વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 17, 2012

( 80 ) સ્વ. ડો. સુરેશ દલાલ અને એમનાં ત્રણ ડોસા-ડોસી કાવ્યો.- શ્રધાંજલિ ભાગ-૨

(Photocourtesy-Gujarati Pratibha Parichay )

સ્વ.સુરેશ દલાલે ઘણા વિષયો ઉપર વિવિધ શૈલીમાં એમની આગવી રીતે ઘણાં દિલચસ્પ એક ભંડાર ભરાય એટલાં કાવ્યો લખ્યાં છે.આ કાવ્યોમાં ગંભીર વિષય  ઉપરાંત આજની પોસ્ટમાં મુકેલ ડોસા-ડોસીના કાવ્યો જેવો હળવો વિષય પકડીને એના ઉપર પણ એમણે એમની કલમ સરળતાથી ચલાવી છે. 

અગાઉ મારા આ બ્લોગમાં જાન્યુઆરી ૨૦૧૨માં “ઘરડાં મા-બાપની સામાજિક સમસ્યાઓ” એ વિષય ઉપરની મારી પોસ્ટે વાચકોમાં સારો એવો એવો રસ અને ચર્ચા જગાવેલી.(અહીં આ પોસ્ટ વાંચો.)

આ પોસ્ટના અનુંસંધાનમાં ગુજરાતી ભાષાની અસ્મિતા માટે દીન રાત ખુબ જ ઉત્સાહથી કામ કરી રહેલ મારા એક મિત્ર અને સન્ડે-ઈ-મહેફિલ બ્લોગ ના એક બ્લોગર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે તા- જાન્યુઆરી,૨૪,૨૦૧૨ના એમના ઈ-મેલમાં સ્વ.સુરેશ દલાલનાં ત્રણ ડોસા-ડોસી કાવ્યો મને મોકલી આપ્યાં હતાં. આ કાવ્યો મોકલતાં  ઈ-મેલમાં એમણે  મને આ પ્રમાણે લખેલું : 

વહાલા વીનોદભાઈ,

(આ કાવ્યો ) ક્યાંક સંઘરી રાખજો..સમય–સંજોગ પ્રમાણે તેનો ઉપયોગ પણ કરી શકશો.આ તો હાલ તમે ઓલ્ડ–એઈજ પર ચર્ચા ઉપાડી છે તેના અનુસંધાને માત્ર..“મઝામાં ?.

ઉ.મ..સુરત. 

With LOVE to All Old Friends…                          

                                                                                   

આ મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જર અને શ્રીમતી મધુબેન ગજ્જરના આભાર સાથે આજની પોસ્ટમાં સ્વ.સુરેશ દલાલનાં એમણે મોકલેલ ડોસા-ડોસી કાવ્યોનો “સમય–સંજોગ પ્રમાણે” ઉપયોગ કરી,સ્વ.દલાલને શ્રધાંજલિ અર્પતી  મારી આઅગાઉની પોસ્ટ  ના અનુસંધાનમાં આજની પોસ્ટમાં મુક્યાં છે.હળવા મિજાજના કવિ સ્વ.સુરેશ દલાલનાં આ ત્રણ હળવાં કાવ્યો દ્વારા એમને એક વધુ શ્રધાંજલિ આપીને હળવા થવાનો મારો આ નમ્ર પ્રયાસ છે. મને આશા છે આપને એ વાંચવાં ગમશે. 

આ ત્રણ ડોસાં-ડોસી કાવ્યોમાં એકલવાયું નહીં પણ બેકલવાયું જીવન જીવતાં હરએક વૃદ્ધદમ્પતીની લાગણીને કવિ દલાલે કેવી સબળ બખૂબી રીતે વાચા બક્ષી છે !ડોસા-ડોસીના એકબીજા પ્રત્યેના પ્રેમની સુરેખ અભિવ્યક્તી પણ એમાં જણાઈ આવે છે. 

ડોસા-ડોસીની કક્ષા તરફ આગળ વધતા વડીલોને આ કાવ્યો એક નવો સંદેશ આપે છે કે ઘડપણની અવસ્થાના દુખોને એક બીજાના સહકાર અને સહારાથી રમૂજ અને આનંદથી સકારાત્મક રીતે હળવાં કરી શકાય છે અને માણી પણ શકાય છે.  

જિંદગીના છેલ્લા તબક્કામાં એકબીજાને સહારે મળે ત્યાંથી આનંદ શોધીને  પ્રસન્ન રહીને દાંપત્યજીવન જીવી રહેલ ડોસા-ડોસીનાં નીચેનાં સ્વ.ડો.સુરેશ દલાલનાં ત્રણ હળવાં  ગદ્ય કાવ્યો નીચે પ્રસ્તુત છે .

 

કમાલ કરે છે,એક ડોસી ડોસાને હજી વ્હાલ કરેછે. 

કમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસીને આમ કરી
ડોસાને શાને બગાડે ?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે?

નિયમ પ્રમાણે દવા આપેછે રોજ
અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન.
દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે એ.

કાનમાં આપે એ એવાં ઈન્જેકશન
કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે
કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.

બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી ધાંધલધમાલ કરે છે.

ડોસો વાંચે અને ડોસીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે,ઝગડે છે,હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.

દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દિવાલને ગુલાલ કરે છે.

સુરેશ દલાલ 

https://gujaratikavitaanegazal.wordpress.com પરથી સાભાર)

         ડોસાએ ડોસીને જીદ કરીકહ્યું:       

 ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો’કના લગનમાં જઈએ તો લાગે
કે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય
કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
જીવન હોય તો આવું સહિયારું;

ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
ઠાઠ અને ઠસ્સો જમાવ.

તારી મેંદીમાં મારું ઉપસશે નામ
અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
ને ફરી લઈએ જીવતરનો ફેરો;

સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
ને બિલોરી આપણું તળાવ!

-સુરેશ દલાલ

( https://gujaratikavitaanegazal.wordpress.comપરથી સાભાર….)

ડોશી કહે સવાર પડી : ડોસો કહે હાજી.
ડોસો કહે રાત પડી : ડોશી કહે હાજી.
હાજી હાજી હાજી હાજી હાજી હાજી હાજી
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

બન્ને જણા વાતો કરે : કરે હોંશાતોંશી
મનથી રહ્યાં તાજાંમાજાં : શરીરની ખામોશી
ડોસો બ્હારથી થોંથા લાવે : ડોશી લાવે ભાજી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

ડોશીના દુ:ખે છે ઘૂંટણ : ડોસો ધીમે ચાલે.
એકમેકનો હાથ પકડી નાટકમાં જઈ મ્હાલે.
સિગારેટના ધુમાડાથી ડોશી જાયે દાઝી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી

બન્નેના રસ્તા જુદા : પણ બન્ને પાછા એક
એકમેક વિના ચાલે નહીં : લખ્યાં વિધિએ લેખ
વરસે તો વરસે એવાં : પણ ક્યારેક રહેતા ગાજી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

– સુરેશ દલાલ

(http://layastaro.com/પરથી સાભાર )

______________________________________________________________

(Photo courtesy-Net Jagat )

શ્રી ઉત્તમભાઇએ એમના એક બીજા ઈ-મેલમાં આ જ વિષય ઉપરનું એક એક અજ્ઞાત કવિનું કાવ્ય મોકલી આપ્યું હતું.આ કાવ્ય પણ મને ગમ્યું હોઈ એને નીચે આપું છું.

છેલ્લે તો આપણે બે જ હોઈશું  

ભલે ઝગડીએ,  ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,

એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે  બે જ હોઈશું. 

જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,

એકબીજાનાં ચોકઠાં(ડેન્ચર–ચશ્માં) શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું. 

હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,

એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું. 

આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે,

ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું. 

ઘુંટણ જ્યારે દુઃખશે, કેડ પણ વળવાનું મુકશે,

ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું. 

‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ’,

એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું. 

સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી  આવી જશે,

ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.

કવીઃ ‘અજ્ઞાત’

જે ઈ-મેલમાં એમણે ઉપરનું કાવ્ય મોકલ્યું હતું એમાં એમણે નીચે પ્રમાણે લખ્યું હતું.આ લખાણ ઉપરથી ખ્યાલ આવશે કે ગુજારતી ભાષા માટે તેઓ કેવો હૃદયનો ઉમદા પ્રકારનો પ્રેમ ધરાવે છે.

“મીત્રો, ગુજરાત પોતાની સ્થાપનાનાં પચાસ વરસ થતાં ‘સ્વર્ણીમ ગુજરાત’નો મહોત્સવ ઉજવે છે.. તે અંતર્ગત ‘ગુજરાતીઓ વાંચતાં જ નથી’ કે “ગુજરાતીઓને ‘બુક’ કરતાં ‘પાસબુક’(બૅન્કની)માં જ વધારે રસ” એ મહેણું ટાળવા ‘વાંચે ગુજરાત’નો મહામહોત્સવ આખું વરસ ઉજવાશે.. આપણે પણ આપણને ગમતી કૃતીનો ‘ગમતાંનો ગુલાલ’ કરતા રહીએ.  સત્ત્વશીલ–જીવનપોષક વાચન વધારીએ ને વહેંચીએ.. એટલું જ નહીં; ઉત્સુકને સ્ક્રીન પર ગુજરાતી લખતા શીખવીએ..મને લખશો તો તે અંગેની સઘળી સામગ્રી મોકલીશ…..ઉત્તમ અને મધુ.. સુરત..”

સંપર્ક

Uttam & Madhu Gajjar,

53-Guraunagar, Varachha Road,

SURAT-395 006 –INDIA Phone : (0261)255 3591

eMail :  uttamgajjar@gmail.com

Webpages : https://sites.google.com/site/semahefil/

http://lakhe-gujarat.weebly.com/

_____________________________________________________________

આ પોસ્ટની મેટર તૈયાર કરી રહ્યો હતો એ વખતે જ હ્યુસ્ટનથી શ્રી ચીમનભાઈ પટેલ (ચમન)એ મોકલેલ ઈ-મેલમાં મને લેખક શ્રી.નરેશ કાપડીયાનો સ્વ.સુરેશ દલાલને અંજલી અર્પતો એક સરસ લેખ મળ્યો. આ લેખ મને બહું ગમ્યો એટલે આજની પોસ્ટમાં એ મુક્યો છે.

આ લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો .

લેખના અંતે લેખકે ખરું કહ્યું છે કે –

“સર્જકનું મૃત્ય નથી થતું.તેઓ તો જીવનલીલા સંકેલે છે. તેમનું  સર્જન તો તેમને

અમરત્વ આપે છે.સુરેશભાઈ મૃત્યું પામ્યા એમ ન કહવાય ,એમણે બારી બંધ કરી

એમ કહેવાય.”

____________________________________________________________________

સ્વ.સુરેશ દલાલના મને બહું ગમતા નીચેના એક વધુ મનનીય ગદ્ય કાવ્યથી

એમને ભાવભીની શ્રધાંજલિ આપીને આ પોસ્ટને સમાપ્ત કરીએ.

મારે માટે પૃથ્વી એ પૃથ્વી છે

એટલું જ પૂરતું છે.

પૃથ્વી પર સ્વર્ગ ઉતારવાની

ફાંકેબાજ વાત કરવાનો

મને કોઈ રસ નથી

અને પૃથ્વી પર

જો નરક હોય – અને છે – પણ

એ આપણે જ ઊભું કરેલું છે.

 

લાફિંગ કલબ અને

રડવાની રેસ્ટોરાંની વચ્ચે

ઊભા રહીને

હું તો માત્ર એટલું જ કહું છું

ભગતની વાણીમાં :

‘ક્ષણ હસવું ક્ષણ રડવું,

આ પૃથ્વી વિણ ક્યાં જડવું ?’

સુરેશ દલાલ

આવાં ઘણાં અર્થપૂર્ણ કાવ્યોના ભંડાર અને પુસ્તકો અને સામયિકોમાં સંગ્રહિત

એમના સમુદ્ર જેવા વિશાળ પ્રેરક અન્ય ગદ્ય સાહિત્યથી સ્વ.સુરેશભાઈ દલાલ

ગુજરાતી સાહિત્ય જગતમાં શબ્દ સ્વરૂપે હંમેશાં અમર રહેશે.

_____________________________________________ 

Photo courtesy – Net jagat