વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(96)મહર્ષિ અરવિંદ ઘોષનો એમના પત્ની ઉપરનો એક યાદગાર પત્ર

મહર્ષિ અરવિંદ ઘોષથી કોણ અજાણ હોઈ શકે ?જે દિવસે ભારત આઝાદ થયું એ દિવસે એટલે કે ૧૫મી ઓગસ્ટે જેમનો જન્મ થયો એ અરવિંદ ઘોષે ,ભારતની આઝાદીની લડતમાં શરૂઆતમાં એક ક્રાંતિકારી નેતા તરીકે દેશને માટે મોટો ભોગ આપ્યો.

એક વિવાહિત સ્ત્રી હોવાં છતાં એક અવિવાહિતની જેમ રહી શ્રી અરવિંદને સાથ આપનાર એમનાં પત્ની મૃણાલીની ઘોષનો ત્યાગ પણ શ્રી અરવિંદ કરતાં જરાયે ઓછો ન કહેવાય.શ્રી અરવિંદનું પાછલું  જીવન આધ્યાત્મિક ઊંચાઈ સર કરવામાં વીત્યું હતું.બ્રહ્મર્ષિ .વિનોબા ભાવેએ એમને મહર્ષિ કહ્યા હતા..

શ્રી અરવિંદ વિષે જાણીતા વિચારક અને લેખક શ્રી ગુણવંત શાહે એમના પુસ્તક “ શક્યતાના શિલ્પી શ્રી અરવિંદ “ના આમુખમાં સરસ કહ્યું છે કે —

“શ્રી અરવિંદને હું શક્યતાના શિલ્પી કહું છું,તે એટલા માટે કે આપણી અંદર પડેલી અનંત શક્યતાઓનું દર્શન એમણે આપણી સમક્ષ મુક્યું છે .એમણે આપણને કોઈ નવો ધર્મ ન આપ્યો ,પણ એક નવા માનવનું એટલે કે અતિ માનવનું દર્શન આપ્યું .આપણા આદિ માનવ (પેટ્રીઆર્ક) મનુ  હતા . એ જ રીતે હવે પછીના કોસ્મિક માનવકુળના આદિ પુરુષ એટલે શ્રી અરવિંદ”

આવી અનોખી પ્રતિભાના માલિક મહર્ષિ અરવિંદનો (પૂર્વાશ્રમના શ્રી અરવિંદ ઘોષનો) તેમનાં પત્ની મૃણાલિનીને 1905માં લખાયેલો એક પ્રેરક પત્ર રીડ ગુજરાતી.કોમના આભાર સહીત આજની પોસ્ટમાં મુક્યો છે. આ પત્રની ગહનતા સહેજે સ્પર્શે તેવી છે. આશા છે  વિનોદ વિહારના વાચકો એને માણશે અને શ્રી અરવિંદના જીવનને વધુ જુદી રીતે સમજવામાં મદદરૂપ થશે.

આ પત્રનો અનુવાદ શ્રી રણધીર ઉપાધ્યાયે કર્યો છે.

સંકલન —વિનોદ આર. પટેલ ,સાન ડિયેગો .

_________________________________________________    

Shri Arvind Ghosh with his wife Mrulaanini

    

મહર્ષિ અરવિંદ ઘોષનો એમના પત્ની ઉપરનો એક યાદગાર પત્ર

 

પ્રિયતમા મૃણાલિની,

તમારો 24મી ઑગસ્ટનો પત્ર મળ્યો. તમારાં માતા-પિતા ઉપર ફરી પાછું એ જ દુઃખ આવી પડ્યું છે એ જાણી મને ખેદ થયો છે. ક્યા પુત્રનું અવસાન થયું છે એ તમે લખ્યું નથી. તમારાં માતા-પિતાના જીવનમાં દુઃખનો પ્રસંગ આવી પડ્યો છે, પણ એમાં શું થાય ? આપણે જીવનમાં સુખની શોધમાં નીકળીએ છીએ. એ સુખમાં જ દુઃખ રહેલું દેખાય છે. દુઃખ તો સદા સુખની સાથે જોડાયેલું હોય છે. આ નિયમ માત્ર પુત્ર વિશેની કામનાઓને જ લાગુ પડે છે એવું નથી. જીવનની બધી કામનાઓને એ લાગુ પડે છે. આનો એકમાત્ર ઉપાય છે – ધીર ચિત્તે સઘળાં સુખ અને દુઃખ ભગવાનનાં ચરણોમાં અર્પણ કરી દેવાં.

મેં વીસ રૂપિયાને બદલે દસ રૂપિયા વાંચેલા. એટલે જ મેં એમ લખેલું કે હું દસ રૂપિયા મોકલીશ. પંદરની જરૂર હશે તો પંદર પણ મોકલી શકીશ. આ મહિનામાં સરોજિનીએ તમારા માટે દાર્જિલિંગમાં જે સાડી ખરીદી છે તેના પૈસા મેં તેને મોકલી આપ્યા છે. ત્યાં તમે ઉછીના પૈસા લીધા છે તેની ખબર મને શી રીતે પડે ? જે પંદર રૂપિયા ખર્ચાયા છે તે મોકલ્યા છે. હજી બીજા ત્રણચાર રૂપિયાની જરૂર હશે તો આવતે મહિને મોકલી આપીશ.

હવે હું પેલી વાત ઉપર આવું છું જે મેં તમને અગાઉ કરી હતી. હું માનું છું કે આજ સુધીમાં તમને એ સમજાઈ ગયું હશે કે જે વ્યક્તિના ભાગ્ય સાથે તમારું ભાગ્ય જોડાયું છે તે એક અતિ અસામાન્ય વ્યક્તિ છે. મારાં જે મનોભાવના, જીવન-લક્ષ્ય અને કાર્યક્ષેત્ર છે એ કાંઈ આ દેશમાં અત્યારે સાધારણ લોકોનાં છે તેવાં નથી. હું બધી બાબતોમાં તેમનાથી ભિન્ન અને વિશિષ્ટ છું. સાધારણ લોકો અસાધારણ ભાવના, અસાધારણ પુરુષાર્થ અને અસાધારણ ઉચ્ચ આકાંક્ષાઓ ધરાવનાર વિશે કેવી વાતો કરે છે એ કદાચ તમે જાણતાં હશો. તેમની દષ્ટિએ એ ‘પાગલપણું’ ગણાય. પરંતુ જ્યારે એ પાગલ પોતાના કાર્યમાં સફળતા મેળવે છે ત્યારે લોકો તેને પ્રતિભાસંપન્ન મહાપુરુષ કહે છે. પરંતુ કેટલા માણસોના પ્રયત્નોને સફળતા મળી છે ? હજારોમાં પાંચ-સાત અસાધારણ હોય છે, અને તેમાંથી કદાચ એકાદને જ સફળતા મળે છે. મારા કાર્યક્ષેત્રમાં તો હું હજી પૂરો પ્રવેશેય પામી શક્યો નથી તો સફળતાની તો વાત જ આવતી નથી. તમારે પણ મને પાગલ ગણ્યા વિના છૂટકો નથી. કોઈ પણ સ્ત્રીનું પાગલના પનારે પડવું એ મહાદુર્ભાગ્ય જ ગણાય, કેમ કે સ્ત્રીઓની બધી આશાઓ સાંસારિક સુખ અને દુઃખમાં જ સમાઈ ગયેલી હોય છે. અને પાગલ માણસ પોતાની સ્ત્રીને સુખી કરી શકતો નથી. એ તો એને દુઃખી જ કરે છે.

હિન્દુ ધર્મના સ્થાપકો ‘અસાધારણ’ની વાત સારી રીતે સમજ્યા હતા. એમને અસાધારણ ચારિત્ર્ય, અસાધારણ પુરુષાર્થ, મહાન ભાવનાઓ આ બધું અત્યંત પ્રિય હતું. અસાધારણ વ્યક્તિ પાગલ હોય કે મહાપુરુષ, એ લોકો તેનું બહુમાન કરતા. પરંતુ એના લીધે સ્ત્રીની ભયંકર દુર્દશા થાય છે. આ મુશ્કેલીને કેવી રીતે દૂર કરી શકાય ? ઋષિ-મુનિઓએ તો એનો પણ ઉપાય યોજ્યો છે. તેમણે સ્ત્રીઓને એમ કહ્યું છે કે, તમે એ વાત જાણી લો કે સ્ત્રી જાતિ માટે પરમ મંત્ર એક જ છે : ‘પતિઃ પરમો ગુરુ’ પતિ એ જ પરમ ગુરુ છે. સ્ત્રી પતિની સહધર્મિણી છે. પતિ જે કાર્ય સ્વધર્મ તરીકે સ્વીકારે, સ્ત્રીએ તેમાં સહાયભૂત થવું જોઈએ. માર્ગદર્શન આપવું જોઈએ. ઉત્સાહ પ્રેરવો જોઈએ. સ્ત્રીએ પતિને દેવતુલ્ય ગણવો જોઈએ. એના જ સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ માનવું જોઈએ. કાર્યક્ષેત્રની પસંદગી એ પુરુષનો અધિકાર છે. સહાય અને ઉત્સાહ આપવાં એ સ્ત્રીનો અધિકાર છે.

હવે મુદ્દો એ છે કે તમે હિન્દુ ધર્મે ચીંધેલા આ માર્ગને અપનાવવાનું પસંદ કરશો કે નવા સુધરેલા ધર્મનો માર્ગ અપનાવશો ? એક પાગલની સાથે તમારું લગ્ન થયું છે. એ તમારા પૂર્વજન્મના કર્મદોષોનું ફળ છે. પોતાના ભાગ્યના શરણે થવું અથવા પોતાના ભાગ્યની સાથે સમજૂતી કરી લેવી એ સારી વાત છે. પરંતુ તમે સમજૂતી કરશો કેવી રીતે ? અન્ય લોકોનો અભિપ્રાય માની તમે પણ તમારા પતિને ગાંડો, પાગલ ગણી મનમાંથી હઠાવી લેશો ? દૂર કરશો ? પાગલ માણસ તો એના પાગલપણાના રસ્તે ચાલ્યો જશે. એને ન રોકી શકાશે, ન પાછો વાળી શકાશે, કારણ કે એનો સ્વભાવ તમારા કરતાં વધારે બળવાન છે. ત્યારે તમે ખૂણામાં બેસી રડવા સિવાય બીજું કાંઈ નહીં કરો ? કે તમે પણ પાગલ માણસની પાગલ સ્ત્રી બનીને તેની સાથે જ ચાલશો ? મહાભારતમાં આંધળા રાજાની રાણીને પોતાની આંખે પાટા બાંધીને પોતે પણ અંધાપો ધારણ કર્યો હતો. એ રીતે તમે પણ પાગલ પતિની પાગલ પત્ની બનીને તેની સાથે જવાનું સ્વીકારશો ? તમારામાં બ્રહ્મોસમાજની કેળવણીના સંસ્કાર પડ્યા હોય તોય તમે તો હિન્દુ કુટુંબની કન્યા છો. હિન્દુ પૂર્વજોનું લોહી તમારી નસોમાં વહે છે, એટલે મને શંકા નથી કે તમે આ બીજો (હિન્દુ ધર્મનો) માર્ગ જ અપનાવશો.

મારામાં ત્રણ પ્રકારનું પાગલપણું છે. એમાં પહેલું પાગલપણું આ છે : હું દઢ વિશ્વાસથી એમ માનું છું કે ભગવાને જે ગુણ, પ્રતિભા, ઉચ્ચ કેળવણી અને જ્ઞાન મને પ્રદાન કર્યાં છે એ સર્વ ભગવાનનાં જ છે. એમની જ માલિકીનાં છે. મને તો પોતાના કુટુંબના નિભાવ માટે તથા અન્ય અત્યંત આવશ્યક વસ્તુઓ મેળવવા માટે જેટલું જરૂરી હોય તેટલું જ ખર્ચ કરવાનો અધિકાર છે. ત્યાર બાદ જે કાંઈ બાકી રહે તે ભગવાનને મારે પાછું આપી દેવું જોઈએ. હું જો મારી બધી જ આવક મારા માટે, મારાં સુખ અને ભોગ-વિલાસ માટે વાપરી નાખું તો હું ચોર કહેવાઉં. હિન્દુ શાસ્ત્રમાં કહ્યું છે કે જે વ્યક્તિ પ્રભુ પાસેથી ધન, સંપત્તિ લે છે પરંતુ પાછું આપતો નથી એ ચોર છે. આજ સુધી મેં ભગવાનને બે આના આપીને ચૌદ આના મારા માટે વાપર્યા છે અને મેં એમ માન્યું છે કે મેં (પ્રભુનો હિસાબ) બરાબર ચૂકવી દીધો છે. હું સાંસારિક ભોગવિલાસમાં રચ્યો-પચ્યો રહ્યો છું. એમાં મેં અડધું જીવન વૃથા ગુમાવ્યું છે. આ રીતે પશુ પણ પોતાનું અને પોતાના પરિવારનું પોષણ કરીને કૃતાર્થતા અનુભવે છે. હવે મને એ સમજાયું છે, એ અનુભૂતિ અને જ્ઞાન થયું છે કે અત્યાર લગી હું એક પશુ અને ચોરની જેમ જ કર્મ કરતો આવ્યો છું. મને એનો પરિતાપ થયો છે અને મારા માટે ઘૃણા પેદા થઈ છે. બસ, હવે આ બધું બંધ. આ પાપને હું પહેલી અને છેલ્લી વાર ત્યાગું છું. ભગવાનને આપવું એનો શો અર્થ છે ? એનો અર્થ એટલો જ કે ધન શુભ કાર્યમાં ખર્ચ કરવું. સરોજિની કે ઉષાને મેં જે પૈસા આપ્યા છે તેના માટે મારા મનમાં સંતાપ નથી. બીજાને મદદ કરવી એ તો પવિત્ર ફરજ છે. આશ્રય માટે આવેલ આશ્રિતને રક્ષણ આપવું એ તો એથીય મહાન ધર્મ છે. પરંતુ પોતાનાં ભાઈ-બહેનને આપવાથી કોઈ હિસાબ ચૂકતે થતો નથી. આ વિષમ કાળમાં સમગ્ર દેશ મારે આંગણે આશ્રિત છે. મારા આ દેશમાં ત્રીસ કરોડ ભાઈ-ભાંડુ છે. એમાંનાં ઘણાં ભૂખે મરી રહ્યાં છે. મોટા ભાગનાં અનેકાનેક દુઃખોથી પીડાય છે અને માંડ માંડ જીવે છે. એમનું પણ કલ્યાણ સાધવાનું છે.

બોલો, ત્યારે તમે શું કહો છો ? આ સંજોગોમાં તમે મારી સાથે ચાલશો ? મારા આદર્શનાં સહભાગી બની સાચાં સહધર્મિણી થશો ? આપણે સાધારણ માણસની જેમ જ ખાઈશું, પહેરીશું. જેની ખરી જરૂર હશે તે જ ખરીદીશું. ત્યાર પછી જે કાંઈ બાકી રહેશે તે પ્રભુને અર્પણ કરીશું. આ મારી ઈચ્છા છે. જો તમે પણ આમાં સંમતિ આપશો, ત્યાગ કરવાનું સ્વીકાર કરશો તો મારી ઈચ્છા-અભિલાષા પૂર્ણ થશે. તમે કહો છો ને કે, ‘મારી કોઈ પ્રગતિ થઈ નથી’ લો, આ રહ્યો પ્રગતિનો માર્ગ. તમે આ માર્ગ અપનાવશો ?

બીજું પાગલપણું તો મને હમણાં હમણાં જ વળગ્યું છે. એ છે ભગવાનનો સાક્ષાત્કાર કરવાનું. મારે કોઈ પણ રીતે ભગવાનનાં સાક્ષાત દર્શન કરવાં છે. આજકાલ ધર્મ એટલે વાતવાતમાં ભગવાનનું નામ લેવું. જાહેરમાં પ્રાર્થના કરવી અને લોકોને એમ બતાવવું કે પોતે ધાર્મિક છે. આમ ધાર્મિકતાનું પ્રદર્શન કરવામાં ધર્મ આવી જાય છે ? મને એવો ધર્મ નથી જોઈતો. જો સાચે જ ઈશ્વર હોય તો એના અસ્તિત્વનો અનુભવ કરવા માટે, એનું સાક્ષાત દર્શન કરવા માટે, એને પ્રત્યક્ષ મળવા માટે કોઈ ને કોઈ માર્ગ હોવો જ જોઈએ. એ માર્ગ ગમે તેટલો દુર્ગમ કેમ ન હોય, મેં એ માર્ગે જવાનો દઢ સંકલ્પ કર્યો છે. હિન્દુ ધર્મ કહે છે કે એ માર્ગ આપણા શરીરમાં છે, આપણા મનમાં, અંતરમાં છે. એ માર્ગે આગળ વધવાના નિયમો પણ હિન્દુ શાસ્ત્રે બતાવ્યા છે. એ સર્વવિદિત છે. મેં તો એ નિયમોનું પાલન કરવાનું પણ શરૂ કરી દીધું છે. કેવળ એક જ માસમાં મેં અનુભવ કર્યો છે કે હિન્દુ ધર્મ જે વાત કરે છે તે જરાયે ખોટી નથી. એણે જે ચિહ્નો વિશે કહ્યું છે તે સર્વનું મને જ્ઞાન થયું છે. હવે તમને પણ એ જ માર્ગે લઈ જવાની મારી ઈચ્છા છે. તમે મારી સાથે એકદમ ચાલી નહીં શકો, કારણ કે તમને એ માર્ગનું જોઈએ તેટલું જ્ઞાન નથી. પરંતુ મને અનુસરવામાં કોઈ વાંધો નથી. આ માર્ગ ઉપર ચાલવાથી સર્વને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એ માર્ગ પ્રત્યે અભિમુખ થવું એ તમારી પોતાની ઈચ્છા ઉપર આધાર રાખે છે. તમારો હાથ પકડીને, તમને ખેંચીને કોઈ લઈ જઈ શકશે નહીં. આના વિશે તમારી અનુમતિ હશે તો હું તમને વિશેષ લખીશ.

મારું ત્રીજું પાગલપણું એ છે કે સ્વદેશને હું મા તરીકે જોઉં છું. સ્વદેશ મારી મા છે. સામાન્ય લોકો સ્વદેશને એક જડ વસ્તુ, અમુક મેદાનો, ખેતરો, જંગલો, પર્વતો અને નદીઓનો બનેલો સમૂહ ગણે છે. હું સ્વદેશની ભક્તિ કરું છું. પૂજા કરું છું. માની છાતી ઉપર બેસીને કોઈ રાક્ષસ એનું લોહી પીવા માટે તૈયાર થયો હોય ત્યારે એનું સંતાન શું કરે ? શું એ સંતાન નિશ્ચિંત થઈ ભોજન કરવા બેસશે ? પત્ની અને બાળકો સાથે આમોદ-પ્રમોદ કરશે ? કે પછી માતાનું રક્ષણ કરવા દોડી જશે ? હું જાણી ગયો છું કે મારી પાસે આ દેશના પતિત લોકોનો ઉદ્ધાર કરવાનું બળ છે, સામર્થ્ય છે. એ કાંઈ શારીરિક બળ નથી. હું કાંઈ તલવાર કે બંદૂક લઈ લડવા જવાની તૈયારી કરતો નથી. પણ જ્ઞાનનું બળ છે. ક્ષાત્રતેજ એ જ કાંઈ એકમાત્ર તેજ નથી. બ્રહ્મતેજ પણ છે અને તેજ જ્ઞાનની ઉપર પ્રતિષ્ઠિત છે. આ ભાવના મારામાં નવી નથી. આજકાલની નથી. હું તો આ ભાવનાને લઈને જન્મ્યો છું. એ મારી નસેનસમાં છે. અણુએ અણુમાં છે. સર્વત્ર ઓતપ્રોત છે. આ ભાવનાને, જીવન-કર્તવ્યને, મહાધ્યેયને સાધવા અને પરિપૂર્ણ કરવા માટે ભગવાને મને આ પૃથ્વી પર મોકલ્યો છે. હું જ્યારે 14 વર્ષનો થયો ત્યારે એનાં દઢ અને સ્થિર મૂળ નખાઈ ગયેલાં હતાં. મારી માસીની વાત સાંભળીને તમે એમ માની લીધું છે કે અમુક દુષ્ટ માનવીઓ તમારા ભલા-ભોળા સ્વામીને કુમાર્ગે ખેંચી ગયા છે. પરંતુ તમારા એ જ ભલા-ભોળા સ્વામીએ એ લોકોને અને બીજા સેંકડો લોકોને એ જ માર્ગે – કુમાર્ગે કહો કે સુમાર્ગે – ચડાવ્યા છે. અને હજી બીજા હજારોને ચડાવશે. હું એમ નથી કહેતો કે મારા જીવનકાળ દરમિયાન આ કાર્ય પૂર્ણ રીતે સધાશે. પરંતુ એટલું નિશ્ચિત છે કે એ જરૂર સિદ્ધ થશે.

હવે હું તમને પૂછું છું કે તમે આના વિશે શું વિચારો છો. સ્ત્રી તો પતિની શક્તિ છે. શું તમે ઉષાનાં શિષ્યા બની બાદશાહી ઢબની પૂજામાં બેસીને મંત્રો જપશો ? તમે ઉદાસીન બની તમારા પતિની શક્તિનો વ્યય કરશો ? તેને ઘટાડશો ? કે પછી સહાનુભૂતિ અને ઉત્સાહ દ્વારા એને બમણી કરશો ? તમે એમ કહેશો કે, ‘આવાં મહાન કાર્યોમાં મારા જેવી સામાન્ય કક્ષાની સ્ત્રી શું કરી શકે ? મારામાં મનોબળ નથી, બુદ્ધિ નથી અને તમારી બધી વાતોનો વિચાર કરતાંય મને તો ભય લાગે છે.’ એમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ સરળ છે. તમે ભગવાનનો આશ્રય લો. એક વાર પ્રભુપ્રાપ્તિની સાધનામાં પ્રવેશ કરો. તમારામાં જે ઊણપ છે તે ભગવાન પૂરી કરશે. જે વ્યક્તિ ભગવાનનો આશ્રય લે છે તેનો ભય ધીરે ધીરે દૂર થાય છે. તમે મારામાં વિશ્વાસ મૂકો. જો તમે બીજા માણસોની વાત સાંભળવાનું બંધ કરીને ફક્ત મારી જ વાત સાંભળતાં થશો તો હું તમને મારું બળ પણ આપી શકીશ. એથી મારું બળ ઓછું નહીં થાય. ઊલટું વધશે. આપણે કહીએ છીએ કે સ્ત્રી એ પતિની શક્તિ છે. એનું બળ છે. એનો અર્થ એટલો જ કે જો પતિ પોતાની પત્નીમાં પોતાની પ્રતિમૂર્તિ જુએ અને પોતાની મહેચ્છાઓનો પ્રતિધ્વનિ તેનામાં સાંભળે તો એની શક્તિ એનું બળ બમણું થાય.

તમને પ્રશ્ન કરું. અત્યારે તમે જેવાં છો તેવાં જ હંમેશાં રહેશો ? તમે ના કહેશો, પણ સાથે જ ઉમેરશો કે, ‘હું અત્યારે તો સારાં કપડાં પહેરીશ, સારું સારું ખાઈશ, પીશ, હસીશ, રમીશ અને પ્રત્યેક પ્રકારનું સુખ ભોગવીશ.’ પરંતુ આ પ્રકારની મનઃસ્થિતિ ઉન્નતિ કે વિકાસ કરનારી ન ગણાય. સાંપ્રત સમયમાં આપણી સ્ત્રીઓનું જીવન સંકીર્ણ અને ધિક્કારવાલાયક થઈ ગયું છે. તમે આ બધું છોડી દો. મારું અનુસરણ કરો. આપણે તો ભગવાનનું કાર્ય કરવા આવ્યાં છીએ. આવો, આપણે એ કાર્યનો શુભારંભ કરીએ.

તમારા સ્વભાવમાં એક દોષ છે. તમે ઘણાં જ સરળ છો. વધારે પડતાં સરળ છો. કોઈક કંઈક કહે તો તેને તમે ધ્યાનપૂર્વક સાંભળો છો અને એને માની લો છો. તેથી તમારું મન સદા અસ્વસ્થ રહે છે. તમારી વિવેક-બુદ્ધિ વિકાસ પામતી નથી. તમે તમારા કામમાં એકાગ્ર બની શકતાં નથી. આમાં સુધારો કરવો પડશે. તમારે એક જ માણસની વાત ધ્યાનથી સાંભળીને જ્ઞાનસંપાદન કરવું જોઈએ. તમારે એક જ લક્ષ્ય રાખવું જોઈએ અને સ્થિર ચિત્ત વડે કાર્ય-સાધના કરવી જોઈએ. લોકોની નિંદા, કટાક્ષ, વિરોધ પ્રત્યે ઉદાસીન બની ભક્તની સંનિષ્ઠાથી કાર્યસાધનામાં તન્મય રહેવું જોઈએ. એક બીજો પણ દોષ છે. પરંતુ તે તમારા સ્વભાવનો દોષ નથી. સમયનો દોષ છે. આજે દેશમાં એવો સમય આવ્યો છે કે લોકો કોઈ પણ ગંભીર વાતને ગંભીરતાપૂર્વક સાંભળી શકતા નથી, સાંભળવાની ક્ષમતા ધરાવતા નથી. ધર્મ, પરોપકાર, ઉચ્ચાકાંક્ષા, મહાન પુરુષાર્થ, દેશોદ્ધાર આ સર્વ ઉચ્ચ અને મહાન છે. તેમને લોકો હસી-મજાકમાં ઉડાવી દે છે. બ્રહ્મોસમાજની તમારી શાળામાંથી આ દોષ તમારામાં આવ્યો છે. બારીનમાં પણ આ દોષ છે. આપણા સૌમાં થોડે અંશે આ દોષ દષ્ટિગોચર થાય છે. પરંતુ દેવધરના લોકોમાં તો એણે આશ્ચર્યજનક વૃદ્ધિ કરી છે. આ મનોવિકારને ખૂબ જ દઢતાથી દૂર કરવો પડશે. એક વાર વિચાર કરવાનો અભ્યાસ કેળવાશે, પછી તો તમારો મૂળ સ્વભાવ જાગ્રત થશે. સ્વભાવતઃ તમે પરોપકારી છો. સ્વાર્થત્યાગની વૃત્તિ તમારામાં વિદ્યમાન છે. માત્ર મનોબળનો અભાવ છે. ભગવાનની ભક્તિ કરવાથી એ બળ તમે પાછું મેળવી લેશો.

તમને મારે જે ગુપ્ત વાત કહેવાની હતી તે આ છે. કોઈને આ વાત કરશો નહીં. મારી માન્યતાઓ વિશે વિચાર કરજો. તમારે માટે ભયનું કોઈ કારણ નથી. તમારે વિચારવાનું વિશેષ છે. શરૂઆતમાં તમે રોજ અડધો કલાક પ્રભુનું ધ્યાન ધરજો. એમના પ્રત્યે પ્રાર્થનારૂપે તમારી અદમ્ય ઈચ્છા વ્યક્ત કરજો. બસ, તમે આટલું જ કરજો. બસ, તમારે આટલું જ કરવાનું રહેશે. વિશેષ કંઈ જ નહીં. ધીરે ધીરે મન તૈયાર થઈ જશે. ભગવાન સમક્ષ આ પ્રમાણે પ્રાર્થના કરશો : ‘હું પતિના જીવનમાં, તેમના ધ્યેયમાં, તેમના ઈશ્વર-પ્રાપ્તિના પ્રયત્નોમાં, સાધનામાં અવરોધરૂપ ન બનું. સદા સર્વદા સહાયભૂત થાઉં. સાધનરૂપ બનું.’ આટલું કરશો ?

તમારો અરવિંદ.

________________________________________________________________

મહર્ષિ  શ્રી  અરવિંદને ભવ્ય અંજલિ એક સુંદર વિડીયોમાં

નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં શ્રી અરવિંદના જીવનની બાળપણથી માંડીને છેલ્લી સમાધી સુધીની

ઘણી તસ્વીરો જોવા મળશે. અરવિંદ આશ્રમ ,પાન્ડીચેરીનાં ઘણાં  દ્રશ્યો જોવા મળશે.આ વિડિયોનું 

ભાવવાહી ગીત-સંગીત તમારા હૃદયને આદ્ર કરશે.

તો માણો આ  સરસ વિડીયો —

HOMAGE TO SRI AUROBINDO

9 responses to “(96)મહર્ષિ અરવિંદ ઘોષનો એમના પત્ની ઉપરનો એક યાદગાર પત્ર

 1. pragnaju સપ્ટેમ્બર 27, 2012 પર 10:04 એ એમ (AM)

  પૂર્ણયોગના આ મહાયોગી અને અતિમનસના આર્ષદ્રષ્ટા અરવિંદે આધ્યાત્મના ક્ષેત્રે “ અનેક મહત્વપૂર્ણ દાર્શનિક ગ્રંથોની રચના કરનારને કોટિ કોટિ પ્રણામ
  મને તેમની આ વાતમા શ્રધ્ધા છે “એક એવું પગલું હશે કે જેને લીધે મનુષ્ય એક વધુ ઉચ્ચ અને વિશાળ ચેતનાની અંદર આરોહણ પામશે. અને મનુષ્યમાં વિચાર શક્તિનો ઉદય થતાં તેણે પોતાની પૂર્ણાતાનાં તેમજ સંપૂર્ણ સમાજમાં સ્વપ્ન સેવવા માંડ્યાં ત્યારથી જે જે પ્રશ્નો એને ગુંચવી અને મુઝવી રહ્યાં છે તેમનો ઉકેલ લાવી શકશે, પરંતુ આ તો હજી અંગત આશા જ છે, કેવળ મારી પોતાની જ કલ્પના છે, મારો અંગત આદર્શ જ છે, તો પણ ભારતમાં તેમજ પશ્ચિમમાં પણ એ આદર્શ ચિંતનશીલ માણસોને આકર્ષવા માંડ્યાં છે. બીજા કોઇ ક્ષેત્ર કરતાં આ વિષયમાં તો ઘણી જ વિકટ મુશ્કેલીઓ સામે ઊભેલી છે, પણ મુશ્કેલીઓ ઊભી થાય છે એનો અર્થ એટલો જ છે કે, આપણે તેમને જીતવાની છે અને જો પ્રભુ ઈચ્છા હશે તો તે જીતાશે જ. આ કાર્ય આંતર ચેતનાના તથા આત્માના વિકાસ દ્વારા જ શક્ય બનવાનું છે અને આ વિષયમાં પણ માનવ જાતિમાં જો આ વિકાસ થવાનો હશે તો તેનો આરંભ ભારત જ કરી શકે તેમ છે. વળી આ પ્રવૃત્તિ એ સમસ્ત માનવજાતિની પ્રવૃતિ બનવાનું છે તો પણ સંભવ છે કે એનું કેન્દ્ર તો ભારત જ બને.

  Like

 2. DR. CHANDRAVADAN MISTRY સપ્ટેમ્બર 28, 2012 પર 12:33 એ એમ (AM)

  તમને મારે જે ગુપ્ત વાત કહેવાની હતી તે આ છે. કોઈને આ વાત કરશો નહીં. મારી માન્યતાઓ વિશે વિચાર કરજો. તમારે માટે ભયનું કોઈ કારણ નથી. તમારે વિચારવાનું વિશેષ છે. શરૂઆતમાં તમે રોજ અડધો કલાક પ્રભુનું ધ્યાન ધરજો. એમના પ્રત્યે પ્રાર્થનારૂપે તમારી અદમ્ય ઈચ્છા વ્યક્ત કરજો. બસ, તમે આટલું જ કરજો. બસ, તમારે આટલું જ કરવાનું રહેશે. વિશેષ કંઈ જ નહીં. ધીરે ધીરે મન તૈયાર થઈ જશે. ભગવાન સમક્ષ આ પ્રમાણે પ્રાર્થના કરશો : ‘હું પતિના જીવનમાં, તેમના ધ્યેયમાં, તેમના ઈશ્વર-પ્રાપ્તિના પ્રયત્નોમાં, સાધનામાં અવરોધરૂપ ન બનું. સદા સર્વદા સહાયભૂત થાઉં. સાધનરૂપ બનું.’ આટલું કરશો ?

  તમારો અરવિંદ.

  Pragnajuben,
  I read the Letter of Sri Arvind.
  So nice & written with the depth in thoughts & with clarity.
  But….I was touched by the LAST words of that LETTER.
  The DIVINITY within Sri Arvind was trying to lead another Soul to the PATH of DIVINITY.
  The Soul of Sri ARVIND is EVER PRESENT on this Earth & giving the INSPIRATIONS to SO MANY.
  Arvind is Blessed ! Arvind is Amar !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 3. jjkishor સપ્ટેમ્બર 28, 2012 પર 1:16 એ એમ (AM)

  સરસ ને પ્રેરક પત્ર. દરેક સાધકને એનાં સગાંવહાલાં માટે આવી ચિંતાઓ રહેતી જ હશે. બુદ્ધ તો યશોધરાને સમજાવવા પણ રોકાયા નહોતા. સગાંઓ ક્યારેક બેડી બનતા હશે.

  ‘કર્ણ–કૃષ્ણ’ નામક ખંડકાવ્યમાં શ્રીકૃષ્ણ કર્ણને કહે છે, “તું વ્યક્તિ આડે ન જુએ સમષ્ટિને !” વ્યક્તીતા સમષ્ટીકાર્યમાં બાધા બનતી જ રહેતી હશે ને ?!

  Like

 4. DR. CHANDRAVADAN MISTRY સપ્ટેમ્બર 28, 2012 પર 4:01 એ એમ (AM)

  Vinodbhai, As I posted my Comment for this Post, I did not realise that I was posting it on your Blog VINOD VIHAR.
  A wonderful Post….giving INFO on this GREAT ATMA..Sri ARVIND.
  I Salute Him !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to Chandrapukar to read the NEW POST !

  Like

 5. Suresh Jani સપ્ટેમ્બર 29, 2012 પર 12:33 એ એમ (AM)

  મારા બાપુજી ‘ દક્ષિણા’ મંગાવતા હતા; એમાં કદાચ આ લેખ વાંચ્યો હતો. ફરી વાંચી એ જમાનાના મહાન વ્યક્તિઓની યાદ તાજી થઇ ગઈ

  Like

 6. ashvinbhai સપ્ટેમ્બર 29, 2012 પર 7:02 એ એમ (AM)

  no words in my mind to describ
  ashvinbhai

  Like

 7. jugalkishor જુલાઇ 26, 2014 પર 7:13 પી એમ(PM)

  મહર્ષી શ્રી અરવિંદ જેવા મહાનુભાવ, યોગી પુરુષ પણ એક પ્રેમાળ પતિ બનીને શિક્ષકની જેમ લખે છે ! આ પત્ર એમની ભાવનાઓ, સૌ પ્રત્યેનો પ્રેમ, સ્પષ્ટવક્તાપણું, રાષ્ટ્ર્રપ્રેમ વગેરે કેટકેટલાં સ્વરૂપોનો પરિચય કરાવે છે !! સામાજિક જીવનશિક્ષણના પાઠ્ઠયપુસ્તકનો સાચુકલો પાઠ !

  વીડિયોમાં તો એમની આંખો જ ધ્યાન ખેંચી રહે છે. કિશોરાવસ્થામાં પણ એમની આંખો આરપાર જોનારી જણાય છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: