વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 31, 2012

દંતાલીના કર્મયોગી સંત સચ્ચિદાનંદજી અને એમનું પ્રેરણાદાયી સાહિત્ય

Swami Sachidanandji of Dantali

                                                                  “હું તમને તમારા વિશ્વાસમાંથી ચળાવવા કે મારા અનુયાયી બનાવવા નથી આવ્યો.હું કોઇ ધાર્મિક સંગઠનનો પ્રતિનિધિ નથી કે કોઇ દાનની આશા રાખતો નથી. કદાચ હું જે કહીશ તે તમારી લાગણીઓ અને માન્યતાઓને દુભવશે અને કદાચ તે તમારા કાનને ઝેર સમાન લાગશે.પણ જે ધર્મ સાથે હું ગૌરવ પૂર્વક જન્મ્યો હતો અને જે દેશ મને પ્રાણથી પણ અધિક વ્હાલો છે;તેને માટે હું મારા મનની વાત પૂર્ણ સત્યનિષ્ઠાથી મરીશ ત્યાં સુધી કહેતો રહીશ.”

                                                         (સ્વામી સચ્ચિદાનંદજીના પ્રવચનમાંથી ) 

___________________________________________________________

સપ્ટેમબર ૧,૨૦૧૧થી મેં મારો ગુજરાતી બ્લોગ વિનોદ વિહાર શરુ કરી વિશાળ બ્લોગર જગતમાં

પ્રવેશ કર્યો ત્યારબાદના આ સાત મહિનામાં વાચકોનો ધાર્યા કરતાં સુંદર સહકાર મળ્યો છે. બ્લોગની

મુલાકાત લેનાર રસિકોની સંખ્યા સાત મહિનામાં સાત હજારે પહોંચવા થઇ છે. વાચકોના સુંદર સહકાર

અને વિવિધ પોસ્ટ બાદ આપેલ પ્રતિભાવો માટે સૌનો ખુબ આભારી છું

આ સમય દરમ્યાન ભારત અને અમેરિકામાં દુર-સુદૂર રહેતા ઘણા મિત્રોના પરિચયમાં આવવાનું બન્યું છે.એમાં પણ કેટલાક સરખી વિચારસરણી  ધરાવતા મિત્રો સાથે રૂબરૂમાં કદી મળ્યા ન હોવા છતાં ઈ-મેલમાં થતા વિચાર વિનિમયથી ઘરની ચાર દીવાલો વચ્ચે અનુભવાતી એકલતા વચ્ચે નવા જ્ઞાનની દિશાઓ ખુલી જતાં જીવન સંધ્યાનો સોનેરી સમય બ્લોગના માધ્યમથી મનગમતી પ્રવૃત્તિમાં વ્યતીત થાય છે એનો  આનંદ અને સંતોષ છે.

આવા એક સમાન વિચારો ધરાવતા હ્યુસ્ટનમાં રહેતા તાંજેતરમાં જ થયેલા મિત્ર શ્રી ભીખુભાઈ મિસ્ત્રી, દંતાલીના સ્વામી સચ્ચિદાનંદના વિચારોથી ખુબ આકર્ષિત છે.એમના ઈ-મેલોમાં એમણે આ કર્મયોગી સમાજ સુધારક સંતના મબલખ સાહિત્યનો ભંડાર મારી સમક્ષ ખુલ્લો કર્યો છે.મને પણ હું ભારતમાં હતો ત્યારથી આ સંતના ક્રાંતિકારી વિચારો પ્રત્યે માન રહ્યું છે.શ્રી ભીખુભાઈ એમના એક ઈ-મેલમાં લખે છે: 

“સ્વામી સચ્ચિદાનંદના વિચારોથી કંઈ કેટલાનુંએ જીવન ઉર્ધ્વ ગતિ તરફ બદલાયું છે,મારું તો ખરુંજ. ત્રણ વર્ષ સુધી હું ડીપ્રેસનમાં હતો.સ્વામીજીના પ્રવચનમાં ગાંધીજીની વાત સાંભળી હું ૨૦૦૫માં પ્રવ્રુત્ત થયો,ત્યાર પછી અટક્યો નથી.ગાંધીજીનો સંદેશ એવો છે કે સવાર સાંજ તમારા ઈષ્ટદેવની ટૂકમાં પ્રાર્થના કરો અને આખો દિવસ કામ કરો.સ્વામીજી રેશનાલીસ્ટ(માનવતાવાદી)વિચારો ધરાવતા હોવા છતાં એમની વાતમાં ઈશ્વર મધ્યમાં હોય છે. સ્વામીજીની વાત ઈશ્વર વિહોણી હોતી નથી. “ 

શ્રી ભીખુભાઈ છેલ્લા લગભગ સાત વર્ષથી સ્વામીજીના વિચારો અને એમના સાહિત્યને લોકો સુધી પહોંચાડવાનું  સુંદર કામ કરી રહેલ સ્વામીશ્રી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ,દંતાલી,ભક્તિ નિકેતનઆશ્રમ, પેટલાદ ૩૮૮૫૪૦,ગુજરાતની ઓફિસિયલ વેબ સાઈટ http://www.sachchidanandji.org અને એમનો બ્લોગ  http://sachchidanandjiblog.org માં ખુબ ઊંડો રસ લઇને પુરા સમયની સેવા આપી રહ્યા છે.આ બે વેબ સાઈટોની મુલાકાત લઈને  સ્વામીજીના અનેક લેખો,પ્રવચનો,પુસ્તકો વિગેરે સાહિત્યની  ઓડિયો,વિડીયો કેસેટો સાંભળવાનો લાભ આજે મોટી સંખ્યામાં સુશિક્ષિત લોકો રહી રહ્યાં છે. 

સ્વામીજી અંગેની આ બે વેબ સાઈટો અને મિત્ર શ્રી સુરેશભાઈ જાનીના બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચયમાંથી પ્રાપ્ત સ્વામીજી અને એમના સાહિત્ય અંગેની પુષ્કળ માહિતીમાંથી ચયન-સંકલન કરીને આ બન્ને મિત્રોના  આભાર સાથે દંતાલીના આ કર્મયોગી સંત સચ્ચિદાનંદનો અને એમના  પ્રેરક વિચારોનો આપ સૌ વાચકોને પરિચય આજની પોસ્ટમાં કરાવવાનો ઉપક્રમ રાખ્યો છે. 

  સાન ડિયેગો                                                                                            —–     વિનોદ આર. પટેલ

________________________________________________________________ 

સ્વામી સચ્ચિદાનંદજીનો ટૂંક પરિચય

નામ

 • નાનાલાલ ત્રિવેદી

જન્મ

 • 22 – એપ્રીલ, 1932 ; મોટી ચંદૂર, (પાટણ જિલ્લો) વતન – મુજપુર

કુટુમ્બ

 • માતા – વહાલીબેન; પિતા – મોતીલાલ ; ભાઇઓ – ડાહ્યાલાલ, ચિમનલાલ

અભ્યાસ

 • 1966- ભારતીય દર્શનશાસ્ત્રમાં બનારસમાં વેદાન્તાચાર્યની પદવી- સુવર્ણચન્દ્રક સાથે

જીવન ઝરમર

 • 1953- ગૃહત્યાગ અને ભારત-ભ્રમણ
 • 1954- બ્રહ્નચર્ય દીક્ષા
 • 1956- મુક્તાનન્દ સ્વામી પાસે ફિરોઝપુર-પંજાબમાં સન્યાસ દીક્ષા
 • 1968- સમ્પૂર્ણ ભારતયાત્રા; દંતાલી- પેટલાદમાં ભક્તિનિકેતન આશ્રમની સ્થાપના
 • 1973- સૂઇ ગામ – બનાસકાંઠામાં દુષ્કાળ રાહત કાર્ય
 • 1973- સૂઇ ગામમાં મા. શાળા અને છાત્રાલયની સ્થાપના
 • 2001- કચ્છ ભૂક્મ્પમાં રાપરમાં રાહત કેન્દ્ર
 • વિદેશપ્રવાસ
  • 1970– પૂર્વ આફ્રિકા
  • 1976-યુગાન્ડા મોરેશિયસ, ટાન્ઝાનિયા, કોન્ગો, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, હોલેન્ડ, સ્વિટઝરલેંડ, બેલ્જિયમ, ઇટાલી, સ્પેન, ગ્રીસ, ઓસ્ટ્રિયા, અમેરિકા, કેનેડા,હવાઇ, મેક્ષિકો, જાપાન, કોરિયા, હોન્ગકોન્ગ, થાઇલેન્ડ, નેપાળ.ચીન, રશિયા, વિ.
  • 1994– દક્ષિણ અમેરિકા વિ.
  • 1996– ઇજિપ્ત, ઇઝરાયેલ
  • 1997– પ્રેસ્ટન (યુરોપ), સ્વીડન. નોર્વે , ડેન્માર્ક
  • 2000– ચીન
  • 2004– ઓસ્ટ્ર્લિયા વિ.

મુખ્ય પ્રદાન

 • ક્રાન્તિકારી વિચારો અને અધ્યાત્મંની સાચી સમજ આપી સમાજ સુધારણા
 • ધર્મ, સમાજ અને જીવનને સ્પર્શતા 50 પુસ્તકો

મુખ્ય રચનાઓ

 • જીવન દર્શન – મારા અનુભવો, નવા વિચારો, નવી દિશા, હવે તો જાગીએ, ઉપસંહાર( તેમના બધા વિચારો સંક્ષેપમાં)
 • પ્રવાસ વર્ણન – વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો, , પૃથ્વી- પ્રદક્ષિણા, યુરોપની અટારીએથી

સન્માન

 • 1985 – શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક
 • 1986 – કાકા કાલેલકર પારિતોષિક
 • 1988- દધિચિ એવોર્ડ
 • 1988- આનર્ત એવોર્ડ – મહેસાણા; ગોંધિયા એવોર્ડ- રાજકોટ
 • 1994- દિવાળીબેન મહેતા એવૉર્ડ
 • 1994- દૈનિક પત્રકાર સંઘ દ્વારા એવોર્ડ

(સાભાર –ગુજરાતી પ્રતિભા પરિચય બ્લોગ /સત્ચિદાનંદ સ્વામી  ) _______________________________________________________________

સ્વામી સચ્ચિદાનંદજીના પ્રવચનના યુ-ટ્યુબના વિડીયો

સચ્ચિદાનંદજીના પ્રવચનના ઘણા વિડીયો http://sachchidanandjiblog.org એ યુ-ટ્યુબના વિડીયોમાં મુક્યા છે .એમાંથી પસંદ કરેલા નીચેના ત્રણ વિડીયોની લીંક ઉપર ક્લિક કરીને સ્વામીજીની પ્રેરક વાણી સાંભળવાનો અનુભવ કરી એમનો વધુ પરિચય પ્રાપ્ત કરી શકાશે.

૧.મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિજય પછી યોજાએલ સમારંભ વખતે સ્વામી સચ્ચિદાનંદજીનું સ્વાગત પ્રવચન

 http://www.youtube.com/v/nhK7cD1go68?version=3&feature=player_detailpage

૨.સ્વામી સચ્ચિદાનંદજી સાથે જીતુભાઈ પંડ્યા સાથેનો વાર્તાલાપ (ઇન્ટરવ્યું) 

http://www.youtube.com/v/PtlUozATx-I?version=3&feature=player_detailpage

૩.રામ ચરિત માનસ આધારિત પ્રવચન માળા –માનસ ગંગા- ભાંગ ૬ (Part-6 )

http://www.youtube.com/v/PQps5_CEh4E?version=3&feature=player_detailpage

સ્વામીજીની માનસ  ગંગાના કથાના બાકીના ભાગોના વિડીયો અને બીજા વિડીયો પણ યુ-ટ્યુબની સાઈટમાં જઈને જોઈ શકાશે.  

સ્વામી સચ્ચિદાનંદજીના પ્રવચનની ઓડિયો કેસેટો

શ્રી ભીખુભાઈ મિસ્ત્રીએ ગુજરાતી પ્રતિભા પરિચયમાં સ્વામી સચ્ચીદાનંદજીના પ્રવચનોની ઓડિયો કેસેટોની વેબ સાઈટોની અગત્યની માહિતી આપી છે એના પરથી સ્વામીજીના પ્રવચનો સાંભળવાનો અનેરો લાભ મળી શકશે.

Bhikhubhai Mistry on January 4, 2012  

http://www.sachchidanandji.org/cgi-bin/searchlect.cgi – Lectures on Gujarati 1 – 1114

http://www.sachchidanandji.org/cgi-bin/searchlect.cgi – Lectures on Gujarati 2 – 500

http://www.sachchidanandji.org/cgi-bin/searchlect.cgi – Hindi Lectures – 54

http://www.sachchidanandji.org/cgi-bin/searchlect.cgi – Audio Book – 8 Books, 65 items

“CLICK” above, Click Play & Listen.

__________________________________________________

શ્રી સુરેશ જાની ,ગુજરાતી પ્રતિભા પરિચયમાં,  સચ્ચિદાનંદ સ્વામી અંગે .

હિન્દુ ધર્મે એકવીસમી સદીમાં ટકવું હશે તો આવા હજારો સંતો પેદા કરવા પડશે,
જ્યાં સુધી ભારતમાં નિરક્ષરતા હતી અને લોકો બહુ જ સંકુચિત વમળો અને સમાજોમાં અટવાયેલા હતા ત્યાં સુધ્રી સંપ્રદાયવાદ ફૂલ્યો, ફાલ્યો અને વકર્યા કર્યો છે.
જ્યારે આખું વિશ્વ એક ગામડા જેવું બની ગયું છે ;ભારતીય મૂળની પ્રજા દુનિયાના ખૂણે ખૂણે પ્રસરી ગઇ છે અને ભારત વિશ્વની એક મહાન સત્તા બનવા તરફ હરણફાળ ભરી રહ્યું છે,ત્યારે પૂજ્ય સ્વામીજીના વિચારો જેટલા પ્રસરે અને લોકો તેમને અપનાવતા થાય તે આપણા સૌના અને વિશ્વના હિતમાં છે.
આમ થશે તો જ વિશ્વમાં હિન્દુ ધર્મ વિશે જે વ્યાજબી માન્યતાઓ પ્રવર્તે છે ,તે બદલાવા માંડશે.તેઓ યુગપુરૂષ જેવા સ્વામી વિવેકાનંદ અને ગાંધીજી પછી ભારતીય સમાજનું ગૌરવ છે.(January 10, 2007)

__________________________________________________________________

ચિંતન કણિકા – ધર્મ : તેનો પરિચય તથા

આધ્યાત્મિકતા  -સ્વામી સચ્ચિદાનંદ  

[આ લેખનું અક્ષરાંકન સ્વામીજીનાં પુસ્તક ‘ ચિંતન-કણિકાઓ’ માંથી કરવામાં આવ્યું છે.] 

૧. ધર્મ એક જ છે. સંપ્રદાય અનેક છે. ધર્મ પરમાત્માનો બનાવેલો છે. સંપ્રદાય માણસોના બનાવેલા છે. ધર્મ ભેદ નથી કરતો; ભેદ કરે તે  સંપ્રદાય છે.

૨. વૈજ્ઞાનિક સત્યોને સ્વીકારી લેવાથી ધર્મને કશી આંચ આવવાની નથી કારણ કે વિજ્ઞાન સત્ય છે, ધર્મ પણ સત્ય છે. તે સત્યોને વિરોધ હોય જ નહિ. બન્ને એકબીજાનાં પૂરક થાય શકે. હા, એવું બને કે વિજ્ઞાનના કારણે સડેલી – ગળી ગયેલી કેટલીક માન્યતાઓ ખોટી ઠરવાની. તે યોગ્ય છે.

૩. ધર્મની પ્રથમ પ્રેરણા કર્તવ્ય થઈ, જેથી વ્યક્તિ કર્તવ્યની સભાનતાવાળી થાય. પણ કર્તવ્યમાત્રથી ધર્મ પૂરો નથી થઇ જતો. કર્તવ્યની સાથે પ્રમાણિકતા અત્યંત જરૂરી છે. આમ આર્થીક ક્ષેત્રે નહિ પણ બધાં ક્ષેત્રે – કૌટુંબિક ક્ષેત્રે પતિ-પત્ની વચ્ચે, શેઠ-મુનીમ વચ્ચે, રાજા-પ્રજા વચ્ચે – બધે જ પ્રમાણિકતા જરૂરી છે, અને પ્રમાણિકતા પછી ત્રીજી પ્રેરણા પરમાર્થની છે. તમારી શક્તિમાંથી થોડી શક્તિ, શક્તિહીન માણસો માટે ખર્ચવાની છે.

૪.ભક્તિમાર્ગની એક ખાસ વિશેષતા છે કે તે જીવનનાં તમામ સાફલ્ય પરમેશ્વરને સોંપે છે તથા પ્રત્યેક નિષ્ફળતાનો ટોપલો બહુ દીનભાવે પોતાને માથે ઓઢી લે છે.

૫. ભક્તિ તો કરવી જ જોઈએ તેની ના નહિ, પણ ભક્તિ, કાયરતા કે નિર્માલ્યતાને વધારનારી યા તેને ઢાંકનારી ન હોવી જોઈએ પણ શૂરવીરતાભરી, અન્યાયીને પડકાર ફેંકનારી મહાશક્તિરૂપ હોવી જોઈએ.

૬. શ્રદ્ધાથી ધર્મ પ્રગટે છે. જયારે અંધશ્રદ્ધાથી ભયની નિવૃત્તિ શક્ય નથી. દુર્ભાગ્યવશ ધાર્મિક ક્ષેત્રમાં શ્રદ્ધા કરતાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘણું મોટું છે. એટલે સાચા ધર્મની જગ્યાએ વહેમોનું પ્રમાણ પણ મોટું છે.

૭. શ્રદ્ધા જ અધ્યાત્મ રૂપ આપતી હોય છે. શ્રદ્ધાનો પુત્ર ધર્મ છે, કારણ કે ધર્મની પ્રસૂતિ શ્રદ્ધાના ફળમાંથી જ થઈ શકતી હોય છે.કોરી બુદ્ધિથી ધર્મ ન જન્મે, જીવન માટે બુદ્ધિવાદ જેટલો જરૂરી છે, તેટલો જ શ્રધ્ધાવાદ પણ જરૂરી છે. શ્રદ્ધા વિના આંતરિક શક્તિઓ નથી ખીલી શકતી. વ્યક્તિમાં ચારિત્રિક પ્રબળતા શ્રદ્ધાના સંબલથી આવતી હોય છે. શ્રદ્ધા ગુમાવીને વ્યક્તિ બહુ મોટું બળ ગુમાવી દેતી હોય છે. વિદ્યાદાન તો શ્રેષ્ઠ છે જ પણ શ્રદ્ધાદાન તો તેથી પણ શ્રેષ્ઠ છે.

૮.પ્રત્યેક પ્રજાની ઉન્નતિનો મૂળ પાયો સમજણપૂર્વકના પુરુષાર્થમાં રહેલો હોય છે.સાચા પુરુષાર્થમાં પ્રેરણા આપે તે ધર્મ અવશ્ય પ્રજાનું કલ્યાણ કરનારો બનતો હોય છે.

૯.યજ્ઞો,સપ્તાહો,છપ્પન ભોગો અને સમૈયાઓમાં લખલૂટ ખર્ચો કરનારાઓને જાણ થવી જોઈએ કે એક માણસને રોજી આપવી, એક-બે કુટુંબોને આજીવિકાનું સાધન આપવું તે ખરો યજ્ઞ છે, તે ખરી સપ્તાહ છે, તેમાં જ છપ્પન ભોગો અને સમૈયાઓ છે. ધર્મને માનવતા તરફ વાળવામાં આવે એ જ ધર્મની તેજસ્વિતા છે.

૧૦. ધર્મ એટલે વ્યક્તિની અંદર રહેલા સદગુણોને વિકસિત કરી પ્રગટ કરવાની પ્રક્રિયા. અધર્મ એટલે વ્યક્તિની અંદર બેઠેલા દુર્ગુણોને વિકસિત કરીને પ્રગટ કરી આપનારી પ્રક્રિયા. ધર્મ એટલે જીવન-સાધના. અને જીવન-સાધના એટલે જીવનનો વિકાસ.જીવનનો વિકાસ સદગુણોને ખીલવવા થનારી તમામ ક્રિયાઓ –પછી તે શારીરિક હોય કે માનસિક તેનું નામ ધર્મ.
વ્યક્તિમાત્રની અંદર સદગુણો તથા દુર્ગુણોનાં બીજ હોય જ છે. આ ન્યૂનાધિકતાથી ‘સ્વભાવ’ અથવા ‘પ્રકૃતિ’ ઘડાય છે.સ્વભાવ અથવા પ્રકૃતિથી વ્યક્તિનું વ્યક્તિત્વ નિર્મિત થતું હોય છે.પ્રકૃતિથી પકડાયેલો જીવ કાર્યક્ષેત્રના લગભગ ‘નિર્ધારિત’ માર્ગે જીવન જીવતો હોય છે. ‘લગભગ’ અને ‘નિર્ધારિત’ શબ્દો એટલા માટે વાપર્યા છે કે પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ તે ખાસ કાંઈ કરી શકતો નથી. એટલે ‘નિર્ધારિત’ શબ્દ મૂક્યો છે. પણ પ્રકૃતિની મર્યાદારેખાની ઉપર અથવા નીચે તે થોડું ચઢી શકે છે તથા થોડું ઊતરી પણ શકે છે.થોડું ચઢવું એટલે ધર્મસાધના દ્વારા ઉર્ધ્વીકરણ પ્રાપ્ત કરવું, નીચે ઊતરવું એટલે અધર્મ દ્વારા પતન થવું. આટલા અંશમાં વ્યક્તિનો પુરુષાર્થ પરિણામશાળી થઈ શકે છે એટલે ધર્મને જીવન-સાધના કહી છે.

૧૧. ધર્મનું પ્રાકટ્ય સત્યથી થાય છે. સત્ય, ધર્મ અને ન્યાય લગભગ એકબીજાના પર્યાય કહેવાય. સત્ય એ જ ધર્મ, ધર્મ એ જ સત્ય. સત્ય તથા ધર્મનો અવિરોધ એનું નામ તો ન્યાય કહેવાય. આ ત્રણ તત્વોમાં ન્યાય એ ફલિતાર્થ છે, ધર્મ પરિસ્થિતિ છે. આજે સત્ય એ પરિસ્થિતિનું જનક છે. સત્ય ન હોય તો ધર્મપરિસ્થિતિનું નિર્માણ ન થઈ શકે. ધર્મસ્થિતિનું નિર્માણ ન થઈ શક્યું હોય તો ન્યાયનું ફળ મેળવી ન શકાય. ન્યાયી ફળ વિના પ્રજા સુખી ન થઈ શકે. ઊલટાવીને એમ કહી શકાય કે અન્યાય (પછી તે આર્થિક, રાજકીય, ધાર્મિક કે સામાજિક કોઈ પણ પ્રકારનો હોય)એ જ પ્રજામાં દુઃખોનું મૂળ કારણ છે.અન્યાયનું મૂળ અધર્મમાં તથા અધર્મનું મૂળ અસત્યમાં છે. એવી રીતે તમામ અનિષ્ટોનાં મૂળ અસત્યમાંથી ફૂટી નીકળે છે)

૧૨.સ્વમાન,સુરક્ષા,સમૃદ્ધિ અને સંસ્કારથી ભરપૂર જીવન ધર્મ દ્વારા પ્રજાને મળવું જોઈએ. જો ધર્મ આ કાર્ય નહીં કરી શકે તો તે તેની નિષ્ફળતા જ કહેવાશે.

૧૩.પરમેશ્વરે સૌથી ઉત્તમ લાગણી દયાની બનાવી છે.જે દયાળુ નથી તે ઈશ્વર નથી.જે દયાળુ નથી તે સંત નથી, જે દયાળુ નથી તે માનવ નથી. દયાળુ સ્વભાવ મળવો એ મોટામાં મોટી બક્ષીશ છે. દયાની પોષક ઉદારતા છે. અને ઉદારતાની પ્રેરક ઘણી વાર દયા થઈ જતી હોય છે..વ્યક્તિમાં પડેલી દયાને જાગ્રત કરી તેની અભિવૃદ્ધિ કરી તેના દ્વારા દુઃખી માનવસમાજને લાભાન્વિત કરવો એ કામ ધર્મનું છે…દયા જ ધર્મનું મૂળ છે.

૧૪. ધર્મનું તેજ સદગુણોમાંથી પ્રગટતું હોય છે. આવા સદગુણો માનવમાત્રમાં પરમેશ્વરે વત્તા-ઓછા અંશે મૂકેલા છે. આ સદગુણોનો વિકાસ કરવાની પ્રક્રિયા તે ધર્મ છે. તેણે આપણે સનાતન ધર્મ પણ કહીએ છીએ. સનાતન એટલા માટે કે તે અનાદી કાળથી છે તથા અનંત કાળ સુધી (માનવઅસ્તિત્વ હશે ત્યાં સુધી) રહેવાનો છે. તે કોઈ વ્યક્તિ દ્વારા પ્રસ્થાપિત કે નિર્મિત નથી એટલે આ સનાતન ધર્મનો કોઈ માણસ પ્રવર્તક નથી.પ્રવર્તકો સંપ્રદાયો પ્રવર્તાવે છે અને સંપ્રદાયો કદી સનાતન નથી હોતા.

૧૫.વ્યક્તિ માત્રને કુદરતી આવેગો અને લાગણીઓના પ્રવાહો આવતા જ હોય છે.આવેગોને નિતાંત અટકાવવાની પ્રક્રિયા કુદરતવિરોધી છે.આવું કરનારા નથી તો શારીરિક સ્વાસ્થ્ય પામી શકતા કે નથી માનસિક શાંતિ પામી શકતા.તેમની સ્થિતિ ઉપર બુદ્ધ અને અંદર યુદ્ધ જેવી થાય છે.અત્યંત કઠોર નિયમો પાળ્યા પછી પણ જયારે આવેગો અટકતા નથી, ઉલટાના વધુ છંછેડાય છે અને પછી વધુ વિનાશ કરે છે.

૧૬.સંપ્રદાયો થી મુક્ત થઇને સાચી ધાર્મિકતા અપનાવવી અને પૂરી માનવજાત પ્રત્યે આત્મીયતા કેળવવી એથી બીજી વધુ મોટી જીવનની ધન્યતા હોઈ શકે નહિ.

૧૭. કુદરતથી મોટું કોઈ શાસ્ત્ર નથી અને તેનાથી વધુ કોઈ કલ્યાણકારી માર્ગ નથી. સનાતન ધર્મનો અર્થ થાય છે કુદરતે સ્વયં પોતે જ ધર્મની વ્યવસ્થા કરી છે. આ ધર્મ ઉપર પશુ-પક્ષીઓ કિત-પતંગો વગેરે બધાં જ ચાલે છે. અને સુખી થાય છે, કુદરત ગાંડી નથી. જેમ ભુખ-તરસ વગેરેના આવેગો તેણે બનાવ્યા છે અને તેની ઉચિત માત્રામાં પ્રાપ્તિથી શાંતિ-તૃપ્તિ થાય છે,તેમ વાસનાનો આવેગ પણ તેણે જ લોકકલ્યાણ માટે બનાવ્યો છે. તેની પણ ઉચિત સમયે ઉચિત માત્રામાં પ્રાપ્તિ થાય તો વ્યક્તિ શાંતિ તથા તૃપ્તિનો અનુભવ કરી શકે છે. સનાતન ધર્મ, કુદરતી ધર્મ.

૧૮. ધર્મ, ધર્મસ્થાન અને ધર્મગુરુ ત્યારે જ સફળ થયાં ગણાય કે જયારે ધાર્મિક, સામાજિક, રાજકીય અન્યાયથી પીડાતી પ્રજાનું તેમના દ્વારા રક્ષણ થાય.

૧૯.ધર્મ અને અધ્યાત્મને પણ વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય મળવો જોઈએ.ધર્મનું તથા અધ્યાત્મનું પણ વિજ્ઞાન છે. જેનાથી તે હંમેશા ચેતનાવાળા રહ્યા કરે.વિજ્ઞાન વિનાનો ધર્મ અને વિજ્ઞાન વિનાનું અધ્યાત્મ લાંબા ગાળે પ્રજાજીવનમાં જડતા, સ્થગિતતા અને અસ્પષ્ટતાનું નિર્માણ કરતાં હોય છે.

૨૦.અધ્યાત્મવાદનો સૌથી મોટો શત્રુ ચમત્કારવાદ અને વ્યક્તિપૂજા છે.વ્યક્તિપૂજા અને ચમત્કારવાદ બન્ને એકબીજાનાં પૂરક છે.વ્યક્તિત્વ વિના વ્યક્તિને બહુ ઝડપથી મહાપુરુષોની ઉચ્ચ શ્રેણીમાં બેસાડવો હોય તો તેની સાથે ચમત્કાર જોડી દેવાના.

________________________________________________________________

શ્રી સુરેશ જાનીના આભાર સાથે ગુજરાત પ્રતિભા પરિચય બ્લોગમાં મૂળ  આરપારની

લીન્ક પરથી થી પ્રાપ્ત સ્વામીજી સાથેની એક રસપ્રદ પ્રશ્નોત્તરી નીચે પ્રસ્તુત છે.
——————-

   આપનો રોલ મોડેલ(આદર્શ)–ભ્રમ સત્યં જગત સત્યં,મિથ્યા મોહધં જીવતં,

   ઈશ ભકિત લોકસેવા,ઈતિશા પરમાર્થતા.ઈશ ભકિત અને લોકસેવા.
—-
કઇ ચીજનો સૌથી વધુ ડર લાગે છે?—-લોકાપવાદ.
—-
છેલ્લે કયારે રડ્યા હતા?—ભાગ્યે જ રડું છું. કરુણ દૃશ્ય જોયું હોય ત્યારે
કે ખાસ કરીને કોઇના પ્રેમભંગની ઘટના સાંભળવામાં આવે ત્યારે.
—-
ઘેલછા કહી શકાય તેવો શોખ—સંગીતનો શોખ છે, સંગીતમાં મારી સમાધિ
લાગી જાય છે. પહેલાં ગાતો પણ અત્યારે ગળું બેસી ગયું છે.
—-
કોઇ વહેમ ખરો?–કોઇ વહેમ નથી. છતાં બિલકુલ વહેમ નથી
એમ પણ ન કહી શકાય.
—-
અન્યના વ્યકિતત્વની કઈ ખૂબી ગમે?–પ્રામાણિકતા અને બહાદુરી.
—-
અન્યના વ્યકિતત્વની કઈ ખામી ખટકે.—વચનભંગ થતો હોય અને સમયનું પાલન ન
કરતો હોય.
—-
દેશ વિશે શું વિચારો છો?—-દેશ મહાન છે, તીર્થ છે. ઘણા બધા સુધારા
કરવા જેવા છે. રાજકારણ અને ધર્મના કારણે દેશને બહુ નુકસાન થયું છે.
—-
આપની દૃષ્ટિએ પ્રેમ એટલે?—સંપૂર્ણ સમર્પણ, અપેક્ષા વિનાનું
—-
આપની દૃષ્ટિએ લગ્ન એટલે…પવિત્ર બંધન. એ બંધનથી વ્યકિતને રક્ષા
અને હૂંફ પ્રાપ્ત થાય.
——
પુનર્જન્મ કન્ફર્મ કરવાનો હોય તો શું બનવા માગો?—પૂનર્જન્મ માટે હું શંકાસ્પદ છું. કદાચ
પુનર્જન્મ હોય અને ન પણ હોય. ચોક્કસ કહી શકાય નહી .
—–
આપની સફળતાનું રહસ્ય?—-મારી સફળતા છે જ નહી . છતાં દેખાતી હોય તો ઈશ્વરની કૃપા

—–
આપ અન્ય લોકોને આપવા ઈચ્છતા હો
તેવો સંદેશ એક વાકયમાં જણાવો—-   

 તમે દેશના મહાન, સાચા નાગરિક બનો.આ લોકના પ્રશ્નો ઊકેલો. પરલોકને પ્રાપ્ત કરવા માટે આ લોકને બગાડશો નહી . જે લોકો આ લોકને નથી સુધારી શકતા એ પરલોકને શું સુધારવાના હતા.
—-
આપની દૃષ્ટિએ દીક્ષા એટલે…જે જીવનની સાચી દિશા બતાવે એને દીક્ષા કહેવાય
—-
મનપસંદ ધાર્મિક પાત્ર——કોઇ નથી,તેમ છતાંય થોડા અંશમાં કબીર,દયાનંદ અને રાજારામમોહન રાય જેવા સંતો.
—–
મનપસંદ કોમેડિયન–જોની વોકર અને પરેશ રાવલ..
—–
મનપસંદ રાજકારણી—હાલ તો કોઇ નથી —–
મનપસંદ ઐતિહાસિક પાત્ર —જુનું ચાણકય અને આધુનિક શિવાજી અને સરદાર પટેલ.
—–
મનપસંદ કલાકાર–શંકર – જયકિશન.
—-
તમારા વિશે એક વાકયમાં તમારો
અભિપ્રાય શું હોઇ શકે?——હું પોતે કશું ના કહી શકું. પોતાની જાત માટે પોતે અભિપ્રાય ન આપી શકે.
—-
તમે આ ક્ષેત્રમાં ના હોત તોકયાં ક્ષેત્રમાં હોત?—એ તો ભગવાન જાણે હું કશું ના કહી શકું.
—-
આપની દૃષ્ટિએ સંયમ એટલે…—સંયમ એટલે યથાયોગ્ય ભોગો ભોગવવા માટે માપસરનું ખાવું,

ઉંઘવું. જે લોકો બિલકુલ ભોગો નથી ભોગવતા એને નિગ્રહ કહેવાય. જીવન અભોગી પણ ન હોવું
જોઇએ અને એ અતિભોગી પણ ન હોવું જોઇએ.
—-
સૌથી વધુ ખુશ કયારે થાવ છો?—જયારે કોઇને ખુશ જોવું છું ત્યારે
—-
તમારી જદગીને એક વાકયમાં વર્ણવવી હોય તો….—સદ્ગુણો અને દુર્ગુણોનું મિશ્રણ એટલે સચ્ચિદાનંદ.
—-
તમારો તકિયા કલામ?—હરિ ૐ… હરિ ૐ…
——
એક ચોરી માફ કરવામાં આવે તો શું ચોરવું પસંદ કરો?—કોઇનું જ્ઞાન ચોરવું ગમે.
—-
જુઠ્ઠું કયારે બોલો છો? —– કોઇકવાર કોઇ ઊપાય ન હોય ત્યારે.
—-
અત્યારે કયું પુસ્તક વાંચો છો?—-બહુ ઓછું વાંચું છું. પેપર અને સારા મેગેઝિન વાંચવા ગમે.
—-
ગમતા ગુજરાતી લેખક – કવિ,  લેખક  -ચંદ્રકાન્ત બક્ષી

મને આશા છે કે સ્વામી સચ્ચીદાનંદજી અને એમના પ્રવૃતિશીલ જીવનકાર્યો  અને એમનાં વિચારરૂપી મોતીઓની  આ પોસ્ટમાં  રજુ કરેલ ઉપરની માહિતી આપના જીવનના  ઉત્કર્ષ માટે ઉપયોગી થશે.

સાન ડિયેગો,૩૧મી માર્ચ ,૨૦૧૨                                                     સંકલન- વિનોદ આર પટેલ

________________________________________________________________