વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: એપ્રિલ 2012

જય જય ગરવી ગુજરાત – ગુજરાતના ૫૨ મા સ્થાપના દિને અભિનંદન

આપણા લાડિલા ગુજરાતે મે ૧,૧૯૬૦ના મંગલ પ્રભાતે દ્વિભાષી  મુંબાઈ રાજ્યમાંથી વિભાજીત થઈને ગુજરાતી ભાષા બોલતી પ્રજાની આકાંક્ષાઓની પરીપૂર્તિ માટે ગાંધી મુલ્યોના પ્રતિક જેવા પૂજ્ય રવિશંકર મહારાજના વરદ હસ્તે, એમના આશીર્વાદ સાથે ગુજરાતના સ્વતંત્ર રાજ્યનો શુભારંભ થયો હતો.

આ સ્થાપના દિન બાદ ગુજરાત રાજ્ય એની ભાતીગર યાત્રાના એકાવન વર્ષ પૂરાં કરી,મેં ૧,૨૦૧૨ના દિવસે બાવનમાં વર્ષમાં જાહોજલાલી સાથે,જોર-જોશથી મંગળ પ્રવેશ કરે છે.આ શુભ પ્રસંગે ગુજરાતને,ગુજરાત સરકારના વહીવટ કર્તાઓને તેમ જ દેશ અને પરદેશમાં રહેતા દરેક ગરવા ગુજરાતી ભાઇ-બહેનોને અભિનંદન અને અભિવાદન છે.ખમીરવંતી વિશ્વગુર્જરીને ખુબ ખુબ શુભેચ્છાઓ .આ દિવસે આપણે ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે જ નહીં,પણ વિશ્વમાં ગુજરાતની પ્રભુતાના સ્વપ્નને સિદ્ધ કરવા માટે કટીબદ્ધ થવાનો દ્રઢ સંકલ્પ કરીએ અને જય જય ગરવી ગુજરાત ,દીપે અરુણું પ્રભાત, એ કવિ નર્મદના પ્રખ્યાત ગીતને સાર્થક કરીએ.  

ઇ.સ.૧૯૬૦માં મે મહિનામાં મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનોથી અને ગુજરાતમાં ભેખધારી ઈન્દુલાલ યાજ્ઞિકની નેતાગીરી નીચે ચલાવાયેલ મહાગુજરાતના આંદોલનમાં અનેક યુવાન શહીદોની અમુલ્ય જિંદગીના બલિદાન પછી,અંતે બૃહદ મુંબઇ રાજ્યનું ભાષાના આધારે વિભાજન કરી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી હતી.ગુજરાતી ભાષા બોલનાર વિસ્‍તારમાં ગુજરાત,સૌરાષ્‍ટ્ર અને કચ્‍છનો સમાવેશ કરાયો.આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવી લીધો.ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી.ત્યારબાદ૧૯૭૦માં ગ્રામ્ય વિસ્તારમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ ધરાવતા નવા બનાવાયેલ શહેર ગાંધીનગરમાં  રાજધાની ખસેડવામાં આવી હતી.

ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતા ભેટ આપેલ છે,મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ .ગાંધીજીની આગેવાની નીચે દેશ સ્વતંત્ર થયો અને સરદારે દેશને ટુકડાઓમાં વિભાજીત થતો બચાવીને એક અવિભાજ્ય દેશનું સર્જન કરીને દેશની  ખુબ જ મોટી સેવા બજાવી છે ,જેના માટે ઋણી દેશ હંમેશાં એમને યાદ કરતો રહેશે.

ગુજરાતે વિશ્વના બે પડોશી દેશોને રષ્ટ્રપિતા આપ્યા છે.ભારતને મહાત્મા ગાંધી અને પકિસ્તાનને મહમદ અલી ઝીણા .આ બન્ને વ્યક્તિ સૌરાષ્ટ્રની દેન છે.ઉપરાંત ગુજરાતે ભારતને શ્રી મોરારજી દેસાઈ જેવા સિધ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન ,વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિક અને બીજા અનેક દેશભક્તો અને ઉદ્યોગપતિઓ પણ આપ્યા છે.

ગુજરાત ભારતના સૌથી ધનિક રાજ્યોમાંનુ એક છે .એની માથાદીઠ સરેરાશ આવક-જીડીપી  ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે.ગુજરાતના સદનસીબે એના સુકાની પદે છેલ્લા દશ વર્ષથી શ્રી નરેન્દ્ર મોદી જેવા પ્રમાણિક અને લોકપ્રિય મુખ્યમંત્રીના કાર્યદક્ષ વહીવટમાં ગુજરાતે ઘણી પ્રગતી સાધી છે.ગુજરાતે દેશના સર્વોચ્ચ વિકાસશીલ રાજ્ય તરીકે પોતાની નામના મેળવી છે.આજે ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે દેશ અને પરદેશના મૂડી રોકાણકારોમાં જાણે કે હરીફાઈ થઇ રહી છે.

ગુજરાત અને તેમાં વસતા સાડા પાંચ કરોડ ગુજરાતીઓ ઉપરાંત મનીમાઈન્ડેડ તરીકે જાણીતા અનેક સાહસિક ગુજરાતીઓ પૈસા કમાવા અને બહેતર જીવનની ખોજ માટે વિશ્વના ખૂણે ખૂણે પહોંચી ગયા છે, તેમાંય પરદેશ જવા માટે ગુજરાતીઓનો સૌથી પસંદગીનો દેશ જો હોય તો એ છે અમેરિકા.જગતની સૌથી વધુ બોલાતી ૩૦ ભાષાઓમાં ગુજરાતી ભાષાનું સ્થાન છે.

_______________________________________________

ખમીરવંતી વિશ્વ જાતી, ગુજરાતી (લેખ)      લેખક –વિનોદ આર. પટેલ

ગુજરાત રાજ્યના ૫૧મા જન્મદીવસના મંગલ અવસર વખતે લખેલ અને અમદાવાદથી પ્રસિદ્ધ થતા ધરતી માસિકમાં જુન ૨૦૧૧ના અંકમાં પ્રગટ થયેલ મારો ઉપરના શિર્ષક વાળો લેખ વાંચવા માટે નીચે ક્લિક કરવા વિનંતી છે.

ખમીરવંતી વિશ્વ જાતિ ગુજરાતી                     લેખક- વિનોદ પટેલ

_________________________________________________________

જય જય ગરવી ગુજરાત,દીપે અરુણું પ્રભાત(ગીત)  –આદ્ય કવિ નર્મદ

ચાલો, આપણે ગુજરાતનો આ સ્થાપના દિવસ ઉજવીએ, ગુજરાતની સાચી ઓળખ વિષે પ્રથમ વિચાર વ્યક્ત કરનાર અને ગુજરાતની અસ્મિતાને રજુ કરતી સુંદર કાવ્ય રચના આપનાર આદ્ય કવિ નર્મદના જય જય ગરવી ગુજરાત નામના  પ્રસિદ્ધ કાવ્યના  ગાનથી.

આ સુંદર ગીતને  ગુજરાતના લોકપ્રિય ગાયકોના મધુર કંઠે અને સુમધુર સગીતના સાથમાં ગવાતું યુ-ટ્યુબના નીચેના વિડીયોમાં સાંભળો અને સાથે સાથે ગુજરાતનાં પ્રસિદ્ધ જોવા લાયક સ્થળોને પણ નિહાળો. 

http://www.youtube.com/v/I-Ys6urpaMQ?version=3&feature=player_embedded

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

આદ્ય કવિ નર્મદ

_____________________________________

બોલીવુડ અને વિશ્વમાં અનેક એવોર્ડોથી સન્માનિત જાણીતા સંગીતકાર એ.આર.રહેમાનના સુર અને સંગીતમાં ગવાયેલા એમના સ્વ રચિત ગીત-

જય જય જય જય ગરવી ગુજરાત

મારા દિલમાં ધડકે ગુજરાત ,મારા દેશનું ઘરેણું ગુજરાત-એ.આર.રહેમાનના   

ગીતને રજુ કરતો નીચેની લીંક ઉપર યુ-ટ્યુબના સુંદર વિડીયોમાં ગુજરાતની ખમીરવંતી પ્રજા અને ગુજરાતના મનોહર દ્રશ્યો નિહાળીને કશિશ અનુભવો.    

જય જય જય જય ગરવી ગુજરાત –વિડીયો —-ગાન-સંગીત  એ.આર.રહેમાન.

___________________________________________________________________________

GUJARAT-Official Portal of State Govt –web site  

ગુજરાત સરકારની નીચેની સત્તાવાર વેબ સાઈટ ઉપર જઈને ગુજરાત વિષેની મબલખ માહિતીનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાશે અને આપણા માનીતા રાજ્ય અને એના સુકાની શ્રી નરેન્દ્ર મોદીની અનેક વિધ પ્રવૃતિઓનો પરિચય પણ મેળવી શકાશે.   

http://www.gujaratindia.com/index.htm

______________________________________________________

     વિશ્વ વિખ્યાત અંગ્રેજી મેગેઝીન TIMEના કવર ઉપર શ્રી નરેન્દ્ર મોદી   

સને ૧૯૨૩થી પ્રસિદ્ધ થતા અને વિશ્વમાં ૨૫ મીલીયન વાચકોનો વિક્રમ (અમેરિકામાં જ ૨૦ મીલીયન વાચકો )ધરાવતા

પ્રતિષ્ઠા પાત્ર TIME મેગેઝીનએ તાંજેતરના અંકના કવર પેજ ઉપર ગુજરાતના કાર્યદક્ષ મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર

મોદીનો ફોટો છાપીને એમનું બહુમાન કર્યું છે.ભૂતકાળમાં આવું માન પ્રાપ્ત કરવામાં ગાંધીજી, સરદાર વલ્લભભાઈ

પટેલ ,જવાહરલાલ નેહરુ જેવા દેશના ગણ્યા ગાંઠ્યા નેતાઓની હરોળમાં સ્થાન પામીને ગુજરાતના આ લોકપ્રિય નેતા

શ્રી મોદીએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે જે ગુજરાત માટે એક ગૌરવપ્રદ બીના છે.

ઈ-મેલમાં મને આ અંગ્રેજી લેખ મોકલવા માટે હ્યુસ્ટનના મિત્રો શ્રી ભીખુભાઈ મિસ્ત્રી અને શ્રી હસમુખભાઈ દોશીનો આભાર 

માનું છું.

 

TIME મેગેઝીનમાં પ્રગટ થયેલ શ્રી મોદી અંગેના આ અંગ્રેજી લેખ ના મુખ્ય અંશો વાંચવા માટે

નીચેની લિંક પર ક્લિક કરવા વિનંતી છે .

Shri Narendra Modi on TIME MAGAZINE cover

________________________________________________________

ગુજરાતી ભાષા અંગે ફાધર વાલેસ

સવાયા ગુજરાતી ફાધર વાલેસે,એમના અંતિમ ગુજરાતી પુસ્તક શબ્દલોકમાં ગુજરાતી ભાષા અંગે આ પ્રમાણે લખ્યું છે :

“આ ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાંક જો જોવા મળે તો તમે નવી શોધ કરી છે, એમ માનજો.આજે, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન નિમિત્તે,આપણી સરળ અને સહજ માતૃભાષા અને તેને સમૃદ્ધ કરનાર સૌ સાહિત્યકારોને શતશત વંદન .

કોઈ પણ ભાષા એ તો અભિવ્યક્તિનું માધ્યમ માત્ર છે અને સાંપ્રત કાળમાં જ્યારે ભાષાવાદનો વિવાદ તેનાં મૂળ પ્રસારી રહ્યો છે ત્યારે,વિશ્વની દરેક ભાષાને ગુજરાતી જેટલી જ સન્માનીય ગણી આજના દિને આદર વ્યકત કરું છું.  ગુણવંતભાઈ કહે છે એમ, માતાનાં ધાવણ પછીના  ક્રમે માતૃભાષા આવે છે.  અને કોઈની પણ ‘મા’ –  માતૃહ્રદય જ ધરાવતી હોય.  આપણી  ‘ગુજરાતી’ ની સરળતા અને સહજતા જ તેની ગરિમા અને અસ્મિતા છે.જો અન્ય ભાષાની ગરિમા જાળવીશું તો આપણી ગરિમા તો જળવાશે જ. બ…સ જરુર છે, માતૃભાષા પ્રત્યે પ્રેમની.”

દરેક ગુજરાતીને ફાધર વાલેસ (જેઓ એક પરદેશી હોવા છતાં સવાઈ ગુજરાતી બની ગયા છે )ની માફક   આપણી માતૃભાષા ગુજરાતી પ્રત્યે સન્માન અને ગૌરવની લાગણી હોવી જ જોઈએ.

ઉપર કહ્યું છે એમ જગતની સૌથી વધુ બોલાતી ૩૦ ભાષાઓમાં ગુજરાતી ભાષાનું સ્થાન છે.કવિ ખબરદારના  શબ્દોમાં જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં  સદાકાળ ગુજરાત.પરદેશમાં રહેતા હોવાં છતાં ઘણા ગુજરાતીઓએ ભાષા સાથેની નાળ કાપી નથી.આજે ગુજરાતી ભાષામાં અનેક બ્લોગ તથા પુસ્તકોના પ્રકાશન જેવા ડાયસ્પોરા સાહિત્ય મારફતે વિદેશમાં રહ્યા રહ્યા ગુજરાતની અસ્મિતાને જીવંત રાખનાર અને એમાં વૃદ્ધિ કરી રહેલ  અનેક બ્લોગર મિત્રોને ગુજરાતના આ ૫૩માં  જન્મ દિવસે  સલામ.  

______________________________________________________________________________

હું ગુર્જર ભારતવાસી

હું ગુર્જર ભારતવાસી

ઝંખું પલપલ શું જન મંગલ, મન મારું ઉલ્લાસી .. હું ગુર્જર.

અર્બુદ-અરબ સમુદ્ર વચાળે

ધરતી આ  આઉં દુધાળે

આવી વળ હર્ષ-ઉછાળે

ઉત્તર પશ્ચિમ દક્ષીણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાની … હું ગુર્જર.

ધન્ય ધરા આ ,કૃષ્ણ વસ્યા જ્યાં

વિપદ દીઠી ક્યહી ,ત્વરિત ધસ્યા ત્યાં

ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં

ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો જ ચિત્ત ઉપાસી ….હું ગુર્જર.

અશોક ધર્મલિપિ ઉર મુજ અંકિત

ઈસાઈ પારસિક મુસ્લિમ જનહિત

મન્ત્ર મધુર ગુંજે અવિશક્તિ

સર્વ ધર્મ સમ,સર્વ ધર્મ મમ ઉર એ રહો પ્રકાશી … હું ગુર્જર .

ગિરિચટ્ટાન સમાણી છાતી,

જલધિતરંગ નાથે મદમાતી ,

રમે વિદેશે સાહસ-રાતી

સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થનિવાસી

હું ગુર્જર ભારતવાસી

 

(“સમગ્ર કવિતા “માંથી )       કવિ- ઉમાશંકર જોશી   

_____________________________________________________

 

       સાન ડિયેગો                                                                                             સંકલન- વિનોદ આર. પટેલ

શ્રીમદ ભગવદ ગીતા અંગે ગુજરાતના બે સમર્થ લેખકોના મનનીય વિચારો

                                                       (ફોટો સૌજન્ય- શ્રી જય વસાવડા ) 

આજની   વિનોદ વિહારની પોસ્ટમાં ગુજરાતના બે સમર્થ લેખકો શ્રી ગુણવંત શાહ અને શ્રી જય વસાવડાના  શ્રીમદ ભગવદ

ગીતા અંગે  એમના વિચારો રજુ કરતા બે મનનીય  લેખો મુકવામાં આવ્યા છે.મને આશા છે વાચકો આ લેખો વાંચીને 

ગીતા જ્ઞાનનો આનંદ પ્રાપ્ત કરશે અને ધર્મ લાભ મેળવશે એવી આશા છે.

વિનોદ આર. પટેલ

__________________________________________________

            કરિષ્યે વચનમ  તવ 

                                                              વ્યાખ્યાતા- શ્રી ગુણવંત શાહ

 

ફેબ્રુઆરી ૨૦૧૧માં યોજાએલ સદભાવના પર્વ નિમિત્તે ગુજરાતના વિખ્યાત લેખક અને વિચારક શ્રીગુણવંત શાહે “ગીતા અને સદભાવના ” વિષય ઉપર આપેલ વ્યાખ્યાન રીડ ગુજરાતી .કોમ અને  મૃગેશ શાહના આભાર સાથે મારી આજની આ પોસ્ટમાં મુકવામાં આવ્યો છે.

શ્રી ગુણવંત શાહના ગીતા અંગેના આ પ્રવચનનો આનંદ માણવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરવા વિનંતી  છે.    

કરિષ્યે વચનમ ત્વયમ — ગીતા લેખ — વ્યાખ્યાતા -શ્રી ગુણવંત શાહ

___________________________________________________

મહાભારત અને ભગવદ ગીતા                               લેખક- શ્રી જય વસાવડા  

ગુજરાતના જાણીતા લેખક શ્રી જય વસાવડાએ એમના બ્લોગ તા.૬ ડીસેમ્બર,૨૦૧૧ના રોજ ગીતા જયંતીના દિવસે ભગવદ ગીતા અંગે એમની રસાળ ભાષામાં એક સુંદર લેખ લખ્યો હતો. આ લેખના મને ગમેલા કેટલાક અંશો એમના આભાર સાથે હું નીચે આપું છું. 

ભારત અને ભગવદ્દગીતા બંને એકબીજાના પર્યાય જેવા છે.બંને કેલીડોસ્કોપ જેવા છે-જયારે જૂઓ ત્યારે કોઇક નવો રંગ… નવી ડિઝાઇન…

વેદરૂપી સમુદ્રને જયારે બુદ્ધિરૂપી રવૈયાથી વલોવવામાં આવ્યો ત્યારે એમાંથી ભગવદ્દગીતારૂપી માખણ નીકળ્યું.આ ગીતા નવનીતની જ્ઞાનરૂપી અગ્નિની વિચારરૂપી મંદ ઝાળ પર તપાવાય ત્યારે એમાંથી શ્રેષ્ઠ જીવનરૂપી ઘી મળે છે.’આ ભારેખમ પણ કાવ્યાત્મક પ્રશંસાના શબ્દો છે મહારાષ્ટ્રના સંત જ્ઞાનદેવના… જેમણે ૧૫ વર્ષની ઉંમરે ભગવદ્દગીતા પર મનન કરી એની સમજૂતી આપતી ‘જ્ઞાનેશ્વરી ગીતા’ લખેલી. ભગવદ્દગીતા નામના પ્રમાણમાં ટચુકડા એવા ગ્રંથનું ‘સકસેસ સિક્રેટ’ આ બિરદાવલિમાં છુપાયેલું છે.

જેમ ડિટેકટીવ પાત્ર શેરલોક હોમ્સનો આવો ભકતમિત્ર વોટસન હતો,એમ ગીતામાં કૃષ્ણને મિત્રભાવે અર્જુને પૂજયા છે. માટે ગીતા કેવળ આદેશ કે ઉપદેશ ન બનતાં સવાલ અને જવાબ… કારણ અને નિવારણ… શંકા અને સમજૂતી…નો (ટુ-વે) ‘સંવાદ’ બને છે. એનું આ ‘ચર્ચાતત્વ’ જ ભાવકને વિશેષ આકર્ષે છે. ગીતા વિશ્વશ્રેષ્ઠ પ્રાચીન આધ્યાત્મિક ગ્રંથ હિંદુ હોવાને લીધે ગણું છું, એમ નથી. કારણ એ છે કે, જે ગ્રંથમાં ‘મામેકં શરણં વ્રજ’ જેવી ઇશ્વરને અનુસરવાની અચળ આજ્ઞા છે,એમાં જ ‘યથેચ્છસિ તથા કુરૂ’(તને જેમ યોગ્ય લાગે તેમ કર!)વાળી મુકત મોકળાશ પણ છે!૨૧મી સદીનું ધર્મપુસ્તક ચૂકાદા આપે તેવું નહિ,પણ ચર્ચા જગાવે તેવું હોવું જોઇએ. ફોર ધેટ, ગીતા ઇઝ હિટ એન્ડ ફિટ! વળી, આજના ફાસ્ટ યુગમાં ગીતા આદર્શ એવી નાની છે.

ગીતા ભલે સ્વતંત્ર પુસ્તક તરીકે સુખ્યાત છે,પણ એ જેનો અંશ છે-એ ‘મહાભારત’ગીતાથી પણ વઘુ ઘ્યાનપૂર્વક સમજવા જેવી રચના છે. એક ભવ્ય અને એકદમ પરફેકટ કથાના તમામ પ્લસ પોઇન્ટસ ધરાવતી પૃથ્વીની પ્રથમ સાહિત્યકૃતિ તરીકે ‘મહાભારત’માં ચુંબકીય નાટયતત્વ છે. યુદ્ધ ‘ધર્મયુદ્ધ’ હોય તો પણ અંતે તો બંને પક્ષે વિનાશ જ નોતરે છે- એ કટુ સત્ય કોઇ ઉપદેશ વિના માત્ર પાંડવ- કૌરવ વંશની કરપીણ ખુવારીના પ્રસંગોથી વેદવ્યાસે બતાવ્યું છે!બુશથી લાદેન સુધીના કોઇપણ માટે ટેકસ્ટબૂક બને એવી વાત છે આ!‘મહાભારત’માં ગીતા પણ આસમાનમાંથી ટપકી પડતી નથી. ઉદ્યોગપર્વમાં ઘૃતરાષ્ટ્રે મોકલેલ સંધિપ્રસ્તાવ લઇને સંજય આવે છે,ત્યારે યુધિષ્ઠિર વાજપેયી સ્ટાઈલમાં ભાવુક બની જાય છે. એ વખતે કૃષ્ણ એનું મનોબળ મજબૂત કરે છે. એ જ ખંડમાં આગળ ભીમ શાંતિની વાત કરે છે, ત્યારે પણ કૃષ્ણ એને જોશીલી શિખામણ આપે છે.

હા,‘મહાભારત’નો નિષ્પક્ષ અભ્યાસુ એક પ્રચલિત માન્યતાનો તરત વિરોધ કરશે કે અર્જુનના હૃદયમાં સ્વજનો પ્રત્યેની કરૂણા ઉભરાવાથી એને વિષાદયોગ થયો!આંખો અને દિમાગ ખુલ્લા રાખીને ગીતા વાંચશો,તો તરત સમજાઈ જશે કે અર્જુન ‘કૂળનાશ’નું પાપ પોતાને લાગશે એ ભયથી થથરી ઉઠયો હતો!એ વખતની સમાજરચનામાં હત્યા-હિંસાની બહુ ટીકા ન થતી- પણ પોતાના હાથે જ પોતાના કૂળ- જાતિના લોકો કે બ્રાહ્મણ- ગુરૂ વગેરેની હત્યા થાય તો નરક મળે એવી આદિવાસી અંધશ્રદ્ધા ‘ટાઈપ’ની માન્યતાઓ હતી. અર્જુન સ્વજન પ્રત્યેની સંવેદનાથી નહિ, પણ પાપ લાગવાના ભયથી ફફડે છે. કારણ જે હોય તે- એનો વિષાદ સાચો છે. અને એ દૂર કરવા જગતના કોઈપણ મેનેજમેન્ટ એક્સપર્ટ કરતાંય મહાન ‘મોટિવેશનલ સ્પીચ’ આપવામાં આવે છે. જેના સંવાદોમાં અવનવી અભિવ્યક્તિઓને અવકાશ છે.માટે જ ગીતા પાર્થના પુત્ર ‘વિષાદ’નું પરમાત્માની પુત્રી ‘વાણી’સાથે લગ્ન થતા (યાને અર્જુનની મૂંઝવણ અને કૃષ્ણના માર્ગદર્શનનું મિલન થતા)જન્મેલા સંતાનરૂપ ગણાઈ છે!

ભગવતગીતાના અઢારે અઢાર અઘ્યાયની ભાષા એકસરખી અને સળંગસૂત્ર હોઈને એક જ ‘ગીતાકાર’નું સર્જન છે,એમાં કોઈ બેમત નથી.દૈવી કંઠે ગવાયેલા ગીત જેવા ગીતાના શ્લોકોમાં ભારોભાર કાવ્યતત્વ છલકે છે.વળી,પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રેઝન્ટેશન હોઈને એ ઝટ ગળે ઉતરે છે.ગીતાનું સરસ ગુજરાતી ભાષાતર કર્યા પછી એની પ્રસ્તાવનામાં ગાંધીજીએ લખેલું કે ગીતાના બીજા અને ત્રીજા અઘ્યાયમાં એનું સઘળું સત્વ છે.બાકીનું બઘું તો એને જ ફેરવી ફેરવીને સમજાવવા કરેલું રંગરોગાન છે. ગીતા માણસને એટલે આકર્ષે છે કે એ ‘હું કોણ છું? શા માટે છું?ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું?’જેવા સનાતન માનવીય કૂતૂહલનો વિશ્વાસપૂર્વક જવાબ આપવાનો પ્રયત્ન કરે છે.

ગીતાના જાદૂઈ પ્રભાવનું બીજું રહસ્ય એ છે કે એ નિષ્ક્રિય બનીને કર્મનો ત્યાગ કરવાને બદલે કર્મનો મોહ ત્યાગવાની વાત કરે છે.ગીતાનું મઘ્યબિંદુ હોય તો એ છે ‘અનાસક્તિ’.આખી ગીતાનો સારાંશ એક જ શબ્દમાં આપવો હોય તો એ શબ્દ છે ‘આસંગ’.યાને સ્થિતપ્રજ્ઞ થઈ સાક્ષીભાવે જીવન જીવવાનો યજ્ઞ. ગાંધીજીને ફરી યાદ કરીએ તો ‘જે કર્મ છોડે એ પડે, કર્મ કરી તેના ફળ છોડે એ ચડે!’ આ સાદી વાત સોમાંથી નેવુંને સમજાતી નથી. જે દસને સમજાય છે,એમાંના નવ એનો અમલ કરી શકતા નથી!

એના શ્લોકોમાંય વિરોધાભાસ છે. એક જગ્યાએ થયેલી વાતથી બિલકુલ ઉલટી જ વાત બીજી જગ્યાએ થઈ છે. અવિનાશી આત્માના સન્માર્ગે ઉત્થાનની વાત સાથે જ પાછી તેમાંથી ઉલટી એવી ઉત્તરાયણમાં મૃત્યુથી બ્રહ્મ મળે એવી વાતો છે! દ્વેષ અને રાગથી પર રહેવાની ભારપૂર્વકની શિખામણ અપાયા પછી આસુરી જીવન સામે ચીડપૂર્વકને ધિક્કાર યાને દ્વેષ પ્રગટ કરાયો છે.પણ એનાથી મૂળ સંદેશાની ચમકને ફરક પડતો નથી.પણ ગીતાના નામે પોતાના પ્રચાર કે સંગઠ્ઠનના ગીતની ઘૂન ગાનારાઓ ખુદ જ ગીતા દ્રોહીઓ છે!‘સ્વયંના અઘ્યયન’ની ગીતાની શિખામણ જાત સાથે વાત કરી ભીતરનો અવાજ સાંભળવાની સાધનાની છે.આ ‘સ્વાઘ્યાય’નો અમલ જાતને બદલે સ્થાપિત ગુરૂની વાતો જાહેરમાં ટોળા ભેગા કરીને સાંભળવામાં થાય છે!

ગીતા ગોરખપુરના પ્રેસમાં છપાયેલા ગુટકાના પાનાઓ વચ્ચે જ પ્રગટ થાય છે,એવું ન માનશો.ગીતા એ પરમ ચૈતન્યના સાક્ષાત્કારનું સંગીત છે. એની અનુભૂતિ શબ્દો કરતા વઘુ મહત્વની છે. એ ગીતા બિલકુલ ન અડનાર પાસે ય હોઈ શકે.મમ્મીના હાથે પીરસાયેલી થાળીમાં કે સિનેમા થિયેટરના સ્ક્રીન સાથેની તલ્લીનતામાં પણ વ્રજની વાંસળીના સૂર સંભળાઈ શકે.પ્રયોગશાળાના કોમ્પ્યુટર્સ કે સ્પોર્ટસ સ્ટેડિયમની એકાગ્રતામાં પણ અદ્વૈત હોઈ શકે.પ્રેયસીના પ્રગાઢ ચુંબન કે હરિયાળા જંગલોના સ્પંદનમાં પણ વિરાટ દર્શન થઈ શકે!

બોલો, તમારે તમારી ભગવદ્દ ગીતા કૃષ્ણની માફક ગાવી છે કે પછી અર્જુનની જેમ સાંભળવી છે?

ફાસ્ટ ફોરવર્ડ

નહિ જ્ઞાનેનં સદ્દશં પવિત્રમિહ વિદ્યતે.

(ભગવદ્‌ગીતા, ૪-૩૮)

ભાવાર્થ : આ સૃષ્ટિમાં જ્ઞાનથી વઘુ પવિત્ર બીજું કંઈ નથી !

સાભાર-જય વસાવડા(આખો લેખ વાંચવા માટે નીચે ક્લિક કરો )

ગીતાઃ જ્યારે પાર્થનો પુત્ર ‘વિષાદ’ પરમાત્માની પુત્રી ‘વાણી’ને પરણે છે..!

_________________________________________________________

 

મારાં ધર્મપત્ની સ્વ.કુસુમબેનની ૨૦મી વાર્ષિક પુણ્યતિથીએ સ્મરણાંજલિ

Kusum_Patel_1

   કુસુમબેન-વિનોદભાઈ -૧૨મી ઓગસ્ટ રોજ લગ્ન પછી શ્યામ સ્ટુડિયો અમદાવાદમાં જઈને પડાવેલો પ્રથમ ફોટો

(૧૨મી ઓગસ્ટ ,૧૯૬૨ના રોજ લગ્ન પછી શ્યામ સ્ટુડિયો અમદાવાદમાં પડાવેલી અમારી પ્રથમ તસ્વીર )____________________________________________________________________ 

આજથી લગભગ વીસ વર્ષ પહેલાં અમારા ત્રીસ વર્ષના સુખદ દામ્પત્ય જીવન પછી તારીખ ૧૪મી એપ્રિલ,૧૯૯૨ ના એ કરુણ દિવસે મારાં ધર્મપત્ની કુસુમબેનનું એમની ૫૪ વર્ષની ઉંમરે, સ્ટ્રોક-પેરાલિસિસને લીધે લાંબી પથારીવશ માંદગીનું દુખ સહન કર્યા બાદ, અમદાવાદના અમારા નિવાસસ્થાને દુખદ અવસાન થયું હતું.

આ ત્રીસ વર્ષના અમારા સહ જીવન દરમ્યાન કેટ કેટલા કભી ખુશી,કભી ગમના બનાવો બની ગયા હતા!આમાંની કેટલીક મારી સ્મૃતિના ફોલ્ડરમાં સંગ્રહિત થઈને પડેલી ઘટનાઓનાં સંસ્મરણો વહેંચીને  હળવા થવાનો અને એક અંજલિ ગીત,કુસુમબેનની કેટલીક તસ્વીરો,ચિંતન લેખ અને મારા જીવનના અનુભવમાંથી જડેલી વાર્તા “સફળ સફર “વિગેરે આજની આ પોસ્ટમાં સંકલન કરીને પ્રભુના ધામમાં નિવાસ કરી રહેલ એ દિવ્યાત્માને સ્મરણાંજલિ આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.

કુસુમબેનની કુટુંબ વત્સલતા અને ત્યાગ   

અમારાં લગ્ન થયાં એ પહેલાં અમારા કુટુંબે ઘણો આર્થિક સંઘર્ષ વેઠ્યો હતો.લગ્ન પછી સ્થિતિમાં કઈક વળતા પાણી થતાં બધાં કહેતાં હતાં કુસુમ સારા પગલાની છે.વસ્તારી કુટુંબમાં આવીને બધાં સાથે હળી ભળી જઈને એમણે કુટુંબની જવાબદારી પરિશ્રમપૂર્વક બરાબર સંભાળી લીધી હતી.સાસુ-સસરા તરફથી એમને   એક પુત્રી જેવો પ્રેમ મળ્યો હતો.કુસુમ બેનની માંદગીથી મૃત્યુંના સમય દરમ્યાન એમની સારવારમાં મારી જોડે હાજર રહી મને ઘણો જરૂરી મોરલ સપોર્ટ આપ્યો હતો એ કેમ કરીને ભૂલાય !

અમારા લગ્નના ત્રણ વર્ષ પછી ,મારા ત્રણ નાના ભાઈઓ એક પછી એક અમેરિકા ગયા,ત્યાં ભણી,સેટ થયા,ઈન્ડીયા આવી બધાએ લગ્ન કર્યા એ બધા સુખી પ્રસંગો અમે સાથે રહીને માણ્યા હતા.દેવનાં દીધેલ અમારાં ત્રણ સંતાનોનો ઉછેર કરી સારા સંસ્કારનું સિંચન કર્યું હતું.અમારાં આ ત્રણે ય સંતાનો એમની હાજરીમાં અમેરિકામાં આવ્યાં .આજે તેઓ બધાં સારું શિક્ષણ પ્રાપ્ત કરી,સારી જોબ કરી એમના પરિવાર સાથે ઘણાં સુખી છે એ અને જોઈને વ્હાલાં લાગે એવાં રૂપાળા ૬ પૌત્રો –પૌત્રીઓને  નજરે જોઈને ખુશી થવા એમની પ્રિય માતા આજે હયાત નથી એ વિધિની કેવી વક્રતા કહેવાય !મારા પિતાશ્રી ૯૨ વર્ષની ઉમરે ૨૦૦૭માં અને માતુશ્રી ૭૮ વર્ષની ઉમરે ૧૯૯૫મા ,કુટુંબની લીલીવાડી જોઈને સ્વર્ગે સિધાવ્યાં હતાં. પરંતુ એમનાથી નાની ઉમરનાં કુસુમબેનને જીવનભર પરિશ્રમ અને સંઘર્ષ કર્યા પછી અમેરિકા આવીને સંતાનોની લીલીવાડી જોવાનું એમનું સ્વપ્ન દૈવ યોગે સિદ્ધ થઇ ન શક્યું એનો જીવનભર મને અફસોસ રહી જશે.

૧૪મી એપ્રિલ,૧૯૯૨ નો એ કરુણ દિવસ  

આ દિવસે હું મારી દીકરીને ત્યાં કેલીફોર્નીયા,લોસ એન્જેલસમાં હતો.મારા એક પગના થાપા(હિપ)માં ઇન્ડીયામાં પડી જવાથી ફ્રેક્ચર થયેલું એનું ઓપરેશન અહીં આવીને કરાવેલું એટલે ઓપરેશનની રૂઝ આવી જાય ત્યાં સુધી દીકરીને ત્યાં થોડો આરામ કરી ઈન્ડીયા જેમ બને એમ જલ્દી પાછા જવાનો પ્લાન હતો.પરંતુ માનવીનું ધાર્યું હંમેશા ક્યાં બનતું હોય છે .૧૪મી  એપ્રિલ,૧૯૯૨ની વહેલી સવારે ચાર વાગે સાન ડિયાગો રહેતા મારા  નાના ભાઈનો દીકરીને ઘેર ફોન આવે છે અને હજારો માઈલ દુર અમદાવાદમાં અમારા નિવાસ સ્થાને મારાં ધર્મ પત્ની કુસુમબેના થયેલ અવસાનના સમાચાર રડતા અને દુખી અવાજે આપે છે.આ ધ્રાસકા જનક સમાચાર સાંભળીને મારું હૃદય એક-બે-ચાર ધબકારા ચુકી જાય છે.મારા જીવન ઉપરના આ કારમા  આઘાતથી ભીતરમાં શૂન્યતા વ્યાપી જાય છે.પત્નીના દુખદ અવસાન વખતે હાજર રહી ન શકવા બદલ થયેલ અફસોસ ભર્યો મૂંઝારો અને અશ્રુભીની આંખોએ અહીં રહેતાં ત્રણે ય સંતાનો અને ભાઈઓનું ગળે વળગીને કરેલ એ રુદનનું દ્રશ્ય એક ચલચિત્રની જેમ ૨૦ વર્ષ વીતી ગયાં હોવા છતાં પણ સ્મરણ પટે તાજું થાય છે અને પ્રભુની અકળ લીલાની ઝાંખી કરાવી જાય છે.

કમળની પાંદડીઓ પર નાચતા પાણીના બુંદ જેવી માનવીની જિંદગી ચંચળ છે. “મરણનું સ્મરણ” નામનો મારો એક ચિંતન લેખ મારા બ્લોગની ૧૦મી સપ્ટેમબર,૨૦૧૧ ની પોસ્ટમાં મુકવામાં આવ્યો છે.આજની પોસ્ટને અનુરૂપ આ લેખ નીચેની લીંક ઉપર વાંચી મૃત્યુની અનિવાર્યતા અંગે મનન કરો.

https://vinodvihar75.wordpress.com/2011/09/10

આ જગતમાં બધું ઈશ્વરના અવિચલ નિયમ જ પ્રમાણે થતું હોય છે.આપણા જીવનની આ ઘટમાળ પણ એની ઈચ્છાને આધીન છે.ગુલાબ સદા કંટકની સોબતમાં રહે છે છતાં પૂર્ણ રીતે ખીલીને જાણે પોતાના સ્મિતને સલામત રાખે છે.આ ખુશ્બોદાર ગુલાબી રહસ્યને પામીને જીવન પ્રેત્યેની શ્રધ્ધાને અડીખમ રાખવી એ જ સાચી જીવન કલા.

પ્રભુકૃપા,સ્નેહીજનો-મિત્રોનો પ્રેમ અને લાગણી એ જ મારી સૌથી મોટી મૂડી છે જે મને જીવન સંગ્રામમાં ઝઝૂમવાની તાકાત પૂરી પાડે છે.

અંતમાં બે હાથ જોડીને પરમ કૃપાલુ પરમાત્માને આ પ્રાર્થના કરીએ .

હે નાથ! જોડી હાથ પાયે પ્રેમથી સહુ માંગીએ,
શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ;
જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો,
પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો.

સાન ડિયાગો,                

એપ્રિલ ૧૪,૨૦૧૨                         વિનોદ આર.પટેલ

_____________________________________________________

સફળ સફર               (સત્યઘટનાત્મક ટૂંકી વાર્તા )                   લેખક-વિનોદ પટેલ

સ્વ.કુસુમબેનની તબિયત ગંભીર થઇ જતાં એના લગ્નના ફક્ત ત્રણ માસ પછી અમેરિકા રહેતી પુત્રી એની વ્હાલી માતાને મળવા ઈન્ડીયા દોડી આવી હતી.એ કરુણ પ્રસંગમાંથી પ્રેરણા લઈને ખરા નામો બદલીને લખેલી મારી “સફળ સફર”નામની એક સત્ય ઘટનાત્મક ટૂંકી વાર્તા અમદાવાદથી પ્રસિદ્ધ થતા “ધરતી” માસિકના જુન,૨૦૦૪ના અંકમાં છપાઈ હતી.આ વાર્તા વાંચવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.

સફળ સફર ( સત્યઘટનાત્મક ટૂંકી વાર્તા ) લેખક -વિનોદ આર.પટેલ

_____________________________________________________

સ્વ.કુસુમબેનને એમની ૨૦મી વાર્ષિક પુણ્યતિથીએ

 

શ્રધાંજલિ                      

ગોઝારા એ કરુણ દિને ,હૃદય ભગ્ન થયાં હતાં અમારાં, 

પ્રભુએ એના ઘરે જ્યારે તમોને બોલાવી લીધાં હતાં . 

નશ્વરદેહ ભલે તમારો પંચ મહાભૂતમાં ભળી ગયો, 

મનથી તો અમારી નજીક છો એવું અમોને લાગે સદા. 

વેદનાઓ કષ્ટો સહ્યાં તમે અપૂર્વ ધીરજ બેશબ્દ રહી,
જીવન અને મૃત્યુંને પણ ખરેખર તમે જીતી ગયાં. 

પ્રેમ,નમ્રતા, કરુણા,પરિશ્રમી જીવન તમારું ભૂલાય ના 

તસ્વીર જોઈને તમારી, તાજાં થતાં સૌ સંસ્મરણો. 

શબ્દો ખરે ઓછા પડે ગણવા ઉપકારો અમ પર આપના 

કિન્તુ અલ્પ શબ્દોથી અર્પું તમોને આ ભાવભીની શ્રધાંજલિ .

 

૧૪મી અપ્રિલ,૨૦૧૨.                                     —વિનોદ આર. પટેલ

____________________________________________________________

                                                                     આ ત્રણ તસ્વીરો!

મારાં સ્વ. માતાપિતા અને ધર્મપત્ની કુસુમે મારા જીવનમાં ખુબ જ અગત્યનો ફાળો આપ્યો છે.પ્રેમ, પરિશ્રમ  અને ત્યાગના ત્રિવેણી સંગમ સમાં આ ત્રણ દિવ્યાત્માઓનો હું આજીવન ઋણી રહીશ..એમના સુસંસ્કારો, પ્રેમ અને સહકારની સૌથી મોટી મૂડીએ મને મારા જીવનના  સંગ્રામમાં ઝઝૂમવાની જરૂરી તાકાત પૂરી પાડી છે એમ કહું તો ખોટું નથી .મારી રૂમની દીવાલ પર હારોહાર લટકતી એ ત્રણે ય દિવ્ય આત્માઓની તસ્વીરો સામે જ્યારે નજર કરું છુ ત્યારે ભૂતકાળના એ યાદગાર દિવસોની અને મારા જીવન ઉપરના એમના અગણિત ઉપકારોની યાદ તાજી થતાં હૈયું ભારે થાય છે.સૌ કુટુંબીજનો ઉપર આ ત્રણ તસ્વીરો ઉપર રહ્યાં રહ્યાં જાણે કે આશીર્વાદોની વર્ષા કરતી ન હોય એવી પ્રતીતિ મને રોજ થયા કરે છે.!

સૌ વ્હાલાંઓ ઉપર આશિષ ને પ્રેરણા વર્ષાવી  રહી જાણે,

અમ હૃદય મંદિરીયે જડાઈ ગઈ છે આ ત્રણ તસ્વીરો.

કુટુંબના ઉત્કર્ષ માટે અપાર કષ્ટો એમણે સાથે સહ્યાં,  

ખરી જઈને પણ આ પુષ્પો, કેવી સુગંધ છોડી ગયાં ! 

–વિનોદ આર. પટેલ _______________________________________________________________     

Kusumben with three children(1972-73)

________________________________________________________________

गीता सार 

जो हुआ वह अच्छा हुआ ,जो हो रहा है ,वह अच्छा हो रहा है ,जो होगा ,वह भी अच्छा होगा

तुम्हारा क्या गया ,जो तुम रोते हो ?तुम क्या लाये थे ,जो तुमने खो दिया ?तुमने क्या पैदा

किया जो नष्ट हो गया ? तुमने जो लिया ,यही से लिया , जो दिया ,यही पर दिया ,जो आज तुम्हारा

 है ,कल किसी औरका था ,कल किसी औरका होगा  

परिवर्तन ही संसारका नियम है        

         

 _________________________________________________________________

હનુમાનજયંતિ – કષ્ટભંજનદેવ હનુમાનજીનો જન્મદિવસ

મારા ગામ ડાંગરવા સ્વામીનારાયણ મંદીરમાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ (ફોટો -વિનોદ પટેલ )

શુક્રવાર,તા.૬ માર્ચ,૨૦૧૨ના દિવસે હનુમાન જયંતીનો પવિત્ર દિવસ છે.

કોઈ નગર અથવા ગામ એવુ નહીં હોય જ્યાં પવન કુમાર હનુમાનનું નાનું-મોટું મંદિર અથવા મુર્તિનું પૂજન થતું ન હોય.અમારા ગામ ડાંગરવામાં સ્વામીનારાયણ મંદિરમાં સ્વામીશ્રી ભક્તીનંદાએ સ્થાપેલ હનુમાનજીમાં ગામના અને આજુબાજુના દુર સુધીના  ગામોના લોકો સારંગપુરના હનુમાનની જેમ ખુબ સતવાળા અને ચમત્કારિક હનુમાન તરીકેની આસ્થા ધરાવે છે.હનુમાનજી  સદાય આપણને શક્તિ, ભક્તિ, સમર્પણ, શ્રમ, નિશ્ચલસેવા, ત્યાગ, બલિદાન, વિગેરેની પ્રેરણા આપે છે .પરમ આદર્શ શ્રી હનુમાનજીનું જીવન પ્રકાશ-સ્થંભની જેમ આપણા કલ્યાણ-માર્ગની નિશ્ચિત દિશા બતાવે છે.

હનુમાન જયંતી 

હનુમાન જયંતી એ ભારતીય ઉપખંડમાં ઉજવવામાં આવતો હિંદુ ધર્મના લોકોનો મહત્વનો તહેવાર છે.આ પર્વ ભારતમાં વિક્રમ સંવત/શક સંવત મુજબ ચૈત્ર સુદ પૂનમના રોજ મનાવવામાં આવે છે.આ શુભ દિવસને હનુમાનજીનો જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે.

હનુમાનજીનું કોઇ અલગ અસ્તિત્વજ નથી. તેઓ શ્રી રામમય થઇ ગયા છે. પરમપ્રભુ શ્રીરામે જ્યારે પ્રશ્ન કર્યો કે તું કોણ છે? ત્યારે સ્વયં નિવેદન કર્યું–”પ્રભો!
देहबुद्धया तु दासोऽस्मि जीव बुद्धया त्वदाम्सकः। आत्मबुद्धया त्वमेवाऽहम् ईति मे निश्चिता मतिः॥”
દેહદૃષ્ટિથી તો હું આપનો દાસ છું જીવ રુપથી આપનો અંશ તથા તત્તવાર્થી .શ્રી રામે કહ્યું :”તો આપ અને હું એકજ છીએ આજ મારો મત છે. ”

હનુમાનજીનું ચરિત્ર પરમ પવિત્ર અને મધુર તેમજ પરમ આદર્શ છે અને અદભુત્ત પણ છે.હનુમાનજીની પરમ પુણ્યમયી માતાનું નામ અંજની દેવી છે. પરંતુ તે શંકર સુવન” “વાયુપુત્રઅને કેશરી નંદનપણ કહેવાય છે.અર્થાત શિવ-વાયુ-અને -કેશરી તેમના પિતા છે.આ રહસ્યને સ્પષ્ટ કરવા માટે અનેક કથાઓ પુરાણોમાં જોવા મળે છે.

શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ,રાજનીતિમાં નિપુણ મુત્‍સદી, હનુમાન એટલે વકતૃત્‍વકળામાં નિપૂણ. હનુમાનજી વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્‍ત્ર, તત્‍વસ્‍થાન સાહિત્‍ય વગેરે સર્વગુણોથી સં૫ન્‍ન હતા.આવી કલિકાલ સર્વજ્ઞ વ્‍યકિત જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો?તેથી જ શ્રી રામની સફળતાઓમાં મરુતનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો.તેઓ આવા સર્વગુણસંપન્‍ન હોવ છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નહોતો.તેઓ તો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્‍ન રહેતાં.રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનના સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા.શ્રીરામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્‍યું હતું અને તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું. 

શ્રી રામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્‍વાસ હતો.તેથી જ જયાંરે રાવણનાભાઈ વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા શ્રીરામે સુગ્રીવના અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો.કારણ કે શ્રીરામ હનુમાનજીને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા.હનુમાનજીએ સીતાજીને અશોક વાટીકામાં આત્‍મહત્‍યાના  માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિદ્વાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી.તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી.

શ્રીરામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજી હંમેશા સાથે જ હતા.ઇન્‍દ્રજીતના બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્‍મણને ઔષધી લાવીને હનુમાનજીએ જ બચાવેલા.રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપ‍વા શ્રીરામ હનુમાનજીને જ મોકલે છે.શ્રી હનુમાનજીનાં આવા કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્‍યાએ કહયું છે,મારુતી તમારા મારા ઉપરના  અસંખ્‍ય ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્‍યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી.હનુમાન શંકરના ૧૧મા અવતાર હતા.જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને આ કળીયુગમાં હાજરા હજુર છે.

હનુમાનજીની બ્રહ્મચારી તરિકે ગણતરી થાય છે, તેમ છતાં તેમનો મકરધ્વજ નામે એક (પરોક્ષ) પૂત્ર હતો.

____________________________________________________________

શ્રી હનુમાનજીની આરતી (વિડીયોમાં)

નીચે આપેલ યુ-ટ્યુબ વિડીયોની લિંક ઉપર હનુમાનજીની આરતી સાંભળીને અને એની સાથે સાથે ગાન

કરી મનને પાવન કરો.

http://www.youtube.com/v/9mcDj5qR5H8?version=3&feature=player_detailpage

હનુમાન ચાલીસા

હનુમાન ચાલીસા  એ સંત તુલસીદાસ રચિત કૃતિ છે,જે ચાલીસ પદોની બનેલી હોવાને કારણે ચાલીસા કહેવાય છે.આમાં રામભક્ત હનુમાનની સ્તુતિ કરવામાં આવી છે જેને કારણે ભારતમાં હનુમાન ભક્તો પોતાના આરાધ્ય દેવની સ્તુતિમાં તેનું ગાન કરે છે.ગુજરાતમાં શનિવાર અને ઉત્તર ભારતમાં મંગળવારને હનુમાનજીનો વાર ગણવામાં આવે છે.આ દિવસોએ ખાસ કરીને લોકો સમુહમાં હનુમાન ચાલીસાના પાઠ પણ ગોઠવતાં હોય છે.                                                                          

                              || દોહા ||

શ્રી ગુરુચરણ સરોજ રજ,નિજ મન મુકુર સુધારિ |

બરનઉં રઘુબર બિમલ જસુ,જો દાયકુ ફલ ચારિ ||

બુધ્ધિ હિન તનુ જાનિ કે સૂમિરૌ, પવન કુમાર |

બલ, બુધ્ધિ, વિદ્યાદેહુ મોહિ,હરહુ કલેસ બિકાર || 

                                ચોપાઈ

જય હનુમાન જ્ઞાન ગુન સાગર |જય કપીશ તિહુ લોક ઉજાગર ||

રામદૂત અતુલિત બલ ધામા |અંજનિ પુત્ર પવનસુત નામા ||

મહાબીર બિક્રમ બજરંગી |કુમતિ નિવાર સુમતિ કે સંગી ||

 • કંચન બરન બિરાજ સુવેસા |કાનન કુંડલ કુંચિત કેસા ||
 • હાથ વજ્ર ઔર ધ્વજા બિરાજૈ |કાંધે મુંજ જનેઉં સાજે ||
 • શંકર સુવન કેસરી નંદન |તેજ પ્રતાપ મહા જગ વંદન ||
 • વિદ્યાવાન ગુની અતિ ચાતુર |રામ કાજ કરિબે કો આતુર ||
 • પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા |રામ લખન સીતા મન બસિયા ||
 • સુક્ષ્મ રુપ ધરિ સિયહિં દિખાવા |બિકટ રુપ ધરી લંક જરાવા ||
 • ભીમરુપ ધરિ અસુર સંહારે |રામચંદ્ર કે કાજ સંવારે ||
 • લાય સજીવન લખન જિયાયે |શ્રી રઘુબિર હરષિ ઉર લાયે ||
 • રઘુપતિ કીન્હીં બહુત બડાઈ |તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ||
 • સહસ્ર બદન તુમ્હરો જસ ગાવૈ |અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ||
 • સનકાદિક બ્રહ્માદિ મુનીસા |નારદ સારદ સહિત અહિસા ||
 • જમ કુબેર દિગપાલ જહાં તે |કબિ કોબિદ કહિ સકે કહાં તે ||
 • તુમ ઉપકાર સુગ્રીવહીં કીન્હાં |રામ મિલાય રાજપદ દીન્હાં ||
 • તુમ્હરો મંત્ર બિભીષન માના |લંકેશ્વર ભયે સબ જગ જાના ||
 • જુગ સહસ્ર જોજન પર ભાનુ |લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ||
 • પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં |જલધિ લાંધી ગયે અચરજ નાહીં ||
 • દુર્ગમ કાજ જગત કે જેતે |સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||
 • રામ દુઆરે તુમ રખવારે |હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||
 • સબ સુખ લહૈ તુમ્હારી સરના |તુમ રક્ષક કાહુ કો ડરના ||
 • આપન તેજ સમ્હારૌ આપે |તીનો લોક હાંક તે કાંપે ||
 • ભુત પિશાચ નિકટ નહિં આવૈ |મહાવીર જબ નામ સુનાવૈ ||
 • નાસે રોગ હરે સબ પીરા |જપત નિરંતર હનુમંત બિરા ||
 • સંકટ સે હનુમાન છુડાવૈ |મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ||
 • સબ પર રામ તપસ્વી રાજા |તિન કે કાજ સકલ તુમ સાજા ||
 • ઔર મનોરથ જો કોઈ લાવે |સોઈ અમિત જીવન ફલ પાવે ||
 • ચારો જુગ પરતાપ તુમ્હારા |હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા ||
 • સાધુ સંત કે તુમ રખવારે |અસુર નિકંદન રામ દુલારે ||
 • અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા |અસ બર દીન જાનકી માતા ||
 • રામ રસાયન તુમ્હરે પાસા |સદા રહો રઘુપતિ કે દાસા ||
 • તુમ્હરે ભજન રામકો પાવે |જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ||
 • અન્ત કાલ રઘુબર પુર જાઈ |જહાં જન્મ હરી ભકત કહાઈ ||
 • ઔર દેવતા ચિત ન ધરઈ |હનુમંત સેઈ સર્વ સુખ કરઈ ||
 • સંકટ કટે મિટૈ સબ પીરા |જો સુમિરૈ હનુમંત બલવીરા ||
 • જય, જય, જય, હનુમાન ગોસાઈ |કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ ||
 • જો સતબાર પાઠ કર કોઈ |છુટહિ બન્દિ મહા સુખ હોઈ ||
 • જો યહ પઢૈ હનુમાન ચાલીસા |હોય સિધ્ધિ સાખી ગૌરીસા ||
 • તુલસીદાસ સદા હરિ ચેરા |કીજે નાથ હદય મહીં ડેરા ||

                                      દોહા

 • પવન તનય સંકટ હરન મંગલ મૂરતિ રુપ |

           રામલખનસીતા સહિત હૃદય બસહુ સુરભૂપ || 

|| સિયાવર રામચંદ્ર કી જય ||

|| રમાપતિ રામચંદ્ર કી જય ||

|| પવનસૂત હનુમાન કી જય ||

|| ઉમાપતિ મહાદેવ કી જય ||

|| બ્રિન્દાવન કૃષણચંદ્ર કી જય ||

|| બોલો ભાઇ સબ સંતન કી જય ||

______________________________________

હનુમાન ચાલીસા  (વિડીયોમાં – પૂજ્ય મોરારી બાપુના કંઠે) 

રામ કથાની પારાયણ કરીને સંત તુલસીદાસની અમર કૃતિ શ્રી રામ ચરિત માનસના

સંદેશને વિશ્વભરમાં પહોંચાડનાર પુ.મોરારીબાપુને શ્રી હનુમાનજીમાં અપાર શ્રધ્ધા છે.

એમના કંઠે હનુમાન ચાલીસાનું રટણ યુ-ટ્યુબના વિડીયોની નીચે આપેલ લિંક

ઉપર સાંભળીને અને ગાઈને આધ્યાત્મિક આનંદ માણો.

http://www.youtube.com/v/XFJ_CC0BfIQ?version=3&feature=player_detailpage

 

____________________________________________  

કષ્ટભંજનદેવ -હનુમાન સાળંગપુર, ગુજરાત

 હનુમાન સ્તુતિ

મનોજવં મારુત તુલ્ય વેગમ

જીતેન્દ્રીયમ બુધ્દ્ધીમતાં વરિષ્ઠમ

વાતાત્મજ્મ વાનરયુથ મુખ્યમ

શ્રી રામદુતમ શરણં પ્રપદ્યે

(અર્થ-મન જેવા વેગવાળા, પવન જેવી ગતિવાળા ,જેણે ઈન્દ્રિયોને જીતી લીધી છે એવા ,

બુધ્દ્ધીમાનોમાં શ્રેષ્ઠ,વાયુદેવના પુત્ર,વાનરોનાં ટોળાઓના નાયક,એવા શ્રી રામચન્દ્રજીના

દૂત હનુમાનજીને શરણે હું જાઉં છું.)

 

(આભાર- વિકિપીડિયા )                                                              સંકલન- વિનોદ આર પટેલ