વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: એપ્રિલ 14, 2012

મારાં ધર્મપત્ની સ્વ.કુસુમબેનની ૨૦મી વાર્ષિક પુણ્યતિથીએ સ્મરણાંજલિ

Kusum_Patel_1

   કુસુમબેન-વિનોદભાઈ -૧૨મી ઓગસ્ટ રોજ લગ્ન પછી શ્યામ સ્ટુડિયો અમદાવાદમાં જઈને પડાવેલો પ્રથમ ફોટો

(૧૨મી ઓગસ્ટ ,૧૯૬૨ના રોજ લગ્ન પછી શ્યામ સ્ટુડિયો અમદાવાદમાં પડાવેલી અમારી પ્રથમ તસ્વીર )____________________________________________________________________ 

આજથી લગભગ વીસ વર્ષ પહેલાં અમારા ત્રીસ વર્ષના સુખદ દામ્પત્ય જીવન પછી તારીખ ૧૪મી એપ્રિલ,૧૯૯૨ ના એ કરુણ દિવસે મારાં ધર્મપત્ની કુસુમબેનનું એમની ૫૪ વર્ષની ઉંમરે, સ્ટ્રોક-પેરાલિસિસને લીધે લાંબી પથારીવશ માંદગીનું દુખ સહન કર્યા બાદ, અમદાવાદના અમારા નિવાસસ્થાને દુખદ અવસાન થયું હતું.

આ ત્રીસ વર્ષના અમારા સહ જીવન દરમ્યાન કેટ કેટલા કભી ખુશી,કભી ગમના બનાવો બની ગયા હતા!આમાંની કેટલીક મારી સ્મૃતિના ફોલ્ડરમાં સંગ્રહિત થઈને પડેલી ઘટનાઓનાં સંસ્મરણો વહેંચીને  હળવા થવાનો અને એક અંજલિ ગીત,કુસુમબેનની કેટલીક તસ્વીરો,ચિંતન લેખ અને મારા જીવનના અનુભવમાંથી જડેલી વાર્તા “સફળ સફર “વિગેરે આજની આ પોસ્ટમાં સંકલન કરીને પ્રભુના ધામમાં નિવાસ કરી રહેલ એ દિવ્યાત્માને સ્મરણાંજલિ આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.

કુસુમબેનની કુટુંબ વત્સલતા અને ત્યાગ   

અમારાં લગ્ન થયાં એ પહેલાં અમારા કુટુંબે ઘણો આર્થિક સંઘર્ષ વેઠ્યો હતો.લગ્ન પછી સ્થિતિમાં કઈક વળતા પાણી થતાં બધાં કહેતાં હતાં કુસુમ સારા પગલાની છે.વસ્તારી કુટુંબમાં આવીને બધાં સાથે હળી ભળી જઈને એમણે કુટુંબની જવાબદારી પરિશ્રમપૂર્વક બરાબર સંભાળી લીધી હતી.સાસુ-સસરા તરફથી એમને   એક પુત્રી જેવો પ્રેમ મળ્યો હતો.કુસુમ બેનની માંદગીથી મૃત્યુંના સમય દરમ્યાન એમની સારવારમાં મારી જોડે હાજર રહી મને ઘણો જરૂરી મોરલ સપોર્ટ આપ્યો હતો એ કેમ કરીને ભૂલાય !

અમારા લગ્નના ત્રણ વર્ષ પછી ,મારા ત્રણ નાના ભાઈઓ એક પછી એક અમેરિકા ગયા,ત્યાં ભણી,સેટ થયા,ઈન્ડીયા આવી બધાએ લગ્ન કર્યા એ બધા સુખી પ્રસંગો અમે સાથે રહીને માણ્યા હતા.દેવનાં દીધેલ અમારાં ત્રણ સંતાનોનો ઉછેર કરી સારા સંસ્કારનું સિંચન કર્યું હતું.અમારાં આ ત્રણે ય સંતાનો એમની હાજરીમાં અમેરિકામાં આવ્યાં .આજે તેઓ બધાં સારું શિક્ષણ પ્રાપ્ત કરી,સારી જોબ કરી એમના પરિવાર સાથે ઘણાં સુખી છે એ અને જોઈને વ્હાલાં લાગે એવાં રૂપાળા ૬ પૌત્રો –પૌત્રીઓને  નજરે જોઈને ખુશી થવા એમની પ્રિય માતા આજે હયાત નથી એ વિધિની કેવી વક્રતા કહેવાય !મારા પિતાશ્રી ૯૨ વર્ષની ઉમરે ૨૦૦૭માં અને માતુશ્રી ૭૮ વર્ષની ઉમરે ૧૯૯૫મા ,કુટુંબની લીલીવાડી જોઈને સ્વર્ગે સિધાવ્યાં હતાં. પરંતુ એમનાથી નાની ઉમરનાં કુસુમબેનને જીવનભર પરિશ્રમ અને સંઘર્ષ કર્યા પછી અમેરિકા આવીને સંતાનોની લીલીવાડી જોવાનું એમનું સ્વપ્ન દૈવ યોગે સિદ્ધ થઇ ન શક્યું એનો જીવનભર મને અફસોસ રહી જશે.

૧૪મી એપ્રિલ,૧૯૯૨ નો એ કરુણ દિવસ  

આ દિવસે હું મારી દીકરીને ત્યાં કેલીફોર્નીયા,લોસ એન્જેલસમાં હતો.મારા એક પગના થાપા(હિપ)માં ઇન્ડીયામાં પડી જવાથી ફ્રેક્ચર થયેલું એનું ઓપરેશન અહીં આવીને કરાવેલું એટલે ઓપરેશનની રૂઝ આવી જાય ત્યાં સુધી દીકરીને ત્યાં થોડો આરામ કરી ઈન્ડીયા જેમ બને એમ જલ્દી પાછા જવાનો પ્લાન હતો.પરંતુ માનવીનું ધાર્યું હંમેશા ક્યાં બનતું હોય છે .૧૪મી  એપ્રિલ,૧૯૯૨ની વહેલી સવારે ચાર વાગે સાન ડિયાગો રહેતા મારા  નાના ભાઈનો દીકરીને ઘેર ફોન આવે છે અને હજારો માઈલ દુર અમદાવાદમાં અમારા નિવાસ સ્થાને મારાં ધર્મ પત્ની કુસુમબેના થયેલ અવસાનના સમાચાર રડતા અને દુખી અવાજે આપે છે.આ ધ્રાસકા જનક સમાચાર સાંભળીને મારું હૃદય એક-બે-ચાર ધબકારા ચુકી જાય છે.મારા જીવન ઉપરના આ કારમા  આઘાતથી ભીતરમાં શૂન્યતા વ્યાપી જાય છે.પત્નીના દુખદ અવસાન વખતે હાજર રહી ન શકવા બદલ થયેલ અફસોસ ભર્યો મૂંઝારો અને અશ્રુભીની આંખોએ અહીં રહેતાં ત્રણે ય સંતાનો અને ભાઈઓનું ગળે વળગીને કરેલ એ રુદનનું દ્રશ્ય એક ચલચિત્રની જેમ ૨૦ વર્ષ વીતી ગયાં હોવા છતાં પણ સ્મરણ પટે તાજું થાય છે અને પ્રભુની અકળ લીલાની ઝાંખી કરાવી જાય છે.

કમળની પાંદડીઓ પર નાચતા પાણીના બુંદ જેવી માનવીની જિંદગી ચંચળ છે. “મરણનું સ્મરણ” નામનો મારો એક ચિંતન લેખ મારા બ્લોગની ૧૦મી સપ્ટેમબર,૨૦૧૧ ની પોસ્ટમાં મુકવામાં આવ્યો છે.આજની પોસ્ટને અનુરૂપ આ લેખ નીચેની લીંક ઉપર વાંચી મૃત્યુની અનિવાર્યતા અંગે મનન કરો.

https://vinodvihar75.wordpress.com/2011/09/10

આ જગતમાં બધું ઈશ્વરના અવિચલ નિયમ જ પ્રમાણે થતું હોય છે.આપણા જીવનની આ ઘટમાળ પણ એની ઈચ્છાને આધીન છે.ગુલાબ સદા કંટકની સોબતમાં રહે છે છતાં પૂર્ણ રીતે ખીલીને જાણે પોતાના સ્મિતને સલામત રાખે છે.આ ખુશ્બોદાર ગુલાબી રહસ્યને પામીને જીવન પ્રેત્યેની શ્રધ્ધાને અડીખમ રાખવી એ જ સાચી જીવન કલા.

પ્રભુકૃપા,સ્નેહીજનો-મિત્રોનો પ્રેમ અને લાગણી એ જ મારી સૌથી મોટી મૂડી છે જે મને જીવન સંગ્રામમાં ઝઝૂમવાની તાકાત પૂરી પાડે છે.

અંતમાં બે હાથ જોડીને પરમ કૃપાલુ પરમાત્માને આ પ્રાર્થના કરીએ .

હે નાથ! જોડી હાથ પાયે પ્રેમથી સહુ માંગીએ,
શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ;
જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો,
પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો.

સાન ડિયાગો,                

એપ્રિલ ૧૪,૨૦૧૨                         વિનોદ આર.પટેલ

_____________________________________________________

સફળ સફર               (સત્યઘટનાત્મક ટૂંકી વાર્તા )                   લેખક-વિનોદ પટેલ

સ્વ.કુસુમબેનની તબિયત ગંભીર થઇ જતાં એના લગ્નના ફક્ત ત્રણ માસ પછી અમેરિકા રહેતી પુત્રી એની વ્હાલી માતાને મળવા ઈન્ડીયા દોડી આવી હતી.એ કરુણ પ્રસંગમાંથી પ્રેરણા લઈને ખરા નામો બદલીને લખેલી મારી “સફળ સફર”નામની એક સત્ય ઘટનાત્મક ટૂંકી વાર્તા અમદાવાદથી પ્રસિદ્ધ થતા “ધરતી” માસિકના જુન,૨૦૦૪ના અંકમાં છપાઈ હતી.આ વાર્તા વાંચવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.

સફળ સફર ( સત્યઘટનાત્મક ટૂંકી વાર્તા ) લેખક -વિનોદ આર.પટેલ

_____________________________________________________

સ્વ.કુસુમબેનને એમની ૨૦મી વાર્ષિક પુણ્યતિથીએ

 

શ્રધાંજલિ                      

ગોઝારા એ કરુણ દિને ,હૃદય ભગ્ન થયાં હતાં અમારાં, 

પ્રભુએ એના ઘરે જ્યારે તમોને બોલાવી લીધાં હતાં . 

નશ્વરદેહ ભલે તમારો પંચ મહાભૂતમાં ભળી ગયો, 

મનથી તો અમારી નજીક છો એવું અમોને લાગે સદા. 

વેદનાઓ કષ્ટો સહ્યાં તમે અપૂર્વ ધીરજ બેશબ્દ રહી,
જીવન અને મૃત્યુંને પણ ખરેખર તમે જીતી ગયાં. 

પ્રેમ,નમ્રતા, કરુણા,પરિશ્રમી જીવન તમારું ભૂલાય ના 

તસ્વીર જોઈને તમારી, તાજાં થતાં સૌ સંસ્મરણો. 

શબ્દો ખરે ઓછા પડે ગણવા ઉપકારો અમ પર આપના 

કિન્તુ અલ્પ શબ્દોથી અર્પું તમોને આ ભાવભીની શ્રધાંજલિ .

 

૧૪મી અપ્રિલ,૨૦૧૨.                                     —વિનોદ આર. પટેલ

____________________________________________________________

                                                                     આ ત્રણ તસ્વીરો!

મારાં સ્વ. માતાપિતા અને ધર્મપત્ની કુસુમે મારા જીવનમાં ખુબ જ અગત્યનો ફાળો આપ્યો છે.પ્રેમ, પરિશ્રમ  અને ત્યાગના ત્રિવેણી સંગમ સમાં આ ત્રણ દિવ્યાત્માઓનો હું આજીવન ઋણી રહીશ..એમના સુસંસ્કારો, પ્રેમ અને સહકારની સૌથી મોટી મૂડીએ મને મારા જીવનના  સંગ્રામમાં ઝઝૂમવાની જરૂરી તાકાત પૂરી પાડી છે એમ કહું તો ખોટું નથી .મારી રૂમની દીવાલ પર હારોહાર લટકતી એ ત્રણે ય દિવ્ય આત્માઓની તસ્વીરો સામે જ્યારે નજર કરું છુ ત્યારે ભૂતકાળના એ યાદગાર દિવસોની અને મારા જીવન ઉપરના એમના અગણિત ઉપકારોની યાદ તાજી થતાં હૈયું ભારે થાય છે.સૌ કુટુંબીજનો ઉપર આ ત્રણ તસ્વીરો ઉપર રહ્યાં રહ્યાં જાણે કે આશીર્વાદોની વર્ષા કરતી ન હોય એવી પ્રતીતિ મને રોજ થયા કરે છે.!

સૌ વ્હાલાંઓ ઉપર આશિષ ને પ્રેરણા વર્ષાવી  રહી જાણે,

અમ હૃદય મંદિરીયે જડાઈ ગઈ છે આ ત્રણ તસ્વીરો.

કુટુંબના ઉત્કર્ષ માટે અપાર કષ્ટો એમણે સાથે સહ્યાં,  

ખરી જઈને પણ આ પુષ્પો, કેવી સુગંધ છોડી ગયાં ! 

–વિનોદ આર. પટેલ _______________________________________________________________     

Kusumben with three children(1972-73)

________________________________________________________________

गीता सार 

जो हुआ वह अच्छा हुआ ,जो हो रहा है ,वह अच्छा हो रहा है ,जो होगा ,वह भी अच्छा होगा

तुम्हारा क्या गया ,जो तुम रोते हो ?तुम क्या लाये थे ,जो तुमने खो दिया ?तुमने क्या पैदा

किया जो नष्ट हो गया ? तुमने जो लिया ,यही से लिया , जो दिया ,यही पर दिया ,जो आज तुम्हारा

 है ,कल किसी औरका था ,कल किसी औरका होगा  

परिवर्तन ही संसारका नियम है        

         

 _________________________________________________________________