વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(95) કવિતાના કુછંદે ચડેલા હસુભાઈ-વાતનું વતેસર – ડો. રઈશ મનીઆર (હાસ્ય યાત્રા ભાગ-4)

વિનોદ વિહારની હાસ્ય યાત્રા શ્રેણીમાં આજની પોસ્ટમાં

જાણીતા ગઝલકાર ડો.રઈશ મનીઆરના 

ક હાસ્ય લેખ અને એમની ત્રણ હઝલોના વિડીયો દ્વારા 

મનોરંજક  સામગ્રી પીરસવાનો પ્રયત્ન કરેલ છે.આશા

છે આપને એ ગમશે.

વિનોદ પટેલ   

_____________________________________________________________

કવિતાના કુછંદે ચડેલા હસુભાઈ-વાતનું વતેસર

કવિતાના કુછંદે ચડેલા હસુભાઈને આખો દિવસ ગામવાળા વેઠતા. રાતે હેમાબહેને  એકલા હાથે ઝીંક ઝીલવી પડતી. જાણે એમને સનેપાત કે વળગાડ થયો હોય એવી હાલત હતી. હસુભાઈ રાત્રે ઊઠી ઊઠી’ મારી કવિતા.. મારી કવિતા’ એમ બોલતા એટલે  હેમાબહેન આડોશપાડોશમાં ૧૪થી ૫૪ વરસની જેટલી ચિ. કવિતા, કવિતાભાભી અને  કવિતાકાકી હતી એ બધી સાથે ઝઘડી આવ્યાં. પણ હસુભાઈ તો પોતાની શાયરીઓ અને ડાયરીઓના  પ્રેમમાં હતા. એક ડાયરી હેમાબહેને બાળી નાખી તો બાકીની ડાયરીઓની દસ દસ ઝેરોક્સ  કરાવી લીધી.

કોઈએ હેમાબહેનને બાધાઆખડી કરાવવાની સલાહ આપી. નવા શ્રોતા મળવાની લાલચે  હસુભાઈએ પૂરો સહકાર આપ્યો. જ્યોતિષીઓએ એમની કુંડળી જોઈને જ હાથ ઊંચા કરી દીધા તો એમને ભૂવા પાસે લઈ જવામાં આવ્યા. ભૂવાએ કહ્યું, “એમનો પગ કૂંડાળામાં પડી ગયો છે. આ  મંત્રેલા દાણા ખવડાવો, એમની સાત પેઢી સુધી કોઈ કવિતા નહીં લખી શકે.” ભૂવાએ  આપેલા મંત્રેલા દાણા તો હસુભાઈ પોપકોર્નની જેમ ખાઈ જતાં છતાં એમના મનમાં ધાણીની જેમ  કવિતા ફૂટતી જ રહી. હસુભાઈ વાતવાતમાં એ ભૂવાને થોડા સીંગદાણા આપી આવ્યા હતા. વાતવાતમાં ભૂવાએ બેચાર દાણા ખાઈ લીધા પછી કહે છે કે એ ભૂવો પણ જાદુટોણા, જંતરમંતર છોડી સોનેટ અને ખંડકાવ્યોના રવાડે ચડી ગયો. આમ કુંડળીથી કૂંડાળા  સુધીના પ્રયાસો ફ્લોપ ગયા.

પછી હસુભાઈને પાગલોની હોસ્પિટલમાં, પાગલોના ડોક્ટર પાસે લઈ જવામાં  આવ્યા. ડોક્ટરે હિસ્ટ્રી શીટ કાઢી પેન લઈ પૂછયું, “નામ?” હસુભાઈ બોલ્યા, “શેક્સપિયરે કહ્યું હતું વોટ ઇઝ ધેર ઇન નેમ?” ડોક્ટરને તો આ રોજનું હતું. એટલે એમણે આગળ ચલાવ્યું, “બે  સગાં, સંબંધી, સ્વજનનાં નામ લખાવો.” હસુભાઈ બોલ્યા, “કાલિદાસ, ટાગોર..” ડોક્ટરે પહેલો સવાલ પૂછયો, “કેવું લાગે છે?” હસુભાઈએ કહ્યું, “મનમાં વસંત છે, મજા અનંત છે, સઘળું જીવંત  છે.” ડોક્ટર કહ્યું, “કેસ અર્જન્ટ છે. ગોળી ખાવી પડશે. તમને મેનિયા નામની  બીમારી થઈ છે.” હસુભાઈ બોલ્યા, “ધારો કે મને એ બીમારી હોય તો મને એ બીમારીથી કોઈ  પ્રોબ્લેમ જ નથી. હું તો કહું છું તમે પણ આ બીમારીની મજા માણી જુઓ ડોક્ટરસાહેબ! શું  જલસા છે! આખો દિવસ પેશન્ટો જોઈ જોઈને માથું નથી પાકી જતું  તમારું?” ડોક્ટર મોંથી ‘ના’ બોલ્યા પણ એમનું ડોકું ‘હા’માં ધૂણ્યું. હસુભાઈએ  ઊલટો વાર કર્યો. “તમે બધાને પૂછો છો કે તમને કેવું લાગે છે તો તમે જ પોતે કહો કે  તમને કેવું લાગે છે?” ડોક્ટરનું મોં જરા પડી ગયું, એ કહેવા લાગ્યા, “જુઓ હું ડોક્ટર છું, તમારી સારવાર કરી રહ્યો છું અને દર્દી તમે છો. આ સવાલ પૂછવાનો હક ફક્ત મને  છે.” “હું મેન્ટલી ઈલ છું, એવું તમે કઈ રીતે કહી શકો?” જુઓ! શું હું તમારી જેમ કારણ વગર હસું છું?

હસુભાઈએ જવાબ આપ્યો, “પણ હું તો કારણ વગર હસું છું, એટલે કે મારું  તો નામ જ હસુ છે. પણ સાચું બોલો ડોક્ટરસાહેબ, તમે હસી શકતા  નથી, કેમ કે તમારો જ મૂડ ખરાબ છે. દવાની જરૂરત મને નથી, તમને  છે.”

કોઈ પેશન્ટને કથની સંભળાવતા ડૂમો ભરાય તો પેશન્ટને પીવા માટે ડોક્ટર ટેબલ  પર બે ગ્લાસ પાણી મુકાવી રાખતાં. અજાણતાં જ ડોક્ટર એ બંને ગ્લાસ પાણી પી ગયા. બીજું  કશું હોત તો એ પણ પી ગયા હોત!

ડોક્ટરે કહ્યું, “એટલે તમે મને સલાહ આપો છો!”

હસુભાઈએ કહ્યું, “ના સાહેબ, હું ક્યાંથી તમને સલાહ આપી શકું? સલાહ આપવાના પૈસા તો તમે લીધા છે અને તમારું જીવન આમેય મને તો ખરાબ લાગે છે. તમને કદી આપઘાત કરવાનું મન નથી થતું?”

ડોક્ટરનું છઠ્ઠે માળે ક્લિનિક હતું. બારી ખુલ્લી હતી. ડોક્ટરે ઊભા થઈ જલદી  બારી બંધ કરી દીધી. પડદો બંધ કરી દીધો અને છાતી પર ટપલી મારી “ઓલ ઈઝ  વેલ, ઓલ ઈઝ વેલ” બોલવા લાગ્યા. પણ સ્થિતિ ઓલ વેલ ન જણાતાં  વોર્ડબોયને બૂમ પાડી “કાલિદાસ, આ મરીઝને દાખલ કરો! પેલા રવીન્દ્રની  બાજુમાં પથારી કરજો. કાલે એને શોક આપવાનો છે.”

પણ, દાખલ થયેલા હસુભાઈએ જબરી દખલ મચાવી. હસુભાઈએ તો રાત્રે જ મેન્ટલ હોસ્પિટલમાં મુશાયરો કર્યો. બધાને ઉંઘાડી ભાગીને ઘરે આવી ગયા. સોસાયટીમાં હસુભાઈની કવિતાઓનો ત્રાસ ફરી શરૂ થયો.

એટલે અંતિમ ઉપાય તરીકે મેં દક્ષિણ ગુજરાત નવોદિત કવિ સંગઠનની અઠવાડિક મિટિંગમાં જઈ એમનો સંપર્ક કર્યો અને  કહ્યું, “અમારા બિલ્ડિંગમાં એક કાવ્યપ્રેમી સજ્જન વસે છે. જો તમે એની એક કવિતા સાંભળો તો એ તમારી એક ડઝન કવિતા સાંભળે છે.”

મારી વાત સાંભળી એક કવિ જેનો પોતાનો છકડો હતો તે તરત જ એમની આખી ૨૩ જણાંની મંડળીને છકડામાં બેસાડી લઈ આવી ગયા. દરેકે હસુભાઈને વિનંતી કરીને એમની એક કવિતા ધીરજથી સાંભળી અને બદલામાં બાર બાર કવિતા ખુન્નસથી સંભળાવી.

ત્રેવીસ ગુણ્યા બાર બસો છોત્તેર કવિતા એકસામટી સાંભળીને હસુભાઈનો કવિતાજ્વર તત્કાળ ઊતરી ગયો.

હવે સોસાયટીમાં કામવાળી આશાબાઈ અને ધોબી, માળી સહિત  બધાએ એક-બે કવિતા મોઢે કરી લીધી છે અને જેવા હસુભાઈ દેખાય કે તરત જ બધા ‘એક  તાજી કવિતા છે’ કહી ચાલુ પડી જવાનું શરૂ કર્યું.

હવે હસુભાઈ દાદર પર જ અવરજવર  કરે છે અને એક દિવસ મને કહેતા હતા કે ઘરાક મળે તો ફ્લેટ કાઢી નાખવો છે.

amiraeesh@yahoo.co.in

_________________________________________________________

ડો. રઈશ મનીઆરનો હાસ્ય રસ

ડો.રઈશ મનીઆર એક લોક પ્રિય ગઝલકાર છે.એમની લખેલી કેટલીક જાણીતી ગઝલો 

અહીં લય સ્તરોમાં વાંચી શકાશે. 

એમની હઝલો (હાસ્ય મિશ્રિતગઝલો ) પણ એટલી જ વખણાઈ છે.

નીચેના ત્રણ યુ-ટ્યુબ વિડીયોમાં આવી ત્રણ  હઝલો એમના મુખે સાંભળો અને અને હળવા થાઓ.

1. પન્નીને પહ્તાય તો કે’ટો ની

 

2.અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી

3.રોજ એ રોજ જગથી કશુક જુદું  જ કરવા જાય છે 

__________________________________________________

ડો.રઈશ મનીઆરનો પરિચય મારા સહૃદયી

મિત્ર શ્રી સુરેશભાઈ જાનીના ખુબ વંચાતા બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચયમાં વાંચવા નીચે ક્લિક કરો.

(ડો.રઈશ મનીઆર અને એમની ગઝલોનો પરિચય )

______________________________________________________

7 responses to “(95) કવિતાના કુછંદે ચડેલા હસુભાઈ-વાતનું વતેસર – ડો. રઈશ મનીઆર (હાસ્ય યાત્રા ભાગ-4)

 1. aataawaani સપ્ટેમ્બર 25, 2012 પર 2:01 પી એમ(PM)

  વિનોદભાઈ આ કવિતા પ્રેમીની કવિતા રસની વાત સાંભળી હું એક કવિતા સંભળાવવાના શોખીન કવિની વાત મારા બ્લોગમાં મુકવાનો છું .એનું મથાળું કેવું રાખીશ એ તમારી જાણખાતર લખું છું .सुनाने वाले सबको सुनाना चाहते है .अगर न मिला कोई गध्धेको सुनते है

  Like

 2. pragnaju સપ્ટેમ્બર 26, 2012 પર 1:48 એ એમ (AM)

  ખૂબ સ રસ માર્મિક કટાક્ષ રમુજ યુક્ત લેખ માણતા સવાર સુધરી ગઇ.
  મને આ તેમણે જ કહેલી વાત ખૂબ ગમે છે
  દરેક વાતે વિચારવાનું ત્યજી દઈને નિહાળતો જા
  સ્વીકારવાનું, નકારવાનું ત્યજી દઈને નિહાળતો જા

  સમસ્ત દુનિયા છે એક રચના, જો થાય મનમાં વહી જા લયમાં
  ન તોલ એને, મઠારવાનું ત્યજી દઈને નિહાળતો જા

  પસાર થાતી ઘડી ઘડીમાં જુદી જુદી જે છબી ચમકતી
  તમામ ઊંડે ઉતારવાનું ત્યજી દઈને નિહાળતો જા

  આ આંસુ કરતાં છે પૃથ્વી મોટી, હૃદય છે એક જ, હજાર દુઃખ છે
  દુઃખે દુઃખે આંસુ સારવાનું ત્યજી દઈને નિહાળતો જા

  ઉઘડતું આથમતું રૂપ શાશ્વત ને એક પલકારો તારું જીવન
  તું એની લટને નિખારવાનું ત્યજી દઈને નિહાળતો જા

  તું આજીવન માત્ર જોતો રહેશે છતાંય તું અંશમાત્ર જોશે
  સમગ્ર અંગે તું ધારવાનું ત્યજી દઈને નિહાળતો જા

  – રઈશ મનીઆર

  હું શરૂઆતમાં, અગિયારેક વરસની ઉંમરે, કવિતા પ્રત્યે માત્ર ચમત્કૃતિ સાધવાની એની શક્તિથી આકર્ષાયેલો. ત્યારે કોઇ ઊંડાણભરી નિસ્બત નહોતી એવું અત્યારે લાગે છે. પાઠ્યપુસ્તકની કૃતિઓ તો બોલાતી ભાષાથી જોજનો દૂર લાગતી એટલે રસ નામપૂરતો જ. કવિતાનો પહેલો પ્રભાવ, કવ્વાલીઓના કાર્યક્રમમાં જે રીતે ગઝલના કાફિયા પર શ્રોતાઓ ઉછળી પડતા એ જોઇને પડ્યો. રદીફ, કાફિયા અને છંદનું ઘેલું ત્યારથી લાગ્યું. મારી કવિતાનું બાહ્ય કલેવર તો ત્યારથી ઘડાવા માંડ્યું હતું પરંતુ મારી કે બીજા કોઇ કવિની કોઇ કવિતા મારા જીવનમાં પરિવર્તન લાવે એ હદે સ્પર્શી નહોતી. ખરેખર તો કવિતા આંતરિક પરિવર્તન લાવી શકે એવો મને ખ્યાલ જ નહોતો. આંતરિક પરિવર્તનની જરૂર છે એવો ખ્યાલ પણ જીવાતા જીવન અને લખાતી કવિતાની જુગલબંદીથી મોડેમોડે આવ્યો. 27 થી 37 વરસની ઉંમર વચ્ચે જે મથામણ અનુભવી, એને કવિતામાં વ્યક્ત કરી. પરંતુ કવિતાનો પોતાનો “હીલિંગ પાવર” મને મારી ‘નિહાળતો જા’ ગઝલમાં પ્રથમવાર અનુભવાયો. કદાચ કોઇને લાગે (ઘણીવાર મને પણ લાગે છે) કે આ કવિતામાં નવી કોઇ વાત નથી. સાક્ષીભાવની વાત તો પૂર્વકાળમાં અને અન્યત્ર બહુ થઇ છે. પરંતુ એથી મારે માટે આ કવિતાનું મહત્વ ઘટી જતું નથી. આ કવિતા માટે હું ખાતરી પૂર્વક કહી શકું કે એ મારી પડખે વારંવાર ઊભી રહી છે. સ્વત્વનું એકાંત જ્યારે મૂંઝવી નાખે, ગૂંગળાવી નાખે ત્યારે આ કવિતા તરત જ મને સમગ્રતાના ખોળામાં નિશ્ચિંતપણે વિહરતો કરી દેવાની તાકાત ધરાવે છે.
  મન,વચન ,કર્મથી તેમને આ રીતે જોવા/અનુભવવા એક લ્હાવો છે!
  પુનરોક્તિ થતી હોય તો ક્ષમા યાચના

  કવિ રઈશ મનીઆરની આ રચના માનવ રઈશ મનીઆરને કેટકેટલા લાભ કરાવે છે! એના જીવનમાં કુતૂહલ વિરમે છે, બાળસહજ પ્રશ્નો વિરમે છે, વિચારબાહુલ્ય અને વિકલ્પોની નિરર્થકતા સમજાય છે, ગમા અણગમાની તીવ્રતા ઓછી થાય છે, ‘હું કરું’ ‘હું કરું’ની કર્તૃત્વભાવના ઘટે છે, દરેક વસ્તુનો પ્રતિભાવ આપવા કે સેવવાની મજબૂરીમાંથી છૂટકારો મળે છે.

  આજની તારીખે આ કવિતાના ભાવ પર મારું સંપૂર્ણ અવલંબન નથી. જીવન શાંતિપૂર્વક અને રસપૂર્વક જીવવા માટેના અન્ય આધારો કવિતામાંથી અને કવિતાઈતર જગતમાંથી શોધી કાઢ્યા છે. પણ નિ:શકપણે આ કવિતા મારે માટે માનસિક સમાધાન, સ્વીકાર અને સંતુલનની દિશાનું પ્રથમ મક્કમ પગલું બની રહી છે.

  મારી કવિતાઓ સામાન્યરીતે મને લાંબો સમય સુધી ગમતી નથી. લખ્યાને સાત વર્ષ થયા, તો ય આજે પણ આ ‘લગાલગાગા’ના ચાર આવર્તનો પર ડોલવાનું મને હજુ ગમે છે

  Like

 3. Ramesh Patel સપ્ટેમ્બર 26, 2012 પર 4:43 પી એમ(PM)

  મજા આવી ગઈ..વ્યંગભરી વાતો માણી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 4. સુરેશ સપ્ટેમ્બર 27, 2012 પર 6:36 એ એમ (AM)

  રઈશ મનીયારને ઘણી વખત મુશાયરાનું સંચાલન કરતાં સાંભળ્યા છે. પણ એમનું ગદ્ય આજે જ માણ્યું .
  ———

  એ યાહૂ ગ્રુપમાંથી કોપી કર્યું છે, માટે એની લિન્ક પણ આવી ગઈ છે. એ કાઢી નાંખવી જોઈએ.

  Like

 5. jjkishor જૂન 4, 2013 પર 12:37 પી એમ(PM)

  “હવે હસુભાઈ દાદર પર જ અવરજવર કરે છે અને એક દિવસ મને કહેતા હતા કે ઘરાક મળે તો ફ્લેટ કાઢી નાખવો છે.”

  मधुरेण समापयेत !!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: