વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 27, 2012

હેરી પોટર વાર્તા સિરિઝનાં લેખિકા -જે.કે. રોલિંગની સફળતાનું રહસ્ય,એમની નિષ્ફળતા !

                                   હેરી પોટર સિરિઝની વાર્તાનાં પુસ્તકોના લેખિકા જે.કે. રોલિંગ

આ  અગાઉની તા.૨૧મી માર્ચ,૨૦૧૨ની વિનોદ વિહારની પોસ્ટમાં “નિષ્ફળતાની બુનિયાદ પર સફળતાની બુનીયાદના રચયિતા અબ્રાહમ લિંકન “ એ નામનો લેખ મુક્વામાં આવ્યો હતો.

આજની પોસ્ટમાં અમેરિકાના ૧૬મા પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકનની માફક જ જેઓ જીવનમાં નિષ્ફળતાની સીડીનાં પગથીયા ચડીને સફળતાની ટોચે પહોચ્યાં છે એવાં જગ પ્રસિદ્ધ હેરી પોટર સિરિઝની વાર્તાનાં પુસ્તકોના લેખિકા જે.કે. રોલિંગની, એમની વાર્તાઓ જેવી જ અચંબો પમાડે એવી જીવનકથાની વાત કરવામાં આવી છે.

 જગતમાં વિક્રમી સખ્યામાં જેનું વેચાણ થાય છે અને ધૂમ કમાણી કરાવે છે એ પુસ્તક હેરી પોટરનાં, તારીખ ૩૧મી  જુલાઈ, ૧૯૬૫માં જન્મેલાં, લેખિકા જુઆન કેથરીન ઉર્ફે જે.કે.રોલિંગે સફળતાની બધી વ્યાખ્યાઓને પોતાની તરફેણમાં કરી દીધી છે.બ્લુ રે અને મોબાઈલના ડિજીટલ યુગમાં સાત ભાગના પુસ્તક અને આઠ ભાગની ફિલ્મ શ્રેણીએ આ શબ્દોના જાદુગરની જિંદગી બદલી નાખી છે.જોની કે.રોલિંગ એક સમયે સરકાર પાસેથી બેકારી ભથ્થું મેળવી ગુજરાન ચલાવતાં હતાં.આજે તેઓ બ્રિટનની સૌથી ધનાઢય મહિલાઓમાંનાં  એક ગણાય છે.તેમની સંપત્તિ ૫૩૦ મિલિયન પાઉન્ડ છે જે બ્રિટનની રાણી એલીઝાબેથ-૨ કરતાં ય વધી જાય છે.કમાણીની સાથે સત્કાર્યો માટે દાન પણ પુષ્કળ કરતાં રહે છે.

આ સફળતા એમને રાતોરાત નથી મળી.પૂરા એક અબજ ડોલરથી વઘુ સંપત્તિ પોતાના ક્રિએટીવ શબ્દો મારફતે મેળવનાર રોલીન્ગને આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડયો છે. જીવનમાં એમને અનેક નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો છે.એમનું ભણતર પુરું કર્યા પછીના સાત વર્ષ એમનાં જીવનના નિષ્ફળ વર્ષો હતાં.બેઘર બન્યા સિવાય હોઈ શકે એટલી ગરીબી એમણે ભોગવી હતી.૪૫ વર્ષની ઉમરે એમની માતાનું મૃત્યું,લગ્ન પછી સાવ ટૂંકા સમયમાં  થયેલ છૂટાછેડા,એકલે હાથે એમની દીકરી જેસિકાનો ઉછેર કરવાની આવી પડેલી માતૃત્વની જવાબદારી વિગેરે જિંદગીની અનેક કસોટી અને કટોકટીનો મુકાબલો કરવો પડ્યો હતો. હેરી પોટરના પુસ્તકોની વાર્તા સીરીઝમાં એમનાં સર્જિત પાત્રો મારફતે કટોકટી સામે ટક્કર ઝીલવાનો એમનો મિજાજ ઠેર ઠેર જણાઈ આવે છે.અનેક  નિષ્ફળતામાંથી પસાર થઈને પણ ધૂમ પૈસા રળી શકાય છે ,એ એમણે સાબિત કરી બતાવ્યું છે.

તા.૫મી જુન ,૨૦૦૮ના રોજ  રોલિંગે વિશ્વ વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ગ્રેજ્યુએટ થનાર વિદ્યાર્થીઓ સમક્ષ એક ચીર સ્મરણીય વ્યાખ્યાન આપ્યું હતું.આ વ્યાખ્યાનનો વિષય એમણે સૌને અજાયબ લાગે એવો” The Fringe Benefits of Failure, and the Importance of Imagination “ એવા ટાઈટલનો  રાખ્યો હતો .કોઈને પણ નવાઈ લાગે કે નિષ્ફળતાના પણ ફાયદા હોઈ શકે ! એમના મુખેથી આ અંગે વધુ જાણવા માટે આ યાદગાર વ્યાખ્યાન યુ-ટ્યુબના નીચેના વિડીયો ઉપર જ્યારે તમે સાંભળશો ત્યારે એમની જીવન સામે ટક્કર લેવાની ખુમારી અને તીક્ષ્ણ બુદ્ધિપૂર્વકની વકતૃત્વ કળા પર તમે ઝૂમી ઉઠશો.

The Fringe Benefits of Failure, and the Importance of Imagination

Harvard  University  Speech  of  J.K.Rowling-VIDEO

આ પ્રવચનના કેટલાક વિચારવા જેવા મુખ્ય અંશોનો શ્રી જય વસાવડાએ એમના એક લેખમાં કરેલ ભાવાનુવાદ એમના આભાર સાથે નીચે ટૂંકાવીને રજુ કરેલ છે.

હાર્વર્ડ યુનિવર્સીટીમાં આપેલ રોલિંગના પ્રવચનના  કેટલાક ચૂંટેલાપ્રેરક શબ્દો :

“ભલે મારા જેટલી અને જેવી કાતિલ નિષ્ફળતા તમને ન મળે, પણ અમુક નિષ્ફળતાઓ જીવનમાં અનિવાર્ય હોય છે.કોઇક બાબતમાં નિષ્ફળ ગયા વિના જીવવું અશકય છે. સિવાય કે તમે એટલી બધી સાવધાનીથી જીવ્યા હો,કે તમે જીંદગી જીવી જ ન શકયા હો!અને એવું હોય તો એ જ આપોઆપ નિષ્ફળતા જ છે ને!નિષ્ફળતા તમને વઘુ બહેતર બનવાની તક આપે છે. ધાર કાઢે છે. નેકસ્ટ સ્ટેપ માટે કલીઅર વિઝન આપે છે.

હાર એ પડકાર છે.પરાજય એ પરાક્રમ માટેની તક છે.નિષ્ફળતા જો કશુંક નવું શીખવી જાય,તો પછી એ ભવિષ્યની સફળતા માટેની પૂર્વતૈયારી બની જાય!

આખરે તો,આપણે જાતે જ આપણી નિષ્ફળતા કોને કહેવાય એ નક્કી કરવાનું છે.પણ દુનિયા એના તૈયાર માપદંડો આપવા માટે હમેશા આતુર હોય છે, જો તમે એને સ્વીકારો તો. દરેક રીતે ભણતરના સાત વરસ પછી હું ભયંકર નિષ્ફળ હતી.બેઘર બન્યા વિના હોઈ શકે એટલી ગરીબી,સાવ ટૂંકા ગાળામાં જ છૂટા થઈ ગયેલા લગ્ન. એકલા હાથે બાળક ઉછેરવાનું માતૃત્વ!

હવે હું કંઇ તમને એવું નહિ કહું કે ફેઇલ્યોર ઇઝ ફન! એમાં કંઇ મજા નથી. મારી જીંદગીનો એ ગાળો કાળોધબ્બ હતો. એ કયાં સુધી ચાલશે, એની મને કંઇ ખબર નહોતી. અને આજે બઘું ભલે પરીકથા જેવું લાગે, ત્યારે તો અંધારી ટનલના છેડે લાઇટ હશે એવું માનવામાં અસલીયત કરતાં આશાવાદ વઘુ હતો!તો પછી ફેઇલ્યોરના ફાયદા વિશે હું કેમ વાત કરું છું? કારણ કે, નિષ્ફળતા તમારી આસપાસથી નકામી બાબતોની બાદબાકી કરી નાખે છે!હું જે નથી એ હોવાનો ડોળ કરવાનું બંધ કરીને મારી બધી ઉર્જા જે કામ પૂરું કરવું ખરેખર મહત્વનું હતું, એમાં ફરજીયાત વાળી શકી. જો કોઇ બીજી વાતમાં કામચલાઉ સફળતા મળી ગઇ હોત, તો કદાચ ખરેખર જે મારે લાયક હતું, મારે કરવું હતું, એને માટેની સ્પષ્ટતા અને દ્દઢ નિર્ણય મારામાં આવત જ નહિ .સરિયામ નિષ્ફળતાના અનુભવે હવે એનાથી ડરવા જેવું કંઇ હતું નહિ. કાલ્પનિક ભય વાસ્તવિક બની ચૂકયો હોવા છતાં હું જીવતી હતી, એક પ્યારી સી દીકરી, જૂના ટાઇપરાઇટર અને એક જોરદાર વિચાર સાથે. મતલબ, સાવ તળિયે ગયા પછી પણ જીંદગીના નવઘડતરનો મજબૂત પાયો નાખી શકાય છે!”

—- વિનોદ આર. પટેલ

__________________________________________________

સફળતાના શબ્દકોશ સમાં જે.કે.રોલીન્ગની ટૂંકી જીવનકથાનો પરિચય મેળવવા માટે 

BIOGRAPHY OF J.K.ROWLING

એ નામનો એક સુંદર  વિડીયો  જોવા નીચેની લીંક ઉપર ક્લિક કરવા વિનંતી છે. 

http://www.biography.com/people/jk-rowling-40998/videos

જે.કે.રોલીન્ગના જીવનની વધુ વિસ્તૃત માહિતી મેળવવામાં રસ ધરાવતા વાચકોને  વિકી પીડીઆની નીચેની અંગ્રેજી ભાષાની લીંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.   

J.K.ROWLING-Biography on Wikipedia

http://en.wikipedia.org/wiki/J._K._Rowling

 

‘‘આપણી પસંદગીઓ દર્શાવે છે કે આપણે કોણ છીએ, આપણી શક્તિઓ નહિ!’’

                                            –જે.કે.રોલિંગ

_______________________________________________________

આજની આ પોસ્ટના વિષયને અનુરૂપ  કવિ શ્રી જમીયતરામ પંડયાની આ જૂની પણ સુંદર પ્રેરણાદાયી

કાવ્ય રચના, શ્રી જય વસાવડાના આભાર સાથે ,નીચે રજુ કરી છે જે તમને જરૂર ગમશે.

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો
ઓ મુસીબત એટલી ઝીન્દાદીલીને દાદ દે,
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.
કોઈના ઈકરાર ને ઈનકાર પર હસતો રહ્યો
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો.
કોઈની મહેફિલ મહીં થોડા ખુશામદખોરમાં
ના સ્વીકાર્યું સ્થાન ને પગથાર પર હસતો રહ્યો.
ફૂલ આપ્યા ને મળ્યા પથ્થર કદી તેનેય પણ
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.
જીવતો દાટી કબરમાં એ પછી રડતા રહ્યાં
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો.
નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ
એ કિનારે જઈ ડૂબી હું ધાર પર હસતો રહ્યો.
ભોમીયાને પારકો આધાર લેતો જોઈને
દૂર    જઈ    એ    પાંગળી    વણઝાર    પર     હસતો      રહ્યો.

   કવિ – જમિયતરામ પંડયા

 

સાન ડિયેગો                                        સંકલન- વિનોદ આર. પટેલ

______________________________________________________________