વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: જૂન 2012

(62) કેટલાંક મનનીય પ્રેરક સોનેરી સુવાક્યો

 
                                          ( Photo Coutesy- Yesha Pomal-FaceBook Post )
         
 
ભૂલોકઈરીતેથઈતેસમજવામાંજેટલોસમયવેડફાયછે
 
તેનાકરતાંઓછાસમયમાં,ભૂલસુધારીશકાયછે. 
 
 
ભૂખલાગેત્યારેખાવુંતેપ્રકૃતિ;
 
ભૂખલાગીહોયતોયખાવુંતેવિકૃતિઅને
 
ભૂખ્યારહીનેબીજાનેખવરાવવુંતેસંસ્કૃતિ
 
 
માનવીનાજ્ઞાનનેમાપવામાટે,તેનીનમ્રતાઅનેબધાનેપ્રેમ
 
કરવાનીતેનીતાકાતનેતપાસવીપડેછે.ગાંધીજી
 
 
કોઈઅક્ષરએવોનથી,જેમાંમંત્રહોય.
 
કોઈમૂળએવુંનથી, જેમાંઔષધહોય.
 
કોઈવ્યક્તિએવીનથી,જેઅયોગ્યહોય.
 
માત્રએને,પારખીનેએનોઉપયોગકરનારદુર્લભછે.
 
 
જીવનમાંજેટલીકિંમતીવસ્તુપ્રાપ્તકરશો,
 
એટલુંજકિંમતીએનૂંઋણચુકવવુંપડશે
 
 
પથ્થરજેવોક્રોધકોકનુંમાથુંફોડીનાખેછેવાતસાચી,
 
પણપાણીજેવીક્ષમા,લાંબેગાળેપથ્થરજેવાક્રોધનેતોડીનાખેછે.
 
વાસ્તવિકતાકયારેયભૂલશોનહિ
 
 
આપણીઆવક,આપણાપગરખાંજેવીછે.
 
જોટૂંકીહોયતોડંખે; પણવધુમોટીહોય,
 
તોગડથોલિયુંખવડાવે .
 
 
આપણેએવુંનહીંવિચારવુંકેભગવાનઅમારાશુભફળતરતકેમ
 
નથીઆપતા,બલકેભગવાનનોઆભારમાનો,કેઆપણનેભૂલની
 
સજાતરતનથીઆપતા.
 
 
સાદગીઉત્તમસુંદરતાછે,ક્ષમાઉત્તમબળછે,નમ્રતાઉત્તમતર્કછે,
 
અને મિત્રતાઉત્તમસંબંધછે.
 
તેનેધારણકરીને,જીવનનેઉત્તમબનાવો.
 
 
પૈસોઆવેછેત્યારેખર્ચનાલશ્કરનેલઇનેઆવેછે,
 
પૈસોજયારેજાયછેત્યારેએકલોજતોરહેછે
 
પરંતુ..,પેલુંખર્ચનુંલશ્કરમૂકતોજાયછે.
 
 
‎”ખાઈમાંપડેલોમાનવીબચીનેઉપરઆવીશકેછે,
 
પરંતુ.., “અદેખાઈ
 
માંપડેલોમાનવીક્યારેયઉપરઆવીશકતોનથી ……….
 
 
તમેનિષ્ફળથાવનોપ્રયત્નકરોઅનેસફળથઇજાઓ,
 
તોતમેસફળથયાકહેવાય,કેનિષ્ફળથયાકહેવાય?????
 
 
દરિયોસમજેછેકેમારીપાસેપાણીઅપારછે,
 
પણક્યાંજાણેછેકે, તોનદીએઆપેલોપ્રેમઉધારછે….
 
 
જિદગીમાંએવુંકશુજમુશ્કેલનથીહોતુંજેઆપણેવિચારવાની
 
હિંમતનાકરીશકીએ, હકિકતમાંઆપણે,કશુંકજુદુંજકરવાનું
 
વિચારવાનીહિંમતનથીકરીશકતા.
 
 
ફૂલનેખીલવાદો, મધમાખીપોતાનીજાતેતેનીપાસેઆવશે;
 
ચારિત્ર્યશીલબનો, વિશ્વાસજાતેતમારાપરમુગ્ધથઇજશે.’
 
 
પ્રસાદ, એટલે શું?
 
પ્રએટલે પ્રભુ,
 
સાએટલે સાક્ષાત,
 
એટલે દર્શન.
 
 
માટે,જેઆરોગવાથી,પ્રભુનાસાક્ષાતદર્શનથાય,તેસાચોપ્રસાદ.
 
અને,પ્રસાદઆરોગતીવેળાએ,હૃદયમાંપ્રભુનામુખારવિંદની
 
ઝાંખી થાયતે,મહાપ્રસાદ.
 
 
‎”ઈશ્વરમાનવીનેલાયકાતકરતાવધારેસુખઆપતોનથી
 
તોસહનશક્તિકરતાવધારેદુઃખપણનથીઆપતો……….
 
 
પૈસામાટેતોબધાપરસેવોપડેછે!!!
 
પર,સેવામાટે,પરસેવોનાપડાય??
 
 
કશુંનાહોયત્યારેઅભાવનડેછે,
 
થોડુંહોયત્યારેભાવનડેછે,
 
બધુંહોયનેત્યારેસ્વભાવનડેછે..
 
જીવનનું,એકકડવુંસત્યછે.
 
 
કોઈ દિવસ કુંભાર પણ મન માં વિચારતો હશે.. કે
 
ટકોરામારી ને મારા માટલા ને ચકાસતો માનવી,
 
આટલી જલ્દી કેમ તૂટી જાય છે?
 
 
કોણકહેછે,કેભગવાનનથીદેખાતા??
 
ખાલી, એજતોદેખાયછે,જ્યારેકંઇનથીદેખાતું..!!
 
 
તારુંકશુંહોય,તોછોડીનેઆવ તું,
 
તારુંબધુંહોય,તોછોડીબતાવતું………
 
 
અવગણનાવચ્ચેજીવતુંબાળક, અપરાધશીખશે.
 
દુશ્મનાવટવચ્ચેજીવતુંબાળક,લડાઇશીખશે.
 
ઉપહાસવચ્ચેજીવતુંબાળક,.શરમશીખશે.
 
સહનશીલતાવચ્ચેજીવતુંબાળક, ધૈર્યશીખશે.
 
પ્રોત્સાહનવચ્ચેજીવતુંબાળક,વિશ્વાસશીખશે
 
મૈત્રીઅનેઆવકારવચ્ચેજીવતુંબાળકજગતમાંપ્રેમઆપતા
 
અનેમેળવતાશીખશે..
 
 
સુધારીલેવાજેવીછેપોતાનીભૂલ,
 
ભૂલીજવાજેવીછેબીજાનીભૂલ.,.
 
આટલુંમાનવીકરેકબુલ…,
 
તોહરરોજદિલમાંઉગેસુખનાફુલ
 
 
કોણકહેછેસંગએવોરંગ
,
માણસશિયાળસાથેનથીરેહતોતોયેલૂચ્ચોછે,
 
માણસવાઘસાથેનથીરેહતોતોયેક્રૂરછે,
 
અનેમાણસકુતરાસાથેરહેછેતોયેવફાદારનથી…..
 
 
માણસનેપ્રેમકરો. વસ્તુનેનહી,
 
વસ્તુનેવાપરો.માણસનેનહી“……..
 
 (સુવાક્યો મોકલવા બદલ આભાર -નટુભાઈ પી પટેલનો  – એમના ઈ-મેલમાંથી )
 
___________________________________________________________________
 
      A picture speaks thousand words
 
 
                                              (ફોટો – આભાર યેષા પોમલ- ફેસ બુક પોસ્ટ )
 
 
 
 
 
 
 
 
 

(61) ભારત મારી ભીતર…(વાર્તા ) લેખિકા – શ્રીમતી અવંતિકા ગુણવંત

આજની પોસ્ટમાં જાણીતાં લેખિકા અવંતિકાબેન ગુણવંતની મને ગમતી એક સુંદર વાર્તા “ભારત મારી ભીતર”પોસ્ટ કરી છે.આ લેખિકાએ આરપાર સાપ્તાહિકમાં એમના  કોલમ “મુકામ પોસ્ટ અમેરિકા”માં અમેરિકાના અનુભવો આધારિત ઘણી વાર્તાઓ લખી છે.અવંતિકાબેનના પુસ્તક “ત્રીજી ઘંટડી “માં પણ આવી કેટલીક વાર્તાઓ સંગ્રહિત થઇ છે.

 “ભારત મારી ભીતર “વાર્તામાં અમેરિકામાં જન્મેલી અને મોટી થયેલી એક અનાર નામની છોકરી એની ૨૫ વર્ષની ઉમરે પિતાની ઈચ્છા ન હોવાં છતાં વતનના દેશ ભારતની કુતુહલવશ પહેલી મુલાકાત લેવાનું નક્કી કરે છે.ભારતમાં પિતાના સગાં સંબંધીઓ તરફથી એને પ્રેમનો જે અનુભવ પ્રાપ્ત થાય છે એથી એને મનમાં વિચાર આવે છે કે એના કલ્પનાના ભારત કરતાં એના અનુભવનું ભારત કઈક જુદું જ છે.આ અનોખા અનુભવથી અનારના મનમાં જાગતા ભાવોનું લેખિકાએ સુંદર આલેખન આ વાર્તામાં કર્યું છે. 

આ વાર્તા દ્વારા લેખિકાનો મુક સંદેશ એ છે કે અહીં જન્મેલા અને ઉછરેલા એન.આર.આઈ.બાળકોમાં ભારત એક ગંદકી,ગરીબી,ગોટાળા અને ગીર્દી વાળો દેશ છે એવા ખોટા કે ખરા ખ્યાલો પ્રવર્તતા હોય છે અને એથી ભારતની મુલાકાત લેવાનું હંમેશાં ટાળતા હોય છે.ભારતમાં જન્મેલ એમનાં મા-બાપ પણ એમના બાળકોને એમનાં મૂળ જ્યાં નંખાયા એ વતનનો દેશ બતાવવા માટે બહું આતુરતા નથી બતાવતાં.આ બાળકો જ્યાં સુધી ત્યાં જઈને બધું  જુએ અને અનુભવે નહીં ત્યાં સુધી અનારને જે સુખદ અનુભવ થયો એવો કદી થવાનો નથી.આ વાર્તાનું અનારનું આ છેલ્લું વાક્ય “હું બે સંસ્કૃતિની વારસ છું.અવારનવાર ભારત ન આવી શકું તો ય મારામાં ભારત જીવતું જ હશે.” એ ઘણું સુચક છે. 

અવંતિકાબેનનો પરિચય 

અગાઉ આ બ્લોગમાં જાન્યુઆરી ૧,૨૦૧૨ની પોસ્ટમાં અવંતિકાબેનનો પરિચય આપવામાં આવ્યો છે એને નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચી શકાશે.

લેખિકા અવંતિકા ગુણવંત અને એમના વાર્તા સાહિત્યનો પરિચય

મને આશા છે આજની પોસ્ટમાં મુકેલ અવંતિકાબેનની આ  વાર્તા અને એનો મુક સંદેશ આપને ગમશે. 

                                                                                                        — વિનોદ આર. પટેલ

______________________________________________________________________ 

ભારત મારી ભીતર…(વાર્તા )                લેખિકા – અવંતિકા ગુણવંત  

અનાર પચીસ વર્ષની થઈ ત્યાં સુધી કદીય એની માતૃભૂમિ ભારતમાં આવી જ ન હતી.અનારના પપ્પા સુશીલભાઈનાં બધાં સગાં અમેરિકામાં સ્થાયી થયાં હતાં.તેથી ભારતમાં આવવાનો કોઈ પ્રસંગ ઉપસ્થિત થયો ન હતો. લગ્નપ્રસંગ પણ અમેરિકામાં ઉજવાતો.

જ્યારે જ્યારે વેકેશન પડે ત્યારે સુશીલભાઈ દુનિયાના બીજા દેશોમાં જવાનું ગોઠવતા.અનારની મમ્મી બેલા ભારત જવાની વાત ઉચ્ચારે ત્યારે તરત સુશીલભાઈ બોલતા, ‘શું દાટ્યું છે એ ધૂળિયા ગરમ દેશમાં ? જ્યાં નજર કરો ત્યાં ગરીબાઈ અને ગંદકી જ નજરે પડે.ક્યાંક ને ક્યાંક હડતાળ,આંદોલન, ભાંગફોડ,સરઘસ ચાલતાં જ હોય.એવા ઘોંઘાટિયા-ગરબડિયા દેશથી માંડ છૂટ્યાં છીએ,હજી શું બાકી રહ્યું છે કે એ સર્વશ્રેષ્ઠ માતૃભોમકા યાદ આવે છે ?’

સુશીલભાઈની તીખી વાણી સાંભળીને બેલા કોઈ દલીલ ન કરતી;પરંતુ અનાર કૉલેજમાં ગઈ અને વિભિન્ન દેશોની સંસ્કૃતિઓ વિશે માહિતી મેળવતી ગઈ ત્યારે એણે વાંચ્યું કે ભારતીય સંસ્કૃતિ સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે,એની સમકાલીન સંસ્કૃતિઓ નાશ પામી છે પણ ભારત દેશની સંસ્કૃતિ પરિવર્તન પામતી ગઈ છે. એનામાં કંઈક ઉમેરાયું છે, કંઈક બાદ થયું છે પણ એ જીવંત છે.આવી પ્રાણવાન સંસ્કૃતિની પોતે વારસદાર છે એ વાતે અનારે ગૌરવ અનુભવ્યું અને ભારતમાં આવવાની એને પ્રબળ ઝંખના જાગી.અનારે ઘરમાં વાત કરી ત્યારે એના પપ્પા બોલ્યા,‘જઈશું કોઈ પ્રસંગ આવે.’અનાર જરાય હતોત્સાહ થયા વિના બોલી,‘ડેડી,પ્રસંગની રાહ જોઈને બેસી ના રહેવાય, આપણે જઈએ એ જ પ્રસંગ,મોટો પ્રસંગ.’અને અનાર ભારત આવી,એની મમ્મીને પણ ભારત આવવાનું હતું પણ પતિને નારાજ કરવાની એનામાં હિંમત ન હતી તેથી તે આવી શકી નહીં.

અનારે ભારતમાં પગ મૂક્યો ને એના મોસાળિયાઓ તથા બીજાં સગાં સ્નેહીઓનો પ્રેમ જોઈને કોઈ નવા ભાવવિશ્વમાં વિહરવા માંડી.એ વિચારે છે કે મારા ડેડીનાં બધાં સગાં અમે અવારનવાર મળીએ છીએ,ખૂબ મઝા કરીએ છીએ,પણ ભારતની વાત તો અલગ જ છે.અહીં સ્નેહભરી કેટલી કાળજી !કેટલી આત્મીયતા !અગાઉ જણાવ્યા વગર એમના ઘેર જઈ પહોંચીએ તોય ભરપૂર પ્રેમભર્યો આવકાર મળે.આપણને મનગમતી વાનગી ખવડાવે અને આપણું બાદશાહી સ્વાગત કરે. હું બેલાની દીકરી છું,એવું જાણીને બેલા ઉપરનું એમનું બધું વહાલ મારી પર વરસાવે. હેતથી ભેટે અને કહે, ‘તું બરાબર બેલા જેટલી જ ઊંચી છે.’કોઈ કહે,‘તારું કપાળ બરાબર તારી માસી જેવું છે અને વાન તારી નાનીમા જેવો છે.’મારું શું કોના જેવું છે એ સાંભળવાનું મને ગમે છે. એનાથી મને કોઈ સ્ટેટ્સ મળતું હોય એવું લાગે છે. કોઈ મને ‘મારી દીકરી’ કહે છે, કોઈ બહેન કે દીદી કહે છે, કોઈ માસી કહે છે,આવા સંબોધનમાં ગાઢ સ્નેહનો અનુભવ થાય છે.

અનારને પાણીપૂરી અને ભેળપૂરી બહુ ભાવે,એમાંય જો કોઈ એને સ્કૂટર કે બાઈક પર બહાર ખાવા લઈ જાય તો ખુશ ખુશ.તાપ-તડકાની પરવા કર્યા વિના રખડે.આવી રખડપટ્ટીના લીધે એને તાવ આવી ગયો,પથારીમાં પડી. સગાંઓએ જાણ્યું કે તરત તેઓ દોડી આવ્યાં.અંજુમામીએ આવીને રેકી આપી, તો ભરતમાસાએપ્રાણિક હીલિંગથી સારવાર આપી.મધુકાંતમાસાએ આયુર્વેદિક ઉપચાર સૂચવ્યા.જો કે અનારનાં નાનાજીએ ડૉક્ટરને તરત વિઝિટે બોલાવ્યા હતા પણ સગાંઓને ક્યાં ધરપત રહે એવું હતું ?નાનીમાએ તો મોટરમાં નહિ પણ ચાલતા મહુડી જવાની બાધા રાખી હતી, તો મમ્મીની ફ્રેન્ડ સુધામાસીએ પદ્માવતીને ચૂંદડી ઓઢાડવાની બાધા રાખી.અનાર તો હરખાય છે કે વાહ હું તો મોટી રાજકુંવરી હોઉં એવા લાડ મને મળે છે,તેઓ બધા ચિંતા કરે છે છતાં મને કહે છે, ‘બેટી, ચિંતા ના કરીશ, આવું તો થાય. એકાદ બે દિવસમાં મટી જશે.’ અનાર હસીને કહે,‘અરે મને આવાં લાડ મળ્યાં, હું તો ખુશ થાઉં છું, ખૂબ ખુશ.’રુચિ માસી તો અનારની પાસે બેસીને એને એકધારું પંપાળ્યા કરે છે.અનાર કહે, ‘માસી વાતો કરો ને.’તો રુચિમાસી કહે, ‘હમણાં હું તારા માટે પ્રાર્થના કરું છું,તાવને વિનંતી કરું છું કે પ્લીઝ તું વિદાય થઈ જા.’ વૈશાલીમામી કહે, ‘મેં એકવીસ સામાયિક કરવાની બાધા રાખી છે, અનાર કાલ સુધીમાં તું પહેલાં જેવી થઈ જઈશ.’

સ્વજનોનું આવું અઢળક હેત પામીને અનાર તાજુબ થઈ ગઈ.એ વિચારે છે, મેં આ બધાંને શું આપ્યું છે ?કશું નહીં.થોડા દિવસમાં હું અમેરિકા ચાલી જઈશ, પછી ક્યારે મળીશું કોણ જાણે ?પણ તેઓ એવું ક્યાં વિચારે છે ? મારી પાસેથી કંઈ મેળવવાની એમને અપેક્ષા નથી.મારામાં એવી કોઈ વિશેષતા નથી કે તેઓ મને આટલું બધું હેત કરે.કેટલી સ્વાભાવિકતાથી તેઓ સતત મારા વિશે જ વિચારે છે.અમેરિકામાં હું ઘણી વાર માંદી પડી છું,અશક્તિ લાગે અને પથારીમાં પડી રહેવું પડે ત્યારે મોમ કે ડેડી ડૉક્ટર પાસે લઈ જાય,દવા લઈ આવીએ એટલે વાત ખતમ.મોમ ડેડીએ કદી આવી ચિંતા નથી કરી.આવાં લાડની તો મને કદી કલ્પના જ નથી આવી.અનાર પથારીમાં પડી પડી પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિની તુલના કરે છે.એને લાગે છે કે અમેરિકામાં અમે ચીજવસ્તુઓને પ્રેમ કરીએ છીએ પણ વ્યક્તિને નહીં.અમે બધું ડૉલરથી માપીએ છીએ.અમારે મન ભૌતિક ચીજવસ્તુઓ અને ભૌતિક વિકાસનું મૂલ્ય છે, અમે સ્વકેન્દ્રી છીએ. બીજાને આવો નિરપેક્ષ, નિઃસ્વાર્થ હેત ના કરી શકીએ. પોતાના માનસનું પૃથક્કરણ કરતાં અનારને ખ્યાલ આવે છે કે અમેરિકામાં હતી ત્યારે પોતાની પાસે શું શું નથી એની યાદી બનાવ્યા કરતી,અને જે ન હતું એના માટે અજંપો ભોગવતી.જ્યારે અહીં ભારતમાં આવ્યા પછી શું શું નથી એનો બળાપો ક્યાંય ઊડી ગયો.અહીંના હેતપ્રેમે એને સમૃદ્ધિથી છલકાવી દીધી.અનાર વિચારે છે,હવે તો હું વારંવાર ભારત આવીશ.અહીંથી જતાં પહેલા અહીંના બધાંના ફોટા પાડીને અમેરિકામાં મારા રૂમની ભીંતો પર લટકાવીશ.

બે દિવસમાં અનાર સાજી થઈ ગઈ. ઘરનાં બધાંને શાંતિ થઈ. એના મામાની દીકરી શ્વેતાએ કહ્યું :‘અનાર, તને અહીં રહી જવાનું મન થાય છે ?’
‘મન તો થાય છે પણ….’
‘પણ શું…. અહીં રહી જાને, આપણે મઝા કરીશું.ત્યાં તું ઈન્ડિયા મીસ કરીશ.’
‘અરે, હવે આખું ઈન્ડિયા મારી અંદર જ ધબકે છે. હું જ્યાં જઈશ ત્યાં ઈન્ડિયા મારી અંદર સચવાયેલું જ રહેશે.’ અનાર છલકાતા હેતથી બોલી.
‘તને એવું થાય છે કે તું આ પહેલાં કદીય ઈન્ડિયા ન આવી તેથી તેં ઘણું બધું ગુમાવ્યું છે ?’ શ્વેતાએ પૂછ્યું.


‘શ્વેતા, અમેરિકામાં પણ હું ઘણું બધું પામી છું. મારી આ વિચારશક્તિ, આ નિર્ણયશક્તિ,ડર કે સંકોચ રાખ્યા વિના જ્યાં જવું હોય ત્યાં જવાની હિંમત મને અમેરિકાએ આપ્યાં છે. મારી મોમ ઈન્ડિયામાં જન્મી અને ઈન્ડિયામાં કેળવાઈ છે,તે સ્વતંત્રપણે કંઈ કરી શકતી નથી. તે સારું ખોટું,યોગ્ય અયોગ્ય સમજી શકે છે પણ તેને જે સાચું લાગે તે કરવાની હિંમત એનામાં નથી.તે નાની નાની વાતમાંય ડરે છે.એ પોતાને ગમે તે પ્રમાણે કરવાને બદલે ડેડીને ગમે એ પ્રમાણે કરે છે.એનામાં જે શક્તિ છે એનો વિકાસ થયો નથી.તે કદી ડેડીને સમજાવવાનો પ્રયત્ન નથી કરતી.મારી મોમ અઢારમી સદીમાં જીવે છે.એને ઘરમાં શાંતિ રહે,પપ્પા નારાજ ના થાય એટલે સુખ લાગે છે.હું મારી મોમ જેવી નથી.હું મારા મનને ગૂંગળાવી ન શકું,મારું શોષણ ન થવા દઉં. અમેરિકાના ઉછેરે સાચા અર્થમાં મને મુક્ત રાખી છે.હું કોઈ પરંપરા,પ્રથા કે રિવાજને આંખો મીંચીને અનુસરી ન શકું.મારાં જીવનમૂલ્યો મારી મમ્મીનાં મૂલ્યો કરતાં જુદાં છે.અમેરિકામાં મહેનત કરીને દરેક જણ પોતાનું જીવન બનાવે છે. ત્યાંના વાતાવરણે મને નીડર બનાવી છે. હું કોઈથી ગભરાતી નથી, સંજોગો વિપરીત હોય તો ય ચિંતા,મૂંઝવણ,ક્રોધ,લાચારી બધા પ્રકારની લાગણીને કંટ્રોલમાં રાખતાં મને આવડે છે.જીવનના સંઘર્ષમાં આ બધાની જરૂર પડે છે.હું લાચારી અનુભવીને મારી વાત છોડી નથી દેતી.

જો કે એક વાત સાચી છે,ઈન્ડિયાએ પણ મને ઘણું આપ્યું છે.મારી લડાઈ મારે કેવી રીતે લડવી એ અમેરિકાએ મને શીખવ્યું છે,તો જીવનની લડાઈમાં ક્યારેક જો હું નિષ્ફળ જાઉં તો કેવી રીતે જીવવું એ ઈન્ડિયાએ મને શીખવ્યું છે.સંયમ,સમતા,ઉદારતાનો અહીં આવીને મને અનુભવ થયો.જીવનમાં એ બધા ગુણો જરૂરી છે.આંતરિક તાકાતનો ખ્યાલ અહીં આવ્યા પછી મને વિશેષ રૂપે મળ્યો.મારા ઈન્ડિયા ઓરિજીનનું મને ગૌરવ છે.અને ખાસ તો બેઉ સંસ્કૃતિનો મને ફર્સ્ટહેન્ડ પરિચય થયો તેથી મારા વ્યક્તિત્વને જુદો જ નિખાર મળ્યો છે.શ્વેતા,ખરેખર હું ખૂબ નસીબદાર છું.બેઉ સંસ્કૃતિની હું વારસદાર છું.હું અવારનવાર ભારત ના આવી શકું તોય મારામાં ભારત જીવતું જ હશે.’

(રીડ ગુજરાતી .કોમ માંથી સાભાર)

______________________________________________

 આવક, શિક્ષણમાં બધા કરતાં મોખરે – ઈન્ડિયન-અમેરિકન્સ

 વોશિંગ્ટન: – એક નવા સર્વેક્ષણ મુજબ, અમેરિકામાં એશિયન-અમેરિકન્સ રહીશો સૌથી વધારે આવક ધરાવનારાઓ છે,શ્રેષ્ઠ પ્રકારનું શિક્ષણ હાંસલ કરનારાઓ છે અને ઝડપથી વિકાસ પામી રહેલા વંશીય ગ્રુપ છે. એમાંય, ઈન્ડિયન-અમેરિકન્સ આવક તથા શિક્ષણના સ્તરે બધાય કરતાં મોખરે છે.

૨૫ વર્ષના કે તેથી વધુની વયના દર ૧૦ ઈન્ડિયન-અમેરિકન્સમાંના સાત જણ પાસે કોલેજ ડિગ્રી છે.તેની સરખામણીમાં કોરિયન-અમેરિકન્સ,ચાઈનીઝ-અમેરિકન્સ,ફિલિપીનો-અમેરિકન્સ કે જાપાનીઝ-અમેરિકન્સમાં અડધા ભાગના પાસે એવી ડિગ્રી છે.

 હાઉસહોલ્ડ ઈન્કમની દ્રષ્ટિએ પણ ભારતીયો અન્ય વસાહતીઓથી મોખરે છે.

પ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં આ વિગતો દર્શાવવામાં આવી છે. 

બેશક ,દરેક ભારતીય માટે આ એક ગર્વ લેવા જેવી વાત છે પણ આવા સર્વેક્ષણ કરાવીને અને તેને જાહેર કરીને અમેરીકનોમાં ભારતિયો માટેનો રોષ અને ઈર્ષા તો નથી વહોરી લેતાં ને? ભારતીયોની આ સિદ્ધિ એમની અથાગ મહેનતનું પરિણામ છે એ અમેરીક્નોએ ભૂલવું ન જોઈએ.  

(આભાર- શ્રી મનસુખલાલ ગાંધી અને મૂળ સ્રોત- ચિત્રલેખા, June 19, 2012)

____________________________________________________________________

(આભાર- શ્રી મનસુખલાલ ગાંધી અને અન્ય -ઈ મેલમાંથી )

 

 

 

(60) ફાધર્સ ડે(પિતૃ દિન) પ્રસંગે પૂજ્ય પિતાશ્રીને વંદન અને હાર્દિક શ્રધાંજલિ

 માતાની જેમ પિતા પણ ગુણગાનના અધિકારી

પિતાને ગામઠી ભાષામાં બાપા કહેવામાં આવે છે. ‘બાપા” એટલે બાનો પા ભાગનો પ્રેમ ધરાવતી વ્યક્તિ એમ ઘણાં કહેતાં હોય છે.પરંતુ પ્રેમનું આ પરિમાણ સત્ય નથી.બાના હૈયે સંતાનો પ્રત્યે જેટલો પ્રેમ અને મમત્વ હોય છે એટલો જ બાપને હૈયે પણ હોય છે.એટલેતો આપણા વેદો અને પુરાણોમાં યુગોથી સંસ્કૃત ભાષામાં કહેવાતું આવ્યું છે ‘ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ…’ એટલે કે માતા અને પિતા બન્ને સરખા વંદનીય છે.

માતાના પ્રેમ અને ત્યાગ અંગે સંત મહાત્માઓ વ્યાખ્યાનકારો અને કથાકારો માતાના ગુણ ગાન ગાવામાંથી થાકતા નથી.લેખકો અને કવિઓ પણ માતાના જ વખાણ કરતાં કાવ્યો અને લેખો લખીને માતાને ખુબ મહત્વ આપતાં હોય છે .આની સામે પિતા વિષે બહું જ ઓછું લખાયું કે બોલાયું છે.આધુનિક સમયમાં પહેલાં કરતાં માતાની સાથે પિતા પણ જોબ,ઘરકામ અને પોતાના સંતાનોના ઉછેર,શિક્ષણ વિગેરે પાછળ વધુ સમય આપતા જ હોય છે તો તેઓ પણ મહત્વના અધિકારી કેમ નહીં ?

આપણને દૈનિક જીવનમાં સગવડ કરી આપનારી માતાને  યાદ કરીએ એની સાથે સાથે જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા અને સંતાનોના જીવન વિકાસની ચિંતા કરતા પિતાના ત્યાગને ભૂલવો ન જોઈએ.

દેવકી-યશોદાના કાર્યની પ્રશંશા કરવામાં આપણે નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળ કૃષ્ણને સુરક્ષિત પણે સાચવીને લઇ જનારા વાસુદેવને સહજતાથી ભૂલી ન જવા જોઈએ.રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે તો પિતા દશરથ જ હતા ને !

ઘરના સભ્યો માટે પોતાની ઈચ્છાઓ અને જરૂરિયાતો  કોરાણે મૂકી દેતા પિતા કેટલા મહાન હોય છે એ મેં નજરે જોયું અને અનુભવ્યું પણ છે.એક બાપ એનાં સંતાનોને એના કરતાં સવાયાં બનાવવા હંમેશાં  ઝંખતો હોય છે.

વિશ્વમાં એવા કેટલાય દાખલા જોવા મળે છે કે નાનપણમાં જેની મા ગુજરી ગઇ હોય છે તેવાં સંતાનોને એમના ઉછેર અને અભ્યાસમાં એના પિતા મા અને બાપ બંનેનો ભેગો અવિરત પ્રેમ અને સાથ આપીને સતાનોના જીવનને સફળ બનાવવા માટે પોતાનાથી બનતા બધા પ્રયત્નો છૂટે છે.

હકીકતમાં ફાધર્સ ડેની ઉજવણી કરવાનો મૂળભૂત ખ્યાલ એક પિતાના સંતાનો પ્રત્યેના પ્રેમ,લાગણી અને દેખભાળ અને ત્યાગને યાદ કરી એને માન પૂર્વક નવાજવાના ઉત્તમ વિચારમાંથી જન્મ્યો છે,એ એનો  ઇતિહાસ જોતાં સ્પષ્ટ થાય છે.

ફાધર્સ ડે નો ટૂંકો ઇતિહાસ

અમેરિકાના પશ્ચિમ છેડે આવેલા વૉશિંગ્ટન રાજયના સ્પોકેનમાં ૧૯૦૯માં મિસિસ સોનોરા બી ડોડે (સોનોરા લુઇસ સ્માર્ટ ડોડે) ફાધર્સ ડે ઉજવણીનો આરંભ કર્યો હતો.

સોનોરાના પિતા વિલિયમ જેકસન સિવિલ વૉરના લડવૈયા હતા.એમનાં પત્ની મિસિસ સ્માર્ટ એમના છઠ્ઠા બાળકને જન્મ આપી સુવાવડમાં મૃત્યું પામ્યાં.નવજાત બાળક તથા અન્ય પાંચ બાળકોને ઉછેરવાની જવાબદારી ગામડામાં ખેતરમાં રહેતા મિ.સ્માર્ટને શિરે આવી પડી.મિસ્ટર મોમ તરીકે પંકાયેલ આ એકાકી વિધુર બાપે મા વિહોણા છ બાળકોને માની જરાયે ખોટ પડવા ન દીધી અને બાળકો પર અગાધ પ્રેમ અને લાગણીનો ધોધ વર્ષાવી પૂરી સંભાળ સાથે ઉછેર્યાં અને શીક્ષિત કર્યા .

મિસિસ સોનોરા ડોડ જ્યારે પુખ્ત ઉમરની થઇ ત્યારે એક રવિવારે ચર્ચમાં ‘મધર્સ ડે’વિષે પાદરીની વાત સાંભળતાં પોતાના પિતાએ એકલે હાથે છ બાળકોને ઉછેરવા માટે આપેલ ભોગ અને પરિશ્રમ ઉપર વિચાર કરતાં એને લાગ્યું કે મધર્સ ડે ની માફક પિતાને પણ સન્માનવા માટે એક અલગ દિવસ નક્કી કરી ‘ફાધર્સ ડે’ ઉજવવો જોઈએ .આ પછી સૌથી પહેલો ફાધર્સ ડે  જુન,૧૯ ૧૯૧૦ના રોજ સ્પોકેન, વોશિંગટનમાં ઉજવાયો.ધીમે ધીમે ફાધર્સ ડેની ઉજવણી બીજા રાજયોમાં ફેલાતી ગઇ.ઉત્તર અમેરિકામાં શરૂ થયેલ આ પ્રથા ધીરે ધીરે દુનિયાના બીજા દેશોમાં પણ પ્રસરી ગઇ છે.

૧૯૧૬માં પ્રેસિડન્ટ વુડ્રો વિલ્સને આ પ્રથાને અપનાવી.૧૯૨૪માં અમેરિકન પ્રેસિડન્ટ કેલ્વિન કુલીજે ફાધર્સ ડેને એક રાષ્ટ્રિય તહેવાર તરીકે ઉજવવાના વિચારને પ્રોત્સાહન આપ્યું.છેવટે ૧૯૬૬માં પ્રથમ તત્કાલીન પ્રેસિડન્ટ લિન્ડન જહોન્સને અને ત્યારબાદ ૧૯૭૨માં પ્રેસિડન્ટ નીક્શને ફાધર્સ ડેને રાષ્ટ્રિય દિન તરીકે ઉજવવાના નિર્ણયના ખરડા ઉપર સહી કરી કાયદાકીય સ્વરૂપ આપ્યું ત્યારથી અમેરિકામાં દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે રાષ્ટ્રિય દિન તરીકે ઉજવાય છે.

પિતાનું મહત્ત્વ કુટુંબમાં ઘણું આદરણીય છે.ફાધર્સ ડેનો દિવસ ફક્ત પિતાને જ સન્માનવાનો દિવસ નથી પણ પિતાની અવેજીમાં પ્રેમ, આદર, લાગણી વરસાવનાર કે સંભાળ લેનાર દાદા,કાકા, મામા, માસા કે મિત્ર જે કોઇએ પિતા જેવો જ તમારા જીવનમાં અગત્યનો ભાગ ભજવ્યો હોય તે સૌનું  ફાધર્સ ડેના દિવસે સન્માન કરવામાં આવે છે.

‘હેપીફાધર્સડે’ ’ના શબ્દોથી પિતાને નવાજવામાં આવતાં પિતાનું દિલ હરખાય છે.મધર્સ ડે’ ઉપર માતાને અને ફાધર્સ ડે’ઉપર પિતાને સંતાનો નવાજે અનેપ્રેમ વર્શાવે  એ સારી વાત છે એની સાથે સંતાનોનો પ્રેમ વર્ષ દરમ્યાન પણ જળવાઈ રહે એવી દરેક માં-બાપ અંતરમાં ઝંખના રાખતા હોય છે. પિતા પ્રત્યેના પ્રેમના પ્રતિક રૂપે અનેક પ્રકારના શુભેચ્છા કાર્ડ અને નાની મોટી ભેટ પિતાને આપવાની પ્રથા મધર્સ ડે જેટલી જ મહત્ત્વની બની છે.સંતાનો પિતાને રેસ્ટોરન્ટમાં જમવા લઇ જાય છે.આમ વિવિધ રીતે પિતાને કેન્દ્રમાં રાખી એમને આ દિને નવાજવામાં આવે છે.

                                                                             ‘હેપી ફાધર્સ ડે’

    ફાધર્સ ડે ના આ અવસરે વિનોદ વિહારના વાચકો અને સ્નેહીજનોને હાર્દિક અભિનંદન 

 સાથે અનેક  શુભેચ્છાઓ. ‘હેપી ફાધર્સ ડે’ 

 સાન ડીયેગો                                                                           —– વિનોદ આર. પટેલ

__________________________________________________________________

એક શિક્ષક પિતાના ત્યાગની કરુણ કથા“પત્ની છાયા “

આ અગાઉ મારા બ્લોગમાં પોસ્ટ કરેલ એક આદર્શ શિક્ષક પિતાના પુત્ર પ્રેમને ઉજાગર કરતી મારી 

સ્વ-રચિત વાર્તા “પત્ની છાયા ” નીચેની લિંક ઉપર વાંચો.  

https://vinodvihar75.wordpress.com/2011/09/22

આ વાર્તામાં નાની ઉમરે વિધુર બનેલ એક આદર્શ શિક્ષક રમણલાલ જાની પોતાના દીકરાને ઉછેરી,ભણાવી પોતાની આવકમાંથી ઉભું કરેલું ઘર પોતના પુત્રને સોપીને જાતે વૃદ્ધાશ્રમમાં જવાનો નિર્ણય લે છે.એક પિતા પોતાના પુત્રની ખુશી માટે પોતાના સુખની પણ પરવા કર્યા સિવાય કેવો ત્યાગ કરી શકે છે એનું આ વાર્તા એક ઉદાહરણ છે.

______________________________________________________________

એક દીકરીનો પિતા પ્રત્યેનો પ્રેમ  

અમેરિકાની લેખિકા મેરીલીન હૉલેટે પોતાના પિતાને યાદ કરી લખેલ આ નાનકડો લેખ વાંચવા જેવો છે.પ્રસંગ તો છે પિતાના સવારના દાઢી કરવાના નિત્ય કર્મનો પરંતુ એમાં એક દીકરીના પિતા પ્રત્યેના પ્રેમના હૃદયના ભાવ બાખુબી પડઘાય છે. 

” મારા ડેડીને હું યાદકરું છું..હું ગમે તેટલી વહેલી ઊઠી જાઉં, પણ ડેડી તો મારા કરતાં વહેલા ઊઠી જ ગયા હોય છે.અને પછી હંમેશા તેમના ચહેરા ઉપર સવારનું સ્મિત હોય છે.તેમણે ટ્રાન્ઝિટરમાં મુકેલું સંગીત સંભળાતું હોય છે.દાઢી બનાવતી વખતે તેમનો આ નિયમ છે.એક ખરબચડા જૂના સ્ટૂલ ઉપર બેસીને તે દાઢી કરતા હોય છે. તેમનો રોજિંદો ભરચક કાર્યક્રમ શરૂ થાય તે પહેલા અમે બન્ને ટુચકા કહીને એકબીજાને હસાવીએ છીએ.હું તેમનું સાબુનાં ફીણવાળું મોઢું જોઈ એને હસું છું.તેમના શેવિંગ ક્રીમની સુગંધ મને ગમે છે. ડેડી ટાલ્ક પાઉડર વાપરે છે. ઓલ્ડ સ્પાઈસનું શેવલોશન વાપરે છે.આ શેવલોશનની સુગંધ સાથે તેમના જીવનના રમૂજી ટુચકાની સુગંધ ભળે છે.તેઓ મને તેમના જીવનના રસિક પ્રસંગો કહી સંભળાવે છે.ડેડીની આજુબાજુ તમે હો તો હાસ્ય વગર રહી જ ન શકો…અને બીજીવાત.મારા ડેડી કેટલી વ્યવસ્થિત રીતે દાઢી કરે છે તે જોવા જેવું હોય છે.શરૂમાં તે ટુવાલના ટુકડાને ગરમ પાણીમાં બોળીને વ્યવસ્થિત રીતે દાઢીના વાળને કૂણા કરે, તે પછી એકદમ સુઘડ ઢબે એ કપડાને અમૂક જગ્યાએ મૂકે. દાઢી કરે તે જોવાની મજા પડે. પછી આખા વૉશબેસિનને સરસ રીતે સાફ કરે. તેમની સુઘડતા જાણે દાખલારૂપ બની જાય.જ્યારે ડેડી તેમની મૂછને વ્યવસ્થિત કરતા હોય ત્યારે મનોરંજન સાથે મને કંઈક શિખવતા પણ હોય છે.મારા ડેડીથી હુ હંમેશ પ્રભાવિત રહું છું.હું પણ તેમને મારા ગમા-અણગમાની વાત કરૂ છું. મને મેરીલીનને બદલે મેડી કહે છે. ડેડી સાથેનો પ્રાસ મેળવવા…. 

અને આજ મારા ડેડી નથી. પણ તેમનો પ્રેમ ગયો નથી. તેમના પ્રેમને એક કપડાની માફક ચારેકોર વીટાળું છું અને દરેક સવારે જ્યારે બેસિનની કબાટડી ઉપરના ઓલ્ડ સ્પાઈસની સુગંધ આવે છે ત્યારે મારા એકાંતમાં મારા ડેડી સાથે હું પાછી તન્મય થઈ જાઉં છું 

(આભાર-સૌજન્ય:ચેતનાની પળે-શ્રી કાન્તિ ભટ્ટ)

 _________________________________________________

અમે ચાર ભાઈ અને ત્રણ બહેનોના પિતા શ્રી રેવાભાઈ શિવદાસ પટેલ એમના જીવનની અનેક  તડકી છાયડીમાંથી પસાર થઈને એમનું ૯૨ વર્ષનું સંપૂર્ણ જીવન જીવ્યા બાદ ફેબ્રુઆરી ૪,૨૦૦૭ના રોજ સાન ડીયેગો ખાતે એમનો સ્વર્ગવાસ થયો હતો.

આ અગાઉ મેં આ બ્લોગમાં ઘણીવાર કહ્યું છે કે મારા જીવન વિકાસ ઉપર મારા માતા-પિતાએ ખુબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે.મારા પિતાશ્રીના પ્રેરણાત્મક જીવનને યાદ કરીને ફાધર્સ ડે પ્રસંગે એમને મારી નીચેની કાવ્ય રચનામાં એમને વંદન સાથે ભાવભીની  શ્રધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે.મને આશા છે એ આપને ગમશે.

                          ફાધર્સ ડે પ્રસંગે પિતૃ વંદના   

મારા પૂજ્ય પિતાશ્રી સ્વ.રેવાભાઈ શી.પટેલ
જન્મ-ફેબ્રુઆરી ૧૪,૧૯૧૫ (મહા સુદ બીજ )
સ્વર્ગવાસ-ફેબ્રુઆરી ૪,૨૦૦૭ (મહા વદ બીજ )

 

શું શું સ્મરું ને શું વિસ્મરુ,ઓ પિતા તમારી યાદમાં

 

તવ સ્મરણોના વાદળોની વર્ષામાં આજે ન્હાઈ રહ્યો.

 

પડકારો ભર્યા કંટક પંથે ,તમે પગ ઠરાવીને ધૈર્યથી

 

ગુલાબો સૌ ખીલવી ગયા,અમારા જીવનપંથે પ્રેમથી

 

ચંદન સમું જીવન તમારું ,ઘસાયું કાળના પથ્થરે

 

કરી લેપ એનો અંતરમાં,સુગંધ માણી રહ્યાં અમે

 

નિર્મિત કર્મો કરતા રહ્યા તમે ,નિષ્કામ ભાવે પ્રેમથી

 

સ્થિતપ્રજ્ઞ કર્મયોગી સમા એ જીવનને આજ વંદીએ

 

પંડે દુખો સહ્યાં ઘણાં એ જોવા કે કુટુંબ  રહે સુખી 

 

કર્મશીલ જીવનનો પાઠ અમને સૌને શીખવી ગયા

 

વિશાળ વડલા જેવી શીળી છાયા ધરી અમ શિરે

 

ચાર પેઢી નજરે નિહાળી,લીલીવાડી જોઈને ગયા

 

હયાત નથી સદેહે આજ કિન્તુ છબીને નિહાળતાં

 

અનુભવી રહ્યા જાણે ,આશીર્વાદ તમે વરસાવતા

 

જીવનભર સાથ નીભાવ્યો,માતાનો સુખ દુઃખમાં

 

મનોબળ મજબુત રાખી,જીવન સંઘર્ષ કરતા રહ્યા

 

જીવન ગીત ભલે તમારું બંધ થયું તમારા જતાં

 

છેડેલા એ સંગીતના સુરો હવામાં સંભળાઈ રહ્યા

 

શબ્દો ખરે જ ઓછા પડે ,ગણવા ઉપકારો મા-બાપના

 

કિન્તુ અલ્પ શબ્દો થકી આ, પિતૃદિને, કરું હૃદયથી વંદના.

 

કાવ્ય રચના  -વિનોદ આર. પટેલ 

_____________________________________

 

 ફાધર્સ ડે ની ભાવનાને અનુરૂપ પિતાના ગુણ ગાન કરતો એક સુંદર વીડીઓ યુ-ટ્યુબની નીચેની લીંક ઉપર

 સાંભળવાનો આનંદ લોં.

http://www.youtube.com/v/qzqSzBWw9dc?version=3&feature=player_embedded

આ વિડીયોમાં ગાયક Paul Enka પિતાને યાદ કરીને એના કર્ણ મધુર સ્વરે પિતાને શ્રધાંજલિ આપે છે.આઅંગ્રેજી ગીતમાં દરેક વાચકને પોતાના પિતાના જીવનની જ જાણે વાત ગાયક કરતો ન હોય એવું જરૂર લાગશે.

જો પિતા હાલ હયાત ન હોય એ સંજોગોમાં તો હૃદયને સ્પર્શી જાય એવા આ ગીતના પડઘા તમારા મનમાં પિતાની યાદમાં લાંબા સમય સુધી પડ્યા કરશે.

_______________________________________________________________

ભૂતકાળની માતા પિતા સાથેની એક યાદગાર  તસ્વીર  

પૂજ્ય માતા-પિતા,બે નાના ભાઈઓ(ઉભેલા),વિનોદભાઈ,સ્વ.કુસુમબેન અને અમારા બાળ પુત્ર સાથેની એક યાદગાર તસ્વીર(કઠવાડા-૧૯૬૭-૬૮)

 

 

(59) દવાની સાથે સાથે દિલથી કરેલી દુવાઓ પણ કામ કરે છે -ડો.શરદ ઠાકર

 ઘણી વખત મિત્રો એમની ઈ-મેલમાં સુંદર સાહિત્યિક માહિતી,વાતાઓ વી.મને મોકલતા હોય છે.એમાંથી મને જે ગમે એને અંગત મિત્રો/સ્નેહીજનોને વાંચવા ફોરવર્ડ કરતો હોઉં છું.

પરંતુ આજની ઈ-મેલમાં હ્યુસ્ટન રહેતા જુના મિત્ર શ્રી પદ્મકાંત ખંભાતીએ જાણીતા સર્જક ડો.શરદ ઠાકરના જીવનમાં બનેલ એક યાદગાર સત્ય ઘટના મોકલી આપી જે મને ખુબ જ ગમી ગઈ .આ વાર્તામાં રહેલો ઊંડો સંદેશ મારા મનને સ્પર્શી ગયો.

ખુબ જ અસરકારક શૈલીમાં ડો.શરદ ઠાકરે વર્ણવેલ એમના જીવનમાં બનેલ યાદગાર પ્રસંગની વાર્તા વાચકોને પણ ગમશે એમ માનીને આજની પોસ્ટમાં એને મૂકી છે.મને આશા છે આપને એ જરૂર ગમશે.

આ વાર્તા વાંચીને મને પુ.વિનોબા ભાવે અને સ્વામી વિવેકાનંદના નીચેનાં સુવાક્યો ટાંકવાનું યોગ્ય લાગ્યું.

“સેવા કરવા માટે પૈસાની જરૂર નથી.જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની.— વિનોબા ભાવે.

ઈશ્વરની શોધ બીજે ક્યાં કરવા જશો ? શું બધાં દીન દુખી અને દુર્બલ લોકો ઈશ્વર સ્વરૂપ નથી ?તો એમની પૂજા શ માટે ન કરવી ?ગંગા કાંઠે કુવો ખોદવા શ માટે જવું? – સ્વામી વિવેકાનંદ

સાન ડીયેગો                                                       —વિનોદ આર.પટેલ

_____________________________________________

  

Dr. Sharad Thaker

ડો. શરદ ઠાકર –ટૂંકો પરિચય


ડો.શરદ ઠાકર વ્યવસાયે તબીબ હોવાં છતાં છે એક લોકપ્રિય અને અનોખા સર્જક પણ છે..‘દિવ્ય ભાસ્કર’દૈનિકની બુધવારની પૂર્તિ ‘કળશ’માં ‘ડોક્ટરની ડાયરી’ અને રવિવારની પૂર્તિ ‘સન્ડે ભાસ્કર’માં પ્રસિદ્ધ થતી એમની લોક પ્રિય કોલમ‘રણમાં ખીલ્યું ગુલાબ’ના લેખક ડો..શરદ ઠાકર ઘણાં વર્ષોથી શબ્દોની આરાધના કરીને એમની કલમની કરામતનો ગુજરાતી વાચકોને પરિચય કરાવી રહ્યા છે..એમાંય ખાસ કરીને યુવા વાચકોની તો એમણે પુષ્કળ ચાહના પ્રાપ્ત કરી છે.

સમાજમાં જીવાતા જીવનમાંથી જડેલી વાર્તાઓ,હ્રદય સ્પર્શી પ્રસંગોને આવરી લેતાં ડો.શરદ ઠાકરનાં આજ દિન સુધી લગભગ ૩૫થી એ વધુ પુસ્તકો બહાર પડી ચૂક્યાં છે.ડો.ઠાકર માણસના દિલને સ્પર્શે તેવી વાતને ખૂબજ સરળતાથી રજુ કરે છે.તેમની કલમમાંથી હૃદયને સ્પર્શે એવી રસાળ શૈલીમાં શબ્દો સાહજિકતાથી નીતરે છે.એક સાથે એક આંખમાં આંસુ અને બીજી આંખમાં મુસ્કાન લાવવાની તાકાત આ ગુજરાતી સર્જકમાં રહેલી છે.

ડો.ઠાકરનો પુસ્તક પ્રેમ

કોઇ વાંચનપ્રેમી વ્યક્તિની અંગત લાયબ્રેરીમાં કેટલા પુસ્તકો હોઇ શકે?બે-પાંચ હજાર?બસ!કલ્પના આટલી જ કરી શકાય પણ શરદભાઇની અંગત લાયબ્રેરી આઠ હજાર પુસ્તકોથી સમૃદ્ધ છે.તેમણે અત્યાર સુધીમાં ૧૫ હજાર પુસ્તકો વાંચ્યા છે.ગુજરાતની ભાવુક પ્રજા શરદ ઠાકરને ખૂબ વાંચે છે પરંતુ આ સર્જકને ગમતા સર્જક કનૈયાલાલ મુનશી,ઝવેરચંદ મેઘાણી અને પન્નાલાલ પટેલ છે. ડો.શરદ ઠાકરે સિંહપુરુષ વીર સાવકરનું દળદાર પુસ્તક લખવા માટે બે વર્ષ સુધી રિસર્ચ કર્યું હતું.વીર સાવરકર વિશેના કુલ ૪૦ હજાર પાના વાંચ્યા પછી તેમણે આ મહાન ઐતિહાસિક પાત્રના આલેખનને ન્યાય આપ્યો.(સૌજન્ય-દિવ્ય ભાસ્કર)

____________________________________________

 

 ડૉ.શરદભાઇ અમદાવાદ શહેરના જાણીતા રોગ  નિષ્ણાંત

છે અને સાહિત્ય સર્જક છે.એમના જીવનનો આ યાદગાર

પ્રસંગ એમના જ શબ્દોમાં :

 

દવા ની સાથે સાથે દિલ થી કરેલી દુવાઓ પણ કામ કરે

છે -ડો.શરદ ઠાકર 

 

“આ વાતને વીસ વર્ષ થયાં છે.

મારે ત્યાં દીકરાનો જન્મ થયો. સમય કરતાં એ ઘણો

વહેલો આવી ગયેલો. જન્મ સમયે એનું વજન માંડ દોઢ

 કિલોગ્રામ. અત્યંત નબળો બાંધો. મારા મિત્ર ડૉકટરે

સલાહ આપી કે,તાત્કાલિક એને નારણપુરા ખાતેની એક

પ્રસિધ્ધ હૉસ્પિટલમાં લઇ જાવ. એને કાચની પેટીમાં ઘણો

લાંબો વખત રાખવો પડશે.

આખા અમદાવાદમાં એ સમયે માંડ બે-ત્રણ જગ્યાએ જ

કદાચ આ સુવિધા ઉપલબ્ધ હતી.

મારા દીકરાને દાખલ કર્યો. એ સમયે અન્ય નવજત
 
બાળકો પણ ત્યાં હતાં. બે-ત્રણ દિવસે એકાદ બાળક ઇશ્વરને
 
પ્યારું થઇ જતું હતું. હું ખૂબ જ હતાશ થઇ ગયો હતો.
 
ડૉક્ટર પણ એમના શક્ય તમામ પ્રયાસો કરતા હતા.મારા
 
દીકરાની સ્થિતિ ઘણી જ ચિંતાજનક હતી.
 

આ પરિસ્થિતિમાં મણિનગર ખાતેનું મારું દવાખાનું પણ

ચાલુ રાખવું જરૂરી હતું. કારણ મારા દર્દીઓને તકલિફ પડે,

તો જાય ક્યાં? હું આખી રાત મારા દીકરા પાસે રહેતો

અનેસવારે ઘેર આવી, નાહી-પરવારી સવારના દર્દીઓને

તપાસતો. બપોરે થોડોક આરામ અને સાંજની ઓપીડી

પતાવી, પાછો પહોંચી જતો દીકરા પાસે.

મારા દીકરાની હાલતમાં ખાસ કોઇ સુધારો જણાતો ન

હતો. આપરિસ્થિતિમાં એને અન્ય જગ્યાએ લઇ જવો પણ

કેવી રીતે?ડૉક્ટરે પણ ઉપરવાળાઉપર ભરોસો રાખવાનો

દિલાસો આપી દીધેલો.એક દિવસે સાંજના મારી ઓપીડી

પતાવી હું દીકરાને જોવા અધીરો થઇ રહ્યો હતો,

ત્યાં જ મારા સ્ટાફ નર્સે કહ્યું કે કોઇ મુસ્લિમ બાઇ આવી છે.
 
મેં કહ્યું કે, સમય પૂરો થઇ ગયો છે. કાલે આવવાનું કહો. 
 
 
 
હું દરવાજા બંધ કરી બહાર નીકળી રહ્યો હતો ને એ
 
મુસ્લિમ બાનુ હાથ જોડી મને કરગરી રહીહતી.હું ગુસ્સે થઇ
 
ગયો. ‘મારે બહાર જવાનું છે. તમે કાલે આવજો.’ જવાબમાં
 
એ રીતસરની મારી સામેઝૂકી પડી. ‘સાહેબ, ખાનપુરથી
 
ચાલતાં આવ્યા છીએ.મારી હાલત જુઓ. અવતીકાલે પાછું
 
ચાલીને જ આવવું પડશે. દયા કરો સાહેબ, અલ્લાહ….
 
તમારા દીકરાને ખૂબ લાંબુ આયુષ્ય આપશે…..’
 

હું સડક થઇ ગયો. એનું છેલ્લું વાક્ય મારા હૃદયની

આરપાર નીકળી ગયું. પાછો વળી ગયો.

એ બાઇને ખૂબ શાંતિથી તપાસી, જરૂરી દવાઓ પણઆપી.

’કેટલા પૈસા આપું,સાહેબ?’એના હાથ ફરી જોડાઇ ગયા. હું

એને જોઇ જ રહ્યો. જે બાઇ આઠ-દસકિલોમીટર ચાલીને

આવી હોય. એની પાસેથી શું લઇ શકાય?

મારાથી બોલાઇ ગયું, ‘બહેન… તું મને ફરીથી દિલથી દુવા

આપ….મારા માટે એ જ તારી ફી છે.’

બાઇએ જીર્ણ થઇ ગયેલા સાડલાથી આંખો લૂછી ખરી,

પણ …. આભારવશ બનેલી એ આંખો કાબૂમાં ના

રહી.’અલ્લાહ…. આપકે બેટેકો લમ્બી ઉમ્ર દે….’

એના અંતરના આશીર્વાદ લઇ, હું જાણેહલકોફૂલ થઇ ગયો.

અને પછી જે ચમત્કાર સર્જાયો, એ આજીવન નહીં ભૂલાય.

મારા ફોનની ઘંટડી રણકી ઊઠી, ‘શરદભાઇ… ગુડન્યૂઝ.

ઇંગ્લૅંડથી મારા એકપરિચિત ડૉક્ટર આપણી હૉસ્પિટલમાં

આવ્યા છે.તમારા દીકરાને એમણે તપાસીઇંગ્લૅંડથી લાવેલું

એક ઇંજેશન પણ આપી દીધું છે, દીકરો રડી રહ્યો છે. 

ડૉક્ટર મિત્રનું કહેવું છે કે, એ ઘણો જ સ્વસ્થ છે. ચિંતા
 
કરવાની કોઇ જરૂર નથી.
 
 
તમે જલદીથી દીકરાને મળવા આવીજાવ…’
 

હું હૉસ્પિટલ પહોંચ્યો, ઇંગ્લૅંડથી આવેલા ડૉક્ટર મને ભેટી

પડ્યા. ને હું હીબકે ચડી ગયો…. મારા દીકરાએ પણ મારી

સાથે સૂર પુરાવ્યો ત્યારે બંને ડૉક્ટરોની પણ આંખો ભીની

થઇ ગઇ.

_______________________________

 ડો.શરદભાઈની વાર્તાઓનો આસ્વાદ

ડો.શરદભાઈની હૃદયસ્પર્શી અને સંવેદન શીલ વાર્તાઓનો આસ્વાદ મેળવવા માટે વાચકોને ડો.શરદ ઠાકરના ચાહક શ્રી જુલીએટ મર્ચન્ટના બ્લોગની નીચેની લીંકની સાભાર મુલાકાત લેવા વિનંતી છે.આ બ્લોગમાં એમણે ડો. ઠાકરની ઘણી જ સુંદર વાર્તાઓ મૂકી છે.

ડો.શરદ ઠાકર ની વાર્તાઓ નો આસ્વાદ લેવા અહીં ક્લિક કરો.

_____________________________________________________________________

ડો.શરદ ઠાકરનું એક પ્રભાવશાળી વક્તૃત્વ

ડો.શરદભાઈ જેટલું સારું લખે છે એવું જ સારું અને ખુબ જ અસરકારક પ્રવચન પણ આપી શકે છે એની પ્રતીતિ કરવા માટે એમણે મહુવા ખાતે પુ, મોરારી બાપુ આયોજિત અસ્મિતા પર્વ ખાતે આપેલ એમનું પ્રવચન સાંભળવું જોઈએ.નીચેના યુ-ટ્યુબના વિડીયોમાં એમનું પ્રવચન સાંભળશો એટલે તમને ડો. શરદ ઠાકરએમના સર્જનોની મદદથી કેવી ઉમદા સામાજિક સેવા આપી રહ્યાં છે એ જાણીને તમને એમના પ્રત્યે માનની લાગણી થશે.    
Lecture by Gujarati short story writer Dr Sharad Thakar at Asmita Parv, Mahua 

અસ્મિતા પર્વ ,મહુવા ખાતે ડો.શરદ ઠાકરે આપેલ એક યાદગાર પ્રવચન (વિડીયો )

____________________________________________________________________

 વિનોદ વિહારના વાચકો પ્રતિ નિવેદન અને આભાર દર્શન.

       ( નવ મહિના+માં ૧૧૧૦૦   મુલાકાતીઓ ) 

મારી ૭૫ વર્ષની ઉંમરે સપ્ટેમબર ૧,૨૦૧૧થી મેં વિનોદ વિહાર નામથી મારા ગુજરાતી બ્લોગનો શુભારંભ કર્યો ત્યારે મને મનમાં થોડી શંકા હતી કે પુરતી સંખ્યામાં એની મુલાકાત લઈને વાચકો એને આવકારશે કે કેમ! 

મને જણાવતાં ખુશી થાય છે કે આજે જ્યારે હું આ લખી રહ્યો છું એ દિવસે માત્ર નવ માસ અને ૧૧ દિવસમાં મારા બ્લોગના મુલાકાતીઓની સંખ્યા ૧૧૧૦૦ નો આંક વટાવી ચુકી છે.

આ પ્રસંગે,મારા બ્લોગની મુલાકાત લેવા માટે અને એમાં પોસ્ટ થયેલ સામગ્રી અંગે એમનો પ્રેરક પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કરવા માટે સૌ વાચક મિત્રોનો આભાર માનું છું. ખાસ કરીને મારા બ્લોગની શરૂઆતથી જ મને બ્લોગ અંગે માર્ગદર્શન અને જરૂરી ટેકનીકલ મદદ કરવા તેમ જ મારા બ્લોગ સાથે સહતંત્રી તરીકે જોડાવા માટેના મારા આમંત્રણનો સ્વીકાર કરવા માટે મારા નજીકના મિત્ર શ્રી સુરેશ જાનીનો હું ખુબ જ આભારી છું. 

આ બ્લોગની આજ સુધીની ૫૯ પોસ્ટની સાહિત્ય યાત્રા ખુબ જ આનંદ દાયક રહી છે.નેટ રત્નાકરના ખુબ જ વિસ્તૃત બ્લોગ જગતમાં ડૂબકીઓ લેતાં લેતાં ઘણું જાણવાનું,માણવાનું ,અને વિચારવાની તક પ્રાપ્ત થતાં જીવન સંધ્યાનો નિવૃત્તિ કાળ ઉપયોગી અને ગમતી સાહિત્યની પ્રવૃત્તિમાં આનંદથી પસાર થઇ રહ્યો છે એનો સંતોષ છે.ખાસ કરીને આ બ્લોગના માધ્યમથી શ્રી સુરેશ જાની જેવા બીજા ઘણા અમેરિકાની ચારે દિશામાં પથરાયેલા મિત્રોના પરિચયમાં આવવાનું થયું છે.આ સૌ મિત્રોને કદી નજરે જોયા ન હોવા છતાં ઈ-મેલ દ્વારા નજીકનો સમ્પર્ક સધાતો રહે છે. આવા મિત્રોનો પ્રેમ મળતાં “માંયલો” પ્રફુલ્લિત રહે છે અને જીવનની એકલતા ઓછી ડંખે છે.વળી એની સાથે એક ગુજરાતી સાહિત્ય અને ભાષાની લોકોપયોગી પ્રવૃત્તિ કરવાનો મનમાં સંતોષ થાય છે. 

અત્રે મારા વાચકોને જણાવવા ઈચ્છું છું કે ,જ્યાં સુધી મારું શરીર,મન અને મગજની શક્તિઓ તેમ જ હૈયાની હામ-જુસ્સો પ્રભુ જેમ છે એમ જાળવી રાખશે ત્યાં સુધી મારા બ્લોગ વિનોદ વિહાર દ્વારા સત્વશીલ અને પ્રેરક સામગ્રી પીરસીને ગુજરાતી સાહિત્યની ગદ્ય-પદ્ય સર્જનની આનંદયાત્રા કરાવવાનો મારો પ્રયત્ન ચાલુ  રહેશે. 

ફરી,મારા અનેક સુજ્ઞ વાચકો અને મિત્રોનો મને સાથ અને સહકાર આપવા બદલ હૃદયથી આભાર માનું છું અને હજુ પણ વધુ આવકાર મળતો રહેશે એવી અંતરથી આશા રાખું છું. 

અંતે,મારા પરિચય(મારા વિષે )માં મુકેલ મારૂ  સ્વ રચિત કાવ્ય રચના” મને શું ગમે” એને અહીં દોહરાવું છું. 

મને શું શું ગમે ? 

એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં
માટીના મારા કોડીયામાં તેલ-વાટ પેટાવી
અંધારાં ઉલેચતો ઘરદીવડો થવાનું મને ગમે . 

ભલેને આવતી મોટી મુશીબતો મારી વાટે
શુળોમાં ખીલતા એક ગુલાબ જેમ ખીલીને
બધે ગુલાબી પમરાટ પ્રસરાવવાનું મને ગમે. 

મનનું માગ્યું બધું ક્યાં મળે છે આ જગમાં ?
જે મળ્યું એનું જતન કરી સુપેરે માણવાનું મને ગમે. 

સાહિત્ય સાગરમાં ઊંડેથી મોતીઓ ખોજીને
મનગમતાં મોતીઓનો ગુલાલ ઉડાડીને
આનંદથી ઝૂમતા હોળૈયા થવાનું મને ગમે . 

ભૂતકાળની ચિંતાઓ અને ભાવિની શંકાઓ ત્યજી
વહેતા ઝરણાની જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું મને ગમે. 

આ જીવન મહોત્સવની હર પળ મોજથી માણીને
જોશથી જીવન જીવી જવાનું મને બહું ગમે. 

—-વિનોદ આર. પટેલ

_____________________________________________________________

                                      A  PICTURE SPEAKS THOUSANDS OF WORDS   

 (સાભાર – શ્રી મનસુખલાલ ગાંધીના  -ઈ મેલમાંથી )

________________________________________________________________

 તુમ આફ્તોસે ઇતને કયું ગભરાતે  હો 

ઉસી આફ્તોસે હમને ખુબ પાયા હૈ 

ખુશી ક્યા શીખાતી હમેં જિંદગીકા મઝા 

અપને દુખોસે  હી હમને ખુશી પાયી હૈ

                     — અજ્ઞાત કવિ

 

_______________________________________________

(58) ભગવદ ગીતાનો દિવ્ય સંદેશ સંક્ષેપમાં – મૂળ અંગ્રેજી ઉપરથી કાવ્યાનુવાદ

 

ગીતા તમામ વેદો અને ઉપનિષદોનો સાર છે.સમગ્ર મહાભારતનું નવનીત મહર્ષિ વેદ વ્યાસે ગીતાના કુલ સાતસો શ્લોકો દ્વારા અર્જુનને નિમિત્ત બનાવીને વિશ્વને પીરસ્યું છે.ગીતા એ જીવન યોગ છે.જીવનના મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ ગીતાના સંદેશમાંથી મળી રહે છે.જીવન કેમ જીવવું એની કળા ગીતા આપણને શીખવે છે.

દરેક મનુષ્યની અંદર એક શંકાશીલ અર્જુન છુપાઈને બેઠેલો હોય છે.જ્યારે અર્જુન તત્વમાં યોગેશ્વર કૃષ્ણનું તત્વ ભળે એટલે જે જીવન સંગીતનું ગાન પ્રગટે એ જ ગીતા.કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે રથ ઉભો રાખીને સારથી બનેલા શ્રી કૃષ્ણે સખા અર્જુનની શંકાઓનું નિવારણ કરતાં કરતાં અર્જુનને નિમિત્ત બનાવીને વિશ્વની માનવ જાતને જીવન જીવવા માટેની કળા માટેનો એક અણમોલ અને પ્રેરક સંદેશ આપ્યો છે.આવી રત્નાકર જેવી ગીતાની અંદર ડૂબકી મારી ઊંડેથી રત્નો પ્રાપ્ત કરીને એનું ગાન કરીએ અને જીવન સંગીત પ્રગટાવીએ.     

શ્રીમદ ભગવદ ગીતા ઉપર આજ દિન સુધીમાં એનો અર્થ અને ભાવ સમજાવતાં ઘણાં ભાષ્યો,નિબંધો અને પુસ્તકો લખાયા છે અને પ્રવચનો થયાં છે અને થતાં રહેશે.સામાન્ય માણસ માટે આ બધું વિવેચન વાંચવું અને સમજવું સહેલું નથી. એટલા માટે ગીતાના મુખ્ય સંદેશનો સાર આપવાના પ્રયત્ન અવારનવાર થતા જોવા મળે છે.શ્રી રામ કૃષ્ણ પરમહંસે તો આવા પ્રયત્નની હદ કરતાં કહ્યું છે કે “ગીતા શબ્દના અક્ષરો ઉલટાવો એટલે તાગી-એટલે કે ત્યાગી થઇ જાય,ત્યાગ કરતાં શીખો એટલે તમારી ઉન્નતી થઇ જશે.ગીતામાં જે લખ્યું એ આમાં આવી ગયું.”

થોડા દિવસ પહેલાં કોઈએ અંગ્રેજીમાં કરેલ ગીતાના સાર રૂપ લેખ મારા વાંચવામાં આવ્યો.મને એ વાંચતા જ મનને જચી ગયો.આ લેખનો ગુજરાતીમાં કાવ્યાત્મક અનુવાદ કર્યો હોય તો કેવું એવો મનમાં વિચાર આવ્યો.

આ વિચારની પરિપૂર્તિ રૂપે આ મૂળ અંગ્રેજી લેખનો ભાવ કાયમ રાખી આજની પોસ્ટમાં એનો ગુજરાતી કાવ્યમાં અનુવાદ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે.ગુજરાતી કાવ્ય-અનુવાદની નીચે મૂળ અંગ્રેજી લેખ પણ મુક્યો છે એને પણ વાચકો વાંચી શકશે.મને આશા છે મારો આ કાવ્યાનુવાદનો આ પ્રથમ પ્રયત્ન આપને ગમશે.

   સાન ડીયેગો                                                                                                               વિનોદ આર.પટેલ

_____________________________________________________________

 શ્રીમદ ભગવદ ગીતાનો સંદેશ સંક્ષેપમાં

 

ચિંતા માથે લઇ કેમ વ્યર્થ ફરી રહ્યો છે તું. 

 

કોની લાગી રહી છે બીક બિન કારણ તને. 

 

કોઈ તને મારી નાખશે એવી બીક છે તને? 

 

આત્મા નથી મરતો કે નથી જન્મ લેતો કદી.  

 

ભૂતકાળે જે થયું એ બધું થયું સારા માટે  

 

જે બની રહ્યું વર્તમાને એ છે સારા માટે  

 

જે થશે ભાવિમાં પણ હશે એ સારા જ માટે  

 

બન્યું જે ભૂતકાળે એનો અફસોસ કરવો નહીં  

 

ભાવિની ચિંતા કરવાની પણ તારે શી જરૂર?

 

વર્તમાને થઇ રહ્યું જે એનું જ તું રાખ ધ્યાન. 

 

શું ગુમાવ્યું છે તેં કે રડી રહ્યો છું તું. 

 

શું લાવ્યો હતો સાથે જે છે તેં ગુમાવ્યું હવે, 

 

શું પેદા કર્યું જે નાશ પામ્યું એમ માની રહ્યો  

 

ખાલી હાથે જ આવ્યો તું જગમાં હતો 

 

જે કંઇ છે બધું તારી પાસે, પ્રાપ્ત કર્યું છે અહીં. 

 

દાન જે કર્યું એ બધું, અહીંથી જ તો છે આપ્યું  

 

તારું પ્રાપ્ત કર્યું એ બધું પરમેશ્વરની દેન છે 

 

જે તેં આપ્યું હશે એ, એને જ અર્પણ છે બધું. 

 

ખાલી જ હાથે આવ્યો હતો જગમાં તું  

 

ખાલી હાથે જ વિદાય થવાનો છે તું. 

 

જે કંઇ આજ છે તારું,કાલે કોઈ અન્યનું હતું  

 

થાશે એ બીજાનું આવતી કાલે અને પછી. 

 

બધું તારું જ છે એમ વ્યર્થ મનમાં રાચી રહ્યો  

 

સુખના જુઠ્ઠા ખ્યાલો તારી ચિંતાઓનું મૂળ છે. 

 

જે પ્રાપ્ત થયું વિશ્વે,પ્રભુ એ જ આપ્યું છે તને  

 

જે તેં આપ્યું એ બધું,પ્રભુ ને જ અર્પણ છે કર્યું. 

 

ખાલી હાથે આવ્યો હતો,જવાનો છે ખાલી હાથે. 

 

પરિવર્તન એ જ જગતનો અચલ નિયમ છે  

 

માને છે તું મોત જેને,વાસ્તવમાં એક જીવન છે. 

 

એક ક્ષણે ભલે બને તું લાખોપતિ કે કરોડપતિ 

 

બીજી ક્ષણે પડવાનો છે તું ગરીબાઈની ખીણમાં. 

 

મારું, તારું,મોટું,નાનું, વ્યર્થ છે એ ખ્યાલો બધા 

 

ભૂસી જ નાખ એ ખ્યાલો તારા મનમાંથી સદા 

 

એમ માને તો,બધું છે તારું,ને તું બધાનો પછી. 

 

આ દેહ તારો જે કહે છે એ તારો કદી છે જ નહીં 

 

અને “તું” છે એમ કહે છે,એ તારો દેહ કદી નથી. 

 

દેહ બન્યો અગ્નિ,પાણી,હવા,જમીન અને આકાશથી 

 

દેહ જ્યારે પડશે ત્યારે આ પંચ તત્વમાં જશે ભળી. 

 

કિન્તુ આત્મા અવિનાશી છે , તો પછી “તું” કોણ છું ? 

 

સમજી આ સત્યને,ન્યોછાવર કર પ્રભુને તારી જાતને 

 

અંતેતો એ જ છે એક વિભૂતિ જે વિશ્વાસને પાત્ર છે. 

 

પ્રભુની અપાર કૃપા અને સહાયની જે લોકોને જાણ છે 

 

શોક, ભય અને ચિંતાઓથી તેઓ,સદાને માટે મુક્ત છે. 

 

જે કરે તું એ બધું,કર પ્રભુચરણે અર્પણ ધરવાને કાજ  

 

જો પછી કેવી સદાને માટે—-  

 

આનંદ અને જીવન-મુક્તિની અજબ અનુભૂતિ થાય છે .

 

કાવ્યાનુવાદ – વિનોદ આર. પટેલ  

 

BHAGAVAD GITA SUMMARY

– Why do you worry without cause? whom

do you fear without reason? Who can kill 

you? The soul is neither born, nor does it

die.

– Whatever happened, happened for the

good; whatever is happening, is happenng

for the good; whatever will happen, will

also happen for the good only.

You need not have any regrets for the

past. You need not worry for the future

The present is happening…

– What did you lose that you cry about?

What did you bring with you, which you

think you have lost?

what did you produce, which you think got

destroyed?You did not bring anything

-whatever you have, you received from

here.

Whatever you have given, you have given

only here. Whatever you took, you took

from God. Whatever you gave, you gave

to Him. You came empty handed, you will

leave empty handed.

What is yours today, belonged to someone

else yesterday, and will belong to

someone else the day after tomorrow. You

are mistakenly enjoying the thought that

this is yours. It is this false happiness that

is the cause of your sorrows.

– Whatever you took, you took from God.

Whatever you gave, you gave to him. You

came empty handed, you will leave empty

handed.

– Change is the law of the universe. What

you think of as death, is indeed life.

In one instance you can be a millionaire,

and in the other instance you can be

steeped in poverty.

Yours and mine, big and small – erase

these ideas from your mind.

Then everything is yours and you belong to

everyone. This body is not yours, neither

are you of the body. The body is made of

fire, water, air, earth and ether, and will

disappear into these elements. But the

soul is permanent – so who are you?

– Dedicate your being to God. He is the one

to be ultimately relied upon. Those who

know of his support are forever free from

fear, worry and sorrow.

– Whatever you do, do it as a dedication to

God. This will bring you the tremendous

experience of joy and life-freedom for

ever.

________________________________

 ધર્મ સંકટ આવે ત્યારે ,ગીતાનું શરણ

મને તો કોઈ સંકટ આવે,એટલે હું ગીતા માતાનું શરણ લઉં છું અને શરણાગત મને એણે સદાય પથદર્શન કર્યું છે.ગીતામૃત પાન કરવું હોય ,તો ગીતાપાઠ શ્રદ્ધાપૂર્વક કરવો જોઈએ.ગીતામાના ખોળામાં જે માથું રાખે એ કદાપી નિરાશ ન થાય અને એ પરમાનંદનો ભોક્તા બને.ગીતા એના ભક્તને ક્ષણે ક્ષણે નવ જ્ઞાન, આશા, અને શક્તિ આપે છે.નિત્ય પ્રભાતના પ્રહરમાં ગીતા તમે વાંચી જુઓ અને એનો ચમત્કાર પોતે અનુભવો.શાસ્ત્રાલાપની વચ્ચે ગીતા એક શાત્ર નથી પણ એતો શાસ્ત્ર માત્રનું દોહન છે.અને હું તો એમ પણ કહેવાની હિમ્મત કરું છું કે,ગીતાર્થ ગ્રાહીને બીજાં શાસ્ત્ર વાંચવાનું કોઈ પ્રયોજન નથી.

                                                                                                     —મહાત્મા ગાંધીજી  

ગીતા સાથે સરખાવતાં જગતનું હાલનું બીજું બધું જ્ઞાન મને તુચ્છ જણાય છે.પ્રાચીન યુગની સર્વ સ્મરણીય વસ્તુઓમાં ભગવદ ગીતાથી શ્રેષ્ઠ કોઈપણ વસ્તુ નથી. હું રોજ પ્રાતઃકાળે મારા હૃદય અને બુદ્ધિને ગીતારૂપી પવિત્ર જળમાં સ્નાન કરાવું છું.

                                                                                                                —મહાત્મા થોરો

_______________________________________________

धृतो न योगो ममता हता न समताहृता

न च जिग्नासितम तत्वम गतं जन्म निरर्थकम

અર્થ – જીવનમાં જેણે યોગ ધારણ કર્યો નહી અને મમતા છોડી નહીં ,

સમતા પ્રાપ્ત કરી નહીં અને જેણે જીવનમાં તત્વની જીજ્ઞાશા પણ

થઇ નહીં, તેનો મનુષ્ય જન્મ નિરર્થક ગયો.

____________________________________________________________

(57)આજીવન શબ્દ શિલ્પી સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. ભોળાભાઈ પટેલને હાર્દિક શ્રધાંજલિ

મૂર્ધન્ય સાહિત્યકાર પદ્મશ્રી સ્વ. ભોળાભાઈ પટેલ ( ૧૯૩૪-૨૦૧૨ )

આજીવન અક્ષરના ઉપાસક, મૂર્ધન્ય સાહિત્યકાર, ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વપ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ,મુઠ્ઠી ઉંચેરા માનવી પદ્મશ્રી ડૉ.ભોળાભાઈ પટેલનું ગત રવિવાર , તારીખ ૨૦મી મે,૨૦૧૨ના રોજ અમદાવાદ ખાતે હૃદય રોગના હુમલામાં ૭૮ વર્ષની ઉમરે થયેલ દુખદ અવસાનથી આઘાતની લાગણી થઇ હતી.

ડો.ભોળાભાઈના અચાનક નિધનથી ગુજરાતી સાહિત્યના આકાશમાં ચમકતો એક સિતારો ખરી પડ્યો છે.સાહિત્ય જગતમાં એમના જવાથી પડેલ ખોટ લાંબા સમય સુધી સાલશે.

શ્રી ભોળાભાઈનો જન્મ ઓગસ્ટ ૭,૧૯૩૪ના રોજ મહેસાણા જીલ્લાના,મારા ગામ નજીક આવેલા,સોજા ગામમાં સામાન્ય સ્થિતિના એક ખેડૂત કુટુંબમાં થયો હતો.એમણે એમનું હાઈસ્કુલનું શિક્ષણ એ વખતે ઉત્તર ગુજરાતના શાંતિનિકેતન તરીકે જાણીતી થયેલ ૫૦ એકરના વિશાળ પરિશરમાં ખીલેલી પ્રકૃતિ વચ્ચે પથરાયેલ આશ્રમ-છાત્રાલય સાથેની શાળા સર્વ વિધાલયમાંથી પુરું કર્યું હતું.આ આશ્રમમાં ૪૦૦ વિદ્યાર્થીઓ એક જ રસોડે જમતા  લગભગ બધા જ ખેડૂત પુત્રો હતા.સંસ્થાના આદ્ય સ્થાપક છગનભાના જીવન મન્ત્ર કર ભલા હોગા ભલાને વરેલા ગુરુકુલોની પરમ્પરાને દીપાવે એવા સેવાભાવી ગુરુઓના હાથે શિક્ષણ અને જીવનનું નવ ઘડતર પામીને અનેક  છાત્રો આજે દેશ વિદેશમાં ઉજ્વળ કારકિર્દી ભોગવી રહયા છે એમાં ભોળાભાઈ આગળ પડતા હતા.કડીની આ સંસ્થામાં રહી મેં પણ એસ.એસ.સી સુધીનો અભ્યાસ પુરો કર્યો હતો.મારાથી બે ધોરણ આગળ ભણતા ભોળાભાઈમાં એ સમયથી જ સાહિત્ય પ્રીતિના બીજ અમારા એ વખતના ગુજરાતીના શિક્ષક અને લેખક શ્રી મોહનભાઈ પટેલની પ્રેરણાથી રોપાયેલા જે આગળ જતાં એક ઘેઘુર કબીર વડની જેમ ફૂલ્યા અને ફાલ્યા હતાં.

શ્રી મોહનભાઈ પટેલ વિષે લખેલ એમના એક લેખ “મારા સાહિત્ય-ગુરુ મોહનલાલ પટેલ”માં શ્રી ભોળાભાઈએ  લખ્યું છે :”મને ગુજરાતી સાહિત્યમાં પ્રવેશપાત્ર બનવા માટે મારા દીક્ષાગુરુ મોહનલાલ પટેલે દીક્ષાગુરુની કશી મન્ત્ર ફૂંકવાની ઔપચારિક વિધિ વિના મને સાહિત્યનો મર્મ પામવાની દષ્ટિ આપી છે.સાહિત્ય કૃતિ પાછળ લેવાતા પરિશ્રમના  પાઠ એમની પાસેથી મને શીખવા મળ્યા.આવા સાહિત્યગુરુ મળવા એ આપણું ઉત્તમ ભાગ્ય હોય તો જ બને.”

જેમના હાથે શિક્ષિત અને દીક્ષિત થવાનું મને પણ ભાગ્ય સાંપડ્યું છે એવા ૮૫ વર્ષની ઉમરે હાલ અમદાવાદ ખાતે રહેતા શ્રી મોહનભાઈ સાહેબને એમના આ પ્રિય શિષ્ય શ્રી ભોળાભાઈના દુખદ અવસાનથી જરૂર આઘાત અનુભવ્યો હશે.

શ્રી ભોળાભાઈ કેવી કૌટુંબિક પરીસ્થીતીમાંથી સ્વ પ્રયત્ને આગળ આવ્યા અને ઝળક્યા એની પ્રતીતિ એમના  લખેલા નીચેના ટૂંકા લેખમાંથી વાચકોને થશે.

ગામનું એ ઘર – ભોળાભાઈ પટેલ

ત્રણચાર પેઢીથી ચાલ્યા આવતા માટીના ખોરડાને સ્થાને ઈંટોનું પાકું ઘર મારા બાપાએ બંધાવેલું. કહો કે ઘણીખરી મજૂરી ઘરનાં સૌએ જાતે કરીને બાંધેલું. તે માટે પોતાના બળદગાડામાં ઈંટો તાણી લાવેલા. ચણતર માટે ગાર કરવા ગામના આંબાતળાવની ચીંકણી માટી જાતે ગોડી લાવેલા. બા-બાપા ઘણી વાર ગામડાગામનું અસલવારીનું એ ઘર કેવું નવેસરથી જાતમહેનતથી પોતે બાંધેલું તેની ભાવુકતાથી વાત કરતાં. એ ઘરમાં જ અમે સહુ ભાઈ-ભાંડુઓનો જન્મ થયેલો. એટલું જ નહીં, એ જ ઓરડામાં અમારાં દાંપત્યજીવનનો આરંભ થયેલો અને એ જ ઓરડામાં મારાં સંતાનોનો જન્મ પણ થયો. અનેક સારામાઠા પ્રસંગો જીવનમાં આવ્યા. આ ઘર તેનું સાક્ષી.

ઘરના આંગણામાં કેટલું રમેલા ! એક દિવસ એ આંગણું વટાવી ખભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા બેઠેલા. એક દિવસ એ જ આંગણું વટાવી દૂર પરગામ સુધી ભણવા ગયા. એક દિવસ એ જ આંગણું વટાવી શહેરમાં જઈ વસ્યા. એ ઘરના આંગણામાં અમારી બહેનોના અને અમ ભાઈઓના લગ્નમંડપો બંધાયેલા અને શિયાળામાં તાપણાની આસપાસ મધુર વિશ્રંભકથાઓ થયેલી. એ જ આંગણામાં અમારા પરિવારના અબોલ સભ્યો બંધાતા- ભેંસ, પાંડરાં, બળદ, રેલ્લા. એ ઘરની ઓસરીમાં મારાં દાદી અને દાદાનો ચોકો થયેલો અને થોડાં વર્ષો પર મારા બાપાનો.(સૌજન્ય- રીડગુજરાતી.કોમ)

મૃદુભાષી ડો.ભોળાભાઈની  સાહિત્ય પ્રત્યેની પરિશ્રમશીલતાની પ્રતીતિ તો એ હકીકતથી થાય છે કે ગુજરાતી, હિન્દી,સંસ્કૃત અને અંગ્રેજી ઉપર એમનું પ્રભુત્વ તો હતું જ પરંતુ એમણે ખુબ મહેનત કરીને ઉડિયા ,અસામીયા અને બંગાળી ભાષાઓ શીખી એટલું જ નહીં  આ ભાષાઓની ઉત્તમ કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ કરીને ગુજરાતી ભાષાને મોટું પ્રદાન કર્યું .આમ સાત સાત ભાષાઓ સાથેનો જીવંત સંપર્ક બીજા ક્યા લેખકો જાળવી શકે ! 

ગુજરાતી સાહિ‌ત્ય પરિષદ,આશ્રમરોડ ખાતે જાણીતા સાહિ‌ત્યકાર અને વિવેચક પદ્મશ્રી ભોળાભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતાં મોરારિબાપુએ પણ જણાવ્યું હતું કે,”ભોળાભાઈ પટેલ ભદ્ર પુરુષ હતા અને તેમનું જ્ઞાન, સમજણ, ભારતની અનેક ભાષાઓ સાથેનો સંબંધ તથા હંમેશાં કંઈક નવું જાણવાની તેમની જિજ્ઞાશા કે જે એક આદર્શ શિક્ષકનું લક્ષણ છે જે ભોળાભાઈમાં હતું.”

ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગરની “સર્જક અને સર્જન”શ્રેણી હેઠળ સાહિત્યકાર શ્રી ભોળાભાઈ પટેલના

જીવન અને કાર્ય અંગે સુંદર માહિતી આપતો વીડીઓ નીચેની લીંક ઉપર નિહાળી એમનો પરિચય મેળવો.

ગુજરાત સાહિત્ય અકાદમી — સર્જક અને સર્જન –ડો. ભોળાભાઈ પટેલ (વિડીઓ )

વિકિપીડિયાની નીચેની લીંક ઉપર પણ ડો.ભોળાભાઈ પટેલ અંગે પુષ્કળ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવીછે

વીકી પીડીયા — ડો. ભોળાભાઈ પટેલ — પરિચય

સન્માન અને એવોર્ડ

  • સાહિત્ય પરિષદનું કાકાસાહેબ કાલેલકર પારિતોષિક

  • ‘વિદિશા’ માટે ગુજરાત સરકાર ના બે, ગુજરાત સાહિત્ય અકાદમી ના ત્રણ પારિતોષિકો અને દિલ્હી સાહિત્ય અકાદમી નું એક

  • રણજિતરામ સુવર્ણચંદ્રક

  • 1992 – ‘ દેવોની ગતિ ’ માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક

  • ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો ખિતાબ

         શ્રધાંજલિ

ભૂતકાળમાં માતૃ સંસ્થા સર્વ વિદ્યાલય કડીના એક સમયના સહાધ્યાયી,સંવેદનશીલ અને મૃદુ સ્વભાવ ધરાવતા મુઠી ઉંચેરા માનવી,વિદ્યાર્થી વત્સલ આજીવન શિક્ષક,સાહિત્ય સર્જક અને નિત્ય પ્રવાસી પદ્મશ્રી ડો.ભોળાભાઈ ,અગોચર જગતના પ્રવાસે એકાએક ઉપડી જતાં ગુજરાતના સાહિત્ય જગતને ખૂબ મોટી ખોટ જરૂર પડવાની એ નક્કી છે.

પ્રભુ સદગતના આત્માને પરમ શાંતિ બક્ષે એવી મારી હૃદયની પ્રાર્થના સાથે આજની આ પોસ્ટ દ્વારા એમને  ભાવભીની શ્રધાંજલિ અર્પું છું.

    સાન ડીયેગો                                                                                                                 –વિનોદ આર. પટેલ

____________________________________________________________________________

ડો. ભોળાભાઈ વિષે વધુ જાણો.

૧. પ્રવાસ નિબંધ-કાંચન જંઘા- લેખક-શ્રી ભોળાભાઈ પટેલ

શ્રી ભોળાભાઈ નો પ્રવાસ પ્રેમ અને એમની વાચકના મનમાં ચિત્ર ખડુ કરી દેતી શૈલીનો પરિચય કરાવતો નિબંધ કાંચન જંઘા ભજનામૃતવાણી બ્લોગના આભાર સાથે નીચેની લીંક ઉપર માણો.

પ્રવાસ નિબંધ — કાંચન જંઘા —-લેખક- ડો.ભોળાભાઈ પટેલ  

૨.ભોળાભાઈ પટેલ અને એમની માતા સાથેની સ્મૃતિઓ -વાર્તાલાપ (વીડીઓ )

દુરદર્શન અમદાવાદ આયોજિત શ્રી ભોળાભાઈનાં પ્રિય  માતા રેવાબેન પ્રત્યેની એમની ભક્તિને વાચા આપતો “માતૃ વંદના “કાર્યક્રમ હેઠળ ભૂમિકા પટેલ દ્વારા લીધેલ ઇન્ટરવ્યું(વાર્તાલાપ ) નો વિડીયો જેમાં એમના  જીવનનાં વિવિધ પાસાઓની ઝલક જોવા મળે છે.

ભોળાભાઈ પટેલની એમના માતુશ્રી સાથેની સ્મૃતિઓ –માત્રુ વંદના-વાર્તાલાપ–(વિડીઓ )

 ૩. ડો.ભોળાભાઈના દુખદ અવસાન પ્રસંગે ૨૧મી મે,૨૦૧૨ના રોજ ગુજરાત મિત્ર અખબારમાં પ્રગટ થયેલો નીચેનો લેખ એમના પ્રવૃતિશીલ જીવનકાર્યની અને એમણે કરેલ સાહિત્ય સેવાની ઝાંખી કરાવે છે.

મૂર્ધન્ય સાહિત્યકાર પદ્મશ્રી સ્વ.ભોળાભાઈ પટેલ

 ______________________________________________________