વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: સપ્ટેમ્બર 5, 2012

(86) મારી કેટલીક સ્વ-રચિત હાસ્ય-કટાક્ષ રચનાઓ……(હાસ્ય યાત્રા-1)

 

Laughter is the best medicine

ચાલો, વિનોદ વિહારના આ નવા વર્ષની શુભ શરૂઆત થોડું મરક મરક હસીને કરીએ !

હવે પછી આ બ્લોગમાં હાસ્ય અંગેના જે લેખો વિગેરે મુકાય એને “હાસ્ય યાત્રા”એ નવી કેટેગરી હેઠળ પીરસવામાં આવશે.

આજની પોસ્ટમાં “જીવનમાં હાસ્યનું મહત્વ “ એ મારા પ્રારંભિક લેખ પછી હાસ્ય દરબાર બ્લોગમાં પ્રસિદ્ધ થયેલી મારી કેટલીક હાસ્ય-કટાક્ષ રચનાઓ મુકવામાં આવી છે.

જીવનમાં હાસ્યનું મહત્વ – હસે એનું ઘર વસે

જીવનમાં હાસ્યનું મહત્વ હવે સર્વત્ર સ્વીકારાયું છે.સારી રીતે આનંદ સાથે જીવન જીવવા માટે હાસ્ય એ એક જરૂરી અંગ છે.મનુષ્યના જીવનમાં સુખ અને દુખ તો આવ્યા જ કરતાં હોય છે.સુખમાં છકી જવાનું નથી તો દુઃખમાં ભાંગી પણ પડવાનું નથી.

મનુષ્ય જીવનનાં ભારેખમ દર્દોનું દુખ હાસ્યનો આસરો શોધીને આસાનીથી સહ્ય બનાવી શકે છે અને જિંદગીને 

આવા સ્પીરીટથી  જોતો થઇ જાય  છે.  

જિંદગી ઝિંદાદિલીનું નામ છે. મુર્દાદિલ કયા ખાક જિયા કરતે હૈં?

ખુશી ક્યા સિખાતી હમેં જિંદગીકા મઝા ,

અપને દુખોસે હી હમને ખુશી પાયી હૈ . 

હાસ્ય એક એવું પ્રબળ એન્જિન છે જે દરેક પ્રકારણી પીડા, દુ:ખ અને દર્દોનો ભારેખમ બોજ પણ આસાનીથી ઉપાડી શકે છે.દુ:ખ આવે તો પણ તેને તે હસીને એને અલવીદા કરી શકે છે.હાસ્ય એ જીવનની મશીનરીને ઘર્ષણ વિના ચલાવવા માટેનું એક ઉપયોગી પીંજણ(lubricating oil )ની ગરજ સારે છે.

મહાત્મા ગાંધીનું એક જાણીતું કથન છે કે :”જો મારામાં વિનોદ-વૃતિ (sense of humour ) ન હોત તો મેં ક્યારનો ય આપઘાત કરી લીધો હોત.“

અંગ્રેજીમાં એક સરસ વાક્ય છે “Laugh and world will laugh with you… Weep and you weep alone..”

આપણા લોકપ્રિય હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડે પણ કહ્યું છે.

હંસીકે મોલ સબ કોઈ લેલે

કોઈ ન દેખે આંસુઓ કે મેલે

તુમ હ્સોગે તો હ્સેગી દુનિયા

રોના પડેગા અકેલે અકેલે

કોઈએ આ પંક્તિઓમાં પણ સરસ કહ્યું છે :

હસવું સહેલું છે;

પણ રાગ રૂદનનો છેડાયો હોય;

તો પણ હસી શકવું –

એ શૌર્ય માંગી લે છે.

હાસ્ય જીવનની પાનખરમાં પણ વસંત લાવવાની ક્ષમતા ધરાવે છે.વૃદ્ધજનો માટે તો હાસ્ય જીવનની સંજીવની સમાન છે.જેને હાસ્ય એક વ્યસન થઇ જાય એને કોઈ પણ પ્રકારનાં દુખ દર્દો બહું પજવી શકતાં નથી.

મનોવિજ્ઞાનિકોએ હાસ્યના ફાયદાઓ અંગે પ્રયોગો અને અભ્યાસ કર્યા બાદએક મતે તારણ કાઢ્યું છે કે જિંદગીના તણાવને દુર કરવા માટે હાસ્ય એ એક રામબાણ ઈલાજ છે.હાસ્યથી હાર્ટનું પ્રેશર કન્ટ્રોલમાં રહે છે.સાંધાના દુખાવામાં, કબજિયાત વગેરેમાં પણ રાહતરૂપ બને છે.શરીરના સ્નાયુઓ ફ્રી રહેતાં મન દિવસ દરમ્યાન પ્રફુલ્લિત રહે છે. એક અધ્યયનમાં સાબિત થયું કે હાસ્ય જ નહીં પણ સ્મિત પણ આપણી શારીરિક અવસ્થાને પ્રભાવિત કરી શકે છે. જે લોકોના ચહેરા પર સ્મિત ન હતું તેમની તુલનામાં સ્મિત રાખનાર લોકોની દિલની ધડકન યોગ્ય સ્તરે રહી હતી.

હોઠ નું મૌનઘણી સમસ્યાથી બચાવી શકે છે..

અને એજ હોઠ નું સ્મિત…. ઘણી સમસ્યા સુલજાવી શકે છે…!!

ડો.ગુડમેનએ સરસ કહ્યું છે ”જે જિંદગીમાંથી છેવટે તમે જીવતા બહાર આવવાના નથી એ જિંદગીને બહું ગંભીરતાથી લેવાની જરૂર નથી. માણસો જો દિવસના ફક્ત ૧૫ મીનીટ માટે હસી શકે તો એનાં દવાનાં બીલોમાં ઘણો ઘટાડો થઇ શકે. HE WHO LAUGHS,LASTS.”

આજે સમગ્ર વિશ્વમાં અપનાવવામાંઆવી રહેલી લાફ્ટર થેરાપી અને લાફ્ટર યોગ વિષે લખવા બેસીએ તો પાનાનાં પાનાં ભરાય એમ છે, માટે અહીં જ વિરમીએ.

આમ જીવનમાં હાસ્યનું મહત્વ પીછાણીને મારી નીચેની રચના પ્રમાણે જીવનમાં હસતા અને હસાવતા રહીએ.

આહ ! નહીં પણ વાહ ! છે આ જિંદગી !

જેટલી જીવીએ એટલી

અધુરી રહી જાય છે આ જિંદગી !

પ્રેમ આપો , પ્રેમ લ્યો ,

હસો અને હસાવો

આનંદથી જીવી જાણો  જિંદગી

આહ ! નહીં પણ વાહ ! છે આ જિંદગી !

વિનોદ આર.પટેલ

________________________________________________________

હાસ્ય દરબાર બ્લોગમાં  પ્રસિદ્ધ મારી કેટલીક હાસ્ય-કટાક્ષ રચનાઓ

ગયા વર્ષે વાચકોમાં બહું જ વંચાતો બ્લોગ હાસ્ય દરબાર ( વાચકોની સંખ્યા 500000+)અને એના સમ્પાદક મિત્રો શ્રી સુરેશભાઈ જાની અને બોસ્ટનના ન્યુંરોલોજી તજજ્ઞ ડો. રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાથે અને અન્ય દરબારી મિત્રો સાથે  મારે નજીકનો મિત્રતા સંબંધ બંધાયો હતો .ગત વર્ષ દરમ્યાન આ બ્લોગ માટે મેં અવાર નવાર મારી રમુજ કથાઓ અને જોક્સ,વિડીયો વિગેરે મોકલી આપી હતી.

આ  બધી હાસ્ય સામગ્રીમાંથી થોડી પસંદગીની રચનાઓ હાસ્ય દરબારની સમ્મતી અને આભાર સાથે નીચે રજુ કરેલ છે .

આશા છે વિનોદ વિહારના વાચકોને પણ એ એટલી જ ગમશે.

(૧) જટાશંકર જોશીનો બત્રીસ લક્ષણો બેટો !

એક ગામમાં જટાશંકર જોશી કરીને રામજી મંદીરના હરિભક્ત પુજારી રહેતા હતા .એમનાં પત્ની જ્શોદાબેને સોળ સોમવારના વ્રત કરી મહાદેવને પૂજ્યા હશે એટલે લગ્ન પછી ઘણા વર્ષે મોટી ઉમરે જોશી મહારાજને ત્યાં પારણું બંધાયેલું અને આંખની કીકી જેવા વ્હાલા દીકરા જયાનંદનો જન્મ થયો હતો.

સ્વાભાવિક રીતે બધા મા-બાપ રાખે છે એમ આ જોશી યુગલે એમના દીકરાના ઉજળા ભવિષ્ય માટે મોટી આશાઓ રાખી હતી.જયાનંદ મોટો થતો ગયો એમ એનાં લક્ષણો જોઈને જોશી દંપતીના સ્વપ્ન મહેલના કાંગરા ખરવા લાગ્યા.જ્યાનંદ એસ.એસ.સી.ની પરીક્ષા બે ટ્રાયલ પછી પણ પાસકરી ન શક્યો. અભ્યાસ કરવાને બદલે ગામમાં બીજા રખડું મિત્રોની સોબતમાં વખત બગાડતો હતો .જટાશંકર અને એમનાં પત્ની એમના દીકરા માટે રાત દિવસ ચિંતા કરતાં.એમને એમ પણ થતું કે એ અભ્યાસ કરવાનું છોડીને કોઈ નાનો ધંધો કે નોકરી કરે તો પણ સારું.

એક દિવસ જટાશંકરના મનમાં વિચાર આવ્યો કે જયાનંદ ભવિષ્યમાં કેવો વ્યવશાય કરી શકે એમ છે એની પરીક્ષા લેવી જોઈએ.ખુબ વિચારને અંતે શું કરવું એનો એમણે મનમાં નિર્ણય લઇ લીધો.

એક દિવસ જયાનંદ સ્કુલમાં ગયો હતો ત્યારેજટાશંકર એની રૂમમાં ગયા . જયાનંદના અભ્યાસ કરવાના ટેબલઉપર એમણે આ ચાર વસ્તુઓ મૂકી

૧.ભગવદ ગીતાનું પુસ્તક

૨.ચાંદીનો રાણી છાપ રૂપિયાનો સિક્કો

૩.વિસ્કી વાઈનની બોટલ, અને

૪.સ્ત્રીઓના બીભસ્ત ફોટાઓ વાળું એક માસિક

જટાશંકરે મનમાં નક્કી કરી લીધું કે હું જ્યાનંદની રૂમના બારણાની પાછળ સંતાઈ જઇશ અને જોઇશ કે એ સ્કુલમાંથીઆવે ત્યારે રૂમમાં આવીને પહેલી કઈ વસ્તુ ઉપાડે છે.જયાનંદ જો પ્રથમ ગીતાનું પુસ્તક હાથમાં પકડશે તો એનો એ અર્થ થયો કે એ મારા જેવો ધાર્મિક વૃતિ વાળો થશે. એ જો ચાંદીનો સિક્કો હાથમાં લેશે તો કોઈ ધંધો કરી પૈસા કમાશેએ પણ સારું થશે.પરંતુ એ જો વિસ્કીની બોટલ પકડશે તો એ આવારા,ગુંડો અને શરાબી થવાનો અને ત્યારે હે ભગવાન,મારે કેટલું નીચા જોણું થશે!આનાથી યે વધુ ખરાબ,જો એ બીભસ્ત ફોટાઓ વાળું મેગેઝીન પ્રથમ હાથમાં લેશે તો એ જરૂર છોકરીઓની પાછળ લટ્ટુ બની જીવન બરબાદ કરશે.મારું તો નામ બદનામ થઇ જશે.

જ્યાનાન્દને સ્કુલમાંથી આવવાનો સમય થયો એટલે જોશી મહારાજ બારણાની પાછળ સંતાઈ ગયા.જયાનંદ માં વડે સીટી વગાડતોરૂમમાં દાખલ થયો.જોશી મહારાજ બારણા પાછળ છુપાઈને નાની તિરાડમાંથી આતુર નજરે જોઈ રહ્યા કે મારો આ ચિરંજીવીહવે શું કરે છે?હાથમાં પકડેલાપુસ્તકોને એની બેડ ઉપર ઘા કરીને ફેંક્યા.ટેબલ ઉપર એની નજર જતાંઆ બધી વસ્તુઓ જોઈનેએ થોડીવાર વિચારમાં પડી ગયો કે આ કોણ મૂકી ગયું હશે!છેવટે એ ટેબલ નજીક ગયો.થોડા વિચારને અંતે એણે આ પમાણે કર્યું—

સૌથી પ્રથમ એણે ગીતાનું પુસ્તક લીધું અને બગલમાં દબાવ્યું.એ પછી ચાંદીનો સિક્કો લઈને એના પેન્ટના ખિસ્સામાં સેરવીદીધો,વિસ્કીની બોટલનો બુચ ખોલીને વિસ્કીના મોટા ઘુંટ ગળામાં ઉતારીને બોટલ ટેબલ ઉપર પાછી મૂકી દીધી.પછી પેલું સ્ત્રીઓના બીભસ્ત ફોટાવાળું મેગેઝીન લઈને બેડમાં સુતાંસુતાં એનાં પાનાઓ ઉપર રસપૂર્વક નજર ફેરવવા માંડ્યો.

બારણાની ઓથેથી આ દ્રશ્ય જોઈ રહેલા જટાશંકર આશ્ચર્ય પામતા મનમાં બબડી ઉઠ્યાઅરે ભલા ભગવાન, મારો આબત્રીસ લક્ષણો બેટો તો લોકસભાની ચૂંટણી લડી મોટો પ્રધાન થવાનો લાગે છે! હાલના પ્રધાનોના આ ચારેય લક્ષણો એનામાં છે. હવે શું કરીશું? “

(૨ ) ટપુભાઈ ટેલરની ટ્રેજેડી !

કોઈ કારણે મોટી ઉમરે વાંઢા રહી ગયેલા ટપુભાઈ ટેલરને મનમાં વ્હેમ હતો કે મારા જેવો દેખાવડો ગામમાં કોઈ નથી.એ બધાંને કહેતા પણ ખરા કે મારી આગળ તો શાહરુખખાનનોપણ કોઈ ક્લાસ નહીં. આ ટપુભાઈને મનમાં એકવાર થયું કે સાલું આવડો મોટો થયો પણ કદી મુંબાઈ ગયો નથી તો ચાલ એ ફિલ્મી નગરીનો એક આંટો મારી આવું ,મન ભરીને જોઈ આવું.

અને એક દિવસ ટપુભાઈ ટેલર અમદાવાદથી મુંબાઈ જતી ગાડીમાં સારી જગા શોધીને બેસી ગયા.એમના નશીબે એમની સામેની સીટમાં ભગવાન જ્યારે નવરા પડ્યા હશે ત્યારે ઘડ્યાં હશે એવાં એક સ્વરૂપવાન બેન રસપૂર્વક પુસ્તક વાંચી રહ્યાં હતાં.ટપુભાઈ મનમાં ખુશ થયા કે ચાલો શુકન તો સારા થયા છે! ગાડી ઉપડી પણ આ બેન પુસ્તકમાંથી નજર હટાવ્યા વગર વાંચવામાં જ મગ્ન હતાં. ટપુભાઈ એમની સામે એકીટસે તાકી રહ્યા છે એ આ ચાલાકબેન વાંચતા હતાં છતાં સમજી ગયાં હતાં.

ટપુભાઈ મનમાં વિચાર કરતા હતા કે આ રૂપાળી યુવતી સાથે કેવી રીતે વાત શરુ કરવી.એકવાર આ બેને પુસ્તકમાંથી નજર હઠાવીને ટપુભાઈની સામે જોયું.આ મોકાની રાહ જોઈ રહેલા ટપુભાઈએ એ બેન તરફ એક મોહક સ્માઈલનું મિસાઈલ છોડ્યું પણ એ પાછું પડ્યું.આ બેને એમને કોઈ ભાવ આપ્યો હોય એવો મોં ઉપર કોઈ ભાવ ન બતાવ્યો.

ટપુભાઈ હાર માને એવા થોડા હતા.એમણે તો વાતઆગળ વધારવાના આશયથી હિમ્મત કરીને પૂછી જ નાખ્યું :

”બેન ,મેં તમને પહેલાં ક્યાંક જોયાં હોય એવું લાગે છે .’

આ સ્વરૂપવાન બહેને માં પર સહેજસાજ સ્મિત સાથે જવાબ આપ્યો :

”હા, એ બનવા જોગ છે .હું ગાંડાઓની હોસ્પિટલમાં નર્સની જોબ કરું છું.મારા જુના દર્દીઓ મને સારી રીતે ઓળખતા હોય છે.!”

ટપુભાઈ નજર ઉઠાવીને દોડતી ગાડીની બારીની બહાર જોઈ રહ્યા .!

એક દાદા અને એમના પૌત્રનો રમુજી સંવાદ

લગભગ ૮૦ વર્ષના એક દાદા અને એમનો ૫ વર્ષનો પૌત્ર ઘરના બેકયાર્ડમાં બેંચ ઉપર બેસી અલકમલકની વાતો કરતા બેઠા છે.દાદાના ચહેરા ઉપર ઉમરે પાડેલ કરચલીઓને જોઈ રહેલ ગુલાબના ગોટા જેવો પૌત્ર દાદાને પૂછે છે :

”દાદા ,ઘરડા માણસો દરરોજ શું કરતાહશે ?”

દાદા કહે “ રોજે રોજ વધુ ઘરડા થવાનું કામ,બેટા.એક વખત મારો ચહેરો તારા જેવો ગુલાબી હતો, જો હવે કેવો થઇ ગયો છે ?માણસો યુવાન હોય છે ત્યારે ભગવાનને લાંબુ આયુષ્ય મળે એ માટે પ્રાર્થના કરતા હોય છે, અને જ્યારે ઘડપણ આવે ત્યારે ગભરાય છે.!”

“તારા પપ્પાને એના લગ્ન થયા એ પછીએકવાર મેં પૂછેલું કે દીકરા,થોડા વર્ષો પછી હું ઘરડો થઇશ .મેં તારી ભૂતકાળમાં સારી દેખરેખ રાખી છે તો મારા ઘડપણમાં તું મારી સંભાળ રાખીશ ?”

એ વખતે થોડો વિચાર કરીને એણે શું કહ્યું હતું ,ખબર છે ?તારા પપ્પાએ કહેલું :”હું તમને એક વાતનું વચન આપું છું પપ્પા કે મારો દીકરો મારા માટે જેટલું કરશે એટલું તો હું તમારા માટે જરૂર કરીશ .”

દાદાએ પુત્રને પૂછ્યું ;”બોલ બેટા તારા પપ્પા ની તું કેટલી દેખભાળ રાખીશ ?”

પૌત્ર હસતાં હસતાંકહે :”મારો છોકરો મારી જેટલી સંભાળ રાખશે એટલી તો જરૂર રાખીશ.”

દાદા :”મારો બેટો,બાપથી યે સવાયો થાય એવો જબરો છે !”

દાદાના કાનમાં મુકેલ હિયરિંગ એઇડના બટનને બતાવતાં દાદાને પૂછ્યું :”દાદા,તમારા કાનમાં આ શું મુક્યું છે ?”

દાદા – “જોજે કોઈને કહેતો નહીં.આ વાત આપણા બે વચ્ચેખાનગી રાખવાની છે.”

પૌત્ર- ‘ દાદા, પ્રોમીસ હું કોઈને નહીં કહું.”

દાદા- “જો સાંભળ ,આ કાનમાં મુકેલું નાનું બટન મને કાને સારું સંભળાય એ માટે ખરીદી લાવ્યો છું.બધાથી આ વાત મેં ખાનગી રાખી છે “

પૌત્ર- “પપ્પા-મમ્મી થી પણ ખાનગી દાદા ? “

દાદા-‘હા બેટા,એમનાથી તો ખાસ ખાનગી રાખ્યું છે.બધાં એમ માને છે કે મને કાને બહું સંભળાતું નથી.મને એ બધાંની વાતો સાંભળવાની મજા આવે છે.મારા વિષે શું વાતો થાય છે એ હું હવે સાંભળી શકું છું .એક સાચી વાત તને કહું,આ બટન કાનમાં નાખ્યા પછી મેં મારું વિલ ચાર વખત બદલી નાખ્યું છે !”

પૌત્ર- “દાદા, તમે તો બહું જબરા હોંશિયાર છો !”

દાદા-“હા બેટા, થઈ જવું પડે છે !”

વિનોદ આર. પટેલ, સાન ડિયેગો

__________________________________________________

                                                                   એક અછાંદશ કાવ્ય રચના …

નેતાજીના પેટનો દુખાવો !

એક ધનિક પ્રધાન ,દેશ નેતાના પેટમાં,

ઉપડ્યો અચાનક અસહ્ય દુખાવો .

પહેલાં થયું, વાયુ છે, તરત મટીજશે ,

પણ ન મટ્યો એ  ગોઝારો દુખાવો.

તાબડતોબ હોસ્પીટલમાં કર્યા એમને દાખલ,

ડોક્ટરે જલ્દી તપાસ્યા પ્રધાનજીને.

ડોક્ટર માળો નીકળ્યો હોંશિયાર,

કહે તાબડતોબ એક માઈક લઇ આવો.

પ્રધાનજીના પેટમાં ફસાયું છે ભાષણ,

માઈકમાં બોલશે તો જ જશે દુખાવો.

માઈક જોઈ ખુશ થયા પ્રધાનજી,

હોસ્પિટલ વોર્ડ ફેરવાઈ ગયો સભામાં.

પલંગ પર બિરાજમાન નેતાજીએ,

પલંગ ઉપર જ ઉભા થઇ જઈને

શરુ કરી દીધું જોર જોશથી ભાષણ.

માણસો જોયા,માઈક મળ્યું ,

પછી શું બાકી રહ્યું,

પેટનું દુખ થઇ ગયું ગાયબ,

શરુ કરી દીધું એમણે ભાષણ,

હાથ ઉન્ચા કરી, કર્યો જોશથી લલકાર

ભાઈઓ-બહેનો,નવ જુવાનો ,

મારી ક્માઈની પાઈ પાઈ,

મહેનતની ,પરસેવાની છે કમાઈ.

સભામાંથી એક જણ બોલી ઉઠ્યો:

હા નેતાજી, પણ એ કોના પરસેવાની !

અને

નેતાજીના પેટનો દુખાવો,

ફરી શરુ થઇ ગયો !

વિનોદ આર. પટેલ

_________________________________________

(હાસ્ય દરબારમાં “વિનોદ પટેલ ” એ નામે સર્ચ  કરશો તો  એમાં મોકલેલ અને મારા નામે પ્રસિદ્ધ થયેલી ઢગલાબંધ રમુજી સામગ્રી-જોક્સ,વિડીયોવી.અહી વાંચી શકાશે,જોઈ શકાશે.)

આમાંની એક જોક

પત્નીનું સર્જન કરતી વખતે ભગવાને કહ્યું –

‘સારી અને સમજદાર પત્ની દુનિયાના દરેક ખૂણે મળશે…’

અને પછી..

ભગવાને દુનિયાને ગોળ બનાવી દીધી…

હવે શોધ્યા કરો ખૂણો…

( મિત્ર સુરેશભાઈ ઉમેરે છે -ભગવાન ન્યાયી છે. તેઓશ્રીએ આવું પ્ર્રોમિસ સારો પતિ મેળવવા પણ આપ્યું હતું! )

______________________________________________________________

હાસ્યેન સમાપયેત

આ પોસ્ટની સમાપ્તિ એક સરસ હાસ્ય વિડીયોથી કરીએ.

આ હાસ્ય ભરપુર વિડીયોમાં બીજાઓને મૂર્ખ બનતા નિહાળીને તમે ખડખડાટ હસીને બેવડ થઇ જશો .

હળવા ફૂલ થઇ જશો.