વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓગસ્ટ 22, 2012

(82 ) સ્વ.ડો.સુરેશ દલાલના બે મનનીય લેખો- શ્રધાંજલિ ભાગ-૩

                                                                  (ફોટો સૌજન્ય- ગુગલ -ઈમેજ )

 એક મિત્રે ઈ-મેલમાં મને સ્વ.સુરેશ દલાલના જીવનની કેફિયત એમના જ શબ્દોમાં રજુ કરતો એક સરસ મનનીય લેખ જીવનમાંથી હું શું શીખ્યો ? મોકલી આપ્યો છે . આ લેખ અને એમના પ્રવચનનો એક લેખ ,અગાઉની સ્વ.ડો.સુરેશ દલાલ વિશેની બે પોસ્ટના અનુસંધાનમાં શ્રધાંજલિ ભાગ-૩ તરીકે નીચે મુકેલ છે. 

ફોરવર્ડ ઈ-મેલમાં જેમ ઘણીવાર બનતું હોય છે એમ મિત્રે એના પ્રથમ લેખના સ્રોતનો કોઈ નિર્દેશ કર્યો નથી એટલે એ જણાવેલ નથી.જો કોઈ વાચક એ જણાવશે તો આભારી થઈશ.

                                                                                                                                     —-  વિનોદ આર.પટેલ  

___________________________________________________

 

જીવનમાંથી હું શું શીખ્યો ?               લેખક- સ્વ.ડો.સુરેશ દલાલ

 

મારો જન્મ થાણેમાં મારા મોસાળના બંગલામાં થયો હતો. મારા નાના થાણેના નગરશેઠ હતા. એ વખતે થાણે પાગલખાના માટે જાણીતું હતું એટલે જ કદાચ કવિતાની પગલાઈનો અંશ મારામાં હશે. મારાં માતા રૂપાળાં હતાં. પિતા શ્રીમંત કુટુંબના નબીરા હતા અને મારા દાદાને મેં જોયા ન હતા પણ સમાજમાં ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. કહેવાય છે કે એમનામાં અનેક પ્રકારની આવડત અને ત્રેવડ હતી. એ જમાનામાં એ મુંબઈની ગણનાપાત્ર સંસ્થામાં ટ્રસ્ટી હતા.

કોઈક કારણસર મારા પિતા એમની માતાથી અને નાના ભાઈથી અલગ થયા અને લખી આપ્યું કે મારો તમારી મિલકતમાં કોઈ ભાગ નથી. એક બાજુ ચિક્કાર છત જોઈ અને બીજી બાજુ પિતાના પગલાને કારણે અછત જોઈ. ખત્તરગલીમાં મોરારબાગની બાજુમાં કેશવલાલ લલ્લુભાઈનો માળો હતો અને એ માળામાં પહેલે માળે મારાં દાદી રહેતાં અને ત્રીજે માળે બે ઓરડીમાં અમારું કુટુંબ રહેતું. અમારું કુટુંબ એટલે મા-બાપ અને અમે ત્રણ ભાઈઓ. ત્રીજો ભાઈ લલિત હયાત નથી. મોટા ભાઈ અરવિંદ અને આશાભાભી સાથે અમારો મિત્રનો સંબંધ. અમે બંને ભાઈઓ પણ છીએ અને સાઢુભાઈઓ પણ છીએ.

અમારી મૂળ અટક લાકડાવાળા હતી. પછી દલાલ અટક થઈ. અમારી લાકડાની વખાર હતી. દાદાના કુટુંબના માણસો પણ શ્રીમંત અને મોભાદાર હતા. દાદાના મામા એ જમાનામાં બહુ આગળ પડતા સોલિસિટર હતા અને દાદીની બહેન એટલે કે મારા પિતાનાં માસી સેન્ચુરી મિલના માલિક શ્રી સી.વી. મહેતા સાથે પરણેલાં. નાનાનો બંગલો એટલો મોટો અને વિશાળ બગીચાથી વીંટળાયેલો હતો કે એમાં ખોવાઈ જઈએ.

પિતા અત્યંત સીધાસાદા અને વધુ પડતા સરળ હતા. ક્રોધી ખરા પણ દિલમાં કોઈ ડંખ નહીં. ન્યાતમાં એમનું સ્થાન એવું હતું કે બધા એમ જ માને કે એ કોઈના પણ પડખે કાળી રાતે ઊભા રહી શકે. વીમા કંપનીમાં ફાયર ડિપાર્ટમેન્ટમાં હેડ હતા અને એમની પ્રમાણિકતા માટે એટલી હદે જાણીતા હતા કે એક સર્વેયરે એમને પાર્ટનરશીપ ઑફર કરી હતી એ પણ એમણે જતી કરી. માતા પાસે ભાષાનું અદ્દભુત પ્રભુત્વ. મોઢામાંથી ધડધડ પાણીની જેમ કહેવતો ફૂટે. મરાઠી ભાષા પર એમનું અદ્દભુત પ્રભુત્વ હતું. ભાષા પ્રત્યેનો પ્રેમ મને કદાચ એમની પાસેથી મળ્યો હોય અને પિતાની સરળતા પિતા પાસેથી. આમ જન્મથી જ હું સંપાદન કરતો આવ્યો છું.

શાળાજીવનમાં ભણવામાં હું નબળો. ગણિત, વિજ્ઞાન, ભૂગોળમાં આજે પણ ગતાગમ પડતી નથી. મારો ભાઈ અરવિંદ ખૂબ જ હોંશિયાર. શાળામાં એની હોશિયારીનાં વખાણ થતાં અને અજાણપણે પણ શિક્ષકો બે ભાઈઓની સરખામણી કરે અને મને ઉતારી પાડે. આવું બધું મને ગમતું ન હતું. સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી ભાષા ગમતી. એસ.એસ.સીમાં મને માંડ પાંત્રીસ ટકા મળ્યા ત્યારે મોટા ભાઈએ મજાક પણ કરેલી કે મૂળ તો તેત્રીસ ટકા હશે પણ બે ટકા ગ્રેસના મળ્યા હોય.

જીવનમાં વળાંક આવ્યો સેન્ટ ઝેવિયર્સ કોલેજને કારણે. એમાં તો પ્રવેશ પણ માંડ માંડ મળે. પિતા કહેતા કે આના કરતાં તો તું નાપાસ થયો હોત તો સારું થાત. પણ મેં યેનકેન પ્રકારેણ નર્યા આત્મવિશ્વાસથી ફાધર બાલાગ્યરને મુલાકાત આપીને, એમના પ્રશ્નોના ઉત્તર આપી આપબળે કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. એફ.વાય. આર્ટ્સથી મનસુખલાલ ઝવેરીની વાણીના પ્રભાવથી અંજાયો અને મંજાયો. પછી તો બી.એ.માં ગુજરાતી, સંસ્કૃત વિષય લીધો એટલે સાવ ઢ ગણાતો હું હોંશિયાર વિદ્યાર્થીમાં ગણતરી પામ્યો. 1953ની આસપાસ કવિતા લખવાની શરૂઆત કરી ત્યારે મને મારી પોતાની આછી ઓળખ કંઈક અંશે પ્રાપ્ત થઈ અને જેમ જેમ વર્ષો વીતતાં ગયાં તેમ તેમ સાહિત્ય – સવિશેષ કવિતા મારા જીવનનું પ્રયોજન છે એ સમજાતું ગયું. આ સમયમાં હરીન્દ્ર દવે અને શિવજી આશર સાથે મૈત્રી થઈ અને 1956થી શિક્ષણક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારથી આજ લગી પાર વિનાના વિદ્યાર્થીઓની અપાર પ્રીતિ મળતી રહી.

એવો એકે માણસ નહીં હોય કે જેના જીવનમાં ચડતી-પડતી ન આવી હોય. દરિયામાં ભરતી-ઓટ આવે, ખાબોચિયામાં નહીં ! આખું જીવન મોટે ભાગે સાપસીડીની રમત જેવું હોય છે. મૂળભૂત રીતે હું નિરાશાનો માણસ નથી. કોલેજમાં જગદીશ જોશી અને મહેશ દવે જેવા મિત્રો મળ્યા. એકવાર સુરેશ જોશીના સાન્નિધ્યમાં મારે પ્રવચન આપવાનું હતું અને એ પ્રવચન મેં ખૂબ આક્રમક રીતે અને આવેશ તથા ક્રોધ સાથે આપ્યું. લોકોને બહુ ગમ્યું. ખુદ ઉષાબહેન જોશીએ પણ મને આખાબોલાપણા માટે ધન્યવાદ આપ્યા. એ એમની ઉદારતા. સાંતાક્રુઝથી પાછા વળતાં જગદીશ જોશીએ મને ઠપકો આપ્યો. અને કહ્યું કે તારે પ્રવચન દ્વારા પહોંચાડવું હતું શું ? મેં કહ્યું મને જે સત્ય લાગ્યું તે. જગદીશે સામો પ્રશ્ન પૂછ્યો, ‘પણ પહોંચ્યું શું ?’ આ પ્રશ્ને મને અવાક કરી દીધો. હું સમજી શક્યો કે મારે પહોંચાડવું હતું સત્ય પણ પહોંચ્યો આવેશ અને ક્રોધ. ત્યારથી હું એટલું પામી ગયો કે અંગત રીતે જાહેરમાં શક્ય હોય ત્યાં સુધી વાણીથી કોઈનો વધ કરવાની જરૂર નથી. આપણે સત્યને પણ પ્રિય રીતે પ્રગટ કરી શકીએ છીએ અને આ પ્રતીતિ એ મને મળેલો પદાર્થપાઠ છે.

હું દંભનો માણસ નથી. મને જે કંઈ લાગે તે સાવ નિખાલસપણે કહેવામાં માનું છું. ગોળ-ગોળ વાત કરતાં મને ફાવતી નથી. હું પ્રત્યેક માણસને એક મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ તરીકે જોઉં છું અને વાંસળીએ શરણાઈની જેમ વાગવું જોઈએ કે પિયાનોએ હાર્મોનિયમ થવું જોઈએ એવું હું માનતો નથી અને એને જ કારણે મારી લગભગ બધા જ સાથે મૈત્રી હેમખેમ રહી છે, કારણ હું પોતે મ્યુઝિકલ ઑર્કેસ્ટ્રા કન્ડક્ટ કરું છું એવો અહમ મારામાં નથી. માણસે સ્વત્વ અને અહમ બંને વચ્ચેનો ભેદ ઓળખી લેવો જોઈએ.

મારી શ્રદ્ધા ગોંડલના શ્રી નાથાભાઈ જોશીમાં છે અને જે.કૃષ્ણમૂર્તિમાં છે. કદાચ આ બંનેને કારણે હું જીવનની પળેપણ માણું છું. મારી દઢ પ્રતીતિ છે કે જીવન મહામૂલ્ય છે અને પવિત્ર છે એને વેડફવાનું હોય નહીં. અનેક મિત્રોથી વીંટળાયેલો છું અને એમાં ઉત્પલ ભાયાણી કેન્દ્ર સ્થાને છે. પત્ની સુશી અને દીકરીઓ નિયતિ-મિતાલી સાથે પણ મિત્ર જેવો જ સંબંધ. લાગણીની લોકશાહીમાં માનું છું. આપણી જ છાતીમાંથી સત્ય પ્રકટે એવું હું માનતો નથી. બીજાને પણ સાંભળવા જોઈએ અને એમાં જો સત્ય હોય તો એને સ્વીકારવાની તત્પરતા પણ હોવી જોઈએ.

આપણા બારણાં બંધ ન થાય અને બારીઓ ખુલ્લી હોય તો એના જેવી કોઈ મજા નથી. મારું ધ્રુવ વાક્ય છે. Life is to be loved, lived and enjoyed. મારું જીવન કોઈ પૂર્વ યોજનાથી ઘડાયું હોય એવું મને લાગતું નથી. મારા જીવનમાં આપમેળે જ ઘટનાઓ બનતી આવી છે. આખી જિંદગી શિક્ષણના વ્યવસાયમાં ગાળી અને વાઈસ ચાન્સેલરપદે પહોંચ્યો. આપમેળે નવીનભાઈ દવે મળી ગયા અને ઈમેજ સંસ્થા કલ્પી ન હતી એટલી હદે વિક્સી. I don’t believe in disturbing the design of destiny.

હું ખેંચતાણમાં માનતો નથી. જે ઘટના ઘટે છે એને ઘટવા દઉં છું. સંદેશ આપવામાં હું માનતો નથી. હું માનું છું કે માણસે પોતે જ પોતાની જીવનની વિદ્યાપીઠમાં શિષ્ય થઈને જીવવાનું હોય છે. કોઈ તમને ઉછીનું સુખ ન આપી શકે અને હર્યાભર્યા સુખની વચ્ચે કેટલાક માણસોને હાથે કરીને દુ:ખી થવું ગમે છે અને આમ એ પોતાને પણ દુ:ખી કરે છે અને અન્યને પણ. હું જલસાનો માણસ છું. હું આનંદને વહેંચવામાં માનું છું. જ્યાંસુધી તમે તમારી આસપાસના માણસને સુખી ન કરી શકો ત્યાં સુધી કદી આપણને સુખ પ્રાપ્ત થાય નહીં. સુખી થવું એટલે શક્ય હોય ત્યાં સુધી આપણો કર્તાભાવનો અહમ ઓગાળીને અન્યને સુખી કરવા તે.

જીવન મારે માટે વન પણ છે, ઉપવન પણ છે અને તપોવન પણ છે. પ્રત્યેક માણસે તમામ અવસ્થામાંથી પસાર થવાનું છે અને આ અવસ્થામાંથી પસાર થવું એ જો હકીકત હોય તો હસતે મોઢે કોઈ પણ રાવ કે ફરિયાદ વિના પસાર થવું એમાં જ જીવનની રમ્યતા અને ધન્યતા છે.

સુરેશ દલાલ

______________________________________________

સ્વ. ડો.સુરેશ દલાલનું માતા વિશેનું એક સુંદર પ્રવચન 

                                                                        (ફોટો સૌજન્ય- ગુગલ ,ઈમેજ )

આદરણીય શ્રી મફતલાલભાઈનાં દિવંગત માતુશ્રી દિવાળીબહેન મોહનલાલ મહેતાને અંજલિ આપવા યોજેલ કાર્યક્રમમાં પૂજ્ય મોરારિબાપુના સાન્નિધ્યમાં શ્રી સુરેશ દલાલનું ‘મા’ વિશેનું જે સુંદર વક્તવ્ય આપ્યું હતું એને વાંચવા માટે નીચે ક્લિક કરો.

માતાનું ઋણ-પ્રવક્તા ડો, સુરેશ દલાલ

આ પ્રવચન વાંચીને આપને એની પ્રતીતિ જરૂર થશે કે તેઓ એમના અનેક લેખો અને કાવ્યોમાં તેઓશ્રી શબ્દોના જાદુગર  તો હતા જ  પરંતુ એમના પ્રવચનોમાં પણ તેઓ વિષયના ભીતરમાં જઈને એક યાદગાર પ્રવચનથી પ્રખર અને પ્રવાહી વક્તાની છાપ પણ મૂકી જતાં હતા. 

___________________________________________________________________

આ અગાઉ સ્વ. ડો. સુરેશ દલાલના શ્રધાંજલિ ભાગ – 1  અને શ્રધાંજલિ ભાગ -2  ના લેખો નીચે વાંચો.

1. (77) મૂર્ધન્ય સાહિત્યકાર અને કવિ ડો.સુરેશ દલાલને હાર્દિક શ્રધાંજલી

2. ( 80 ) સ્વ. ડો. સુરેશ દલાલ અને એમનાં ત્રણ ડોસા-ડોસી કાવ્યો.- શ્રધાંજલિ ભાગ-૨