વાસ્તવિક બની ચૂકયો હોવા છતાં હું જીવતી હતી, એક પ્યારી સી દીકરી, જૂના ટાઇપરાઇટર અને એક જોરદાર વિચાર સાથે. મતલબ, સાવ તળિયે ગયા પછી પણ જીંદગીના નવઘડતરનો મજબૂત પાયો નાખી શકાય છે!”

—- વિનોદ આર. પટેલ

__________________________________________________

સફળતાના શબ્દકોશ સમાં જે.કે.રોલીન્ગની ટૂંકી જીવનકથાનો પરિચય મેળવવા માટે 

BIOGRAPHY OF J.K.ROWLING

એ નામનો એક સુંદર  વિડીયો  જોવા નીચેની લીંક ઉપર ક્લિક કરવા વિનંતી છે. 

http://www.biography.com/people/jk-rowling-40998/videos

જે.કે.રોલીન્ગના જીવનની વધુ વિસ્તૃત માહિતી મેળવવામાં રસ ધરાવતા વાચકોને  વિકી પીડીઆની નીચેની અંગ્રેજી ભાષાની લીંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.   

J.K.ROWLING-Biography on Wikipedia

http://en.wikipedia.org/wiki/J._K._Rowling

 

‘‘આપણી પસંદગીઓ દર્શાવે છે કે આપણે કોણ છીએ, આપણી શક્તિઓ નહિ!’’

                                            –જે.કે.રોલિંગ

_______________________________________________________

આજની આ પોસ્ટના વિષયને અનુરૂપ  કવિ શ્રી જમીયતરામ પંડયાની આ જૂની પણ સુંદર પ્રેરણાદાયી

કાવ્ય રચના, શ્રી જય વસાવડાના આભાર સાથે ,નીચે રજુ કરી છે જે તમને જરૂર ગમશે.

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો
ઓ મુસીબત એટલી ઝીન્દાદીલીને દાદ દે,
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.
કોઈના ઈકરાર ને ઈનકાર પર હસતો રહ્યો
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો.
કોઈની મહેફિલ મહીં થોડા ખુશામદખોરમાં
ના સ્વીકાર્યું સ્થાન ને પગથાર પર હસતો રહ્યો.
ફૂલ આપ્યા ને મળ્યા પથ્થર કદી તેનેય પણ
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.
જીવતો દાટી કબરમાં એ પછી રડતા રહ્યાં
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો.
નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ
એ કિનારે જઈ ડૂબી હું ધાર પર હસતો રહ્યો.
ભોમીયાને પારકો આધાર લેતો જોઈને
દૂર    જઈ    એ    પાંગળી    વણઝાર    પર     હસતો      રહ્યો.

   કવિ – જમિયતરામ પંડયા

 

સાન ડિયેગો                                        સંકલન- વિનોદ આર. પટેલ

______________________________________________________________

નિષ્ફળતાની બુનિયાદ પર સફળતાની ઈમારતના રચયિતા- અબ્રાહમ લિંકન લેખક-વિનોદ પટેલ

                       ABRAHAM LINCOLN (1809-1865)

આ જગતમાં એવો મનુષ્ય ભાગ્યે જ મળશે કે જેણે પોતાના જીવન દરમ્યાન એક યા બીજા પ્રકારની નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો ન હોય.નિષ્ફળતા કે સફળતા,આશા કે નિરાશા અને સુખ કે દુખ જેવાં વિરોધાભાષી દ્વંદ્વોથી મનુષ્ય જીવનની ઈમારતનું ઘડતર અને ચણતર થતું હોય છે.

આજથી ૨૦૩ વર્ષ પહેલાં ૧૨મી ફેબ્રુઆરી,૧૮૦૯ના રોજ લાકડાની કેબીન જેવા ગરીબ ઘરમાં જન્મેલ અમેરિકાના લોકપ્રિય ૧૬મા પ્રેસીડન્ટ અબ્રાહમ લિંકનના જીવનમાં એમને જેવી અનેક નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો અને હાર ખમવી પડી હતી એવી ઘણા ઓછા માણસોને વેઠવી  પડી હશે.વિકટ પરિસ્થિતિઓમાં નાસીપાસ થવાને બદલે સતત પ્રયત્નો ચાલુ રાખીને અબ્રાહમ લિંકન અમેરિકાના ઇતિહાસમાં ગુલામોના મુક્તિદાતા અને દેશને ખંડિત થતો બચાવનાર એક સફળ પ્રેસિડન્ટ તરીકે પોતાનું નામ અમર કરી ગયા છે.

અબ્રાહમ લિંકનના જીવનનો આશા–નિરાશા,નિષ્ફળતા-સફળતા અને અનેક પડકારોને ઉજાગર કરતો નીચેનો ઘટનાક્રમ ઘણો રસપ્રદ અને પ્રેરક છે. 

અબ્રાહમ લિંકનના જીવનના ઘડતરમાં સિંહ ફાળો આપનાર એમની માતા નેન્સી ૧૮૧૮માં તેઓ જ્યારે માત્ર ૧૦ વર્ષની ઉમરના હતા ત્યારે મરકીના રોગમાં સપડાઈને મૃત્યું પામ્યાં હતાં.એમના જીવનનો આ પ્રથમ મોટો આઘાત હતો.અવારનવાર એમનો વસવાટ બદલ્યા કરતા એમના પિતા ટોમસે સાત વર્ષની ઉમરે જ અબ્રાહમના હાથમાં કુહાડી પકડાવી દીધી હતી.એમની બાવીસ વર્ષની ઉમર સુધી કુટુંબના નિર્વાહ માટે લાકડા ચીરવાની સખ્ત મજુરી પિતાની સાથે રહીને એમણે કરી હતી.૧૮૩૧માં એમની બાવીસ વર્ષની ઉમરે નાનો ધંધો શરુ કર્યો પરંતુ ન ચાલતાં બંધ કરવો પડ્યો.૧૮૩૨માં તેઓ લેજીસ્લેચર પ્રતિનિધિ માટેની ચુંટણી લડ્યા પણ એમાં હાર મળી.આ જ વર્ષે એમણે નોકરી ગુમાવી.લોં સ્કુલમાં એમને અભ્યાસ કરવા જવું હતું પણ પૈસાના અભાવે જઈ ન શક્યા.૧૮૩૩માં મિત્રો પાસેથી પૈસા ઉછીના લઈને ફરી ધંધામાં ઝંપલાવ્યું પરંતુ દેવાળું કાઢ્યું.આ દેવું ચુકતે કરવા માટે એમને ૧૭ વર્ષ સુધી રાહ જોવી પડી!૧૮૩૪માં સ્ટેટ લેજીસ્લેચરની ચૂંટણી લડ્યા અને એમાં જીત મળી. ૧૮૩૫માં  એમની પ્રેમિકા સાથે લગ્ન સંબંધ નક્કી કર્યો પરંતુ પ્રેમિકાના અચાનક અવસાનથી એમનું હૃદય ભાંગી પડ્યું .એ પછીના વર્ષે મગજની સમતુલા ગુમાવતાં તેઓ ડીપ્રેશનનો ભોગ બનીને ૬ મહિના પથારીવશ રહ્યા. માંદગીમાંથી ઉભા  થઈને ૧૮૩૮માં સ્ટેટ લેજીસ્લેચરની ચૂંટણીમાં ઝંપલાવ્યું પરંતુ એમાં નિષ્ફળતા મળી.

પાંચ વર્ષ પછી ૧૮૪૩માં  કોંગ્રેસની ચૂંટણી લડ્યા અને આ વખતે એમને સફળતા પ્રાપ્ત થઇ.એમણે વોશિંગટન જઈને સારી કામગીરી બતાવી હતી.પરંતુ બે વર્ષ પછી ૧૮૪૮માં કોંગ્રેસ માટેની જે ફરી ચૂંટણી આવી એમાં એમના ગુલામી પ્રથા નાબુદીના સમર્થનના મુદ્દા સામે લોક વિરોધને લઈને એમની હાર થઇ.કમાણી માટે ૧૮૪૯માં લેન્ડ ઓફિસરની નોકરી માટે અરજી કરી પરંતુ એ નામંજુર થઇ.૧૮૫૬માં અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ માટે ઉમેદવારી કરી પરંતુ પક્ષના નેશનલ કન્વેન્શનમાં જરૂર કરતાં ઓછા મત મળતાં એમાં પણ નિષ્ફળતા મળી.આમ ઉપરાઉપરી હાર ખમવા છતાં તેઓ નાહિંમત ન થયા.છેવટે ૧૮૬૦માં ખુબ તૈયારી સાથે અમેરિકાના પ્રેસિડન્ટ માટેની ચૂંટણી લડ્યા અને સફળતાપૂર્વક ૫૨ વર્ષની ઉમરે અમેરિકાના ૧૬મા પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા.

આમ રીતે અનેક મુશીબતોનો સામનો કરી અબ્રાહમ લિંકન વાઈટ હાઉસ સુધીની મંઝિલ સુધી પહોંચવાના પોતાના સ્વપ્નને સાકાર કરી શક્યા હતા.વોશિંગટનમાં રાજ વહીવટ સંભાળ્યો એ પછી પણ મુશ્કેલીઓ એમનો પીછો કરતી જ રહી.દેશમાં દક્ષીણનાં છ સંસ્થાનો સંયુક્ત રાજ્યમાંથી છૂટાં પડ્યાં અને ગુલામીના મુદ્દા પર આંતર વિગ્રહનો દાવાનળ ૧૮૬૧ થી ૧૮૬૫ દરમ્યાન દેશમાં ફેલાઈ ગયો

આ આંતર વિગ્રહમાં અબ્રાહમ લીન્કને ઊંડીકાર્ય દક્ષતા અને ઉચ્ચ પ્રકારની નેતાગીરીની પ્રતીતિ  સૌને કરાવી.  આ આકરી કસોટીમાંથી હેમખેમ પાર ઉતરી આપણા સરદાર વલ્લભભાઈ પટેલની માફક દેશને ટુકડાઓમાં વેર વિખેર થતો બચાવીને અખંડિત રાખ્યો.આ એમના જીવનની આ મહાન સિદ્ધિ બની રહી.

આંતર વિગ્રહનો જ્યારે ૧૮૬૫માં અંત આવ્યો ત્યારે કઈક રાહત અનુભવતાં લિંકને એમની પત્ની મેરી ટોડને કહ્યું હતું.”પાટનગર વોશિંગટનમાં આવ્યા ત્યારથી આપણા દિવસો બહું કપરા ગયા છે.પણ હવે યુદ્ધ પુરું થયું છે.ઈશ્વરની ઇચ્છાથી હવે બાકીનાં વર્ષો સુખ-શાંતિથી ગાળવાની આપણે આશા રાખીએ .”

કમનશીબે લિંકનનું આ સ્વપ્ન પુરું ન થયું. ૧૪મી એપ્રિલ ,૧૮૬૫ની રાતે   વોશિંગટનમાં ફોર્ડ થીયેટરમાં બેસીને તેઓ નાટક જોતા હતા ત્યારે રાતે દસ વાગે દક્ષીણ રાજ્યના એક બુથ નામના એકટરે લિંકનના માથામાં ગોળી મારી અને બીજે દિવસે તેઓ મૃત્યું પામેલા જાહેર થયા.દેશ માટે રાત દિવસ કામ કરનાર દેશ ભક્ત લીન્કને શહીદી વહોરીને આપણા રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીની જેમ વિશ્વમાં એમનું નામ અમર કરી ગયા.

અબ્રાહમ લિંકનની લોગ કેબિનથી વાઈટ હાઉસ સુધીની ભાતીગર જીવનયાત્રા દરમ્યાન ચડતી અને પડતીના ઉપર જણાવેલ ઘટનાક્રમ ઉપરથી બોધ એ લેવાનો કે જીવનમાં ગમે તેટલી હાર કે પડકારની પરિસ્થિતિ સર્જાય એવા પ્રસંગોએ હિમ્મત હારવી ન જોઈએ.જીવનની દરેક હાર કે પડકારમાં આગળ વધવાની તકો છુપાએલી હોય છે.જીવનમાં નિષ્ફળતાનો અનુભવ થતાં નિરાશાનો ભોગ બની ઘણા માણસો હિમ્મત હારી જાય છે અને આગળ પ્રયત્ન કરવાનું છોડી દે છે.જેવી રીતે યુધ્ધમાં મેદાન છોડી ભાગી જનાર સૈનિક યુદ્ધ જીતી શકતો નથી એવી જ રીતે જીવનના યુધ્ધમાં હિમ્મત હારીને મેદાન છોડી જનાર વ્યક્તિ પોતાના જીવનમાં કદી જોઈએ એવી પ્રગતી કરી શકતી નથી.

અબ્રાહમ લીન્કને પોતાની અનોખી જીવનકથાથી એ સાબિત કરી બતાવ્યું છે કે જીવનમાં ધીરજ,હિમ્મત અને અડગ વિશ્વાસ રાખવાથી કોઈ પણ ધ્યેયની પ્રાપ્તિ થઇ શકે છે.નિષ્ફળતાના પાયા ઉપર સફળતાની ઈમારત રચી શકાય છે.

એક અજ્ઞાત ગુજરાતી કવિ (કદાચ ઉમાશંકર જોશી !)ની આ કાવ્ય પંક્તિઓ ટાંકવાનું અત્રે ઉચિત લાગે છે કે-

“ મને મળી નિષ્ફળતાઓ અનેક આ જિંદગીમાં,

તેથી આજે થયો હું સફળ કૈક જિંદગીમાં “    

  વિનોદ આર. પટેલ

 

 

લોકપ્રિય ચિંતક અને સાહિત્યકાર ડૉ. ગુણવંત શાહના અમૃત પર્વ પ્રસંગે અભિનંદન

                                                    ડો. ગુણવંત શાહ                शतं जिव शरद ________________________________________________________________

ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક અને ચિંતક અને શિક્ષણકાર  ડૉ.ગુણવંત શાહ તા.૧૨મી માર્ચ,૨૦૧૨ના રોજ એમના પ્રવૃતિશીલ જીવનનાં ૭૫ વર્ષ પુરાં કરીને ૭૬મા વર્ષમાં પ્રવેશે    છે ત્યારે એમના જીવનના આ અમૃત પર્વ પ્રસંગે એમને હાર્દિક અભિનંદન અને અનેક શુભેચ્છાઓ.  

૧૨મી માર્ચ,૧૯૩૭માં રાંદેર (સુરત )ખાતે જન્મેલ ડૉ.શાહનું જીવન  ફલક ભારતમાં તેમ જ વિદેશમાં ફેલાયેલુ  છે.તેઓ વિશ્વ પ્રવાસી છે.એમની શૈક્ષણિક અને સાહિત્યની  પ્રવૃતિઓનો પરિચય,એમનાં પુસ્તકો,એમના લેખો અને દૈનિક કાર્યક્રમો(Events )ની વિગતવાર માહિતી જાણવા માટે એમના બ્લોગ ટહુકો ની નીચેની લીંક ઉપર ક્લિક કરશો.

Gunvant Shah’s blog Tahuko    

શ્રી ગુણવંત શાહ અને એમનું ગીતાજ્ઞાન  

ડૉ. ગુણવંત શાહ ગીતાના ઊંડા અભ્યાસી છે .શ્રી શાહ લિખિત પુસ્તક” કૃષ્ણં શરણં ગચ્છામિ” અને “કૃષ્ણનું  જીવન સગીત” આ બે પુસ્તકોમાં ગીતા અંગેનું એમનું ગહન જ્ઞાન દેખાઈ આવે છે.ગીતા વિશેની એક ચર્ચાગોષ્ઠિ માં એમણે કહ્યું હતું :

“‘ભગવદગીતાને હિંદુનો ગ્રંથ ન કહો. જ્યારે ભગવદગીતાનો ઉપદેશ અપાયો ત્યારે પૃથ્વી પર એક પણ હિંદુ ન હતો. આ પૃથ્વી પર એક પણ મુસલમાન ન હતો, એક પણ ખ્રિસ્તી ન હતો. ભગવદગીતા એ કેવળ માનવને અપાયેલો ઉપદેશ છે. કૃષ્ણને બધું જ માન્ય છે પણ પલાયનવૃત્તિ નહીં. ભગવદગીતા ભારતની, વિશ્વની ગરીબી દૂર કરી શકે છે. એ દાદાગીરી અને મિજાજ સાથે સમજવાની જરૂર છે. રાક્ષસને માનવઅધિકાર હોતા નથી અને તે કોઈ પણ કોમનો હોઈ શકે છે. જ્યારે તેની સામે લડવાની વાત આવે ત્યારે કાયરપ્રજા કહે છે કે, એને આપણે કંઈ મરાતો હશે ? ! કૃષ્ણનો સંદેશો એક છે તમે છો એ બનો. એક તરફ મથુરાવૃત્તિ છે તો બીજી બાજુ ગોકુલવૃત્તિ છે. મથુરાવૃત્તિ હશે તો કંસ મળશે,જ્યારે ગોકુલવૃત્તિમાં ગોપીઓ છે, રાસલીલા છે. પુરુષને પુરુષત્વનું ભાન ન રહે, સ્ત્રીને સ્ત્રીત્વનું ભાન ન રહે, કૃષ્ણની મગ્નતા હોય, બંસીના સૂર હોય ત્યારે જે ગ્રૂપ ડાન્સ થાય એનું નામ રાસલીલા. “

ગીતા અંગે એમના પુસ્તક “કૃષ્ણનું જીવન સગીત”માં જણાવે છે ;”ભારતીય સંસ્કારનું જે કાંઈ શ્રેષ્ઠતમ તત્વ છે તે ગીતામાં ઝીલાયું છે અને જળવાયું છે.પ્રત્યેક યુવાનના હાથમાં જ્યારે ગીતાનું પુસ્તક હશે ,ત્યારે આપણો દેશ ગરીબ નહિ હોય”.

ડૉ.શાહના આ અમૃત પ્રસંગે,સાહિત્યમાં ઊંડો રસ ધરાવનાર હ્યુસ્ટનના શ્રી ભીખુભાઈ મિસ્ત્રીએ  શ્રી ગુણવંતભાઈનો એમના સુંદર સંદેશ સાથે આ પોસ્ટની નીચે મુકેલ ફોટો તથા એમનો એક લેખ “સારા મા-બાપ બનવું એ ખાવાના ખેલ નથી.”એમના ઈ-મેલમાં મને મોકલી આપેલ એને આજની પોસ્ટમાં એમના અને શ્રી વિજયભાઈ ધારિયાના આભાર સાથે મુકેલ છે.આ લેખ વાચકોને માટે પ્રેરક બની રહેશે અને એમની અભિભૂત થઇ જવાય એવી શબ્દોની પસંદગી ,એમની સરળ અને રસાળ શૈલીનો પરિચય પણ મળશે.

સારા મા-બાપ બનવું એ ખાવાના ખેલ નથી.”  લેખ  વાંચવા માટે નીચે ક્લિક કરવા વિનંતી છે.

સારા મા-બાપ થવું એ ખાવાના ખેલ નથી -ગુણવંત શાહ

___________________________________________________________________

ઘડપણ અંગે શ્રી ગુણવંત શાહના બીજા બે સુંદર લેખો.

૧.બાબુ મોશાય! જિન્દગી બડી હોની ચાહિયે લંબી નહીં.

૨.ઘડપણ સડવા માટે નથી

શ્રી ગુણવંત શાહ તા. ૧૬મી સપ્ટેમ્બર ૨૦૧૧ ના રોજ હાર્ટ એટેકનો ભોગ બન્યા હતા. એમના જીવન માટેનો એ કસોટીનો કાળ હતો.હોસ્પીટલમાં એન્જીઓગ્રાફી અને બાયપાસ સર્જરી પછી ગુજરાતને સારે નસીબે તેઓ કસોટી કાળમાંથી હેમખેમ ઉગરી જઈને પોતાના હમ્મેશ મુજબના કાર્યમાં લાગી ગયા છે એ સૌને માટે આનંદની વાત છે.

 સર્જરી પછી ફક્ત પાંચ દિવસ પછી એમના હાર્ટ એટેક આવ્યા પછીનો અનુભવ રજુ કરતો અને એમાંથી બચવા માટેની શીખ આપતો એમણે એક લેખ “બાબુ મોશાય! જિન્દગી બડી હોની ચાહિયે લંબી નહીં” એમના બ્લોગ ટહુકોની તા ૨૧ મી સપ્ટેમ્બરની પોસ્ટમાં મુક્યો હતો.ખુલ્લા દિલે અને એમની આગવી રસાળ શૈલીમાં લખાયેલ આ લેખ તથા એમનો એવો જ બીજો સરસ લેખ ઘડપણ સડવા માટે નથી  મારા બ્લોગની તા.૨૮મી નવેમ્બર ૨૦૧૧ની પોસ્ટમાં “ઘડપણ અને એના આરોગ્ય અંગેના પ્રશ્નો ચર્ચતા ત્રણ સુંદર લેખો “શિર્ષક હેઠળ મુક્યા હતા .

શ્રી ગુણવંત શાહના આ બે પ્રેરક લેખ વિનોદ વિહારની નીચેની લીંક ઉપર વાંચી શકશો.

શ્રી ગુણવંત શાહના આ બે પ્રેરક લેખ

શ્રી ગુણવંત શાહની સાચી મૂળ અટક  પટેલ !

બહુ ઓછા લોકો જાણતા હશે કે શ્રી ગુણવંત શાહ પોતાની અટક શાહ લખાવતા હોવાં છતાં એક ભૂમિપુત્ર પટેલ-કડવા પટેલ છે!એમની આત્મકથા “બિલ્લો ટિલ્લો ટચ”માં પોતાની અટક અંગે એમણે આમ લખ્યું છે :

“વર્ષો પહેલાં ઈશ્વર પેટલીકરે એક લેખમાં જણાવેલ કે ગુણવંત શાહ ગુજરાતને છેતરે છે ,પોતે પટેલ હોવા છતાં અટકશાહ લખાવે છે….ઘણાં લોકો મારી વાણી અને અટક વચ્ચે દેખાતી વિસંવાદિતાને કારણે ગોટાળામાં પડે છે.મને ગોળ ગોળ બોલવાનું અને વળી તેલની ધાર જોઈને બોલવાનું બિલકુલ ફાવતું નથી.મારી અંદર હજી ખેતરમાં ઓરણી કે કાપણી કરતો,ઘાસ વાઢતો,બળદનાં પૂછડાં આમળતો,તડકામાં રવડતો,વરસાદમાં પલળતો,કુવે પાણી ખેંચતો ,ચાંચવા વડે ભોંય ભાંગતો એવો આખાબોલો અને સ્વભાવે ખરબચડો ભૂમિપુત્ર જીવતો બેઠો છે .લાખ પ્રયત્ન કરું તો ય સુધરી શકું તેમ નથી.હજી આજે પણ રાંદેરની સીમમાં મારું ખેતર છે .એ ખેતરમાં કપાસની કરસાંઠી એકલે હાથે ઉખેડેલી અને ધારું તો આજે પણ એ કામ કરી શકું. ”

આ જ પુસ્તકમાં પટેલની વ્યાખ્યા આપતાં એમણે લખ્યું છે :

“પટેલની વ્યાખ્યા શું ? લાંબા સહવાસ અને અનુભવને અંતે એક વ્યાખ્યા જડી છે :જે જાહેરમાં પત્નીનું કહ્યું બિલકુલ ન માને પણ ખાનગીમાં બધું માની જાય તેને પટેલ જાણવો.પટેલોની ભાષા ખરબચડી પણ હૃદય સુંવાળા. કોઈ માણસ બેવડી વાત કરે કે ગોળ ગોળ બોલે ત્યારે અકળાએલો પટેલ એને સંભળાવતો -” તું મુતરે તો ખબર પડે, પણ નહાતો નહાતો મુતરે તે કેમ ચાલે ?”

વળી એક દોહરો ટાંકતા કહે છે :

“ઘર ગભાણ ને ગોદડાં,ગાડી બળદ ને વહેલ,

દૂધ માખણ ને ઢેબરાં ,ધન ધન ધના પટેલ.”

સાન ડિયેગો                                                                        સકલન-વિનોદ આર. પટેલ        

_____________________________________________________________  

સ્વામી વિવેકાનંદ તથા શ્રી રામકૃષ્ણ પરમહંસનાં પ્રેરક વિચાર-મોતી

                                             

                                                                                       સ્વામી વિવેકાનંદ

આ ૨૦૧૨નુ વર્ષ વિશ્વ વંદનીય યુગ પુરુષ સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીનું વર્ષ છે. આ વર્ષ દરમ્યાન માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં પણ અવનવા  કાર્યક્રમોનું આયોજન કરીને એમના જીવન અને કાર્યને અંજલિ અપાઈ રહી છે.

સ્વામી વિવેકાનંદ આ જગતમાં માત્ર ૩૯ વર્ષનું ટૂંકું જીવન જીવીને વિદાય થયા હતા પરંતુ એ મર્યાદિત જીવનમાં કેટલું અદભુત કાર્ય કરી બતાવ્યું હતું ,કેવો અમર સંદેશ એમના લેખો ,પ્રવચનો અને પુસ્તકોમાં મુકીને ગયા છે !

આજની પોસ્ટમાં એમના અને એમના પ્રસિદ્ધ ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસનાં કેટલાંક ચૂંટેલાં પ્રેરક સુવાક્યો રજુ કરવામાં આવ્યાં છે.મને આશા છે આપને આ વિચાર મુક્તકો મનન કરવા અને જીવનમાં ઉતારવા યોગ્ય લાગશે.

મને ઈ-મેલમાં આ સુંદર વિચાર મુક્તકો મોકલવા માટે હ્યુસ્ટન રહેતા,૧૯૬૦થી મિત્રતા સંબંધ જાળવી રહેલ મિત્ર,શ્રી હસમુખ દોશીનો આભારી છું.

                                                                                                              — વિનોદ આર. પટેલ

_____________________________________________________________________

સ્વામી વિવેકાનંદના પ્રેરક સુવિચારો

1.કલયુગમાં સત્યનિષ્ઠ રહેવું એ સૌથી મોટું તપ છે. સત્ય જ બોલવું જોઈએ.

2.તમારો પ્રેમ એજ ઈશ્વરનો નૈવેધ છે.

3.ક્રોધ સાધકનો શત્રુ છે ,ક્રોધ કરવાથી શરીરના રોમે રોમમાંથી શક્તિનો વ્યય થાય છે.

4.પ્રથમ તો તમારે સારા પૌષ્ટિક ખોરાક વડે શરીર ને સુદ્રઢ બનાવવું જોઈએ ત્યાર પછી જ મન મજબૂત  થશે .  મન તો કેવળ શરીરનો સુક્ષ્મ ભાગ જ છે.

5.સારા શિક્ષણ નો ધ્યેય છે: માનવનો વિકાસ .

6.જે અભ્યાસથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને અભિવ્યક્તિ નિયંત્રણ હેઠળ લાવી શકાય તથા ફળદાયી બનાવી શકાય, તે છે કેળવણી.

7.વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.

 • પરિવર્તનથી ઈચ્છાશક્તિ વધુ મજબુત થતી નથી ; તે દુર્બળ બને છે અને પરિવર્તનને વશ થાય છે. પણ આપણે હંમેશા સંગ્રહણ વૃતિવાળા થવું જોઈએ. સંગ્રહણવૃતિથી ઈચ્છાશક્તિ મજબૂત થાય છે.

 • જો ઇશ્વર હોય તો આપણે તેનું દર્શન કરવું જોઈએ ; જો આત્મા હોય તો આપણે તેની અનુભૂતિ કરવી જોઈએ ; નહી તો, એમાં માનવું નહિ એ વધુ સારું છે. દંભી થવા કરતાં આખાબોલા નાસ્તિક થવું એ બહેતર છે.

 • કાર્ય કરવું એ ઘણું સારું છે, પરંતુ તે વિચારોમાંથી આવે છે. માટે મસ્તિષ્કને ઉન્નત વિચારોથી, સર્વોચ્ચ આદર્શોથી ભરી દો; તેમને અહર્નિશ તમારી નજર સમક્ષ રાખશો તો તેમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે. 

 • માનવીને સંતોષી શું શકે ?નહીં સોનું,નહીં ભોગ,નહીં સૌન્દર્ય કેવળ એક અનંત જ તેને સતોષી શકે.અને તે અનંત તે પોતે જ છે.જ્યારે તેને આ અનુભૂતિ થાય છે ,કેવળ ત્યારે જ મુક્તિ પ્રાપ્ત થાય છે.

“બંસી આ,ઇન્દ્રિય અવયવરૂપી છિદ્રવાળી,

સર્વ સંવેદના ,દર્શન અને ગાન સાથે

ગાઈ રહી કેવળ વાત એક કપાઈ જ્યાંથી

મૂળ જંગલે ત્યાં ,જવા ઈચ્છે છે આતુરતાથી “

“મુક્ત થા તું જ તુજ જાતથી,તુજ જાત દ્વારા !

કારણ સ્વયમ તું જ છે તું જ મહાન મિત્ર ,

અને તું જ મહાન શત્રુ તું સ્વયમ છે.”  

 • વિશ્વની તમામ શક્તિઓ આપણી જ છે. આપણે જ આપણા હાથ આંખો પર મૂકીને બરાડા પાડીએ છીએ કે બધે અંધકાર છે. જાણી લો કે આપણી પાસે અંધકાર નથી. હાથ ઉઠાવી લો એટલે પ્રકાશનું દર્શન થશે. એ તો પહલે થીજ હતો .અંધકારનું , નિર્બળતા ક્યાંય હતી જ નહી .આપણેજ માની લીધું છે કે આપણે નિર્બળ , અપવિત્ર , અસફળ છીએ.

 • કાર્ય કરવું એ ઘણું સારું છે, પરંતુ તે વિચારોમાંથી આવે છે. માટે મસ્તિષ્કને ઉન્નત વિચારોથી, સર્વોચ્ચ આદર્શોથી ભરી દો; તેમને અહર્નિશ તમારી નજર સમક્ષ રાખશો તો તેમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે.

 • જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ . ખંતીલો માણસ કહે છે ; ‘હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાં સાથે જ પર્વતો કડકભૂસ થઈને તૂટી પડશે.આવા પ્રકારની શક્તિ પ્રાપ્ત કરો, આવા પ્રકારની ઇચ્છાશક્તિ દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો તમે ધ્યેયને પામી શકશો.

.   ઈશ્વરની શોધ બીજે ક્યાં કરવા જશો ?   શું બધા દિન-દુખી અને દુર્બલ લોકો   ઈશ્વર સ્વરૂપ નથી ?

    તો એમની પૂજા પ્રથમ શા માટે ન કરવી ?  ગંગા કાંઠે કુવો ખોદવા શા માટે જવું ?

  પ્રાચીન ધર્મો ઈશ્વરમાં ન માનવાને નાસ્તિક  કહેતા .નવો ધર્મ કહે છે કે જેને પોતાનામાં   શ્રધ્ધા નથી તે 

   નાસ્તિક છે.

શ્રી રામકૃષ્ણ પરમ હંસ ના પ્રેરક સુવિચારો  

01. પુત્ર નથી, ધન નથી સ્વાસ્થ્ય નથી નાં રોદણાં રડતા ઘણાં લોકો જોવા મળે છે. પરંતુ ભાગ્યેજ એવા વિરલા રડતા જોવા મળશે જે રોદણું રડતા હોય કે પ્રકાશ નથી,ભગવાન નથી, સત્કર્મ નથી. જો આના માટે લોકો રડવા લાગે તો એમને કોઇ જ વાતની કમી ન રહે.

૦2 . ભીનો, કાચો વાંસ આરામથી વાળી શકાય છે. પણ સૂકાઇ ગયા પછી તેને વાળી શકાતો નથી પણ તૂટી જાય છે. કાચી ઉંમરમાં મનને સંભાળીને સુધારી શકાય છે. ઘડપણમાં વાળવાથી તેને જડતા જકડી લે છે એટલે ન તો તેની આદતો બદલાય છે કે ન તો ઇચ્છાઓ સુધરે છે.

03. પતંગીયાને દીવાનો પ્રકાશ મળી જાય તે, પછી તે અંધારામાં પાછું ફરતું નથી પછી ભલે ને તે દીવાની આગમાં પ્રાણ ગુમાવવો પડે.જેને આત્મબોધનો પ્રકાશ મળી જાય છે તે અજ્ઞાનના અંધકારમાં ભટકતો નથી, પછી ભલે તેને ધર્મના માર્ગમાં પોતાનું સર્વસ્વ ગુમાવવું પડે.

04. વાસના વગરનું મન સૂકી દિવાસળી જેવું છે, જેને એક વખત ઘસવાથી જ આગ ઉત્પન્ન થઇ જાય છે. વાસનામાં ડૂબેલું મન ભીની દિવાસળી જેવું છે જેને વારંવાર ઘસવાથી પણ કંઇ કામ થતું નથી.ભજનની સફળતા માટે મનને સાંસારિક તૃષ્ણાઓની ભીનાશથી બચાવવું જોઇએ.

05. પથ્થરો વર્ષો સુધી નદીમાં પડેલો રહે તો પણ તેની અંદર ભીનાશ નથી પહોંચતી, તોડીએ તો અંદરથી સૂકો જ નીકળે છે; પરંતુ માટીનું થોડૂક જ પાણી પડતા એને શોષી લે છે અને ભીનું થઇ જાય છે. ભાવનાશીલ હ્રદય થોડા ઘણા ઉપદેશોને પણ હ્રદયંગમ કરી લેઅ છે.પણ આડંબરમાં ડૂબેલા રહેનારનું જ્ઞાન જીભ સુધી જ મર્યાદિત રહે છે. તે એને અંદર ઉતારતા નથી. પરિણામ સ્વરૂપ તેઓ ફકત બકવાસ કરવાવાળા જ બની રહે છે.

06. ભીની માટીથી જ રમકડાં; વાસણ વગેરે બને છે. પકવેલી માટીથી કશું જ બનતું નથી. તેવી જ રીતે લાલસાની આગમાં જેની ભાવનારૂપી માટી બળી ગઇ, તે ન તો ભકત બની શકે છે કે ન તો ધર્માત્મા બની શકે છે.

07. રેતી સાથે બળેલી ખાંડમાંથી કીડી ફકત ખાંડ જ ખાય છે અને રેતી છોડી દે છે. તેવી જ રીતે આ ભલાઇઅ બુરાઇ ભરેલા સંસારમાંથી સજ્જન ફકત ભલાઇ ગ્રહણ કરે છે ને ભુરાઇઅ છોડી દે છે.

08. દોરામાં ગાંઠ લાગેલી હોય તો તે સોયના કાણામાં ઘૂસી શકતો નથી અને તેનાથી સિવાતું નથી. મનમાં સ્વાર્થસભર સંકીર્ણતાની ગાંઠ લાગેલી હોય તો તે ઇશ્વરમાં લાગી નથી શકતું અને જીવનનું લક્ષ્ય પ્રાપ્ત નથી કરી શકતું.

09. સાપના મોઢામાં ઝેર રહે છે, પગમાં નહીં. યુવાન સ્ત્રીઓનો ચહેરો નહીં પરંતુ ચરણ જોવા જોઇએ તેનાથી મનમાં વિકાર ઉત્પન્ન થતો નથી.

10. બાળક ગંદકીમાં રગંદોળાવાનો કેટલોય પ્રયત્ન કરે પણ માતા એની મરજી ચાલવા દેતી નથી અને જબરજસ્તી પકડીને નવડાવી દે છે.પછી ભલે બાળક રડતું કકળતું રહે. ભગવાન ભકતને મલિનતાથી છોડાવીને નિર્મળ બનાવે છે. એમાં ભલે પછી ભકત પોતાની ઇચ્છામાં અવરોધ પેદા થયેલો જોઇને રડતો કકળતો રહે.

11. ચુંબક પથ્થર પાણીમાં પડેલો રહે તો પણ તેનો લોખંડને આકર્ષવાનો અને ઘસતાં જ આગ પેદા કરવાનો ગુણ ખલાસ નથી થતો. વિષમ પરિસ્થિતિમાં ઘેરાયેલા રહેવા છતાં સજ્જન પોતાના આદર્શો છોડતા નથી.

_________________________________________________      

Top 40 Famous Quotes of Swami Vivekananda | Thought provoking | Inspirational | Motivational

સ્વામી વિવેકાનંદનાં અંગ્રેજીમાં  40 શ્રેષ્ઠ સુવાક્યો  

https://youtu.be/z-JHzX821Lg

સંગીતની સરસ ધૂન સાથે નો  વિડીયો જોવા માટે  નીચેની લિંક ઉપર ક્લિક કરશો.

Swami Vivekananda’s life through pictures

https://youtu.be/JntwFFlzecA

____________________________________________________

તારીખ ૧૨મી જાન્યુઆરી ૨૦૧૨ના રોજ સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતીના દિવસે બહાર પાડેલ વિનોદ વિહારની પોસ્ટમાં એમના જીવન વિષે લેખ,સુવાક્યો અને એમનાં વિશ્વ વિખ્યાત શિકાગોની ધર્મ પરીષદમાં આપેલ યાદગાર પ્રવચનનો વિડીયો વિગેરે રસિક માહિતી આપવામાં આવી હતી.

આ પોસ્ટ વાંચવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.

સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી 

આ ૨૦૧૨ના વર્ષ દરમ્યાન વિનોદ વિહાર બ્લોગમાં સ્વામી વિવેકાનંદ અંગે એમના વિચારો,લેખો વિગેરે અવારનવાર રજુ કરતા રહેવાનો વિચાર છે.જે વાચક મિત્રો મને ઈ-મેલથી સ્વામી વિવેકાનંદ વિષે માહિતી મોકલશે અને એ જો વાચકોને વાંચવી ગમે એવી લાગશે તો એમના  આભાર સાથે અત્રે સંપાદિત કરીને મુકવામાં આવશે.  

સાન ડિયેગો                                                            વિનોદ આર. પટેલ

આવ્યો રંગોનો તહેવાર– હોળી- ધુળેટી-વસંતોત્સવ સંકલન – વિનોદ પટેલ

હોલી ખેલે બ્રિન્દાબનમેં નંદલાલ, સબ ગોપીયો કે સાથ Thanks-Google-image

દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે,માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી.આ વર્ષે ૭મી માર્ચ,૨૦૧૨ના રોજ આવતા આ  હોળીના  પર્વનું સ્વાગત છે. 

હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે.ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં,હોળીને ‘હુતાસણી’થી ઓળખવામાં આવે છે.હોળીના બીજા દિવસ ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે. 

હોળી આવતા લોકો ખુબ ઉત્સાહિત થઇ જાય છે .વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે.ખેતરો પાકથી લહેરાતાં  હોય છે.યુવાન હૈયાં વસંતની સાથોસાથ ખીલી ઉઠે છે.કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતાં જુવાન નર-નારીઓમાં જણાઈ આવે છે.એટલે તો હોળીને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

હોળીના દિવસોમાં ઘણા વિસ્તારોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ લતાઓ કે વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે,આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે.સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની ‘હોળી’ ખડકીને હોળી પ્રગટાવવામાં આવે છે. 

લોકો પ્રગટાવેલ હોળીની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું  પૂજન કરે છે. ઉજવણીની રીતો અલગ હોઈ શકે એમ છતાં દરેકની ભાવના એક જ હોય છે,અને તે એ કે હોળી પ્રગટાવી આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. 

હોળીના બીજા દિવસે ધુળેટી મનાવાય છે.આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબીજા  પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી, રંગોની વર્ષામાં તરબોળ થઈને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. કેટલાક લોકો આ દિવસોએ ભગવાન શિવને યાદ કરી ભાંગના નશાનો આનંદ લઈને મસ્ત બનીને નાચે છે.બોલીવુડની ફિલ્મી દુનિયાની જાણીતી હસ્તીઓ પણ ધુળેટીના રંગોમાં રંગાવાથી બાકાત રહેતી નથી. ”રંગબરસે,ભીગે ચુનરવા” જેવાં ગીતો ઘણી હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે. 

હોળી સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ . 

હિંદુ ધર્મમાં આને લગતી “હોલિકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે.

વૈષ્ણવ માન્યતા અનુસાર,હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો.એને  બ્રહ્માજીનું વરદાન હતું કે તે ‘દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી એનું મૃત્યું થશે નહીં’.આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો.તેને મારવો એ લગભગ અસંભવ થઇ ગયું.આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો.સ્વર્ગ અને પૃથ્વી પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો. 

હિરણ્યકશિપુનો પોતાનો પૂત્ર,પ્રહલાદ,ભગવાન વિષ્ણુનો ભક્ત હતો.એને   કંઇ કેટલાં ય પ્રલોભનો તથા ડર બતાવી એણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી.તેણે પ્રહલાદને મારવા માટે પણ બહું જ પ્રયત્ન કર્યા પરંતુ ઇશ્વરકૃપાથી તે બધા વિફળ રહ્યા.છેવટે પ્રહલાદને મારી નાખવાના  ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી,અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો.હોલિકા,કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી,આથી હોલિકા અગ્નિમાં બળીને  ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. 

પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુના વધની કથા આવે છે,જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી (જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે)બરાબર સંધ્યા સમયે,ઘરનાં ઉંબરા વચ્ચે,પોતાનાં ખોળામાં બેસાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કરે છે.આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ એટલે હોળી મનાવવામાં આવે છે. 

આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે.જેમાં રાધા અને કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ છે.હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ છે. આ તહેવાર દરમિયાન, બ્રહ્માંડમાં અલગ અલગ તેજકિરણો પ્રસરે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે 

(માહિતી સૌજન્ય-વિકિપીડિયા )                                                                          સંકલન –વિનોદ આર. પટેલ 

_______________________________________________________

કરોના,કેલીફીર્નીયામાં રહેતા મારા કવિ મિત્ર શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ) નું હોળીના તહેવારને અનુરૂપ સુંદર ગેય કાવ્ય એમના સાભાર સાથે આજની પોસ્ટમાં નીચે મુક્યું છે.આ કાવ્યમાં એમણે હોળી-ધુળેટીમાં લોકોનો ઉલ્લાસ અને આનંદ ,રંગોની રમઝટ અને વસંતનાં વધામણા સાથે કુદરતમાં થતા માદક બદલાવનો આપણને પરિચય કરાવ્યો છે.

ચાલો,એમના આ સુંદર હોળી-કાવ્યનો રસાસ્વાદ માણીએ. 

હોળી આવી રે        (કાવ્ય )   

વગડે મહોર્યા કેસુડા ના રંગ , કે હોળી આવી રે

છાઈ મસ્તી મનને અંગ, કે હોળી આવી રે 

આવી વસંતની વણઝાર, ઉછળે રંગોના ઉપહાર

આજ આવી કા’નાની યાદ, આવો હેતે રમીએ રાસ

કે હોળી આવી રે 

ટહુકે કોયલ આંબા ડાળ, વૃક્ષો ઝૂમે મંજરી સાથ

પુષ્પોએ ધરિયા રુપ રંગ, નવોઢાના ઉરે છલકે ઉમંગ

કે હોળી આવી રે 

ખેતરે મલકે મોંઘા મોલ, ફાગણે વાગે ફાગિયા ઢોલ

મનમાં ઝૂમે ખુશીનાં ગીત, આજે ઝૂમે મનના મીત

કે હોળી આવી રે 

મલકે યૌવન ઊભા બઝાર, ખાશું આજ ધાણી ને ખજૂર

અબીલ ગુલાલ છાયો રે આકાશ, પાપનો થાજો રે ભાઈ નાશ

કે હોળી આવી રે 

હલકે હલકે ફોરે રે ફોરમ, કે હોળી આવી રે

છાઈ મસ્તી મનને અંગ, કે હોળી આવી રે

કે હોળી આવી રે 

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ) 

_______________________________________________________

 

બીજા એક મિત્ર શ્રી વિપુલ દેસાઈએ હોળીના પર્વ નિમિત્તે હોળી ચિત્રોનો એક સરસ વિડીયો બનાવીને એમની ઈ-મેલમાં,હોળીની શુભેચ્છાઓ સાથે મને મોકલ્યો છે.

આ વિડીયોમાં માત્ર ભારતના જ નહી પણ જગતના બીજા દેશોના ધુળેટીના મેઘ ધનુષી રંગોમાં તરબોળ બનીને મસ્તીથી પર્વ ઉજવતા લોકોનાં રંગ બેરંગી ચિત્રો,ફિલ્મી હોળી ગીતોની ધૂન સાથે,જોઈ શકાશે.સુરતીનું ઊંધિયું બ્લોગના શ્રી વિપુલ દેસાઈના આભાર સાથે નીચે મુકેલ આ વિડીયોને નીચેની લીંક ઉપર માણીને આ પર્વના ઉત્સાહમાં સહભાગી  થવા આમંત્રણ છે.

https://youtu.be/8R7G4I98HbU

આપ સૌ વાચકોને હોળી-ધુળેટીની હાર્દિક શુભેચ્છાઓ. 

સંકલન-વિનોદ આર. પટેલ

_______________________________________________________