વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 16, 2012

(60) ફાધર્સ ડે(પિતૃ દિન) પ્રસંગે પૂજ્ય પિતાશ્રીને વંદન અને હાર્દિક શ્રધાંજલિ

 માતાની જેમ પિતા પણ ગુણગાનના અધિકારી

પિતાને ગામઠી ભાષામાં બાપા કહેવામાં આવે છે. ‘બાપા” એટલે બાનો પા ભાગનો પ્રેમ ધરાવતી વ્યક્તિ એમ ઘણાં કહેતાં હોય છે.પરંતુ પ્રેમનું આ પરિમાણ સત્ય નથી.બાના હૈયે સંતાનો પ્રત્યે જેટલો પ્રેમ અને મમત્વ હોય છે એટલો જ બાપને હૈયે પણ હોય છે.એટલેતો આપણા વેદો અને પુરાણોમાં યુગોથી સંસ્કૃત ભાષામાં કહેવાતું આવ્યું છે ‘ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ…’ એટલે કે માતા અને પિતા બન્ને સરખા વંદનીય છે.

માતાના પ્રેમ અને ત્યાગ અંગે સંત મહાત્માઓ વ્યાખ્યાનકારો અને કથાકારો માતાના ગુણ ગાન ગાવામાંથી થાકતા નથી.લેખકો અને કવિઓ પણ માતાના જ વખાણ કરતાં કાવ્યો અને લેખો લખીને માતાને ખુબ મહત્વ આપતાં હોય છે .આની સામે પિતા વિષે બહું જ ઓછું લખાયું કે બોલાયું છે.આધુનિક સમયમાં પહેલાં કરતાં માતાની સાથે પિતા પણ જોબ,ઘરકામ અને પોતાના સંતાનોના ઉછેર,શિક્ષણ વિગેરે પાછળ વધુ સમય આપતા જ હોય છે તો તેઓ પણ મહત્વના અધિકારી કેમ નહીં ?

આપણને દૈનિક જીવનમાં સગવડ કરી આપનારી માતાને  યાદ કરીએ એની સાથે સાથે જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા અને સંતાનોના જીવન વિકાસની ચિંતા કરતા પિતાના ત્યાગને ભૂલવો ન જોઈએ.

દેવકી-યશોદાના કાર્યની પ્રશંશા કરવામાં આપણે નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળ કૃષ્ણને સુરક્ષિત પણે સાચવીને લઇ જનારા વાસુદેવને સહજતાથી ભૂલી ન જવા જોઈએ.રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે તો પિતા દશરથ જ હતા ને !

ઘરના સભ્યો માટે પોતાની ઈચ્છાઓ અને જરૂરિયાતો  કોરાણે મૂકી દેતા પિતા કેટલા મહાન હોય છે એ મેં નજરે જોયું અને અનુભવ્યું પણ છે.એક બાપ એનાં સંતાનોને એના કરતાં સવાયાં બનાવવા હંમેશાં  ઝંખતો હોય છે.

વિશ્વમાં એવા કેટલાય દાખલા જોવા મળે છે કે નાનપણમાં જેની મા ગુજરી ગઇ હોય છે તેવાં સંતાનોને એમના ઉછેર અને અભ્યાસમાં એના પિતા મા અને બાપ બંનેનો ભેગો અવિરત પ્રેમ અને સાથ આપીને સતાનોના જીવનને સફળ બનાવવા માટે પોતાનાથી બનતા બધા પ્રયત્નો છૂટે છે.

હકીકતમાં ફાધર્સ ડેની ઉજવણી કરવાનો મૂળભૂત ખ્યાલ એક પિતાના સંતાનો પ્રત્યેના પ્રેમ,લાગણી અને દેખભાળ અને ત્યાગને યાદ કરી એને માન પૂર્વક નવાજવાના ઉત્તમ વિચારમાંથી જન્મ્યો છે,એ એનો  ઇતિહાસ જોતાં સ્પષ્ટ થાય છે.

ફાધર્સ ડે નો ટૂંકો ઇતિહાસ

અમેરિકાના પશ્ચિમ છેડે આવેલા વૉશિંગ્ટન રાજયના સ્પોકેનમાં ૧૯૦૯માં મિસિસ સોનોરા બી ડોડે (સોનોરા લુઇસ સ્માર્ટ ડોડે) ફાધર્સ ડે ઉજવણીનો આરંભ કર્યો હતો.

સોનોરાના પિતા વિલિયમ જેકસન સિવિલ વૉરના લડવૈયા હતા.એમનાં પત્ની મિસિસ સ્માર્ટ એમના છઠ્ઠા બાળકને જન્મ આપી સુવાવડમાં મૃત્યું પામ્યાં.નવજાત બાળક તથા અન્ય પાંચ બાળકોને ઉછેરવાની જવાબદારી ગામડામાં ખેતરમાં રહેતા મિ.સ્માર્ટને શિરે આવી પડી.મિસ્ટર મોમ તરીકે પંકાયેલ આ એકાકી વિધુર બાપે મા વિહોણા છ બાળકોને માની જરાયે ખોટ પડવા ન દીધી અને બાળકો પર અગાધ પ્રેમ અને લાગણીનો ધોધ વર્ષાવી પૂરી સંભાળ સાથે ઉછેર્યાં અને શીક્ષિત કર્યા .

મિસિસ સોનોરા ડોડ જ્યારે પુખ્ત ઉમરની થઇ ત્યારે એક રવિવારે ચર્ચમાં ‘મધર્સ ડે’વિષે પાદરીની વાત સાંભળતાં પોતાના પિતાએ એકલે હાથે છ બાળકોને ઉછેરવા માટે આપેલ ભોગ અને પરિશ્રમ ઉપર વિચાર કરતાં એને લાગ્યું કે મધર્સ ડે ની માફક પિતાને પણ સન્માનવા માટે એક અલગ દિવસ નક્કી કરી ‘ફાધર્સ ડે’ ઉજવવો જોઈએ .આ પછી સૌથી પહેલો ફાધર્સ ડે  જુન,૧૯ ૧૯૧૦ના રોજ સ્પોકેન, વોશિંગટનમાં ઉજવાયો.ધીમે ધીમે ફાધર્સ ડેની ઉજવણી બીજા રાજયોમાં ફેલાતી ગઇ.ઉત્તર અમેરિકામાં શરૂ થયેલ આ પ્રથા ધીરે ધીરે દુનિયાના બીજા દેશોમાં પણ પ્રસરી ગઇ છે.

૧૯૧૬માં પ્રેસિડન્ટ વુડ્રો વિલ્સને આ પ્રથાને અપનાવી.૧૯૨૪માં અમેરિકન પ્રેસિડન્ટ કેલ્વિન કુલીજે ફાધર્સ ડેને એક રાષ્ટ્રિય તહેવાર તરીકે ઉજવવાના વિચારને પ્રોત્સાહન આપ્યું.છેવટે ૧૯૬૬માં પ્રથમ તત્કાલીન પ્રેસિડન્ટ લિન્ડન જહોન્સને અને ત્યારબાદ ૧૯૭૨માં પ્રેસિડન્ટ નીક્શને ફાધર્સ ડેને રાષ્ટ્રિય દિન તરીકે ઉજવવાના નિર્ણયના ખરડા ઉપર સહી કરી કાયદાકીય સ્વરૂપ આપ્યું ત્યારથી અમેરિકામાં દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે રાષ્ટ્રિય દિન તરીકે ઉજવાય છે.

પિતાનું મહત્ત્વ કુટુંબમાં ઘણું આદરણીય છે.ફાધર્સ ડેનો દિવસ ફક્ત પિતાને જ સન્માનવાનો દિવસ નથી પણ પિતાની અવેજીમાં પ્રેમ, આદર, લાગણી વરસાવનાર કે સંભાળ લેનાર દાદા,કાકા, મામા, માસા કે મિત્ર જે કોઇએ પિતા જેવો જ તમારા જીવનમાં અગત્યનો ભાગ ભજવ્યો હોય તે સૌનું  ફાધર્સ ડેના દિવસે સન્માન કરવામાં આવે છે.

‘હેપીફાધર્સડે’ ’ના શબ્દોથી પિતાને નવાજવામાં આવતાં પિતાનું દિલ હરખાય છે.મધર્સ ડે’ ઉપર માતાને અને ફાધર્સ ડે’ઉપર પિતાને સંતાનો નવાજે અનેપ્રેમ વર્શાવે  એ સારી વાત છે એની સાથે સંતાનોનો પ્રેમ વર્ષ દરમ્યાન પણ જળવાઈ રહે એવી દરેક માં-બાપ અંતરમાં ઝંખના રાખતા હોય છે. પિતા પ્રત્યેના પ્રેમના પ્રતિક રૂપે અનેક પ્રકારના શુભેચ્છા કાર્ડ અને નાની મોટી ભેટ પિતાને આપવાની પ્રથા મધર્સ ડે જેટલી જ મહત્ત્વની બની છે.સંતાનો પિતાને રેસ્ટોરન્ટમાં જમવા લઇ જાય છે.આમ વિવિધ રીતે પિતાને કેન્દ્રમાં રાખી એમને આ દિને નવાજવામાં આવે છે.

                                                                             ‘હેપી ફાધર્સ ડે’

    ફાધર્સ ડે ના આ અવસરે વિનોદ વિહારના વાચકો અને સ્નેહીજનોને હાર્દિક અભિનંદન 

 સાથે અનેક  શુભેચ્છાઓ. ‘હેપી ફાધર્સ ડે’ 

 સાન ડીયેગો                                                                           —– વિનોદ આર. પટેલ

__________________________________________________________________

એક શિક્ષક પિતાના ત્યાગની કરુણ કથા“પત્ની છાયા “

આ અગાઉ મારા બ્લોગમાં પોસ્ટ કરેલ એક આદર્શ શિક્ષક પિતાના પુત્ર પ્રેમને ઉજાગર કરતી મારી 

સ્વ-રચિત વાર્તા “પત્ની છાયા ” નીચેની લિંક ઉપર વાંચો.  

https://vinodvihar75.wordpress.com/2011/09/22

આ વાર્તામાં નાની ઉમરે વિધુર બનેલ એક આદર્શ શિક્ષક રમણલાલ જાની પોતાના દીકરાને ઉછેરી,ભણાવી પોતાની આવકમાંથી ઉભું કરેલું ઘર પોતના પુત્રને સોપીને જાતે વૃદ્ધાશ્રમમાં જવાનો નિર્ણય લે છે.એક પિતા પોતાના પુત્રની ખુશી માટે પોતાના સુખની પણ પરવા કર્યા સિવાય કેવો ત્યાગ કરી શકે છે એનું આ વાર્તા એક ઉદાહરણ છે.

______________________________________________________________

એક દીકરીનો પિતા પ્રત્યેનો પ્રેમ  

અમેરિકાની લેખિકા મેરીલીન હૉલેટે પોતાના પિતાને યાદ કરી લખેલ આ નાનકડો લેખ વાંચવા જેવો છે.પ્રસંગ તો છે પિતાના સવારના દાઢી કરવાના નિત્ય કર્મનો પરંતુ એમાં એક દીકરીના પિતા પ્રત્યેના પ્રેમના હૃદયના ભાવ બાખુબી પડઘાય છે. 

” મારા ડેડીને હું યાદકરું છું..હું ગમે તેટલી વહેલી ઊઠી જાઉં, પણ ડેડી તો મારા કરતાં વહેલા ઊઠી જ ગયા હોય છે.અને પછી હંમેશા તેમના ચહેરા ઉપર સવારનું સ્મિત હોય છે.તેમણે ટ્રાન્ઝિટરમાં મુકેલું સંગીત સંભળાતું હોય છે.દાઢી બનાવતી વખતે તેમનો આ નિયમ છે.એક ખરબચડા જૂના સ્ટૂલ ઉપર બેસીને તે દાઢી કરતા હોય છે. તેમનો રોજિંદો ભરચક કાર્યક્રમ શરૂ થાય તે પહેલા અમે બન્ને ટુચકા કહીને એકબીજાને હસાવીએ છીએ.હું તેમનું સાબુનાં ફીણવાળું મોઢું જોઈ એને હસું છું.તેમના શેવિંગ ક્રીમની સુગંધ મને ગમે છે. ડેડી ટાલ્ક પાઉડર વાપરે છે. ઓલ્ડ સ્પાઈસનું શેવલોશન વાપરે છે.આ શેવલોશનની સુગંધ સાથે તેમના જીવનના રમૂજી ટુચકાની સુગંધ ભળે છે.તેઓ મને તેમના જીવનના રસિક પ્રસંગો કહી સંભળાવે છે.ડેડીની આજુબાજુ તમે હો તો હાસ્ય વગર રહી જ ન શકો…અને બીજીવાત.મારા ડેડી કેટલી વ્યવસ્થિત રીતે દાઢી કરે છે તે જોવા જેવું હોય છે.શરૂમાં તે ટુવાલના ટુકડાને ગરમ પાણીમાં બોળીને વ્યવસ્થિત રીતે દાઢીના વાળને કૂણા કરે, તે પછી એકદમ સુઘડ ઢબે એ કપડાને અમૂક જગ્યાએ મૂકે. દાઢી કરે તે જોવાની મજા પડે. પછી આખા વૉશબેસિનને સરસ રીતે સાફ કરે. તેમની સુઘડતા જાણે દાખલારૂપ બની જાય.જ્યારે ડેડી તેમની મૂછને વ્યવસ્થિત કરતા હોય ત્યારે મનોરંજન સાથે મને કંઈક શિખવતા પણ હોય છે.મારા ડેડીથી હુ હંમેશ પ્રભાવિત રહું છું.હું પણ તેમને મારા ગમા-અણગમાની વાત કરૂ છું. મને મેરીલીનને બદલે મેડી કહે છે. ડેડી સાથેનો પ્રાસ મેળવવા…. 

અને આજ મારા ડેડી નથી. પણ તેમનો પ્રેમ ગયો નથી. તેમના પ્રેમને એક કપડાની માફક ચારેકોર વીટાળું છું અને દરેક સવારે જ્યારે બેસિનની કબાટડી ઉપરના ઓલ્ડ સ્પાઈસની સુગંધ આવે છે ત્યારે મારા એકાંતમાં મારા ડેડી સાથે હું પાછી તન્મય થઈ જાઉં છું 

(આભાર-સૌજન્ય:ચેતનાની પળે-શ્રી કાન્તિ ભટ્ટ)

 _________________________________________________

અમે ચાર ભાઈ અને ત્રણ બહેનોના પિતા શ્રી રેવાભાઈ શિવદાસ પટેલ એમના જીવનની અનેક  તડકી છાયડીમાંથી પસાર થઈને એમનું ૯૨ વર્ષનું સંપૂર્ણ જીવન જીવ્યા બાદ ફેબ્રુઆરી ૪,૨૦૦૭ના રોજ સાન ડીયેગો ખાતે એમનો સ્વર્ગવાસ થયો હતો.

આ અગાઉ મેં આ બ્લોગમાં ઘણીવાર કહ્યું છે કે મારા જીવન વિકાસ ઉપર મારા માતા-પિતાએ ખુબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે.મારા પિતાશ્રીના પ્રેરણાત્મક જીવનને યાદ કરીને ફાધર્સ ડે પ્રસંગે એમને મારી નીચેની કાવ્ય રચનામાં એમને વંદન સાથે ભાવભીની  શ્રધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે.મને આશા છે એ આપને ગમશે.

                          ફાધર્સ ડે પ્રસંગે પિતૃ વંદના   

મારા પૂજ્ય પિતાશ્રી સ્વ.રેવાભાઈ શી.પટેલ
જન્મ-ફેબ્રુઆરી ૧૪,૧૯૧૫ (મહા સુદ બીજ )
સ્વર્ગવાસ-ફેબ્રુઆરી ૪,૨૦૦૭ (મહા વદ બીજ )

 

શું શું સ્મરું ને શું વિસ્મરુ,ઓ પિતા તમારી યાદમાં

 

તવ સ્મરણોના વાદળોની વર્ષામાં આજે ન્હાઈ રહ્યો.

 

પડકારો ભર્યા કંટક પંથે ,તમે પગ ઠરાવીને ધૈર્યથી

 

ગુલાબો સૌ ખીલવી ગયા,અમારા જીવનપંથે પ્રેમથી

 

ચંદન સમું જીવન તમારું ,ઘસાયું કાળના પથ્થરે

 

કરી લેપ એનો અંતરમાં,સુગંધ માણી રહ્યાં અમે

 

નિર્મિત કર્મો કરતા રહ્યા તમે ,નિષ્કામ ભાવે પ્રેમથી

 

સ્થિતપ્રજ્ઞ કર્મયોગી સમા એ જીવનને આજ વંદીએ

 

પંડે દુખો સહ્યાં ઘણાં એ જોવા કે કુટુંબ  રહે સુખી 

 

કર્મશીલ જીવનનો પાઠ અમને સૌને શીખવી ગયા

 

વિશાળ વડલા જેવી શીળી છાયા ધરી અમ શિરે

 

ચાર પેઢી નજરે નિહાળી,લીલીવાડી જોઈને ગયા

 

હયાત નથી સદેહે આજ કિન્તુ છબીને નિહાળતાં

 

અનુભવી રહ્યા જાણે ,આશીર્વાદ તમે વરસાવતા

 

જીવનભર સાથ નીભાવ્યો,માતાનો સુખ દુઃખમાં

 

મનોબળ મજબુત રાખી,જીવન સંઘર્ષ કરતા રહ્યા

 

જીવન ગીત ભલે તમારું બંધ થયું તમારા જતાં

 

છેડેલા એ સંગીતના સુરો હવામાં સંભળાઈ રહ્યા

 

શબ્દો ખરે જ ઓછા પડે ,ગણવા ઉપકારો મા-બાપના

 

કિન્તુ અલ્પ શબ્દો થકી આ, પિતૃદિને, કરું હૃદયથી વંદના.

 

કાવ્ય રચના  -વિનોદ આર. પટેલ 

_____________________________________

 

 ફાધર્સ ડે ની ભાવનાને અનુરૂપ પિતાના ગુણ ગાન કરતો એક સુંદર વીડીઓ યુ-ટ્યુબની નીચેની લીંક ઉપર

 સાંભળવાનો આનંદ લોં.

http://www.youtube.com/v/qzqSzBWw9dc?version=3&feature=player_embedded

આ વિડીયોમાં ગાયક Paul Enka પિતાને યાદ કરીને એના કર્ણ મધુર સ્વરે પિતાને શ્રધાંજલિ આપે છે.આઅંગ્રેજી ગીતમાં દરેક વાચકને પોતાના પિતાના જીવનની જ જાણે વાત ગાયક કરતો ન હોય એવું જરૂર લાગશે.

જો પિતા હાલ હયાત ન હોય એ સંજોગોમાં તો હૃદયને સ્પર્શી જાય એવા આ ગીતના પડઘા તમારા મનમાં પિતાની યાદમાં લાંબા સમય સુધી પડ્યા કરશે.

_______________________________________________________________

ભૂતકાળની માતા પિતા સાથેની એક યાદગાર  તસ્વીર  

પૂજ્ય માતા-પિતા,બે નાના ભાઈઓ(ઉભેલા),વિનોદભાઈ,સ્વ.કુસુમબેન અને અમારા બાળ પુત્ર સાથેની એક યાદગાર તસ્વીર(કઠવાડા-૧૯૬૭-૬૮)