વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 13, 2012

મધર્સ ડે – માતૃ સ્મૃતિ અને માતૃ વંદનાનો દિવસ

માતુશ્રી શાંતાબેન અને પિતાશ્રી રેવાભાઈ પટેલ

દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવાતો હોય છે.આ દિવસે સંતાનો પોતાની પ્રિય માતાને યાદ કરે છે અને અવનવા ગ્રીટિંગ કાર્ડ તેમ જ એને ગમતી કોઈ ભેટ-સોગાદ ખરીદીને આપવાનો રીવાજ છે.અન્ય પ્રકારે પણ આ દિવસે સંતાનો માતા પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.

મધર્સ ડે નો ટૂંકો ઇતિહાસ

મધર્સ ડે નો ટૂંકમાં ઇતિહાસ એવો છે કે ૧૯૦૯ની સાલમાં ૯મી મેના દિવસે અમેરિકાની મિસ એના જાર્વીસે જ્યારે એની વ્હાલી માંદી માતા ઘણાં વર્ષ પથારીવશ રહ્યા પછી મૃત્યું પામી ત્યારે મનમાં નક્કી કર્યું કે હું એવું કંઇક કરું કે આખું વિશ્વ મારી માતાને યાદ કરે .એના આ વિચારને સમર્થન મેળવવાના એના અથાક પ્રયત્નો પછી ૧૯૧૩માં સૌ પ્રથમ વાર પેન્સીલ્વેનીયા સ્ટેટમાં મધર્સ ડે ઉજવાયો હતો.૧૯૧૪માં અમેરિકાના એ વખતના પ્રમુખ વુડ્રો વિલ્સને મે મહિનાની ૯મી તારીખે કાયદો પસાર કરી દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે નેશનલ મધર્સ ડે તરીકે ઉજવવા માટે કાયદેસર રીતે જાહેરાત બહાર પાડી હતી .ત્યારથી સમગ્ર અમેરિકામાં આ તારીખે મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે.ભારતમાં પણ હવે મધર્સ ડે ની ઉજવણી શરુ થઇ ચુકી છે.

ગુજરાતી સાહિત્યમાં સૌથી નાનો પણ સૌથી સુંદર શબ્દ જો કોઈ હોય તો એ છે “મા“.આ શબ્દમાં કેટલા અર્થ સમાયા છે !સ્વ.હરીન્દ્ર દવે એ સરસ કહ્યું છે.”મા કદી મરતી નથી.મા નો દેહ ન હોય ત્યારે એનું વ્હાલ હવાના કણમાં વીખરાઈને આલિંગન આપે છે.જેને પત્ર ન લખ્યો હોય છતાં જેની આંખોમાં લખવા ધારેલા પત્રનો જવાબ વંચાય તે મા.”મા શોકમાં આશ્વાસન છે,દુઃખ અને દુર્બળતામાં એ આપણી આશા અને શક્તિપુંજ છે.પ્રેમ,કરુણા,સહાનુભૂતિ અને ક્ષમાશીલતાનો ઝરો છે.શિવાજીની માતા જીજીબાઈ અને મોહનદાસ ગાંધીની માતા પુતળીબાઈની જેમ દરેક માતા પોતાના સંતાનના જીવનમાં સંસ્કારોનું સિંચન કરીને અવિસ્મરણીય ભાગ ભજવતી હોય છે.

આ મધર્સ ડે પ્રસંગે ત્યાગ,પ્રેમ અને સહનશીલતાની મૂર્તિ સમાં મારાં માતા સ્વ.શાંતાબેન,જેઓને અમે સાત ભાઈ-બહેનો “અમ્મા”એ નામથી સંબોધન કરતાં હતાં,એમના પ્રેરક જીવનની ઝાંખી કરાવતા નીચેના લેખ અને “માતૃ વંદના “નામના મારા એક સ્વ-રચિત કાવ્ય દ્વારા એમને આજની આ પોસ્ટમાં સ્મરણાંજલિ આપવામાં આવી છે.મને આશા છે આપને આજની આ પોસ્ટ ગમશે.  

વિનોદ વિહારના સૌ વાચકોને HAPPY MOTHER’S DAY

                                      ——  વિનોદ આર.પટેલ

_____________________________________________________

મારાં માતુશ્રી સ્વ. શાંતાબેન રેવાભાઈ પટેલ ( અમ્મા )

મારાં માતા સ્વ.શાંતાબેનનો જન્મ ૧૯૧૭માં રંગુન (બર્મા)માં થયો હતો.એમના પિતા ભગવાનદાસ પટેલ એમના વતનના ગામ ઘુમાસણમાંથી પિતાનો માર પડતાં ઘેરથી ભાગી જઈને કલકત્તાથી રંગુન જતી સ્ટીમરમાં બેસી રંગુન પહોંચી ગયેલા .રંગુનમાં શરૂમાં ખુબ મહેનત કરી, કાળક્રમે પોતની સુઝ અને આવડતથી ત્યાંનાં ત્રણ મોટાં શહેરોમાં  ભાગીદારી પેઢીઓ સ્થાપી વેપારમાં સારું કમાઈને રંગુનના બાબુ તરીકે પંકાયેલા. મારાં માતુશ્રીનું બાળપણ અને યુવાનીના વરસો પિતાના વૈભવમાં ખુબ સુખમાં વિત્યાં હતાં.એમણે મને કહેલું, તેઓ ઘોડા જોતરેલી બગીમાં શાળામાં જતાં અને અભ્યાસ ઉપરાંત સંગીત અને નૃત્યનું પણ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.મારા પિતાશ્રી રેવાભાઈ કડીની છગનભાએ નવી સ્થાપેલી સંસ્થામાંથી અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ પ્રાપ્ત કરીને રંગુનમાં આવીને મારા દાદા ભગવાનદાસના ધંધાના કામકાજમાં જોડાયા હતા.એ વખતના રીવાજ પ્રમાણે માતાનાં લગ્ન ૧૫ વર્ષની નાની ઉમરે થયાં હતાં.મારો જન્મ સને ૧૯૩૭માં રંગુનમાં થયો હતો.

આમ રંગુનમાં સારી રીતે સ્થાયી થઈને કુટુંબીજનોનું જીવન આનંદ અને સુખના માહોલમાં પસાર થઇ રહ્યું હતું એવામાં ૧૯૪૧ના બીજા વિશ્વ યુદ્ધ વખતે જાપાને બર્મા ઉપર ભારે બોમ્બમારો ચાલું કર્યો .આ ભયયુકત વાતાવરણમાં ગુજરાતીઓ જીવ બચાવવા રંગુન છોડીને જે હાથમાં આવ્યું એ હાથવગું કરીને સ્ટીમરમાં કે એ જો ન મળે તો જંગલોમાં પગે ચાલીને કલકત્તા આવી વતનમાં પહોંચી ગયાં હતાં. મારાં માતા-પિતા અને દાદા પણ મને અને ત્યાં જન્મેલી મારી એક નાની બેન શુશીલાને લઈને સ્થાવર મિલકતો ત્યાં જ મુકીને જીવ બચાવી અમારા વતનના ગામ ડાંગરવા રહેવા આવી ગયાં હતાં.કહેવત છે ને કે ધરતીનો છેડો ઘર!

ગામમાં અમારા કુટુંબનો નિર્વાહ માટેનો વ્યવસાય ખેતીવાડીનો હતો.રંગુનમાં સુખમાં ઉછરેલાં મારાં માતાએ નોકરો પાસે ઘરકામ કરાવેલું એમને અહીં ગામમાં ઘરનું તેમ જ થોડા સમય પછી ખેતરનું પણ કામકાજ જાતે કરવાનું થયું .આમ છતાં નવા ગ્રામ્ય વાતાવરણમાં એમની જિંદગીના પલટાયેલા સંજોગો સાથે એમણે મનથી સમાધાન કરી લીધું.એકવાર એમણે મને કહેલું કે રંગુનમાં દુધ ક્યાંથી અને કેવી રીતે આવે છે એનો કદી વિચાર પણ એમણે કર્યો ન હતો એની જગ્યાએ કુટુંબના નિર્વાહ માટે ઘરના આંગણે બે ભેંસો રાખી એટલું જ નહીં ભેંસો માટે ખેતરમાંથી ઘાસચારો તેમ જ ભાગોળે ઉકરડે છાણ નાખવા જવા જેવી અન્ય શારીરિક મહેનત પડે એવા કામકાજથી પણ ટેવાઈ જવું પડ્યું.શરૂઆતના દિવસોમાં ભેંસો દોહવાનું કે ખેતરમાં જઈને શેઢા ઉપરથી ઘાસ કાપી લાવવાનું કામ ફાવે નહીં એટલે મહોલ્લા ના લોકો રંગુનની લેડી એમ કહીને મશ્કરી પણ કરતાં હતાં.આ બધું દુખ હસતાં મુખે સહન કરીને એમના મળતાવડા સ્વભાવની ખાસિયતથી એ થોડા વખતમાં જ બધાનાં પ્રીતિ પાત્ર બની ગયાં હતાં.

મારાં માતા-પિતા રંગુનથી મારે ગામ આવ્યાં ત્યારે હું ચાર વર્ષનો બાળક હતો.કમનશીબે નવા વાતાવરણમાં હું પોલીયોના વાયરસમાં સપડાયો   અને બાળ લકવાથી મારો જમણો હાથ અને ડાબો પગ અશક્ત બની ગયાં.ડોક્ટરની સારવાર અને માતા પિતાની કાળજીથી હું ચાલતો તો થયો પરંતુ શારીરિક ક્ષતિ કાયમ રહી ગઈ.મારા દેખાવડા દીકરાને અચાનક આ શું થઇ ગયું અને આવી સ્થિતિમાં એનું ભવિષ્ય કેવું જશે એની ચિંતાથી મારાં માતાને દિલમાં મોટો આઘાત લાગ્યો હતો .નવા જ વાતાવરણમાં ઘર ચલાવવાની ચિંતાઓ તો હતી જ ત્યાં આ નવી માનસિક  ચિંતાની એમના  શરીર ઉપર અસર થઇ.એમને દમ અને હિસ્ટીરિયાનો રોગ લાગુ પડ્યો.કોઈવાર ખેતરમાં ઘાસ લેવા ગયાં હોય ત્યારે હિસ્ટીરિયાના હુમલામાં બેભાન થઈને નીચે પડી જતાં અને ખેંચ આવતી એ સમયે કુટુંબીજનો દોડી આવી ડુંગળી કે બાળેલું રું સુંઘાડીને એમને ભાનમાં લાવી ઘેર લઇ આવતાં .ઘરમાં પણ આવું અવારનવાર બનતું હતું જે જોઈને હું અને નાની બેનો ડઘાઈ જતાં .

મારા પિતાશ્રીને ખેતીવાડીનું કામકાજ આવડે અને ફાવે નહીં એટલે દાદા શિવદાસની ગામમાં કાપડની દુકાન એ સંભાળતા અને સાથે સાથે ,કાલાં  કપાસ તથા મરચાંના સીઝનલ ધંધા ભાગીદારીમાં કરતા અને એમ વસ્તારી કુટુંબનો નીભાવ સારી રીતે ચાલતો હતો.પરંતુ થોડા વરસો પછી ધંધામાં ખોટ આવી.ગામમાં ઉઘરાણી ડૂબવા લાગી.ચાર દીકરા અને ત્રણ દીકરીઓના વસ્તારી કુટુંબના ભરણ પોષણ અને સંતાનોના શિક્ષણ ખર્ચ માટે મુશ્કેલીના દિવસો જોવાના આવ્યા.આવા વિપરીત સંજોગોમાં  પિતાને મારાં માતા અને ત્રણ નાના દીકરાઓ અને પુત્રીઓને ગામમાં  મુકીને એકલા અમદાવાદની નજીક કઠવાડામાં મેઈઝ પ્રોડક્ટ્સમાં  કારકુનની નોકરી કરવા જવું પડ્યું.

આવા મુશ્કેલીના સમયે હિમ્મત ગુમાવ્યા વગર મારી માતાએ ગામમાં રહ્યાં રહ્યાં વસ્તારી કુટુંબની જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી અને ખેતી તથા ભેંસોના દુધની આવકમાંથી કુટુંબનો નિર્વાહ ચલાવતાં  રહ્યાં.મારાં માતા પોતે સુશિક્ષિત અને કેળવાયેલાં હોઈ એમણે પોતાના સંતાનોમાં ઉમદા સંસ્કારોનું સિંચન કર્યું હતું.તેઓનુ પરિશ્રમી ત્યાગપૂર્ણ જીવન એક જીવતી જાગતી સંસ્થા જેવું હતું.મારાથી નાની ત્રણે ય દીકરીઓને કાળક્રમે સાસરે વળાવી એ પહેલાં એમને રસોઈ તથા આદર્શ ગૃહિણી બનવાની બધી તાલીમ પૂરી પાડી હતી.

આ સમય દરમ્યાન ,બી.કોમની પરીક્ષા પછી મને પણ કઠવાડામાં જ બીજી એક નવી સ્થાપાઈ રહેલ ફેક્ટરી સેલ્યુલોઝ પ્રોડક્ટ્સમાં જોબ મળી જતાં મારાથી ત્રણ નાના ભાઈઓને લઈને મારાં માતા કમ્પનીએ મને રહેવા આપેલ ક્વાટર્સ જ્યાં હું અને પિતા એકલા રહેતા હતા ત્યાં અમારી સાથે રહેવા આવી ગયાં હતાં.

કઠવાડામાં આવીને એમણે ઘરની જવાબદારી ફરી ઉપાડી લીધી.મારા ત્રણ નાના ભાઈઓના હાઈસ્કુલનો અભ્યાસ સારી રીતે પુરો  કરાવવા માટે મારી અને પિતાની સાથે રહીને મોટો ફાળો આપ્યો હતો.આ પછી આ ત્રણેય ભાઈઓ કોલેજનો અભ્યાસ પુરો કરી એક પછી એક અમેરિકા આવી ગયા.અહીં મહેનત કરી એન્જીનીયરીંગમાં ગ્રેજ્યુએટ થયા ,કમાવા લાગ્યા.કુટુંબની આવકમાં વધારો થતાં,ભાડાના મકાનને બદલે ,અમદાવાદ  નારણપુરાની શંકર સોસાયટીમાં ઘરનું ઘર થતાં મારાં માતા પિતાને ઘણાં વર્ષો પછી કઈક રાહતની લાગણી થઇ હતી.અમેરિકા રહેતા દીકરાઓ આ નવા બનાવેલા બે માળના સગવડવાળા મકાનમાં એક પછી એક આવીને,લગ્ન કરી પરત જઈને પોતાના જ હાઉસમાં સારી રીતે સ્થાઈ થયા અને સારું કમાવા લાગ્યા ત્યારે મારાં માતા-પિતાના અંતરમાં ખુબ જ આનંદ અને સંતોષની લાગણી થઇ હતી.સને ૧૯૮૧-૮૨માં અમેરિકા રહેતા દીકરાઓએ મારાં માતા-પિતાને ગ્રીન કાર્ડ ઉપર અમેરિકા બોલાવેલાં.તેઓ ત્યાં એમની સાથે એક વર્ષ રહ્યાં અને બધાંને મળી,બધું ફરીને જોઈને સંતોષ સાથે પરત અમદાવાદ આવી ગયાં હતાં.

જ્યારે ૧૯૬૨ના ઓગસ્ટની ૧૨મી તારીખે ૨૫ વર્ષની ઉમરે મારાં લગ્ન લેવાયાં એ દિવસ એમના જીવનની ખુશીનો સોનેરી દિવસ હતો.એમણે મારાં ધર્મપત્ની કુસુમ પ્રત્યે એક પુત્રી કરતાં ય વિશેષ હેતભાવ દર્શાવીને એક આદર્શ સાસુ કોને કહેવાય એ સાબિત કરી બતાવ્યું હતું.અમારાં ત્રણેય બાળકોને પણ એમનો નિસ્વાર્થ પ્રેમ મળ્યો હતો અને એમના સંસ્કારપૂર્ણ ઉછેર અને શિક્ષણ માટે અમ દંપતીને એમણે આપેલ સહકાર ભૂલાય એમ નથી.અમેરિકા રહેતા ત્રણ દીકરાઓ પણ નારણપુરાના નિવાસ સ્થાને એમનાં બાળકો સાથે એક પછી એક મળવા માટે આવતાં ત્યારે માતાના પ્રેમનો તેઓ પણ અનુભવ કરતા અને એ વખતે કુટુંબમાં આનંદનો માહોલ છવાઈ જતો.કાળક્રમે મારાં ત્રણેય સંતાનો-બે દીકરા અને દીકરી-પણ અમેરિકા જઈ,અભ્યાસ પુરો કરી ધીરે ધીરે સારી રીતે સેટ થઇ એમનાં પરિવાર સાથે આજે સુખી છે એ નજરે નિહાળવા માટે એમની પ્રિય માતા કે દાદી(અમ્મા)આજે હયાત નથી એ મારા જીવનની એક મોટી કમનશીબી  છે.ભગવાન સુખનો પ્યાલો કોઈનો કદી ય પુરેપુરો ભરતો નથી,જો ભરે તો પછી એને કોઈ યાદ કરે ખરું કે ?

સને ૧૯૯૦-૯૧મા મારાં પત્ની કુસુમ કમનશીબે સ્ટ્રોકને લીધે લકવા ગ્રસ્ત બની લગભગ બે વર્ષ અર્ધ-કોમામાં પથારીવશ રહ્યાં હતાં ત્યારે એમની ૨૪ કલાકની સેવા-ચાકરી માટે એક નર્સ બેન રાખેલાં.એ બેનની સાથે રહી એક પુત્રીની જેમ ખડે પગે મારાં ધર્મ પત્નીની સંભાળ રાખીને મારાં સ્વ.માતા-પિતાએ મને જે મોરલ સપોર્ટ આપ્યો હતો એ કેમે કરીને ભૂલી શકાય એમ નથી.લાંબી માંદગી ભોગવ્યા પછી અપ્રિલ ૧૯૯૨માં મારાં ધર્મપત્ની કુસુમના અવસાનથી માતાને ખુબ જ આઘાતની લાગણી થઇ હતી.ત્યારબાદ મારાં અને એમનાં બધાં સંતાનો અમેરિકામાં સ્થાઈ થઇ ગયાં હોઈ,૧૯૯૪માં મારી જોબમાંથી થોડી વહેલી નિવૃત્તિ લઈને ૫૮ વર્ષની ઉમરે હું મારાં માતા-પિતા સાથે કાયમ માટે અમેરિકામાં પરિવારજનો સાથે રહેવા માટે આવી ગયાં હતાં.

મારાં માતુશ્રી ખુબ જ ઈશ્વર પરાયણ હતાં.પ્રભુ ભક્તિમાં ખુબ જ આસ્થા રાખતાં હતાં.એમના સુરીલા સ્વરે ભજનો ગાતાં અને સોસાયટીમાં મહિલાઓને ગવડાવતાં.એમની રસોઈના સ્વાદને બધાં હજુ પણ યાદ કરે છે.અમેરિકામાં એમનાં સાતે ય સંતાનો-ચાર દીકરા અને ત્રણ દીકરીઓ અને એમના પરિવારને અમેરિકામાં ઠરીઠામ અને સુખી થયેલાં જોઈ તેઓ કોઈવાર સંતોષની લાગણી સાથે મને કહેતાં હતાં કે મારા વ્હાલા ભગવાને મારી અનેક કસોટીઓ કર્યા પછી મને સંતાનોની લીલીવાડી જોવાનું સદભાગ્ય આપ્યું છે એ ઓછું છે ?પ્રભુ મને હવે ગમે ત્યારે તેડી જાય તો પણ મને એનો કોઈ અફસોસ નથી.

ત્યારબાદ,૧૯૯૫ના નવેમ્બરમાં હું તથા મારાં માતા-પિતા વતનની યાદ આવતાં થોડા મહિના માટે અમદાવાદ અમારા નારણપુરાના નિવાસ સ્થાને રહેવા આવ્યાં હતાં.અમદાવાદ આવ્યાના એક મહિના પછી એકાએક હ્રદયરોગનો હુમલો આવતાં ,ડિસેમ્બર ૬,૧૯૯૫ની એક સવારે,ડો.નાથુંભાઈના હાર્ટ ક્લીનીકમાં,એમની ૭૮ વર્ષની ઉમરે અમને સૌને રડતાં મુકીને કાયમને માટે કોઇપણ જાતની તકલીફ વેઠ્યા વગર સ્વર્ગે સિધાવ્યાં હતાં.જીવનમાં એમણે શરીરની ઘણી વ્યાધિઓ ભોગવી હતી અને ઘણીવાર હોસ્પીટલમાં ગમ્ભીર માંદગી પછી પણ ઊંચા મનોબળને લીધે સાજાં થઇ ફરી પાછાં કામે લાગી જતાં.પરંતુ ,એમની છેલ્લી ઘડીએ મેં સામે ધરી રાખેલ સ્વામીનારાયણ ભગવાનના ફોટા સામે નજર રાખીને પ્રભુ સ્મરણ કરતાં કરતાં કોઈ પણ તકલીફ વિના એમના નામને અનુરૂપ શાંતિ અને સંતોષપૂર્વક મારી નજર સામે એમના છેલ્લા શ્વાસ છોડ્યા હતા.આમ મારા જન્મથી માંડી એમના  મરણની છેલ્લી ઘડી સુધી તેઓએ મારી સાથેનો એમનો પ્રેમાળ નાતો જાળવ્યો હતો, એ ભૂલાય એમ નથી.

મારી માતાની જીવનયાત્રા આમ રંગુનમાં જન્મ સાથે પિતાના વૈભવ વચ્ચે શરુ થઇ અને આ યાત્રાનો છેલ્લો પડાવ અમેરિકામાં આવીને સંતાનો અને એમનાં પરિવાર જનોને સુખી થયેલાં જોઈને અમદાવાદમાં પૂરો થયો.આ બન્ને છેડાઓ વચ્ચે કભી ખુશી,કભી ગમના કેટ કેટલા બનાવો બની ગયા !કેટલી આર્થિક,શારીરિક અને માનસિક તકલીફો એમણે વેઠી એ બધું,એમની સાથે રહીને કરેલી આજ સુધીની  ઉતાર ચડાવ વાળી મારી ૭૬ વર્ષની સફર દરમ્યાન મેં નજરે જોયું અને અનુભવ્યું છે.જાણું છું કે ,આ લેખ થોડો લાંબો થઇ ગયો છે ,પરંતુ જેનો હું સાક્ષી રહ્યો છું અને મારા સ્મૃતિ પટ પર હજુ પણ એવા જ તાજા છે એવા મારાં માતાના જીવન સાથે સંકળાયેલ અનેક પ્રસંગો અંગે જો લખવા બેસું તો એક પુસ્તક થઇ જાય એમ છે!

મારા જીવન ઉપર માતા-પિતાએ બતાવેલ મમતા,પ્રેમ,ત્યાગ ,મનોબળ અને એમના ઉચ્ચ સંસ્કારોના અમર વારસાની ઊંડી અસર પ્રવર્તે છે એમ હું દ્રઢ પણે માનું છું.મનુષ્યના જીવનમાં મા-બાપનો આર્થિક વારસો ભલે નાનો મોટો હોય પરંતુ તેઓએ આપેલ સંસ્કારો અને સદગુણોનો વારસો મોટું કામ કરી જતો હોય છે.આ વારસાની કિંમત રૂપિયામાં કે ડોલરમાં થઇ ન શકે એવી મૂલ્યવાન હોય છે.

મધર્સ ડે નિમિત્તે અમે સૌ સાત ભાઈ બેનોની કર્તવ્યનિષ્ઠ,સહનશીલ,મમતામયી અને કરુણામયી માતા સ્વ.શાંતાબેન-અમ્મા-ની ઉપર જણાવેલ ધૂપ-છાંવ મિશ્રિત જીવન ઝરમર અને એમના અમારા સૌ ઉપરના એમના અનેક ઉપકારોને યાદ કરીને આ લેખ દ્વારા એમને અંજલિ આપતાં આનંદ થાય છે. મારા કમ્પ્યુટરમાં હું આ લેખના શબ્દો પાડી રહ્યો છું એ વખતે મારી સામે ભીંતે લટકાવેલી મારી પ્રેમાળ માતાની સ્મિત વેરતી તસ્વીર સામે નજર કરતાં મને એવું લાગી રહ્યું છે કે જાણે મારા ઉપર તેઓ હજુ પણ આશીર્વાદની વર્ષા ન કરી રહ્યાં હોય !એમની તસ્વીર  નીરખતાં નીરખતાં મારા હૃદયમનમાંથી પેલા ફિલ્મી ગીતના શબ્દો સહસા સરી પડે છે.”અય મા ,તેરી સુરત સે અલગ, ભગવાનકી સુરત ક્યા હોગી.”

 સાન ડિયેગો,૧૩મી મે,૨૦૧૨

મધર્સ ડે.                                                                                              —– વિનોદ આર. પટેલ 

___________________________________________________________________

                                                                               માતૃવંદના

માતુશ્રી શાંતાબેન – અમ્મા ( ફોટો-૧૯૭૯ )

ઓ મા સદેહે અહીં નથી એ કેમે કરી મનાય ના
સ્મરણો તારાં અગણિત બધાં જે કદી ભૂલાય ના
મા કોઈની મરશો નહી એવું જગે કહેવાય છે
જીવનસ્ત્રોત માના વિયોગની ખોટ સદા વર્તાય છે
માનવીના હોઠ ઉપર જો કોઈ સુંદર શબ્દ હોય તે મા
વરસાદ કરતાં ય પ્રેમે ભીંજવતો સાદ હોય એ મા
સ્મિત કરતી તસ્વીર ભીંતે પૂજ્યભાવે નીરખી રહ્યો
ભૂલી સૌ વિયોગ દુખ તવ મુક આશિષ માણી રહ્યો
ભજન,કીર્તન,ભક્તિ,વાંચન અને વળી તવ રસોઈકળા
ગજબ પરિશ્રમી હતી તારી હરરોજની એ દિનચર્યા
કર્તવ્ય પંથે અટલ રહી સૌની ચિંતા માથે લઇ
અપૂર્વ ધીરજ બેશબ્દ રહી વેદનાઓ સહેતી રહી
પડકારો ભર્યા કાંટાળા રાહે માંડી ચરણો ધૈર્યથી
ગુલાબો સૌ ખીલવી ગયાં અવ જીવન પંથમાં પ્રેમથી
ચંદન સમું જીવન તમારું ઘસાયું કાળ પથ્થરે
કરી લેપ એનો હૃદયમાં સુગંધ માણી રહ્યાં અમે
પ્રેમ,નમ્રતા, કરુણા અને તવ પ્રભુમય જીવનને વંદી રહ્યો
દીધેલ સૌ સંસ્કાર બળે આજ ખુમારી ભેર જીવી રહ્યો
શબ્દો ખરે જ ઓછા પડે ગણવા ઉપકારો મા-બાપના
કિન્તુ અલ્પ શબ્દો થકી માતૃદિને મા કરું હૃદયથી વંદના .

કાવ્ય રચના —- વિનોદ આર. પટેલ

___________________________________________________________________

 મા જૈસી હસ્તી દુનિયામે ક્યા હોગી ?  (વિડીયો દર્શન ) 

માના અનેક ઉપકારો અને ત્યાગ અને બલીદાનની ભાવનાને ઉજાગર કરતો એક સુંદર વિડીયો માણવા માટે નીચે ક્લિક કરવા વિનંતી છે. 

Ma jaisi hasti duniyaame hai khaa — video  

मैया मोरी, मैं नही माखन खायो– ભજન (વિડીયો દર્શન ) 

મા જશોદા અને બાળ કૃષ્ણના મધુર સંવાદને રજુ કરતું આ જાણીતું   સુંદર કંઠમાં ગવાયેલું ભજન માણવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરવા વિનંતી છે.

मैया मोरी, मैं नही माखन खायो–Bhajan -Anup Jalota-Video
 

मैया मोरी, मैं नही माखन खायो 

भोर भयो गैयन के पाछे, मधुवन मोहि पठायो । 

चार पहर वंशीवट भटक्यो, सांझ परे घर आयो ॥ 

॥ मैया मोरी ………. १ ॥  

मैं बालक बहियन को छोटो, छींको किहि विधि पायो . 

ग्वाल-बाल सब बैर परे हैं, बरबस मुख लपटायो .. 

॥ मैया मोरी ………. २ ॥  

तू जननी मन की अति भोली, इनके कहे पतियायो . 

यह ले अपनी लकुटि कम्बलिया, तुने बहुतहि नाच नचायो . 

जिय तेते कछु भेद उपजिहै , जानि परायो जायो .. 

“सूरदास” तब हँसी यशोदा, लै उर-कंठ लगायो .. 

॥ मैया मोरी ……….