વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 21, 2012

નિષ્ફળતાની બુનિયાદ પર સફળતાની ઈમારતના રચયિતા- અબ્રાહમ લિંકન લેખક-વિનોદ પટેલ

                       ABRAHAM LINCOLN (1809-1865)

આ જગતમાં એવો મનુષ્ય ભાગ્યે જ મળશે કે જેણે પોતાના જીવન દરમ્યાન એક યા બીજા પ્રકારની નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો ન હોય.નિષ્ફળતા કે સફળતા,આશા કે નિરાશા અને સુખ કે દુખ જેવાં વિરોધાભાષી દ્વંદ્વોથી મનુષ્ય જીવનની ઈમારતનું ઘડતર અને ચણતર થતું હોય છે.

આજથી ૨૦૩ વર્ષ પહેલાં ૧૨મી ફેબ્રુઆરી,૧૮૦૯ના રોજ લાકડાની કેબીન જેવા ગરીબ ઘરમાં જન્મેલ અમેરિકાના લોકપ્રિય ૧૬મા પ્રેસીડન્ટ અબ્રાહમ લિંકનના જીવનમાં એમને જેવી અનેક નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો અને હાર ખમવી પડી હતી એવી ઘણા ઓછા માણસોને વેઠવી  પડી હશે.વિકટ પરિસ્થિતિઓમાં નાસીપાસ થવાને બદલે સતત પ્રયત્નો ચાલુ રાખીને અબ્રાહમ લિંકન અમેરિકાના ઇતિહાસમાં ગુલામોના મુક્તિદાતા અને દેશને ખંડિત થતો બચાવનાર એક સફળ પ્રેસિડન્ટ તરીકે પોતાનું નામ અમર કરી ગયા છે.

અબ્રાહમ લિંકનના જીવનનો આશા–નિરાશા,નિષ્ફળતા-સફળતા અને અનેક પડકારોને ઉજાગર કરતો નીચેનો ઘટનાક્રમ ઘણો રસપ્રદ અને પ્રેરક છે. 

અબ્રાહમ લિંકનના જીવનના ઘડતરમાં સિંહ ફાળો આપનાર એમની માતા નેન્સી ૧૮૧૮માં તેઓ જ્યારે માત્ર ૧૦ વર્ષની ઉમરના હતા ત્યારે મરકીના રોગમાં સપડાઈને મૃત્યું પામ્યાં હતાં.એમના જીવનનો આ પ્રથમ મોટો આઘાત હતો.અવારનવાર એમનો વસવાટ બદલ્યા કરતા એમના પિતા ટોમસે સાત વર્ષની ઉમરે જ અબ્રાહમના હાથમાં કુહાડી પકડાવી દીધી હતી.એમની બાવીસ વર્ષની ઉમર સુધી કુટુંબના નિર્વાહ માટે લાકડા ચીરવાની સખ્ત મજુરી પિતાની સાથે રહીને એમણે કરી હતી.૧૮૩૧માં એમની બાવીસ વર્ષની ઉમરે નાનો ધંધો શરુ કર્યો પરંતુ ન ચાલતાં બંધ કરવો પડ્યો.૧૮૩૨માં તેઓ લેજીસ્લેચર પ્રતિનિધિ માટેની ચુંટણી લડ્યા પણ એમાં હાર મળી.આ જ વર્ષે એમણે નોકરી ગુમાવી.લોં સ્કુલમાં એમને અભ્યાસ કરવા જવું હતું પણ પૈસાના અભાવે જઈ ન શક્યા.૧૮૩૩માં મિત્રો પાસેથી પૈસા ઉછીના લઈને ફરી ધંધામાં ઝંપલાવ્યું પરંતુ દેવાળું કાઢ્યું.આ દેવું ચુકતે કરવા માટે એમને ૧૭ વર્ષ સુધી રાહ જોવી પડી!૧૮૩૪માં સ્ટેટ લેજીસ્લેચરની ચૂંટણી લડ્યા અને એમાં જીત મળી. ૧૮૩૫માં  એમની પ્રેમિકા સાથે લગ્ન સંબંધ નક્કી કર્યો પરંતુ પ્રેમિકાના અચાનક અવસાનથી એમનું હૃદય ભાંગી પડ્યું .એ પછીના વર્ષે મગજની સમતુલા ગુમાવતાં તેઓ ડીપ્રેશનનો ભોગ બનીને ૬ મહિના પથારીવશ રહ્યા. માંદગીમાંથી ઉભા  થઈને ૧૮૩૮માં સ્ટેટ લેજીસ્લેચરની ચૂંટણીમાં ઝંપલાવ્યું પરંતુ એમાં નિષ્ફળતા મળી.

પાંચ વર્ષ પછી ૧૮૪૩માં  કોંગ્રેસની ચૂંટણી લડ્યા અને આ વખતે એમને સફળતા પ્રાપ્ત થઇ.એમણે વોશિંગટન જઈને સારી કામગીરી બતાવી હતી.પરંતુ બે વર્ષ પછી ૧૮૪૮માં કોંગ્રેસ માટેની જે ફરી ચૂંટણી આવી એમાં એમના ગુલામી પ્રથા નાબુદીના સમર્થનના મુદ્દા સામે લોક વિરોધને લઈને એમની હાર થઇ.કમાણી માટે ૧૮૪૯માં લેન્ડ ઓફિસરની નોકરી માટે અરજી કરી પરંતુ એ નામંજુર થઇ.૧૮૫૬માં અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ માટે ઉમેદવારી કરી પરંતુ પક્ષના નેશનલ કન્વેન્શનમાં જરૂર કરતાં ઓછા મત મળતાં એમાં પણ નિષ્ફળતા મળી.આમ ઉપરાઉપરી હાર ખમવા છતાં તેઓ નાહિંમત ન થયા.છેવટે ૧૮૬૦માં ખુબ તૈયારી સાથે અમેરિકાના પ્રેસિડન્ટ માટેની ચૂંટણી લડ્યા અને સફળતાપૂર્વક ૫૨ વર્ષની ઉમરે અમેરિકાના ૧૬મા પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા.

આમ રીતે અનેક મુશીબતોનો સામનો કરી અબ્રાહમ લિંકન વાઈટ હાઉસ સુધીની મંઝિલ સુધી પહોંચવાના પોતાના સ્વપ્નને સાકાર કરી શક્યા હતા.વોશિંગટનમાં રાજ વહીવટ સંભાળ્યો એ પછી પણ મુશ્કેલીઓ એમનો પીછો કરતી જ રહી.દેશમાં દક્ષીણનાં છ સંસ્થાનો સંયુક્ત રાજ્યમાંથી છૂટાં પડ્યાં અને ગુલામીના મુદ્દા પર આંતર વિગ્રહનો દાવાનળ ૧૮૬૧ થી ૧૮૬૫ દરમ્યાન દેશમાં ફેલાઈ ગયો

આ આંતર વિગ્રહમાં અબ્રાહમ લીન્કને ઊંડીકાર્ય દક્ષતા અને ઉચ્ચ પ્રકારની નેતાગીરીની પ્રતીતિ  સૌને કરાવી.  આ આકરી કસોટીમાંથી હેમખેમ પાર ઉતરી આપણા સરદાર વલ્લભભાઈ પટેલની માફક દેશને ટુકડાઓમાં વેર વિખેર થતો બચાવીને અખંડિત રાખ્યો.આ એમના જીવનની આ મહાન સિદ્ધિ બની રહી.

આંતર વિગ્રહનો જ્યારે ૧૮૬૫માં અંત આવ્યો ત્યારે કઈક રાહત અનુભવતાં લિંકને એમની પત્ની મેરી ટોડને કહ્યું હતું.”પાટનગર વોશિંગટનમાં આવ્યા ત્યારથી આપણા દિવસો બહું કપરા ગયા છે.પણ હવે યુદ્ધ પુરું થયું છે.ઈશ્વરની ઇચ્છાથી હવે બાકીનાં વર્ષો સુખ-શાંતિથી ગાળવાની આપણે આશા રાખીએ .”

કમનશીબે લિંકનનું આ સ્વપ્ન પુરું ન થયું. ૧૪મી એપ્રિલ ,૧૮૬૫ની રાતે   વોશિંગટનમાં ફોર્ડ થીયેટરમાં બેસીને તેઓ નાટક જોતા હતા ત્યારે રાતે દસ વાગે દક્ષીણ રાજ્યના એક બુથ નામના એકટરે લિંકનના માથામાં ગોળી મારી અને બીજે દિવસે તેઓ મૃત્યું પામેલા જાહેર થયા.દેશ માટે રાત દિવસ કામ કરનાર દેશ ભક્ત લીન્કને શહીદી વહોરીને આપણા રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીની જેમ વિશ્વમાં એમનું નામ અમર કરી ગયા.

અબ્રાહમ લિંકનની લોગ કેબિનથી વાઈટ હાઉસ સુધીની ભાતીગર જીવનયાત્રા દરમ્યાન ચડતી અને પડતીના ઉપર જણાવેલ ઘટનાક્રમ ઉપરથી બોધ એ લેવાનો કે જીવનમાં ગમે તેટલી હાર કે પડકારની પરિસ્થિતિ સર્જાય એવા પ્રસંગોએ હિમ્મત હારવી ન જોઈએ.જીવનની દરેક હાર કે પડકારમાં આગળ વધવાની તકો છુપાએલી હોય છે.જીવનમાં નિષ્ફળતાનો અનુભવ થતાં નિરાશાનો ભોગ બની ઘણા માણસો હિમ્મત હારી જાય છે અને આગળ પ્રયત્ન કરવાનું છોડી દે છે.જેવી રીતે યુધ્ધમાં મેદાન છોડી ભાગી જનાર સૈનિક યુદ્ધ જીતી શકતો નથી એવી જ રીતે જીવનના યુધ્ધમાં હિમ્મત હારીને મેદાન છોડી જનાર વ્યક્તિ પોતાના જીવનમાં કદી જોઈએ એવી પ્રગતી કરી શકતી નથી.

અબ્રાહમ લીન્કને પોતાની અનોખી જીવનકથાથી એ સાબિત કરી બતાવ્યું છે કે જીવનમાં ધીરજ,હિમ્મત અને અડગ વિશ્વાસ રાખવાથી કોઈ પણ ધ્યેયની પ્રાપ્તિ થઇ શકે છે.નિષ્ફળતાના પાયા ઉપર સફળતાની ઈમારત રચી શકાય છે.

એક અજ્ઞાત ગુજરાતી કવિ (કદાચ ઉમાશંકર જોશી !)ની આ કાવ્ય પંક્તિઓ ટાંકવાનું અત્રે ઉચિત લાગે છે કે-

“ મને મળી નિષ્ફળતાઓ અનેક આ જિંદગીમાં,

તેથી આજે થયો હું સફળ કૈક જિંદગીમાં “    

  વિનોદ આર. પટેલ