વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ઓક્ટોબર 3, 2012

(101) ગાંધી જયંતિ (ભાગ-૨)- ગાંધીજીનાં પૌત્રી સુમિત્રા ગાંધીની એમના દાદા વિશેની કેટલીક રસપ્રદ વાતો

ગાંધીજી ક્યારેય પોતાનો જન્મદિવસ ઊજવતા નહોતા’

 આખો દેશ રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી, જેને દેશવાસીઓ મહાત્મા ગાંધી તરીકે ઓળખાવે છે, તેમની ૧૪૩મી જન્મજયંતિ ઊજવી રહ્યો છે અને સમગ્ર દુનિયામાં આ દિવસને ‘વિશ્વ અહિંસા દિવસ’ તરીકે મનાવવામાં આવે છે ત્યારે ગાંધીજીના પૌત્રી સુમિત્રા ગાંધી-કુલકર્ણીએ એમનાં દાદા વિશે કેટલીક રસપ્રદ વાતો કહી છે.

ગાંધીજીના ત્રીજા નંબરના પુત્ર રામદાસના પુત્રી સુમિત્રા ગાંધી-કુલકર્ણી અમદાવાદમાં જે.પી. નગરના ફ્લેટમાં એમનાં પતિ પ્રો. જી.આર. કુલકર્ણી સાથે સાદગીભર્યું જીવન વિતાવે છે. પ્રો. કુલકર્ણી આઈઆઈએમ-અમદાવાદના સ્થાપક ફેકલ્ટી મેમ્બર છે.

૮૩ વર્ષનાં સુમિત્રાએ એક મુલાકાતમાં કહ્યું કે, ગાંધી બાપુ મને સુમી કહીને બોલાવતા .

ગાંધીજીએ દેશની આઝાદીની લડત દરમિયાન સુમિત્રાને અનેક પોસ્ટકાર્ડ લખ્યા હતા. એમાંના એકમાં દાદા અને પૌત્રી વચ્ચેનાં મજબૂત લાગણીભર્યાં સંબંધો જોવા મળ્યા હતા. ગાંધીજીએ એમને એક સલાહ આપેલી: ‘સુમી, તારે તારા અક્ષર સુધારવાની જરૂર છે.’

સુમિત્રાએ કહ્યું કે, મારો ઉછેર સાબરમતી આશ્રમમાં થયો હતો. ૧૯૨૯માં મારો જન્મ થયો ત્યારે બાપુજી ૬૦ વર્ષના હતા. એમણે જ મારું નામ સુમિત્રા રાખ્યું હતું. એમને રામાયણમાં લક્ષ્મણનાં માતાનું પાત્ર ખૂબ ગમ્યું હતું એટલે મારું નામ એ રાખ્યું. એ બધા કાગળોમાં મને સુમી કહેતા. એ કહેતા કે ‘મને મારા ૬૦મા જન્મદિન નિમિત્તે ભગવાન તરફથી તું ગિફ્ટમાં મળી છો.’ આશ્રમમાં એમને ખૂબ કામ રહેતું છતાં એ મારો હાથ પકડીને આશ્રમના વરંડામાં ચાલતા. મારે શું ખાવું જોઈએ, કેવી રીતે ખાવું જોઈએ અને ક્યારે ખાવું જોઈએ એની બાપુ ખૂબ કાળજી લેતા. શિસ્ત એમના જીવનનો એક હિસ્સો હતી. હું કાયમ સાચા માર્ગે રહું એવો તે પૂરો ખ્યાલ રાખતા.

ગાંધીજીનાં જન્મદિનનો ઉલ્લેખ કરતાં, સુમિત્રાએ કહ્યું કે, બાપુ ક્યારેય એમના જન્મદિનને મહત્વ આપતા નહોતા. માત્ર આશ્રમના સભ્યો એમનો જન્મદિવસ ઊજવતા. મોટા ભાગના લોકો એ દિવસે ઉપવાસ કરતા. અમે પણ ઘરમાં ક્યારેય જન્મદિવસ ઊજવતા નથી. કારણ કે જન્મદિવસોએ બાળકો બહુ લોભી અને લાલચું બની જતા હોય છે. મારાં બાળકો (રામ, ક્રિસ અને સોનાલી) તથા અમારાં પૌત્ર-પૌત્રીઓનો જન્મદિવસ પણ અમે ઊજવતાં નથી.

ગાંધીજીની જ્યારે હત્યા થઈ ત્યારે તમે ક્યાં હતાં? એ સવાલના જવાબમાં સુમિત્રાએ કહ્યું, હું ૧૯૪૮ના એ દિવસે હું બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. બાપુજીની હત્યા કરાયાના સમાચાર સાંભળીને હું અવાચક્ થઈ ગઈ હતી. ગમગીન અવસ્થામાં ટ્રેન પ્રવાસ કરીને હું રાજઘાટ પહોંચી હતી. ત્યાં લાખો લોકો ભેગા થયા હતા. મારા પિતા રામદાસ ગાંધીએ અગ્નિદાહ આપ્યો હતો. એ વખેત હું ૧૯ વર્ષની હતી. મને ઘણી વાર થાય કે બાપુજી કમસે કમ એક વર્ષ તો જીવવા જ જોઈતા હતા. એમને મારું કન્યાદાન કરવાની તક મળત, કારણ કે એ જમાનામાં ૧૯મા વર્ષે છોકરીનાં લગ્ન સામાન્ય વાત હતી.

Be Sociable, Share!

(સૌજન્ય-ચિત્રલેખા)