વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(61) ભારત મારી ભીતર…(વાર્તા ) લેખિકા – શ્રીમતી અવંતિકા ગુણવંત

આજની પોસ્ટમાં જાણીતાં લેખિકા અવંતિકાબેન ગુણવંતની મને ગમતી એક સુંદર વાર્તા “ભારત મારી ભીતર”પોસ્ટ કરી છે.આ લેખિકાએ આરપાર સાપ્તાહિકમાં એમના  કોલમ “મુકામ પોસ્ટ અમેરિકા”માં અમેરિકાના અનુભવો આધારિત ઘણી વાર્તાઓ લખી છે.અવંતિકાબેનના પુસ્તક “ત્રીજી ઘંટડી “માં પણ આવી કેટલીક વાર્તાઓ સંગ્રહિત થઇ છે.

 “ભારત મારી ભીતર “વાર્તામાં અમેરિકામાં જન્મેલી અને મોટી થયેલી એક અનાર નામની છોકરી એની ૨૫ વર્ષની ઉમરે પિતાની ઈચ્છા ન હોવાં છતાં વતનના દેશ ભારતની કુતુહલવશ પહેલી મુલાકાત લેવાનું નક્કી કરે છે.ભારતમાં પિતાના સગાં સંબંધીઓ તરફથી એને પ્રેમનો જે અનુભવ પ્રાપ્ત થાય છે એથી એને મનમાં વિચાર આવે છે કે એના કલ્પનાના ભારત કરતાં એના અનુભવનું ભારત કઈક જુદું જ છે.આ અનોખા અનુભવથી અનારના મનમાં જાગતા ભાવોનું લેખિકાએ સુંદર આલેખન આ વાર્તામાં કર્યું છે. 

આ વાર્તા દ્વારા લેખિકાનો મુક સંદેશ એ છે કે અહીં જન્મેલા અને ઉછરેલા એન.આર.આઈ.બાળકોમાં ભારત એક ગંદકી,ગરીબી,ગોટાળા અને ગીર્દી વાળો દેશ છે એવા ખોટા કે ખરા ખ્યાલો પ્રવર્તતા હોય છે અને એથી ભારતની મુલાકાત લેવાનું હંમેશાં ટાળતા હોય છે.ભારતમાં જન્મેલ એમનાં મા-બાપ પણ એમના બાળકોને એમનાં મૂળ જ્યાં નંખાયા એ વતનનો દેશ બતાવવા માટે બહું આતુરતા નથી બતાવતાં.આ બાળકો જ્યાં સુધી ત્યાં જઈને બધું  જુએ અને અનુભવે નહીં ત્યાં સુધી અનારને જે સુખદ અનુભવ થયો એવો કદી થવાનો નથી.આ વાર્તાનું અનારનું આ છેલ્લું વાક્ય “હું બે સંસ્કૃતિની વારસ છું.અવારનવાર ભારત ન આવી શકું તો ય મારામાં ભારત જીવતું જ હશે.” એ ઘણું સુચક છે. 

અવંતિકાબેનનો પરિચય 

અગાઉ આ બ્લોગમાં જાન્યુઆરી ૧,૨૦૧૨ની પોસ્ટમાં અવંતિકાબેનનો પરિચય આપવામાં આવ્યો છે એને નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચી શકાશે.

લેખિકા અવંતિકા ગુણવંત અને એમના વાર્તા સાહિત્યનો પરિચય

મને આશા છે આજની પોસ્ટમાં મુકેલ અવંતિકાબેનની આ  વાર્તા અને એનો મુક સંદેશ આપને ગમશે. 

                                                                                                        — વિનોદ આર. પટેલ

______________________________________________________________________ 

ભારત મારી ભીતર…(વાર્તા )                લેખિકા – અવંતિકા ગુણવંત  

અનાર પચીસ વર્ષની થઈ ત્યાં સુધી કદીય એની માતૃભૂમિ ભારતમાં આવી જ ન હતી.અનારના પપ્પા સુશીલભાઈનાં બધાં સગાં અમેરિકામાં સ્થાયી થયાં હતાં.તેથી ભારતમાં આવવાનો કોઈ પ્રસંગ ઉપસ્થિત થયો ન હતો. લગ્નપ્રસંગ પણ અમેરિકામાં ઉજવાતો.

જ્યારે જ્યારે વેકેશન પડે ત્યારે સુશીલભાઈ દુનિયાના બીજા દેશોમાં જવાનું ગોઠવતા.અનારની મમ્મી બેલા ભારત જવાની વાત ઉચ્ચારે ત્યારે તરત સુશીલભાઈ બોલતા, ‘શું દાટ્યું છે એ ધૂળિયા ગરમ દેશમાં ? જ્યાં નજર કરો ત્યાં ગરીબાઈ અને ગંદકી જ નજરે પડે.ક્યાંક ને ક્યાંક હડતાળ,આંદોલન, ભાંગફોડ,સરઘસ ચાલતાં જ હોય.એવા ઘોંઘાટિયા-ગરબડિયા દેશથી માંડ છૂટ્યાં છીએ,હજી શું બાકી રહ્યું છે કે એ સર્વશ્રેષ્ઠ માતૃભોમકા યાદ આવે છે ?’

સુશીલભાઈની તીખી વાણી સાંભળીને બેલા કોઈ દલીલ ન કરતી;પરંતુ અનાર કૉલેજમાં ગઈ અને વિભિન્ન દેશોની સંસ્કૃતિઓ વિશે માહિતી મેળવતી ગઈ ત્યારે એણે વાંચ્યું કે ભારતીય સંસ્કૃતિ સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે,એની સમકાલીન સંસ્કૃતિઓ નાશ પામી છે પણ ભારત દેશની સંસ્કૃતિ પરિવર્તન પામતી ગઈ છે. એનામાં કંઈક ઉમેરાયું છે, કંઈક બાદ થયું છે પણ એ જીવંત છે.આવી પ્રાણવાન સંસ્કૃતિની પોતે વારસદાર છે એ વાતે અનારે ગૌરવ અનુભવ્યું અને ભારતમાં આવવાની એને પ્રબળ ઝંખના જાગી.અનારે ઘરમાં વાત કરી ત્યારે એના પપ્પા બોલ્યા,‘જઈશું કોઈ પ્રસંગ આવે.’અનાર જરાય હતોત્સાહ થયા વિના બોલી,‘ડેડી,પ્રસંગની રાહ જોઈને બેસી ના રહેવાય, આપણે જઈએ એ જ પ્રસંગ,મોટો પ્રસંગ.’અને અનાર ભારત આવી,એની મમ્મીને પણ ભારત આવવાનું હતું પણ પતિને નારાજ કરવાની એનામાં હિંમત ન હતી તેથી તે આવી શકી નહીં.

અનારે ભારતમાં પગ મૂક્યો ને એના મોસાળિયાઓ તથા બીજાં સગાં સ્નેહીઓનો પ્રેમ જોઈને કોઈ નવા ભાવવિશ્વમાં વિહરવા માંડી.એ વિચારે છે કે મારા ડેડીનાં બધાં સગાં અમે અવારનવાર મળીએ છીએ,ખૂબ મઝા કરીએ છીએ,પણ ભારતની વાત તો અલગ જ છે.અહીં સ્નેહભરી કેટલી કાળજી !કેટલી આત્મીયતા !અગાઉ જણાવ્યા વગર એમના ઘેર જઈ પહોંચીએ તોય ભરપૂર પ્રેમભર્યો આવકાર મળે.આપણને મનગમતી વાનગી ખવડાવે અને આપણું બાદશાહી સ્વાગત કરે. હું બેલાની દીકરી છું,એવું જાણીને બેલા ઉપરનું એમનું બધું વહાલ મારી પર વરસાવે. હેતથી ભેટે અને કહે, ‘તું બરાબર બેલા જેટલી જ ઊંચી છે.’કોઈ કહે,‘તારું કપાળ બરાબર તારી માસી જેવું છે અને વાન તારી નાનીમા જેવો છે.’મારું શું કોના જેવું છે એ સાંભળવાનું મને ગમે છે. એનાથી મને કોઈ સ્ટેટ્સ મળતું હોય એવું લાગે છે. કોઈ મને ‘મારી દીકરી’ કહે છે, કોઈ બહેન કે દીદી કહે છે, કોઈ માસી કહે છે,આવા સંબોધનમાં ગાઢ સ્નેહનો અનુભવ થાય છે.

અનારને પાણીપૂરી અને ભેળપૂરી બહુ ભાવે,એમાંય જો કોઈ એને સ્કૂટર કે બાઈક પર બહાર ખાવા લઈ જાય તો ખુશ ખુશ.તાપ-તડકાની પરવા કર્યા વિના રખડે.આવી રખડપટ્ટીના લીધે એને તાવ આવી ગયો,પથારીમાં પડી. સગાંઓએ જાણ્યું કે તરત તેઓ દોડી આવ્યાં.અંજુમામીએ આવીને રેકી આપી, તો ભરતમાસાએપ્રાણિક હીલિંગથી સારવાર આપી.મધુકાંતમાસાએ આયુર્વેદિક ઉપચાર સૂચવ્યા.જો કે અનારનાં નાનાજીએ ડૉક્ટરને તરત વિઝિટે બોલાવ્યા હતા પણ સગાંઓને ક્યાં ધરપત રહે એવું હતું ?નાનીમાએ તો મોટરમાં નહિ પણ ચાલતા મહુડી જવાની બાધા રાખી હતી, તો મમ્મીની ફ્રેન્ડ સુધામાસીએ પદ્માવતીને ચૂંદડી ઓઢાડવાની બાધા રાખી.અનાર તો હરખાય છે કે વાહ હું તો મોટી રાજકુંવરી હોઉં એવા લાડ મને મળે છે,તેઓ બધા ચિંતા કરે છે છતાં મને કહે છે, ‘બેટી, ચિંતા ના કરીશ, આવું તો થાય. એકાદ બે દિવસમાં મટી જશે.’ અનાર હસીને કહે,‘અરે મને આવાં લાડ મળ્યાં, હું તો ખુશ થાઉં છું, ખૂબ ખુશ.’રુચિ માસી તો અનારની પાસે બેસીને એને એકધારું પંપાળ્યા કરે છે.અનાર કહે, ‘માસી વાતો કરો ને.’તો રુચિમાસી કહે, ‘હમણાં હું તારા માટે પ્રાર્થના કરું છું,તાવને વિનંતી કરું છું કે પ્લીઝ તું વિદાય થઈ જા.’ વૈશાલીમામી કહે, ‘મેં એકવીસ સામાયિક કરવાની બાધા રાખી છે, અનાર કાલ સુધીમાં તું પહેલાં જેવી થઈ જઈશ.’

સ્વજનોનું આવું અઢળક હેત પામીને અનાર તાજુબ થઈ ગઈ.એ વિચારે છે, મેં આ બધાંને શું આપ્યું છે ?કશું નહીં.થોડા દિવસમાં હું અમેરિકા ચાલી જઈશ, પછી ક્યારે મળીશું કોણ જાણે ?પણ તેઓ એવું ક્યાં વિચારે છે ? મારી પાસેથી કંઈ મેળવવાની એમને અપેક્ષા નથી.મારામાં એવી કોઈ વિશેષતા નથી કે તેઓ મને આટલું બધું હેત કરે.કેટલી સ્વાભાવિકતાથી તેઓ સતત મારા વિશે જ વિચારે છે.અમેરિકામાં હું ઘણી વાર માંદી પડી છું,અશક્તિ લાગે અને પથારીમાં પડી રહેવું પડે ત્યારે મોમ કે ડેડી ડૉક્ટર પાસે લઈ જાય,દવા લઈ આવીએ એટલે વાત ખતમ.મોમ ડેડીએ કદી આવી ચિંતા નથી કરી.આવાં લાડની તો મને કદી કલ્પના જ નથી આવી.અનાર પથારીમાં પડી પડી પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિની તુલના કરે છે.એને લાગે છે કે અમેરિકામાં અમે ચીજવસ્તુઓને પ્રેમ કરીએ છીએ પણ વ્યક્તિને નહીં.અમે બધું ડૉલરથી માપીએ છીએ.અમારે મન ભૌતિક ચીજવસ્તુઓ અને ભૌતિક વિકાસનું મૂલ્ય છે, અમે સ્વકેન્દ્રી છીએ. બીજાને આવો નિરપેક્ષ, નિઃસ્વાર્થ હેત ના કરી શકીએ. પોતાના માનસનું પૃથક્કરણ કરતાં અનારને ખ્યાલ આવે છે કે અમેરિકામાં હતી ત્યારે પોતાની પાસે શું શું નથી એની યાદી બનાવ્યા કરતી,અને જે ન હતું એના માટે અજંપો ભોગવતી.જ્યારે અહીં ભારતમાં આવ્યા પછી શું શું નથી એનો બળાપો ક્યાંય ઊડી ગયો.અહીંના હેતપ્રેમે એને સમૃદ્ધિથી છલકાવી દીધી.અનાર વિચારે છે,હવે તો હું વારંવાર ભારત આવીશ.અહીંથી જતાં પહેલા અહીંના બધાંના ફોટા પાડીને અમેરિકામાં મારા રૂમની ભીંતો પર લટકાવીશ.

બે દિવસમાં અનાર સાજી થઈ ગઈ. ઘરનાં બધાંને શાંતિ થઈ. એના મામાની દીકરી શ્વેતાએ કહ્યું :‘અનાર, તને અહીં રહી જવાનું મન થાય છે ?’
‘મન તો થાય છે પણ….’
‘પણ શું…. અહીં રહી જાને, આપણે મઝા કરીશું.ત્યાં તું ઈન્ડિયા મીસ કરીશ.’
‘અરે, હવે આખું ઈન્ડિયા મારી અંદર જ ધબકે છે. હું જ્યાં જઈશ ત્યાં ઈન્ડિયા મારી અંદર સચવાયેલું જ રહેશે.’ અનાર છલકાતા હેતથી બોલી.
‘તને એવું થાય છે કે તું આ પહેલાં કદીય ઈન્ડિયા ન આવી તેથી તેં ઘણું બધું ગુમાવ્યું છે ?’ શ્વેતાએ પૂછ્યું.


‘શ્વેતા, અમેરિકામાં પણ હું ઘણું બધું પામી છું. મારી આ વિચારશક્તિ, આ નિર્ણયશક્તિ,ડર કે સંકોચ રાખ્યા વિના જ્યાં જવું હોય ત્યાં જવાની હિંમત મને અમેરિકાએ આપ્યાં છે. મારી મોમ ઈન્ડિયામાં જન્મી અને ઈન્ડિયામાં કેળવાઈ છે,તે સ્વતંત્રપણે કંઈ કરી શકતી નથી. તે સારું ખોટું,યોગ્ય અયોગ્ય સમજી શકે છે પણ તેને જે સાચું લાગે તે કરવાની હિંમત એનામાં નથી.તે નાની નાની વાતમાંય ડરે છે.એ પોતાને ગમે તે પ્રમાણે કરવાને બદલે ડેડીને ગમે એ પ્રમાણે કરે છે.એનામાં જે શક્તિ છે એનો વિકાસ થયો નથી.તે કદી ડેડીને સમજાવવાનો પ્રયત્ન નથી કરતી.મારી મોમ અઢારમી સદીમાં જીવે છે.એને ઘરમાં શાંતિ રહે,પપ્પા નારાજ ના થાય એટલે સુખ લાગે છે.હું મારી મોમ જેવી નથી.હું મારા મનને ગૂંગળાવી ન શકું,મારું શોષણ ન થવા દઉં. અમેરિકાના ઉછેરે સાચા અર્થમાં મને મુક્ત રાખી છે.હું કોઈ પરંપરા,પ્રથા કે રિવાજને આંખો મીંચીને અનુસરી ન શકું.મારાં જીવનમૂલ્યો મારી મમ્મીનાં મૂલ્યો કરતાં જુદાં છે.અમેરિકામાં મહેનત કરીને દરેક જણ પોતાનું જીવન બનાવે છે. ત્યાંના વાતાવરણે મને નીડર બનાવી છે. હું કોઈથી ગભરાતી નથી, સંજોગો વિપરીત હોય તો ય ચિંતા,મૂંઝવણ,ક્રોધ,લાચારી બધા પ્રકારની લાગણીને કંટ્રોલમાં રાખતાં મને આવડે છે.જીવનના સંઘર્ષમાં આ બધાની જરૂર પડે છે.હું લાચારી અનુભવીને મારી વાત છોડી નથી દેતી.

જો કે એક વાત સાચી છે,ઈન્ડિયાએ પણ મને ઘણું આપ્યું છે.મારી લડાઈ મારે કેવી રીતે લડવી એ અમેરિકાએ મને શીખવ્યું છે,તો જીવનની લડાઈમાં ક્યારેક જો હું નિષ્ફળ જાઉં તો કેવી રીતે જીવવું એ ઈન્ડિયાએ મને શીખવ્યું છે.સંયમ,સમતા,ઉદારતાનો અહીં આવીને મને અનુભવ થયો.જીવનમાં એ બધા ગુણો જરૂરી છે.આંતરિક તાકાતનો ખ્યાલ અહીં આવ્યા પછી મને વિશેષ રૂપે મળ્યો.મારા ઈન્ડિયા ઓરિજીનનું મને ગૌરવ છે.અને ખાસ તો બેઉ સંસ્કૃતિનો મને ફર્સ્ટહેન્ડ પરિચય થયો તેથી મારા વ્યક્તિત્વને જુદો જ નિખાર મળ્યો છે.શ્વેતા,ખરેખર હું ખૂબ નસીબદાર છું.બેઉ સંસ્કૃતિની હું વારસદાર છું.હું અવારનવાર ભારત ના આવી શકું તોય મારામાં ભારત જીવતું જ હશે.’

(રીડ ગુજરાતી .કોમ માંથી સાભાર)

______________________________________________

 આવક, શિક્ષણમાં બધા કરતાં મોખરે – ઈન્ડિયન-અમેરિકન્સ

 વોશિંગ્ટન: – એક નવા સર્વેક્ષણ મુજબ, અમેરિકામાં એશિયન-અમેરિકન્સ રહીશો સૌથી વધારે આવક ધરાવનારાઓ છે,શ્રેષ્ઠ પ્રકારનું શિક્ષણ હાંસલ કરનારાઓ છે અને ઝડપથી વિકાસ પામી રહેલા વંશીય ગ્રુપ છે. એમાંય, ઈન્ડિયન-અમેરિકન્સ આવક તથા શિક્ષણના સ્તરે બધાય કરતાં મોખરે છે.

૨૫ વર્ષના કે તેથી વધુની વયના દર ૧૦ ઈન્ડિયન-અમેરિકન્સમાંના સાત જણ પાસે કોલેજ ડિગ્રી છે.તેની સરખામણીમાં કોરિયન-અમેરિકન્સ,ચાઈનીઝ-અમેરિકન્સ,ફિલિપીનો-અમેરિકન્સ કે જાપાનીઝ-અમેરિકન્સમાં અડધા ભાગના પાસે એવી ડિગ્રી છે.

 હાઉસહોલ્ડ ઈન્કમની દ્રષ્ટિએ પણ ભારતીયો અન્ય વસાહતીઓથી મોખરે છે.

પ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં આ વિગતો દર્શાવવામાં આવી છે. 

બેશક ,દરેક ભારતીય માટે આ એક ગર્વ લેવા જેવી વાત છે પણ આવા સર્વેક્ષણ કરાવીને અને તેને જાહેર કરીને અમેરીકનોમાં ભારતિયો માટેનો રોષ અને ઈર્ષા તો નથી વહોરી લેતાં ને? ભારતીયોની આ સિદ્ધિ એમની અથાગ મહેનતનું પરિણામ છે એ અમેરીક્નોએ ભૂલવું ન જોઈએ.  

(આભાર- શ્રી મનસુખલાલ ગાંધી અને મૂળ સ્રોત- ચિત્રલેખા, June 19, 2012)

____________________________________________________________________

(આભાર- શ્રી મનસુખલાલ ગાંધી અને અન્ય -ઈ મેલમાંથી )

 

 

 

6 responses to “(61) ભારત મારી ભીતર…(વાર્તા ) લેખિકા – શ્રીમતી અવંતિકા ગુણવંત

 1. mdgandhi21 જૂન 20, 2012 પર 4:06 પી એમ(PM)

  અવંતિકાબેનની વાતો, શબ્દચિત્રો, વાર્તાઓ બધી અદભુત છે, તેમના અનુભવોનો નીચોડ સરસ રીતે લેખોમાં વર્ણવે છે. આ પણ સરસ વાર્તા છે, દીલને સ્પર્શી જાય છે. ભારત દેશ મહાનજ છે.

  Like

 2. pragnaju જૂન 21, 2012 પર 1:16 એ એમ (AM)

  શ્રીમતી અવંતિકા ગુણવંત જેવાની સિધ્ધહસ્ત કલમની ઘણી સુંદર વાતો માણી છે.અહીંના સમાજની સાંપ્રત સ્થિતીનું
  તટ્સ્થ અવલોકન આનંદપ્રદ છે.
  ‘ આવા સર્વેક્ષણ કરાવીને અને તેને જાહેર કરીને અમેરીકનોમાં ભારતિયો માટેનો રોષ અને ઈર્ષા તો નથી વહોરી લેતાં ને? ભારતીયોની આ સિદ્ધિ એમની અથાગ મહેનતનું પરિણામ છે એ અમેરીક્નોએ ભૂલવું ન જોઈએ…
  આ વાત ભારતિયો એ પણ યાદ રાખવી જોઇએ N R I અંગે કેટલાય ભારતિયોના વલણ બરોબર નથી !

  Like

 3. pravina Avinash જૂન 21, 2012 પર 4:46 એ એમ (AM)

  એકદમ સ્ત્ય હકિકત છે. ભારતના વતનીઓ જ ભારત વિષે વાત કરે છે. જ્યારે જુવાનિયાઓને ભારતમાં ઘણું સારું દેખાય છે. આપણી પ્રાચિન સંસ્કતિ ઉપર તેઓ ગર્વ અનુભવે છે..

  રહી વાત સિદ્ધિની એ મહેનત દ્વારા પ્રાપ્ત થઈ છે. તે વિષે જાહેરમાં પ્રદર્શન કરવું ઉચિત નથી.અમેરિકનો તે જાણે છે. મારી જન્મભૂમિ ખૂબ વહાલી છે. મારી કર્મ ભૂમિ માટે ગર્વ છે..

  Like

 4. Shailesh Mehta જૂન 21, 2012 પર 9:24 એ એમ (AM)

  આદરણીય અવન્તિકાબહેન અને વાંચક મિત્રો,
  સ્વાગત,
  એક સાચી વાત એ પણ છે.. કે આજ કાલ પરદેશ વસતા ભારતીયો દેશ ના સંસ્કાર અને સંસ્કૃતિ પામવા ઝૂરે છે..ત્યારે..
  ભારતમાં આંધળા અનુકરણ ને માર્ગે..વ્યવસાય લાક્ષીતા ના માર્ગે, સંસ્કાર અને સંસ્કૃતિ થી દુર થઇ રહ્યા.. છે..
  ખોટા આચાર અને આડંબર માં પેસી ગયા છે..
  આચાર કાર્ય પાછળ ના કારણ ભૂલી ગયા છે..
  મૂળ થી છુટી ગયા /પડ્યા છે..
  આખી પેઢી બદલાઈ ગઈ છે..
  સમય એવો આવશે કે આપણે આપણી ભાષા, સંસ્કૃતિ ને સંસ્કાર પરદેશ થી આયાત કરવા પડશે..
  કે જેઓ પરદેશ વસ્યા છે તેમણે સંસ્કાર અને સંસ્કૃતિ નો વારસો જાળવી રાખવા સિંહ ફાળો આપ્યો છે..
  મને એ દિવસો યાદ છે..કે પરદેશે..તિલક , કંઠી કે ટોપી પહેરેલા ગુજરાતીની ‘ભરોસા પાત્ર’ વેપારી ની શાખ હતી..
  અને તે થાકી નું તેનું સ્થાન હતું..
  તેની પાછળ આચાર શુદ્ધિ ની એક લાંબી જીવન શૈલી અને સાધના હતા..
  જેમાં વહેવાર કુશળ તા અદ્યાહાર હતા..
  એવા શુદ્ધ આચાર પાછા કેવી રીતે પરીસ્થાપિત થાય??
  તે કોયડો ઉકેલવાનો સમય આવી ગયો છે..!!
  અસ્તુ,
  શૈલેષ મહેતા
  વોલનટ ક્રિક – કેલીફોર્નીયા
  +૧ ૩૧૨ ૬૦૮ ૯૮૩૬

  Like

 5. chandravadan જૂન 21, 2012 પર 11:10 એ એમ (AM)

  Vinodbhai,
  Avantikaben Gunvant is well known Gujarati Sahiytakar/Lekhikha.
  I had read her Vartao.
  Nice ones..this one too !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to my Blog !

  Like

 6. Vinod R. Patel જૂન 21, 2012 પર 2:52 પી એમ(PM)

  મુરબ્બી શ્રી આતાજી (હિમ્મતલાલ જોશી )નો આ પોસ્ટ અંગે ઈ-મેલ અભિપ્રાય .

  વિનોદભાઈ

  તમે આવા અવંતિકાબેન જેવાના લેખો મોકલો છો એ ઘણી સારી વાત છે .

  ભારત વિશેનો ખોટો ભ્રમ ભાંગી જાય છે આભાર.

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: