વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જુલાઇ 4, 2012

(64) અમેરિકાનો સ્વાતંત્ર્ય દિવસ- ફોર્થ ઓફ જુલાઈ

તા.૪થી જુલાઈ, ૧૭૭૬ના રોજ સ્વાતંત્ર્યના ઘોષણા પત્ર (Declaration of Independance ) નો ઠરાવ અમેરિકાની ફેડરલ કોન્ગ્રેસમાં પસાર થયા  પછી જુદા જુદા રાજ્યો એકત્ર બનીને બ્રિટીશ હકુમતથી મુક્ત બનીને  અમેરિકાનો એક સ્વતંત્ર સંયુક્ત રાષ્ટ્ર (United States of America) તરીકે જન્મ થયો .

ત્યારથી આ તારીખે અમેરિકનો એને સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉત્સાહપૂર્વક મનાવે છે.આ દિવસે પરેડો,પ્રવાસો,મિજબાની તથા રોશની અને દારૂખાનું વિગેરે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે અને એક રાષ્ટ્રીય તહેવાર સ્વરૂપે અમેરિકામાં એની ધમાકેદાર ઉજવણી કરવામાં આવે છે.

જિજ્ઞાસુ વાચકોને અમેરિકાના ૪થી જુલાઈના આ સ્વાતત્ર્ય દિવસના ઇતિહાસ વિષે,વિકિપીડીયાની નીચેની અંગ્રેજી લીંક ઉપર, વિગતવાર માહિતી મળી શકશે.

http://en.wikipedia.org/wiki/Independence_Day_(United_States)

એના સ્વાતંત્ર્યના ઘોષણા પત્ર બાદના માત્ર ૨૩૬ વર્ષના ટૂંકા ઇતિહાસમાં અમેરિકાએ દરેક ક્ષેત્રે અનન્ય પ્રગતિ સાધીને આજે વિશ્વમાં એક સમૃદ્ધ સુપર પાવર ધરાવતા દેશ તરીકે ઉભરી આવ્યું છે .આ રાષ્ટ્રે દરેક ક્ષેત્રમાં  બતાવેલ અનોખી સિદ્ધિ માટે હરએક અમેરિકન વ્યાજબી રીતે ગૌરવ લઇ શકે એમ છે.

દુનિયાના લગભગ બસો ઉપરાંત દેશોમાંથી દરેક ધર્મના લોકો અમેરિકામાં આવીને વસ્યા છે,એટલે તો અમેરિકાને વસાહતીઓનો દેશ કહેવામાં આવે છે.અમેરિકા એક મેલ્ટિંગ પોટ સમાન છે જેમાં વિવિધ દેશની સંસ્કૃતિ,નીતિનિયમો અને સામાજિક સંસ્કારો ઓગળી જઈને એક નવી જ વૈશ્વિક અમેરિકન સંસ્કૃતિનું નિર્માણ થયું છે .

આવા આ મોહક દેશ અમેરિકા આવવા માટે દુનિયાના અનેક દેશોના લોકો જે રીતે આકર્ષાય છે એનાં અનેક કારણો છે.એમાંનાં કેટલાંક મુખ્ય કારણો અંગે મારા બ્લોગની ૧૨મી ડિસેમ્બર,૨૦૧૧ની પોસ્ટમાં પ્રસિદ્ધ થયેલ મારો ખુબ ચર્ચિત લેખ “અમેરિકા તરફના લોકોના આકર્ષણનું શું છે રહસ્ય ?”,એની કોમેન્ટ્સ સાથે,નીચેની લીંક ઉપર વાંચવા વિનંતી છે.

https://vinodvihar75.wordpress.com/2011/12/12

૪થી જુલાઈ ૨૦૧૨ના આજના અમેરિકન સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે વિનોદ વિહારના સૌ સુજ્ઞ વાચકોને મારાં અભિનંદન .

HAPPY 4th  OF JULY.

 

4th   JULY, 2012                                                                                           વિનોદ આર. પટેલ

_____________________________________________________

આજે એ સુવિદિત હકીકત છે કે ઘણાં ભારતીયો કર્મ ભૂમિ અમેરિકામાં ઘણાં વરસો સુધી વસતા હોવાં છતાં અને અહીં કમાણી કરીને સુખી જીવન વ્યતીત કરી રહ્યાં હોવાં છતાં જન્મભૂમિ ભારત સાથેની એમની માનસિક નાળ કાપી શક્યા નથી .આવા વતન પરસ્ત લોકો ભારતનાં ગુણ ગાન ગાયાં કરે છે એ તો ઠીક છે પણ અમેરિકાની બુરી વાતો ફેલાવતા રહે છે.અમેરિકામાં કેટલાંક ભારતીયો એમના જ્ઞાતિ,રાજકીય અને ધાર્મિક વિચારસરણી તેમ જ પ્રદેશ આધારિત જુદાં જુદાં મંડળો અને ચોકાઓમાં વ્હેચાઈને અમેરિકામાં પણ એક જુદું ભારત ઉભુ કરવા પ્રયત્નશીલ હોય છે.આપણે ભારતીયો અમેરિકાના સાંસ્કૃતિક મુખ્ય પ્રવાહમાં હજુ બરાબર ભળી શક્યા નથી.  

આવા માહોલમાં જાણીતા ન્યુ જ્ર્શીમાં વરસોથી રહેતા એવોર્ડ વિજેતા હાસ્યલેખક શ્રી હરનીશ જાનીની ગઝલ સ્વરૂપની બે રચનાઓ  “ફોર્થ ઓફ જુલાઈ “અને “મગરના આંસુ “(અછાંદસ કાવ્ય )નીચે એમના અભાર સાથે મુકેલ છે .તેઓ જણાવે છે એમ રદીફ-કાફિયાની ચિંતા કર્યા સિવાય એમાં જે સંદેશ અભિપ્રેત છે એ માણવા અને વિચારવા જેવો છે.  

આ બન્ને રચનાઓ જેના સંચાલક મિત્રો સાથે મારે નજીકનો મૈત્રી સંબંધ થયો છે એ ખુબ વંચાતા બ્લોગ

 હાસ્ય દરબાર માં અગાઉ પ્રગટ થઇ છે જે એના તંત્રી મિત્રોના અભાર સાથે અહીં મૂકી છે.

૪થી જુલાઈના આ અવસરે વાચકોને આ પોસ્ટમાં રજુ કરેલ સામગ્રી વાંચવી અને વિચારવી ગમશે એવી આશા છે . આજની પોસ્ટ અંગે આપના પ્રતિભાવો અપેક્ષિત છે.

                                                                                                                     સંકલન- વિનોદ પટેલ

_________________________________________________________

ફોર્થ ઓફ જુલાઈ

વતનની ધૂળ ખંખેરો હવે તો અમેરિકામાં.

વતનના વન ઉગ્યા હવે તો અમેરિકામાં.

તમારા બાળકોનું વતન છે આ તો 

ક્યાં સુધી પરદેશી રહેશો,અમેરિકામાં.

લોકશાહીના આ મંદિરનો ઉપકાર માનો.

બાંધો છો રોજ નવા મંદિરો અમેરિકામાં.

અન્ન આ ધરતીનું શ્વાસ આ આકાશનો .

સુજલામ્ સુફલામ્ બનાવો,અમેરિકામાં.

જન્મદાત્રી ભાગ્યમાં મળી તમને આનંદો.

જીવનદાત્રી તમારી પસંદની, અમેરિકામાં.

વરસાદના છાંટા પડે જો અમદાવાદમાં.

કયાં સુધી છતરીઓ ખોલશો ,અમેરિકામાં

આજે જાશું, કાલે જાશું , રટ હવે તો છોડો

કબર ખોદાઇ ગઇ છેતમારી, અમેરિકામાં.

હરનિશ જાની-યુ.એસ.એ.

(રદિફકાફિયાની ચિંતા કર્યા સિવાય સદેશ વાંચોતે સ્પષ્ટ છે.)

********* 

મગરનાં આંસુ 

જે દેશનો રોટલો ખાવો છે-તેને ગાળો ભાંડવી ઠીક નથી.

વતનને તરછોડી આવ્યા છો જાતે, હવે રોદણાં રડવાં ઠીક નથી.

લો કટના બ્લાઉઝ અને ખુલ્લા પેટ ગુજરાતમાં જોયા પ છી,

અમેરિકાની સંસ્કૃતિની વાતો કરવી ઠીક નથી.

સરસ્વતી મંદીરોમા, જયાં વિદ્યાર્થીનીઓ સેઇફ નથી,

ત્યાં રોજે સંસ્કૃતિના બણગાં ફૂંકવાં ઠીક નથી..

બોલિવુડના બિભત્સ નૃત્યોને રોજ ટીવી પર જોયા પછી,

મનમાં ગમતી-અમેરિકાની ફેશન વખોડવી ઠીક નથી.

જયાં ઘરડાંઘર નીત નવાં બંધાતાં હોય ત્યાં,

ભારતીય માબાપોની સેવા કરતાં ‘શ્રવણો’ની વાતો ઠીક નથી.

મહારાજો, બાબાઓ, લાલુઓ, ‘ઠાકરે’ઓ-અને “ભાઇ”ઓ નો.

દેશ છોડી આવ્યા પછી, હવે ઓબામાને ગાળો દેવી ઠીક નથી.

જે માને તમે તરછોડીને આવ્યા છો તે હજુ ત્યાં જ છે.

પાછા પહોંચી જાવ ત્યાં ! કોઇ રોકે નહી,

પણ

મગરના આ આંસુ, ઠીક નથી.

હરનિશ જાની-યુ.એસ.એ.

 ________________________________________________________

                                શ્રી  હરનિશભાઈ જાનીનો પરિચય અહી ક્લિક કરીને વાંચો.

_____________________________________________________________