વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: એપ્રિલ 20, 2012

શ્રીમદ ભગવદ ગીતા અંગે ગુજરાતના બે સમર્થ લેખકોના મનનીય વિચારો

                                                       (ફોટો સૌજન્ય- શ્રી જય વસાવડા ) 

આજની   વિનોદ વિહારની પોસ્ટમાં ગુજરાતના બે સમર્થ લેખકો શ્રી ગુણવંત શાહ અને શ્રી જય વસાવડાના  શ્રીમદ ભગવદ

ગીતા અંગે  એમના વિચારો રજુ કરતા બે મનનીય  લેખો મુકવામાં આવ્યા છે.મને આશા છે વાચકો આ લેખો વાંચીને 

ગીતા જ્ઞાનનો આનંદ પ્રાપ્ત કરશે અને ધર્મ લાભ મેળવશે એવી આશા છે.

વિનોદ આર. પટેલ

__________________________________________________

            કરિષ્યે વચનમ  તવ 

                                                              વ્યાખ્યાતા- શ્રી ગુણવંત શાહ

 

ફેબ્રુઆરી ૨૦૧૧માં યોજાએલ સદભાવના પર્વ નિમિત્તે ગુજરાતના વિખ્યાત લેખક અને વિચારક શ્રીગુણવંત શાહે “ગીતા અને સદભાવના ” વિષય ઉપર આપેલ વ્યાખ્યાન રીડ ગુજરાતી .કોમ અને  મૃગેશ શાહના આભાર સાથે મારી આજની આ પોસ્ટમાં મુકવામાં આવ્યો છે.

શ્રી ગુણવંત શાહના ગીતા અંગેના આ પ્રવચનનો આનંદ માણવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરવા વિનંતી  છે.    

કરિષ્યે વચનમ ત્વયમ — ગીતા લેખ — વ્યાખ્યાતા -શ્રી ગુણવંત શાહ

___________________________________________________

મહાભારત અને ભગવદ ગીતા                               લેખક- શ્રી જય વસાવડા  

ગુજરાતના જાણીતા લેખક શ્રી જય વસાવડાએ એમના બ્લોગ તા.૬ ડીસેમ્બર,૨૦૧૧ના રોજ ગીતા જયંતીના દિવસે ભગવદ ગીતા અંગે એમની રસાળ ભાષામાં એક સુંદર લેખ લખ્યો હતો. આ લેખના મને ગમેલા કેટલાક અંશો એમના આભાર સાથે હું નીચે આપું છું. 

ભારત અને ભગવદ્દગીતા બંને એકબીજાના પર્યાય જેવા છે.બંને કેલીડોસ્કોપ જેવા છે-જયારે જૂઓ ત્યારે કોઇક નવો રંગ… નવી ડિઝાઇન…

વેદરૂપી સમુદ્રને જયારે બુદ્ધિરૂપી રવૈયાથી વલોવવામાં આવ્યો ત્યારે એમાંથી ભગવદ્દગીતારૂપી માખણ નીકળ્યું.આ ગીતા નવનીતની જ્ઞાનરૂપી અગ્નિની વિચારરૂપી મંદ ઝાળ પર તપાવાય ત્યારે એમાંથી શ્રેષ્ઠ જીવનરૂપી ઘી મળે છે.’આ ભારેખમ પણ કાવ્યાત્મક પ્રશંસાના શબ્દો છે મહારાષ્ટ્રના સંત જ્ઞાનદેવના… જેમણે ૧૫ વર્ષની ઉંમરે ભગવદ્દગીતા પર મનન કરી એની સમજૂતી આપતી ‘જ્ઞાનેશ્વરી ગીતા’ લખેલી. ભગવદ્દગીતા નામના પ્રમાણમાં ટચુકડા એવા ગ્રંથનું ‘સકસેસ સિક્રેટ’ આ બિરદાવલિમાં છુપાયેલું છે.

જેમ ડિટેકટીવ પાત્ર શેરલોક હોમ્સનો આવો ભકતમિત્ર વોટસન હતો,એમ ગીતામાં કૃષ્ણને મિત્રભાવે અર્જુને પૂજયા છે. માટે ગીતા કેવળ આદેશ કે ઉપદેશ ન બનતાં સવાલ અને જવાબ… કારણ અને નિવારણ… શંકા અને સમજૂતી…નો (ટુ-વે) ‘સંવાદ’ બને છે. એનું આ ‘ચર્ચાતત્વ’ જ ભાવકને વિશેષ આકર્ષે છે. ગીતા વિશ્વશ્રેષ્ઠ પ્રાચીન આધ્યાત્મિક ગ્રંથ હિંદુ હોવાને લીધે ગણું છું, એમ નથી. કારણ એ છે કે, જે ગ્રંથમાં ‘મામેકં શરણં વ્રજ’ જેવી ઇશ્વરને અનુસરવાની અચળ આજ્ઞા છે,એમાં જ ‘યથેચ્છસિ તથા કુરૂ’(તને જેમ યોગ્ય લાગે તેમ કર!)વાળી મુકત મોકળાશ પણ છે!૨૧મી સદીનું ધર્મપુસ્તક ચૂકાદા આપે તેવું નહિ,પણ ચર્ચા જગાવે તેવું હોવું જોઇએ. ફોર ધેટ, ગીતા ઇઝ હિટ એન્ડ ફિટ! વળી, આજના ફાસ્ટ યુગમાં ગીતા આદર્શ એવી નાની છે.

ગીતા ભલે સ્વતંત્ર પુસ્તક તરીકે સુખ્યાત છે,પણ એ જેનો અંશ છે-એ ‘મહાભારત’ગીતાથી પણ વઘુ ઘ્યાનપૂર્વક સમજવા જેવી રચના છે. એક ભવ્ય અને એકદમ પરફેકટ કથાના તમામ પ્લસ પોઇન્ટસ ધરાવતી પૃથ્વીની પ્રથમ સાહિત્યકૃતિ તરીકે ‘મહાભારત’માં ચુંબકીય નાટયતત્વ છે. યુદ્ધ ‘ધર્મયુદ્ધ’ હોય તો પણ અંતે તો બંને પક્ષે વિનાશ જ નોતરે છે- એ કટુ સત્ય કોઇ ઉપદેશ વિના માત્ર પાંડવ- કૌરવ વંશની કરપીણ ખુવારીના પ્રસંગોથી વેદવ્યાસે બતાવ્યું છે!બુશથી લાદેન સુધીના કોઇપણ માટે ટેકસ્ટબૂક બને એવી વાત છે આ!‘મહાભારત’માં ગીતા પણ આસમાનમાંથી ટપકી પડતી નથી. ઉદ્યોગપર્વમાં ઘૃતરાષ્ટ્રે મોકલેલ સંધિપ્રસ્તાવ લઇને સંજય આવે છે,ત્યારે યુધિષ્ઠિર વાજપેયી સ્ટાઈલમાં ભાવુક બની જાય છે. એ વખતે કૃષ્ણ એનું મનોબળ મજબૂત કરે છે. એ જ ખંડમાં આગળ ભીમ શાંતિની વાત કરે છે, ત્યારે પણ કૃષ્ણ એને જોશીલી શિખામણ આપે છે.

હા,‘મહાભારત’નો નિષ્પક્ષ અભ્યાસુ એક પ્રચલિત માન્યતાનો તરત વિરોધ કરશે કે અર્જુનના હૃદયમાં સ્વજનો પ્રત્યેની કરૂણા ઉભરાવાથી એને વિષાદયોગ થયો!આંખો અને દિમાગ ખુલ્લા રાખીને ગીતા વાંચશો,તો તરત સમજાઈ જશે કે અર્જુન ‘કૂળનાશ’નું પાપ પોતાને લાગશે એ ભયથી થથરી ઉઠયો હતો!એ વખતની સમાજરચનામાં હત્યા-હિંસાની બહુ ટીકા ન થતી- પણ પોતાના હાથે જ પોતાના કૂળ- જાતિના લોકો કે બ્રાહ્મણ- ગુરૂ વગેરેની હત્યા થાય તો નરક મળે એવી આદિવાસી અંધશ્રદ્ધા ‘ટાઈપ’ની માન્યતાઓ હતી. અર્જુન સ્વજન પ્રત્યેની સંવેદનાથી નહિ, પણ પાપ લાગવાના ભયથી ફફડે છે. કારણ જે હોય તે- એનો વિષાદ સાચો છે. અને એ દૂર કરવા જગતના કોઈપણ મેનેજમેન્ટ એક્સપર્ટ કરતાંય મહાન ‘મોટિવેશનલ સ્પીચ’ આપવામાં આવે છે. જેના સંવાદોમાં અવનવી અભિવ્યક્તિઓને અવકાશ છે.માટે જ ગીતા પાર્થના પુત્ર ‘વિષાદ’નું પરમાત્માની પુત્રી ‘વાણી’સાથે લગ્ન થતા (યાને અર્જુનની મૂંઝવણ અને કૃષ્ણના માર્ગદર્શનનું મિલન થતા)જન્મેલા સંતાનરૂપ ગણાઈ છે!

ભગવતગીતાના અઢારે અઢાર અઘ્યાયની ભાષા એકસરખી અને સળંગસૂત્ર હોઈને એક જ ‘ગીતાકાર’નું સર્જન છે,એમાં કોઈ બેમત નથી.દૈવી કંઠે ગવાયેલા ગીત જેવા ગીતાના શ્લોકોમાં ભારોભાર કાવ્યતત્વ છલકે છે.વળી,પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રેઝન્ટેશન હોઈને એ ઝટ ગળે ઉતરે છે.ગીતાનું સરસ ગુજરાતી ભાષાતર કર્યા પછી એની પ્રસ્તાવનામાં ગાંધીજીએ લખેલું કે ગીતાના બીજા અને ત્રીજા અઘ્યાયમાં એનું સઘળું સત્વ છે.બાકીનું બઘું તો એને જ ફેરવી ફેરવીને સમજાવવા કરેલું રંગરોગાન છે. ગીતા માણસને એટલે આકર્ષે છે કે એ ‘હું કોણ છું? શા માટે છું?ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું?’જેવા સનાતન માનવીય કૂતૂહલનો વિશ્વાસપૂર્વક જવાબ આપવાનો પ્રયત્ન કરે છે.

ગીતાના જાદૂઈ પ્રભાવનું બીજું રહસ્ય એ છે કે એ નિષ્ક્રિય બનીને કર્મનો ત્યાગ કરવાને બદલે કર્મનો મોહ ત્યાગવાની વાત કરે છે.ગીતાનું મઘ્યબિંદુ હોય તો એ છે ‘અનાસક્તિ’.આખી ગીતાનો સારાંશ એક જ શબ્દમાં આપવો હોય તો એ શબ્દ છે ‘આસંગ’.યાને સ્થિતપ્રજ્ઞ થઈ સાક્ષીભાવે જીવન જીવવાનો યજ્ઞ. ગાંધીજીને ફરી યાદ કરીએ તો ‘જે કર્મ છોડે એ પડે, કર્મ કરી તેના ફળ છોડે એ ચડે!’ આ સાદી વાત સોમાંથી નેવુંને સમજાતી નથી. જે દસને સમજાય છે,એમાંના નવ એનો અમલ કરી શકતા નથી!

એના શ્લોકોમાંય વિરોધાભાસ છે. એક જગ્યાએ થયેલી વાતથી બિલકુલ ઉલટી જ વાત બીજી જગ્યાએ થઈ છે. અવિનાશી આત્માના સન્માર્ગે ઉત્થાનની વાત સાથે જ પાછી તેમાંથી ઉલટી એવી ઉત્તરાયણમાં મૃત્યુથી બ્રહ્મ મળે એવી વાતો છે! દ્વેષ અને રાગથી પર રહેવાની ભારપૂર્વકની શિખામણ અપાયા પછી આસુરી જીવન સામે ચીડપૂર્વકને ધિક્કાર યાને દ્વેષ પ્રગટ કરાયો છે.પણ એનાથી મૂળ સંદેશાની ચમકને ફરક પડતો નથી.પણ ગીતાના નામે પોતાના પ્રચાર કે સંગઠ્ઠનના ગીતની ઘૂન ગાનારાઓ ખુદ જ ગીતા દ્રોહીઓ છે!‘સ્વયંના અઘ્યયન’ની ગીતાની શિખામણ જાત સાથે વાત કરી ભીતરનો અવાજ સાંભળવાની સાધનાની છે.આ ‘સ્વાઘ્યાય’નો અમલ જાતને બદલે સ્થાપિત ગુરૂની વાતો જાહેરમાં ટોળા ભેગા કરીને સાંભળવામાં થાય છે!

ગીતા ગોરખપુરના પ્રેસમાં છપાયેલા ગુટકાના પાનાઓ વચ્ચે જ પ્રગટ થાય છે,એવું ન માનશો.ગીતા એ પરમ ચૈતન્યના સાક્ષાત્કારનું સંગીત છે. એની અનુભૂતિ શબ્દો કરતા વઘુ મહત્વની છે. એ ગીતા બિલકુલ ન અડનાર પાસે ય હોઈ શકે.મમ્મીના હાથે પીરસાયેલી થાળીમાં કે સિનેમા થિયેટરના સ્ક્રીન સાથેની તલ્લીનતામાં પણ વ્રજની વાંસળીના સૂર સંભળાઈ શકે.પ્રયોગશાળાના કોમ્પ્યુટર્સ કે સ્પોર્ટસ સ્ટેડિયમની એકાગ્રતામાં પણ અદ્વૈત હોઈ શકે.પ્રેયસીના પ્રગાઢ ચુંબન કે હરિયાળા જંગલોના સ્પંદનમાં પણ વિરાટ દર્શન થઈ શકે!

બોલો, તમારે તમારી ભગવદ્દ ગીતા કૃષ્ણની માફક ગાવી છે કે પછી અર્જુનની જેમ સાંભળવી છે?

ફાસ્ટ ફોરવર્ડ

નહિ જ્ઞાનેનં સદ્દશં પવિત્રમિહ વિદ્યતે.

(ભગવદ્‌ગીતા, ૪-૩૮)

ભાવાર્થ : આ સૃષ્ટિમાં જ્ઞાનથી વઘુ પવિત્ર બીજું કંઈ નથી !

સાભાર-જય વસાવડા(આખો લેખ વાંચવા માટે નીચે ક્લિક કરો )

ગીતાઃ જ્યારે પાર્થનો પુત્ર ‘વિષાદ’ પરમાત્માની પુત્રી ‘વાણી’ને પરણે છે..!

_________________________________________________________