છેલ્લા ૧૧ વર્ષથી ગુજરાતનું સુકાન પૂરી લગન અને કાર્ય દક્ષતાથી સંભાળી રહેલ ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનો 17મી સપ્ટેમ્બર,2012ના રોજ જન્મ દિવસ છે.
શ્રી નરેન્દ્ર મોદીને એમના જન્મદિને ખુબ ખુબ
અભિનંદન અને શુભેચ્છાઓ
શ્રી નરેન્દ્ર મોદીનું જીવન વૃતાંત
Narendr Modi
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામ વડનગરમાં ૧૭ સપ્ટેમ્બર, ૧૯૫૦ ના રોજ જન્મેલા શ્રી નરેન્દ્ર મોદી એક એવી સંસ્કૃતિમાં ઊછરીને મોટા થયા જેણે તેમના પર ઉદારતા, પરોપકાર અને સામાજિક સેવાના મૂલ્યોનો પ્રભાવ પાડ્યો. સાંઇઠના દાયકાના મધ્યમાં ભારત-પાક યુદ્ધ દરમિયાન, નાની ઉંમર હોવા છતાં પણ, તેમણે રેલવે સ્ટેશનો પર સ્થળાંતર વખતે સૈનિકોની સ્વૈચ્છિક સેવા કરી હતી. ૧૯૬૭માં તેમણે ગુજરાતના પૂરપીડિતોની સેવા કરી હતી. ઉત્કૃષ્ટ સંગઠનાત્મક સામર્થ્ય અને મનોવિજ્ઞાનમાં ઊંડી આંતરસૂઝ હોવાના કારણે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતા તરીકે પસંદ થયા હતા અને તેમણે ગુજરાતમાં જુદાં-જુદાં સામાજિક-રાજકીય આંદોલનોમાં એક મહત્વની ભૂમિકા નિભાવી હતી.
પોતાની કિશોરાવસ્થાના દિવસોથી જ તેમણે ઘણી મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કર્યો હતો, પરંતુ તેમણે પોતાના વ્યક્તિત્વની સંપૂર્ણ શક્તિ અને સાહસ દ્વારા દરેક પડકારોને તકમાં ફેરવી નાખ્યા. ખાસ કરીને તેમણે જ્યારે ઉચ્ચ શિક્ષણ માટે કૉલેજ અને યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો, ત્યારે તેમનો રસ્તો કઠિન સંઘર્ષ અને કષ્ટદાયક પરિશ્રમથી ઘેરાયેલો હતો. પરંતુ જીવનની લડાઇમાં તેઓ હંમેશાં એક યોદ્ધા, એક સાચા સૈનિક રહ્યા છે. એકવાર પોતાનું પગલું ઉપાડ્યા બાદ તેમણે કદી પાછળ વળીને નથી જોયું. તેમણે હાર માનવાનું કે પરાજિત થવાનું ક્યારેય સ્વીકાર્યું નથી. પોતાની આ જ દ્રઢનિશ્ચયતાના કારણે તેઓ રાજનીતિ શાસ્ત્ર (પોલિટિકલ સાયન્સ)માં પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરવામાં સમર્થ રહ્યા. તેમણે ભારતના સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરનાર સંગઠન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)થી શરૂઆત કરી અને નિઃસ્વાર્થતા, સામાજિક જવાબદારી, સમર્પણ અને રાષ્ટ્રવાદની ભાવનાને આત્મસાત્ કરી. .
આર.એસ.એસ.માં પોતાના કાર્યકાળ દરમિયાન શ્રી નરેન્દ્ર મોદીએ ૧૯૭૪ના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને ૧૯ મહિના (જૂન ૧૯૭૫ થી જાન્યુઆરી ૧૯૭૭) જેટલા લાંબા સમયની ભયંકર ‘કટોકટી’, જ્યારે ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારોનું ગળું ઘોંટી દેવામાં આવ્યું હતું, એવી જુદી જુદી ઘટનાઓ સમયે ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી હતી. મોદીજીએ આ સંપૂર્ણ સમયગાળા દરમિયાન ભૂગર્ભમાં રહીને ગુપ્ત રીતે કેન્દ્ર સરકારની ફાસીવાદી પદ્ધતિની વિરુદ્ધમાં જોશપૂર્ણ લડાઇ લડીને લોકશાહીની ભાવનાને જીવંત રાખી.
૧૯૮૭માં તેમણે ભાજપમાં જોડાઈને રાજકારણની મુખ્ય ધારામાં પ્રવેશ કર્યો. એક જ વર્ષની અંદર, ગુજરાત એકમના મહામંત્રીના પદ પર તેમની વરણી થઈ. ત્યાર સુધીમાં તેઓએ એક અત્યંત કુશળ સંગઠક હોવાની નામના પ્રાપ્ત કરી લીધી હતી. તેમણે સાચા અર્થમાં પાર્ટી કાર્યકરોને સક્રિય કરવાના પડકારરૂપ કામનું બીડું ઉઠાવ્યું, જેના કારણે પક્ષને રાજકીય લાભ મળવાનો શરૂ થઈ ગયો અને એપ્રિલ ૧૯૯૦માં કેન્દ્રમાં મિશ્ર સરકાર બની. આ રાજકીય જોડાણ કેટલાક મહિનાઓની અંદર જ તૂટી ગયું, પરંતુ ૧૯૯૫માં ભાજપ પોતાના બળ ઉપર ગુજરાતમાં બે-તૃતીયાંશ બહુમતી સાથે સત્તામાં આવ્યો. ત્યારથી ગુજરાતમાં ભાજપ સત્તાનો દોર સંભાળી રહેલ છે.
૧૯૮૮ થી ૧૯૯૫ દરમિયાન, શ્રી નરેન્દ્ર મોદીની એક કુશળ રણનીતિજ્ઞના રૂપમાં ઓળખ ઊભી થઈ હતી, જેમણે ગુજરાત ભાજપને રાજ્યમાં સત્તાધારી પક્ષ બનાવવા માટે સફળતાપૂર્વક જરૂરી પાયાનું કાર્ય કર્યું હતું. આ દરમિયાન, શ્રી મોદીજીને બે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ઘટનાઓના આયોજનની જવાબદારી સોંપવામાં આવેલ હતી, શ્રી લાલકૃષ્ણ અડવાણીજીની સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા અને એવી જ, ભારતના દક્ષિણી ભાગ કન્યાકુમારીથી ઉત્તરમાં કાશ્મીર સુધીની એક યાત્રા. ૧૯૯૮માં નવી દિલ્હીમાં સત્તામાં ભાજપના ઉદય માટેનો શ્રેય આ બે અત્યંત સફળ ઘટનાઓને જાય છે, જેને મુખ્યત્વે શ્રી મોદીજીએ સંભાળેલ.
૧૯૯૫માં તેઓને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા અને તેઓને ભારતના પાંચ મહત્વનાં રાજ્યોનો હવાલો સોંપવામાં આવ્યો હતો, જે કોઇપણ યુવા નેતા માટે એક અપૂર્વ સિદ્ધિની વાત છે. ૧૯૯૮માં તેમને મહાસચિવ (સંગઠન)ના પદ ઉપર બઢતી આપવામાં આવી હતી અને ત્યારથી, ઑક્ટોબર ૨૦૦૧માં ભારતના સૌથી સમૃદ્ધ અને પ્રગતિશીલ રાજ્યોમાંના એક એવા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા, ત્યાં સુધી તેઓ તે પદ પર રહ્યા. રાષ્ટ્રીય કક્ષાએ તેમના કાર્યકાળ દરમિયાન, શ્રી નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીર જેવા સંવેદનશીલ અને અગત્યના રાજ્ય અને તેટલા જ સંવેદનશીલ ઉત્તર-પૂર્વી રાજ્યો સહિત અન્ય ઘણાં રાજ્ય સ્તરનાં એકમોની બાબતોનું ધ્યાન રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ઘણાં રાજ્યોમાં પક્ષના સંગઠનમાં સુધારણા માટે તેમને જવાબદારી સોંપવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્તરે કામ કરતી વખતે, શ્રી નરેન્દ્ર મોદી પક્ષ માટે એક મહત્વપૂર્ણ પ્રવક્તાના રૂપમાં ઊભર્યા તથા અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ સમયે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન, તેમણે દુનિયાભરમાં વ્યાપક મુલાકાતો લીધી અને કેટલાય દેશોના પ્રતિષ્ઠિત નેતાઓ સાથે વાતચીત કરી. આ અનુભવોથી ફક્ત તેમનો વૈશ્વિક દ્રષ્ટિકોણ જ ન વિકસ્યો, પરંતુ ભારતની સેવા કરવાનો તથા દુનિયામાં તેનું સામાજિક-આર્થિક વર્ચસ્વ સ્થાપિત કરવાનો જુસ્સો તીવ્ર બન્યો.
જ્યારે તેમણે મુખ્યમંત્રી તરીકે હોદ્દો સંભાળ્યો, ત્યારે સૌથી મોટો પડકાર જેનો તેમણે સામનો કરવો પડ્યો, તે હતો જાન્યુઆરી ૨૦૦૧ના વિનાશક ભૂકંપના અસરગ્રસ્ત વિસ્તારોનું પુનર્નિર્માણ અને પુનર્વાસન. ભૂજ એક કાટમાળનું શહેર બની ગયું હતું અને હજારો લોકો કામચલાઉ આશ્રય સ્થાનોમાં કોઇપણ જાતની પાયાની સુવિધાઓ વગર રહેતા હતા. આજે શ્રી નરેન્દ્ર મોદીએ પ્રતિકૂળ પરિસ્થિતિઓને કેવી રીતે સંપૂર્ણ રીતે વિકાસની તકમાં ફેરવી દીધી, તે વાતનો પૂરાવો છે.
જ્યારે પુનર્નિર્માણ અને પુનર્વાસનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે પણ, શ્રી નરેન્દ્ર મોદીએ પોતાની વિશાળ દ્રષ્ટિ ખોઈ ન હતી. ગુજરાતે હંમેશા ઔદ્યોગિક વિકાસ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. શ્રી નરેન્દ્ર મોદીએ એક સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસને માટે, યોગ્ય રીતે સામાજિક ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને તે અસંતુલનને સુધારવાનો નિર્ણય કર્યો. તેમણે પંચામૃત યોજનાની કલ્પના કરી – રાજ્યના સર્વાંગી વિકાસ માટે પાંચ સૂત્રીય રણનીતિ.
તેમના નેતૃત્વ હેઠળ શિક્ષણ, કૃષિ અને આરોગ્ય સેવા સહિત અનેક ક્ષેત્રોમાં મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. તેમણે રાજ્યના ભવિષ્ય માટે પોતાની એક સ્પષ્ટ દ્રષ્ટિ કેળવી, નીતિ આધારિત સુધારણા કાર્યક્રમ શરૂ કર્યા, સરકારના વહીવટી માળખાંની પુનર્વ્યવસ્થા કરી અને ગુજરાતને સફળતાપૂર્વક સમૃદ્ધિના માર્ગ પર લાવી દીધું. તેમના આશયો અને ક્ષમતા તેમના સત્તામાં આવ્યાના ૧૦૦ દિવસોની અંદર જ જણાઈ ગઈ. પોતાની વહીવટી સૂઝ, સ્પષ્ટ દૂરંદેશી અને ચારિત્ર્યની અખંડતા સહિતની તેમની આ બધી કુશળતાઓને કારણે ડિસેમ્બર ૨૦૦૨ની સામાન્ય ચૂંટણીઓમાં, દેખીતી રીતે જ ભવ્ય વિજય મળ્યો અને મોદી સરકાર ૧૮૨ બેઠકોના ગૃહમાં ૧૨૮ બેઠકોની જંગી બહુમતી સાથે ફરીથી ચૂંટાઈ હતી.
આ વિજય આંકડાકીય સંકેતોની તુલનામાં વધારે શાનદાર હતો, કારણકે વિપક્ષી કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતની ચૂંટણીઓમાં પોતાના રાષ્ટ્રીય કક્ષાના સ્રોતોને ધ્યાનમાં રાખ્યા હતા. વિપક્ષ દ્વારા મોટા પાયે ચલાવવામાં આવેલ નિંદાત્મક પ્રચાર અભિયાનને કુશળતાપૂર્વક પાર કરીને શ્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય વિપક્ષી પાર્ટીને એવી શરમજનક હાર આપી, જેની વિશાળતાથી દોસ્તો અને દુશ્મનો સમાન રીતે દંગ થઈ ગયા.
૨૨ ડિસેમ્બર ૨૦૦૨ના રોજ, જ્યારે તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજી વખત સોગંદ લીધા, ત્યારે તે સમારોહનું એક ખુલ્લા સ્ટૅડિયમમાં આયોજન કરવું પડ્યું હતું કારણકે વિશાળ સંખ્યામાં લોકો પોતાના તે નેતાને જોવા અને સાંભળવા માગતા હતા, જેમને તેઓએ આટલા ઉત્સાહપૂર્વક વિજયી બનાવ્યા હતા.
લોકોની આશાઓ અને અપેક્ષાઓને તેમની ઉમ્મીદો કરતાં વધારે સંતોષવામાં આવી છે. આજે ગુજરાત વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર છે, ચાહે તે ઈ-ગવર્નન્સ હોય, રોકાણો હોય, ગરીબી નિવારણ હોય, વીજળી હોય, એસઈઝેડ હોય, સડક નિર્માણ હોય, નાણાકીય વ્યવસ્થા હોય કે કોઇ પણ અન્ય ક્ષેત્ર હોય અને આ તમામ બાબતોના કેન્દ્રમાં લોકોની સહભાગિતા રહેલી છે.
અનેક અવરોધો હોવા છતાં, તેઓએ સુનિશ્ચિત કર્યું કે નર્મદા બંધ ૧૨૧.૯ મી. ની ઊંચાઈ પર પહોંચે – તેમણે નિર્માણમાં અવરોધ ઊભો કરનારાઓની વિરુદ્ધમાં ઉપવાસ પણ કર્યા. ‘સુજલામ-સુફલામ’ – ગુજરાતમાં જળ સ્રોતોની એક ગ્રિડ બનાવવા માટેની એક એવી યોજના, જે જળ સંરક્ષણ અને તેના યોગ્ય ઉપયોગની દિશામાં બીજું એક અભિનવ પગલું છે.
સૉઇલ હેલ્થ કાર્ડ, રોમિંગ રેશન કાર્ડ, રોમિંગ સ્કૂલ કાર્ડ વગેરેની શરૂઆત જેવા કેટલાક નવીન વિચાર રાજ્યના સામાન્યમાં સામાન્ય માનવી માટેની તેમની ચિંતા બતાવે છે.
કૃષિ મહોત્સવ, ચિરંજીવી યોજના, માતૃ વંદના, બેટી બચાવો અભિયાન, જ્યોતિગ્રામ યોજના અને કર્મયોગી વગેરે જેવાં અભિયાનો જેવી તેમના દરેક પહેલનો ઉદ્દેશ્ય ગુજરાતનો સર્વાંગી વિકાસ છે. આવાં પગલાં માટેની દ્રષ્ટિ, વિચાર અને સમયબદ્ધ અમલીકરણ શ્રી નરેન્દ્ર મોદીને એક એવા સાચા રાજનેતાના રૂપમાં પ્રમાણિત કરે છે જે આવનાર પેઢી વિશે વિચારે છે, અન્ય ઘણા રાજકારણીઓની પૃષ્ઠભૂમિથી અલગ, જે ફક્ત આવનારી ચૂંટણી અંગે જ વિચારી શકે છે.
નવીન વિચારોયુક્ત એક યુવાન અને ઊર્જાવાન લોકનેતા તરીકે વ્યાપક રૂપે જાણીતા શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના વિચારોને સફળતાપૂર્વક ગુજરાતના લોકો સુધી પહોંચાડ્યા અને તેઓ ગુજરાતના ૫ કરોડથી વધારે લોકોનો ભરોસો, વિશ્વાસ અને આશા ઊભી કરવામાં સક્ષમ રહ્યા છે. લાખો લોકોને, એટલે સુધી કે સામાન્ય માનવીને પણ, તેમના નામથી બોલાવવાની તેમની સ્મરણશક્તિને કારણે તેઓ પ્રજાના માનીતા બની ગયા છે. આધ્યાત્મિક નેતાઓ માટેના તેમના અપાર આદરના કારણે ધર્મો વચ્ચેનું અંતર ઘટાડવામાં મદદ મળી છે. અલગ અલગ આવક ધરાવતા જૂથો, વિવિધ ધર્મો અને એટલે સુધી કે અલગ રાજકીય જોડાણ ધરાવતા લોકોમાં વહેંચાયેલ ગુજરાતનો એક બહોળો વર્ગ પણ, એક સક્ષમ અને દૂરદર્શી નેતાના રૂપમાં શ્રી નરેન્દ્ર મોદીનો આદર કરે છે, જેઓ પારદર્શક રીતે અને ચોક્કસ રીતે તેમના જીવનધોરણમાં સુધારો કરી રહ્યા છે. એક કુશળ વક્તા અને એક નિપુણ મંત્રણાકાર એવા શ્રી મોદીએ ગામડાંઓ અને શહેરોના લોકોનો એકસરખો પ્રેમ મેળવ્યો છે. તેમના અનુયાયીઓમાં સમાજના દરેક સંપ્રદાય અને ધર્મના તથા પ્રત્યેક આર્થિક વર્ગના લોકો સામેલ છે. .
તેમના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતને દુનિયાભરમાંથી અનેક બહુમાનો અને પુરસ્કારો મળ્યા છે – જેવા કે, આપત્તિ વ્યવસ્થાપન માટે સંયુક્ત રાષ્ટ્ર તરફથી સાસાકાવા પુરસ્કાર, રચનાત્મક અને સક્રિય વહીવટ માટે કોમનવેલ્થ એસોશિયેશન ફોર પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન એન્ડ મૅનેજમેન્ટ (સીએપીએએમ) અને યુનેસ્કોનો એવૉર્ડ, ઈ-ગવર્નન્સ માટે સી.એસ.આઇ. પુરસ્કાર વગેરે. વાસ્તવમાં તો શ્રી નરેન્દ્ર મોદીને સતત ત્રણ વર્ષ સુધી પ્રજા દ્વારા સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રીના રૂપમાં સ્થાન મળ્યું છે એ જ તેમની સિદ્ધિઓની વિશાળતા દર્શાવે છે.
વિશ્વ ફલક પર ગુજરાતને મૂકવા માટેની તેમની ખરી કમાલ તો ‘વાયબ્રન્ટ ગુજરાત’ નામથી ચાલતું અભિયાન છે, જે હકીકતમાં દુનિયાભરના રોકાણકારોનું ધ્યાન ગુજરાત તરફ આકર્ષિત કરે છે.
ગુજરાતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી દ્વિઅંકી વૃદ્ધિ-દર જોવામાં આવેલ છે. જ્યારે ગુજરાત વૃદ્ધિ અને વિકાસના પથ ઉપર સતત તેજીથી આગળ વધી રહ્યું છે ત્યારે, આ યાત્રીએ અથાકપણે સમયની રેત પર પોતાનાં પગલાંના નિશાન પાછળ છોડીને, ‘માઇલસ્ટોન’ ને ‘સ્માઇલસ્ટોન’ માં પરિવર્તિત કરીને ૨૦૧૦માં રાજ્યની સુવર્ણ જંયતી ઊજવવાના લક્ષ્ય તરફ ઉત્તરોત્તર પ્રયાણ ચાલુ રાખ્યું, ત્યારે ગુજરાત દુનિયાનાં વિકસિત અર્થતંત્રો વચ્ચે ગર્વથી ઊભું છે.
પ્રાથમિક કક્ષાથી ઉચ્ચતમ સ્થાન પર પહોંચવા સુધીની તેમની રાજકીય યાત્રાનું નિરીક્ષણ પણ એક નેતા તરીકે તેમના કદમાં સતત વધતો વ્યાપ દર્શાવે છે.
નેતૃત્વના વિચારો અને આદર્શોને જો કોઈ જોવા માંગતું હોય, તો અહીં એક એવું અનુકરણીય આદર્શ વ્યક્તિત્વ છે જે દર્શાવે છે કે કેવી રીતે ચારિત્ર્ય, સાહસ, સમર્પણ અને દૂરંદેશીની શક્તિથી સંપન્ન યુવાન થોડા જ સમયમાં રચનાત્મક નેતૃત્વને કેળવી શકે છે. સાર્વજનિક જીવનમાં સામાન્ય રીતે તેવું જોવા નથી મળતું કે સેવાની આટલી ગહન ભાવના અને ઉદ્દેશ્યની દ્રઢતાથી યુક્ત એક વ્યક્તિ, લોકોનો એટલો પ્રેમ પામતી હોય કે જેને પોતે અત્યંત પ્રેમ કરે છે. તેઓ, ખૂબ જ ટૂંકા સમયમાં, એક ભાગ્યશાળી વ્યક્તિના રૂપમાં ઊભરી આવ્યા છે.
આ કાર્ટુન ઘણું કહી જાય છે …(આભાર- શ્રી મનસુખલાલ ગાંધીનો-ઈ-મેલમાં આ કાર્ટુન મોકલવા માટે )
શ્રી નરેન્દ્ર મોદીનો બ્લોગ-ShriNarendra Modi’s Blog
નીચેની ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના બ્લોગની લીંક ઉપર અનેક તસ્વીરો અને વિડીયો અને એમના પ્રસોન્ગોપાત લખેલ લેખોમાંથી ગુજરાત રાજ્ય અંગે અને એમના દૈનિક કાર્યશીલ જીવનની ઝાંખી મેળવી શકાશે.
9/11ના ઐતિહાસિક દિવસે ‘સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા’નો
પ્રારંભ
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 11,2012 ના
રોજ (૧૧મી સપ્ટેમબર,૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદે શોકાગોમાં
ધાર્મિક પ્રવચન આપ્યું હતું )એ દિવસે યુવા વિકાસ યાત્રાનો
ગુજરાતના યાત્રા ધામ બેચરાજીથી પ્રારંભ કરીને સ્વામીજીના એ
ભવ્ય અને ઐતિહાસિક પ્રસંગને અનોખી રીતે અંજલિ આપી હતી.
આ પ્રસંગે શ્રી મોદીએ એમના બ્લોગમાં નીચે પ્રમાણે નોધ કરી છે.
પ્રિય મિત્રો,
જ્યારે પણ 11મી સપ્ટેમ્બરની વાત આવે ત્યારે મોટાભાગના લોકોના મનમાં યુએસએના બે મોટા શહેરોમાં ઐતિહાસિક ઇમારતો પર વિમાન દ્વારા કરાયેલા ભયાનક આતંકવાદી હુમલાની યાદ તાજી થઇ જાય છે, કે જેણે ભયાનક વિનાશ નોતર્યો હતો.
જોકે, ઇતિહાસના પાનામાં 11મી સપ્ટેમ્બરની અન્ય એક ઘટના પણ અંકિત થયેલી છે, જે દિવસે સમગ્ર વિશ્વનું ધ્યાન ભારતના મહાનતમ સાંસ્કૃતિક મૂલ્યો અને સામર્થ્ય તરફ ખેંચાયું હતું. 1893માં આ જ દિવસે શિકાગો ખાતે વિશ્વ ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદે પોતાનું પ્રખ્યાત પ્રવચન આપ્યું હતું. “મારા અમેરિકન ભાઇઓ અને બહેનો” – માત્ર આટલા જ શબ્દોથી જ આ મહાપુરુષે ભારત માતાનો વૈશ્વિક એકતાનો પ્રાચિનતમ સંદેશ સમગ્ર વિશ્વને પહોંચાડી દીધો હતો.
આ ઐતિહાસિક દિવસે, હું બેચરાજીના પવિત્ર શહેરથી બહુચર માતાના આશિર્વાદ સાથે ‘સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા’ શરૂ કરી રહ્યો છું. સ્વામી વિવેકાનંદે એક સમર્થ અને સમૃદ્ધ ભારતની કલ્પના કરી હતી અને મારી યાત્રા દરમિયાન, સ્વામીજીનો આ સંદેશ હું ગુજરાતના પ્રત્યેક ખૂણે અને ખાસ કરીને યુવાનો સુધી પહોંચાડવાનો છું. સ્વામીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે, ગુજરાત 2012ના વર્ષને યુવા શક્તિ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે અને મને ખાતરી છે કે આ અવસર પર આપણે આદરેલો પ્રયાસ અત્યંત ફળદાયી નીવડશે.
આજનો દિવસ અન્ય એક રીતે પણ સિમાચિહ્નરુપ લેખાશે કારણકે આજથી આપણે ગુજરાતભરમાં ગુટખા પર પ્રતિબંધ અમલમાં મૂક્યો છે. ગુટખાની આદતને કારણે સંખ્યાબંધ લોકોને તેમના જીવ ગુમાવતા જોઇને મને ખુબજ દુઃખ થતું. ગુટખાના દૂષણથી રાજ્યની કોઇપણ મહિલાને પોતાના પતિ કે યુવાન બાળક ગુમાવવાનો વારો ન આવે તેવા નિર્ધાર સાથે આપણે આ પ્રતિબંધ અમલમાં મૂક્યો છે. આપણું સ્વપ્ન સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરવાનું છે, જ્યાં લોકોના શબ્દકોશમાં ગુટખા નામનો શબ્દ જ ન હોય.
વિશ્વ ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદે કરેલા પ્રવચનને હું અહીં મૂકી રહ્યો છું. ચાલો 9/11ના દિવસને આપણે વૈશ્વિક શાંતિ અને ભાઇચારાના દિવસ તરીકે યાદ રાખીએ તથા સમર્થ અને ભવ્ય ભારતના સ્વામી વિવેકાનંદના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આગળ વધીએ.
વાચકોના પ્રતિભાવ