વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 2, 2012

વૃદ્ધ પિતા ,પુત્ર અને કાગડો ( વાર્તા ) – લેખક વિનોદ આર. પટેલ

 

અમદાવાદથી  પ્રગટ થતા માસિક ધરતીમાં માર્ચ ૨૦૧૦માં પ્રસિદ્ધ  થયેલી મારી એક વાર્તા ” વૃદ્ધ પિતા , પુત્ર અને કાગડો ” આજની પોસ્ટમાં  અત્રે મૂકી છે.વાચકોને એ ગમશે એવી આશા છે.  — વિનોદ પટેલ

_______________________________________________________

 

જિંદગીની એંસી વર્ષની સંઘર્ષથી ભરેલી જીવનયાત્રાના રાહી સુમંતરાય દેસાઈને એમની જિંદગીનો છેલ્લો તબક્કો અમેરીકામાં આવીને ગાળવો પડશે એનો મનમાં કોઈ ખ્યાલ ન હતો.ઇન્ડીયામાં વતનના શહેરમાં મહેનત અને વફાદારીપૂર્વક નોકરી કરતાં કરતાં થોડું દુખ વેઠીને  પણ એમના એકના એક દીકરા સુનીલને એના સારા ભવિષ્ય માટે અમેરિકા મોકલવાની હિમત બતાવીને એમની નજરથી અળગો કર્યો હતો.ત્યારબાદ એમની બચતમાંથી બનાવેલ સોસાયટીના મકાનમાં ધર્મપત્ની શારદાબેન સાથે પોતાનું નિવૃત જીવન ઇન્ડીયામાં સુખેથી ગાળવાનું સુમંતરાયે  મનમાં સ્વપ્ન ઘડી રાખેલું.પરંતુ માણસનું ધારેલું હંમેશા ક્યાં સફળ થતું હોય છે ?એમનાં પત્ની  શારદાબેન કેન્સરના જીવલેણ રોગનો ભોગ બનીને પ્રભુને પ્યારાં થઇ જતાં સુમંતરાયની જીવનની આનંદ યાત્રા એકાએક ખોરવાઈ ગઈ.

વૃધ્ધાવસ્થામાં પિતા એકલા પડી જતાં અમેરીકામાં ઘણાં વરસના  વસવાટ પછી સારી રીતે સેટ થયેલા એમના દીકરા સુનીલે દસેક વર્ષ પહેલાં સુમંતરાયની ૭૦ વર્ષની ઉમરે એમને સમજાવીને અમેરિકા બોલાવી લીધા હતા .બીજો કોઈ વિકલ્પ ન હતો એટલે સુમંતરાય પુત્રની ઈચ્છાને માન આપી અમેરિકા આવી ગયા હતા .અમેરિકા આવીને સંજોગો સાથે સ્માધાન કરી દીકરા સુનીલ,પુત્ર વધુ રાધિકા અને બે પૌત્રો સાથે રહીને,આધ્યાત્મિક વાચન,પ્રભુભક્તિ અને અન્ય ગમતી પ્રવૃતિઓમાં મન પરોવીને સુમંતરાય જીવન સાથીની ખોટને ભૂલવાનો પ્રયત્ન કરતા,પુત્ર-પરિવાર સાથે દિવસો પસાર કરતા હતા. 

સુમંતરાયે એમની જુવાનીમાં શરીર બરાબર સાચવ્યું હતું એટલે આજે  એમની એસી વર્ષની ઉમરે પણ હજુ સારી રીતે હરી ફરી શકે છે અને પોતાનું કામ જાતે કરી લે છે.આજે રવિવારના દિવસે પણ એમની ઇન્ડિયાની ટેવ પ્રમાણે વહેલા ઉઠી જઈ ઘરમાં બધાં ઉઠે એ પહેલાં પોતાનો નિત્યક્રમ પતાવી પૂજાપાઠ કરીને એમણે જાતે ચા બનાવી ,નાસ્તો કરી બહાર થોડા આંટા મારી આવ્યા.એ પછી  એમની રૂમમાંથી પુસ્તક લઈ આવીને ઘરના ફેમિલી રૂમના સોફામાં વાંચવા બેસી ગયા.દીકરો સુનીલ રજાના મુડમાં એમના  સામેના સોફામાં સવારના અખબારમાં સ્પોર્ટ્સનું પાનું વાંચવાનો આનંદ લઇ રહ્યો હતો.રાધિકા બે બાળકો સાથે સ્કુલ ખુલવાની હોઈ બે બાળકોને લઈને સ્ટોરમાં ખરીદી કરવા ગયાં હતાં.

સુમંતરાય પુસ્તકમાંથી નજર ઉઠાવી બારી બહાર આકાશ તરફ એકી નજરે શૂન્યમનસ્ક ભાવે તાકી રહયા હતા એવામાં એક કાગડો ઉડતો ઉડતો આવીને ફેમીલી રૂમની બારી બહારના એક ઝાડ ઉપર આવીને બેસી  કા…કા.. કરવા લાગ્યો.અમેરિકામાં આવ્યા પછી પહેલી જ વખત કાગડાનાં દર્શન થતાં  સુમંતરાયને મનમાં થોડું આશ્ચર્ય થયું. એમની નજર કાગડામાં થોડી વાર માટે સ્થિર થઇ ગઈ. એકાએક એમના મગજમાં ભૂતકાળના એક પ્રસંગનું દ્રશ્ય તાજું થઇ ગયું.એમણે અખબાર વાંચી રહેલ સુનીલ તરફ એક નજર કરી. હંમેશાં ગંભીર રહેતા સુમંતરાયના મુખ પર આછા સ્મિતની એક લકીર ખેંચાઈ ગઈ.

મનમાં થોડી ગડમથલ પછી સુનીલને ઉદ્દેશીને સુમંતરાયે છેવટે પૂછી જ નાખ્યું :

“ સુનીલ ,બેટા પેલા ઝાડ ઉપર કયું પક્ષી બેઠું છે ?”

સુનીલને પિતાના આ પ્રશ્નથી નવાઈ લાગી.એમ છતાં મૌન રહેવાના બદલે એણે જવાબ આપ્યો: ”ડેડ,એ કાગડો છે .”

થોડી મીનીટો વીતી હશે ત્યાં સુમંતરાયે સુનીલને એનો એ જ પ્રશ્ન ફરી દોહરાવ્યો.આ વખતે મુખ પર કંટાળાના ભાવ સાથે સુનીલે કહ્યું :”ડેડ ,તમને મેં એકવાર તો કહ્યું કે એ કાગડો છે.”

આ પ્રમાણે સમયાંતરે સુમંતરાયે જ્યારે સુનીલને એકનો એક પ્રશ્ન ચોથીવાર પૂછ્યો ત્યારે આવો વિચિત્ર લાગે એવો પ્રશ્ન વારંવાર પૂછી રહેલા પિતા ઉપર એને હવે ખરેખરનો ગુસ્સો આવ્યો.સુનીલ  વાંચતો હતો એ અખબારને સોફામાં પટકી ઉભો થઇ જતાં થોડા ઊંચા અવાજે કહ્યું :”ડેડ ,તમને આજે થયું છે શું ?તમને મેં ચાર વાર તો કહ્યું કે એ કાગડો છે,છતાં આજે રજાના દિવસે સવારના પહોરમાં નાહકના કેમ મારું માથું ખાઓ છો ? વ્હેલા ઉઠ્યા છો તો જાઓ તમારી રૂમમાં જઈને સુઈ જાઓ, મહેરબાની કરો.“

સુમંતરાય કઈ પણ બોલ્યા વગર ઉભા થઇ ધીમી ચાલે એમની સદાની મિત્ર બની ગયેલી રૂમ તરફ ચાલવા માંડ્યા..થોડીવાર પછી એમની રૂમમાંથી એમના જેવી જ એક જૂની પુરાણી ડાયરી હાથમાં લઈને સુનીલની બાજુમાં સોફામાં આવીને એ બેસી ગયા.સુનીલને ફરી પાછું થોડું આશ્ચર્ય થયું .

સુમતરાયને એમના યૌવન કાળથી ડાયરી લખવાનો શોખ હતો.આ ડાયરીમાં એમણે પુત્ર સુનીલનો જન્મ થયો એ સમયથી માંડીને એના બાળપણ,અભ્યાસ કાળ અને એ અમેરિકા ગયો ત્યાં સુધીના પ્રસંગોની અને પરિસ્થિતિની નોંધ કરી હતી.પોતાના હાથમાંની ડાયરીના આગલા થોડા પાન ઉથલાવી એક પાનું ખોલીને એમણે સુનીલને આપતાં કહ્યું :”ભાઈ,ડાયરીનું આ પાનું જરા વાંચ તો.” સુનીલને મનમાં થયું ,એવું તો પિતાએ એમાં શું લખ્યું હશે જે મને વંચાવવા માગે છે ! એમ છતાં કુતુહલવશ એણે પિતા પાસેથી ડાયરી લઈને એમણે  બતાવેલ પાનું વાંચવા લાગ્યો.પિતાએ ડાયરીમાં આ પ્રમાણે લખ્યું હતું :

“આજે રવિવારની રજાનો દિવસ છે.મારી આંખોની કીકી જેવા વ્હાલા મારા બે વરસના પુત્ર સુનીલને મારા ઘરમાં ખુરશીમાં મારા ખોળામાં બેસાડીને રમાડી રહ્યો છું.એ વખતે એક કાગડો રૂમની ઉઘાડી બારી ઉપર આવીને બેસી કા કા કરવા લાગ્યો.કાળા રંગના કાગડાને જોઈને બાળ સુનીલ ખુબ જ ખુશ થઇ બે હાથે તાલી પાડવા લાગ્યો.એની કાલી મીઠી જબાનમાં મને કહે :”પાપા આ શું છે ?”સુનીલના આ પ્રશ્નથી મને ખુબ આનંદ થયો.ખુબ જ પ્રેમપૂર્વક મેં એને જવાબ આપ્યો :”દીકરા મારા એને  કાગડો કહેવાય ! થોડીવાર પછી સુનીલ ફરી ફરી એજ સવાલ કરવા લાગ્યો.મને લગભગ વીસેક વાર આ પ્રશ્ન એણે કર્યો હશે પરંતુ દરેક વખતે સહેજ પણ ગુસ્સાનો કે કંટાળાનો ભાવ મોં પર બતાવ્યા વગર સુનીલના પ્રશ્ન પૂછવાના ઉમળકાને હું સંતોષ આપતો જ ગયો.જેટલીવાર એ પ્રશ્ન પૂછે એ દરેક વખતે એને છાતી સરસો ચોપીને જવાબ આપતો જ રહ્યો. હું મારા પુત્રની કુતુહલ વૃતિને આઘાત આપવા માગતો ન હતો.બાળકોને કદી ગુસ્સાથી દબાવી દેવાં ન જોઈએ. ગુસ્સો કરવાથી એમની કલ્પના શક્તિ ઉગતી જ દબાઈ જાય છે.”

પિતા સુમંતરાયની ડાયરીનું આ પાનું વાંચીને સુનીલ એકદમ ઊંડા વિચારમાં પડી ગયો.એના અંતરમનમાં ભૂતકાળમાં પિતા સાથે ગાળેલી ઘણી બધી સુખદ પળો ઉમટી આવી.એનાં માતા અને પિતાએ પંડે દુખ અને મુશ્કેલીઓ વેઠીને પણ પ્રેમથી એના ઉછેર ,શિક્ષણ અને એના જીવનના ઘડતર માટે જે ભોગ આપેલો એ એની નજર સમક્ષ તાજો થઇ ગયો.અત્યારે પોતે જે ઉચ્ચતર કારકિર્દી ભોગવી રહ્યો છે એ એમણે આપેલ ત્યાગ અને સંસ્કારના પાયા ઉપર રચાઈ છે  એ હકીકતને નજર અંદાજ કરી  પિતા ઉપર ગુસ્સે થવા બદલ એને ઊંડું દુખ અને પસ્તાવાની લાગણી થઇ આવી.

ડાયરી બંધ કરી પિતાને આપતાં સુનીલ એકદમ ઉભો થઈને પિતાને ભેટી પડ્યો.ગળગળો થઈને કહેવા  લાગ્યો :”પિતાજી,મેં તમારા ઉપર બતાવેલ ગુસ્સા બદલ મને માફ કરો.તમારી આ ડાયરીના એક પાનાએ મારી બન્ને આંખો ખોલી નાખી છે.મારાં બાળકો અને તમારા પ્રત્યે મારે કેવી રીતે વર્તવું જોઈએ એનું મને ભાન કરાવ્યું છે.મને માફ કરશોને ?”

વાર્તા તો અહીં પૂરી થઇ ગઈ પણ એમાંથી જો કઈ પણ સાર લેવાનો હોય તો એ છે કે વૃદ્ધજન એક બાળક જેવો છે.એક બાળકની જેમ એના પ્રત્યે સાનુકુળ વર્તન દાખવવું જોઈએ.પોતાના જીવન ઉપર જેના આપેલ સંસ્કારો અને ત્યાગની ઊંડી અસર પ્રવર્તે છે એ મા-બાપની લાગણીને એમની છેલ્લી અવસ્થામાં ઠેસ ન પહોંચાડવાની કાળજી સંતાનોએ દાખવવી જોઈએ.વૃદ્ધાવસ્થામાં દરેક મા-બાપને ખોરાક કરતાં યે સંતાનો તરફથી એક અમી નજર,આદર ,પ્રેમ અને હૂંફની જરૂર હોય છે અને એ જ એમને માટે બાકીનું  જીવન સુખેથી જીવવા માટેના ઔષધ અને જડીબુટ્ટીની ગરજ સારે છે.

_______________________________________________________

કેટલાંક મનન કરવા લાયક સુવાક્યો.

જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું. 

પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.

 

નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન.

 

જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી.

 

શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.

 

બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?

 

આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.

 

એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.

 

જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.

 

પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.