વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 11, 2012

(77) મૂર્ધન્ય સાહિત્યકાર અને કવિ ડો.સુરેશ દલાલને હાર્દિક શ્રધાંજલી

ડો .સુરેશ દલાલ (10-11-1932...8-10-2012)

ડો .સુરેશ દલાલ (10-11-1932…8-10-2012)

ગુજરાતી ભાષાના ખ્યાતનામ કવિ, પ્રખર સાહિત્યકાર,જાણીતા નિબંધકાર, સંપાદક અને આજીવન અક્ષરના ઉપાસક ડો સુરેશ દલાલનું ગયા શુક્રવારે તા.૧૦મી ઓગસ્ટ,૨૦૧૨ના રોજ મુંબઇ ખાતે તેઓના નિવાસ સ્થાને હૃદય બંધ પડી જવાથી અવસાન થયું છે . ડો.દલાલની તબિયત છેલ્લા કેટલાક વખતથી નાદુરસ્ત હતી.એમની વય ૮૦ વર્ષની હતી.

એમના દુખદ અવસાનનાં સમાચાર વાયુ વેગે ફેલાતાં સાહિત્ય જગતમાં ઊંડા શોકની લાગણી ફેલાઇ છે.સ્વ.ભોળાભાઈ પટેલ પછી ડો .સુરેશ દલાલના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં પડેલી ખોટ વધુ ઘેરી બની ગઈ છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેઓને શ્રદ્ધાંજલી પાઠવતાં જણાવ્યું હતું કે” તેઓના અવસાનથી ગુજરાતી ભાષાનો પ્રત્યેક શબ્દ રડી રહ્યો છે.”

૧૧ ઓક્ટોબર, ૧૯૩૨માં મુંબઈ નજીકના થાણેમાં જન્મેલા ડો. સુરેશ દલાલે ૧૯૮૩માં રણજીતરામ સુવર્ણચંદ્રક, ૨૦૦૫માં સાહિત્ય અકાદમીનો નર્મદ સુવર્ણ ચંદ્રક તેમજ ૨૦૦૭મા ‘ચિત્રલેખા વજુ કોટક સુવર્ણચંદ્રક’ પ્રાપ્ત કર્યા હતાં .

સુરેશ દલાલની જીવન ઝરમરઃ

1956 – 1964 મુંબઇની કે.સી. કોલેજમાં ગુજરાતી ના પ્રાધ્યાપક

1964 – 1973 મુંબઇની કે.જે. સૌમૈયા કોલેજમાં અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ

1973 – 1981 એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર

1981 – પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ અને રિસર્ચના ડિરેક્ટર

1986 – યુનિ. ગ્રાન્ટ્સ કમિશનના સભ્ય

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના થોડો સમય માટે વાઇસ ચાન્સેલર

1967થી – ‘કવિતા’ દ્વિમાસિકના તંત્રી

1987 – 1991 – ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપાધ્યક્ષ

1988 – કેન્દ્રીય સાહિત્ય અકાદમીના એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય.

છેલ્લા કેટલાંક સમયથી ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. ના મેનેજિંગ – ડિરેક્ટર

કવિ સમ્મેલનના કુશળ સંચાલક.

એમનો વધુ પરિચય મારા મિત્ર સુરેશ જાનીના બ્લોગ ગુજરાત પ્રતિભા પરિચયમાંથી મેળવો.

ગુજરાત પ્રતિભા પરિચય — સુરેશ દલાલ 

ડો.સુરેશ દલાલનો સવિશેષ પરિચય તો નીચે મુકેલા બે યુ-ટ્યુબ ના વિડીયો દર્શનથી મળી જશે.

ડો. સુરેશ દલાલને ૫મી મે, ૨૦૦૭ના રોજ ‘ચિત્રલેખા’નો ‘વજુ કોટક સુવર્ણચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગને આવરી લેતો આ વિડીયો નિહાળો.

Chitralekha Vaju Kotak Suvarna Chandrak 2007 — Suresh Dalal

નીચેનો બીજો વિડીયો યુવાન અને જાણીતા કવિ અંકિત ત્રિવેદીને ગુજરાત સરકારનો યુવા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો એ પ્રસંગે ડો.સુરેશ દલાલે જે હાસ્ય સાથે આ કવિનો એમની આગવી રીતે પરિચય આપેલ એનો છે.

આ વિડીયોની લીંક ઈ-મેલમાં મને મોકલવા માટે હ્યુસ્ટનના હાસ્ય લેખક શ્રી ચીમનભાઈ પટેલનો આભારી છું.આ વિડીયોથી વાચકોને ખ્યાલ આવશે કે ડો.દલાલ કેવા પ્રખર વક્તા પણ હતા.

________________________________________________________

ડો .સુરેશ દલાલ

મને ગમતાં ડો.સુરેશ દલાલનાં ત્રણ સુંદર કાવ્યો.

ડો.સુરેશ દલાલે એમનાં ૮૦ વર્ષના સક્રિય જીવન દરમ્યાન ઘણાં લોક પ્રિય કાવ્યોનું સર્જન કર્યું હતું.એમાંથી કયું કાવ્ય પસંદ કરવું એ સરળ નથી.એમ છતાં મને ગમતાં ત્રણ કાવ્યો નીચે આપ્યાં છે.આ કાવ્યો ઉપરથી ડો.દલાલની એમની અદ્ભુત કવિત્વ શક્તિ અને શૈલીનો પરિચય મળશે..

આ કાવ્યો ખુબ જ જીવન લક્ષી અને પ્રેરક છે.મને આશા છે આપને પણ એ એટલાં  જ ગમશે.

૧.આપણી રીતે રહેવું:

આપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

ફૂલની જેમ ખૂલવું
અને ડાળની ઉપર ઝૂલવું
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું

મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!

પગલાં ભૂંસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું

લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું !

– સુરેશ દલાલ

ઉપરના ગદ્ય કાવ્યમાં સુરેશભાઈએ એમની અનોખી રીતે સરળ ભાષામાં ખુમારી ભરેલું જીવન જીવવાનો સંદેશ આપ્યો છે એ માણવા જેવો છે.

૨. યહી જીવન હૈ !

કોઈકને જીવવા નો થાક લાગે છે,
કોઈકને ધાર્યું નહિ જીવવાનો વસવસો છે,કોઈ ને જીવવાનો નર્યો નશો છે,
કોઈને મરણની સાથે મહોબત થી જાય છે,કોઈક ઉદાસ છે.
કોઈકને જીવવાની ભરપુર પ્યાસ છે.
અને સાવ એકલા હોઈએ ,કે કોઈનો સહેવાસ હોય,
પ્રાસ મળે કે ન મળે,તો પણ
પંક્તિએ પંક્તિએ પ્રગટ તો થવાનું જ છે
ફૂલ ઉગતા પહેલાં ,કદિ વિચાર નથી કરતું,
કે ચૂંટાઈ જઈશ તો શું ?
બજારમાં વેચાઈ જઈશ તો શું ?
વિચાર નથી કરતું એટલે તો
એ ખુલે છે ને ખીલે છે.
ઝાકળ બિંદુને અને આકાશને એ
પોતાની રીતે ઝીલે છે.એકવાર ડાળી પર પ્રગટ્યું,
પછી હવામાં ઝૂલવાનું તો છે.
કાંટાથી ચિરાઈ જાય તો પણ,
સુગંધમાં વીખરવાનું તો છે.
પણ મારે,તમારે અને આપણે,
જીન્દગી જીવવાની છે-સહજપણે ,
ઝાડની જેમ,ફૂલની જેમ,નદીની જેમ,
વહી જતી સદીઓનો સદીની જેમ.

    — સુરેશ દલાલ

૩.આ કાવ્ય સાહિત્યનાં પ્રખર અભ્યાસુ અને  નીરવ  રવે  બ્લોગ નાં બ્લોગર મિત્ર પ્રજ્ઞાબેન વ્યાસે એમનાં ઈ-મેલમાં મને મોકલેલ .આ કાવ્ય મને ગમ્યું એટલે અહીં એમના આભાર સાથે અત્રે મુકેલ છે.

તોયે માણસ મને હૈયાસરસો લાગે

ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે
તોયે માણસ મને હૈયાસરસો લાગે

દરિયો છે એટલે તો ભરતી ને ઓટ છે
સારું ને બૂરું બોલે એવા બે હોઠ છે
એને ઓળખતા વરસોનાં વરસો લાગે
તોયે માણસ મને હૈયાસરસો લાગે

ઘડીક સાચો લાગે ઘડીક બૂઠ્ઠો લાગે
ઘડીક લાગણીભર્યો ઘડીક બુઠ્ઠો લાગે
ક્યારેક રસ્તો લાગે ને ક્યારેક નકશો લાગે
તોયે માણસ મને હૈયાસરસો લાગે

ક્યારેક ભૂલો પડે ને ક્યારેક ભાંગી પડે
ક્યારેક ચપટીક ધૂળની પણ આંધી ચડે
ક્યારેક માણસભૂખ્યો લોહીતરસ્યો લાગે
તોયે માણસ મને હૈયાસરસો લાગે

– સુરેશ દલાલ

સ્વ.ડો.સુરેશ દલાલને હાર્દિક શ્રધાંજલિ.સદગતના આત્માને પ્રભુ ચીર શાંતિ બક્ષે એવી પ્રાર્થના છે.