વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જુલાઇ 29, 2012

(73) સફળતા કોઇ પડાવ નથી લેખક -બકુલ બક્ષી (નવી નજરે)

એકવીસમી સદીમાં જીવી રહેલા દરેક મનુષ્યનું સ્વપ્ન જીવનમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી એ હોય છે.

સફળતાના વિષયમાં ઘણા લેખકોએ પોતાના ધૂમ વેચાતાં પુસ્તકોમાં ઘણું બધું લખ્યું છે.સેમિનારોમાં લોકો

મોટી ફી ચૂકવીને નિષ્ણાત વક્તાઓને એના વિષે સાંભળવા માટે ઉમટી પડતા હોય છે.

જ્યાં સુધી માણસની પોતાના જીવનમાં સફળ થવા માટેની અને સુખી થવાની ઝંખના ચાલુ છે, ત્યાં સુધી

એના વિષે હંમેશા લખાવાનું અને બોલાવાનું ચાલુ જ રહેશે.

આજની પોસ્ટમાં લેખક ડવાઇટ  બેઇન નાં પુસ્તક “ડેસ્ટીનેશન સક્સેસ “માંથી પ્રેરણા પામીને જાણીતા લેખક

શ્રી બકુલ બક્ષીએ લખેલ પ્રેરક લેખ “સફળતા કોઈ પડાવ નથી ” એમના આભાર સાથે મુક્યો છે.

આ લેખ મને ઈ-મેલથી મોકલી આપવા માટે ,મિત્ર શ્રી ભીખુભાઈ મિસ્ત્રીનો પણ હું ખુબ આભારી છું..

મારા આ બ્લોગમાં તારીખ ૪થી નવેમ્બર,૨૦૧૧ ની પોસ્ટમાં સફળતા અંગેના વિષયમાં જ એક પ્રેરણાદાયી

લેખ “સફળ થવાનું રહસ્ય,કીડી જેવું મગજ કેળવો.”મુકવામાં  આવ્યો હતો.

આ લેખને પણ નીચેની લીંક ઉપર વાચકો વાંચી શકશે.

https://vinodvihar75.wordpress.com/2011/11/04/

સફળતા પ્રાપ્ત કરવા અંગેના વિષય ઉપરનો આ લેખ અને આજની પોસ્ટમાં મુકેલ લેખ “સફળતા કોઈ પડાવ

નથી “આપને જરૂર વાંચવો ગમશે અને પ્રેરક નીવડશે એવી આશા છે.

                                                        —- વિનોદ પટેલ

_____________________________________________________________________________________

સફળતા કોઇ પડાવ નથી લેખક -બકુલ બક્ષી (નવી નજરે)

‘ડેસ્ટિનેશન સક્સેસ’ ડ્વાઇટ બેઇનના પુસ્તકમાં સફળતાનું વિશ્લેષણ કરી તે વિશે માર્ગદર્શન અપાયું છે. તમારું સ્વપ્ન સાકાર કરવા માટે શું કરવું જરૂરી છે તે આ પુસ્તકનો મુખ્ય વિષય છે. તમે જે ધાર્યું હતું તે મળ્યું છે અને જો નથી મળ્યું તો એનાં શું કારણો છે. તેની આ પુસ્તકમાં લેખકે છણાવટ કરી છે. જીવનમાં સફળતા કોઇ એક પડાવ નથી, પણ સતત ચાલતી પ્રક્રિયા છે. પેશ છે, લેખકના વિચારો.

જીવનની સ્ક્રિપ્ટ બીજા કોઇએ નહીં, પણ આપણે પોતે લખવાની છે. બીજાની સ્ક્રિપ્ટ પર આપણે અભિનય નથી કરવાનો. જે વ્યક્તિ બહારથી સફળ દેખાય પણ મનથી વ્યથિત હોય તેને સફળ ન કહી શકાય . પ્રસિદ્ધિ અને સફળતા એક નથી. પ્રસિદ્ધિ ખોટાં કારણોથી પણ મળી શકે છે. જ્યારે દરેક સફળ વ્યક્તિને પ્રસિદ્ધિ મળે એ જરૂરી નથી. સફળતા માટેની દરેક વ્યક્તિની વ્યાખ્યા જુદી હોઇ શકે છે. આપણે પ્રયાસ કરતાં પહેલાં પોતાની વ્યાખ્યા નક્કી કરવી જરૂરી છે. સફળતાની બહુ ચિંતા ન કરી પોતાના કાર્ય પર ધ્યાન આપનાર સફળ થતા હોય છે. સામાન્ય વ્યક્તિ પણ જો ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરી પોતાનું કામ કરતી રહે તો એને સફળતા મળે છે. સફળ થવા માટે કેવળ પ્રતિભા કામ નથી આવતી. કોઇ પણ કામમાં સતત સુધારો થતો રહે તે જરૂરી છે. ગઇકાલ કરતાં આજ સારી હોવી જોઇએ.

સફળ લોકોનાં જીવનચરિત્ર વાંચનથી પણ પ્રેરણા મળી શકે છે. બીજાની ભૂલોમાંથી બોધ લેવો જોઇએ, બધી ભૂલો પોતે કરવાની જરૂરત નથી હોતી. કોઇ પણ કામ કરતાં પહેલાં ભયથી મુક્તિ મળે તેનો પ્રયાસ કરવો જોઇએ. ભયના બે જ વિકલ્પ છે: એ તમને તોડી નાખે અથવા તમે એને તોડી નાખો. આપણે દરેક કામની સીમા બાંધતા હોઇએ છીએ. જે કામને આપણે અશક્ય ગણતા હોઇએ એ કામ જો કોઇ કરી બતાવે તો એ શક્ય બની જાય છે. વર્ષો સુધી એવી માન્યતા હતી કે માણસ ચાર મિનિટથી ઓછા સમયમાં એક માઇલનું અંતર ન કાપી શકે. રોજર બેનિસ્ટરે આ કરી બતાવ્યું અને ત્યાર બાદ સેંકડો એથ્લિટ્સે આ સિદ્ધિ મેળવી છે. એવરેસ્ટ વિક્રમ પણ એ જ કહાણી છે. આપણે બાંધેલી સીમા જો એકવાર તૂટે તો અશક્ય પણ શક્ય બની જાય છે. જિંદગીના માર્ગમાં વળાંક આવતા હોય છે. જો એમને અવરોધ સમાન ગણી અટકી જશો તો અંત છે અને વળી જાઓ તો નવો માર્ગ સામે દેખાશે.

કોઇ પણ તક વારંવાર આવતી નથી. તક આવે ત્યારે એને સ્વીકારવાની જો તૈયારી હોય તો સફળતા મળે છે. જીવનને જીવવું કે પછી નિરીક્ષક બની એને પસાર થતાં જોયા કરવું આ બંને સ્થિતિઓ આપણા હાથમાં છે. તમારે શિકારી બનવું છે કે શિકાર, પસંદગી પોતાના હાથમાં છે. સફળતા માટે મૂડને મેનેજ કરવો પડે છે કારણ કે તેના એ મનની ભાવના પર આધારિત છે.

-બકુલ બક્ષી, નવી નજરે

________________________________________________________________________________