Daily Archives: ઓક્ટોબર 5, 2012

ગાંધી જયંતી સપ્તાહ
મને યાદ છે કે હું જ્યારે હું હાઈસ્કુલમાં કડી સર્વ વિદ્યાલયમાં પાટીદાર આશ્રમમાં રહીને ભણતો હતો ત્યારે ગાંધી જયંતી -રેન્ટીયા બારસ -નીએક સપ્તાહ સુધી ઉજવણી કરવામાં આવતી.ગાંધી કુટીર બનાવવામાં આવતી.વિદ્યાર્થીઓમાં રેન્ટીયા ઉપર સુતર કાંતવાની હરીફાઈઓ યોજાતી.ગાંધીજીના જીવન ઉપર વકતૃત્વ સ્પર્ધાઓ યોજાતી.આમંત્રિત વક્તાઓ ગાંધીજીના જીવન ઉપર પ્રવચનો આપતા.આ રીતે આખું સપ્તાહ ગાંધીમય બની જતું.સર્વ વિદ્યાલય -કડી ગાંધી મુલ્યોને વરેલી જાણીતી રાષ્ટ્રીય શાળા હતી. પ્રકૃતિમય વિશાળ પરિસરમાં ફેલાયેલી આ સંસ્થા ઉત્તર ગુજરાતનું શાંતિ નિકેતન કહેવામાં આવતી હતી.
આ યાદગીરીને અનુરૂપ વિનોદ વિહારના ગાંધી સપ્તાહમાં આજની પોસ્ટમાં ગાંધી-ગંગા”પુસ્તકમાંથી ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગો ,વાચકો ગાન્ધીજીના જીવનનાં કેટલાંક પાસાઓની ઝલક મેંળવે એ હેતુસર મુકેલ છે.
ગાંધીજીના જીવનના પ્રસંગો પુરા થાય એ પછી -ઓક્ટોબર ૨૦૦૮ ગાંધી સેવાદિન નિમિત્તે ગાંધીનાવિચારો તેમજ કાર્યોથી પ્રભાવિત અમેરિકાના હાલના પ્રમુખ બરાક ઓબામાનું વક્તવ્ય વાંચી શકાશે.
વિનોદ આર. પટેલ, સાન ડિયેગો .
_________________________________________________________________
ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગો (ગાંધી-ગંગા”પુસ્તકમાંથી)
‘તેથી એકલો આવ્યો છું’/કાકાસાહેબ કાલેલકર
ચંપારણની વાત છે. ત્યાંના નીલવરોના અન્યાય ને અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરેલી અને પ્રજામાં કંઇક ચેતન આવ્યું હતું. બાપુએ ઠેકઠેકાણે શાળાઓ ખોલેલી તેની પણ લોકો પર સારી અસર થવા માંડી હતી. ગોરા નીલવરો આથી ગભરાયા હતા.
કોઇએ બાપુને કહ્યું, “અહીંનો અમુક નીલવર સૌથી દુષ્ટ છે. તે આપનું ખૂન કરાવવા માગે છે ને તેને માટે તેણે મારા રોક્યા છે.”
આ સાંભળીને બાપુ એક દિવસ રાત્રે એકલા પેલા ગોરાને બંગલે પહોંચ્યા ને કહેવા લાગ્યા: “મેં સાંભળ્યું છે કે મને મારી નાખવા માટે તમે મારાઓ રોક્યા છે, એટલે કોઇને કહ્યા વગર હું એકલો આવ્યો છું.”
પેલો બિચારો સ્તબ્ધ થઇ ગયો.
(ગાંધી-ગંગા:1/પાનું:22)
નાની નાની બાબતો
એક દિવસ ચંપારણથી બાપુનો પત્ર આવ્યો. અમારો આશ્રમ તે વખતે કોચરબમાં ભાડાના બંગલામાં હતો. પત્રમાં લખ્યું હતું:
“હવે ત્યાં વરસાદ શરૂ થયો હશે, નહીં થયો હોય તો થશે. હવાની દિશા હવે બદલાઇ જશે. એટલે આજ સુધી જે ખાડાઓમાં પાયખાનાના ડબા ખાલી કરતા તેમાં ન કરવા. નહીં તો એ દિશામાંથી દુર્ગંધ આવવાનો સંભવ છે. એટલે જૂના ખાડા પૂરી દઇને અમુક જગ્યાએ નવા ખાડા ખોદવા.”
આ પત્રની મારા મન પર ઊંડી અસર થઇ. બાપુ ચંપારણમાં તપાસનું કામ કરે છે, છતાં આશ્રમની આવી નાની નાની બાબતોની પણ કાળજી રાખે છે !‘જે માણસ નાની નાની વિગતોનો વિચાર કરીને તેનો ઉપાય તૈયાર રાખે છે તે જ યુધ્ધમાં વિજયી થાય છે.’ એ મતલબનાં નેપોલિયનનાં વચનો મને યાદ આવ્યાં.
(ગાંધી-ગંગા:1/પાનું-૨૮)
બે ખાનાંનો પરિગ્રહ / મનુબહેન ગાંધી
નોઆખલી ને બિહારના યજ્ઞમાં ઝંપલાવ્યા પછી 1947ની 30મી માર્ચના રોજ બાપુજીને લૉર્ડ માઉંતબૅટનને મળવા જવાનું થયું. વાઇસરૉયે તો બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા. પણ “જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય?” એમ કહી તેમણે તેનો ઇનકાર કર્યો. અને “ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું, એટલે હું તો આગગાડીમાં જ આવીશ.” એવો નિશ્ચય કર્યો.
ગરમી અસહ્ય હતી. ચોવીસ કલાકનો રસ્તો હતો. એમણે મને બોલાવીને કહ્યું; “ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો.”
મેં સામાન તો ઓછામાં ઓછો લીધો. પણ સ્ટેશને સ્ટેશને બાપુજીના દર્શનાર્થીઓની એટલી ભીડ જામશે કે ઘડીયે એમને આરામ નહીં મળે; આમ વિચારીને મે બે ખાનાંવાળો ડબ્બો પસંદ કર્યો.એકમાં સામાન રખાવ્યો અને બીજામાં બાપુજીને સૂવાબેસવાનું રાખ્યું.
પટણાથી દિલ્હી જતી ટ્રેન સવારે 9-30 વાગ્યે ઊપડે. ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન 10 વાગ્યે લેતા. હું બીજા ખાનામાં જઇ સામાન ખોલી બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઇ. થોડી વારે બાપુજીવાળા ખાનામાં આવી. બાપુજી તો લખવામાં પડ્યા હતા. મને પૂછ્યું.”ક્યાં હતી?” મેં કહ્યું, “અહીં ખાવાનું તૈયાર કરતી હતી.” તેમણે મને બારીએથી બહાર નજર નાખી જોવાનું કહ્યું. મેં બહાર જોયું તો લોકો લટકતા હતા. મને મીઠો ઠપકો મળ્યો:”આ બીજા ખાનાનું તેં કહ્યું હતું ?”
મેં કહ્યું :”હા બાપુજી, હું અહીં જ બધું કામકાજ કરું-સ્ટવ પર દૂધ ગરમ કરું,વાસણો સાફ કરું, તેથી આપને તકલિફ પડશે એમ જાણીને મેં બીજા ખાનાનું કહ્યું.”
“કેવો લૂલો બચાવ છે ! આંધળો પ્રેમ તે આનું નામ. એક સ્પેશિયલ પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારનું ખર્ચ થઇ પડે? એ મને કેમ પોસાય? હું જાણું છું કે તું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમને વશ થઇને કરે છે. પણ મારે તો તને ઊંચે ચડાવવી છે, નીચે નથી પછાડવી, એ તારે સમજવું જોઇએ. અને સમજી હો તો હું તને કહી રહ્યો છું અને તારી આંખમાંથી પાણી પડી રહ્યાં છે તે ન પડવાં જોઇએ. હવે એનું પ્રાયશ્ચિત્ત એ જ કે, તું બધો સામાન અહીં ખસેડી લે અને આગળનું સ્ટેશન આવે ત્યારે સ્ટેશન-માસ્તરને મારી પાસે બોલાવજે.”
હું તો થરથર કાંપતી હતી. સામાન તો ખસેડ્યો, પણ અમને બાપુજીની ચિંતા થતી હતી કે હવે કેમ થશે?વળી ટ્રેનમાં લખવાનું, વાંચવાનું, માટી લેવાનું, કાંતવાનું, મને ભણાવવાનું વગેરે બધું જ કામ !જેટલું ઘરમાં બેઠાં કરવાનું રહે તેટલું જ ટ્રેનમાં મુસાફરીમાં પણ ચાલુ રહે !
અંતે સ્ટેશન આવ્યું. સ્ટેશન-માસ્તરને બોલાવ્યા. બાપુજીએ એને મારું પરાક્રમ કહ્યું કે, “આ છોકરી મારી પૌત્રી છે, પણ બિચારી ભોળી ભલી છે. હજુ મને કદાચ સમજી નહીં હોય, તેથી જ આ બે ખાનાં પસંદ કર્યાં.એમાં એનો દોષ નથી. દોષ મારો જ. મારી કેળવણી એટલી અધૂરી હશે ને? હવે મારે અને એણે બંની પ્રાયશ્ચિત્ત કરવું રહ્યું. એટલે આ ખાનું ખાલી કરી નાખ્યું છે. તેનો ઉપયોગ તમે વધારાના પૅસેંજર લટકે છે તેને માટે કરો; તો જ મારું દુ:ખ હળવું થશે.”
સ્ટેશન-માસ્તરે ઘણી આજીજી કરી,પણ બાપુજી ક્યાં માને તેવા હતા? સ્ટેશન-માસ્તરે ત્યાં સુધી કહ્યું કે, “હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી લઉં.”
બાપુએ કહ્યું:’બીજો ડબ્બો તો જોડવો જ જોઇએ, પણ આનો ઉપયોગ કરી લો. જે ન જોઇતું હોય છતાં વધારે મળે છે તે વાપરવું, તેમાં હિંસા છે. મળતી સગવડનો દુરુપયોગ કરાવી આ છોકરીને તમે બગાડવા માગો છો?” બિચારા સ્ટેશન-માસ્તર ઝંખવાણા પડી ગયા અને અંતે બાપુજીનું કહેવું માનવું પડ્યું.
(ગાંધી-ગંગા:1/પાનું:54-55)
___________________________________________.

૨-ઓક્ટોબર ૨૦૦૮,ગાંધી સેવાદિન
મોહનદાસ કરમચંદ ગાંધીના વિચારો તેમજ કાર્યોથી પ્રભાવિત
પ્રેસીડન્ટ બરાક ઓબામાનું વક્તવ્ય
પ્રિય મિત્રો,
આજે સમગ્ર અમેરિકા અને વિશ્વભરમાં ઉજવતા મહાત્મા ગાંધી ના જન્મ દિવસે તેમની સેવા – તેમના કાર્યો ના સ્મરણોત્સવ માં જોડાવા નો મને આનંદ છે. લોકો ને એકત્રિત કરી ને શાંતિપુર્ણ રીતે પોતાની માંગણીઓ અને સામર્થ્યપુર્વક હકારાત્મક પરિવર્તનો લાવવાની ગાંધીજી ની પ્રતિબદ્ધતા આજે પણ એટલી જ સામર્થ્યશીલ છે.
તેમની શક્તિ અને અપ્રતિમ હીંમતના ઉદાહરણે લોકોમાં અત્યાચાર સામે લડવા , શાસન થી મુક્તિ મેળવવા ની ચિનગારી પેટાવી .તેમના સ્વતંત્રતા મેળવવાના સુત્રીકરણ માં અનેક વ્યુહરચનાઓ હતી પરંતુ ગાંધીજી એ ધાક સામે હિંમત નો માર્ગ અપનાવ્યો.
આપણે આજના સમયમાં પડકારો નો સામનો કરવા જે પુરુષાર્થ કરી રહ્યા છીએ તે માટે અમેરિકા પાસે ઘણા વિકલ્પો છે ..આપણે પણ આપણી શક્તિ અને અટલ શ્રદ્ધાથી નવપ્રાપ્તિ ના ઉચ્ચ માર્ગ તેમજ નૈતિક નેત્રુત્વ માટે ની પરિસ્થિતિની પરિભાષા એ સંયુક્ત રાજ્ય ને – {યુનાઇટેડ સ્ટેટ } ને ઉચ્ચ કક્ષાએ મુક્યુ છે.
ગાંધીજી ના વિચારો સાર્વભૌમિક છે .વિશ્વભરના અગણિત લોકો તેમની શક્તિ અને ચારિત્ર્ય થી પ્રભાવિત છે.
તેમના સ્વાતંત્ર સંગ્રામ થી પ્રેરીત અમેરિકા ની યુવાન પેઢી સદીઓ થી ચાલ્યા આવતા પૂર્વ યુરોપ તેમજ દક્ષિણ આફ્રિકા ના સમાન હિતો પ્રત્યેની ઉદાસીન સમાજ રચના દૂર કરવા ના અધિકાર માટે શાંતિપૂર્ણ ક્રાંતિ તરફ દોરાયા છે. નેલ્સન મંડેલા ,દલાઈ લામા ,તેમજ ડો.માર્ટીન લ્યુથર કીંગે પોતાના વક્ત્યવમાં ગાંધીજી ના ભારે રૂણ નો સ્વીકાર કર્યો છે. મારા કાર્યાલય માં મુકાયેલુ તેમનુ તૈલચિત્ર મને હંમેશા યાદ અપાવે છે કે સાચુ પરિવર્તન વોશિંગટન થી નથી આવવાનુ પણ એ ત્યારે જ આવશે જ્યારે લોકો તેને વોશિંટન સુધી લઈ આવશે.
આ ચુનાવ અતિ મહત્વનો નો છે. આ આપણા માટે પરિવર્તન નો સમય છે.આપણે એ જોવાનુ છે કે ઘણે દુર સુધી માં સામાન્ય અમેરીકન નાના માં નાની વાત માટે વધુ માં વધુ મહેનત કરે.આપણે જોયુ છે કે વિશ્વ માં ક્ષીણ થતા જતા આપણા અસ્તિત્વ માટે યુધ્ધમાં અમેરિકનો એ જીંદગી ગુમાવવી પડે તે માન્યતા ને વધુ સમય માટે સહન કરી શકાય નહી.હું માનુ છું કે પરિવર્તન માટે તમે સજાગ બનો ,કાર્યશીલ બનો. ગાંધીજીની માન્યતા ને અનુરૂપ વિશ્વ ના પરિવર્તન માટે આજ રોજ થી જ ૪ નવેમ્બર સુધી અને તેથી પણ આગળ વધી ને આપણી જાત ને ફરી સમર્પિત કરીએ.
આપનો વિશ્વાસુ,
બરાક ઓબામા
(સૌજન્ય –અનુવાદ-રાજુલ શાહ)
_______________________________________________________________

વાચકોના પ્રતિભાવ