વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 6, 2012

(57)આજીવન શબ્દ શિલ્પી સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. ભોળાભાઈ પટેલને હાર્દિક શ્રધાંજલિ

મૂર્ધન્ય સાહિત્યકાર પદ્મશ્રી સ્વ. ભોળાભાઈ પટેલ ( ૧૯૩૪-૨૦૧૨ )

આજીવન અક્ષરના ઉપાસક, મૂર્ધન્ય સાહિત્યકાર, ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વપ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ,મુઠ્ઠી ઉંચેરા માનવી પદ્મશ્રી ડૉ.ભોળાભાઈ પટેલનું ગત રવિવાર , તારીખ ૨૦મી મે,૨૦૧૨ના રોજ અમદાવાદ ખાતે હૃદય રોગના હુમલામાં ૭૮ વર્ષની ઉમરે થયેલ દુખદ અવસાનથી આઘાતની લાગણી થઇ હતી.

ડો.ભોળાભાઈના અચાનક નિધનથી ગુજરાતી સાહિત્યના આકાશમાં ચમકતો એક સિતારો ખરી પડ્યો છે.સાહિત્ય જગતમાં એમના જવાથી પડેલ ખોટ લાંબા સમય સુધી સાલશે.

શ્રી ભોળાભાઈનો જન્મ ઓગસ્ટ ૭,૧૯૩૪ના રોજ મહેસાણા જીલ્લાના,મારા ગામ નજીક આવેલા,સોજા ગામમાં સામાન્ય સ્થિતિના એક ખેડૂત કુટુંબમાં થયો હતો.એમણે એમનું હાઈસ્કુલનું શિક્ષણ એ વખતે ઉત્તર ગુજરાતના શાંતિનિકેતન તરીકે જાણીતી થયેલ ૫૦ એકરના વિશાળ પરિશરમાં ખીલેલી પ્રકૃતિ વચ્ચે પથરાયેલ આશ્રમ-છાત્રાલય સાથેની શાળા સર્વ વિધાલયમાંથી પુરું કર્યું હતું.આ આશ્રમમાં ૪૦૦ વિદ્યાર્થીઓ એક જ રસોડે જમતા  લગભગ બધા જ ખેડૂત પુત્રો હતા.સંસ્થાના આદ્ય સ્થાપક છગનભાના જીવન મન્ત્ર કર ભલા હોગા ભલાને વરેલા ગુરુકુલોની પરમ્પરાને દીપાવે એવા સેવાભાવી ગુરુઓના હાથે શિક્ષણ અને જીવનનું નવ ઘડતર પામીને અનેક  છાત્રો આજે દેશ વિદેશમાં ઉજ્વળ કારકિર્દી ભોગવી રહયા છે એમાં ભોળાભાઈ આગળ પડતા હતા.કડીની આ સંસ્થામાં રહી મેં પણ એસ.એસ.સી સુધીનો અભ્યાસ પુરો કર્યો હતો.મારાથી બે ધોરણ આગળ ભણતા ભોળાભાઈમાં એ સમયથી જ સાહિત્ય પ્રીતિના બીજ અમારા એ વખતના ગુજરાતીના શિક્ષક અને લેખક શ્રી મોહનભાઈ પટેલની પ્રેરણાથી રોપાયેલા જે આગળ જતાં એક ઘેઘુર કબીર વડની જેમ ફૂલ્યા અને ફાલ્યા હતાં.

શ્રી મોહનભાઈ પટેલ વિષે લખેલ એમના એક લેખ “મારા સાહિત્ય-ગુરુ મોહનલાલ પટેલ”માં શ્રી ભોળાભાઈએ  લખ્યું છે :”મને ગુજરાતી સાહિત્યમાં પ્રવેશપાત્ર બનવા માટે મારા દીક્ષાગુરુ મોહનલાલ પટેલે દીક્ષાગુરુની કશી મન્ત્ર ફૂંકવાની ઔપચારિક વિધિ વિના મને સાહિત્યનો મર્મ પામવાની દષ્ટિ આપી છે.સાહિત્ય કૃતિ પાછળ લેવાતા પરિશ્રમના  પાઠ એમની પાસેથી મને શીખવા મળ્યા.આવા સાહિત્યગુરુ મળવા એ આપણું ઉત્તમ ભાગ્ય હોય તો જ બને.”

જેમના હાથે શિક્ષિત અને દીક્ષિત થવાનું મને પણ ભાગ્ય સાંપડ્યું છે એવા ૮૫ વર્ષની ઉમરે હાલ અમદાવાદ ખાતે રહેતા શ્રી મોહનભાઈ સાહેબને એમના આ પ્રિય શિષ્ય શ્રી ભોળાભાઈના દુખદ અવસાનથી જરૂર આઘાત અનુભવ્યો હશે.

શ્રી ભોળાભાઈ કેવી કૌટુંબિક પરીસ્થીતીમાંથી સ્વ પ્રયત્ને આગળ આવ્યા અને ઝળક્યા એની પ્રતીતિ એમના  લખેલા નીચેના ટૂંકા લેખમાંથી વાચકોને થશે.

ગામનું એ ઘર – ભોળાભાઈ પટેલ

ત્રણચાર પેઢીથી ચાલ્યા આવતા માટીના ખોરડાને સ્થાને ઈંટોનું પાકું ઘર મારા બાપાએ બંધાવેલું. કહો કે ઘણીખરી મજૂરી ઘરનાં સૌએ જાતે કરીને બાંધેલું. તે માટે પોતાના બળદગાડામાં ઈંટો તાણી લાવેલા. ચણતર માટે ગાર કરવા ગામના આંબાતળાવની ચીંકણી માટી જાતે ગોડી લાવેલા. બા-બાપા ઘણી વાર ગામડાગામનું અસલવારીનું એ ઘર કેવું નવેસરથી જાતમહેનતથી પોતે બાંધેલું તેની ભાવુકતાથી વાત કરતાં. એ ઘરમાં જ અમે સહુ ભાઈ-ભાંડુઓનો જન્મ થયેલો. એટલું જ નહીં, એ જ ઓરડામાં અમારાં દાંપત્યજીવનનો આરંભ થયેલો અને એ જ ઓરડામાં મારાં સંતાનોનો જન્મ પણ થયો. અનેક સારામાઠા પ્રસંગો જીવનમાં આવ્યા. આ ઘર તેનું સાક્ષી.

ઘરના આંગણામાં કેટલું રમેલા ! એક દિવસ એ આંગણું વટાવી ખભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા બેઠેલા. એક દિવસ એ જ આંગણું વટાવી દૂર પરગામ સુધી ભણવા ગયા. એક દિવસ એ જ આંગણું વટાવી શહેરમાં જઈ વસ્યા. એ ઘરના આંગણામાં અમારી બહેનોના અને અમ ભાઈઓના લગ્નમંડપો બંધાયેલા અને શિયાળામાં તાપણાની આસપાસ મધુર વિશ્રંભકથાઓ થયેલી. એ જ આંગણામાં અમારા પરિવારના અબોલ સભ્યો બંધાતા- ભેંસ, પાંડરાં, બળદ, રેલ્લા. એ ઘરની ઓસરીમાં મારાં દાદી અને દાદાનો ચોકો થયેલો અને થોડાં વર્ષો પર મારા બાપાનો.(સૌજન્ય- રીડગુજરાતી.કોમ)

મૃદુભાષી ડો.ભોળાભાઈની  સાહિત્ય પ્રત્યેની પરિશ્રમશીલતાની પ્રતીતિ તો એ હકીકતથી થાય છે કે ગુજરાતી, હિન્દી,સંસ્કૃત અને અંગ્રેજી ઉપર એમનું પ્રભુત્વ તો હતું જ પરંતુ એમણે ખુબ મહેનત કરીને ઉડિયા ,અસામીયા અને બંગાળી ભાષાઓ શીખી એટલું જ નહીં  આ ભાષાઓની ઉત્તમ કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ કરીને ગુજરાતી ભાષાને મોટું પ્રદાન કર્યું .આમ સાત સાત ભાષાઓ સાથેનો જીવંત સંપર્ક બીજા ક્યા લેખકો જાળવી શકે ! 

ગુજરાતી સાહિ‌ત્ય પરિષદ,આશ્રમરોડ ખાતે જાણીતા સાહિ‌ત્યકાર અને વિવેચક પદ્મશ્રી ભોળાભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતાં મોરારિબાપુએ પણ જણાવ્યું હતું કે,”ભોળાભાઈ પટેલ ભદ્ર પુરુષ હતા અને તેમનું જ્ઞાન, સમજણ, ભારતની અનેક ભાષાઓ સાથેનો સંબંધ તથા હંમેશાં કંઈક નવું જાણવાની તેમની જિજ્ઞાશા કે જે એક આદર્શ શિક્ષકનું લક્ષણ છે જે ભોળાભાઈમાં હતું.”

ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગરની “સર્જક અને સર્જન”શ્રેણી હેઠળ સાહિત્યકાર શ્રી ભોળાભાઈ પટેલના

જીવન અને કાર્ય અંગે સુંદર માહિતી આપતો વીડીઓ નીચેની લીંક ઉપર નિહાળી એમનો પરિચય મેળવો.

ગુજરાત સાહિત્ય અકાદમી — સર્જક અને સર્જન –ડો. ભોળાભાઈ પટેલ (વિડીઓ )

વિકિપીડિયાની નીચેની લીંક ઉપર પણ ડો.ભોળાભાઈ પટેલ અંગે પુષ્કળ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવીછે

વીકી પીડીયા — ડો. ભોળાભાઈ પટેલ — પરિચય

સન્માન અને એવોર્ડ

  • સાહિત્ય પરિષદનું કાકાસાહેબ કાલેલકર પારિતોષિક

  • ‘વિદિશા’ માટે ગુજરાત સરકાર ના બે, ગુજરાત સાહિત્ય અકાદમી ના ત્રણ પારિતોષિકો અને દિલ્હી સાહિત્ય અકાદમી નું એક

  • રણજિતરામ સુવર્ણચંદ્રક

  • 1992 – ‘ દેવોની ગતિ ’ માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક

  • ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો ખિતાબ

         શ્રધાંજલિ

ભૂતકાળમાં માતૃ સંસ્થા સર્વ વિદ્યાલય કડીના એક સમયના સહાધ્યાયી,સંવેદનશીલ અને મૃદુ સ્વભાવ ધરાવતા મુઠી ઉંચેરા માનવી,વિદ્યાર્થી વત્સલ આજીવન શિક્ષક,સાહિત્ય સર્જક અને નિત્ય પ્રવાસી પદ્મશ્રી ડો.ભોળાભાઈ ,અગોચર જગતના પ્રવાસે એકાએક ઉપડી જતાં ગુજરાતના સાહિત્ય જગતને ખૂબ મોટી ખોટ જરૂર પડવાની એ નક્કી છે.

પ્રભુ સદગતના આત્માને પરમ શાંતિ બક્ષે એવી મારી હૃદયની પ્રાર્થના સાથે આજની આ પોસ્ટ દ્વારા એમને  ભાવભીની શ્રધાંજલિ અર્પું છું.

    સાન ડીયેગો                                                                                                                 –વિનોદ આર. પટેલ

____________________________________________________________________________

ડો. ભોળાભાઈ વિષે વધુ જાણો.

૧. પ્રવાસ નિબંધ-કાંચન જંઘા- લેખક-શ્રી ભોળાભાઈ પટેલ

શ્રી ભોળાભાઈ નો પ્રવાસ પ્રેમ અને એમની વાચકના મનમાં ચિત્ર ખડુ કરી દેતી શૈલીનો પરિચય કરાવતો નિબંધ કાંચન જંઘા ભજનામૃતવાણી બ્લોગના આભાર સાથે નીચેની લીંક ઉપર માણો.

પ્રવાસ નિબંધ — કાંચન જંઘા —-લેખક- ડો.ભોળાભાઈ પટેલ  

૨.ભોળાભાઈ પટેલ અને એમની માતા સાથેની સ્મૃતિઓ -વાર્તાલાપ (વીડીઓ )

દુરદર્શન અમદાવાદ આયોજિત શ્રી ભોળાભાઈનાં પ્રિય  માતા રેવાબેન પ્રત્યેની એમની ભક્તિને વાચા આપતો “માતૃ વંદના “કાર્યક્રમ હેઠળ ભૂમિકા પટેલ દ્વારા લીધેલ ઇન્ટરવ્યું(વાર્તાલાપ ) નો વિડીયો જેમાં એમના  જીવનનાં વિવિધ પાસાઓની ઝલક જોવા મળે છે.

ભોળાભાઈ પટેલની એમના માતુશ્રી સાથેની સ્મૃતિઓ –માત્રુ વંદના-વાર્તાલાપ–(વિડીઓ )

 ૩. ડો.ભોળાભાઈના દુખદ અવસાન પ્રસંગે ૨૧મી મે,૨૦૧૨ના રોજ ગુજરાત મિત્ર અખબારમાં પ્રગટ થયેલો નીચેનો લેખ એમના પ્રવૃતિશીલ જીવનકાર્યની અને એમણે કરેલ સાહિત્ય સેવાની ઝાંખી કરાવે છે.

મૂર્ધન્ય સાહિત્યકાર પદ્મશ્રી સ્વ.ભોળાભાઈ પટેલ

 ______________________________________________________