વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: સપ્ટેમ્બર 24, 2012

(95) કવિતાના કુછંદે ચડેલા હસુભાઈ-વાતનું વતેસર – ડો. રઈશ મનીઆર (હાસ્ય યાત્રા ભાગ-4)

વિનોદ વિહારની હાસ્ય યાત્રા શ્રેણીમાં આજની પોસ્ટમાં

જાણીતા ગઝલકાર ડો.રઈશ મનીઆરના 

ક હાસ્ય લેખ અને એમની ત્રણ હઝલોના વિડીયો દ્વારા 

મનોરંજક  સામગ્રી પીરસવાનો પ્રયત્ન કરેલ છે.આશા

છે આપને એ ગમશે.

વિનોદ પટેલ   

_____________________________________________________________

કવિતાના કુછંદે ચડેલા હસુભાઈ-વાતનું વતેસર

કવિતાના કુછંદે ચડેલા હસુભાઈને આખો દિવસ ગામવાળા વેઠતા. રાતે હેમાબહેને  એકલા હાથે ઝીંક ઝીલવી પડતી. જાણે એમને સનેપાત કે વળગાડ થયો હોય એવી હાલત હતી. હસુભાઈ રાત્રે ઊઠી ઊઠી’ મારી કવિતા.. મારી કવિતા’ એમ બોલતા એટલે  હેમાબહેન આડોશપાડોશમાં ૧૪થી ૫૪ વરસની જેટલી ચિ. કવિતા, કવિતાભાભી અને  કવિતાકાકી હતી એ બધી સાથે ઝઘડી આવ્યાં. પણ હસુભાઈ તો પોતાની શાયરીઓ અને ડાયરીઓના  પ્રેમમાં હતા. એક ડાયરી હેમાબહેને બાળી નાખી તો બાકીની ડાયરીઓની દસ દસ ઝેરોક્સ  કરાવી લીધી.

કોઈએ હેમાબહેનને બાધાઆખડી કરાવવાની સલાહ આપી. નવા શ્રોતા મળવાની લાલચે  હસુભાઈએ પૂરો સહકાર આપ્યો. જ્યોતિષીઓએ એમની કુંડળી જોઈને જ હાથ ઊંચા કરી દીધા તો એમને ભૂવા પાસે લઈ જવામાં આવ્યા. ભૂવાએ કહ્યું, “એમનો પગ કૂંડાળામાં પડી ગયો છે. આ  મંત્રેલા દાણા ખવડાવો, એમની સાત પેઢી સુધી કોઈ કવિતા નહીં લખી શકે.” ભૂવાએ  આપેલા મંત્રેલા દાણા તો હસુભાઈ પોપકોર્નની જેમ ખાઈ જતાં છતાં એમના મનમાં ધાણીની જેમ  કવિતા ફૂટતી જ રહી. હસુભાઈ વાતવાતમાં એ ભૂવાને થોડા સીંગદાણા આપી આવ્યા હતા. વાતવાતમાં ભૂવાએ બેચાર દાણા ખાઈ લીધા પછી કહે છે કે એ ભૂવો પણ જાદુટોણા, જંતરમંતર છોડી સોનેટ અને ખંડકાવ્યોના રવાડે ચડી ગયો. આમ કુંડળીથી કૂંડાળા  સુધીના પ્રયાસો ફ્લોપ ગયા.

પછી હસુભાઈને પાગલોની હોસ્પિટલમાં, પાગલોના ડોક્ટર પાસે લઈ જવામાં  આવ્યા. ડોક્ટરે હિસ્ટ્રી શીટ કાઢી પેન લઈ પૂછયું, “નામ?” હસુભાઈ બોલ્યા, “શેક્સપિયરે કહ્યું હતું વોટ ઇઝ ધેર ઇન નેમ?” ડોક્ટરને તો આ રોજનું હતું. એટલે એમણે આગળ ચલાવ્યું, “બે  સગાં, સંબંધી, સ્વજનનાં નામ લખાવો.” હસુભાઈ બોલ્યા, “કાલિદાસ, ટાગોર..” ડોક્ટરે પહેલો સવાલ પૂછયો, “કેવું લાગે છે?” હસુભાઈએ કહ્યું, “મનમાં વસંત છે, મજા અનંત છે, સઘળું જીવંત  છે.” ડોક્ટર કહ્યું, “કેસ અર્જન્ટ છે. ગોળી ખાવી પડશે. તમને મેનિયા નામની  બીમારી થઈ છે.” હસુભાઈ બોલ્યા, “ધારો કે મને એ બીમારી હોય તો મને એ બીમારીથી કોઈ  પ્રોબ્લેમ જ નથી. હું તો કહું છું તમે પણ આ બીમારીની મજા માણી જુઓ ડોક્ટરસાહેબ! શું  જલસા છે! આખો દિવસ પેશન્ટો જોઈ જોઈને માથું નથી પાકી જતું  તમારું?” ડોક્ટર મોંથી ‘ના’ બોલ્યા પણ એમનું ડોકું ‘હા’માં ધૂણ્યું. હસુભાઈએ  ઊલટો વાર કર્યો. “તમે બધાને પૂછો છો કે તમને કેવું લાગે છે તો તમે જ પોતે કહો કે  તમને કેવું લાગે છે?” ડોક્ટરનું મોં જરા પડી ગયું, એ કહેવા લાગ્યા, “જુઓ હું ડોક્ટર છું, તમારી સારવાર કરી રહ્યો છું અને દર્દી તમે છો. આ સવાલ પૂછવાનો હક ફક્ત મને  છે.” “હું મેન્ટલી ઈલ છું, એવું તમે કઈ રીતે કહી શકો?” જુઓ! શું હું તમારી જેમ કારણ વગર હસું છું?

હસુભાઈએ જવાબ આપ્યો, “પણ હું તો કારણ વગર હસું છું, એટલે કે મારું  તો નામ જ હસુ છે. પણ સાચું બોલો ડોક્ટરસાહેબ, તમે હસી શકતા  નથી, કેમ કે તમારો જ મૂડ ખરાબ છે. દવાની જરૂરત મને નથી, તમને  છે.”

કોઈ પેશન્ટને કથની સંભળાવતા ડૂમો ભરાય તો પેશન્ટને પીવા માટે ડોક્ટર ટેબલ  પર બે ગ્લાસ પાણી મુકાવી રાખતાં. અજાણતાં જ ડોક્ટર એ બંને ગ્લાસ પાણી પી ગયા. બીજું  કશું હોત તો એ પણ પી ગયા હોત!

ડોક્ટરે કહ્યું, “એટલે તમે મને સલાહ આપો છો!”

હસુભાઈએ કહ્યું, “ના સાહેબ, હું ક્યાંથી તમને સલાહ આપી શકું? સલાહ આપવાના પૈસા તો તમે લીધા છે અને તમારું જીવન આમેય મને તો ખરાબ લાગે છે. તમને કદી આપઘાત કરવાનું મન નથી થતું?”

ડોક્ટરનું છઠ્ઠે માળે ક્લિનિક હતું. બારી ખુલ્લી હતી. ડોક્ટરે ઊભા થઈ જલદી  બારી બંધ કરી દીધી. પડદો બંધ કરી દીધો અને છાતી પર ટપલી મારી “ઓલ ઈઝ  વેલ, ઓલ ઈઝ વેલ” બોલવા લાગ્યા. પણ સ્થિતિ ઓલ વેલ ન જણાતાં  વોર્ડબોયને બૂમ પાડી “કાલિદાસ, આ મરીઝને દાખલ કરો! પેલા રવીન્દ્રની  બાજુમાં પથારી કરજો. કાલે એને શોક આપવાનો છે.”

પણ, દાખલ થયેલા હસુભાઈએ જબરી દખલ મચાવી. હસુભાઈએ તો રાત્રે જ મેન્ટલ હોસ્પિટલમાં મુશાયરો કર્યો. બધાને ઉંઘાડી ભાગીને ઘરે આવી ગયા. સોસાયટીમાં હસુભાઈની કવિતાઓનો ત્રાસ ફરી શરૂ થયો.

એટલે અંતિમ ઉપાય તરીકે મેં દક્ષિણ ગુજરાત નવોદિત કવિ સંગઠનની અઠવાડિક મિટિંગમાં જઈ એમનો સંપર્ક કર્યો અને  કહ્યું, “અમારા બિલ્ડિંગમાં એક કાવ્યપ્રેમી સજ્જન વસે છે. જો તમે એની એક કવિતા સાંભળો તો એ તમારી એક ડઝન કવિતા સાંભળે છે.”

મારી વાત સાંભળી એક કવિ જેનો પોતાનો છકડો હતો તે તરત જ એમની આખી ૨૩ જણાંની મંડળીને છકડામાં બેસાડી લઈ આવી ગયા. દરેકે હસુભાઈને વિનંતી કરીને એમની એક કવિતા ધીરજથી સાંભળી અને બદલામાં બાર બાર કવિતા ખુન્નસથી સંભળાવી.

ત્રેવીસ ગુણ્યા બાર બસો છોત્તેર કવિતા એકસામટી સાંભળીને હસુભાઈનો કવિતાજ્વર તત્કાળ ઊતરી ગયો.

હવે સોસાયટીમાં કામવાળી આશાબાઈ અને ધોબી, માળી સહિત  બધાએ એક-બે કવિતા મોઢે કરી લીધી છે અને જેવા હસુભાઈ દેખાય કે તરત જ બધા ‘એક  તાજી કવિતા છે’ કહી ચાલુ પડી જવાનું શરૂ કર્યું.

હવે હસુભાઈ દાદર પર જ અવરજવર  કરે છે અને એક દિવસ મને કહેતા હતા કે ઘરાક મળે તો ફ્લેટ કાઢી નાખવો છે.

amiraeesh@yahoo.co.in

_________________________________________________________

ડો. રઈશ મનીઆરનો હાસ્ય રસ

ડો.રઈશ મનીઆર એક લોક પ્રિય ગઝલકાર છે.એમની લખેલી કેટલીક જાણીતી ગઝલો 

અહીં લય સ્તરોમાં વાંચી શકાશે. 

એમની હઝલો (હાસ્ય મિશ્રિતગઝલો ) પણ એટલી જ વખણાઈ છે.

નીચેના ત્રણ યુ-ટ્યુબ વિડીયોમાં આવી ત્રણ  હઝલો એમના મુખે સાંભળો અને અને હળવા થાઓ.

1. પન્નીને પહ્તાય તો કે’ટો ની

 

2.અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી

3.રોજ એ રોજ જગથી કશુક જુદું  જ કરવા જાય છે 

__________________________________________________

ડો.રઈશ મનીઆરનો પરિચય મારા સહૃદયી

મિત્ર શ્રી સુરેશભાઈ જાનીના ખુબ વંચાતા બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચયમાં વાંચવા નીચે ક્લિક કરો.

(ડો.રઈશ મનીઆર અને એમની ગઝલોનો પરિચય )

______________________________________________________