આજકાલ યુરોપમાં એક પુસ્તકે સપાટો બોલાવ્યો છે.જગતભરમાં આજે ધન,સત્તા અને કીતિના ઢગલા ઉસરડવામાં માણસો ગાંડા થઈ ગયા છે. તેથી, રોબર્ટ સ્કીડેલસ્કી અને તેના પુત્રે ભેગા મળીને ૨૧મી સદીમાં જગતભરમાં ધન, કીતિ, સત્તા અને વૈભવની ભૂખ અને વડચકા વિશે પુસ્તક લખ્યું છે. નામ લાંબું છે. ‘‘હાઉ મચ ઈઝ ઈનફ? ધ લવ ઓફ મની એન્ડ ધ કેઈસ ફોર ધ ગુડ લાઈફ’’ રોબર્ટ સ્કીડેલસ્કી હાવર્ડ યુનિ.નો સ્કોલર અને ફિલોસોફર છે.
તે જાણે છે કે અઢળક ધન કે વૈભવની ભૂખ માણસના સ્વભાવમાં ગળથૂંથીમાં આવે છે.ઈટ ઈઝ રૂટેડ ઈન હ્યુમન નેચર.ઓશો રજનીશને જો ૧૦૧ રોલ્સ-રોયસની ભૂખ હોય તો મુકેશ અંબાણીને થોકડાબંધ મોટરકારનો મોહ હોય તેમાં તેનો વાંક નથી.
માનવ સ્વભાવમાં જ છે કે આપણી પાસે જે છે તેનાથી સંતોષ નથી. આપણે હંમેશાં કમ્પેર કરીએ છીએ. નાનું બાળક પણ બીજા બાળકને કહે છે ‘‘તારી ઢીંગલી કરતાં મારી ઢીંગલી મોટી છે.’’ અને મૂડીવાદમાં તો ધનપતિ થવાની હરીફાઈ છે. ૧૫ વર્ષ પહેલા લંડનનું ટાઈમ્સ જ કરોડપતિનું લિસ્ટ પ્રગટ કરતું હતું હવે ફોર્બસ કરે છે.
એટલે અઝીમ પ્રેમજી,કિશોર બિયાની અને ઉદય કોટકની સરખામણી થાય છે.દેશો એકબીજાને જી.ડી.પી. અથૉત્ ગ્રોસ ડુમેસ્ટિક પ્રોડ્કટની એટલે કે કાચી રાષ્ટ્રીય પેદાશની સરખામણી કરે છે. ‘‘હાઉ મચ ઈઝ ઈનફ’’ના લેખક કહે છે કે આ જી.ડી.પી.માં સંતોષની માત્રા ગણાય છે?માણસ ઢસરડા કરી કરીને અને સગાભાઈ કે બાપને દગો દઈ ધન ભેગું કરે છે પછી એ ધનના કે કીતિના ઢગલા ભોગવવાની ફૂરસદ મળે છે?એથેન્સ (ગ્રીસ) અને રોમ (ઈટાલી)ના નગરવાસીઓને ૧૦૦ વર્ષ પહેલાં શીખવાતું કે માત્ર બે કોળિયા ખાઈ શકાય અને ત્રીજો કોળિયો ભૂખ્યાને આપી શકાય એટલું કમાઓ અને પછી લીઝર ભોગવો.બાળકોને જ વાઈઝ યુઝ ઓફ લીઝર શીખવાતું.
ફૂરસદનો કેમ મજેદાર ઉપયોગ કરવો તેના પાઠ ભણાવાતા.બન્ટ્રાર્ડ રસેલ અને તે પછી મહાન અર્થશાસ્ત્રી કેઈન્સે ૧૯૩૦માં કહેલું કે યુરોપના માણસે સપ્તાહમાં પંદર કલાક જ કામ કરવું.તો પછી બાકીના કલાક શું કરવું? આ માટે તે લોકોએ ભારતીય ઋષિઓ, ફિલોસોફરો અને ગામડાના ખેડૂતો પાસેથી પાઠ ભણ્યા. ભારતના લોકોને ફૂરસદનો શ્રેષ્ઠ આધ્યાત્મિક ઉપયોગ કરતાં આવડતું. પણ આજે?
આજે પશ્ચિમની ધન ઉસરેડવાની વૃત્તિ આપણનેય આભડી ગઈ છે.ઉપર આપણે ધનપતિઓમાં ઉદય કોટક નામ આપ્યું છે. કોટકોમાં એટલો બધો કૌટુબિંક પ્રેમ હતો કે ઉદય કોટકના ફેમિલીના ૬૦ જેટલા સભ્યો મુંબઈમાં સાથે રહેતા. ઘણી, વખત સાથે જમતા, જમે છે. આ લોહાણા-કોટકનું કલ્ચર પણ આથમતું જાય છે.
કોઈ ધનપતિની પત્નીને પતિ સાથે જમવા મળતું નથી.અરે લંડનના ઓબ્ઝર્વરમાં લખ્યું છે કે અમારે ત્યાં ઊલટી સ્થિતિ છે. પત્નીને તો પ્રેમ કરવાનો સમય નથી પણ તેને બેડરૂમમાં સંવનનનો પણ સમય નથી. તેનો પતિ યંત્રવત તેની વાસના સંતોષે છે ત્યારે કોઈ મોટી કંપનીમાં ચીફ બનેલી તેની પત્ની સૂતી સૂતી કંપનીના વાર્ષિક અહેવાલ કે બીજાં પુસ્તકો વાંચે છે!
આપણે ચિંદમ્બરમ ચેટ્ટીયાર અને પ્રણવ મુખરજીની સત્તાની ભૂખ જોઈ. રાષ્ટ્રપતિ જેવું ઉચ્ચ પદ મેળવવામાં જો રૂ.૫ કરોડ ખર્ચીને મત મેળવી શકાતો હોય તો કોઈ પણનો મત મેળવવા તત્પર થાય તેટલી આ ભૂખ છે. દિલ્હીના પ્રધાનોની ધન-સત્તાથી ભૂખ તમે જોઈ છે, પણ આપણે સોનિયા ગાંધીને તો દૂધે ધોયેલાં માનીને તેને સ્પર્શ કરતાં નથી. તેની ભૂખ ધનની એટલા માટે હશે કે ભારતમાં ધનથી સત્તા ખરીદી શકાય છે. ૨૦૧૪ પછી પણ સોનિયાના હાથમાં જ સત્તા હશે કારણ કે એ કળા તે સાસુજી પાસેથી શીખી છે.વળી વિરોધપક્ષ વેરવિખેર છે અને ધન-સત્તાથી ભૂખ સંતોષવા સોનિયાની પગચંપી કરવા તૈયાર હશે.
ઓક્ટોબર-૧૯૯૧માં હું દિલ્હી ગયેલો ત્યારે ‘ચાવી’શિર્ષકવાળી એક કવિતા કોઈ મશ્કરાએ લખીને સાંસદોને મોકલેલી. કવિતાનો અનુમાનવાળો ભાવાર્થ હતો કે ‘‘સોનિયા આસપાસ ભૂખ્યા કોંગ્રેસીઓની કતાર એટલા માટે લાગે છે કે સ્વીસ બેન્કના ખાતાની ‘ચાવી’ સોનિયા પાસે છે.’’ સ્વિસ બેન્કની વાતના પુરાવા મળતા નથી. સોનિયા પાસે કેટલું ધન છે? આમ જુઓ તો ધનથી તો સોનિયાને કશી પડી નથી. તેને ધનનો મોહ નથી.
આઠ વર્ષ પહેલાનાં આંકડા મને સત્તાવાર મળ્યા છે.સોનિયા પાસે દિલ્હીમાં ‘‘પોતાને નામે ઘર નથી.પણ ઈટાલીમાં રૂ. ૧૩ લાખનું (!)ઘર છે. રૂ. ૨૧ લાખની જવેલરી છે. (જે આજના સોનાના રૂ. ૩૧૦૦૦ના ભાવે રૂ. ૫ કરોડની થાય) તે સમયે તેની પાસે નગદ સોનું રૂ. ૧૧ લાખનું હતું. (આજે કેટલાનું?) તેણે જમાઈ વડેરાને ત્યારે રૂ. ૫ લાખ ઉછીના આપેલા. સેવિંગ્ઝ બેન્કમાં રૂ. ૮૫૦૦૦ છે. આજે કઈ કઈ બેન્કના કેટલા? યુનાઈટેડ કોમર્શિયલ બેન્કમાં ૨૦ લાખની ફિકસ ડિપોઝિટ, રૂ. ૧૨ લાખના રિઝર્વે બેન્કના બોન્ડ, રૂ. ૫૨૮૦૦ના યુનિટ ટ્રસ્ટના બોન્ડ, નેશનલ સેવિંગ્ઝ રકમ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડના રોકાણ તો ઠીક પણ સોનિયા સ્ટોક માર્કેટમાં પણ ઈન્વેસ્ટ કરતી હતી. વેસ્ટર્ન ઈન્ડિયા ટેનરીઝ અને મારુતિના શેરો હતા.
સુલતાનપુર નજીક દેરા મંડીમાં રૂ. ૨ લાખનાં ખેતરો છે જે આજે બે કરોડમાંય ન મળે. હવે કંઈ બાકી રહે છે? અરે! ખરું તો હવે બાકી છે. પણ સોનિયાજી! કેટલી સત્તા? કેટલું ધન – ઈઝ ઈનફ?
-કાન્તિ ભટ્ટ
_____________________________________________________________
વાચકોના પ્રતિભાવ