વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: ઓક્ટોબર 2012

(120) ૩૧મી ઓક્ટોમ્બર એટલે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી

૩૧મી ઓક્ટોમ્બર એટલે દેશના અને ગુજરાતના ગૌરવ સમા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ દિવસ.સરદાર વલ્લભભાઈ જયંતિ.

સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ ગુજરાતમાં કરમસદના એક સામાન્ય ખેડુત ઝવેરભાઈ પટેલને ત્યાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. એમનાં માતા-પિતા સ્વામીનારાયણ સંપ્રદાયનાં અનુયાયી અને ખુબ ધાર્મિક હતાં.વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતમાં પુરું કર્યાબાદ ૧૯૧૦ માં ઇગ્લેંડ ગયા અને ૧૯૧૩માં બેરિસ્ટરની પદવી મળ્યા બાદ ભારત આવી અમદાવાદમાં વકીલાત શરુ કરી હતી . ગાંધીજીથી પ્રભાવીત થઇને તેમની સાથે આઝાદીની ચળવળમાં જોડાઇ ગયાં. તેઓએ ખેડૂતોની આગેવાની લઈને બારડોલી સત્યાગ્રહની ચળવળમાં સફળતા મેળવી.એમની કાર્ય પદ્ધતિ અને નેતાગીરીથી ખુશ થઈને ગાંધીજીએ તેમને ‘સરદાર’નું બીરુદ આપ્યુ .

ગાંધીજીની સાથે રહીને સરદાર વલ્લભભાઇએ દેશની સ્વતંત્રતાની લડતમાં પાયાનો ફાળો આપ્યો હતો.સરદાર વલ્લભભાઈ આજીવન એમના ગુરુ સમા ગાંધીજીના એક વફાદાર શિષ્ય બનીને રહ્યા હતા.ગુજરાતના આ બે સપૂતોએ વિશ્વમાં ગુજરાતના નામને નવો આયામ આપ્યો છે અને જય જય કાર કર્યો છે.

૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારબાદ અંગ્રેજ સરકારે ડીવાઈડ એન્ડ રુલની નીતિ અખત્યાર કરી દેશને અનેક નાના રાજ્યોમાં વહેંચી દીધો હતો .પોતાની કુનેહ વાપરીને સમજાવટથી સરદાર વલ્લભભાઈએ દેશને એક અખંડ રાષ્ટ્ર બનાવીને ઇતિહાસમાં બીસ્માર્કની જેમ અમર થઇ ગયા .સરદાર વલ્લભભાઇ પટેલમાં એક અજોડ પ્રતિભા હતી.એમની અદ્વિતીય કાર્યક્ષમ નીતિથી કાંગ્રેસમાં જવાહરલાલ નહેરુ કરતાં ય એમણે વધુ પ્રેમ અને માન સંપાદન કર્યું હતું .

દેશની આઝાદી પછી કોંગ્રેસના બહુમતી સભ્યો નહેરુ નહી પણ સરદાર વલ્લભભાઈ દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાય એમ ઇચ્છતા હતા . પરંતુ ગાંધીજીની ઈચ્છાને માન આપીને એમણે નહેરુની તરફેણમાં પોતાનો દેશના આ સર્વોચ્ચ પદનો દાવો જતો કરી એક અજબ ત્યાગ અને ગાંધીભક્તિની મિશાલ ખડી કરી હતી.બહુમતી મતો પ્રમાણે જો વલ્લભભાઈ ભારતના પ્રથમ વડા પ્રધાન બન્યા હોત તો કદાચ દેશનો ઇતિહાસ જુદો જ હોત અને આજદિન સુધી દેશને માટે કાંટા રૂપ બનેલો કાશ્મીરનો પ્રશ્ન જ ઉભો થયો ન હોત.

કેવા સંજોગોમાં વલ્લભભાઈ નહીં પણ નહેરુ દેશના પ્રથમ વડા પ્રધાન બન્યા અને ગાંધીજીના હાથે વલ્લભભાઈને કેવો અન્યાય થયો એને ઉજાગર કરતો નીચેનો વિડીયો જોવા જેવો છે. જેના ઉપરથી એ વખતની આખી પરિસ્થિતિનો ખ્યાલ આવશે.

How Nerue became First Prime Minister

દેશ માટે આટલો બધો ત્યાગ આપનાર વલ્લભભાઈના કોઈ વારસ વિષે આપણે આજે કશું જાણતા નથી, જ્યારે નહેરુના વંશજોએ આજ દિન સુધી દેશ ઉપર સતાની પકડ ટકાવી રાખી છે.હજુ આવતી ચૂંટણીમાં રાહુલ ગાંધીને દેશના વડા પ્રધાન બનાવવાની પેરવીઓ અને રાજકારણની રમતો રમાઈ રહી છે.ભારતના રાજકીય ઈતિહાસની આ કેટલી વિચિત્ર બલિહારી કહેવાય !

દેશને બીજા સરદાર વલ્લભભાઇ પટેલ ક્યારે મળશે ? કોણ જાણે ? ડીસેમ્બર, ૧૯૫૦ માં મુંબઈમાં એમનું અવસાન થયું ત્યારે દેશ માટે છેલ્લી ઘડી સુધી લડનાર એક મહાન યોધ્ધો ગુમાવ્યો હોય તેટલો દેશની જનતાને આધાત લાગ્યો હતો.

ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈનું નામ સાંભળતાની સાથે જ દરેક ગુજરાતી એક પ્રકારનો ગર્વ અનુભવે છે. ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સદીઓ સુધી સરદાર વલ્લભભાઈનું નામ અમર રહે અને સૌને પ્રેરણા આપતું રહે એ માટે ગુજરાત સરકાર સૌના સહકારથી દુનિયાનું સૌથી ઉંચામાં ઊંચું સરદારનું સ્મારક STATUE OF UNITY ગુજરાતમાં નર્મદા કાંઠે બનાવવાની યોજનાને અમલી બનાવી રહી છે.દેશના આ સપૂતના કાર્યો માટે એ ખરેખર યોગ્ય અંજલિ બની રહેશે..

નીચેના વિડીયોમાંથી આ યોજનાની બધી વિગતવાર માહિતી મળશે.

STATUE OF UNITY:

TALLEST STATUE IN WORLD; HONORING SARDAR VALLABHBHAI PATEL  

 

(119) ગાંધી તો ગાંધી હતા, પણ શાસ્ત્રી ય કંઇ કમ નહોતા…લેખક – જ્વલંત છાયા

બીજી ઓક્ટોબર એ ગાંધીજીનો જન્મદિવસ છે તો એક વખતના ભારતના ગાંધીવાદી વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો પણ આ જન્મદિવસ છે એની જાણ બહુ ઓછાને હશે .એકદમ સાદગીભર્યું અને નિરાળું વ્યક્તિત્વ ધરાવતા આ દેશ નેતા જાણે કે ભુલાઈ ગયા છે.ગાંધી જયંતીની ઉજવણીના માહોલમાં  દેશે શાસ્ત્રીજીની જોઇએ એટલી કદર કરી નથી એ હકીકત છે.લાલ બહાદુર શાસ્ત્રીના જીવન વિષે બહુ ઓછું લખાય છે અને વંચાય છે.

આજની પોસ્ટમાં શ્રી જ્વલંત છાયા લિખિત લાલ બહાદુર શાસ્ત્રીના અનોખા જીવન ઉપર પ્રકાશ પાડતો લેખ “ગાંધી તો ગાંધી હતા, પણ શાસ્ત્રી ય કંઇ કમ નહોતા..” દિવ્ય ભાસ્કર .કોમના સૌજન્યથી લેખકના  આભાર  સાથે મુક્યો છે.આશા છે આપને વાંચવો ગમશે.

વિનોદ આર. પટેલ

_________________________________________________________________

ગાંધી તો ગાંધી હતા, પણ શાસ્ત્રી ય કંઇ કમ નહોતા… લેખક – જ્વલંત છાયા

આજ હૈ દો અક્તુબર કા દિન, આજ કા દિન હૈ બડા મહાન,

આજ કે દિન દો ફૂલ ખિલે થે, ઉનસે મહેકા હિ‌ન્દુસ્તાન

જય જવાન જય કિસાન,

નામ એક કા બાપૂ ગાંધી ઔર એક લાલ બહાદુર હૈ

એક કા નારા અમન કા એક કા જય જવાન જય  કિશાન

લાલ બહાદુર જિસને હમ કો ગર્વ સે જીના સિખલાયા,

સચ પૂછો તો ગીતા કા અધ્યાય ઉસીને દોહરાયા…

હૈયે હાથ રાખીને વાત કરજો કે દર વર્ષે આપણે જેટલી તીવ્રતા, ત્વરા, તત્પરતાથી મહાત્મા ગાંધીને યાદ કરીએ છીએ તેટલી તીવ્રતાથી લાલ બહાદુર શાસ્ત્રીને આપણે યાદ કર્યા? કોઇ સરકાર કે પક્ષ તો ઠીક છે, પોતપોતાના દૃષ્ટિકોણથી નેતાઓને યાદ કરે અહીં આટલાં વર્ષોથી એ જ થતું આવ્યું છે તેથી તેનો અફસોસ ન હોય, પરંતુ આપણને એ વાતનો ભારોભાર અફસોસ છે કે આપણે લાલ બહાદુર શાસ્ત્રી જેવા નેતાની ‘સ્મૃતિ’ તાજી કરવામાં જોમ અને જુસ્સો ઓછો બતાવીએ છીએ.

અરે અનેક ‘મહાનુભાવો’ હશે જેને એ યાદ પણ નહીં હોય કે ખ્યાલ પણ નહીં હોય કે આ ૨ ઓક્ટોબર એ ફક્ત ગાંધીજયંતી નથી શાસ્ત્રીજયંતી પણ છે ઉપર લખ્યું તે ૧૯૬૭માં બનેલી ફિલ્મ ‘પરિવાર’નું ગીત ખરેખર કબાટમાં સંઘરી રાખવા જેવું છે જે આપણને દર બે ઓક્ટોબરે યાદ અપાવે છે કે ‘આજ કે દિન દો ફૂલ ખિલે થે ઉનસે મહેકા હિ‌ન્દુસ્તાન…’ એ સિવાય એક ઉલ્લેખ ‘ઉપકાર’ ફિલ્મમાં આવે છે,’રંગ લાલ હૈ લાલ બહાદુર સે…’ બાકી અન્ય નેતાઓનાં જે સ્તુતિગાન થયાં છે તેવો પ્રચાર લાલ બહાદુર શાસ્ત્રીનો થયો નથી તે વાત સ્વીકાર્યા સિવાય વિકલ્પ નથી અને દુ:ખ એટલા માટે થાય કે આફ્ટર ગાંધીજી જે નેતાઓ આ દેશમાં થયા કે બનાવાયા તેમાં શાસ્ત્રી એક અંગૂઠોય ઊતરતા નેતા નહોતા.

૧૯૦૪ની ૨ ઓક્ટોબરે શિક્ષક પિતા શારદા શ્રીવાસ્તવ પ્રસાદના પરિવારમાં જન્મેલા લાલ બહાદુરની અટક શાસ્ત્રી નહીં, પરંતુ શ્રીવાસ્તવ હતી અને તેઓ કાયસ્થ જ્ઞાતિના હતા. શ્રીવાસ્તવ અટકથી એ વાત સાફ જાહેર થતી હતી કે તેઓ કાયસ્થ છે. પોતે જ્ઞાતિવાદમાં માનતા નહોતા, કાયસ્થ હોવાને લીધે કોઇ વિશેષ લાભ પોતાને મળે તેવું ઇચ્છતા નહોતા, રિપીટ કરું – જ્ઞાતિવાદમાં માનતા નહોતા – રાજકારણમાં હોવા છતાં તેથી પોતાની જ્ઞાતિ જાહેર ન થાય તે માટે તેમણે અટક શ્રીવાસ્તવમાંથી શાસ્ત્રી કરી નાખી.

કેટલું આશ્ચર્યજનક છે ને? આજે તો લોકો પોતાની જ્ઞાતિ કઇ છે તે જાહેર કરવાનો સતત પ્રયાસ કરતા હોય છે, વાહનની પાછળ કાં તો કોઇ શસ્ત્રનું સિમ્બોલ હોય કે પછી કોઇ ધાર્મિ‌ક ધામનું નામ લખ્યું હોય, દુકાન કે કારખાનાનું નામ પણ એ મંદિર પરથી એટલે ખબર પડે કે આ ‘આપણા ભાઇ’નું છે બીજું તો ઠીક આ વખતે તો સરકારે પણ જ્ઞાતિ અનુસાર વસ્તીગણતરી કરાવી એટલે ખબર પડે કે આપણને મત આપનારા લોકો કેટલા વધ્યા ક્યાં આ વોટબેન્કની માનસિકતા અને ક્યાં એ કાસ્ટીઝમ સંદર્ભનું ‘શાસ્ત્રીઇઝમ’ આઝાદી પછીના પણ અનેક નેતાઓને શહીદનું બિરુદ આપણે આપી દીધું છે.

બીજી તરફ અન્ય વિચારધારાઓમાં જે નેતાઓ થયા તેમને ગાંધીજી અને નેહરુ સાથે સરખાવવા તેમના મૃત્યુની ઘટનાને ‘રહસ્યમય’કહીને, તેમણે આપેલા એક વિચારને કોઇ ‘વાદ’નામ આપીને તેનું જસ્ટિફિકેશન પણ અપાય છે. અહીં ગાંધી,નેહરુ અને સરદાર તો ત્યાં પણ એક મુખ્ય વ્યક્તિ અને બે મુખ્ય શિષ્ય (સમજને વાલે સમજ ગયે હૈ) તેની પાછળ છૂપો ભાવ એ છે કે તમારી પાસે ગાંધી હતા તો અમારી પાસે ‘આ’ હતા, ગાંધીની હત્યા થઇ તો અમારા નેતાનું મોત પણ રહસ્યમય હતું અરે એવી કોઇ જરૂર નથી. જેનું જે પ્રદાન હોય તે આદરણીય જ છે, પરંતુ આ બધી આંટીઘૂંટીમાં પણ શાસ્ત્રીની સ્મૃતિ પર ધૂળ લાગી ગઇ છે, લાઇબ્રેરીમાં પડેલા મૂલ્યવાન છતાં જૂના પુસ્તક પર લાગે તેમ.

અલબત્ત, શાસ્ત્રીજીના જીવન પર પુસ્તકો પણ કમ્પેરિટિવ ઓછાં લખાયાં. સૌથી મહત્ત્વનો મુદ્દો એ હતો કે શાસ્ત્રીના વારસદારો રાજકારણમાં હોવા છતાં તેમની પાસે પોતાના વડીલનું માર્કેટિંગ કરવાનો કસબ નહોતો. અમારા વડવાએ જ આ દેશને ઘડયો છે તેવું તેઓ ન બોલી શક્યા, પુત્ર અનિલ શાસ્ત્રી આજ પર્યંત રાજકારણમાં છે, ઓલમોસ્ટ બેદાગ છે. શાસ્ત્રીજીના વારસદારો પાસે પક્ષનો કમાન્ડ નહોતો, તેથી તેમને નમવાનું કોઇને જરૂરી ન લાગ્યું. મોટામાં મોટા પુલથી લઇ ગામના પાયખાના સુધીની યોજનાઓને ત્રણ-ચાર જ નામો આપવાં એવું શાસ્ત્રીજીના વારસદારો ન કરી શક્યા. તેથી આજે આપણને ૨ ઓક્ટોબરે લાલ બહાદુર ક્યારેક જ યાદ આવે છે.

અહીં કોઇ અંગત કે જાહેર પ્રેજ્યુડાઇઝ છે પણ નહીં અને તેવી વાતય નથી, પરંતુ જે લોકો નેહરુ અને શાસ્ત્રીની સરખામણી કરે છે તેમને પણ ખ્યાલ છે કે સ્વયં શાસ્ત્રીજી ગાંધીજી ઉપરાંત નેહરુના સમાજવાદથી પ્રભાવિત હતા.પંડિતજીને તેઓ અત્યંત આદર આપતા. આ બંને વચ્ચે સામ્ય અનેક છે, તો તફાવત પણ ઘણા છે. નેહરુનો ઉછેર ભવ્ય રીતે થયો હતો. તેમના પરિવારના કપડાંની ધુલાઈ પેરિસમાં થતી અને નેહરુ સક્રિય થયા ત્યાં સુધી મોતીલાલજી જીવતા હતા,નેહરુ વૃદ્ધ થયા() ત્યાં ઇન્દિરાજી સક્રિય થઇ ગયાં હતાં.

શાસ્ત્રીજી જ્યારે એક જ વર્ષના હતા ત્યારે તેમના પિતાજીનો દેહાંત થયો હતો. નેહરુ કેમ્બ્રિજ સુધી ભણ્યા, શાસ્ત્રી સ્કૂલે જતા ત્યારે વચ્ચે એક નદી આવતી અને નાવિકને આપવાના પૈસા ન હોય તેથી તેઓ માથે દફતર રાખી, પીઠ પર ચોપડીઓ રાખીને નદી ઓળંગીને ભણવા જતા. શાસ્ત્રીજી ૧૯૨૧થી ગાંધીજીપ્રેરિત આંદોલનોમાં સક્રિય હતા, જેલમાં રહ્યા, છૂટયા અને તરત ‘ભારત છોડો’ના નારામાં પોતાનો સૂર ભેળવી દીધો, ફરી જેલમાં ગયા.ગાંધીજી ૧૯૧પમાં ભારત આવ્યા, શાસ્ત્રી ૧૯૨૦થી તેમની સાથે જોડાયા હતા. ટૂંકમાં આઝાદીની લડતમાં પણ તેઓ અનેક નેતાઓની સમાંતર જ રહ્યા હતા.

આ ૧૯૪૭ પહેલાંની વાતો હતી. ’૪૭ પછી પણ શાસ્ત્રીનું યોગદાન સતત નોંધ લેવી પડે તેવું રહ્યું હતું. વિચાર તો કરો આજે રાજકારણમાં કેવા કેવા લોકો છે, જેઓ કરોડો રૂપિયા ખાઇને પણ કહે છે અમે નિર્દોષ છીએ અને શાસ્ત્રીજી રેલવેમંત્રી હતા ત્યારે ટ્રેનનો એક્સિડન્ટ થયો તો કોઇ રાજીનામું માગવાનો વિચાર પણ કરે તે પહેલાં તેમણે રાજીનામું ધરી દીધું. નેહરુએ દેશને ભાખરા નાંગલની ભેટ આપી, ઇન્દિરાજીની ‘મર્દાનગી’ ૧૯૭૧ની લડાઇ અને ’૭૪ની કટોકટીમાં દેખાઇ, તો શાસ્ત્રીજીએ ૧૯૬પમાં યુદ્ધ સમયે લીધેલા નિર્ણયો, તે વખતે જેઓ જીવતા અને પરિપક્વ હતા તે તમામને યાદ છે.

અરે, સાહેબ જય જવાન જય કિસાન નારો તાત્ત્વિ‌ક છે કે કિસાન જો ધાન પકવશે તો સૈનિક લડી શકશે આપણી જમીનની રક્ષા તો જ થઇ શકે જો તેમાં ધાન પકવનારનું મહત્ત્વ પણ સ્વીકારીએ. બંદૂક અને હળ બંનેનું મહત્ત્વ સરખું સ્વીકારનાર કદાચ આ એક જ પ્રધાનમંત્રી હતા અને યુદ્ધ ચાલતું ત્યારે તેમણે દેશને એક ટંક ભૂખ્યા રહેવાની અપીલ કરી હતી. આજે ફેર એટલો જ છે કે દેશનો કેટલોક વર્ગ એમ કહે છે કે એક ટંક ખાઇ શકીએ તેવી વ્યવસ્થા તો કરો મુદ્દો બે. સમય અમુક વ્યક્તિ સાથેની સરખામણીનો નથી. દરેક શાસકને પોતાની મર્યાદા અને ખૂબી હોય.

વાત એ છે કે જેટલા આપણે અન્ય લોકોને યાદ કરીએ છીએ અથવા આપણને યાદ કરાવવામાં આવે છે તેટલા શાસ્ત્રી આપણા સ્મરણમાં નથી, જે હોવા જોઇએ. તેમની રાજકીય કારકિર્દી, વિદેશનીતિ કે અર્થનીતિ પોલિટિકલ સાયન્સમાં એકાદ પેપરનું તો સ્થાન ધરાવે જ છે અને તેમનું મૃત્યુ આજે પણ ચર્ચાસ્પદ છે. અલબત્ત, મોરારજી દેસાઈએ જે તે સમયે જ કહ્યું હતું કે તેમનું શાસ્ત્રીજીનું અવસાન હાર્ટએટેકથી થયું હતું, પરંતુ કથા-ક્વિંદંતીઓ આજે પણ છે.

વિખ્યાત પત્રકાર કુલદીપ નાયરની આત્મકથા’બિયોન્ડ ધ લાઇન્સ’ ઓલમોસ્ટ ભારતના જાહેર જીવનના પાંચ દાયકાનો દસ્તાવેજ છે. તેમાં શાસ્ત્રીજીના મૃત્યુની ઘટનાનું જોરદાર વર્ણન છે. કારણ કે કુલદીપ નાયર પોતે પણ તે સમયના સાક્ષી હતા. અંતિમ દિવસે કોણે લાલ બહાદુર શાસ્ત્રીને દૂધ આપ્યું, કોણે પાણી આપ્યું, તાસ્કંદમાં કે ભારતમાં તેમનું પોસ્ટમોર્ટમ થવા ન દેવાયું, તેમનાં પત્નીનો શો પ્રતિભાવ હતો એ બધું વર્ણન છે. નેહરુ વડાપ્રધાન હતા ત્યારે ઇન્દિરાજીની શી ભૂમિકા હતી અને તેનાથી શાસ્ત્રીજીને શું નુકસાન થઇ શકત, બધું તેમાં છે. શાસ્ત્રીવાળું પ્રકરણ આ પુસ્તકમાં વાંચવા જેવું છે.

અને છેલ્લે, શું હતા શાસ્ત્રી? ‘લાલ બહાદુર શાસ્ત્રી-પોતાની સાદગી, પ્રામાણિકતા, માનવતા માટે જાણીતા એક સમર્પિ‌ત કોંગ્રેસી. જનસંઘ અને આરએસએસની વિચારધારાને પણ સન્માન આપનારા, દેશ મુસીબતમાં હોય ત્યારે વિરોધીઓની સલાહ પણ લેનારા અને ૧૯૬પમાં ‘ગો ફોરવર્ડ એન્ડ સ્ટ્રાઇક’નો કમાન્ડ આપનારા.હાજીપીર અને તીથવા પાસેથી સૈનિકદળ હટાવવાની સ્પષ્ટ ના કહેનારા.’

આ શબ્દો કોઇ કોંગ્રેસી નેતા, કોઇ ઇતિહાસકારના નથી, આ અને આવા અનેક શબ્દો લાલ કૃષ્ણ અડવાણીએ પોતાની આત્મકથા ‘માય કન્ટ્રી માય લાઇફ’માં લાલ બહાદુર શાસ્ત્રી માટે લખ્યા છે. અનુગામીઓ, સાથીઓ તો માણસને વખાણે, કદાચ માનવજીવનની મોટી સિદ્ધિ એ છે કે તેના વિરોધીઓ પણ તેની કેટલીક બાબતોનાં તો સ્પષ્ટ વખાણ જ કરે’

 જ્વલંત છાયા

jwalant.chhaya@guj.bhaskarnet.com

___________________________________________________________

શાસ્ત્રીજી વ્યસ્તતા વચ્ચેય માતા માટે સમય કાઢતા

નવી દિલ્હીઃ સ્વર્ગસ્થ વડા પ્રધાન લાલબહાદૂર શાસ્ત્રી ખૂબ વ્યસ્ત કાર્યક્રમ છતાં પોતાની માતા રામદુલારી માટે સમય કાઢતા, એમ ‘લાલબહાદૂર શાસ્ત્રી – મેરે બાબુજી’ પુસ્તકમાં એમના પુત્ર સુનીલ શાસ્ત્રીએ લખ્યું છે.

શાસ્ત્રીજીના એમની માતા સાથેના ગાઢ અનુસંધાન એ પુસ્તકમાં વર્ણવવામાં આવ્યું છે. મા-બાપને અવગણતી અને વિવિધ મુદ્દે એમને દોષ આપતી આજની પેઢીથી વિરુદ્ધ શાસ્ત્રીજીએ એમની માતાને ક્યારેય અવગણ્યાં નહોતાં, એમ સુનીલે લખ્યું છે.

માનસિક કે લાગણીની તાણના સમયમાં પણ તેઓ માતા સાથે થોડીક મિનટ ગાળવાનું ચૂકતાં નહીં. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નો વચ્ચે ઘેરાયેલા હોય ત્યારે પણ માતા સાથે થોડો સમય ગાળવામાં એમને શાંતિ મળતી, એમ પણ સુનીલે લખ્યું છે. શાસ્ત્રીજીનું તાશ્કંદમાં ૧૯૬૬ની ૧૧મી જાન્યુઆરીએ અવસાન થયું એના થોડા મહિના પછી દાદીનું અવસાન થયું હતું, એમ એમણે નોંધ્યું છે. આ પુસ્તકમાં જણાવાયા પ્રમાણે રામદુલારીએ પોતાના જીવનના છેલ્લા નવ મહિના લાગણીની દષ્ટિએ ઘણા પીડાભર્યા ગણાવ્યા હતા.

સૌજન્ય- મુંબાઈ સમાચાર.કોમ

(118) શી.મા.પરિવારની પ્રથમ પેઢીના વિદાય થયેલ પૂજ્ય વડીલોને હાર્દિક શ્રધાંજલિ

સ્વ. મેનાબેન મણીલાલ પટેલ,અમદાવાદ (અક્ષરવાસ-ઓક્ટોબર ૨૦૧૨)

મારા દાદા સ્વ. શિવદાસ માધવદાસ પટેલ (જેમનો પરિવાર શીમા ફેમીલી તરીકે ઓળખાય છે ),એમનાં એક માત્ર જીવિત સંતાન, અમારાં પ્રિય ફોઈબા,મેનાબેન મણીલાલ પટેલ એમની 91 વર્ષની પાકટ  ઉંમરે ઓક્ટોબર 25,2012ના રોજ સાંજના સાત વાગ્યે ,પવિત્ર અગિયારસના દિવસે, એમના અમદાવાદના નિવાસ સ્થાને ,શીમા પરિવાર અને એમના વિશાળ   કુટુંબ કબીલાને પાછળ શોક કરતાં મુકીને અક્ષરધામ સીધાવ્યાં .

અમારાં ફોઈબા મેનાબેન એમના મિલનસાર પ્રેમાળ સ્વભાવ અને એમની રસોઈના સ્વાદથી સૌને હમ્મેશાં યાદ રહેશે.તેઓ ખુબ ધાર્મિક પાકાં વૈષ્ણવ ભક્ત હતા.

સ્વ. મેનાબેને એમના યૌવન દરમ્યાન ખુબ જ જાહોજલાલી જોયા પછી એમના જીવનમાં ઘણી ચડતી પડતી જોઈ હતી.એમ છતાં તેઓ આવેલ પરિસ્થિતિનો સામનો કરી હસ્તે મુખે જીવન સંગ્રામ ખેલતાં રહીને એમના  મોટા પરિવારને સુખી જોઇને એકાણું વર્ષનું સંપૂર્ણ જીવન જીવીને સ્વર્ગે સિધાવ્યાં .

પરમ કૃપાળુ પરમાત્મા સ્વ.મેનાબેન(ફોઈ બા) ના આત્માને ચીર શાંતિ  બક્ષે એ જ અભ્યર્થના .

______________________________________________________

સ્મરણાંજલિ

મારા દાદા સ્વ.શિવદાસ અને એમના પછીની પ્રથમ પેઢીના વિદાય થયેલ સૌ સભ્યોની તસ્વીરો

સ્વ.શિવદાસ માધવદાસ પટેલ (શીમા પરિવારના વડા )

(દેહાંત- ડીસેમ્બર,૧૯૬૩-ડાંગરવા )

(સ્વ.શીવકોર બા -દાદીમા -દેહાંત –  જુન ૨૧,૧૯૭૬-ડાંગરવા)

સ્વ.ભાઈચંદભાઈ શિવદાસ પટેલ અને સ્વ.ઇચ્છાબેન ભાઈચંદભાઈ પટેલ
(દેહાંત-ભાઈચંદભાઈ-ડીસેમ્બર ૧૮,૧૯૯૯ અને ઈચ્છાબેન-એપ્રિલ ૧૩,૧૯૯૫–વડોદરા )

સ્વ.રેવાભાઈ શિવદાસ પટેલ અને સ્વ.શાંતાબેન રેવાભાઈ પટેલ
દેહાંત- રેવાભાઈ ફેબ્રુઆરી ૪,૨૦૦૭-યુ.એસ.એ.)અને શાંતાબેન-ડીસેમ્બર ૬,૧૯૯૫ -અમદાવાદ)

સ્વ.પ્રહલાદભાઈ શિવદાસ પટેલ અને સ્વ.ડાહીબેન પ્રહલાદભાઈ પટેલ-બે બાળકો સાથે
(દેહાંત- પ્રહલાદભાઈ-જુન ૨૧,૨૦૧૦ -યુ.એસ.એ અને ડાહીબેન જુન ૧૫,૧૯૯૪ -યુ.એસ.એ.)

સ્વ.મેનાબેન મણીલાલ પટેલ અને સ્વ.મણીલાલ ગુલાબચંદ પટેલ
(દેહાંત- મણીલાલ ઓગસ્ટ,૧૯૯૦ અને મેનાબેન ઓક્ટોબર ૨૫,૨૦૧૨ -અમદાવાદ)

નોંધવાજેવી  હકીકત એ છે કે મારા દાદા શિવદાસ અને દાદી શીવકોરબાનાં આ તસવીરોમાં બતાવેલ ત્રણ પુત્રો અને એક પુત્રી એમ ચારેય સંતાનો એમની અમેરિકામાં અને ભારતમાં રહેતી ચાર પેઢીની લીલીવાડી  નજરે નિહાળીને બધાં જ 90-92 વર્ષની પાકટ ઉંમરે સ્વર્ગવાસી થયાં.છે.કુટુંબના ઇષ્ટ દેવ સ્વામી નારાયણ ભગવાનની અપાર કૃપા કહેવાય ! મારા દાદા અમારા ગામના સ્વામીનારાયણ મંદિરના કોઠારી હતા અને ઘણાં વર્ષો સુધી મંદિરનો પાઈ -પાઇનો હિસાબ રાખીને પ્રમાણિકતાથી વહીવટ કરી એક ઉચ્ચ સંસ્કારની મિશાલ ઉભી કરી હતી. ઉપરના સૌ સ્વર્ગસ્થ વડીલોની નિશ્રામાં મારી પેઢીના સૌ સભ્યોનું બાળપણ અને શૈશવ વતનના ગામ   ડાંગરવામાં  વીત્યું  .અમારું મૂળ એક ખેડૂત પુત્ર તરીકેનું.આ બધાં   વડીલો સાથે વિતાવેલ બાળપણ અને શૈશવ અને વતન સાથેનાં મનમાં ઘણાં સ્મરણો  છે.વતનમાં કોલેજ સુધી ભણીને સૌ પ્રથમ 1956માં આ પેઢીના વડા વિસુભાઈએ અમેરિકા અભ્યાસાર્થે પ્રયાણ કર્યું.ત્યારબાદ એક પછી એક એમ ઉપરના ફોટામાં છે એ વડીલોના લ ગભગ બધા સંતાનો થોડા અપવાદ સિવાય અમેરિકામાં આવી ગયાં અને સપરિવાર  સ્થિર અને સુખી થયાં છે.

સંસ્કાર,શિક્ષણ,સાહસ,સંચાલન ,સેવા અને સૌજન્ય એ શીમા પરિવારનો મુદ્રા લેખ બની ગયો.

આજે શીમા પરિવારનાં અમેરિકામાં  વસતાં  ચાર-પાંચ પેઢીના નાના-મોટા બધા સભ્યોની સંખ્યાનો સરવાળો કરીએ તો એ સંખ્યા 140 કરતાં ય કદાચ વધી જાય !

મારા દાદા શિવદાસ વિષે, વતનના ગામનાં સ્મરણો અને શીમા પરિવારની ડાંગરવાથી અમેરિકા (બળદ ગાડાથી બી.એમ.ડબ્લ્યુ )સુધીની પ્રગતિ અંગે વધુ ફરી બીજી કોઈ પોસ્ટમાં આલેખન કરીશું .

આજે તો વિદાય થઇ ગયેલ શીમા પરિવારની ઉપરના ફોટાઓમાં બતાવેલ પ્રથમ પેઢીના સૌ વડીલોને એની હયાત ભારત અને અમેરિકામાં રહેતી ચાર પેઢીના સભ્યો વતી હૃદયથી શ્રધાંજલિ આપુ  છું.

જય શ્રી સ્વામીનારાયણ

વિનોદ આર. પટેલ ,સાન ડીયેગો.

_________________________________________________________________

દાદા સ્વ.શિવદાસ સાથેની એક યાદગાર તસ્વીર 

ઓક્ટોબર,૧૯૫૬માં  દાદાના જ્યેષ્ટ પૌત્ર વિસુભાઈ ડાંગરવાથી અમેરિકા જવા વિદાય થયા એ પ્રસંગે દાદા

સાથે લીધેલ એમની અને પ્રથમ અને બીજી પેઢીના સભ્યોની આ તસ્વીર છે. દાદાની બિલકુલ પાછળ હું ઉભો છું.

        ઉભેલા -જમણેથી ….કુટુંબી અંબાલાલ,નટુભાઈ પ્રહલાદભાઈ,કાન્તીભાઈ ભાઈચંદભાઈ,વિનોદભાઈ        રેવાભાઈ,નારણભાઈ ભાઈચંદભાઈ,કુટુંબી નારણ ભા

ખુરશીમાં જમણેથી – પ્રહલાદભાઈ શિવદાસ,વિસુભાઈ ભાઈચંદભાઈ,શિવદાસ માધવદાસ ,ભાઈચંદભાઈ શિવદાસ ,રેવાભાઈ શિવદાસ

નીચે બેઠેલા -જમણેથી કુટુંબી બળદેવભાઈ,જયંતીભાઈ રેવાભાઈ,અશોક વિસુભાઈ,ચીમનભાઈ રેવાભાઈ ,દશરથભાઈ રેવાભાઈ

ત્રણ ભાઈઓ – ભાઈચંદભાઈ, રેવાભાઈ ,પ્રહલાદભાઈ (નારણપુરા -અમદાવાદ)

______________________________________________________________________

આભાર -મારી ઈ-મેલના જવાબમાં એમના અસંખ્ય જુના ફોટાઓના સંગ્રહમાંથી આ પોસ્ટમાં મુકેલ અને બીજાં ઘણા જુના ફોટાઓ સ્કેન કરી ઈ-મેલથી મોકલી આપવા માટે લોસ એન્જેલસ રહેતા મારા પિતરાઈ ભાઈ નારણભાઈનો આભાર માનું છું..

 

(117 ) જીવનનું લક્ષ્ય – દંતાલીના સ્વામી સચ્ચિદાનંદજીનાં અમૃત વચનો (સંકલિત)

Swami Satchidanandji of Dantali

જીવનનું લક્ષ્ય

[ સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તક વાસ્તવિકતા માંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે.]  

૧. જીવનનું લક્ષ્ય સૂખી થવાનૂં છે.  

૨. સૂખનું મૂળ છ જગ્યા એ છે: ૧. ભૌતિક સગવડોમાં, ૨. સાંસારીક સુખોમાં, 3. રાજકીય સુરક્ષામાં, ૪. સામાજિક ઉદારતામાં, ૫.   આર્થીક સધ્ધરતામાં અને ૬. ધાર્મિક સમાનતામાં.  

૩. જેને આ છયે અનુકુળતાઓ મળી છે, તે સર્વોચ્ચ સુખી છે. ધન્ય છે. તેને અહીંજ સ્વર્ગ છે.  

૪. જેને આ છની પ્રતિકુળતા મળી હોય તે ભારે દુઃખી હોય છે. તેને અહીંજ નરક છે.  

૫. આ સુખો મેળવી શકાય છે. ઘટાડી-વધારી શકાય છે.

૬. જે પોતાને સુખી કરે છે તેને પુરુષાર્થી માનવ કહેવાય.  

૭. જે પોતાની સાથે બીજાને પણ સુખી કરે તે સંત કહેવાય.  

૮. જે પોતે દુખી થઈને પણ બીજાને સુખી કરે તે મહાસંત છે. તે પૂજ્ય છે, વંદનીય છે.

૯. જે સંતના વેશમાં હોય પણ બીજાને દુખી કરતો હોય તો તેપૂજ્ય કે વંદનીય ન ગણાય.  

૧૦. વેશ આધારિત સંત ન હોય પણ ગુણકર્મ-આધારિત હોય.  

૧૧. વેશ-આધારિત સાધુ હોય. બધા સાધુઓ સંત નથી હોતા. સેંકડે કદાચ એકાદ હોય.  

૧૨ સંતને સંત જ પારખી શકે. જાણી શકે, માણી શકે અંદ નાણી શકે.  

૧૩. દર્શનપ્રેમી જ દર્શન પામી શકે. પ્રદર્શનપ્રેમી પ્રદર્શનમાં રાજી થાય.  

૧૪. દર્શન અંદ પ્રદર્શન સાથે ન રહે. કાં દર્શન કાં પ્રદર્શન હોય.  

૧૫. ભૌતિક સુખો એ પ્રાથમિક સુખો છે અને જીવન માટે જરૂરી છે.  

૧૬. ભૌતિક સુખો, સગવડોથી મળતાં હોય છે.  

૧૭. સગવડો સૌને ગમે છે. સૌ સગવડો ખોળે છે.  

૧૮. અગવડો કોઈને ગમતી નથી. અગવડોથી બધા દૂર રહે છે.  

૧૯. સગવડો વિજ્ઞાનથી આવતી હોય છે.  

૨૦. વિજ્ઞાન, પ્રયોગશાળામાંથી આવતું હોય છે.  

૨૧. પ્રયોગશાળા – પ્રજાના અભિગમમાંથી આવતી હોય છે.  

૨૨. જે પ્રજા અતિશય ધાર્મિક હોય છે, તે મંદિરો બાંધે છે. પ્રયોગશાળાઓ નથી બાંધતી.  

૨૩. આવી પ્રજા વૈજ્ઞાનિકો પેદા નથી કરતી, સાધુ-બાવાઓ પેદા કરે છે.  

૨૪. વૈજ્ઞાનીક દ્રષ્ટિવિનાના સાધુ-બાવાઓ પ્રજાને વધુ ચુસ્ત અને રૂઢિવાદી બનાવતા હોય છે. જેથી પ્રજા પછાત થઈ જતી હોય છે.  

૨૫. ધર્મ અને વિજ્ઞાન નો સુમેળ થવો જોઈએ.  

૨૬. વિજ્ઞાન વિનાનો ધર્મ અંધશ્રદ્ધા પેદા કરે છે.  

૨૭. ધર્મ અને વિજ્ઞાનનો મેળ કરવાથી ધર્મ અને વિજ્ઞાન બન્ને પ્રજા માટે કલ્યાણકારી બને છે.  

૨૮. એકલું વિજ્ઞાન, નાસ્તિકતા પેદા કરી શકે છે. ક્રૂરતા અને માનવસંહાર કરતુ થઈ શકે છે. ધર્મના મેળથી તે કલ્યાણકારી થઇ શકે છે.

૨૯. ધર્મ અને વિજ્ઞાન, શ્રધ્દ્રા અને સંશોધનને કોઈ વિરોધ ન હોવો જોઈએ. બન્ને સત્ય ને શોધે છે.  

૩૦. આજે આપણે જેટલી સગવડો ભોગવીએ છીએ તે બધી વિજ્ઞાને આપી છે. એટલે લગભગ બધી સગવડો પશ્ચિમથી આવી છે. કારણ કે વર્તમાન વિજ્ઞાન પણ પશ્ચિમથી આવ્યું છે.  

૩૧. પશ્ચિમના લોકો સુખવાદી રહ્યા છે. જેને આપને ભોગવાદી કહીએ છીએ.  

૩૨. તેથી તે નવીનવી સગવડો શોધ્યા કરે છે. જે વિજ્ઞાનથી પ્રાપ્ત થાય છે.  

૩૩. અગવડોને દૂર કરીને જ સગવડો વિકસાવાય છે. તેથી અગવડો દૂર કરો, તે તેમનું દર્શન રહ્યું છે.  

૩૪. આપણે અગવડોને સહન કરી લેવાનું દર્શન ધરાવીએ છીએ. જેથી સદીઓ-જૂની અગવડો સહન કર્યા કરીએ છીએ.  

૩૫. સગવડો ઉપર કદી પૂર્ણવિરામ હોતું નથી. પ્રત્યેક નવી સગવડ થોડા સમય પછી જૂની થઇ જાય છે. જેથી સગવડોનો નવો મોડેલ નીકળે છે, આ સતત ચાલનારી પ્રક્રિયા છે.  

૩૬. સગવડોનો વિરોધ કરનારા, સુખોનો વિરોધ કરતા હોય છે.  

૩૭. આવી સુખવિરોધી પ્રજા નવી શોધો કરી શકાતી નથી.  

૩૮. પછાતપણું શોષણ વિનાનું હોતું નથી.  

૩૯. શોષિત પ્રજા કદી સુખી ન હોય. કદી બળવાન ન હોય.  

૪૦. ધર્મ પ્રમાણેનાં ભૌતિક સુખોને ભોગવવા એ પાપ નથી.

૪૧. પાપ તો ત્યારે લાગે જયારે અધર્મ-અનીતિનાં દ્વારા કોઈના પડાવેલા સુખો ભોગવવામાં આવે.  

૪૨. ભૌતિક સુખોનો ત્યાગ કરવાથી પુણ્ય થતું નથી. ચંપલ કે જોડાં નાં પહેરવા માત્રથી કોઈ પુણ્યાત્મા થઇ જતો નથી. તે દુખી થાય છે, પોતાની ગેરસમજ કે અજ્ઞાનથી.  

૪૩. ભૌતિક સુખોને ભરપુર ભોગવનારી પ્રજા સમૃદ્ધ હોય છે. તે વધુ લોકોને રોજી પૂરી પાડતી હોય છે.  

૪૪. રોજીઓ વધારવી એ પુણ્યકાર્ય કહેવાય. કોઈ બેકારને રોજીએ વળગાડવો તે ખરો યજ્ઞ કહેવાય.  

૪૫. રોજીઓ, પ્રજાના વૈભવમાંથી ઉત્પન્ન થતી હોય છે.  

૪૬. જેટલો વૈભવ વધારે તેટલી ખરીદી વધારે.  

૪૭. જેટલી ખરીદી વધારે તેટલી રોજીઓ વધારે.  

૪૮. જેટલી રોજીઓ વધારે તેટલી બેકારી ઓછી.  

૪૯. જેટલી બેકારી ઓછી તેટલી ચોરી-લૂંટ વગેરે ઓછી.  

૫૦. જેટલા ચોરી-લૂંટ વગેરે અપરાધો ઓછા તેટલી જ પ્રજા વધુ સુખી.  

૫૧. સાદાઈ સારી વસ્તુ છે, પણ તે વાણી અને વ્યવહારની  

૫૨. જે લોકો માત્ર વસ્ત્રો અને જીવનધોરણની સાદાઈ રાખે છે, પણ વ્યવહારમાં કુટિલતા રાખે છે, તે સાચી સાદાઈ નથી.  

૫૩. વસ્ત્રો અને જીવનધોરણની સાદાઈથી વધુ માણસોને રોજીઓ મળતી નથી.  

૫૪. પ્રજાનું ખર્ચાળપણું અંતે તો કોઈને રોજી આપે છે.

૫૫. શક્તિ બહારનો ખર્ચો કરવો નહિ, તેથી દેવું વધશે. દેવાદાર માણસ કદી સુખી ન હોય.

 ૫૬. પોતાની ઓખાતને સમજવી. પછેડી કરતાં પગ ટુંકા રાખવા. આવક કરતા જાવક ઓછી હોય તે સુખી થાય.  

૫૭. આવક વધારવાના સાચા પ્રયત્નો કરવા તે પાપ નથી. દોષ નથી. કરવા જ જોઈએ.  

૫૮. ભૌતિક સુખોનાં પાંચ ક્ષેત્રો છે. ૧. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને અંતરીક્ષ. એ પાંચે દ્વારા મળતાં સુખો શક્યતા અને સામર્થ્ય હોય તેટલાં ભોગવવા.  

૫૯. પૃથ્વીનું સુખ – સારી ફળદ્રુપ ભૂમિમાં રહેવું. સારા પાડોશીવાળા ભદ્રમહોલ્લામાં રહેવું. સારાં હવા-ઉજાસવાળા મકાનમાં રહેવું, સારા બાગ-બગીચાવાળા ફાર્મ-હાઉસમાં રહેવું વગેરે. આ બધું હકનું નીતિનિયમથી મળ્યું હોય તો તેને ભોગવવામાં કોઈ દોષ નથી.

૬૦. જળ નું સુખ એ છે કે જ્યાં મીઠું, સ્વાદીષ્ટ, આરોગ્યપ્રદ અને મબલક પાણી હોય ત્યાં રહેવું. પાણીનો જરાય કકળાટ ન હોય, એવી બોર, પંપ, ટાંકી, સ્વીમીંગ-પૂલ વગેરેની સગવડો કરાવવી તે જળસુખ છે.  

૬૧. અગ્નિસુખ એ છે કે જ્યાં પર્યાપ્ત વીજળી હોય, ગેસ હોય, સમશીતોષ્ણ ઋતુઓ હોય, અતીશય ગરમી ન હોય, લૂ ન હોય, ખેતી ને પુરતી ગરમી મળી રહે જેથી ગ્રીન-હાઉસ કરવા ન પડે. આવી રીતે અગ્નિનાં સુખો હોય છે, આનાથી વિપરીત હોય તો અગવડો થઈ કહેવાય.  

૬૨. વાયુંનું સુખ એ છે કે, જ્યાં આંધી-તોફાન, વંટોળિયા ન આવતા હોય. પંખા અંને AC હોય. આખા ઘરમાં ઠંડક હોય, આ વાયુનું સુખ છે. તેનાથી વિપરીત હોય તો અગવડો થાય અને લોકો દુખી થાય.  

૬૩. અંતરીક્ષનું સુખ એ છે કે ઇચ્છા પ્રમાણે જવા-આવવા માટે વાયુયાન હોય. પોતાનું વાયુયાન હોય, અંતરીક્ષ થી રેડીઓ, ટી.વી., ટેલિફોન, મોબાઈલ વગેરેની પૂરેપૂરી સગવડ હોય તો તે અંતરીક્ષ સુખ છે. આ સગવડોથી થનારાં સુખો વિજ્ઞાનને આધીન છે. અને વિજ્ઞાન સતત વિકસતું જ રહે છે એટલે નવીનવી સગવડો વિકસવાની જ છે, તેનો સ્વીકાર કરવો, તેને પચાવવી એ અર્થમાં કે પ્રત્યેક વસ્તુનો સદુપયોગ-દુરૂપયોગ થતો જ હોય છે, આ બધાના દુરુપયોગથી બચવું અને સદુપયોગ કરવો – એ પચાવવું છે.

___________________________ __________________

વિનોદ વિહારની સ્વામી સચ્ચિદાનંદ વિશેની એક અગાઉ પોસ્ટ થયેલી પોસ્ટ નીચે વાંચો .

દંતાલીના કર્મયોગી સંત સચ્ચિદાનંદજી અને એમનું પ્રેરણાદાયી સાહિત્ય

_____________________________________________________

આભાર- શ્રી ભીખુભાઈ મિસ્ત્રી, હ્યુસ્ટન .

(116) વિનોદ વિહારમાં શરુ થતી એક નવી લેખ શ્રેણી “આજનો શબ્દ – વિચાર વિસ્તાર ” માં “શબ્દ” વિષે….. .

વિનોદ વિહારમાં આજથી એક નુતન લેખ શ્રેણી “આજનો શબ્દ – વિચાર વિસ્તાર ” શરુ કરવામાં આવે છે.

આ લેખ શ્રેણીમાં કોઈ એક પસંદ કરેલા શબ્દ ઉપર મનમાં જે વિચારો આવે એને વિસ્તારીને પોસ્ટમાં આલેખવામાં આવશે.

આ શ્રેણીમાં આજનો પસંદ કરેલ શબ્દ  છે “શબ્દ “

આજનો શબ્દ -” શબ્દ”

એના વિષે વિચાર વિસ્તાર

આ કાના માતર વિનાના અઢી અક્ષરના શબ્દ “શબ્દ” ઉપર મારા મનમાં ઉદભવેલ વિચારોને વિસ્તારીને નીચે મુકું છું.

રોજે રોજ લોકો દ્વારા કેટલા શબ્દો બોલાતા હશે એનો અંદાઝ મેળવવો અશક્ય છે.જગતના કરોડો લોકોના મનમાં જ્ન્મ લેનાર શબ્દો વાક્યો બનીને  લેખો,પુસ્તકોમાં સંગ્રહ પામીને પુસ્તકાલયોમાં કેદ બનીને સદીઓથી પડેલા છે. રોજે રોજ આપણા નેતાઓ,એમનાં ભાષણોમાં શબ્દોના બાણોની  વર્ષા કરતા હોય છે.ટીવી રેડિયો,નાટકો ચલચિત્રો એમ ગણી ન ગણાય એટલી જગાએ શબ્દો જ અને માત્ર શબ્દો .લેખકોના વિચાર વલોણામાંથી શબ્દો રૂપી દહીં વલોવાઈને જે માખણ બને છે એનું નામ જ સાહિત્ય .જગતનો સૌથી નાનામાં નાનો અને જેનો અર્થ વિસ્તાર કરવા પુસ્તકો પણ ઓછાં પડે એવો જો કોઈ શબ્દ હોય તો એ છે મા.

શબ્દ  એટલે વાચા-વાણી.તમારા હૃદય-મનમાં ચાલતા વિચારોનો શબ્દ પડઘો પાડે છે.શબ્દ એ માનવ જાતને જન્મ સાથે જ ભગવાને આપેલી અણમોલ ભેટ છે.જન્મથી જ તમારો શબ્દ તમારી પહેચાન બનતો હોય છે.શબ્દની કિંમત કોઈ મુક કે બધિર ભાઈને નિહાળવાથી સમજાય છે.

બોલવું અને બોલી-બકી નાખવું એમાં ઘણો ફેર છે.કેટલાંક બોલે છે ,કેટલાંક બોલી નાખે છે.તમે જે બોલો એનું વજન પડવું જોઈએ .એમાંથી અર્થ નીકળવો જોઈએ. દ્રૌપદીના કૌરવો માટે સમજ્યા વગર વાપરેલા કટુ શબ્દો કે  “આંધળાના આંધળા જ હોય ” એ આખું મહાભારત રચ્યું હતું એ આપણે જાણીએ છીએ. શબ્દોને દાંત નથી હોતા પણ જ્યારે પણ એનાથી કોઈને જ્યારે બચકું ભરવામાં આવે છે ત્યારે એ ઘા એટલો ઊંડો હોય છે કે જીવનની સમાપ્તિ સુધી મન ઉપર પડેલો ઘા નથી રૂઝાતો કે નથી ભરાતો.

એક સરસ અરબી કહેવત છે કે “નહીં બોલાયેલો શબ્દ તમારો ગુલામ છે ,બોલાયેલો શબ્દ તમારો માલિક .” એવી  જ એક બીજી શબ્દ અંગેની એક ચીની કહેવત પણ છે કે “બે વસ્તુ નબળાઈની એંધાણી છે : બોલવું ઉચિત હોય ત્યારે મૂંગા રહેવું અને મૌન ઉચિત હોય ત્યારે બોલવું.” સહદેવ માટે એમ કહેવાય છે કે એ મનમાં બધું જાણતો, સમજતો હતો પણ કોઈ પૂછે નહીં ત્યાં સુધી કશું બોલતો ન હતો.જ્યારે ભીમ કોઈ પૂછે કે ન પૂછે જે મનમાં હોય એ ભરડી નાખતો.બોલવા વિષે સહદેવ અને ભીમ વચ્ચેનો મધ્યમ માર્ગ અપનાવવા જેવો ખરો !

શબ્દની સાથે ઘસો જો શબ્દને, ભડકો થશે,  

આ સૂતેલું લોહી જયારે જાગશે તડકો થશે…   

-હર્ષ બ્રહ્મભટ્ટ

શબ્દોમાં અપાર શક્તિ પડેલી છે.કોઈ સારા વક્તા દ્વારા વપરાયેલા શબ્દો લોકોને પ્રેરક બનીને જીવન પલટો કરાવી શકે છે.કોઈના યોગ્ય રીતે કરેલ વખાણ એ વ્યક્તિને જીવન સારી રીતે જીવ્યા બદલ પોરસ ચડાવે છે.એનામાં પડેલી સુસુપ્ત શક્તિઓને વધુ બહાર લાવવા માટે કટીબદ્ધ કરે છે.કોઈની અયોગ્ય ટીકા સંબંધોમાં તિરાડ પાડતી હોય છે.કોઈએ સરસ કહ્યું છે કે એવું મીઠું ન બોલો કે જગત તમને ચાવી જાય તો એટલું કડવું પણ ન બોલો કે જગત તમને થૂંકી નાખે.કેટલાક લોકોના શબ્દો દરજીની કાતરની જેમ કાપવાનું કામ કરે  છે જ્યારે કેટલાકના શબ્દો એની સોયની જેમ જોડવાનું કામ કરતા હોય છે.

શબ્દ નો વિરોધી શબ્દ છે અપશબ્દ.શબ્દો એ ગમે તેમ બોલીને વેડફી મારવાની ચીજ નથી.યોગ્ય સમયે યોગ્ય શબ્દ વાપરવાની કુનેહ જરૂરી છે. મનમાં કઈ અને જીભ ઉપર કઈ એ અપ્રમાણિકતાની નિશાની છે.સારા અને સ્પષ્ટ શબ્દો વાપરનાર ઉપર લોકો વિશ્વાસ મુકતા હોય છે.આવા પ્રમાણિક માણસોના બોર બજારમાં જલ્દી ખપી જાય છે. કોઇના યોગ્ય કામના યોગ્ય વખાણ કરવા સારા શબ્દો વાપરવામાં કંજૂસાઈ કરવા જેવી નથી . સમજ્યા વગર અને પરિણામની કાળજી દાખવ્યા વિના બોલાયેલા શબ્દો નફરતની આગ પેદા કરી શકે છે.સમય સુચકતા અને પ્રેમથી યોગ્ય સમયે વપરાયેલા યોગ્ય શબ્દથી કોઈની ચિંતાને હળવી કરી આશીર્વાદ સાબિત થઇ શકે છે.બીજો તમારા વિષે કઈ બોલે અને તમારી લાગણી દુભાતી હોય તો એ જ વસ્તુ તમારા બીજાના વિષે બોલાયેલા શબ્દોને પણ એટલી જ લાગુ પડે છે.શબ્દ તારે છે તો ડુબાડે પણ છે.શબ્દ હસાવે છે તો રડાવે પણ છે.શબ્દ જો અમૃત છે તો વિષ પણ છે.શબ્દ સાથે રમત ખેલવા જેવી નથી. એનો ઉપયોગ બહું જ સાવધાનીથી કરવા જેવો છે.

શબ્દ અંગે અંગ્રેજીમાં મેં એક સુંદર અવતરણ મારી નોટબુકમાં ટપકાવી રાખ્યું છે એ નીચે આપું છું.

A  careless  word may kindle strife

A  cruel word may wreck a life

A  bitter word may hate instill

A  brutal word may smite and kill

A  joyous word may light the day

A  timely word may lessen stress

A  loving word may heal and bless .

કહેવત છે કે બોલે એના બોર વેચાય તો એનાથી વિરુદ્ધ એક બીજી પણ કહેવત છે કે ન બોલ્યામાં નવ ગુણ.બહું બોલે નહિ એ મુગામાં અને બહું બોલે એ બોલકામાં ખપી જાય છે.એક સરસ અરબી કહેવત છે કે “નહીં બોલાયેલો શબ્દ તમારો ગુલામ છે જ્યારે બોલાયેલો શબ્દ તમારો માલિક .”ઘણા માણસો જ્યાં સુધી બોલે નહીં ત્યાં સુધી એમની મૂર્ખામી વિષે શંકા રહે છે પરંતુ જ્યારે બોલે છે ત્યારે એમની  મૂર્ખામી વિષે રહી સહી શંકાનું નિવારણ થઇ જાય છે.

માણસના મનના સરોવરમાં ચાલતાં વિચાર વર્તુળો અમાપ અને અનંત છે.એને નથી કોઈ આરો કે ઓવારો.આ વિચારોને સંપૂર્ણ રીતે શબ્દોમાં કેદ કરવા અશક્ય છે.શબ્દ વિષે હજુ વધુ વિચારીએ તો ઘણા શબ્દો લખી શકાય એમ છે.મને જે વિચાર આવ્યા એનાથી વધુ સારા વિચારો વાચકોના મનમાં પણ આવી શકે છે.વાચકોના વાચન,જ્ઞાન, અનુભવ અને કલ્પના શક્તિ આધારિત બીજા પૂરક શબ્દો એમના મનમાં ઉદભવે એ બિલકુલ સ્વાભાવિક છે.

વાચકોને એમનાં મનમાં રમતા શબ્દ વિષય ઉપરના વધુ પૂરક શબ્દો પ્રતિભાવ પેટીમાં લખી જણાવવા નિમન્ત્રણ છે.

આ વિનોદ વિહારની નવી શરુ કરેલી શબ્દ શ્રેણીમાં આજના શબ્દ “શબ્દ ” ઉપર જે બે શબ્દો મેં લખ્યા છે એ શબ્દો તમોને જો ગમ્યા હોય

તો એના પ્રતિભાવમાં તમારા તરફથી વધુ બે શબ્દો ઉમેરીને લખવામાં કંજુસી ન કરતા.

એવું જ નિમંત્રણ હવે પછી પોસ્ટ થનાર બીજા શબ્દો માટે પણ ખરું.

હવે પછીનો શબ્દ છે …”મન”. ચાલો મન એના ઉપર  મનન કરવા માંડો.!

વિનોદ આર. પટેલ, સાન ડીયેગો

(115 ) શ્રી કૃષ્ણ-શ્રી નાથજીના-ભક્તિ રસથી ભરપુર પાંચ ભજનો-વિડીયો-શ્રી નાથજીની માયા ભાગ-1 થી ભાગ 5 -સચિન ગ્રુપ

શ્રી કૃષ્ણ ભક્તિથી ભરપુર સુર મંદિરના પાંચ વિડીયોની લીંક શ્રી દિલીપભાઈ સોમૈયાના  ઈ-મેલમાં પ્રાપ્ત થઇ .

આ બધા વિડીયો જ્યારે મેં સાંભળ્યા ત્યારે મન શ્રી કૃષ્ણ -શ્રી નાથજી નાં ભક્તિ રસથી તરબોળ થઇ ગયું.

આ બધા જ વિડીયોમાં સચિન ગ્રુપના સભ્યોના સુંદર કંઠે અને કર્ણ પ્રિય સંગીત મઢ્યા ચૂંટેલા સરસ શ્રી નાથજીનાં ભજનો સૌને જરૂર ગમશે.

વિડીયોમાં શ્રી નાથજી મંદિર નાથદ્વારા અને અન્ય મંદિરોનાં દ્રશ્યો અને મંદિરનાં દર્શનાર્થીઓનાં વૃંદ જોઇને જાણે અમેરિકા બેઠાં શ્રી નાથજીની

જાત્રા ન કરી રહ્યા હો એવું લાગ્યા કરે છે.

વિડીયોની શરૂઆતમાં શ્રી કૃષ્ણ અને એમની લીલાઓ અંગે એક ભાઈ જે સાહિત્યિક ભાષામાં શ્રી કૃષ્ણ ચરિત્રની વાતો કહે છે એ ખુબ

સુંદર છે અને આ વીડિયોના ભક્તિ રસમાં ઉમેરો કરે છે.

આવો,   આ પાંચ શ્રીનાથજીની માયા અંગેના વિડીયોનાં પાંચ  સુંદર ભજનોનો આસ્વાદ લઈને શ્રી કૃષ્ણમય બનીએ .

વૈષ્ણવ ભક્ત જનોને આ પોસ્ટના વિડીયો જરૂર ગમશે.

જય શ્રી કૃષ્ણ …..જય શ્રી નાથજી

વિનોદ આર. પટેલ , સાન ડીયેગો

__________________________________________________________________

Shrinathji ni maya- Part 1

http://www.youtube.com/watch?v=6OBpMS4UIMM&feature=related

_______________________________________________________________________-

Shrinathji ni maya- Part 2

http://www.youtube.com/watch?v=9-eiPWNb2hA&feature=related

______________________________________________________________________

Shrinathji ni maya- Part 3

http://www.youtube.com/watch?v=f4WLp74h3eM&feature=related

________________________________________________________________________

Shrinathji ni maya- Part 4

http://www.youtube.com/watch?v=d2_4g4faWEg&feature=related

__________________________________________________________________________-

Shrinathji ni maya- Part 5

http://www.youtube.com/watch?v=t8Zf1K5vWzs&feature=related

__________________________________________________________________________

(આ પાંચ વિડીયો થી આગળ પણ બીજા ઘણા ભાગો છે.રસ ધરાવતા વાચકો એને પણ માની શકે છે.)

આભાર- શ્રી દિલીપ સોમૈયા