વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: મે 2012

(55) ગાયત્રી જયંતી નિમિત્તે મા ગાયત્રીની અર્ચના-આરાધના સંકલન -વિનોદ પટેલ

                                                          ગાયત્રી જયંતિ

હિંદુ ધર્મશાસ્ત્રો પ્રમાણે જેઠ માસના સુદ પક્ષની દશમના રોજ ગાયત્રી માતાનું અવતરણ માનવામાં આવે છે.

આ વર્ષે ગાયત્રી જયંતીનું પર્વ ૩૧ મી મે,૨૦૧૨ના ગુરુવાર અર્થાત સંવત ૨૦૬૮ જેઠ સુદ દશમના રોજ ભારત તેમ જ અમેરિકા સહીત વિદેશના ઘણા દેશોમાં લોકો મનાવશે અને મા ગાયત્રીની પૂરી શ્રધા સાથે આરાધના કરશે.

ગાયત્રી માતા પ્રત્યે મને કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારથી ખુબ જ ઊંડી આસ્થા રહેલી છે.ઘણાં વર્ષોથી હું દરરોજ સવારે ગાયત્રી મન્ત્રના જાપ ,ગાયત્રી ચાલીસાનો પાઠ અને આરતી અચૂક કરું છું.

આજની પોસ્ટમાં ગાયત્રી માતા અંગે લેખ તથા રજુ કરેલ પસંદગીના વિડીયો મારફતે ગાયત્રી મંત્ર,ગાયત્રી ચાલીસા અને માતાની આરતી વી.માહિતીને માણીને ગાયત્રી જયંતીની ઉજવણી અને આરાધનામાં આપ સૌ પણ  જોડાશો અને ધર્મિક -આધ્યાત્મિક લાભ લેશો એની આશા રાખું છું. 

________________________________________________________________  

                                    ગાયત્રી મહિમા

મા ગાયત્રીને સનાતન હિંદુ ધર્મમાં વેદમાતા કહેવામાં આવે છે.એટલે કે  બધા જ વેદોની ઉત્પત્તિ સ્થાન ગાયત્રી છે.એમ કહેવાય છે કે  ઋગ્વેદમાં આ મંત્રને સામેલ કરનારા વિશ્વામિત્ર ઋષિ હતા .ભગવદ્ ગીતા અને મનુસ્મૃતિમાં ગાયત્રીનો મહિમા ગવાયો છે.શ્રીમદ ભગવદ ગીતામાં ખુદ યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું છે:”ગાયત્રી છંદ સામ્યહ્મ”અર્થાત “છંદમાં હું ગાયત્રી મંત્ર છું.”આથી જ શાસ્ત્રો અને વેદોએ ગાયત્રી મંત્રને ગુરુ મન્ત્ર કહ્યો  છે. 

હિન્દૂ ધર્મમાં ગાયત્રીને પંચમુખી માનવામાં આવે છે જેનો અર્થ છે આ સંપૂર્ણ બ્રહ્માન્ડ જળ, વાયુ, પૃથ્વી, તેજ અને આકાશના પાંચ તત્વોથી બનેલ હોય છે. આપણા બધામાં તે તત્વ હોય છે. ગાયત્રી આ બધાનું રક્ષણ કરનાર છે માટે તેની ઉપાસના કરવી જોઈએ. 

ગાયત્રી ઉપાસના ,સાધના અને આરાધનાના સાત લાભ બતાવવામાં આવ્યાં છે (૧)સ્વસ્થ શરીર અને દીર્ઘ જીવન (૨)મનમાં સાહસ અને સમતોલપણું (૩)સારાં સંતાન અને સુખી પરિવાર (૪ )સંપર્ક ક્ષેત્રનો સહયોગ (૫)યશ અને આત્મ સંતોષ (૬ )પ્રગતી અને સમૃદ્ધિ (૭)આત્મ બળ ,સ્વર્ગ અને ઈશ્વર પ્રાપ્તિ . 

ધર્મ ગ્રંથોમાં આ પણ લખ્યું છે કે  વિધિ વિધાન પૂર્વક ગાયત્રીની ઉપાસના કરનાર સાધકની બધી મનોકામનાઓ પૂરી થાય છે. ગાયત્રીની  આરાધના એક રક્ષા કવચનું નિર્માણ કરે છે, જે વિપત્તિઓના સમયે સાધકનું  રક્ષણ કરે છે.ગાયત્રીથી આયુષ્ય, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ, ધન તથા બ્રહ્મ વર્ચસ  આ સાત પ્રતિફળ અથર્વવેદમાં બતાવવામાં આવ્યાં છે. 

ગાયત્રીના ૨૪ અક્ષરોમાં પ્રાચીન અને અર્વાચીન સિદ્ધાંતોનો આશ્ચર્યકારક   સમન્વય છે.

નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં ગાયત્રી વિજ્ઞાનનો સરસ પરિચય અંગ્રેજીમાં આપવામાં આવ્યો છે એને સાંભળીને ગાયત્રી મંત્રના મહત્વને અને વિજ્ઞાનને સમજી શકાશે.

Science of Gaytri Mantri(Video)

http://www.youtube.com/v/0Wovyc4_k8Y?version=3&feature=player_detailpage 

અમેરિકામાં ૧૭૧ વર્ષ પહેલાં જન્મેલા ડૉ. વિલિયમ કવાન જજ નામના મિસ્ટિક અને થિયોસોફિકલ સોસાયટીના સ્થાપકો પૈકીના એક એવા મહાનુભવે કહ્યું હતું કે :”ગાયત્રીમંત્રમાં છુપી શક્તિ રહેલી છે.તે તમારું આપદામાં રક્ષણ કરે છે. તમારા  કૌટુંબિક કે આર્થિક સંકટોમાં ભલે ગાયત્રીમંત્ર નાણાંનો દલ્લો ન આપે પણ જે કોઇ હાલત આવી પડે તેને હસતે મોઢે સહન કરવાની ગુપ્ત શક્તિ ગાયત્રી આપે છે..”આજે પણ અમેરિકા ,કેનેડા ,ઇંગ્લેન્ડ,જેવાં દેશોમાં વિદેશીઓ પણ ગાયત્રી મંત્રનું રટણ કરતા જોવામાં આવે છે.

______________________________________________________________

 ગાયત્રી મંત્ર  

            ઓમ ભૂર્ભવ: સ્વ:
તત સવિતુ ર્વેરેણ્યં
ભર્ગો દેવસ્ય ધીમહિ
ધિયો યોન : પ્રચોદયાત 

ભાવાર્થ-તે પ્રાણ સ્વરૂપ ,દુખ નાશક ,સુખ સ્વરૂપ ,શ્રેષ્ઠ ,તેજસ્વી પાપનાશક .દેવ સ્વરૂપ,પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ છીએ,તે પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગે લઇ જાય.

In English – O God,Thou art the giver of life,the Remover of pains and sorrows, the Bestower of happiness ,O Creator of the Universe .May thou guide our intellect in the right direction.In Essence- May Almighty illuminate our intellect in the right direction.

ગાયત્રી મંત્રમાં સૂર્યની ઉપાસના કરવામાં આવી છે રાલ્ફ ટી.એચ.ગ્રીફીથી નામના અંગ્રેજે ગાયત્રીમંત્રનો ભાવાનુવાદ કરેલો કે આપણે રોજ ગાયતરી મંત્ર ભણીને ભગવાન સૂર્યની ગ્લોરી આપણામાં ઉતારીએ જેથી અમારામાં દિવ્યશક્તિ આવે.. ડૉ. એસ. રાધાકૃષ્ણને કહ્યું “ ‘હું શું કામ ગાયત્રી ભણું છું ? ગાયત્રીમંત્ર મારી બુદ્ધિ વધારે છે  ‘આઇ મેડિટેટ ઓન ધ એડોરેબલ ગ્લોરી ઓફ ધ રેડિયન્ટ સન, મે હી ઇન્સ્પાયર અવર ઇન્ટેલીજંસ .’ ટૂંકમાં બુદ્ધિને સાત્વિક અને તીક્ષ્ણ બનાવી શકે તેવી ગાયત્રીમંત્રમાં શક્તિ રહેલી છે.

માનવ મનને વ્યવસ્થિત ,સ્વસ્થ ,સ્તોગુણી અને સમતોલ બનાવવામાં ગાયત્રીમંત્ર અચૂક રીતે ચમત્કારી પ્રભાવ ઉત્પન્ન કરે છે.ગાયત્રીની દૈવી શક્તિ મનુષ્યમાં સદબુદ્ધિ પ્રેરે છે ,જે મુખ્યત્વે મન ,બુદ્ધિ અને અંતઃ કરર્ણને પ્રભાવિત કરે છે .બૌધિક ક્ષેત્રના અનેક કુવિચારો ,અસત્ સંકલ્પો તેમ જ પતન કરાવનારા દુર્ગુણોનો અંધકાર ગાયત્રી રૂપી દૈવી પ્રકાશના ઉદયથી દુર થઇ જાય છે.શ્રી રામ કૃષ્ણ પરમહંસે કહ્યું છે “હું લોકોને કહું છું કે લાંબી સાધનાઓ કરવાની જરૂર નથી.આ નાની સરખી ગાયત્રીની સાધના કરી જુઓ.ગાયત્રીનો જપ કરવાથી મોટી સીધ્ધીઓ  મળી જાય છે .આ મન્ત્ર નાનો છે પણ એની શક્તિ મોટી છે.”સ્વામી વિવેકાનંદે ગાયત્રી મંત્રની મહત્તા દર્શાવતા તેને બધા જ  મંત્રનો મુગુટમણી (Crown of all Mantras) કહ્યો છે.ગાયત્રી મન્ત્ર એના ભક્ત માટે અભેદ્ય આધ્યાત્મિક કવચ છે. 

_____________________________________________________

ગાયત્રી મન્ત્ર ( વિડીયો પર )

અનુરાધા પોન્ડવાલ અને કવિતા પોન્ડવાલના સુરીલા કંઠે ગવાયેલ ગાયત્રી મન્ત્ર નીચેના યુ-ટ્યુબ વિડીયો ઉપર સાંભળીને ભક્તિરસમાં તરબોળ બનો.

ગાયત્રી મન્ત્ર

http://www.youtube.com/v/oJU-fHqMZhM?version=3&feature=player_detailpage

___________________________________________________________________

ગાયત્રી ચાલીસા ( વિડીયો ઉપર )

સુંદર સુર અને સંગીત મઢ્યો ,શ્રી ગાયત્રી માતાનાં ગુણ ગાન કરતો   આ યુ ટ્યુબનો વિડીયો માણો.

http://www.youtube.com/v/hsi-O1dwW_k?version=3&feature=player_detailpage

રોજ સવારે આપણે ગાયત્રી મંત્રનું રટણ કરી સૂર્ય પાસેથી શક્તિ મેળવી પ્રકાશમય થઈએ અને આપણી તમામ શક્તિ જગતના કલ્યાણ માટે ઉપયોગ કરીએ. 

____________________________________________________________

ગાયત્રી માતાની આરતી (વિડીયો )

આ વિડીયોમાં પંડિત શ્રી રામ શર્મા આચાર્યશ્રી દ્વારા લિખિત ગાયત્રી માતાની આરતી, ગાયત્રી પરિવાર હરદ્વાર (ભારત )નાં ભાઈ-બહેનો દ્વારા ગાવામાં આવી છે . હરદ્વાર મંદીરનાં દ્રશ્યો જોતાં જોતાં ભક્તિ ભાવથી આરતીનું ગાન સાંભળીને આધ્યાત્મિક આનંદ માણો. 

http://www.youtube.com/v/PbmbH0NWOSg?version=3&feature=player_detailpage

­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­____________________________________________________

 

     પ્રેરણામૂર્તી પંડિત શ્રી રામ શર્મા આચાર્ય

 

વિશ્વવ્યાપી ગાયત્રી પરિવારની પ્રેરણામૂર્તી    અને    તત્કાલીન સમાજમાં ક્રાંતિકારી અને યુગ પ્રવર્તક વિચારોનો પ્રચાર કરનાર પંડિત શ્રી રામ શર્મા આચાર્યના વિચારો ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયી છે.

લાખો લોકોને વૈદિક પરંપરા અને સંસ્કૃતિ માટે જાગૃત કરવા તથા સમાજમાંના નાતજાતના ભેદો ભૂલાવીને  સંસ્કાર ચિંતન માટે અથાગ પ્રયત્નો કરનારા વેદ મૂર્તિ પંડિતજી એક સ્વસ્થ,તંદુરસ્ત ભારતીય સમાજના ઘડતર માટે પ્રવચનો અને પુસ્તકોના માધ્યમથી એમના જીવનના અંત સુધી કાર્ય કરીને એમના આધ્યાત્મિક સંસ્કારનો વારસો એમના કરોડો અનુયાયીઓ માટે મૂકી ગયા છે.તેઓ એક મહાન વિચારક ,લેખક,ભારતની આઝાદીના લડવૈયા,સમાજ સુધારક તપોનિષ્ઠ યુગ ઋષિ તરીકે હંમેશા યાદ રહેશે.

આવા આદર્શ પ્રેરણા મૂર્તિ  પંડિત શ્રી રામ શર્મા આચાર્યની ૧૦૦ મી જન્મ જયંતી ૨૦૧૧-૨૦૧૨મા  ઉજવવામાં આવી રહી છે.આ પ્રસંગે એમના જીવનની પ્રવૃતિઓને આવરી લેતો એક સુંદર વિડીયો નીચેની યુ-ટ્યુબની લીંક ઉપર નિહાળી આ મહાન પુરુષને અંજલી અર્પીએ. 

A Tribute to Pt. Shriram Sharma Acharya on His Birth Centenary(1911-2012) 

http://www.youtube.com/v/n178QjCYNWc?version=3&feature=player_detailpage 

_____________________________________________________  

Postal Stamp in honour of Pt. Shri Ram Sharma

 

 

 

 

મેમોરીયલ ડે પ્રસંગે કોઈના લાડકવાયા સૈનિકોને સ્મરણાંજલિ

 

દેશ માટે યુદ્ધમાં જેઓએ પોતાનો જાન ન્યોછાવર કર્યો હોય એવા અમેરિકાના લશ્કરના પુરુષ તેમ જ સ્ત્રી સૈનિકોની યાદગીરીમાં દર વર્ષે  મે મહિનાના છેલ્લા સોમવારના દિવસને મેમોરીયલ ડે તરીકે સરકારી રાહે દેશમાં રજાના દિવસ તરીકે મનાવવામાં આવે છે. 

આ દિવસે મૃત સૈનિકોના કુટુંબીજનો દેશ માટે શહીદ થયેલ પોતાના પ્રિયજનની કબર ઉપર ફૂલો મૂકી એમને  માનપૂર્વક શ્રધાંજલિ અર્પે છે.સરકાર તરફથી અનેક કાર્યક્રમો યોજાય છે.દેશમાં રાષ્ટ્રીયતાની ભાવનાનાં દર્શન થાય છે.વિયેતનામ યુદ્ધમાં અમેરિકાના ૫૮૦૦૦ સૈનિકોએ પોતાના જાનની આહુતિ આપી હતી.હાલના ઈરાક અને અફગાનિસ્તાન યુદ્ધમાં આજદિન સુધી ૬૫૦૦ સૈનિકોએ દેશ માટે લડીને મરણને શરણ થયા છે. 

મેમોરીયલ ડે ના આજના દિવસે આજ સુધીમાં અમેરિકા તરફથી લડીને જાન આપી દેશનું ગૌરવ જાળવી અનોખી દેશ સેવા બજાવનાર તેમ જ શરીરના અંગોની હાનિ ભોગવીને આજે જીવી રહેલ સૌ સૈનિકોને માનપુર્વક યાદ કરી એમની દેશસેવાને અંજલિ આજની આ પોસ્ટમાં આપવામાં આવી છે.આપ સૌને એમાં જોડાવા  આમંત્રણ છે. 

                                                                                                                              —- વિનોદ આર. પટેલ 

____________________________________________________________________

                           

કોઈનો લાડકવાયો                

આજના દિવસે મને મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું એ ઝવેરચંદ મેઘાણી રચિત  બહું જ જાણીતું ગીત “કોઈનો લાડકવાયો”ની યાદ તાજી થાય છે,જેમાં દેશ માટે જાન આપનાર કોઈના લાડકવાયાને યાદ કરીને  હૃદયસ્પર્શી શબ્દોમાં કવિ દ્વારા અંજલિ આપવામાં આવી છે. .

મેઘાણીને ૧૯૩૦માં સાબરમતી જેલમાં ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધીએ Aa gitnaa Marie La Coste રચિત  Somebody’s Darling કાવ્ય વાંચી સંભળાવેલું જે એમને સ્પર્શી ગયું હતું.એ ગીત   પરથી તેમને કોઈનો લાડકવાયો ગીત રચવાની પ્રેરણા મળેલી.

શ્રી મેઘાણીએ મૂળ અંગ્રેજી ગીતનો સુંદર ભાવાનુવાદ કરી એક ચીર સ્મરણીય કાવ્યની એમણે ગુજરાતને ભેટ આપી છે.આજની પોસ્ટમાં નીચે એમનું ગુજરાતી ગીત તેમ જ મૂળ અંગ્રેજી ગીત પણ આપેલ છે .આ  કોઈનો લાડકવાયો ગીત હું જ્યારે હાઈસ્કુલમાં અભ્યાસ કરતો હતો ત્યારે મને બહું જ ગમતું હતું અને એક કાર્યક્રમમાં ગાયું પણ હતું.

                                        કોઈનો લાડકવાયો                              કવિ-ઝવેરચંદ મેઘાણી    

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે
કેસર-વરણી દેશસેવિકા કોમલ સેજ બિછાવે
ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી ગાવે

કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી
મુખથી ખમ્મા ખમ્મા કરતી
માથે કર મીઠો ધરતી

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને
શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાને
નિજ ગૌરવ કેરે ગાને
જખમી જન જાગે અભિમાને

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો
છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતેલો
અણપૂછયો અણપ્રીછેલો
કોઇનો અજાણ લાડીલો

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી
કોઇના લાડકવાયાની
ન કોઇએ ખબર પૂછાવી

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી
કોઇના લાડકવાયાની
આંખડી અમૃત નીતરતી

કોઈના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં
આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં
આતમ-દીપક ઓલાયા
ઓષ્ટનાં ગુલાબ કરમાયાં

કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો
હળવે એનાં હૈયા ઉપર કર-જોડામણ કરજો
પાસે ધૂપસળી ધરજો
કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરે
સહુ માતા ને ભગિની રે
ગોદ લેજો ધીરે ધીરે

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા
રે ! તમ ચુંબન ચોડાતાં
પામશે લાડકડો શાતા

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી
એની રક્ષા કાજે અહરનિશ પ્રભુને પાયે પડતી
ઉરની એકાંતે રડતી
વિજોગણ હશે દિનો ગણતી

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા
વસમાં વળામણાં દેતાં
બાથ ભીડી બે પળ લેતાં

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી
જોતી એની રૂધિર છલક્તી ગજગજ પ્હોળી છાતી
અધબીડ્યાં બારણિયાંમાંથી
રડી હશે કો આંખ બે રાતી

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે
કોઇના લાડકવાયાને
ચૂમે પાવકજ્વાલા મોઢે

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી
લખજો: ‘ખાક પડી આંહી
કોઈના લાડકવાયાની’

– ઝવેરચંદ મેઘાણી

SOMEBODY’S DARLING

Into the ward of the clean white-washed halls,
Where the dead slept and the dying lay;
Wounded by bayonets, sabres and balls,
Somebody’s darling was borne one day.

Somebody’s darling so young and so brave,
Wearing still on his sweet yet pale face
Soon to be hid in the dust of the grave,
The lingering light of his boyhood’s grace.

Somebody’s darling, somebody’s pride,
Who’ll tell his Mother where her boy died?

Matted and damp are his tresses of gold,
Kissing the snow of that fair young brow;
Pale are the lips of most delicate mould,
Somebody’s darling is dying now.

Back from his beautiful purple-veined brow,
Brush off the wandering waves of gold;
Cross his white hands on his broad bosom now,
Somebody’s darling is still and cold.

Give him a kiss, but for somebody’s sake,
Murmur a prayer for him, soft and low,
One little curl from his golden mates take,
Somebody’s they were once, you know,

Somebody’s warm hand has oft rested there,
Was it a Mother’s so soft and white?
Or have the lips of a sister, so fair,
Ever been bathed in their waves of light?

Somebody’s watching and waiting for him,
Yearning to hold him again to her breast;
Yet there he lies with his blue eyes so dim,
And purple, child-like lips half apart.

Tenderly bury the fair, unknown dead,
Pausing to drop on this grave a tear;
Carve on the wooden slab over his head,
“Somebody’s darling is slumbering here.”

– Marie Ravenal de la Coste

_______________________________________________

 

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ

 

શ્રી ઝવેરચંદ મેઘાણીનું આવું જ એક બીજું સુંદર ગીત-“હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ”છે.આ ગીતને ડાયરામાં લોક કલાકારો ગાતા હોય છે.જાણીતા કલાકાર ચેતન ગઢવીના સુરીલા કંઠે ભૈરવી રાગની તર્જ ઉપર આ ગીતને યુ-ટ્યુબ વિડીયોની નીચેની લીંક પર માણો અને શ્રી મેઘાણીની શબ્દ શક્તિને જાણો.

 

હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ–વિડીયો —-ગાયક-ચેતન ગઢવી 

                                                 સંકલન- વિનોદ આર.પટેલ   

___________________________________________________________________

 

    

(53) વાર્તા લેખક શ્રી આનંદરાવ લિંગાયતની બે સરસ વાર્તાઓનો રસાસ્વાદ

સને ૨૦૦૧ થી જેમની સાથે મારો અતુટ મૈત્રી સંબંધ બંધાયો છે ,એવા ૮૧ વર્ષની જૈફ ઉમરે પણ એક નવ યુવાન જેવી સ્ફૂર્તિ ધરાવતા,જાણીતા લેખક શ્રી આનંદરાવ લિંગાયતએ ઇન્ડો-અમેરિકનજીવનના તાણાવાણાને બાખૂબી રજુ કરતી ઘણી સુંદર વાર્તાઓ લખી છે,અને હજુ પણ એમના તંત્રી પદે ચાલતા ગુજરાતી સામયિક “ગુંજન “માં લખી રહ્યા છે.

શ્રી આનંદરાવ નો પરિચય એમની એક વાર્તા “હું ,કબીર અને મંગળદાસ“સાથે,આ અગાઉ મારી એક પોસ્ટમાં આપવામાં આવ્યો છે,એ પરિચયને અહીં વાંચો.

આજની પોસ્ટમાં,વાંચ્યા પછી મન ઉપર લાંબો સમય અસર છોડી જાય એવી એમની બે સુંદર વાર્તાઓ—

(1)શી ઉતાવળ છે ? અને (2 )કુંપળ ફૂટી મુકવામાં આવી છે.

 

મને આશા છે આપને આ વાર્તાઓ જરૂર માણવી  ગમશે.

સાન ડિયેગો,                                                             સંકલન—-   વિનોદ આર. પટેલ

________________________________________________

ફોટો સૌજન્ય -નેટ જગત

 

 

     શી ઉતાવળ છે ? (વાર્તા )              લેખક- શ્રી આનંદ રાવ લિંગાયત.

 હાર્ટ એટેકમાં પતિનું ઓચિંતું અવસાન થતાં પચાસ વર્ષની ઉમરનાં શુશીલાબેને ધંધાની અને ઘરની જવાબદારી 

માથે ઉપાડી લીધી.એમની એકની એક દીકરીએ માતાના દુઃખમાં સધિયારો આપ્યો અને એમની માંદગીમાં

 માતાની સેવા કરી.શુશીલાબેનની તબિયત એ ક મિત્રની સલાહથી સુધારો થયો.પુત્રીના નામે મિલકત કર્યા પછી ,

પોતાની દીકરી પણ સ્વાર્થથી બાકાત નથી એ જાણી ગયેલ , જમાનાને બરાબર પચાવી ગયેલાં  શુશીલાબેને 

શું નિર્ણય લીધો,  એની રસપ્રદ વાર્તા, નીચેની પી.ડી .એફ ફાઈલ ખોલીને વિગતે વાંચો .        

શી ઉતાવળ છે-વાર્તા- આનંદરાવ લિંગાયત

_____________________________________________________________

                     કુંપળ ફૂટી  (વાર્તા )                                           લેખક -શ્રી આનંદ રાવ લિંગાયત 

   

Photo- Thanks to Net

Photo- Thanks to Net

              લેખકના પુસ્તક ” કંકુ ખર્યું ” માંથી આ વાર્તા લેવામાં આવી છે.

અમેરિકામાં રહેતા દીકરા સાથે રહેતાં વૃદ્ધ ઉંમરનાં ચમ્પાબા બહુ ભણેલાં નથી   પણ

 ગજબની હૈયા સૂઝ ધરાવે છે.વિધવા ચંપાબેનના મનનાં સંવેદનો સરસ રીતે લેખકે રજુ

 કર્યાં છે.  અમેરિકામાં રહીને એમનામાં અચંબો પમાડે એવા બદલાવને દર્શાવતી આ

વાર્તા વાચકના મન ઉપર ઊંડી અસર મૂકી જાય છે.

આ વાર્તાને સ્વ.હરીન્દ્ર દવે એ જન્મ ભૂમિ પ્રવાસીમાં છાપીને લેખકને પત્રમાં લખ્યું હતું

 “આનંદરાવ, તમારી વાર્તા આંખ ભીંજવી ગઈ .”

આવી માતબર દરજ્જાની વાર્તા ” કુંપળ ફૂટી ” વાંચવા માટે નીચે ક્લિક કરવા વિનંતી છે.

કુંપળ ફૂટી -લેખક આનંદરાવ લીંગાયત

_______________________________________________________      

હ્યુસ્ટન રહેતા મિત્ર શ્રી ભીખુભાઈ મિસ્ત્રીએ એમની ઈ-મેલમાં શ્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ થી આપેલ

પ્રવચનની લીંક મોકલી આપી એ બદલ એમનો આભાર . 

 

                      Shri Narendra Modi addressed NRIs across 12 cities in USA

                                              through video conferencing

 

 

_______________________________________________________________________________________

(52)મારી સ્વ-રચિત અછાંદશ કાવ્ય રચના– ટર્મિનસ– વિનોદ પટેલ -મારી નોધ પોથીમાથી-નવનીત

હું હાઈસ્કુલમાં અભ્યાસ કરતો હતો એ વખતથી જ મને ઉમાશંકર જોશી,સુન્દરમ ,સ્નેહરશ્મિ જેવા કવિઓનો

અને એમના કાવ્યોનો પરિચય ગમવા માંડેલો .એ બધાની અસર નીચે એ વખતથી જ કાવ્ય રચવા માટે

હાથ અજમાવેલો.મને કાવ્ય માટે કોઈ કલ્પના આવે કે તરત જ હું નોટબુકમાં ટપકાવી લેતો .પરિણામે આજ

સુધીમાં આવા ઘણાં કાવ્યો મારી નોટબુકમાં સંગ્રહિત થઈને પડેલા છે.

આજે આ નોટ બુક નજરે પડતા એમાંની એક અછાંદશ કાવ્ય રચના-ટર્મિનસ આજની પોસ્ટમાં મેં મૂકી છે.

મને આશા છે આપને એ ગમશે. આ રીતે અવાર નવાર આ નોટ બુકમાંથી કાવ્ય રચનાઓ વિનોદ વિહાર

બ્લોગમાં રજુ કરવામાં આવશે.

                                                                                                             વિનોદ આર. પટેલ

___________________________________________________________

 ટર્મિનસ

 

ધસમસતી રેલ ગાડીની બારીમાંથી

 

નજરે પડી રહ્યાં અવનવાં દ્રશ્યો,

 

લીલી વનરાજી,મકાનો અને માનવો,

 

સૌ સૌની ધૂનમાં જ વ્યસ્ત,

 

દોડી રહ્યાં રોજી રોટી કમાવાના ચક્કરમાં.

 

 

રેલ ડબાની અંદર જનસમૂહ વચ્ચે,

અવનવા વિચારોમાં ખોવાયો હતો ત્યાં,

 

બારીમાંથી આવતી ઠંડા પવનની અસરે,

 

ક્યારે ઝોકે ચડી ગયો,કંઇ જ ખબર ન પડી.

 

બાજુ બેઠેલ સાથીએ ઢંઢોળી કહ્યું :

 

“ ઉઠ, મિત્ર આપણું ટર્મિનસ આવી ગયું ! 

 

 

આપણી આ જિંદગીની ગાડીમાં ,

 

જીવન પ્રવાસને અંતે,

 

ટર્મિનસ આવતાં આપણે પણ ,

રંગ બેરંગી દ્રશ્યોની વણઝારમાંથી પસાર થઈને,

 

ગાડીમાંથી ઉતરી જ જવું પડે છે ,

 

આગલા પ્રવાસ માટે !

 

અને નવા પ્રવાસીને જગા આપવા માટે !

 

સ્ટેશને સ્ટેશને ,

 

પ્રવાસીઓ ગાડીમાં ચડતા જ રહેવાના,

 

પ્રવાસીઓ ઉતરતા જ રહેવાના,

 

સંસારની ગાડી તો બસ ચાલતી જ રહેવાની.

 

રચના –  વિનોદ આર. પટેલ

________________________________

(51) સમય અને જીવનનું ચક્ર ચાલતું જ રહે છે -સમયની કિંમતને ઓળખીએ .

ગુજરાતના લોકપ્રિય લેખક અને વિચારક શ્રી ગુણવંત શાહનો મને ગમતો એક પ્રેરક લેખ “રોજ આપણા હાથમાંથી જીવન છટકી જાય છે “અને મારો એક લેખ “સમયની કિંમત ” આજની પોસ્ટમાં મુકવામાં આવ્યો છે.

પોસ્ટના અંતે “સમય કા પહિયા ચલતા હૈ “એ નામનો સુંદર સંગીત અને ગાયક હરિહરનના મધુર કંઠે ગવાયેલ ગીતનો એક વિડીયો પણ મુક્યો છે.મને આશા છે આપને એ જરૂર ગમશે .

સમય સમય બલવાન હૈ , નહી મનુષ્ય બલવાન,
કાબે અર્જુન લૂંટીયો ,વોહી ધનુષ વોહી બાન .

TIME AND TIDE WAIT FOR NONE.
— વિનોદ પટેલ  ___________________________________

રોજ આપણા હાથમાંથી જીવન છટકી જાય છે ..                            લેખક –શ્રી ગુણવંત શાહ

દમયંતીના હાથમાંથી ચાલી જતી માછલીની માફક રોજ આપણી ભીતર પડેલી શક્યતાઓ આપણને છોડીને અદ્રશ્ય થાય છે.જ્યાં જ્યાં સત્યનો પક્ષ લેવા માટે બે શબ્દો બોલવાનો મોકો મળ્યો ત્યારે આપણે મૂંગા મર્યા!જ્યાં એક હકીકત પ્રગટ કરવાથી કોઇ એકલા પડી ગયેલા સાચા માણસને ટેકો કરવાની તક હતી ત્યારે આપણે આપણા કપટયુક્ત મૌન દ્વારા કોઇ બદમાશને મદદ પહોંચાડી!આવું કરતી વખતે આપણે આપણા માંહ્યલાની હત્યા કરતા રહ્યા અને રૂપાળા દેખાવાની મજા માણતા રહ્યા! શિક્ષણ દ્વારા અજ્ઞાન દૂર થાય, પરંતુ મૂર્ખતા દૂર નથી થતી. જીવનનું એક વિચિત્ર સત્ય એ છે કે મૂર્ખતા કદી પીડાદાયક નથી હોતી.

માણસને મૂર્ખતા અત્યંત વહાલી હોય છે તેનું રહસ્ય એ જ કે મૂર્ખતા રાહત પણ આપે છે.મૂર્ખતાનો માલિક એક એવા નશામાં હોય છે, જે નશો એને જ્ઞાન દ્વારા મળનારી પીડામાંથી બચાવી લે છે. સેમ્યુઅલ બેકેટના વિખ્યાત નાટક ‘વેઇટિંગ ફોર ગોદો’માં સાંભળવા મળતું એક વિધાન છે,‘દુનિયામાં આંસુ કદી ખૂટતાં નથી.એ નિરંતર વહે છે.ક્યાંક કોઇ રડવાનું બંધ કરે,ત્યાં તો બીજે કશેક રડવાનું શરૂ થઇ જાય છે.’મૂર્ખતા સુખદાયિની છે!જીવન તળાવ જેવું અપ્રવાહી કે ‘સ્થાનકવાસી’નથી હોતું. એ તો પ્રતિક્ષણ ગતિશીલ હોય છે. ગતિ એ જ તો પરિવર્તનનું ચારિત્ર્ય છે!વહેવું અને સતત વહેવું એ નદીનું શીલ છે.ગીતામાં સાગરને ‘અચલપ્રતિષ્ઠ’ કહ્યો છે. જે ધ્યેય હોય તે સ્થિર હોય તો જ ત્યાં સુધી પહોંચીને પામી શકાય.આપણા ઘણાખરા ઉપદ્રવો કાયમીપણાની ભ્રમણાનાં ફરજંદો છે. સાગર ‘અચલપ્રતિષ્ઠ’ છે તેથી તો નદી સાગર ભણી વહી શકે છે. સાગર એ જ નદીનું ગંતવ્ય છે. જીવનને અસ્ખલિત પ્રવાહ સ્વરૂપે જોવામાં બધા આધ્યાત્મનો સાર આવી જાય છે.એક જ બાબત કાયમી છે અને તે છે કાયમીપણાનો અભાવ!આવી સમજણ આપણને હળવા બનવાની છુટ આપે છે.જે હળવો નથી તે સાધુ નથી. જેનું સ્મિત કરમાઇ જાય તેની સાધુતા કરમાઇ જાય છે.

વર્ષો પહેલાં વિનોબાએ કોઇ સ્વાર્થી માણસને સંભળાવેલું, ‘ફાયદે સે ક્યા ફાયદા?’ જે મનુષ્ય ભારેખમ જણાય તેને ચિંતક કહેવાની ભૂલ ન કરશો.અધ્યાત્મને ઘુવડગંભીરતા સાથે કોઇ લેવાદેવા નથી.સતત યાદ રાખવાનું છે કે આપણને ગીતાનો ઉપદેશ એક એવા યોગેશ્વરે આપ્યો છે,જેમણે રાસલીલા પણ કરી હતી અને માખણચોરી પણ કરી હતી.કૃષ્ણના સ્મિતનો જાદુ આજે પણ ઓસર્યો નથી.આજની નવી પેઢીનો ભગવાન પણ નૃત્યપ્રિય, સ્મિતપ્રિય અને આનંદપ્રિય હોવાનો.જેનું મોં ગંભીરતાને કારણે બેડોળ બની ગયું હોય એવા ચિંતકથી દસ કિલોમીટર છેટા રહેવામાં જ લાભ છે.આપણો સમાજ બહુમતી નામના બુલડોઝરનો ગુલામ છે.ઘણાખરા લોકો જે માને તે સાચું માનવામાં સલામતી રહેલી છે.આવી ગુલામીને કારણે જ સદીઓ સુધી સતીપ્રથા ચાલુ રહી શકી.આટલી ક્રૂર પરંપરાને ધર્મની ઓથ સાંપડી તેથી ‘ધર્મ’શબ્દ ઝંખવાણો પડ્યો.એ જ પ્રમાણે અસ્પૃશ્યતા જેવી અમાનવીય પ્રથાને પણ ધર્મની ઓથ સાંપડી.

સાને ગુરુજી જેવા સાધુપુરુષે પ્રશ્ન કર્યો,‘અદ્વૈત અને અસ્પૃશ્યતા વચ્ચે મેળ બેસે ખરો?’સતીપ્રથા સામે બુલંદ અવાજ ઉઠાવનાર રાજા રામમોહનરાયની ભાભીને બળજબરીથી સતી થવાની ફરજ પડી ત્યારે રાજા રામમોહનરાયની ચેતના જાગી ઊઠી.બહુમતી એટલે શું?જવાબ છે:હિંમતવાળો એક માણસ એટલે બહુમતી. નોઆખલીમાં ગાંધીજી એકલા ગયા તોય બહુમતીમાં જ હતા.માણસ ભલે એકલો હોય,પરંતુ સત્ય જ્યારે બાજુમાં ઊભેલું હોય ત્યારે સંખ્યા ગૌણ બની જાય છે.એકલા જણાતા માણસ પાસે ઊભેલું સત્ય સ્થૂળ આંખે દેખાતું નથી.

 કોઇ પણ જાતના સ્વાર્થ વિના પોતાને જડેલા સત્યનો ઉપાડો લેતી વખતે માણસ એકલો હોય છે એવો ભ્રમ ખંખેરી કાઢવા જેવો છે.એ માણસની પાસે ઊભેલા સત્યદેવતા અન્યની નજરે ન પડે તેથી શું?ઐતરેય ઉપનિષદમાં દેવોને ‘પરોક્ષપ્રિયા:’ કહ્યા છે. સત્યના દેવને પણ અપ્રત્યક્ષ રહીને પોતાનું કર્તવ્ય બજાવવાનું ગમે છે. રોજ આપણા હાથમાંથી જીવન નામની જણસ છટકી જાય છે. દમયંતીના હાથમાંથી ચાલી જતી માછલીની માફક રોજ આપણી ભીતર પડેલી શક્યતાઓ આપણને છોડીને અદ્રશ્ય થાય છે.

 જ્યાં જ્યાં સત્યનો પક્ષ લેવા માટે બે શબ્દો બોલવાનો મોકો મળ્યો ત્યારે આપણે મૂંગા મર્યા! જ્યાં એક હકીકત પ્રગટ કરવાથી કોઇ એકલા પડી ગયેલા સાચા માણસને ટેકો કરવાની તક હતી ત્યારે આપણે આપણા કપટયુક્ત મૌૈન દ્વારા કોઇ બદમાશને મદદ પહોંચાડી!આપણે આપણી મુત્સદ્દીગીરીને અકબંધ રાખી અને ગોટાળામય વાક્યો બોલીને અસત્યને વહેતું મેલ્યું!આવું કરતી વખતે આપણે આપણા માંહ્યલાની હત્યા કરતા રહ્યા અને રૂપાળા દેખાવાની મજા માણતા રહ્યા! તમે આવા રૂપાળા માણસને મળ્યા છો? એ માણસ અંદરથી મરી ચૂકયો હોય છે.એ માણસ ક્યારેક તમારી પ્રશંસા કરે,તોય હરખાશો નહીં.જો તમે એની જુઠી પ્રશંસાથી હરખાઇ જશો, તો તમારે એની જુઠી નિંદાથી દુ:ખી થવું જ પડશે. આવો કોઇ બનાવટી બદમાશ તમારી નજીક આવી પહોંચે, તો મોં પર રૂમાલ દબાવીને દૂર ચાલી જજો.

તુલસીદાસની શિખામણ સતત યાદ રાખવા જેવી છે.‘અસંતથી દૂર ભાગો.’ કોઇ ‘અસંત’ ઘરે મળવા આવે ત્યારે શું કરવું?એ જેટલો વખત બેસે તેટલો વખત પૂરી જાગૃતિ સાથે એની વાતો સાંભળી લેવી અને એ જાય કે તરત બાથરૂમમાં ચાલી જવું. બાથરૂમ સ્વચ્છતાદેવીનું મંદિર છે. એક બાબત સમજી લેવા જેવી છે. તમે જો થોડાક સાચાબોલા હો અને વળી આત્મવિશ્વાસથી ભરેલા હો,તો આસપાસના ઘણા લોકોને તમે દુ:ખી કરતા હો છો.સમાજના ઘણાખરા લોકોમાં આત્મવિશ્વાસ અને આત્મગૌરવનો અભાવ હોય છે. સરેરાશપણું (એવરેજનેસ)તેમનું રક્ષાકવચ બની જાય છે.સરેરાશ સામાન્યતા એમને નિંદાકૂથલી અને ઇષ્ર્યાનાં આક્રમણોથી બચાવી લે છે.એવી સરેરાશમૂલક સલામતી એમને જબરી નિરાંત આપે છે.નિરાંતનો પણ એક નશો હોય છે.નશાની શોધના મૂળમાં પણ નિરાંત પામવાની ઝંખના રહેલી છે.

આપણા સમાજમાં જે ઘણાખરા લોકોને માન્ય હોય,તેવી જીવનશૈલી રાખવામાં નિરાંત રહે છે.અમારા ગામના ફળિયામાં અડધી સદી પહેલાં એક સુંદર સ્ત્રી રહેતી હતી જે ઘરમાં બેસીને હાર્મોનિયમ વગાડતી.એ બિચારી હાર્મોનિયમ વગાડતી ત્યારે ફળિયાની સ્ત્રીઓ નિંદાકૂથલીનાં ઢોલકાં વગાડતી!(એ સ્ત્રી ગૌરવભેર આજે પણ રાંદેરમાં જીવે છે.)જરાક જુદી રીતે જીવનાર મનુષ્યને શત્રુઓ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન નથી કરવો પડતો. જે વ્યક્તિ તોતડી હોય તેને જ સમજાય છે કે આત્મવિશ્વાસ જાળવી રાખવાનું કામ કેટલું મુશ્કેલ છે.લોકો એની મશ્કરી ઉડાવે છે.કેટલાક લોકો પ્રશ્નો પૂછીને એની પાસે અઘરા શબ્દો બોલાવડાવે છે,જેથી તોતડું બોલનાર અપમાનિત થાય. સમાજ સતત કોઇનો આત્મવિશ્વાસ ખતમ થાય તેની પેરવી કરતો રહે છે.

માનશો?સ્વરાજ મળ્યું પછીના દાયકામાં લોકશાહી ઢબે ચૂંટાયેલી પ્રથમ સામ્યવાદી સરકારના મુખ્યપ્રધાન (કેરાલાના) ઇ.એમ.એસ. નમ્બૂદ્રિપાદ તોતડા હતા. તેમને કોઇએ પૂછ્યું, ‘શું તમે કાયમ તોતડાવ છો?’ જવાબમાં એ નેતાએ આત્મવિશ્વાસ સાથે કહ્યું, ‘ના, ફક્ત બોલું ત્યારે જ.’ જીવનના એક તબક્કે અભિનેતા હૃતિક રોશન તોતડો હતો.ક્રિકેટર વેંગસરકર પણ નાનપણમાં તોતડું બોલનારા હતા.એવું જ પોતાના સુંદર અવાજ માટે વખણાતાં અભિનેતા રઝા મુરાદ માટે પણ કહી શકાય.આત્મવિશ્વાસ વિનાનું જીવન એ પાર્ટટાઇમ મૃત્યુ છે. આત્મગૌરવ વિનાનું જીવન એ ફુલટાઇમ મૃત્યુ છે.આત્મવિશ્વાસના પાયામાં સત્ય રહેલું હોય,તો એક એવી શક્તિનું નિર્માણ થાય છે,જે ગાંધીજી પાસે હતી.પૃથ્વી પર ક્યારેય આટલી દુર્બળ કાયામાં આટલો પ્રબળ આત્મવિશ્વાસ વસ્યો હશે ખરો?

 પાઘડીનો વળ છેડે

 તમે ગંભીર હોવાનો

ડોળ કરી શકો છો,

 પરંતુ તમે હસમુખા હોવાનો

ડોળ કરી શકતા નથી- સાચા ગુત્રી

( સાભાર- દિવ્ય ભાસ્કર –તા-માર્ચ,૨૭,૨૦૧૧ )

શ્રી ગુણવંત શાહનો પરિચય 

શ્રી ગુવંત શાહનો પરિચય વાંચવા માટે અહીં ક્લિક કરશો.

__________________________________________________________ 

Time Flies , moment by moment

અમદાવાદથી પ્રગટ થતા ધરતી માસિકમાં જુન 2006 માં પ્રગટ થયેલો મારો એક લેખ ” સમયની કિંમત “

નીચેની પી.ડી.એફ. ફાઈલ  ઓપન કરી  વાંચવા માટે વિનંતી છે.

 સમયની કિંમત-  લેખક વિનોદ પટેલ

____________________________________________

સદા એને  ય સહરામાં પડી  રહેવું  નથી  ગમતું
કદી  વંટોળની  વાટે  વિહરતી  હોય   છે   રેતી

દિવસ ને રાત સૌ ‘બેફામ’ છે  પળનાં  પરિવર્તન
સમયના   ફેરફારે   માત્ર  ફરતી  હોય  છે  રેતી

-બરકત વિરાણી ‘બેફામ’

____________________________________________________

સમય કા પહિયા ચલતા હૈ (વિડીયો દર્શન ) 

આજની સમય વિષયની પોસ્ટને અનુરૂપ  હરીહરન -સુખવિંદર સિંગના મધુર કંઠે ગવાયેલ, જાવેદ અખ્તર રચિત, ભૂતનાથ ફિલ્મનું ગીત નીચેની યુ-ટ્યુબની લિંક પર માણો .

Samay ka pahiya chalta hai

http://www.youtube.com/v/bqwb09bv0kA?version=3&feature=player_detailpage

_________________________________________________

મધર્સ ડે – માતૃ સ્મૃતિ અને માતૃ વંદનાનો દિવસ

માતુશ્રી શાંતાબેન અને પિતાશ્રી રેવાભાઈ પટેલ

દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવાતો હોય છે.આ દિવસે સંતાનો પોતાની પ્રિય માતાને યાદ કરે છે અને અવનવા ગ્રીટિંગ કાર્ડ તેમ જ એને ગમતી કોઈ ભેટ-સોગાદ ખરીદીને આપવાનો રીવાજ છે.અન્ય પ્રકારે પણ આ દિવસે સંતાનો માતા પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.

મધર્સ ડે નો ટૂંકો ઇતિહાસ

મધર્સ ડે નો ટૂંકમાં ઇતિહાસ એવો છે કે ૧૯૦૯ની સાલમાં ૯મી મેના દિવસે અમેરિકાની મિસ એના જાર્વીસે જ્યારે એની વ્હાલી માંદી માતા ઘણાં વર્ષ પથારીવશ રહ્યા પછી મૃત્યું પામી ત્યારે મનમાં નક્કી કર્યું કે હું એવું કંઇક કરું કે આખું વિશ્વ મારી માતાને યાદ કરે .એના આ વિચારને સમર્થન મેળવવાના એના અથાક પ્રયત્નો પછી ૧૯૧૩માં સૌ પ્રથમ વાર પેન્સીલ્વેનીયા સ્ટેટમાં મધર્સ ડે ઉજવાયો હતો.૧૯૧૪માં અમેરિકાના એ વખતના પ્રમુખ વુડ્રો વિલ્સને મે મહિનાની ૯મી તારીખે કાયદો પસાર કરી દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે નેશનલ મધર્સ ડે તરીકે ઉજવવા માટે કાયદેસર રીતે જાહેરાત બહાર પાડી હતી .ત્યારથી સમગ્ર અમેરિકામાં આ તારીખે મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે.ભારતમાં પણ હવે મધર્સ ડે ની ઉજવણી શરુ થઇ ચુકી છે.

ગુજરાતી સાહિત્યમાં સૌથી નાનો પણ સૌથી સુંદર શબ્દ જો કોઈ હોય તો એ છે “મા“.આ શબ્દમાં કેટલા અર્થ સમાયા છે !સ્વ.હરીન્દ્ર દવે એ સરસ કહ્યું છે.”મા કદી મરતી નથી.મા નો દેહ ન હોય ત્યારે એનું વ્હાલ હવાના કણમાં વીખરાઈને આલિંગન આપે છે.જેને પત્ર ન લખ્યો હોય છતાં જેની આંખોમાં લખવા ધારેલા પત્રનો જવાબ વંચાય તે મા.”મા શોકમાં આશ્વાસન છે,દુઃખ અને દુર્બળતામાં એ આપણી આશા અને શક્તિપુંજ છે.પ્રેમ,કરુણા,સહાનુભૂતિ અને ક્ષમાશીલતાનો ઝરો છે.શિવાજીની માતા જીજીબાઈ અને મોહનદાસ ગાંધીની માતા પુતળીબાઈની જેમ દરેક માતા પોતાના સંતાનના જીવનમાં સંસ્કારોનું સિંચન કરીને અવિસ્મરણીય ભાગ ભજવતી હોય છે.

આ મધર્સ ડે પ્રસંગે ત્યાગ,પ્રેમ અને સહનશીલતાની મૂર્તિ સમાં મારાં માતા સ્વ.શાંતાબેન,જેઓને અમે સાત ભાઈ-બહેનો “અમ્મા”એ નામથી સંબોધન કરતાં હતાં,એમના પ્રેરક જીવનની ઝાંખી કરાવતા નીચેના લેખ અને “માતૃ વંદના “નામના મારા એક સ્વ-રચિત કાવ્ય દ્વારા એમને આજની આ પોસ્ટમાં સ્મરણાંજલિ આપવામાં આવી છે.મને આશા છે આપને આજની આ પોસ્ટ ગમશે.  

વિનોદ વિહારના સૌ વાચકોને HAPPY MOTHER’S DAY

                                      ——  વિનોદ આર.પટેલ

_____________________________________________________

મારાં માતુશ્રી સ્વ. શાંતાબેન રેવાભાઈ પટેલ ( અમ્મા )

મારાં માતા સ્વ.શાંતાબેનનો જન્મ ૧૯૧૭માં રંગુન (બર્મા)માં થયો હતો.એમના પિતા ભગવાનદાસ પટેલ એમના વતનના ગામ ઘુમાસણમાંથી પિતાનો માર પડતાં ઘેરથી ભાગી જઈને કલકત્તાથી રંગુન જતી સ્ટીમરમાં બેસી રંગુન પહોંચી ગયેલા .રંગુનમાં શરૂમાં ખુબ મહેનત કરી, કાળક્રમે પોતની સુઝ અને આવડતથી ત્યાંનાં ત્રણ મોટાં શહેરોમાં  ભાગીદારી પેઢીઓ સ્થાપી વેપારમાં સારું કમાઈને રંગુનના બાબુ તરીકે પંકાયેલા. મારાં માતુશ્રીનું બાળપણ અને યુવાનીના વરસો પિતાના વૈભવમાં ખુબ સુખમાં વિત્યાં હતાં.એમણે મને કહેલું, તેઓ ઘોડા જોતરેલી બગીમાં શાળામાં જતાં અને અભ્યાસ ઉપરાંત સંગીત અને નૃત્યનું પણ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.મારા પિતાશ્રી રેવાભાઈ કડીની છગનભાએ નવી સ્થાપેલી સંસ્થામાંથી અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ પ્રાપ્ત કરીને રંગુનમાં આવીને મારા દાદા ભગવાનદાસના ધંધાના કામકાજમાં જોડાયા હતા.એ વખતના રીવાજ પ્રમાણે માતાનાં લગ્ન ૧૫ વર્ષની નાની ઉમરે થયાં હતાં.મારો જન્મ સને ૧૯૩૭માં રંગુનમાં થયો હતો.

આમ રંગુનમાં સારી રીતે સ્થાયી થઈને કુટુંબીજનોનું જીવન આનંદ અને સુખના માહોલમાં પસાર થઇ રહ્યું હતું એવામાં ૧૯૪૧ના બીજા વિશ્વ યુદ્ધ વખતે જાપાને બર્મા ઉપર ભારે બોમ્બમારો ચાલું કર્યો .આ ભયયુકત વાતાવરણમાં ગુજરાતીઓ જીવ બચાવવા રંગુન છોડીને જે હાથમાં આવ્યું એ હાથવગું કરીને સ્ટીમરમાં કે એ જો ન મળે તો જંગલોમાં પગે ચાલીને કલકત્તા આવી વતનમાં પહોંચી ગયાં હતાં. મારાં માતા-પિતા અને દાદા પણ મને અને ત્યાં જન્મેલી મારી એક નાની બેન શુશીલાને લઈને સ્થાવર મિલકતો ત્યાં જ મુકીને જીવ બચાવી અમારા વતનના ગામ ડાંગરવા રહેવા આવી ગયાં હતાં.કહેવત છે ને કે ધરતીનો છેડો ઘર!

ગામમાં અમારા કુટુંબનો નિર્વાહ માટેનો વ્યવસાય ખેતીવાડીનો હતો.રંગુનમાં સુખમાં ઉછરેલાં મારાં માતાએ નોકરો પાસે ઘરકામ કરાવેલું એમને અહીં ગામમાં ઘરનું તેમ જ થોડા સમય પછી ખેતરનું પણ કામકાજ જાતે કરવાનું થયું .આમ છતાં નવા ગ્રામ્ય વાતાવરણમાં એમની જિંદગીના પલટાયેલા સંજોગો સાથે એમણે મનથી સમાધાન કરી લીધું.એકવાર એમણે મને કહેલું કે રંગુનમાં દુધ ક્યાંથી અને કેવી રીતે આવે છે એનો કદી વિચાર પણ એમણે કર્યો ન હતો એની જગ્યાએ કુટુંબના નિર્વાહ માટે ઘરના આંગણે બે ભેંસો રાખી એટલું જ નહીં ભેંસો માટે ખેતરમાંથી ઘાસચારો તેમ જ ભાગોળે ઉકરડે છાણ નાખવા જવા જેવી અન્ય શારીરિક મહેનત પડે એવા કામકાજથી પણ ટેવાઈ જવું પડ્યું.શરૂઆતના દિવસોમાં ભેંસો દોહવાનું કે ખેતરમાં જઈને શેઢા ઉપરથી ઘાસ કાપી લાવવાનું કામ ફાવે નહીં એટલે મહોલ્લા ના લોકો રંગુનની લેડી એમ કહીને મશ્કરી પણ કરતાં હતાં.આ બધું દુખ હસતાં મુખે સહન કરીને એમના મળતાવડા સ્વભાવની ખાસિયતથી એ થોડા વખતમાં જ બધાનાં પ્રીતિ પાત્ર બની ગયાં હતાં.

મારાં માતા-પિતા રંગુનથી મારે ગામ આવ્યાં ત્યારે હું ચાર વર્ષનો બાળક હતો.કમનશીબે નવા વાતાવરણમાં હું પોલીયોના વાયરસમાં સપડાયો   અને બાળ લકવાથી મારો જમણો હાથ અને ડાબો પગ અશક્ત બની ગયાં.ડોક્ટરની સારવાર અને માતા પિતાની કાળજીથી હું ચાલતો તો થયો પરંતુ શારીરિક ક્ષતિ કાયમ રહી ગઈ.મારા દેખાવડા દીકરાને અચાનક આ શું થઇ ગયું અને આવી સ્થિતિમાં એનું ભવિષ્ય કેવું જશે એની ચિંતાથી મારાં માતાને દિલમાં મોટો આઘાત લાગ્યો હતો .નવા જ વાતાવરણમાં ઘર ચલાવવાની ચિંતાઓ તો હતી જ ત્યાં આ નવી માનસિક  ચિંતાની એમના  શરીર ઉપર અસર થઇ.એમને દમ અને હિસ્ટીરિયાનો રોગ લાગુ પડ્યો.કોઈવાર ખેતરમાં ઘાસ લેવા ગયાં હોય ત્યારે હિસ્ટીરિયાના હુમલામાં બેભાન થઈને નીચે પડી જતાં અને ખેંચ આવતી એ સમયે કુટુંબીજનો દોડી આવી ડુંગળી કે બાળેલું રું સુંઘાડીને એમને ભાનમાં લાવી ઘેર લઇ આવતાં .ઘરમાં પણ આવું અવારનવાર બનતું હતું જે જોઈને હું અને નાની બેનો ડઘાઈ જતાં .

મારા પિતાશ્રીને ખેતીવાડીનું કામકાજ આવડે અને ફાવે નહીં એટલે દાદા શિવદાસની ગામમાં કાપડની દુકાન એ સંભાળતા અને સાથે સાથે ,કાલાં  કપાસ તથા મરચાંના સીઝનલ ધંધા ભાગીદારીમાં કરતા અને એમ વસ્તારી કુટુંબનો નીભાવ સારી રીતે ચાલતો હતો.પરંતુ થોડા વરસો પછી ધંધામાં ખોટ આવી.ગામમાં ઉઘરાણી ડૂબવા લાગી.ચાર દીકરા અને ત્રણ દીકરીઓના વસ્તારી કુટુંબના ભરણ પોષણ અને સંતાનોના શિક્ષણ ખર્ચ માટે મુશ્કેલીના દિવસો જોવાના આવ્યા.આવા વિપરીત સંજોગોમાં  પિતાને મારાં માતા અને ત્રણ નાના દીકરાઓ અને પુત્રીઓને ગામમાં  મુકીને એકલા અમદાવાદની નજીક કઠવાડામાં મેઈઝ પ્રોડક્ટ્સમાં  કારકુનની નોકરી કરવા જવું પડ્યું.

આવા મુશ્કેલીના સમયે હિમ્મત ગુમાવ્યા વગર મારી માતાએ ગામમાં રહ્યાં રહ્યાં વસ્તારી કુટુંબની જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી અને ખેતી તથા ભેંસોના દુધની આવકમાંથી કુટુંબનો નિર્વાહ ચલાવતાં  રહ્યાં.મારાં માતા પોતે સુશિક્ષિત અને કેળવાયેલાં હોઈ એમણે પોતાના સંતાનોમાં ઉમદા સંસ્કારોનું સિંચન કર્યું હતું.તેઓનુ પરિશ્રમી ત્યાગપૂર્ણ જીવન એક જીવતી જાગતી સંસ્થા જેવું હતું.મારાથી નાની ત્રણે ય દીકરીઓને કાળક્રમે સાસરે વળાવી એ પહેલાં એમને રસોઈ તથા આદર્શ ગૃહિણી બનવાની બધી તાલીમ પૂરી પાડી હતી.

આ સમય દરમ્યાન ,બી.કોમની પરીક્ષા પછી મને પણ કઠવાડામાં જ બીજી એક નવી સ્થાપાઈ રહેલ ફેક્ટરી સેલ્યુલોઝ પ્રોડક્ટ્સમાં જોબ મળી જતાં મારાથી ત્રણ નાના ભાઈઓને લઈને મારાં માતા કમ્પનીએ મને રહેવા આપેલ ક્વાટર્સ જ્યાં હું અને પિતા એકલા રહેતા હતા ત્યાં અમારી સાથે રહેવા આવી ગયાં હતાં.

કઠવાડામાં આવીને એમણે ઘરની જવાબદારી ફરી ઉપાડી લીધી.મારા ત્રણ નાના ભાઈઓના હાઈસ્કુલનો અભ્યાસ સારી રીતે પુરો  કરાવવા માટે મારી અને પિતાની સાથે રહીને મોટો ફાળો આપ્યો હતો.આ પછી આ ત્રણેય ભાઈઓ કોલેજનો અભ્યાસ પુરો કરી એક પછી એક અમેરિકા આવી ગયા.અહીં મહેનત કરી એન્જીનીયરીંગમાં ગ્રેજ્યુએટ થયા ,કમાવા લાગ્યા.કુટુંબની આવકમાં વધારો થતાં,ભાડાના મકાનને બદલે ,અમદાવાદ  નારણપુરાની શંકર સોસાયટીમાં ઘરનું ઘર થતાં મારાં માતા પિતાને ઘણાં વર્ષો પછી કઈક રાહતની લાગણી થઇ હતી.અમેરિકા રહેતા દીકરાઓ આ નવા બનાવેલા બે માળના સગવડવાળા મકાનમાં એક પછી એક આવીને,લગ્ન કરી પરત જઈને પોતાના જ હાઉસમાં સારી રીતે સ્થાઈ થયા અને સારું કમાવા લાગ્યા ત્યારે મારાં માતા-પિતાના અંતરમાં ખુબ જ આનંદ અને સંતોષની લાગણી થઇ હતી.સને ૧૯૮૧-૮૨માં અમેરિકા રહેતા દીકરાઓએ મારાં માતા-પિતાને ગ્રીન કાર્ડ ઉપર અમેરિકા બોલાવેલાં.તેઓ ત્યાં એમની સાથે એક વર્ષ રહ્યાં અને બધાંને મળી,બધું ફરીને જોઈને સંતોષ સાથે પરત અમદાવાદ આવી ગયાં હતાં.

જ્યારે ૧૯૬૨ના ઓગસ્ટની ૧૨મી તારીખે ૨૫ વર્ષની ઉમરે મારાં લગ્ન લેવાયાં એ દિવસ એમના જીવનની ખુશીનો સોનેરી દિવસ હતો.એમણે મારાં ધર્મપત્ની કુસુમ પ્રત્યે એક પુત્રી કરતાં ય વિશેષ હેતભાવ દર્શાવીને એક આદર્શ સાસુ કોને કહેવાય એ સાબિત કરી બતાવ્યું હતું.અમારાં ત્રણેય બાળકોને પણ એમનો નિસ્વાર્થ પ્રેમ મળ્યો હતો અને એમના સંસ્કારપૂર્ણ ઉછેર અને શિક્ષણ માટે અમ દંપતીને એમણે આપેલ સહકાર ભૂલાય એમ નથી.અમેરિકા રહેતા ત્રણ દીકરાઓ પણ નારણપુરાના નિવાસ સ્થાને એમનાં બાળકો સાથે એક પછી એક મળવા માટે આવતાં ત્યારે માતાના પ્રેમનો તેઓ પણ અનુભવ કરતા અને એ વખતે કુટુંબમાં આનંદનો માહોલ છવાઈ જતો.કાળક્રમે મારાં ત્રણેય સંતાનો-બે દીકરા અને દીકરી-પણ અમેરિકા જઈ,અભ્યાસ પુરો કરી ધીરે ધીરે સારી રીતે સેટ થઇ એમનાં પરિવાર સાથે આજે સુખી છે એ નજરે નિહાળવા માટે એમની પ્રિય માતા કે દાદી(અમ્મા)આજે હયાત નથી એ મારા જીવનની એક મોટી કમનશીબી  છે.ભગવાન સુખનો પ્યાલો કોઈનો કદી ય પુરેપુરો ભરતો નથી,જો ભરે તો પછી એને કોઈ યાદ કરે ખરું કે ?

સને ૧૯૯૦-૯૧મા મારાં પત્ની કુસુમ કમનશીબે સ્ટ્રોકને લીધે લકવા ગ્રસ્ત બની લગભગ બે વર્ષ અર્ધ-કોમામાં પથારીવશ રહ્યાં હતાં ત્યારે એમની ૨૪ કલાકની સેવા-ચાકરી માટે એક નર્સ બેન રાખેલાં.એ બેનની સાથે રહી એક પુત્રીની જેમ ખડે પગે મારાં ધર્મ પત્નીની સંભાળ રાખીને મારાં સ્વ.માતા-પિતાએ મને જે મોરલ સપોર્ટ આપ્યો હતો એ કેમે કરીને ભૂલી શકાય એમ નથી.લાંબી માંદગી ભોગવ્યા પછી અપ્રિલ ૧૯૯૨માં મારાં ધર્મપત્ની કુસુમના અવસાનથી માતાને ખુબ જ આઘાતની લાગણી થઇ હતી.ત્યારબાદ મારાં અને એમનાં બધાં સંતાનો અમેરિકામાં સ્થાઈ થઇ ગયાં હોઈ,૧૯૯૪માં મારી જોબમાંથી થોડી વહેલી નિવૃત્તિ લઈને ૫૮ વર્ષની ઉમરે હું મારાં માતા-પિતા સાથે કાયમ માટે અમેરિકામાં પરિવારજનો સાથે રહેવા માટે આવી ગયાં હતાં.

મારાં માતુશ્રી ખુબ જ ઈશ્વર પરાયણ હતાં.પ્રભુ ભક્તિમાં ખુબ જ આસ્થા રાખતાં હતાં.એમના સુરીલા સ્વરે ભજનો ગાતાં અને સોસાયટીમાં મહિલાઓને ગવડાવતાં.એમની રસોઈના સ્વાદને બધાં હજુ પણ યાદ કરે છે.અમેરિકામાં એમનાં સાતે ય સંતાનો-ચાર દીકરા અને ત્રણ દીકરીઓ અને એમના પરિવારને અમેરિકામાં ઠરીઠામ અને સુખી થયેલાં જોઈ તેઓ કોઈવાર સંતોષની લાગણી સાથે મને કહેતાં હતાં કે મારા વ્હાલા ભગવાને મારી અનેક કસોટીઓ કર્યા પછી મને સંતાનોની લીલીવાડી જોવાનું સદભાગ્ય આપ્યું છે એ ઓછું છે ?પ્રભુ મને હવે ગમે ત્યારે તેડી જાય તો પણ મને એનો કોઈ અફસોસ નથી.

ત્યારબાદ,૧૯૯૫ના નવેમ્બરમાં હું તથા મારાં માતા-પિતા વતનની યાદ આવતાં થોડા મહિના માટે અમદાવાદ અમારા નારણપુરાના નિવાસ સ્થાને રહેવા આવ્યાં હતાં.અમદાવાદ આવ્યાના એક મહિના પછી એકાએક હ્રદયરોગનો હુમલો આવતાં ,ડિસેમ્બર ૬,૧૯૯૫ની એક સવારે,ડો.નાથુંભાઈના હાર્ટ ક્લીનીકમાં,એમની ૭૮ વર્ષની ઉમરે અમને સૌને રડતાં મુકીને કાયમને માટે કોઇપણ જાતની તકલીફ વેઠ્યા વગર સ્વર્ગે સિધાવ્યાં હતાં.જીવનમાં એમણે શરીરની ઘણી વ્યાધિઓ ભોગવી હતી અને ઘણીવાર હોસ્પીટલમાં ગમ્ભીર માંદગી પછી પણ ઊંચા મનોબળને લીધે સાજાં થઇ ફરી પાછાં કામે લાગી જતાં.પરંતુ ,એમની છેલ્લી ઘડીએ મેં સામે ધરી રાખેલ સ્વામીનારાયણ ભગવાનના ફોટા સામે નજર રાખીને પ્રભુ સ્મરણ કરતાં કરતાં કોઈ પણ તકલીફ વિના એમના નામને અનુરૂપ શાંતિ અને સંતોષપૂર્વક મારી નજર સામે એમના છેલ્લા શ્વાસ છોડ્યા હતા.આમ મારા જન્મથી માંડી એમના  મરણની છેલ્લી ઘડી સુધી તેઓએ મારી સાથેનો એમનો પ્રેમાળ નાતો જાળવ્યો હતો, એ ભૂલાય એમ નથી.

મારી માતાની જીવનયાત્રા આમ રંગુનમાં જન્મ સાથે પિતાના વૈભવ વચ્ચે શરુ થઇ અને આ યાત્રાનો છેલ્લો પડાવ અમેરિકામાં આવીને સંતાનો અને એમનાં પરિવાર જનોને સુખી થયેલાં જોઈને અમદાવાદમાં પૂરો થયો.આ બન્ને છેડાઓ વચ્ચે કભી ખુશી,કભી ગમના કેટ કેટલા બનાવો બની ગયા !કેટલી આર્થિક,શારીરિક અને માનસિક તકલીફો એમણે વેઠી એ બધું,એમની સાથે રહીને કરેલી આજ સુધીની  ઉતાર ચડાવ વાળી મારી ૭૬ વર્ષની સફર દરમ્યાન મેં નજરે જોયું અને અનુભવ્યું છે.જાણું છું કે ,આ લેખ થોડો લાંબો થઇ ગયો છે ,પરંતુ જેનો હું સાક્ષી રહ્યો છું અને મારા સ્મૃતિ પટ પર હજુ પણ એવા જ તાજા છે એવા મારાં માતાના જીવન સાથે સંકળાયેલ અનેક પ્રસંગો અંગે જો લખવા બેસું તો એક પુસ્તક થઇ જાય એમ છે!

મારા જીવન ઉપર માતા-પિતાએ બતાવેલ મમતા,પ્રેમ,ત્યાગ ,મનોબળ અને એમના ઉચ્ચ સંસ્કારોના અમર વારસાની ઊંડી અસર પ્રવર્તે છે એમ હું દ્રઢ પણે માનું છું.મનુષ્યના જીવનમાં મા-બાપનો આર્થિક વારસો ભલે નાનો મોટો હોય પરંતુ તેઓએ આપેલ સંસ્કારો અને સદગુણોનો વારસો મોટું કામ કરી જતો હોય છે.આ વારસાની કિંમત રૂપિયામાં કે ડોલરમાં થઇ ન શકે એવી મૂલ્યવાન હોય છે.

મધર્સ ડે નિમિત્તે અમે સૌ સાત ભાઈ બેનોની કર્તવ્યનિષ્ઠ,સહનશીલ,મમતામયી અને કરુણામયી માતા સ્વ.શાંતાબેન-અમ્મા-ની ઉપર જણાવેલ ધૂપ-છાંવ મિશ્રિત જીવન ઝરમર અને એમના અમારા સૌ ઉપરના એમના અનેક ઉપકારોને યાદ કરીને આ લેખ દ્વારા એમને અંજલિ આપતાં આનંદ થાય છે. મારા કમ્પ્યુટરમાં હું આ લેખના શબ્દો પાડી રહ્યો છું એ વખતે મારી સામે ભીંતે લટકાવેલી મારી પ્રેમાળ માતાની સ્મિત વેરતી તસ્વીર સામે નજર કરતાં મને એવું લાગી રહ્યું છે કે જાણે મારા ઉપર તેઓ હજુ પણ આશીર્વાદની વર્ષા ન કરી રહ્યાં હોય !એમની તસ્વીર  નીરખતાં નીરખતાં મારા હૃદયમનમાંથી પેલા ફિલ્મી ગીતના શબ્દો સહસા સરી પડે છે.”અય મા ,તેરી સુરત સે અલગ, ભગવાનકી સુરત ક્યા હોગી.”

 સાન ડિયેગો,૧૩મી મે,૨૦૧૨

મધર્સ ડે.                                                                                              —– વિનોદ આર. પટેલ 

___________________________________________________________________

                                                                               માતૃવંદના

માતુશ્રી શાંતાબેન – અમ્મા ( ફોટો-૧૯૭૯ )

ઓ મા સદેહે અહીં નથી એ કેમે કરી મનાય ના
સ્મરણો તારાં અગણિત બધાં જે કદી ભૂલાય ના
મા કોઈની મરશો નહી એવું જગે કહેવાય છે
જીવનસ્ત્રોત માના વિયોગની ખોટ સદા વર્તાય છે
માનવીના હોઠ ઉપર જો કોઈ સુંદર શબ્દ હોય તે મા
વરસાદ કરતાં ય પ્રેમે ભીંજવતો સાદ હોય એ મા
સ્મિત કરતી તસ્વીર ભીંતે પૂજ્યભાવે નીરખી રહ્યો
ભૂલી સૌ વિયોગ દુખ તવ મુક આશિષ માણી રહ્યો
ભજન,કીર્તન,ભક્તિ,વાંચન અને વળી તવ રસોઈકળા
ગજબ પરિશ્રમી હતી તારી હરરોજની એ દિનચર્યા
કર્તવ્ય પંથે અટલ રહી સૌની ચિંતા માથે લઇ
અપૂર્વ ધીરજ બેશબ્દ રહી વેદનાઓ સહેતી રહી
પડકારો ભર્યા કાંટાળા રાહે માંડી ચરણો ધૈર્યથી
ગુલાબો સૌ ખીલવી ગયાં અવ જીવન પંથમાં પ્રેમથી
ચંદન સમું જીવન તમારું ઘસાયું કાળ પથ્થરે
કરી લેપ એનો હૃદયમાં સુગંધ માણી રહ્યાં અમે
પ્રેમ,નમ્રતા, કરુણા અને તવ પ્રભુમય જીવનને વંદી રહ્યો
દીધેલ સૌ સંસ્કાર બળે આજ ખુમારી ભેર જીવી રહ્યો
શબ્દો ખરે જ ઓછા પડે ગણવા ઉપકારો મા-બાપના
કિન્તુ અલ્પ શબ્દો થકી માતૃદિને મા કરું હૃદયથી વંદના .

કાવ્ય રચના —- વિનોદ આર. પટેલ

___________________________________________________________________

 મા જૈસી હસ્તી દુનિયામે ક્યા હોગી ?  (વિડીયો દર્શન ) 

માના અનેક ઉપકારો અને ત્યાગ અને બલીદાનની ભાવનાને ઉજાગર કરતો એક સુંદર વિડીયો માણવા માટે નીચે ક્લિક કરવા વિનંતી છે. 

Ma jaisi hasti duniyaame hai khaa — video  

मैया मोरी, मैं नही माखन खायो– ભજન (વિડીયો દર્શન ) 

મા જશોદા અને બાળ કૃષ્ણના મધુર સંવાદને રજુ કરતું આ જાણીતું   સુંદર કંઠમાં ગવાયેલું ભજન માણવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.

मैया मोरी, मैं नही माखन खायो–Bhajan -Anup Jalota-Video
 

मैया मोरी, मैं नही माखन खायो 

भोर भयो गैयन के पाछे, मधुवन मोहि पठायो । 

चार पहर वंशीवट भटक्यो, सांझ परे घर आयो ॥ 

॥ मैया मोरी ………. १ ॥  

मैं बालक बहियन को छोटो, छींको किहि विधि पायो . 

ग्वाल-बाल सब बैर परे हैं, बरबस मुख लपटायो .. 

॥ मैया मोरी ………. २ ॥  

तू जननी मन की अति भोली, इनके कहे पतियायो . 

यह ले अपनी लकुटि कम्बलिया, तुने बहुतहि नाच नचायो . 

जिय तेते कछु भेद उपजिहै , जानि परायो जायो .. 

“सूरदास” तब हँसी यशोदा, लै उर-कंठ लगायो .. 

॥ मैया मोरी ……….