વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 9, 2012

(76) કૃષ્ણ જન્માષ્ટમી પર્વ અને શ્રી કૃષ્ણ મહિમા

હિંદુ પુરાણો પ્રમાણે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ-વદ ના આઠમા દિવસને વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા શ્રી કૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમી અથવા ગોકુલાસ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામ ધુમથી ઉજવવામાં આવે છે.

ભગવાન વિષ્ણુએ ત્રેવીસ અવતાર ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે.આ અવતાર તેમણે શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો. શ્રી કૃષ્ણના જન્મ સમયે ચારે બાજુ પુષ્કળ પાપકૃત્યો અને અધર્મ ફેલાયો હતો.અસુરોનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા માટે શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો.

શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર બધી જ કળાઓથી પરિપુર્ણ થઈને અવતરિત થયા હતા.તેમણે જે પણ કાર્યો કર્યા એ ઇતિહાસમાં મહત્વપુર્ણ કાર્યો તરીકે બધે ગવાય છે.પૃથ્વી પરથી બધા જ પાપીઓનો નાશ કરી દેવાના પોતાના ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે તેમણે સામ-દામ-દંડ-ભેદ બધાનો જ ઉપયોગ કર્યો હતો.શ્રી કૃષ્ણે કરેલી લીલાઓ અપાર છે.

દરેક હિન્દુના શ્રી કૃષ્ણ એ માનીતા આરાધ્ય દેવ છે.ભારતના ગામેગામ શ્રી કૃષ્ણની અને રાધા-કૃષ્ણની વિવિધ અંગ ભંગી વાળી સુંદર મુતીઓ અને રંગીન આકર્ષક ફોટાઓ મન્દીરોમાં અને ઘરે ઘર ભક્તિભાવથી પૂજાય છે.

શ્રીકૃષ્ણ ગોકુળ અને વૃન્દાવનમાં કૃષ્ણની મધુર-મુરલીના મોહક સ્વરમાં વ્રજની ગોપીઓ ઘેલી બની ભાન ભૂલી જતી અને કૃષ્ણ મય બની જતી હતી. મીરાની જેમ.

આજે પણ કૃષ્ણ ભક્તોમાં એમની મોહિની એવી જ ખુબીથી ચાલુ રહી છે.બ્રહ્મા,વિષ્ણુ તેમજ શિવ-પ્રભૃતિ દેવતા જેમના ચરણોમાં ધ્યાન કરે છે એવા શ્રી કૃષ્ણના અત્યંત પવિત્ર જન્મ દિવસે એમના અગણિત ગુણોને યાદ કરીએ ,પર્વને આનંદથી ઉજવીએ અને ઉલ્લાસ મય સ્વરે ગાઈએ.

નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયા લાલ કી

હાથી ઘોડા પાલખી ,જય કનૈયા  લાલ કી

જય રણછોડ, માખણ ચોર.

 

શ્રી કૃષ્ણ નામ સ્મરણ મહિમા

શ્રી શુક્રદેવ રાજા પરીક્ષિતને કહે છે –
सकृन्मनः कृष्णापदारविन्दयोर्निवेशितं तद्गुणरागि यैरिह।
न ते यमं पाशभृतश्च तद्भटान्‌ स्वप्नेऽपि पश्यन्ति हि चीर्णनिष्कृताः॥

જે મનુષ્ય ફક્ત એકવાર શ્રીકૃષ્ણના ગુણોમાં પ્રેમ કરનારા પોતાના ચિત્તને શ્રીકૃષ્ણના ચરણ કમળમાં લગાવી દે છે, એ પાપોથી છૂટી જાય છે, પછી તેને પાશ હાથમાં લેતા યમદૂતોના દર્શન સપનામાં પણ નથી થતા.

अविस्मृतिः कृष्णपदारविन्दयोः
क्षिणोत्यभद्रणि शमं तनोति च।
सत्वस्य शुद्धिं परमात्मभक्तिं
ज्ञानं च विज्ञानविरागयुक्तम्‌॥

શ્રીકૃષ્ણના ચરણ કમળનુ સ્મરણ સદા બની રહે તો તેનાથી પાપોનો નાશ, કલ્યાણની પ્રાપ્ર્તિ, અંત: કરણની શુધ્ધિ, પરમાત્માની ભક્તિ અને વૈરાગ્યયુક્ત જ્ઞાન-વિજ્ઞાનની પ્રાપ્તિ આપમેળે જ થઈ જાય છે.

________________________________________________________

શ્રીમદ ભગવદ ગીતાનો ઉપદેશ

મહાભારતના યુદ્ધ વખતે કુરૂક્ષેત્રની ભૂમિમાં અર્જુનને થયેલ સમ્મોહને દુર કરીને એને યુદ્ધ માટે તૈયાર કરવા માટે તેમણે ગીતાનું જે જ્ઞાન આપ્યું એ શ્રીમદ ભગવદ ગીતા તરીકે વિશ્વમાં અમર થઇ ગયું.આજના કળયુગમાં પણ આ ગીતા જ્ઞાન એટલું જ મહત્વ ધરાવે છે.

ગીતા તમામ વેદો અને ઉપનિષદોનો સાર છે.સમગ્ર મહાભારતનું નવનીત મહર્ષિ વેદ વ્યાસે ગીતાના કુલ સાતસો શ્લોકો દ્વારા અર્જુનને નિમિત્ત બનાવીને વિશ્વને પીરસ્યું છે.ગીતા એ જીવન યોગ છે.જીવનના મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ ગીતાના સંદેશમાંથી મળી રહે છે.જીવન કેમ જીવવું એની કળા ગીતા આપણને શીખવે છે.

દરેક મનુષ્યની અંદર એક શંકાશીલ અર્જુન છુપાઈને બેઠેલો હોય છે.જ્યારે અર્જુન તત્વમાં યોગેશ્વર કૃષ્ણનું તત્વ ભળે એટલે જે જીવન સંગીતનું ગાન પ્રગટે એ જ ગીતા.કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે રથ ઉભો રાખીને સારથી બનેલા શ્રી કૃષ્ણે સખા અર્જુનની શંકાઓનું નિવારણ કરતાં કરતાં અર્જુનને નિમિત્ત બનાવીને વિશ્વની માનવ જાતને જીવન જીવવા માટેની કળા માટેનો એક અણમોલ અને પ્રેરક સંદેશ આપ્યો છે.આવી રત્નાકર જેવી ગીતાની અંદર ડૂબકી મારી ઊંડેથી રત્નો પ્રાપ્ત કરીને એનું ગાન કરીએ અને જીવન સંગીત પ્રગટાવીએ.

અગાઉની મારી એક પોસ્ટમાં શ્રીમદ ભગવદ ગીતાનો સંદેશ સંક્ષેપમાં મૂળ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને મુક્યો હતો .આ જન્માષ્ટમી પર્વ પ્રસંગે એને અહીં ફરી અહીં રજુ કરવાનું ઉચિત રહેશે..

શ્રીમદ ભગવદ ગીતાનો સંદેશ સંક્ષેપમાં

ચિંતા માથે લઇ કેમ વ્યર્થ ફરી રહ્યો છે તું.

કોની લાગી રહી છે બીક બિન કારણ તને.

કોઈ તને મારી નાખશે એવી બીક છે તને?

આત્મા નથી મરતો કે નથી જન્મ લેતો કદી.

ભૂતકાળે જે થયું એ બધું થયું સારા માટે

જે બની રહ્યું વર્તમાને એ છે સારા માટે

જે થશે ભાવિમાં પણ હશે એ સારા જ માટે

બન્યું જે ભૂતકાળે એનો અફસોસ કરવો નહીં

ભાવિની ચિંતા કરવાની પણ તારે શી જરૂર?

વર્તમાને થઇ રહ્યું જે એનું જ તું રાખ ધ્યાન.

શું ગુમાવ્યું છે તેં કે રડી રહ્યો છું તું.

શું લાવ્યો હતો સાથે જે છે તેં ગુમાવ્યું હવે,

શું પેદા કર્યું જે નાશ પામ્યું એમ માની રહ્યો

ખાલી હાથે જ આવ્યો તું જગમાં હતો

જે કંઇ છે બધું તારી પાસે, પ્રાપ્ત કર્યું છે અહીં.

દાન જે કર્યું એ બધું, અહીંથી જ તો છે આપ્યું

તારું પ્રાપ્ત કર્યું એ બધું પરમેશ્વરની દેન છે

જે તેં આપ્યું હશે એ, એને જ અર્પણ છે બધું.

ખાલી જ હાથે આવ્યો હતો જગમાં તું

ખાલી હાથે જ વિદાય થવાનો છે તું.

જે કંઇ આજ છે તારું,કાલે કોઈ અન્યનું હતું

થાશે એ બીજાનું આવતી કાલે અને પછી.

બધું તારું જ છે એમ વ્યર્થ મનમાં રાચી રહ્યો

સુખના જુઠ્ઠા ખ્યાલો તારી ચિંતાઓનું મૂળ છે.

જે પ્રાપ્ત થયું વિશ્વે,પ્રભુ એ જ આપ્યું છે તને

જે તેં આપ્યું એ બધું,પ્રભુ ને જ અર્પણ છે કર્યું.

ખાલી હાથે આવ્યો હતો,જવાનો છે ખાલી હાથે.

પરિવર્તન એ જ જગતનો અચલ નિયમ છે

માને છે તું મોત જેને,વાસ્તવમાં એક જીવન છે.

એક ક્ષણે ભલે બને તું લાખોપતિ કે કરોડપતિ

બીજી ક્ષણે પડવાનો છે તું ગરીબાઈની ખીણમાં.

મારું, તારું,મોટું,નાનું, વ્યર્થ છે એ ખ્યાલો બધા

ભૂસી જ નાખ એ ખ્યાલો તારા મનમાંથી સદા

એમ માને તો,બધું છે તારું,ને તું બધાનો પછી.

આ દેહ તારો જે કહે છે એ તારો કદી છે જ નહીં

અને “તું” છે એમ કહે છે,એ તારો દેહ કદી નથી.

દેહ બન્યો અગ્નિ,પાણી,હવા,જમીન અને આકાશથી

દેહ જ્યારે પડશે ત્યારે આ પંચ તત્વમાં જશે ભળી.

કિન્તુ આત્મા અવિનાશી છે , તો પછી “તું” કોણ છું ?

સમજી આ સત્યને,ન્યોછાવર કર પ્રભુને તારી જાતને

અંતેતો એ જ છે એક વિભૂતિ જે વિશ્વાસને પાત્ર છે.

પ્રભુની અપાર કૃપા અને સહાયની જે લોકોને જાણ છે

શોક, ભય અને ચિંતાઓથી તેઓ,સદાને માટે મુક્ત છે.

જે કરે તું એ બધું,કર પ્રભુચરણે અર્પણ ધરવાને કાજ

જો પછી કેવી સદાને માટે—-

આનંદ અને જીવન-મુક્તિની અજબ અનુભૂતિ થાય છે .

– વિનોદ આર. પટેલ

એક સુંદર મીરાં ભજન

મેરે તો ગિરધર ગોપાલ દૂસરોં ન કોઈ (વિડીયો )

મેરે તો ગિરધર ગોપાલ દૂસરોં ન કોઈ

જાકે સિર મોર મુકુટ મેરો પતિ સોઈ
અસુવન જલ સીંચ-સીંચ પ્રેમ બેલ બોઈ
અબ તો બેલ ફૈલ ગઈ આનન્દ ફલ હોઈ
મેરે તો…
તાત માત ભ્રાતા બન્ધુ આપણો ન કોઈ
છોડ દઈ કુલ કી આન કા કરિહે કોઈ
મેરે તો…
જાકે સિર મોર મુકુટ મેરો પતિ સોઈ
ચુનરી કે ટૂક કિએ ઓઢ લીન્હી લોઈ
મોતી-મૂંગે ઉતાર વનમાલા પોઈ
મેરે તો…

ઉપરનું મીરાં ભજન લતા મંગેશકરના મધુર કંઠે યુ- ટ્યુબ વિડીયોની નીચેની લીંક ઉપર સાંભળીને આ કૃષ્ણ જન્માષ્ટમીનું પર્વ ભક્તિ રસમાં તરબોળ બનીને  ઉજવીએ.

Mere To Girdhar Gopal –  Lata – (Hema Malini – Meera)

_________________________________________________________

HAPPY JANMASTMI TO ALL